સ્વર્ગ - ૩ Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વર્ગ - ૩


આખરે અમને મળી ગયું..!!

અરિષ્ટાસુરની શક્તિઓ વિશે સાંભળ્યા પછી તો મને પણ ડર લાગી રહ્યો હતો. મને પણ શંકા થઈ ગઈ હતી કે અમે અર્ધાંગાસુરને બચાવી શકશું કે કેમ.?. કદાચ અર્ધાંગાસુરને બચાવ્યા પછી અમે જીવતા પાછા આવી શકશું કે કેમ.?. આવા અનેક પ્રશ્નો મને ઘેરી વળ્યાં. મારી હિંમત તૂટી રહી હતી. કદાચ ભગવાન પણ એ વાત સમજી ગયા હતા. એટલે મારી હિમ્મત વધારવા માટે મારા હાથ પોતાના હાથમાં લઈ અને મારી આંખોમાં જોઈને મને પ્રેમથી સમજાવતા બોલ્યા. " ચિંતા ન કર, દિપક. બધું બરાબર જ થવાનું છે અને હુ હંમેશા તારી સાથે જ છું, તુ હિંમત હાર્યા વિના બસ તારું કાર્ય કર્યે જા."

મને અચાનક કુરુક્ષેત્રનુ મહાભારત યાદ આવી ગયું. પણ આ યુદ્ધ એટલું ભયાનક તો નહી જ હોય એમ વિચારીને મે ભગવાનને અરિષ્ટાસુરની ખૂબીઓ સાંભળ્યા પછી તેની ખામીઓ વિશે પૂછ્યું તો તેઓ મને કહેવા લાગ્યા.

"તેની ત્રણ ખામીઓ છે."

૧) તેને આંખ કે કાન નથી એટલે તે જોઈ કે સાંભળી નથી શકતો. તે ખાલી જમીનનું કંપન મેહસૂસ કરીને જ હુમલો કરી શકશે.
૨) જ્યા તેના આગળના બે આંકડાઓના મૂળ છે તે એક જ જગ્યા એવી છે જ્યા તેના શરીરના કોઈ આંકડા કે કોઈ ડંખ પહોંચી નથી શકતા.
૩) જયારે તે શિકાર કરવામાં વ્યસ્ત હોય ત્યારે તેના જાદુની અસર ખુબ ઓછી થઈ જાય છે એટલે કે ત્યારે તેણે બંધ કરેલા જાદુઈ દરવાજા કમજોર થઈ જાય છે એટલે જો કોઈ ઈચ્છે તો તે જાદુઈ આવરણની બહાર કે અંદર જઈ શકે.

અરિષ્ટાસુરની ખામીઓ વિશે જાણીને મને કંઈક ઉમ્મીદ જાગી હતી કે કદાચ અમે અર્ધાંગાસુરને તેની કેદમાંથી આઝાદ કરાવી શકશું.

હુ જેટલું સમજ્યો હતો તે પ્રમાણે મે ભગવાનને સમજાવ્યું. "ઓકે, તો પ્લાન એમ છે કે હુ અરિષ્ટાસુરને મારો શિકાર કરવામાં વ્યસ્ત રાખું અને તમે અર્ધાંગાસુર ને આઝાદ કરાવશો, બરાબરને..?"

" એકદમ બરાબર." એમ કહી ભગવાને મારી પીઠ થાપથપાવી. " પણ એક વાતનું ધ્યાન રાખજે, જો અરિષ્ટાસુર તારો શિકાર કરવામાંથી થોડીવાર પણ ફ્રી થશે અને તેનું ધ્યાન પાછું પોતાના જાદુ પર જશે ત્યારે જો અર્ધાંગાસુરને આઝાદ કરાવવા હુ અંદર હોઈશ તો હુ પણ અંદર જ ફસાઈ જઈશ અને પછી અમને બંનેને કોઈ બહાર નહી કાઢી શકે. એટલે તારે એને એકદમ વ્યસ્ત કરી દેવાનો છે જેથી એનું ધ્યાન એમાં ને એમાં જ રહે." ભગવાન મને વાતની ગંભીરતા સમજાવતા બોલ્યા. એક રીતે જોતા મારા કરતા એમનું કામ વધારે અઘરું હતું. મે હકાર માં માથુ હલાવ્યું.

હવે બધી વાત સમજ્યા પછી જયારે હુ પેલા રાક્ષસ બાજુ ચાલતો થયો તો ભગવાને મને રોક્યો અને કહ્યું, " જો દિપક, આ જગ્યા એવી છે કે અહીં હુ તારી વધારે મદદ તો નહી કરી શકું પણ આ બે વસ્તુ તને ખુબ કામમાં આવશે." એમ કહી એમને એક પડીકા જેવી પેક વસ્તુ આપી. મે જયારે તેને ખોલી તો તેમાંથી એક તલવાર અને તલવારને વિંટાળીને પેક કરેલી કોઈક રજાઈ જેવી વસ્તુ નીકળી.

મે જયારે તલવાર હાથમાં લીધી તો તે એકદમ હલકી પણ ખુબ મજબૂત અને ધારદાર હતી. તલવાર તો ચાલોને સમજ્યા પણ આ રજાઈ શા માટે મને આપી એ ના સમજાયું.

મે ભગવાન સામે જોયું. તેઓ મને આપેલી બંને વસ્તુઓની ખૂબીઓ સમજાવતા બોલ્યા. " અરિષ્ટાસુરના શરીરનો ઉપરનો ભાગ અતિશય વધારે મજબૂત છે. તેને કોઈ બીજી તલવાર કે ભાલાથી તોડી શકાય એમ નથી પરંતુ આ તલવાર જાદુઈ છે જે એક જ હથિયાર એવુ છે જે તેના શરીરને ભેદી શકશે. બીજી વસ્તુ એક રજાઈ છે જેની ઉપર બેસીને કે ઉભા રહીને કોઈ પણ જગ્યાએ ઉડીને જઈ શકાય, એટલે તારે અરિષ્ટાસુર ની ગુફામાં પગ મુકવાની કદાચ જરૂર નહી પડે અને તુ ઉડી શકીશ." જતા પહેલા એક વાતનું ધ્યાન રાખજે, તારી પાસે અડધા કલાક જેટલો સમય રહેશે, એટલા સમયમાં તારે પેલી ગુફા અને અરિષ્ટાસુર બંને ને શોધી કાઢવા પડશે. હુ અડધા કલાક પછી જ અંદર જવા માટે આગળ વધીશ, એટલે તારે અરિષ્ટાસુરને એટલા સમયમાં પોતાની પાછળ વ્યસ્ત કરવો જ પડશે." "ઓકે, હુ મારાથી બનતી બધી જ કોશિશ કરીશ અને તમે પણ અર્ધાંગસૂર ને બહાર લાવવામાં વધારે સમય ના લેતા, બને એટલા જલ્દી બહાર આવી જજો." એમ કહીને હુ પેલી તલવાર અને રજાઈ લઈને ઝડપથી આગળ વધ્યો.

હુ જમણી બાજુ એ પેલી ગુફાને શોધતો આગળ વધ્યો. એક પછી એક એમ બધી જ ગુફાઓ વટાવતો હુ જઈ રહ્યો હતો. જયારે છેલ્લી ગુફા આવી તો મે જોયું કે તેમાં કોઈ રાક્ષસને કેદ કરવામાં આવેલો હતો અને તે જોતા તો લાગતું નહોતું કે આ અરિષ્ટાસુર હોય. હુ આગળ વધ્યો પણ આગળ થોડું ચાલ્યા પછી એક મોટી ગુફા જેટલી જગ્યા હતી પણ ત્યા કોઈ ગુફા તો હતી નહી. હુ પાછો છેલ્લી ગુફા પાસે આવ્યો. થોડીવાર વિચાર્યું કે પેલા કેદી રાક્ષસને પૂછી લવ કે ક્યાં રાખવામાં આવેલ છે પેલા અરિષ્ટાસુર ને. પણ પછી વિચાર્યું કે ચાલને એકવાર ફરીવાર છેક છેલ્લે સુધી જોઈ આવું. વળી પાછો હુ ચાલતો થયો. છેલ્લે આવીને જોયું તો ત્યા કોઈ ગુફા નહોતી.

અચાનક મને ભગવાનના શબ્દો યાદ આવ્યા કે અરિષ્ટાસુર જમીનની અંદર રહે છે એટલે મને લાગ્યું કે તેની ગુફા દીવાલ પર નહી પરંતુ જમીનની નીચે હોવી જોઈએ. મે મારા પગ નીચે ની જમીન કૂદકો મારીને જોઈ લીધું. તે જમીન એકદમ પોચી લાગતી હતી. હવે મને સમજાયું કે અરષ્ટાસુરની ગુફા મારી સામે નહી પરંતુ મારા પગની નીચે હતી. મે પેલી રજાઈ અને તલવાર બહાર કાઢ્યા. પહેલા તો દીવાલની બાજુમાં પડેલા અમુક નાનામોટા પથ્થરો ઉપાડીને ખીસ્સામાં મુક્યા અને પછી રજાઈ પાથરી અને હુ તેની ઉપર ચડી ગયો. હાથમાં તલવાર લઈને મે રજાઈને ઉડવા માટેનો વિચાર કર્યો એટલે રજાઈ મને લઈને ધીમે ધીમે ઉડતી હોય તેમ ત્યા જ પણ જમીનથી થોડી ઉપર હવામાં ઉડતી રહી. મે રજાઈ પર ઉભા ઉભા જ મારા હાથમાં રહેલી તલવાર વડે પેલી પોચી જમીન પર વાર કર્યો.

ગુફાનો દરવાજો તૂટીને ગુફાની અંદર જઈને પડ્યો. મારી નજર સામેજ એક ભયાનક મોન્સ્ટરે ગુફાનો દરવાજો જમીન પર પડયાની બીજી જ ક્ષણે પોતાના આગળના બે આંકડાઓ વડે ચૂર-ચૂર કરી નાખ્યો. કાળા રંગનો ભયાનક રાક્ષસ પોતાના શિકારને આમથી તેમ શોધી રહ્યો હતો. તેની ઊંચાઈ અંદાજિત એક પહાડ જેટલી હતી. તેના ડંખ પણ જાણે એકબીજા સાથે ઝઘડી રહ્યા હોય તેમ લટકીને ગુફાના બધા ખૂણામાં પોતાનું ભયંકર ઝેર આમથી તેમ ઉડાડી રહ્યા હતા. પહેલા તો મને ડર લાગ્યો અને વિચાર્યું કે જો આ રાક્ષસની ઝપટે ચડ્યા એટલે આપણું પૂરું પણ બીજી જ ક્ષણે મને ભગવાનનો વિચાર આવ્યો એટલે વિચાર્યું કે , ભગવાન કૃષ્ણ ક્યાંક ફસાઈ ના જાય એટલે મે પેલા રાક્ષસ સાથે ગમે તે કાળે લડવાનો વિચાર બનાવી લીધો. એટલે મે રજાઈનો ઉપયોગ કરીને અને હવામાં રહીને ધીમેથી ગુફાની અંદર પ્રવેશ કર્યો.

ગુફાનો નજારો એકદમ ભયાનક હતો. ઉપરની સપેક્ષે ગુફાનો અંદરનો ભાગ ખુબ પહોળો હતો. ગુફાનું તળ એકદમ સાફ હતું, ક્યાય નાનો કાંકરો પણ જોવા ના મળે તેવું. કદાચ અરિષ્ટાસુર ને રેતાળ જમીનમાં રહેવું વધારે ગમતું હતું. પથ્થર તો નહી પરંતુ ત્યા કોઈ મોટા કાંકરા પણ જોવા નહોતા મળતા. પોતાના આગળના આંકડા જમીનની અંદર જવા માટે વાપરતો અને જેટલા ઝડપથી આપણે બહારની જમીનમાં ચાલી શકીએ એટલી ઝડપથી તે જમીનની અંદર ચાલી શકતો હતો. તેની સ્પીડ જોવા માટે મે ગુફાના તળથી તેના આંકડા કે ડંખ પહોંચી ના શકે એટલે ઉપર રજાઈ માથે ઉભા રહીને વારાફરતી અલગ અલગ જગ્યાએ ખિસ્સામાં રાખેલા પથ્થર ફેંકતો અને પથ્થર જમીન પર પડે કે તરત જ બીજી જ ક્ષણે પેલો રાક્ષસ તે પથ્થરને પોતાના બે આંકડાઓ વડે એકદમ ભુક્કો કરી નાખતો.

ઘણી વાર સુધી મે તેને આમને આમ દૂર ઉભા રહીને પથ્થર ફેંકી ફેંકીને આમથી તેમ દોડાવ્યે રાખ્યો. હવે મને લાગ્યું કે કદાચ મારા ખિસ્સામાં ૩-૪ પથ્થર જ વધ્યા હતા અને હવે અરિષ્ટાસુરને વ્યસ્ત રાખવા માટે મારે મેદાનમાં ઉતરવું જ પડશે. મે એક સાથે અલગ અલગ દિશામાં મારી પાસે હતા એ બધા જ પથ્થર ફેંકી દીધા. અને ઝડપથી હુ રજાઈ સહિત નીચે આવવા લાગ્યો. જયારે અરિષ્ટાસુર મે ફેંકેલા બધા જ પથ્થર ભાંગીને ભુક્કો કરી રહ્યો ત્યારે હુ તેની સામે જ ઉભો હતો. તે પોતાના આંકડા એકબીજા સાથે અથડાવીને જાણે મને લલકારી રહ્યો હતો.

આ બાજુ ભગવાન પણ જાદુઈ આવરણ વાળો દરવાજો પાર કરીને અર્ધાંગાસૂરની ગુફામાં પ્રવેશી ચુક્યા હતા. તેઓ અર્ધાંગાસુર ને બહાર આવવા માટે જ મનાવી રહ્યા હતા. ઘણીવાર સુધી આનાકાની કર્યા પછી અર્ધાંગાસુર બહાર નીકળવા માટે રાજી થયો. જેવો તે દરવાજા પાસે આવીને પોતાનો એક હાથ પેલા અદ્રશ્ય આવરણ પાસે લઈ ગયો અને ત્યા જ પોતાનો હાથ એકદમ પાછો ખેંચી લીધો. તેને આ પહેલા ઘણીવાર આવી રીતે જ બહાર નીકળવા માટે જયારે પ્રયત્ન કરેલો પણ જયારે પેલા આવરણને હાથ અડતો અને જાણે એક જોરદાર ઝટકો લાગતો અને અસહ્ય પીડા સાથે તે પાછો ગુફાની દીવાલ સાથે અથડાતો. તેને અચાનક જ આ વાત યાદ આવી જતા પોતાનો હાથ પાછો ખેંચી લીધો.

એના પહેલા કે અરિષ્ટાસુર પોતાના જાદુ વિશે કાઈ પણ વિચારે મે રજાઈ તેની નજીક લઈ જઈને કાઈ પણ વિચાર્યા વગર જ તેના આગળના ભાલાવાળા આંકડાના મૂળ પાસે કૂદકો માર્યો અને ઝડપથી તેના આંકડાના મૂળની બિલકુલ નજીક જતો રહ્યો. હાથમાં તલવાર સાથે હુ ઝડપથી તેના મજબૂત શરીરને જ પકડીને ઉભો રહી ગયો. જેવો હુ અરિષ્ટાસુરની માથે કુદ્યો કે તરત જ અરિષ્ટાસુર મને નીચે પાડવા માટે અને મને મારવા માટે આમથી તેમ કૂદવા લાગ્યો. ક્યારેક પોતાના ડંખ તો ક્યારેક પોતાના આંકડા મારી બાજુ ફેંકવા લાગ્યો. મે એકદમ મજબૂતીથી પકડી રાખ્યું હતું એટલે પડતા પડતા બચી ગયો. અરિષ્ટાસુર હજી પણ કૂદી રહ્યો હતો. અચાનક જ તે પોતાના આગળના આંકડા વડે જમીનની અંદર જવા લાગ્યો. હુ તેમ છતાં તેને પકડીને ઉભી રહ્યો.

ભગવાન શ્રી કૃષ્ણ એ જોયું કે અત્યારે અર્ધાંગાસુર ખુબ ડરેલો છે એટલે તેને હિમ્મત આપવા માટે તેના ખભે હાથ મુક્યો અને પછી પોતાનો હાથ જ પેલા આવરણમાં નાખ્યો. જયારે અર્ધાંગસૂરે જોયું કે ભગવાનને આવરણ માં હાથ નાખવા છતાં કોઈ તકલીફ નથી થતી એટલે એની હિમ્મત વધી અને ભગવાન સાથે એમનો હાથ પકડીને ગુફાની બહાર નીકળવા લાગ્યો.

જમીનની અંદર ગયા પછી મને એમ હતું કે હુ કદાચ ગુંગળાઈને મરી જઈશ પણ એવુ તો કાઈ ના થયું. અરિષ્ટાસુર મને જમીનની અંદર લઈને ગયો ત્યારે મને સમજાયું કે તે જાદુઈ આવરણ ખુબ સારી રીતે બનાવી જાણતો હતો. તે જયારે પણ જમીનની અંદર જતો તો પોતાના ફરતે જ એક જાદુઈ આવરણ બનાવી લેતો અને તેની સાથે તે ખુબ જ ઝડપથી જમીનમાં હરીફરી શકતો. તે પોચી જમીન માં આમથી તેમ જ ફરી રહ્યો હતો. ઘણી વાર સુધી તે જમીનની અંદર જ બધે ફરતો રહ્યો. જમીનની અંદર ઘણી બધી જગ્યાએ તેણે બીજી ગુફાઓ પણ બનાવી દીધી હતી. મને તેની ઉપર બેસીને જમીનની અંદર ફરવામાં મજા પડી હતી. છેવટે તે મને જમીનની ઉપર લઈ આવ્યો અને આમથી તેમ ઝટકા મારવા લાગ્યો.

મારા હાથમાં પેલી જાદુઈ તલવાર હતી પરંતુ હુ જાણતો હતો કે અરિષ્ટાસુરને વ્યસ્ત રાખવા માટે તેને ઇજા પહોંચાડવી વ્યાજબી નથી એટલે મે એને વાગી ના જાય એ રીતે સાચવીને મુકી રાખી હતી. રજાઈ હવામાં ત્યા જ હતી જ્યાંથી હુ અરિષ્ટાસુર ઉપર કુદ્યો હતો.

આમ પણ હવે અરિષ્ટાસુર સાથે રમત કરતા કરતા ઘણો ટાઈમ થઈ ગયો હતો. આટલા સમયમાં મને અરિષ્ટાસુર વિશે એક વાત સમજાઈ હતી કે તે પોતાનું ઝેર પોતાની માથે ના ઉદે એવી રીતે ફેંકી રહ્યો હતો. જ્યા જ્યા તેનું ઝેર પડ્યું હતું તે બધી જ જગ્યાની જમીન હોય કે પથ્થર, તે થોડી વારમાં જ એકદમ જીણી ધૂળમાં ફેરવાઈ જતા હતા. તેનું ઝેર દરેક વસ્તુને ઓગાળીને ધૂળ બનાવી દેતું હતું. હુ જ્યારથી એની માથે કુદ્યો હતો ત્યારથી તે પોતાના ડંખ આમથી તેમ ક્યારેક ફેંકીને તો ક્યારેક અથડાવીને મને મારવા માટેની કોશિશ કરી રહ્યો હતો પરંતુ એકવાર પણ તેણે પોતાની ઉપર પોતાનું ઝેર ફેંક્યુ નહોતું. તેનું પોતાનું ઝેર તેની ઉપરની મજબૂત ચામડીને પણ કદાચ ઓગાળી શકતી હશે, એટલે જ તે પોતાની ઉપર ઝેર નહી ફેંકતો હોય, મે એવુ અનુમાન લગાવ્યું.

જયારે તે જમીનની ઉપર આવ્યો એટલે મે રજાઈને ઈશારાથી મારી નજીક બોલાવી અને થોડી વાર માટે હુ એકદમ શાંત થઈ ગયો. બિલકુલ હલનચલન કર્યા વિના અને તેને અડ્યા વિના એકદમ શાંત થઈને ઉભો રહ્યો. હવે થોડી વાર તે શાંત થયો એટલે મે ધીમેથી રહીને રજાઈને પકડીને ઝડપથી તેનાથી દૂર ઉપર જવા માટે વિચાર્યું. રજાઈ તરત જ મને ઉપર લઈ આવી. હુ હવે ધીમેથી અરિષ્ટાસુરની ગુફાની બહાર આવી ગયો.

આ બાજુ અર્ધાંગાસુર અને ભગવાન શ્રી કૃષ્ણ બહાર આવીને મારી રાહ જોઈ રહ્યા હતા. ઘણીવાર થવા છતાં જયારે હુ ના આવ્યો તો ભગવાનને મારી ચિંતા થવા લાગી. તેઓ બંને તરત જ દોડતા આ બાજુ અરિષ્ટાસુરની ગુફા તરફ આવવા લાગ્યા. અચાનક જ તેમના રસ્તામાં એક ભયાનક ધમાકો થયો. એક અત્યંત શક્તિશાળી પ્રકાશિત પડછાયો જાણે ત્યા પ્રગટ થયો. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્ધાંગાસુર બંને આંખો ફાડી ફાડીને તેમને જોઈ રહ્યા હતા. થોડી વાર પછી જયારે તે પડછાયાનું તેજ ઓછું થયું એટલે ત્યા જે આકૃતિ પ્રગટ થઈ તે તેમને જાણીતી લાગી હોય તેમ તેમના ચેહરા પર એક મુસ્કાન પથરાઈ ગઈ. પછી તેમણે બંને એ હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. તે આકૃતિ બીજું કોઈ નહી પરંતુ સ્વયં સર્જનહાર બ્રહ્મા તેમની સામે ઉભા હતા.

બ્રહ્મદેવ આમ અચાનક જ અહીં કેમ આવ્યા હતા એ વાત ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા. તેમ છતાં શ્રી કૃષ્ણ એ તેમને અહીં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે બ્રહ્મદેવ ગુસ્સામાં જ બોલવા લાગ્યા, "હે નારાયણ, તમે આ શું કરી રહ્યા છો..? હજી થોડા દિવસ પહેલા જ તમે એક આખા ગ્રહ ને મુક્ત કરી આવ્યા છો જેના વિશે તમે મને કોઈ જ વાત કરી નથી અને હવે તમે આ સૂર્યન્તક ને આઝાદ કેમ કરાવ્યો એ મને જણાવશો..?"

"પ્રભુ, તમે તો સર્વજ્ઞાતા છો છતાં તમે મને આ પ્રશ્ન કરી રહ્યા છો, તો સાંભળો હુ તમને એનું કારણ જણાવું." એમ કહી ભગવાન શ્રી કૃષ્ણ એ એક હકીકત કહી. "મૃત્યુલોકમાં જે લોકો વસે છે એમનું જીવન ખુબ ટૂંકું છે, તેમને જીવનનો કોઈ ધ્યેય નથી હોતો, અમુક વિચાર્યા વગરના કાર્યો કરે છે જે તેમને ન કરવા જોઈએ, અધર્મ, અનીતિ, હિંસા, અસત્ય, આવા અનેક અવગુણો તેમના માં ભરેલા છે તેમ છતાં મને તે લોકો અતિ પ્રિય છે. એનું એક જ કારણ છે, અને તે છે પ્રેમ. તેમની વચ્ચે જે પ્રેમ છે એના કારણે જ હુ તેમનાથી દૂર નથી જઈ શકતો. પ્રેમ ના કારણે જ મારે વારંવાર તેમની મદદ કરવા જવું પડે છે. પ્રેમ જ મને તેમની તરફ આકર્ષે છે."

" તેઓને હુ આટલા સમય થી પ્રેમના કારણે રક્ષણ આપતો હતો પરંતુ, મે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારી બહેનનું મોત એના પ્રેમના કારણે જ થયું હતું. એનો એ પ્રેમ કે જેને મેહસૂસ કરવા માટે તે આ જગતમાં રહી, જેને સાચા દિલથી પ્રેમ કર્યો એને જ પોતાની આંખોની સામે ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી દેવાયો. એનો એ પ્રેમ જેને પામ્યાના અમુક ક્ષણોમાં જ તેનાથી છીનવી લેવાયો. એનો એ પ્રેમ જે માતા સતીએ સ્વયં મહાદેવને કર્યો હતો. એનો એ પ્રેમ જેના કારણે મહાદેવ અને માતા સતીની પ્રેમકહાની અધૂરી રહી ગઈ. એટલા માટે એનો એ પ્રેમ અપાવવા માટે મે અર્ધાંગાસુરને આઝાદ કરાવ્યો છે પ્રભુ."

" પ્રણામ ભગવાન બ્રહ્મદેવ." હું ત્યાં પહોંચ્યો અને બ્રહ્મદેવ ને જોઇને બે હાથ જોડીને નમન કરતા બોલ્યો. બધાનું ધ્યાન મારા તરફ ગયું. ભગવાન શ્રી કૃષ્ણ મને જોઇને ખુશ થતા મારી પાસે આવ્યા. "તું ઠીક તો છે ને મિત્ર," એમ કહી ભગવાન મને ભેટી પડ્યા અમને બંનેને આવી રીતે મળતા જોઈને બ્રહ્મદેવ આશ્ચર્યમાં પડી ગયા. "તો આ છે તમારો પરમ મિત્ર કે જેની મદદથી તમે અર્ધાંગાસુરને આઝાદ કરાવ્યો." એમ કહી બ્રહ્મદેવ મને ધ્યાનથી જોવા લાગ્યા. મને લાગ્યું કે કદાચ મે ભગવાન શ્રીકૃષ્ણ ની મદદ કરી એ તેમને ગમ્યું નહોતું. હવે હું, ભગવાન શ્રીકૃષ્ણ અને અર્ધાંગાસુર બધા બ્રહ્મદેવ સામે જોઈ રહ્યા હતા. તેમનો શું નિર્ણય હશે તેની રાહ જોઈ રહ્યા હતા.

"હે નારાયણ હું જાણું છું કે તમે મારાથી ખૂબ નારાજ છો, મે જે કૃત્ય કર્યું છે એના માટે તમે મને ક્યારેય માફ નહિ કરો, તો તમે મને કેમ કહેતા નથી..?" ભગવાન બ્રહ્મદેવ બોલ્યા. હું અને આર્ધાંગાસુર એકદમ આશ્ચર્ય પામ્યા. ભગવાન બ્રહ્મદેવે એવું તો શું કર્યું હતું જેના માટે તેઓ ભગવાન શ્રીકૃષ્ણ પાસે માફી માગી રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણએ ધીમે રહીને ઉદાસ ચહેરે કહ્યું. "પ્રભુ, તમે જે ભૂલ કરી છે એની તમારે માફી ના માગવી પડે એટલા માટે જ હું અહીં અર્ધાંગાસુરને બચાવવા માટે દિપક સાથે આવ્યો છું, ચિંતા ન કરો. તમારે એના માટે કોઈ માફી માગવાની જરૂર નથી. અચાનક હું અને અર્ધાંગાસૂર ભગવાન શ્રીકૃષ્ણ સામે જોઈને બોલ્યા. "પ્રભુ, બ્રહ્મદેવે એવું તો શું કર્યું છે જેના માટે તેઓ તમારી પાસે માફી માગી રહ્યા છે?" એના પહેલા કે ભગવાન શ્રીકૃષ્ણ કાંઈ કહે અચાનક બ્રહ્મદેવ બોલ્યા, " હે પુત્ર એનો જવાબ નારાયણ નહીં આપે, મે એવી તો શું ભૂલ કરી છે એ હું તને કહું. જ્યારે માયા અને સૂર્યંતક બંને જંગલમાં શાંતિથી દિવસો વિતાવી રહ્યા હતા ત્યારે જંગલમાંથી અમુક બ્રાહ્મણો પોતાની મંડળી સાથે નીકળ્યા હતા, જેઓ શિષિરત જઈ રહ્યા હતા. તેમાંના કોઈ બ્રાહ્મણે રાજાને માયા અને સૂર્યન્તક નું ઠેકાણું બતાવ્યું હતું. એ બ્રાહ્મણ બીજું કોઈ નહિ પરંતુ હું જ હતો. સૂર્યન્તકે જે અપરાધ કર્યો હતો એની સજા આપવા માટે એવું કર્યું હતું પરંતુ મે વિચાર્યું નહોતું કે માયા પણ ત્યારે પોતાનો જીવ આપી દેશે. માયાના મૃત્યુ પછી જ્યારથી માયા અને સૂર્યન્તકનું મૃત્યુ થયું છે ત્યારથી મનમાં એક પ્રકારનો થયા કરતો હતો પરંતુ આજે એ અફસોસ નો અંત આવ્યો.

'પરંતુ મારે એની માફી તો માગવી જ જોઈએ ને કેમ દિપક.?' બ્રહ્મદેવ થોડીવાર અટક્યા અને મારી સામે જોઇને મારા જવાબની રાહ જોવા લાગ્યા. 'પરંતુ પ્રભુ, તમે એવું શા માટે કર્યું એ હું જાણી શકું?' મને જાણવાની જીજ્ઞાશા થઈ એટલે મે પૂછ્યું. બ્રહ્મદેવ જવાબ આપે તે પહેલા જ અર્ધાંગાસૂર બોલી પડ્યો. 'એટલા માટે કે બ્રહ્મદેવ ને દેવાસુરો પ્રત્યે સખત નફરત છે કેમ કે તેમનું સર્જન દેવો દ્વારા થયેલું છે અને તેમને તો બ્રહ્મદેવ પોતાના પુત્રો પણ નથી માનતા, કેમ બ્રહ્મદેવ..?' અર્ધાંગાસૂરે ભગવાન બ્રહ્મદેવ સામે ગુસ્સા ભરેલી નજરે જોઈને કહ્યું. બ્રહ્મદેવ કઈ ના બોલ્યા પણ ભગવાન શ્રી કૃષ્ણ થી ના રહેવાયું એટલે તેમણે કહ્યું. ' એવું કંઈ જ નથી અર્ધાંગાસૂર. પરંતુ ભગવાન બ્રહ્મદેવ થી થયેલી એ ભૂલના કારણે જ તેઓ અત્યારે માફી માફી રહ્યા છે એટલે હવે એ બધી વાત જવા દે, અને આમેય મે અને દિપકે મળીને તને મુક્ત કરાવી જ દીધો છે ને..!' ભગવાન શ્રી કૃષ્ણ એ અર્ધાંગાસૂર ને શાંત પાડ્યો.

"દિપક, તે મારી અને નારાયણ ની ખૂબ જ સહાય કરી છે એટલે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું. એટલે હું તને એક વરદાન આપવા માગું છું. ધન-દોલત, સોનું-ચાંદી, હીરા-માણેક જે તને જોઈએ તે માગ. માગીશ તે આપુ." બ્રહ્મદેવ મારા પર ખુશ થતા બોલ્યા. હું હંમેશા વિચારતો કે જો કોઈ ભગવાન આવી રીતે મને કોઈ વરદાન માગવાનું કહે ને તો હું શું માગીશ..જ્ઞાન.. સમગ્ર બ્રહ્માંડ અને દરેક સજીવ-નિર્જીવ, ગણિત-વિજ્ઞાન, દુનિયામાં આવતા અને કોઈ પણ ના દિમાગમાં ઉદભવતા પ્રશ્ન અને મૂંઝવણનો જવાબ. પણ અત્યારે શું માગવું એ મને કંઈ સમજાતું નહોતું. મે પહેલા ભગવાન શ્રીકૃષ્ણ સામે જોયું અને પછી અર્ધાંગાસૂર સામે જોયું. અર્ધાંગાસૂર ગુસ્સા ભરેલી નજરે બ્રહ્મદેવ સામે જોઈ રહ્યો હતો. "ભગવાન, મને તમારા અને ભગવાન શ્રીકૃષ્ણ ના દર્શન થયા એથી જ હું ધન્ય થઈ ગયો છું, આમ તો મારે બીજું કંઈ નથી જોઈતું પણ જો તમે આપવા જ માગતા હોવ તો સૂર્યન્તક અને માયાની અધૂરી રહી ગયેલી પ્રેમકહાની પૂરી કરી દયો. તમે જે ભૂલ કરી છે એ પણ સુધરી જશે અને અર્ધાંગાસુરનો ગુસ્સો પણ શાંત થઈ જશે." મે ભગવાન બ્રહ્મદેવ પાસે વરદાન માગતા કહ્યું. એ સાંભળીને તેઓ એકદમ અચંબિત થઈ ગયા. સુર્યન્તક અને માયા એક ના થાય એના માટે જ તો તેમણે આ બધું કર્યું હતું એટલે કદાચ તેઓ નહિ ઇચ્છતા હોય છતાં પણ તેઓ વરદાન દેવા માટે બંધાયેલા હતા એટલે તેમણે મારી વાત માનવી જ પડે એમ હતી. ન ઇચ્છવા છતાં તેમણે મને 'તથાસ્તુ' કહ્યું અને તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. મે ભગવાન શ્રીકૃષ્ણ સામે જોયું, તેઓ મારી સામે જોઇને એક મસ્તીભરી સ્માઈલ આપી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે મે જે કર્યું તે માયા અને સુર્યન્તક માટે યોગ્ય હતું.

થોડી જ વારમાં જાણે કોઈ ચમત્કાર થયો. અર્ધાંગાસૂર અચાનક જ એકદમ સુંદર, સોહામણો અને કોઈ બળવાન યોદ્ધા જેવો સુંદર યુવાનમાં રૂપાંતર થઈ ગયો અને એક સુંદર યુવતી ત્યાં પ્રગટ થઈ. તે માયા હતી. બંને ખુશ થતા એકબીજાને ભેટી પડ્યા. થોડી વાર પછી તેમણે અમારી સામે જોયું. માયા અને સુર્યન્તક બંને એ ભગવાન શ્રીકૃષ્ણ ને નમન કર્યું અને પછી મારી સામે બે હાથ જોડીને ઊભા રહ્યા. મે તેમને તેમ ન કરવા કહ્યું. સુર્યન્તક બોલ્યો " દિપક, જો આજે તે અમારી મદદ ના કરી હોત તો ક્યારેય અમે બંને એક ના થઈ શક્યા હોત. તારો ખૂબ ખૂબ આભાર મિત્ર." એમ કહી તે મને ભેટી પડ્યો. અમારી આંખોની સામે જ તેઓ થોડી વારમાં અદ્રશ્ય થઈને ખુશી ખુશી પોતાની દુનિયામાં ચાલ્યા ગયા.

માયા અને સુર્યન્તકને ખુશ થતા જોઇને ભગવાન શ્રીકૃષ્ણ પણ એકદમ ખુશ થઈ ગયા. તેઓ મને આભાર માનીને અચાનક જ ભેટી પડ્યા. હું પણ તેમને પ્રેમથી બાથ ભરી ગયો.

હવે હું અને ભગવાન શ્રીકૃષ્ણ પાછા સ્વર્ગ શોધવા માટે નીકળી પડ્યા. પણ હવે એવું લાગતું હતું કે કદાચ ભગવાન સ્વર્ગ નહિ મળવાથી ખૂબ હતાશ થઈ ગયા હતા. તેમ છતાં હવે અમે પાતાળમાંથી બહાર નીકળવા માંગતા હતા. અમે પેલી ગુફામાંથી બહાર નીકળ્યા અને ચાલતા થયા.
અમે પેલી નદી પાસે આવ્યા. મે નદી ઉપર નજર કરી તો તેમાં રહેલું પાણી એકદમ લોહી જેવું લાલ કલરનું હતું. નદી એકદમ શાંત થઈને વહી રહી હતી. ત્યાં કિનારે એક નાની ઝૂંપડી જેવું કંઇક બનેલું હતું. અમે અંદર દાખલ થયા. મને લાગ્યું કે આ ઝૂંપડીમાં એવું શું છે જે અમને પાછા પૃથ્વી પર મોકલી શકશે. અંદર દાખલ થતાં જ મારું મોં ખુલ્લું જ રહી ગયું. તે નાની ઝૂંપડી અંદર થી એક મોટા મહેલ જેવી વિશાળ અને સુંદર દેખાતી હતી. તેમાં એક બાજુ એક ખૂબ જ ઘરડો રાક્ષસ બેઠો હતો. તેણે ભગવાન સામે જોઇને પહેલાં પ્રણામ કર્યા અને પછી હાથ લંબાવ્યો. ભગવાને પોતાની કમરમાં છુપાવેલી એક નાની થેલી કાઢી અને તેમાંથી કંઇક કાઢીને પેલા રાક્ષસના હાથમાં મૂકયું. એટલે અચાનક જ અમને બહારથી કંઇક અવાજ સંભળાયો. અમે બહાર જઈને જોયું તો અચાનક જ પેલી નદીના કિનારે એક સુંદર મજાની નાનકડી બોટ તૈયાર હતી. ભગવાને મારી સામે જોઇને પેલી બોટમાં ચડી જવાનો ઈશારો કર્યો. પછી તરત જ ભગવાન પણ તે બોટમાં બેસી ગયા. તે એક જાદૂઈ બોટ હતી. ધીમે ધીમે તે બોટ નદીના લાલ પાણી પર ચાલવા લાગી. મને આમતો ડર લાગી રહ્યો હતો અને મજા પણ આવી રહી હતી.

અચાનક મે ભગવાનને પુંછ્યું. " પ્રભુ, તમે પેલા ઘરડા રાક્ષસના હાથમાં પોતાની થેલીમાંથી કાઢીને કંઇક આપ્યું હતું, એ શું હતું.? અને તેને શા માટે આપ્યું હતું.?" ત્યારે ભગવાન મને મારા પ્રશ્નનો જવાબ આપતા બોલ્યા, " તે એક પિત્તળનો સિક્કો હતો. દરેક દુનિયાની અંદર અલગ અલગ ધાતુઓની કિંમત હોય છે. તારી દુનિયામાં સોનાની કિંમત વધારે છે તો અહીં સોનું ધૂળની માફક મળે છે એટલે અહીં સોનાની કંઈ જ કિંમત નથી. આ જે પીળી જમીન દેખાય છે તે પિત્તળ નહિ પરંતુ સોનું છે. તે જે રાજ્ય જોયું હતું તેમાંના મહેલો સોનાના નહિ પરંતુ પિત્તળના હતું. અહી પિત્તળની કિંમત સોના કરતા વધારે હોય છે. એટલે મે પેલા ઘરડા રાક્ષસને સોનાની નહિ પરંતુ પિત્તળનો સિક્કો આપ્યો હતો અને એના બદલામાં એ આપણને પૃથ્વીલોક જવામાં આપણી મદદ કરશે. આપણે મફતમાં અહી આવી તો ગયા પણ જો પૃથ્વી પર જવું હોયતો એની કિંમત આપવી પડે છે."

અમારી બોટ ધીમે ધીમે સ્પીડ પકડી રહી હતી. અચાનક જ મને લાગ્યું અમારી બોટ ની આજુબાજુ એક વમળ બનવા લાગ્યું. બોટ જાણે ઊંડા ભવંડરમાં ફસાવા લાગી. ભગવાને મને બોટને મજબૂતી થી પકડી રાખવા કહ્યું. મે તેમ જ કર્યું. બોટ પેલા વમળમાં ડૂબવા લાગી. મને લાગ્યું કદાચ આ ભયાનક વમળ આજે મને અને ભગવાન શ્રીકૃષ્ણ ને અમારી બોટ સહિત આ વિચિત્ર નદીના લાલ પાણીમાં ડુબાડી દેશે.પણ આ શું..!! અચાનક જ અમારી બોટની ફરતે એક ખૂબ જ મોટો હવાનો પરપોટો બન્યો. એ પરપોટાની અંદરની બોટમાં બેઠેલા હું અને ભગવાન શ્રીકૃષ્ણ વમળની અંદર નીચે જવાને બદલે ઉપરની તરફ જવા લાગ્યા.

હવા ભરેલો પરપોટો અમને હવે ઉપરની તરફ લઈને જઈ રહ્યો હતો જે ધીમે ધીમે નદીના પાણીની સપાટી ઉપર આવ્યો. મને લાગ્યું કદાચ અહી આવીને તે અટકી જશે. પણ એવું કંઈ જ ના થયું. તે પરપોટો અમને ઉપરની તરફ જ લઈ જવા લાગ્યો. તેની નીચેની તરફ થોડુક પાણી ભરેલું હતું જેની ઉપર અમારી બોટ તરી રહી હતી. અમે બોટમાં બેઠા બેઠા બહારનો નજારો જોઈ રહ્યા હતા. મને એ વાતની ચિંતા હતી કે અને પાતાળમાં આવ્યા તે રસ્તો તો કમળમાં થઈને આવતો હતો જે ખૂબ નાનો હતો, પણ આ બોટ સાથેનો હવાનો ફુગ્ગો ખૂબ મોટો હતો. એટલો મોટો કે તે પેલા કમળની પંખૂડીમાંથી તો બહાર ન જ નીકળી શકે.

અચાનક ભગવાને મને અમારી ઉપરની તરફ જોવાનો ઈશારો કર્યો. મે જોયું તો આશ્ચર્ય પમાડે એવો નજારો હતો. ઉપર પૃથ્વીલોકના સમુદ્રનું પાણી દેખાઈ રહ્યું હતું જે અમુક ઊંચાઈએ આવીને જાણે અટકી રહ્યું હોય. પેલો હવા ભરેલો પરપોટો અમને લઈને ફરીવાર પાછો પાણીમાં દાખલ થયો. પણ આ પાણી પેલા લાલ પાણી કરતા અલગ હતું, સમુદ્રનું નમકીન પાણી. પેલો હવાનો પરપોટો સમુદ્રના પાણીમાં ઉપરની તરફ જઈ રહ્યો હતો અને જ્યારે તે સમુદ્રના પાણીની ઉપર આવ્યો ત્યારે પાણીના ઉછળતા મોજા તેની સાથે અથડાયા અને અચાનક તે પરપોટો ફૂટી ગયો.

અમારી સામે અત્યારે ઘૂઘવાટ કરતો મહાસાગર હતો જેના પાણીની ઉપર અમારી જાદૂઈ બોટ તરી રહી હતી અને હું અને ભગવાન શ્રીકૃષ્ણ તે બોટમાં બેઠા હતાં. અચાનક મારું ધ્યાન ભગવાન તરફ ગયું. તેઓ અત્યારે મસ્ત ધ્યાનમાં બેઠા હતાં. એમણે જેવી આંખો ખોલી કે તરત જ અમારી સામે પેલો અદ્રશ્ય એવો રથ આવીને ઊભો રહી ગયો. ભગવાને મને ઇશારાથી તેમાં બેસવા માટે કહ્યું. અમે વારાફરતી તેમાં બેસી ગયા. અમારા ગયા પછી તરત જ પેલી જાદૂઈ બોટ અચાનક જ પાછી પાણીમાં જતી રહી.

હવે ભગવાન શ્રીકૃષ્ણ મને કહેવા લાગ્યા. "દિપક, મને નથી લાગતું કે હવે આપણને સ્વર્ગ મળે. આમેય તું ઘણા સમયથી મારી સાથે છે એટલે કદાચ તને પણ ઘર યાદ આવતું હશે, તો હવે આપણે આપણી શોધ અહી અટકાવીએ અને હું તને તારા ઘરે મૂકી જાવ." મે તરતજ તેમની વાત સ્વીકારી લીધી. કદાચ મને પણ આ વખતે ઘરે જવાની ખૂબ ઇચ્છા હતી એટલે બીજું કંઈ બોલ્યા વિના જ 'ઠીક છે' કહીને ઘર તરફ જવા માટે કહ્યું.

થાક અને કંટાળાને લીધે હું પણ અંતે ઘરે જવા માટે તૈયાર થયો હતો. હું અને ભગવાન શ્રીકૃષ્ણ બંને દરેક જગ્યાએ ફરી વળ્યા હતા, પરંતુ અમને ક્યાંય સ્વર્ગના દર્શન થયા નહોતા. એટલે હવે અને નિરાશ મને પાછા ફર્યા.

અત્યારે લગભગ સાંજ થવા આવી હતી. સૂર્યદેવનું તેજ અને ગરમી ધીમે ધીમે ઘટી રહ્યા હતા. આખા દિવસનું કામ કરીને મારી બા(મમ્મી) થાકીને અમારા ઘરની ઓસરીની ધારે બેઠી હતી. બરાબર એ જ વખતે અમે ઘરે પહોંચ્યા. મે ઠંડા ગોળાનું પાણી પીધું અને ભગવાનને પણ પાયું.

ભગવાન પાણી પી રહ્યા હતા તે દરમિયાન અચાનક તેમની નજર મારી બા ના થાકેલા પગ પર પડી. તેમણે એકદમ જાણે કોઈ જટકો લાગ્યો હોય તેમ મારી સામે જોયું. પાણી પીવાનું અધૂરું રાખીને તેઓ અચાનક મારી ઉપર ગુસ્સો કરવા લાગ્યા. "મુરખ, આવી મસ્તી કરવાની હોય. તે મને કહ્યું કેમ નહિ."

મને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું હતું. કંઈ સમજાઈ નહોતું રહ્યું. નવાઈ એ વાતની હતી કે ભગવાન હવે અત્યારે મારી ઉપર કેમ ગુસ્સો કરી રહ્યા હતા. 'પણ મે શું કર્યું." મે કહ્યુ. "અરે ભાઈ, સ્વર્ગ તો અહી માતાના ચરણોમાં છે અને તું મને આકાશ અને પાતાળમાં શોધાવે છે, ગાંડો થઈ ગયો છે કે શું..!!" એટલું કહેતાં તો ભગવાન મારી બા ના પગમાં ઢળી પડ્યા. હું બધું જ સમજી ગયો હતો.

ભગવાન મારી બા સામે હાથ જોડીને ઊભા હતા. "માં અમને માફ કરી દે. અમે તો સ્વર્ગની ઘેલશાએ આકાશ અને પાતાળ ફરી વળ્યા, પરંતુ ક્યાંય સ્વર્ગ ના મળ્યું અને અંતે સ્વર્ગ તો ઘરમાં માં ના ચરણોમાં જ મળી ગયું. મારી બા એ ભગવાનના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. ભગવાન મારી સામે જોઇને મુસ્કુરાયા. તેમની મુસ્કાનમાં એક પ્રકારની સંતુષ્ટિ હતી.

થોડી વારે મારી અને મારી બા ઉપર ફૂલો વેરતા અદ્રશ્ય થઈ ગયા. હું મારી બા ને પગે લાગ્યો. તેમણે મારા માથે હાથ મૂક્યો. હું જાણે એક પ્રકારના તેજમાં સમાઈ રહ્યો હોય એવું મને મેહસૂસ થયું.

હું જાગ્યો ત્યારે મારા ચહેરા ઉપર સૂરજનો તડકો આવી ગયો હતો. આ સ્વપ્ન પછી હું ભગવાનને વધારે માનવા લાગ્યો. મારી બા ને જે પ્રેમ અને આદર આપતો એમાં ખૂબ વધારો થઈ ગયો. ભગવાનને એટલા માટે કે તેમણે મને સ્વર્ગના દર્શન કરાવ્યા. મારી બા ને એટલા માટે કે તેમના ચરણોમાં જ મારું સ્વર્ગ રહેલું છે.

Dr. Dipak Kamejaliya