સ્વર્ગ - ૨ Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વર્ગ - ૨

શુ પ્રેમ કરવો એ કોઈ અપરાધ છે??


હું અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વર્ગ ની શોધ કરતા થાક્યા હતા. સમય ની પણ કાઈ જ ખબર ન્હોતી. અમે આકાશ માર્ગે આમથી તેમ ભટકતા હતા પણ સ્વર્ગ ક્યાંય મળતું નહોતું. અચાનક જ મારા મનમાં એક સવાલ થયો એટલે મે ભગવાનને પૂછ્યું. "સમગ્ર બ્રહ્માંડમાં એવા કેટલા ગ્રહો છે જેની ઉપર પૃથ્વીની જેમ જ જીવન છે અને ત્યાંના લોકો માણસોની જેમ વિચારીને પોતાનો વિકાસ કરી શકતા હોય..?" ભગવાન મારી સામે જોઈને હસ્યા. "માણસો તો બહુ જ ઓછું વિચારે છે. તેઓ વિકાસ ઓછો અને વિનાશ વધારે કરે છે. વિકાસનો મતલબ ખાલી આપણે એકલાએ જ આગળ વધવું નથી હોતું મિત્ર, પરંતુ કુદરતનો, આ પ્રકૃતિ નો પણ સાથે સાથે વિકાસ થવો જોઈએ તો જ તે વિકાસ સાર્થક ગણાય. આપણે કુદરત પાસેથી જેટલું લઈએ તેને પરત પણ એટલું જ કરવું જોઈએ. પ્રકૃતિ તો હંમેશા આપે જ છે પણ તેને જરૂરી હોય તે આપવું એ આપણી ફરજ છે. જયારે માણસ પોતાની ફરજ થી ચુકે છે ત્યારે જ વિનાશ સર્જાય છે. માણસની સાપેક્ષે બીજા અંતરિક્ષવાસીઓ તો ખુબ વધારે સારું વિચારીને પોતાનો અને કુદરતનો સારો એવો વિકાસ કરે છે.
સમગ્ર બ્રહ્માંડમાં અત્યાર સુધીમાં એવા ૧૦૮૭ ગ્રહો છે. ઓહ સોરી, આપણે હમણાં જ એક ગ્રહને (ઓસ્ટ્રોમેટ) ત્યાંના સજીવો સહિત આઝાદ કરી આવ્યા એટલે ટોટલ ૧૦૮૬ ગ્રહો વધ્યા. સમગ્ર બ્રહ્માંડમાં આ ગ્રહો પર એમતો કરોડો જાતિના જીવ વસે છે જેઓ ઓછી કે વધારે બુદ્ધિમત્તા ધરાવે છે અને તે પ્રમાણે તેઓ પોતાનો વિકાસ કરતા હોય છે. ફર્ક ખાલી એટલો જ છે કે આ બધા ગ્રહો પર સમયચક્ર અલગ રીતે ચાલે છે. તેમના બધા માટે ભગવાન એક જ છે પરંતુ તેમના સ્વરૂપ અલગ અલગ હોય છે. સમગ્ર બ્રહ્માંડનુ સર્જન બ્રહ્મદેવે જ કર્યું છે. આજ સુધીમા કોઈ ગ્રહના સજીવોનો એકસાથે સર્વનાશ કે જીવનચક્ર માંથી મુક્તિ ક્યારેય નહી આપવી એવો બ્રહ્મદેવનો આદેશ છે." "તો આપણે તો ઓસ્ટ્રોમેટ પરના બધાજ સજીવો ને જીવનચક્ર માંથી મુક્તિ આપી હતી..!" અચાનક જ હુ વચ્ચે બોલી પડ્યો. તરત જ ભગવાન મારી સામે જોવા લાગ્યા અને પોતાની આંખો મોટી કરી. મને યાદ આવ્યું કે અમે બધા જ સજીવોને જીવનચક્ર માંથી મુક્ત નહોતા કર્યા. હજી ત્યા એક જાદુગર તો પોતાની સજા ભોગવી રહ્યો છે જે અત્યારે કદાચ પોતાની આત્મારસ ભરેલી વિન્ટી શોધી રહ્યો હશે.
"અમારા દેવલોક માં એવું માનવા માં આવે છે કે સ્વર્ગ પાતાળ લોકમાં હોય છે, તો આપણે એક વાર ત્યાં જઈ આવીએ તો કેમ..?" ભગવાન કહેવા લાગ્યા. " ઓહ, એમ હોય તો ચાલો આપણે ત્યાં જઈ આવીએ.." મે કહ્યુ. "તો, આપણે પાતાળમાં જવા માટે સૌ પ્રથમ શુ કરવું પડશે?" મે પૂછ્યું. કાઈ જવાબ આપવાને બદલે ભગવાન મારી સામે સહેજ હસ્યા. મને થોડુંક અજીબ લાગ્યું પણ મે નજરઅંદાજ કર્યું.
અમે અવકાશમાં આગળ વધી રહ્યા હતા.
થોડી વારમાં જ મને અવકાશમાં દૂરથી પૃથ્વી નજરે ચડી. હુ એકદમ ખુશ થઈ ગયો. "અરે વાહ! આપણે ઘરે જઈ રહ્યા છીએ હેને પ્રભુ..?" હુ ઉત્સાહ માં ને ઉત્સાહમાં બોલી પડ્યો. " જો તને ઘર યાદ આવતું હોય અને તારી ઈચ્છા હોય તો આપણે તારા ઘરે જઈ આવીએ, મને કાઈ જ વાંધો નથી." ભગવાન બોલ્યા. હુ મારી મમ્મીને ઘણા દિવસ થી મળ્યો નહોતો એટલે ખુશ થઈને હા જ કહેવા જઈ રહ્યો હતો પરંતુ મને યાદ આવ્યું કે હુ હજી સુધી ભગવાનને એમના ઘરે નથી પહોંચાડી શક્યો તો હુ મારા ઘરે કેવી રીતે જઈ શકું. એટલે મે મારા મનને મનાવ્યું અને પાતાળ જવા તરફ આગળ વધ્યા.

અમે પૃથ્વી પર આવ્યા. હવે અમારે પાતાળ લોક માં સ્વર્ગ શોધવા માટે જવાનું હતું. અહી પૃથ્વી પર કોઈ ક્યારેય વિચારી પણ ન શકે કે સ્વર્ગ પાતાળ લોકમાં હશે.
પાતાળમાં જવા માટે સૌ પ્રથમ અમે સમુદ્ર કિનારે આવી પહોંચ્યા. સમુદ્રતટ થી અંદાજે નવસો માઈલ જેટલા સમુદ્ર માં આવ્યા. મને લાગ્યું કદાચ કોઈ ટાપુ પર જવાનું હશે, પણ અમે હજી તટ થી દરિયા ની અંદર ચાલ્યા જતા હતા, ત્યાં અચાનક મને આશ્ચર્ય થાય એવું દ્રશ્ય નજરે ચડ્યું. લગભગ સાડા નવસો માઈલ સમુદ્રતટ થી દુર દરિયાના પાણીમાં એક કમળ નું ફૂલ ખીલ્યું હતું. એ કમળ નું ફૂલ એટલું મોટું હતું કે જાણે કોઈ વૃક્ષ જ જોઈ લો. અમે એ કમળ ના ફૂલની એકદમ ઉપર અને નજીક જઈ ઉભા રહ્યા. ભગવાન કમળ ની પાસે જઈને કોઈ સાંભળે નઈ એ રીતે કંઇક બોલ્યા. પછી મને કહે, "દિપક, આ કમળ જ પાતાળ માં જવા માટેનો અને ત્યાંથી બહાર આવવા માટેનો એકમાત્ર રસ્તો છે, જે કોઈપણ વ્યક્તિ માટે અમસ્થા જ નથી ખૂલતો પણ તેના માટે યોગ્ય કારણ હોવું જરૂરી છે, એટલે આપણે ત્યાં કેમ જઈએ છીએ અને ત્યાં જવા થી આપણું શું હિત થશે તે સાચા મન થી કમળની નજીક જઈને કહી દે, જો આપણો ત્યા જવા માટેનો ઉદ્દેશ્ય યોગ્ય હશે તો આપણા માટે રસ્તો ખુલી જશે." મે એમ જ કર્યું. અને થોડી વારમાં જ કમળ ની વચ્ચેની પંખુડીઓ એકબીજાથી દૂર થઈને જાણે રસ્તો બનાવતી હોય તેમ એકબીજાથી દૂર જવા લાગી અને બીજી જ ક્ષણે ત્યાથી અંદર જઈ શકાય એવી જગ્યા થઈ ગઈ. ભગવાન મને કહે, "દિપક, હવે આપણે ખૂબ જ ભયાનક જગ્યાએ જઈએ છીએ એટલે એક વાતનું ધ્યાન રાખજે કે મને પૂછ્યા વગર તું કોઈ પણ વસ્તુ ને હાથ ના લગાવતો, અને ચિલ્લવાનું કે આમતેમ ભાગવાનું બિલકુલ નઈ." " ok " મે ટુંક માં પતાવ્યું. ભગવાન મને ડરાવવા માટે એમ કહેતા હતા કે સાચે મારે ધ્યાન રાખવાનું હતું એ મને ના સમજાયું, પણ મે એમની વાત માં હામી ભરી.
હવે અમારે કમળની વચ્ચે બનેલા ઊંડા રસ્તામાં કૂદવાનું હતું, જેથી અમે પાતાળ માં દાખલ થઈ શકીએ. "કમળ માં દાખલ થતાં પહેલાં એક વાત યાદ રાખજે, બિલકુલ ડર્યા વિના અને આંખો ખુલી રાખીને કૂદી જજે, પાતળ સુધીનો રસ્તો આપોઆપ જ મળી જશે." ભગવાને મને કહ્યું. મે ડરતા ડરતા, માથું હલાવીને હા પાડી. " પહેલા તમે કુદજો, તમને જોઈને હું પણ કૂદી જઈશ." મે ડરતા ડરતા કહ્યું. " અરે કાઈ ના થાય અને ડર નઈ, હું તારી સાથે જ છું, ચિંતા ના કર અને ચાલ આવ મારી પાછળ." એમ કહી ભગવાન કૂદી પડ્યા. હું પણ એમની સાથે ભગવાન નું નામ લઈને કૂદી પડ્યો. કમળ ની અંદર નું વાતાવરણ ઠંડુ અને હુંફાળું હતું. કમળની પાંખડીઓ ખૂબ જ કોમળ અને લીછી હતી.

થોડી જ વાર માં અમે એક ખુલ્લા મેદાન જેવી જગ્યામાં આવી પહોંચ્યા. મે ઉપર નજર કરી તો મને પૃથ્વીની જેમ જ આકાશ દેખાઈ રહ્યું હતું. અહીંના આકાશમાં ફર્ક ખાલી એટલો જ હતો કે આ આકાશ વાદળી ને બદલે લાલ રંગનું હતું. દૂર સુધી લાલાશ પડતા વાદળો અને વારંવાર કડકતી લાલ રંગની વીજળી. " મે સાંભળ્યુ છે કે અહી પાતાળ લોકમાં દાનવો, દૈત્યો, નાગ અને રાક્ષસ રહેતા હોય છે, શું એ સાચું છે ભગવાન..?" મે અચાનક મારો ડર વ્યક્ત કરતાં પૂછ્યુ . " આપણે જઈએ જ છીએ, તું તારી નજરે જ જોઈ લેજેને .." ભગવાને મારા પ્રશ્ન નો ઉત્તર રહસ્ય પૂર્વક આપ્યો. મને લાગ્યું, કદાચ મારો ડર સાચો હતો.

થોડી વાર ખુલ્લા મેદાનમાં ચાલ્યા પછી અમે એક ગુફા ની સામે આવી પહોંચ્યા. અમારે એ ગુફા માંથી દાખલ થવાનુ હતું. આ ગુફાનું મુખ એક સાપના આકારનું હતું. તેની બંને તરફ રાક્ષસોની વિશાળ મૂર્તિઓ હતી. તેના મુખની રક્ષા માટે એક નાનકડો ટિંગુજી જેવો પણ ભયાનક રાક્ષસ અદ્રશય રીતે ત્યાં હાજર રહેતો. તે રાક્ષસ હતો નાનકડો પણ તેને માથાની બંને બાજુ ચહેરા હતા. તે આગળ અને પાછળ એમ બંને બાજુ ચાલી કે દોડી શકતો. તેને બંને બાજુ બે બે હાથ હતા, અને તે તેના ચારેય હાથ વડે તલવાર ચલાવી શકતો. એવું લાગે જાણે બે ટિંગુ રાક્ષસોને અલગ દિશા માં ઉભા રાખીને એક બીજા સાથે જોડી દીધા હોય. તેનામાં ઘણી બધી રાક્ષશી શક્તિઓ હતી. પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ મારી સાથે હોય પછી મારે કોઈ ચિંતા રહેતી ન્હોતી. અમે ગુફા પાસે આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણને જોઇને પેલો ટીંગુ રાક્ષસ પ્રણામ કરીને ઊભો રહ્યો. અમને અંદર દાખલ થવા માટે ગુફાનો દરવાજો ખોલી આપ્યો. અમે કોઈ પણ પ્રકારની રોકટોક વિના ગુફામાં દાખલ થયા.
ગુફાની અંદર નું દ્રશ્ય ખુબ જ ભયાનક હતું. ત્યાંની જમીન દરેક જગ્યાએ પીળા રંગની હતી, પીળો રંગ એટલે કે પિત્ત વર્ણ. કદાચ એટલે જ તેને પાતાળ કહેવામાં આવતું હશે.
ઘણો સમય ચાલ્યા પછી અમે એક અંધારા જેવી જગ્યા એ આવી પહોંચ્યા. અચાનક જ ભયંકર દુર્ગંધ આવવા લાગી. મને લાગ્યું, કદાચ હું બેભાન થઇ જઈશ. થોડી વારમાં દૂરથી આવતા અવાજે અમારું ધ્યાન ખેંચ્યું. આ કોઈકના શ્વાસ લેવાનો અવાજ હતો, મને ડર લાગ્યો. જેના શ્વાસ લેવાનો અવાજ એટલો ભયાનક હતો તે પ્રાણી કેટલું ખતરનાક હશે..?
અમે જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ દૂર થી આવતા અવાજ અને દુર્ગંધ વધારે તીવ્ર થતાં હતાં, અને સાથે સાથે મારો ડર પણ વધી રહ્યો હતો. મારી સાથે તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે એ વાતે મારા ડર માં થોડી રાહત આપી.

અમે ચાલતા ચાલતા એક ખડક જેવી જગ્યા પાસે આવી ઊભા રહ્યા. ત્યાં એક જગ્યા એ અઢળક હાડપિંજર અને અડધા ખવાયેલા પ્રાણીઓ અને મનુષ્યો ના શરીર પડ્યા હતા. તેમાં થી આવતી દુર્ગંધ અત્યારે ચરમ સીમા એ પહોંચી હતી. ત્યાં થી બસ થોડે દુર એક નાની ગુફા જેવી જગ્યા એ થી પેલો શ્વાસ લેવાનો તીવ્ર અવાજ આવી રહ્યો હતો.
ભગવાન મારી સામે જોઇને હસ્યા અને કહેવા લાગ્યા, " દિપક, ડર તો નથી લાગતો ને..?" મને ડર તો ખૂબ લાગતો હતો છતાં મે અદબ સાથે કહ્યું, "અરે પ્રભુ, મારી સાથે સ્વયં પરામાવતાર શ્રી કૃષ્ણ હોય તો મને શેનો ડર હોય.." પણ ભગવાન મારા મનનો ડર જાણતા હતા. " તો ચાલ પેલી નાની ગુફા માં જઈને જોઈએ, આવો ભયાનક અવાજ શેનો આવે છે..?". "પરંતુ, ત્યાં જવાની શું જરૂર છે પ્રભુ.., મારા ખ્યાલ પ્રમાણે આપણે સ્વર્ગ ની શોધ માટે આગળ વધવું જોઈએ.." મે મારા ડર ને છુપાવતા કહ્યું." અરે એવું નથી, જો કોઈ ઓળખીતું ત્યાં મળે તો આપણે તેને સ્વર્ગ વિશે કંઇક પૂછી શકીએ, એટલા માટે આપણે ત્યાં જવું જોઈએ, અને આમ પણ તને તો ડર નથી લાગતો ને.." ભગવાન મારી ખીલ્લી ઉડાવતા બોલ્યા. " સારું, તમે કહો છો તો જઈએ, જે થશે તે જોયું જશે." " અરે કાઈ ના થાય, ડર નહીં, ચાલ હવે" એમ કહી ભગવાને મારો હાથ પકડી ને મારી આગળ ચાલવા લાગ્યા. હું એમની પાછળ હતો. અમે પેલી નાની ગુફા ની અંદર પ્રવેશ્યા.
ગુફા ની અંદર નો નજારો ખૂબ જ ડરામણો હતો. તેમાંય પેલો શ્વાસ લેવાનો અવાજ મારા ડર માં વધારો કરતો હતો. અચાનક ભગવાન અટક્યા અને મને પણ ઉભા રહેવા માટે હાથથી ઈશારો કર્યો. હું ઊભો રહ્યો અને ભગવાન ની બાજુ માં જુંકીને એમની આગળ શું છે એ જોવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
"અર્ધાંગા સુર" , જાણે કોઈ મિત્ર ને બોલાવતા હોય એમ પ્રેમ થી ભગવાન શ્રી કૃષ્ણ એ કોઈક ને અવાજ આપીને બોલાવ્યો. પરંતુ ત્યાં મને તો કોઈ દેખાતું નહોતું. મે નીરખી ને જોવાનો પ્રયત્ન કર્યો, છતાં મને કોઈ ના દેખાયું. અચાનક જ એક ખૂંખાર ગર્જના સાથે અમારી સામે જાણે કોઈ પ્રગટ થયું. તે કોઈ રાક્ષસ તો હતો પણ કંઇક અજીબ હતો. તેનું અડધું શરીર સિંહ નું અને અડધું શરીર રાક્ષસ નું હતું. એવું લાગતું હતું કે જાણે કોઈ એ સિંહ ની ગર્દન કાપી ને તેના મસ્તક ની જગ્યા એ કોઈ રાક્ષસ નો કમરથી ઉપર નો ભાગ જોડી દીધો હોય. એકદમ બહાર દેખાતા બે મોટા રાક્ષી દાંત, કાળા કલર ની એની બરછટ અને જાડી ચામડી, મોટા મોટા લહેરાતા વાળ જાણે ઘણા સમયથી ધોયા ના હોય, લાલ ઘૂમ આંખો સાથે અમારી સામે ભયંકર દેખાતો અર્ધાંગાસુર ઊભો હતો. મને એક વાત અજીબ લાગી કે જયારે કોઈ રાક્ષસ ગર્જના કરે તો તેમાં હાસ્ય અને અભિમાન ભરેલું હોય છે જયારે આ ગર્જનામાં કોઈ કણશી રહ્યું હોય તેમ દર્દ અને ગુસ્સો ભરેલો હતો. તે જાણે કરગરી રહ્યો હોય તેવા ભાવ સાથે ભગવાન શ્રી કૃષ્ણ સામે જોવા લાગ્યો. થોડી વાર સુધી બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા જાણે કોઈ વાતચીત થઈ હોય તેમ ભગવાન પોતાનું માથુ હકાર માં હલાવીને પછી મારી તરફ ફર્યા.

હવે અમે તે ગુફામાંથી બહાર આવ્યા અને પાછા પેલી મેઈન ગુફામાં ચાલવા લાગ્યા. થોડીવાર માટે ભગવાન શ્રી કૃષ્ણ એકદમ શાંત હતા. અમે આગળ જઈ રહ્યા હતા ત્યા મને લાગ્યું કે કદાચ ગુફાનો અંતિમ ભાગ આવી ગયો.

ગુફાનો છેડાનો ભાગ એકદમ ખુલ્લો હતો. મે તે ખુલ્લા ભાગમાં જઈને જોયું તો જાણે મારું મો ખુલ્લું જ રહી ગયું. આ ગુફા એક અતિશય વિશાળ અને ભવ્ય દુનિયામાં ખુલતી હતી. તે એક મહાન અને સુંદર રાજ્ય હોય તેવું લાગતું હતું. તેમાં અતિશય વિશાળ અને સુંદર મહેલો, સોના ચાંદીના ચમકતા મીનારાઓ અને અસંખ્ય હીરા-ઝવેરાતથી જગમગતુ એક સુંદર નગર હતું જે દૂર દૂર જ્યા સુધી આપણી નજર પહોંચે ત્યા સુધી ફેલાયેલું હતું. ઉપર લાલ કલરના આકાશમાં અનેક અલગ અલગ આકારના નાના મોટા વિમાનો ઉડી રહ્યા હતા. શહેરની વચ્ચેથી એક વિશાળ નદી પસાર થઈ રહી હતી. નગરની એકદમ વચ્ચે એક સુંદર મજાનો અતિશય ભવ્ય મહેલ દેખાઈ રહ્યો હતો જે કદાચ આ રાજ્યના રાજાનો મહેલ હશે એવુ મે અનુમાન લગાવ્યું.

મને લાગ્યું કદાચ હવે અમારી સફર અને શોધ બંને અહીં પુરી થશે. આ જ સ્વર્ગ છે એમ વિચારીને મારો જમણો હાથ કોણીથી વાળીને ભીડેલી મુઠીએ મે જંગ જીતી હોય તેમ yess કરીને જોશ પૂર્વક પાછો ખેંચ્યો અને ભગવાનને કહેવા લાગ્યો "જુઓ આપણે સ્વર્ગ શોધી કાઢ્યું. આપણને તમારું ઘર મળી ગયું. હવે તમારે કે મારે કાઈ જ ચિંતા કરવાની જરૂર નથી. તમારી મંજિલ આવી ગઈ પ્રભુ, તમારી મંજિલ આવી ગઈ."

ભગવાનના ચહેરા પર જરાય પણ ખુશીની રેખાઓ દેખાતી નહોતી. તેઓ ખુશ થવાને બદલે જાણે કંઈક ચિંતાથી ઘેરાયેલા હોય એવુ મને મેહસૂસ થયું. એટલે મે તેમની સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું. "શુ આ પણ સ્વર્ગ નથી?" મે ભગવાનને ઉદાસ થઈને પૂછ્યું. ભગવાને નકાર માં માથું ધુણાવતા કહ્યું, " આ સ્વર્ગ નથી. તારી નજરની સામે જે વિશાળ અને સમૃદ્ધ રાજ્ય છે તે પાતળ નગરી છે. અહીં ખુબ જ ભયાનક અને ખતરનાક દાનવો વસે છે." "શુ આટલી સુંદર આ નગરી અને તેમાં દેવો ને બદલે દાનવો રહે છે..?" મે ગુસ્સામાં કહ્યું અને પાછો પેલા વિશાળ નગરને નિહાળવા લાગ્યો.

ભગવાને મારા ખભે હાથ મૂકીને ધીમેથી કહ્યું. "આપણે અહીં એક ખુબ જ મહત્વનું કાર્ય કરવાનું છે એટલે મારી વાત ધ્યાનથી સાંભળ. આજ સુધી તે દાનવ, યક્ષ, ગંધર્વ, દૈત્ય, રાક્ષસ આવા શબ્દો જ નકારાત્મક શક્તિ વિશે સાંભળ્યા હશે, પણ એક બીજો શબ્દ છે તે છે -દેવાસુર
સમગ્ર બ્રહ્માંડના દરેક સજીવોનું સર્જન, સર્જનહાર બ્રહ્માના હસ્તક જ થયું છે, પરંતુ દેવાસુર એક એવી અસુર જાતી છે જેનું સર્જન કોઈ એક ધ્યેય માટે દેવતાઓ દ્વારા કરવામાં આવે છે. તેમાં જે દેવતા દ્વારા સર્જન કરવામાં આવે તેમનો અંશ આવેલો હોય છે. તેમને ગમે તે ભોગે તેમને આપવામાં આવેલું ધ્યેય પૂર્ણ કરવાનું હોય છે. તેઓની ઉમર ક્યારેય વધતી નથી અને તેઓ હંમેશા પોતાના ધ્યેયને પૂર્ણ કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકતા હોય છે નિયમ ખાલી એટલો કે 'તેમણે પોતાનું જીવન વ્યતીત કરવા માટે કોઈ જોડે નિજી સંબંધ નહી બનાવવો', અને તેમાનો જ એક દેવાસુર છે -" અર્ધાંગાસૂર "

"તે કદાચ જો સાંભળ્યું હોય તો કે જયારે મારો જન્મ થયો ત્યારે જ માતા યશોદાની કોખથી જન્મેલી મારી બહેન- મહામાયા કે જેની અંદર સ્વયં માતા સતીનો અંશ હતો તેને જયારે મામા કંસે મારવા માટે ઉઠાવી ત્યારે તે આકાશમાં જઈને અદ્રશ્ય થઈ ગઈ હતી. પરંતુ ત્યાર પછીની કહાની કોઈ નથી જાણતું."

"મહામાયાને પણ આ જગતમાં રહીને સૂખ-દુખ, પ્રેમ, દર્દ, જેવી અનેક લાગણીઓની અનુભૂતિ કરવી હતી. મૃત્યુલોકમાં જીવન વિતાવવા માટે તેમને પોતાની દૈવી શક્તિઓનો ત્યાગ કરવો પડ્યો. એટલા માટે તેમના રક્ષણ હેતુ મહાદેવ ભગવાન શંકરે સૂર્યદેવને એક દેવાસુર નું સર્જન કરવાનું કહ્યું. મહાદેવના આદેશથી સૂર્યદેવે એક દેવાસુર નું સર્જન કર્યું અને જયારે તેમાં કોઈ દેવતાનો અંશ ઉમેરવાનો સમય આવ્યો તો મહાદેવ સ્વયં ત્યા ઉપસ્થિત હતા એટલે સૂર્યદેવે પોતાનો અંશ ઉમેરવાને બદલે મહાદેવને તેમનો અંશ ઉમેરવા માટે કહ્યું. મહાદેવ પણ એના માટે સહમત થયા અને આવી રીતે એક દેવાસુર નું સર્જન થયું. ત્યારબાદ બધા જ દેવોએ મળીને તેને પોતાની કોઈને કોઈ શક્તિ આપી અને તેને નામ આપવામાં આવ્યું - સૂર્યન્તક. સૂર્યન્તક આમ તો એક અસુર હતો પરંતુ તેનું સર્જન સૂર્યદેવે કર્યું હતું જેમાં તેમનું તેજ હતું એના કારણે તે દેખાવે કોઈ રાક્ષસ ને બદલે ખુબ જ સુંદર અને તેજસ્વી બન્યો હતો. તેનામાં દેવોએ આપેલી અતિશય શક્તિ અને દરેક પ્રકારની વિદ્યામા તે પારંગત હતો. તે દેખાવે એક શક્તિશાળી રાજકુમાર જેવો લાગતો હતો."

અહીં પૃથ્વી પર મહામાયાને ઉછેરવાને બદલે અહીંથી ખુબ જ દુર આવેલા એક ગ્રહ 'સિપાક' કે જેની ઉપરના લોકો દેખાવે એકદમ મનુષ્યો જેવા જ હતા ત્યા મોકલી દેવામાં આવી હતી. અહીં એક સમૃદ્ધ રાજ્ય હતું 'શિષિરત'. આ રાજ્યના વિનિધન નામના એક નાનકડા અને સુંદર ગામમાં એક સુખી દંપતીની દીકરી માયા તરીકે ઉછરી રહી હતી મહામાયા.

વિનિધનની આસપાસ એક જંગલ હતું. જંગલ માં એક આશ્રમ આવેલો હતો. આશ્રમમાં રહીને બીજા વિદ્યાર્થીઓને ધનુરવિદ્યા અને તલવારબાજી શીખવવાના બહાને સૂર્યન્તક ત્યા રહેતો અને માયા પર નજર રાખતો. તે એક ઋષિના વેશે તો ક્યારેક એક યોદ્ધા ના વેશમાં દિવસમાં એકવાર ગામમાં જતો અને માયાની નજરમાં આવ્યા વિના તેના સમાચાર મેળવતો. વિનિધન ગામના લોકોની કોઈ રોગચાળામાં કે કોઈ પુર જેવી કુદરતી આફતોથી બચવામાં જરૂર પડ્યે આશ્રમના લોકો વારંવાર મદદ કરતા અને બદલામાં તેમને માત્ર અનાજ અને અન્ય ખાવા પીવાની સામગ્રી આપતા. આવી રીતે જ બધા એકબીજા સાથે હળીમળીને રહેતા હતા.

દિવસો વીતતા ક્યાં વાર લાગે. માયા મોટી થઈ અને એક સુંદર યુવતી બની ગઈ હતી. માયા દેખાવે એકદમ નમણી અને જોતા જ ગમી જાય તેવી સુંદરી હતી. શિષિરત નગરીનો રાજા મહારાજ વૃષભરાજ એકદમ સ્વાર્થી, ઐયાંશી, અને ક્રૂર રાજા હતો. તે ઘણી વાર રાજ્યમાં નગરચર્યામા નીકળતો અને જો કોઈ સુંદર યુવતી તેને પસંદ આવી જતી તો પોતાના સૈનિકોને મોકલીને તેનું પોતાની હવસ શાંત કરવા માટે અપહરણ કરાવી લેતો.

એકવાર એવી જ રીતે રાજા નાગરચર્યા માં નીકળ્યો હતો ત્યારે તેની પાલખી જયારે વિનિધન ગામમાંથી પસાર થઈ તો તેની નજર માયા પર પડી જે ગામની નદીએથી પાણી ભરીને ઘર તરફ જઈ રહી હતી. રાજા માયાને જોતા જ તેના પર મોહિત થઈ ગયો. માયાને પ્રેમથી લાવવાને બદલે તે મૂર્ખ રાજાએ પોતાના સૈનિકોને મોકલીને માયાને ઉપાડી લાવવાનો આદેશ આપ્યો.

રાજાના દુર્ભાગ્યવશ જયારે સૈનિકો માયાને લેવા માટે વિનિધન આવ્યા ત્યારે જ એક યોદ્ધા ના વેશે સૂર્યન્તક ત્યા હાજર હતો. જયારે રાજાના સૈનિકો માયાને ઉપાડી જવા લાગ્યા ત્યારે દૂરથી સૂર્યન્તક દ્વારા ફેંકાયેલી તલવાર વડે એક સૈનિક નો હાથ કપાઈ ગયો. તરત જ બીજા સૈનિકો લડવા માટે તૈયાર થઈ ગયા. માયાને લેવા આવેલા દસ થી બાર સૈનિકોને સૂર્યન્તકે આસાનીથી હરાવી દીધા, પરંતુ તેમનો જીવ ના લીધો અને તેમને જીવતા જવા દીધા. સૈનિકોના ગયા પછી તરત જ સૂર્યન્તક ત્યાંથી ચાલ્યો ગયો. માયા પોતાને બચાવનાર મહારથીને ઘણીવાર સુધી શોધતી રહી. સૂર્યન્તકની બહાદુરી અને ચેહરા પરનું તેજ માયાની આંખોમાં વસી ગયા હતા. હવે તે પેલા અજાણ્યા યોદ્ધા પર મોહી પડી હતી.
જયારે વૃષભરાજને ખબર પડી કે કોઈ અજાણ્યા યોદ્ધાએ એકલે હાથે રાજાના એક ડઝન જેટલા સૈનિકોને હરાવ્યા ત્યારે રાજાના ક્રોધ નો પાર ના રહ્યો. હવે રાજાએ પોતાની તાકાતના દર્શન કરાવવા માટે માયાને પકડી લાવવા માટે એક મોટી સૈનિક ટુકડી મોકલી જેમાં અંદાજિત ચારસો સૈનિકો હતા. તેમને આદેશ આપવામાં આવ્યો હતો કે કોઈપણ ભોગે માયાને પકડીને લઈ આવવી. તેના માટે ભલે વચ્ચે આવતા કોઈ પણ વ્યક્તિની તેમને હત્યા કરવી પડે.
જ્યારથી માયાનુ અપહરણ કરવા માટે રાજાએ સૈનિકો મોકલ્યા હતા ત્યારથી સૂર્યન્તક સજાગ થઈ ગયો હતો. તે એ વાતનું જ ધ્યાન રાખતો કે માયા પર કોઈ આફત ના આવી પડે. પણ કદાચ તે જાણતો હતો કે હવે તે અભિમાની રાજા શાંત નહી બેસે. તે માયાને લેવા માટે ફરીવાર સૈનિકો જરૂર મોકલશે.

ત્રણ દિવસ પછી સૈનિકોની એક ટુકડી વિનિધનમા માયાના ઘર સામે આવીને ઉભી રહી. ટુકડી માંથી ચાર સૈનિકો માયાના ઘરની અંદર દાખલ થયા અને તેઓ માયાને જબરદસ્તી તેના માતા પિતાની સામે જ ઉપાડીને બહાર લઈ આવ્યા. માયાના માતા-પિતાના ખુબ વિનંતી કરવા છતાં તેઓ માયાને છોડવા તૈયાર નહોતા. આખી સૈનિક ટુકડી માયાને લઈને ચાલી નીકળી. ગામની બહાર આવતા જ તેમનો રસ્તો રોકીને કોઈ યોદ્ધો ઉભો હતો. કસાયેલું મજબૂત શરીર, માથે કોઈ યોગીની જેમ બાંધેલા મોટા મોટા વાળ, કપાળ પર ભભૂતની તિલક, એક હાથમાં તલવાર, ખભે ધનુષ-બાણ, અને એક હાથના ખભે ૐ નું નિશાન ગોદાવેલું હતું, હોઠો પર મુસ્કાન અને આંખોમાં નીડરતા સાથે એક બળવાન યોદ્ધો જાણે આખી સૈનિક ટુકડીને લલકાર આપતો હોય તેમ સૂર્યન્તક ઉભો હતો.

પહેલી વાર હાર મેળવેલા અમુક સૈનિકો જે સાથે આવ્યા હતા તેઓ સૂર્યન્તક ને જોઈને પોતાનો જીવ બચાવીને ભાગ્યા, પણ નવા આવેલા સૈનિકો પોતાની સાથે ચારસો જેટલા સૈનિકો નું સૈન્ય બળ છે એમ વિચારીને સૂર્યન્તક જોડે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા.

સૂર્યન્તક અને પેલી સૈનિક ટુકડી વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. દરેક સૈનિક ખુબ જ નીડરતાથી લડી રહ્યા હતા અને મોતને વ્હાલું કરી રહ્યા હતા. આ વખતે કદાચ પહેલી વારની જેમ સૂર્યન્તક તેમને જીવતા જવા દેવાની ભૂલ નહોતો કરવા માગતો, એટલે તેની સામે આવનાર દરેક સૈનિકને તે પોતાની તલવાર વડે મોતને ઘાટ ઉતારી દેતો. તે એક કુશળ યોદ્ધો હતો. તેમાંય દેવતાઓ દ્વારા આપવામાં આવેલી શક્તિઓ તેને દરેક હુમલાથી બચાવતી હતી. થોડી જ વાર માં લડવા માટે રોકાયેલા સૈનિકોની લાશોનો ઢગલો થઈ ગયો.અમુક સૈનિકો તો સૂર્યન્તક ને લડતા જોઈને જ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. અંતે અમુક સૈનિકો જેમને મરવું નહોતું તેઓએ પોતાના હથિયાર નાખી દીધા અને માયાને ત્યા જ છોડીને બચી ગયેલા સૈનિકો પોતાના રાજ્યમાં પાછા આવ્યા.

માયા આ વખતે પોતાનો જીવ બચાવનાર મહાવીરને આભાર વ્યક્ત કર્યા વિના જવા દેવા નહોતી ઈચ્છતી. તે તરત જ સૂર્યન્તક સામે આવી અને ઉભી રહી. તેઓ બંને એકબીજાને જોઈ રહ્યા. સૂર્યન્તક પોતાના નિયમો જાણતો હતો પરંતુ તેની અંદર રહેલો મહાદેવનો અંશ સામે ઉભેલી માયામાં માતા સતીના અંશથી આકર્ષાઈ રહ્યો હતો. તેમ છતાં પોતાની લાગણીઓ ઉપર કાબુ રાખીને સૂર્યન્તક માયાને પોતાની સાથે લઈને જંગલમાં ચાલ્યો હતો જ્યા આશ્રમમાં રહીને તે પોતાને અને માયાને રાજા અને તેમના સૈનિકોથી બચાવવા માગતો હતો. આમતો તે એકલે હાથે જ રાજા અને તેના સમગ્ર સૈન્યનો સર્વનાશ કરી શકે એટલી તેનામાં તાકાત હતી. પરંતુ તેને અત્યારે માત્ર અને માત્ર માયાની જ ચિંતા હતી.
આ વખતે જયારે રાજાની આખી સૈનિક ટુકડીની હાર એક જ વ્યક્તિ સામે થઈ એટલે રાજા થોડો ચિંતિત થઈ ગયો. હવે તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય માણસ ના હોવો જોઈએ. એટલે તેને હરાવવા માટે બળ નહી પણ બુદ્ધિની જરૂર પડશે. એટલે તેણે આખા રાજ્ય માં કહેણ મોકલાવ્યું કે જે કોઈ માયા અને તેના રક્ષકને રાજા સમક્ષ હાજર કરશે તેને એક લાખ સોનામહોર ઇનામ માં આપશે. પરંતુ ગામના લોકો જાણતા હતા કે જરૂર પડ્યે આશ્રમના લોકો જ મદદ કરશે પણ રાજા તો પોતાના સ્વાર્થનો સગો છે જે પોતાનો સ્વાર્થ પૂરો થતા જ પાછો બધાને હેરાન પરેશન કરવા લાગશે, એટલે કોઈ પણ તેની મદદ કરવા તૈયાર ના થયું. રોજ રાજા અમુક સૈનિકોને ગામમાં મોકલતો પરંતુ કાઈ પણ સમાચાર મેળવ્યા વગર જ તે સૈનિકો પાછા ફરતા. આવું ને આવું ઘણા દિવસો સુધી ચાલ્યું. એટલે રાજા વૃષભરાજ કંટાળ્યો.

અંતે રાજાએ તે ગામના દરેક ઘરની તલાશી લેવાનો હુકમ કર્યો. માયા અને સૂર્યન્તક રોજ ગામના સમાચાર મેળવતા રહેતા હતા. ગામમાં શુ ચાલી રહ્યું છે તે બધું તેઓ સારી રીતે જાણતા હતા. આખા ગામમાં શોધ્યા પછી પણ જયારે રાજાને માયા કે સૂર્યન્તક ના મળ્યા તો ગુસ્સામાં રાજાએ એક ખુબ જ ભયાનક આદેશ આપ્યો. 'જ્યા સુધી કોઈ આવીને માયા અને સૂર્યન્તક ના સમાચાર ના આપે ત્યા સુધી દરરોજ ગામના એક ઘરના દરેક સભ્યોને મૃત્યુ દંડ આપવો.'

માયા અને સૂર્યન્તક ને ગામના લોકો માટે ખુબ લાગણી હતી એટલે તેઓ આવો અનર્થ થવા દેવા નહોતા ઇચ્છતા. તેઓ આ ક્રૂર રાજાને તેના ગુનાઓની સજા આપવા ઇચ્છતા હતા. જે દિવસે એક ઘરના સભ્યોને મૃત્યુ દંડ આપવાના હતા તેની આગળની રાત્રે જ સૂર્યન્તકે રાજાના રાજમહેલમાં ઘૂસીને તેના અમુક ખાસ સેનાપતિઓનો વધ કર્યો અને રાજા સમક્ષ હાજર થઈ ગયો. રાજા એકદમ ડરી ગયો. સૂર્યન્તકે રાજાને ધમકાવતા કહ્યું, "જો તારા કારણે વિનિધન ગામના એક પણ વ્યક્તિને કાઈ તકલીફ પહોંચી તો આજે તો ખાલી તારા સેનાપતિઓને માર્યા છે પરંતુ હવે પછી તારો વારો છે. તુ માયાને લાયક નથી એટલે એના સપના જોવાનું છોડી દે નહીતો એકદિવસ એવો આવશે કે જયારે મોત જોઈતું હશે તો પણ નહી મળે એટલું દર્દ હુ તને આપીશ, સુધરી જા." તેને ધમકાવીને સૂર્યન્તક ત્યાંથી ચાલ્યો ગયો.

આ અણધાર્યા હુમલા થી રાજા એકદમ ભડકી ઉઠ્યો. ડરના લીધે તે માયાને તો ભૂલી ગયો પણ તેની અંદરના અભિમાને તેને પોતાનું અપમાન ભુલાવા નહોતું દીધું. તે એવો મોકો જ શોધતો હતો કે ક્યારે તે સૂર્યન્તક અને માયાને પોતાના થયેલા અપમાનને બદલે સજા આપે. અને એક દિવસ તેને એવો મોકો મળી ગયો.

હવે માયા અને સૂર્યન્તક દૂર જંગલમાં બધાથી દૂર એક સલામત જગ્યાએ રહેતા હતા. એકદિવસ તે બાજુથી કોઈ બ્રાહ્મણો ની એક મંડળી નીકળી જે શિષિરત જઈ રહી હતી. તેમણે માયા અને સૂર્યન્તક ને ત્યા જંગલમાં જોઈ લીધા. તેમાંથી એક લાલચુ બ્રાહ્મણે સિક્કાઓની લાલચમાં રાજા પાસે જઈને સૂર્યન્તક અને માયાનું ઠેકાણું બતાવી દીધું.

માયા અને સૂર્યન્તક બંને એકબીજા સાથે ખુબ ખુશ હતા. તેઓ સમગ્ર દુનિયાથી દૂર પોતાના પ્રેમની દુનિયામાં જીવી રહ્યા હતા. એક દિવસ સવારે જયારે માયા જંગલમાં ફુલ વીણી રહી હતી ત્યારે એક સિંહ તેની સામે આવી ગયો. સિંહ ગર્જના કરીને માયાને મારવા માટે કુદ્યો. તેને જોઈને માયા એકદમ ડરી ગઈ અને ચિલ્લાતી જંગલમાં આમથી તેમ સિંહથી બચીને ભાગવા લાગી. તેનાથી થોડે જ દૂર તલવારબાજી કરી રહેલા સૂર્યન્તકે માયાની ચીસ સાંભળી અને તે માયાને બચાવવા તે બાજુ દોડ્યો. પલક જપકતા જ સૂર્યન્તક માયા અને સિંહની વચ્ચે આવીને ઉભો રહ્યો. સિંહ અને સૂર્યન્તક એકબીજાને મારવા માટે એકબીજા ઉપર કૂદી પડ્યા. જોતજોતામાં તો સૂર્યન્તકે પોતાની ધારદાર તલવાર વડે સિંહની મોટા મોટા કેશવાળી ગર્દન તેના શરીરથી અલગ કરી નાખી અને સિંહ એક દર્દનાક ચીસ પાડીને મોતને ભેટ્યો.

માયા અને સૂર્યન્તક તેમના રહેઠાણ તરફ જઈ રહ્યા હતા. અચાનક જ તેમને આસપાસ ઘણા બધા માણસોની ચહલપહલ સાંભળવા મળી. આમતેમ નજર ફેરવી તો લગભગ દસેક હજાર જેટલા સૈનિકો તેમને ઘેરી લેવા માટે ચારે દિશામાંથી દોડીને આવી રહ્યા હતા. માયા અને સૂર્યન્તક માટે એક મુસીબત ટળી જ હતી ત્યા આ બીજી મુસીબત આવી પડી. સૂર્યન્તકના મનમાં એકદમ ફાળ પડી. અત્યારે તેની સાથે માયા પણ હતી અને જો માયાને કાઈ થઈ ગયું તો તે કેવી રીતે જીવી શકશે.

પોતાના હાથમાંની તલવાર ની પકડ મજબૂત કરીને તે તેમની નજીક આવતા દરેક સૈનિકને પોતાની તલવાર વડે મોતને ઘાટ ઉતારવા લાગ્યો. સૈનિકો પણ ખુબ વધારે હતા. એક મરેને તેની જગ્યાએ બીજો હાજર જ હોય. ઘણા સમય સુધી આવી જ રીતે સૂર્યન્તક એક પછી એક સૈનિકને મારતો રહ્યો. અચાનક જ તેને મેહસૂસ થયું કે માયા તેની પાસે નથી ઉભી. તેણે આસપાસ નજર કરી તો તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ.

વૃષભરાજની તલવાર માયાની ગર્દન ઉપર હતી અને એકદમ સુન્ન થઈને માયા ત્યા ઉભી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે એકદમ ડરેલી, સહેમેલી, આંખોમાં આંસુ અને ઉમ્મીદ સાથે સૂર્યન્તક તરફ જોઈ રહી હતી. સૂર્યન્તકનુ હૃદય જાણે એક ધબકારો ચુકી ગયું. જિંદગીમાં પહેલી વાર તેની આંખોમાં ડર દેખાયો. એટલામાં જ તેની પાછળથી દોડતા આવીને એક સૈનિકે જોરથી તલવારનો ઘા સૂર્યન્તક ની કમર પર કર્યો અને બીજી જ ક્ષણે સૂર્યન્તક નું શરીર કમરમાંથી બે ટુકડામાં વહેંચાઈ ગયું.

પોતાની નજર સામે જ તેના જીવથી વધારે વ્હાલા સૂર્યન્તકનુ બે ભાગમાં વહેંચાયેલું નિર્જીવ અને લોહીથી લથપથ શરીર જોઈને માયા જાણે પોતાનું ભાન ભૂલી ગઈ. તેણે રાજા વૃષભરાજની તલવાર જ પોતાના ગળા ની આરપાર કરી દીધી. માયા અને સૂર્યન્તક બંને નું મૃત્યુ થયા પછી રાજા વૃષભરાજ ને પોતાના અપમાનનો બદલો લેવાઈ ગયા નો સંતોષ તો મળ્યો પણ જયારે આસપાસ નજર ઘુમાવી ત્યારે ભાન થયું કે આ યુદ્ધથી રાજા પોતે માત્ર અને માત્ર નુકશાન જ પામ્યો છે, અંતે તે પોતે જ પોતાની આદતોને કોસતો ત્યાંથી પોતાની સેનાને લઈને ચાલતો થયો.

આ બધું જ સૂર્યદેવ પોતાની નજરે જોઈ રહ્યા હતા. તેમને પોતે સર્જેલા પોતાના પુત્ર ઉપર ખુબ જ દયા આવી. તેઓ જાણતા હતા કે સૂર્યન્તકે માયા સાથે પ્રેમ કરીને ખુબ મોટો અપરાધ કર્યો છે પરંતુ, તે જાણતો હતો કે આ પ્રેમલીલાનુ કારણ મહાદેવનો જે અંશ સૂર્યન્તક માં ઉમેરવામાં આવ્યો હતો તે જ હતો. એટલે તેમણે સૂર્યન્તક ને જીવંત દાન આપવાનું વિચાર્યું.

સૂર્યન્તક નું મૃત્યુ તેના શરીરના બે ટુકડા થવાના લીધે થયું હતું એટલે હવે જીવંતદાન આપ્યા પછી તેના શરીરનો મસ્તક વાળો ભાગ જ જીવંત થઈ શકે એમ હતો એટલે તેના કમરથી નીચેના ભાગ માટે તેમણે જે સિંહ નું મોત સૂર્યન્તકના હાથે થયું હતું તેનું ગર્દનથી નીચેનો ભાગ અને સૂર્યન્તક નો કમરથી ઉપરનો ભાગ જોડી દઈ અને પછી સજીવન કરવા માટે પોતાનું તેજ અને પોતાનો જ અંશ ઉમેરીને તેમણે એક સુંદર દેવાસુર માંથી એક ભયાનક પશુ-અસુર નું સર્જન કર્યું. જે અર્ધાંગાસૂર સ્વરૂપે અહીં હાજર છે. એટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાની વાતનો અંત આણ્યો.

" પરંતુ તેને અહીં કેદ શા માટે કર્યો છે એ વાત મને ના સમજાઈ." મને એક શક થયો એટલે પૂછ્યું. ભગવાન જાણે એકદમ ઉદાસ થઈ ગયા હોય તેમ બોલ્યા. "તેણે સાચા મનથી માયાને પ્રેમ કર્યો હતો એટલે.."

હુ બધી જ વાત સારી રીતે સમજી ગયો હતો. એટલે હવે અમારે ફરીવાર અહીં એક નિર્દોષ વ્યક્તિને કેદમાંથી આઝાદ કરાવવાનો હતો. હુ હવે એ બાબત માટે ખુબ સારી રીતે તૈયાર હતો. "ઓકે, તો હવે આપણે એને કેદમાંથી આઝાદ કરાવવા માટે શુ કરવાનું છે?" મે ઉત્સુકતાવશ ભગવાનને પ્રશ્ન કર્યો.

" જો, અહીં આ જે ગુફા છે એવી જ પાસે પાસે બીજી અનેક ગુફાઓ છે અને દરેક ગુફામાં અર્ધાંગાસૂર જેવાજ અનેક ગુનેહગારોને કેદ કરેલા છે. એમાંથી અમુક તો એટલા બધા ભયાનક રાક્ષસો છે કે તેમને આઝાદ કરાવવાનો વિચાર પણ હુ ના કરી શકું. જો તેઓ આઝાદ થઈ જાય તો અહીં પાતાળ લોકમાં પણ તબાહી મચાવી દેશે. આપણે તેમને છોડીને માત્ર અર્ધાંગાસુરને જ આઝાદ કરાવવાનો છે. અહીં આપણને જોતા એમ જ લાગે કે અર્ધાંગાસૂર એમ જ ગુફામાં બેઠો છે પણ હકીકતમાં તેની ગુફાના દરવાજામાં એક અદ્રશ્ય આવરણ રહેલું છે જે તેને અને બીજા બધા કેદીઓને બહાર આવતાં રોકે છે. તે આવરણ અહીંના એક શક્તિશાળી રાક્ષસના જાદુ વડે બનેલું છે. જો તે રાક્ષસનુ મૃત્યુ થાય તો અર્ધાંગાસૂર જેવા બધા જ કેદીઓ મુક્ત થઈ જાય, એટલે આપણે તે રાક્ષસને મારવાનો નથી પરંતુ એવુ કંઈક કરવાનું છે જેનાથી અર્ધાંગાસૂરની ગુફાના દરવાજાનુ જાદુ જ નષ્ટ થાય." ભગવાન મને બધી વાત સમજાવતા બોલ્યા.

"ઓકે, સમજી ગયો. મતલબ, આપણે તે રાક્ષસને મારવાનો નથી પણ ખાલી અર્ધાંગાસુર ની ગુફાનો દરવાજો ખોલવા માટે મજબુર કરવાનો છે એમ જ ને. મને તે રાક્ષસ વિશે કંઈક કહો, મતલબ કે તેની જાદુઈ તાકાત અને તે કેટલો ખતરનાક છે એ બધું." મે પેલા રાક્ષસ વિશે જાણવાની ઉતાવળમાં કહ્યું.
"તે રાક્ષસનું નામ 'અરિષ્ટાસુર' છે અને તે તમારી દુનિયાના વિંછીના આકારનો રાક્ષસ છે પરંતુ તેનો વચ્ચેનો ભાગ ખુબ ઊપસેલો છે. આગળની બાજુએ બે આંકડાઓ છે પરંતુ એક આંકડામાં ધારદાર ભાલા જેવી અણી છે તો બીજા આંકડામાં આ ભાલા જેવો ભાગ સમાય તે રીતનો ખાડા જેવો ઊંડો ભાગ છે અને તે બે આંકડાઓમા એટલી તાકાત છે કે તેનાથી તે મોટો પથ્થર પણ ચૂર-ચૂર કરી શકે. તમારી દુનિયાના વિંછીને પાછળની બાજુએ એક જ ડંખ હોય છે જયારે આ અરિષ્ટાસુરને પાછળની બાજુએ બીજા છ ડંખ છે અને દરેક ડંખમાં એટલું ભયંકર ઝેર છે કે જો કોઈ પથ્થર પર ડંખ મારે તો પથ્થર પણ પીઘળી જાય. હવે સૌથી મહત્વની વાત, તે જમણી બાજુની સૌથી નીચેની ગુફામાં જમીનની અંદર રહે છે અને તેની જમીનનું કંપન મેહસૂસ કરવાની શક્તિ એટલી બધી વધારે છે કે તે જ્યા રહે છે તે જમીન પર નાનો પથ્થર પણ પડે તો બીજી જ ક્ષણે તે પોતાના ભાલા અને ખાડા વાળા બે આંકડાઓ વડે તેના કચ્ચરઘાણ કાઢી નાખે. એટલે તુ એની ગુફામાં પગ બિલકુલ નહી મુકી શકે." એક જ શ્વાસે ભગવાને મને અરિષ્ટાસુરની બધી જ ખૂબીઓ કહી દીધી.

એટલું સાંભળ્યા પછી મને લાગ્યું કે આ વખતે અર્ધાંગાસુરને અમે આઝાદ નહી જ કરાવી શકીએ. પેલા રાક્ષસની એટલી બધી ખૂબીઓ વિશે સાંભળીને મને નહોતું લાગતું કે કોઈ તેને હરાવી શકે, અથવા તો તેને કોઈ અર્ધાંગાસુર નો દરવાજો ખોલવા માટે મજબુર કરી શકે.

અમે અર્ધાંગાસુરને કેદમાંથી આઝાદ કરાવી શકીશું કે નહી, અમને સ્વર્ગ મળે છે કે નહી આવા પ્રશ્નોના જવાબ માટે ચાલો મારી સાથે..






ક્રમશઃ........... સ્વર્ગ-૩