શેરબજારની વિશાળ, અનંત શાળા Vimal "Sattarshingo" Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શેરબજારની વિશાળ, અનંત શાળા

ગુજરાતીઓનું ફૅવરિટ શોપિંગ ડેસ્ટિનેશન?

શેરબજાર!

ગુજરાતીઓનો સૌથી વ્હાલો સાઈડ બિઝનેસ?

શેરબજાર!

ગુજરાતીઓ ભેગા થાય ત્યારે સૌથી વધુ ચર્ચાતો વિષય?

શેરબજાર!

ગુજરાતી વ્યક્તિ મિટિંગમાં વ્યસ્ત હોય ત્યારે પણ મોબાઈલમાં ઘડી-ઘડી શું ચેક કરે?

શેરબજાર!


મારી પોતાની જ વાત કરું તો મારા બાળકો જયારે પણ કોઈ મોંઘા રમકડાંની જીદ કરે અથવા તો ઘરવાળી ડાયમંડ સેટની માંગણી કરીને રિસાણી હોય ત્યારે હું એક જ વાત કરીને વાયદો પાડું, "ગયા અઠવાડિએ જ ******* કંપનીના શેર લીધા છે. ભાવ વધે એટલે પ્રોફિટ બુક કરી લઈએ પછી તારો ડાયમંડ સેટ પાક્કો!!" અને સાચું કહું તો આ ફોર્મ્યુલાનો સક્સેસ રેટ 100% છે. પણ શેરની માથે સવાશેર હોય તેમ મારા આવા જવાબો સાંભળીને મારા બંને બાળકો સ્માર્ટ થઇ ગયા છે. સોમવારથી શુક્રવાર સુધી રોજ સાંજે પૂછે, "પપ્પા, આજે કોઈ પ્રોફિટ બુક કર્યો?!!" અને જે દિવસે હા પડાઈ ગઈ તે દિવસે ખિસ્સા ખાલી કરાવે પાર કરે મારા બેટા!!


ઘણી વખત વિચાર આવે કે આ NSE અને BSE બંને મુંબઈમાં છે તેને કારણે મુંબઈમાં ગુજરાતીઓની મોટી વસ્તી છે કે પછી મુંબઈમાં ગુજરાતીઓ વધારે હતા તેથી આ બંને મોટા સ્ટોક એક્સચેન્જ મુંબઈમાં ખોલવામાં આવ્યા. ઇતિહાસ જે પણ હોય તે, પરંતુ જો ભારતનું ત્રીજું મોટા ગજાનું સ્ટોક એક્સચેન્જ બને તો તે ચોક્કસ અમદાવાદમાં જ બનશે. અને તે પણ સિટીના મુખ્ય કોમર્સીઅલ એરિયામાં નહિ પણ આઉટસ્કર્ટમાં, પાંચ એકર જમીનમાં બનશે. ફરતે હશે મોટો બગીચો અને એક મોટું રેસ્ટોરેન્ટ. જબરદસ્ત સ્ટોક એક્સચેન્જ કમ પીકનીક સ્પોટ - ટૂ ઈન વન. અને હું તો મારા પરિવારને લઈને ચોક્કસ ત્યાં ફરવા જઈશ અને બાળકોને નાનપણથી જ એ શેરબજારના ઓટલા પર બેસીને જ શેરબજાર શીખવીશ. જે પણ ડાઉટ હોય ત્યાં જ કલીઅર થઇ જાય! કાલે સવારે કોઈ કહી ન શકે કે, " તમારા છોકરાઓ ભણ્યા ખરા પણ ગણ્યા નહિ." 


હવે શેરબજાર વિષે આટલું લખી જ નાખ્યું છે તો તમારી સાથે એક બ્રમ્હજ્ઞાન પણ શેર કરી જ દઉં. એક વાતનો વિચાર કરો - મારા તમારા જેવો સામાન્ય માણસ કોઈને કામ કરવા માટે નોકરીએ રાખી શકે? તમે કહેશો હા, કદાચ રાખી શકે. બીજા પ્રશ્નો - કેટલા લોકોને? અને તમે તેને વધુમાં વધુ કેટલો પગાર આપે શકો? - દસ હજાર, વીસ હજાર, પચાસ હજાર, એક લાખ? એક કરોડ કે પાંચ કરોડ તો નહિ આપી શકોને? જયારે તમે કોઈ કંપનીના શેર લો છો ત્યારે તે કંપનીના CEO થી માંડીને દરવાન સુધીના લોકોને તમારા (એટલે કે શેરહોલ્ડરર્સ) માટે કામે લગાડો છો. તે લોકો દિવસ રાત મહેનત કરીને, પોતાની બુદ્ધિ અને જ્ઞાન વાપરીને, પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને તમારા માટે પૈસા કમાય છે. હવે આટલી મોટી તક એક વેપારી પ્રજા થોડી જતી કરે??!! (ડિસકલૈમર : શેરબજારમાં રોકાણ કરવું જોખમી સાબિત થઇ શકે છે. તમારા ફાયનાન્સિયલ એડવાઈસરની સલાહ લઈને જ કોઈપણ નિર્ણય લેવો. હું માત્ર લેખક છું. ફાયનાન્સિયલ એડવાઈસર નથી.)


લેખનો અંત શેરબજાર પર લખેલી એક નાનકડી કવિતાથી કરીએ. તમારા ગ્રુપમાં જે લોકો શેરબજારના રસિયા હોય તેઓ સાથે ચોક્કસ શેર કરજો. તેઓ કદાચ આ કવિતા વધારે સારી રીતે માણી શકશે.

 

શેરબજારની આ વિશાળ, અનંત શાળા,

જાણે ખીણ-ડુંગરોની લાંબી હારમાળા.


બેલેન્સ શીટ અને P&L ના જટિલ જાળાં,

ને ઉપરથી પાછા આ રેશીઓના અઘરા પાળા.


ઓપ્શન સ્ટ્રાઇકના એ હજારોના ટોળાં,

તો ક્યારેક માર્જિન કોલના પોલાદી ગોળા.


ફ્યુચરમાં લલચાવે એ સીધાં સરળ નાણાં,

બેલેન્સમાં કરી દે ભાઈ મોટા-મોટા કાણાં.


ચારે બાજુ લાલ-લીલા, ચડતા-ઉતરતા ઢાળા,

પણ ધ્યાનથી હો, થાય નહિ ઈ કોઇના સાળા.


દૂરથી ભલે દેખાય પૈસા ભરેલા ગાડાં,

એક ટ્રેડરને પૂછી જોજો કેમ ભરાય છે ભાડાં.


બે જીતના અને ત્રણ હારના હોય દા'ડા,

ધીરજવાન છેલ્લે નાચે, ઉતાવળિયા રોજ પડે આડા.


શીખવો સારી રીતે પડે આ ફાયનાન્સિઅલ ચેસ,

નહીંતર લાઈફ થઇ જાય જોતજોતામાં જ કમ્પલિટ મેસ.

 

એક લેખક માટે વાંચકો જ ભગવાન હોય છે તેવું હું દિલથી માનું છું અને વાંચકોના પ્રતિભાવની હમેંશા રાહ જોઉં છું. પ્રતિભાવોની કદર કરું છું. અને પ્રતિભાવ આપનાર વાંચકોનો હમેંશા આભાર માનું છું. 


સફરમાં જોડાયેલા રહેજો.