માનવમાંથી મહામાનવ Vimal "Sattarshingo" Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનવમાંથી મહામાનવ

ધારો કે તમારો નવો જન્મ એક મોટર (car) તરીકે થાય તો કઈ કાર બનવાનું પસંદ કરો? કઈ બ્રાન્ડ? કેવું મોડેલ? શું કિમંત- ઈકોનોમી કે પ્રીમિયમ લક્ષરીઅસ? મેનુઅલ ગિયર કે ઑટોમૅટિક? કયો રંગ? સાદો કે મેટાલિક? એન્જીનની સાઈઝ? મહત્તમ સ્પીડ? કેટલી બુટ-સ્પેસ? ટાયર મોટા કે નાના? રેગઝિન ઈંટેરીઅર કે પ્યોર લેધર? સાદું ડેશબોર્ડ કે ટચ-સ્ક્રીન? પેટ્રોલ કે હાયબ્રીડ? સાદું ટેપ કે હાઈફાઈ મ્યુઝિક સિસ્ટમ? સન-રૂફ કે પછી બંધ કેબિન? કેટલી એર-બેગ્સ? સાદું AC કે પછી સ્ટેટ ઓફ ધ આર્ટ ક્લાયમેટ કંટ્રોલ? મેનુઅલ ઓપેરેશન કે રિમોટ કન્ટ્રોલ્ડ?

હવે ધારો કે તમારો નવો જન્મ એક મોબાઈલ કે લેપટોપ તરીકે થાય તો કઈ બ્રાન્ડનું બનવાનું પસંદ કરો? 3G, 4G કે પછી 5G? કેટલી સ્પીડ? કેટલી રેમ? કેટલું મોટું મેમરી કાર્ડ (કે હાર્ડ-ડિસ્ક), નાનો સ્ક્રીન કે મોટો? સાદો કે સુપર ક્વાલિટી ડિસ્પ્લે? કેટલા મેગા પિક્સલનો કેમેરા? મેટલ કે પ્લાસ્ટિક બોડી? નોર્મલ કે ડીપ-બાસ ક્રિસ્ટલ ક્લીઅર સ્પીકર સિસ્ટમ, ક્યાં-ક્યાં સોફ્ટવેર અને ટૂલ્સ? વાઈ-ફાઇની રેન્જ? અન્ય કેનેક્ટિવિટી ઓપશન્સ?

હવે ધારો કે નવો જન્મ એક વનસ્પતિ તરીકે થાય છે તો શું બનવાનું પસંદ કરશો? તાડનું ઊંચું ઝાડ કે દ્રાક્ષનો વેલો? ગુલાબ, જાસુદ કે ધતુરો? લીમડો, આંબો કે થોર? ફૂલ બનશો કે ફળ? અતિશય ઝડપી વધતો જંગલી બાવળ કે નાના કુંડામાં સમાઈ જતું બોન્ઝાઇ? લાલ, લીલા, પીળા કે પછી રંગ-બેરંગી પાન, હાથીકાય મજબૂત થડ કે પાતળું, હવામાં ઝૂલતું નાજુક? ખાતર-પાણી જોઈશે કે જાતે જ વિકસવાનું પસંદ કરશો? બધે ઉગશો કે માત્ર અમુક ખાસ જગ્યાએ, ચોક્કસ વાતાવરણમાં જ?

હવે ધારો કે નવો જન્મ પાછો મનુષ્ય તરીકે જ થાય તો કેવા મનુષ્ય બનવાનું પસંદ કરશો? આળશું કે જોશીલા? કઠોર કે માયાળુ? સાદા, સરળ કે અઘરા? મહેનતુ, ખંતીલા કે પ્રમાદી? ઈમાનદાર કે તકવાદી? સ્વાર્થી કે પરમાર્થી? તંદુરસ્ત કે બીમાર? માત્ર ઉપભોક્તા કે સર્જનકાર પણ? સહજ કે અકડુ? આત્મવિશ્વાસથી ભરપૂર કે શંશયગ્રસ્ત? વાચાળ કે ઓછુબોલા? લીડર કે ફોલોઅર? ચિત્રકાર, સંગીતકાર, કૂક, ગાયક, લેખક, કવિ, ઇનોવેટર, થીન્કર, ફિલોસોફર, શિક્ષક, રમતવીર...? માત્ર લેશો કે પાછું પણ વાળશો? જવાબદાર કે છટકબારી શોધનાર? હસતા, આનંદિત કે અકારણ રડમસ? એક જ જગ્યાએ સ્થિર, બંધાયેલ કે રોજેરોજ વિકસીને ચેતનાનું ઊંચું સ્તર હાંસેલ કરતા? 

જો પહેલા ત્રણમાં ઉચ્ચતમ કક્ષાની કાર, કાર્યદક્ષ મોબાઈલ અને સુંદર, ઉપયોગી વનસ્પતિ બનવાનું પસંદ કર્યું હોય અને છેલ્લામાં ઉત્તમ મનુષ્ય બનવાનું પસંદ ન કરેલું હોય તો તે તમારી જાત સાથેની છેતરપિંડી છે. આપણી અંદર બેઠેલા પરમાત્માનું અપમાન છે. 

આપણો દરેકનો દરરોજ સવારે નવો જન્મ થાય જ છે. રોજ થશે. જીવશું ત્યાં સુધી થશે. રોજ સવારે આપણને એ વિચારવાની તક મળે છે કે આજે હું શું બનીશ - માત્ર માનવ કે મહામાનવ? હું એ જ રીતે જીવે રાખીશ જે રીતે કાલ સુધી જીવ્યો છું કે મારી પાસે બીજા વિકલ્પો છે? 

હું આજે કંઈક નવું વિચારીશ? 

હું આજે કંઈક નવો પ્રયોગ કરીશ જે પહેલા ક્યારે પણ ન કર્યો હોય? 

આજે મારા શરીર અને મનની માવજત માટે પ્રયત્ન કરીશ? 

હું આજે કોઈની પ્રશંસા કરીશ? 

હું આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરીશ? 

આજે કોઈને તેના વેપાર-ધંધા વિકસાવવામાં યથાશક્તિ મદદ કરીશ?

આજે કોઈ વ્યક્તિના આનંદનું કારણ બનીશ?

આજે કોઈ બાળકનું કે યુવાનનું  સપનું પૂરું કરવામાં ભાગીદાર બનીશ? 


ઘણા રસ્તાઓ છે. જો વિચારશો તો તમારું મન જ તમને મહામાનવ બનાવવાના રસ્તાઓ બતાવશે. ચોક્કસ બતાવશે. 

માનવમાંથી મહા-માનવ બનવાની રોજ મળતી તક આપણે ઝડપવી જ જોઈએ એવું મારુ માનવું છે. તમારું શું માનવું છે?