રોકેટ્રી: ધ નમ્બિ ઇફેક્ટ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોકેટ્રી: ધ નમ્બિ ઇફેક્ટ

રોકેટ્રી: ધ નમ્બિ ઇફેક્ટ

-રાકેશ ઠક્કર

અઢી કલાકની ફિલ્મ 'રોકેટ્રી: ધ નમ્બિ ઇફેક્ટ' ક્યારેક કંટાળાજનક બનતી હોવા છતાં લેખક જ નહીં નિર્દેશક તરીકે છ વર્ષની મહેનત પછી આર. માધવને ઇમાનદારીથી બનાવી છે એ હકીકત ઘણા દ્રશ્યોમાં જોઇ શકાય છે. જે લોકો માત્ર અને માત્ર મનોરંજનના આશયથી ફિલ્મો જુએ છે એ નિરાશ થવાના છે. એક વૈજ્ઞાનિકના જીવનને આર. માધવને 'રોકેટ્રી: ધ નમ્બિ ઇફેક્ટ' માં અસરકારક રીતે પડદા પર ઉતાર્યું છે. તેણે મનોરંજન માટે ક્યાંય કોઇ સમાધાન કર્યું નથી. મૂળ વિષયને વળગીને રહ્યો છે. એ ત્યાં સુધી કે ફિલ્મમાં શાહરૂખ ખાન જેવા સ્ટાર અભિનેતાની વિશેષ ભૂમિકા હોવા છતાં માત્ર લાભ લેવા પ્રચારમાં એનો કોઇ ઉપયોગ કર્યો નથી. આખી ફિલ્મ જોયા પછી શાહરૂખના વખાણ કર્યા વગર કોઇપણ રહી શકે એમ નથી. શાહરૂખે પોતાની જબરદસ્ત છાપ છોડી છે. આખી ફિલ્મ માટે સૂત્રધાર શાહરુખનું કામ અસરકારક બને છે. તેના પર ક્યાંય સ્ટારડમ હાવી થતું દેખાતું નથી. નમ્બિની પત્ની તરીકે સિમરનનું કામ સારું છે. ઉન્નીના રૂપમાં સેમ મોહન, સારાભાઇ તરીકે રજિત કપૂર અને ડૉ. કલામના રૂપમાં ગુલશન ગ્રોવર પ્રભાવિત કરે છે.

કેટલીક જગ્યાએ ફિલ્મ ડોક્યુમેન્ટ્રી જેવી લાગે છે. રોકેટ વિજ્ઞાન પર હોવાથી ઘણા શબ્દોના અર્થ સમજાતા નથી. એને નાના કિસ્સાથી સમજાવવાનો પ્રયાસ જરૂર કર્યો છે. પહેલા ભાગને સમજવાનું મુશ્કેલ બને છે. અવકાશ વિજ્ઞાનની વાતો સાથે અંગ્રેજી અને તકનીકી શબ્દોનો એટલો ઉપયોગ છે કે બીજા ભાગ માટે ધીરજ રાખવી પડે છે. ઇન્ટરવલ પછી ફિલ્મ વધુ સરળ અને જોવા જેવી લાગે છે. ફિલ્મમાં ઇસરોના એક એવા વૈજ્ઞાનિકની વાત છે જેમણે વિજ્ઞાનની દુનિયામાં ભારતને ગૌરવ અપાવ્યું હતું. પરંતુ એમને દેશદ્રોહના આરોપમાં ફસાવીને બે માસ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. એમણે જીવનમાં ઘણું અપમાન સહન કરવું પડ્યું હતું. અનેક પડકારોનો સામનો કરીને એમાંથી એ કેવી રીતે બહાર આવ્યા અને રોકેટ એન્જિનની કેવી રીતે શોધ કરી હતી એની દિલને સ્પર્શી જાય એવી આધારભૂત વાર્તા છે.

શરૂઆતમાં જ અંદાજ આવી જાય છે કે સસ્પેન્સ અને ડ્રામાવાળી આ બાયોપિક નથી. ઇન્ટરવલ પહેલાં બાયોપિક પૂરી થઇ જાય છે અને પછી ખાસ મુદ્દા ઉપર ચાલે છે. આર. માધવન સિવાય કદાચ જ કોઇ આટલી બારીકાઇથી એમના જીવનને પડદા પર બતાવી કે જીવી શક્યું હોત. જે દર્શકો એક અભિનેતા તરીકે ચાહક નહીં હોય તે પણ એના નિર્દેશક તરીકેના કામને જરૂર વખાણશે. તે સારો અભિનેતા જ નહીં નિર્દેશક પણ છે. ફિલ્મોના ઇતિહાસની જ્યારે ચર્ચા થશે ત્યારે 'રોકેટ્રી' નો ઉલ્લેખ કરવો પડે એટલા સમર્પણથી બનાવી છે. અને નિર્માણની બીજી બધી જ જવાબદારીઓ સાથે તેણે અભિનય પર ઘણું ધ્યાન આપ્યું છે. 'નમ્બિ નારાયણન' તરીકેનો અભિનય તેની કારકિર્દીમાં યાદગાર બની રહેશે. જે વૈજ્ઞાનિકને આજ સુધી ખાસ કોઇ જાણતું ન હતું એ નમ્બિને એણે યાદગાર બનાવી દીધા છે. નમ્બિનું મેનરિઝમ તેણે અપનાવ્યું છે. પાત્રમાં એવો ઘૂસી ગયો છે કે ક્યાંય અભિનય કરતો લાગતો નથી એને જીવતો લાગે છે. ૨૭ વર્ષથી લઇ ૭૫ વર્ષના નમ્બિને પડદા પર સાકાર કર્યા છે.

ફિલ્મના સ્ક્રીનપ્લેની કેટલીક ખામીઓને નિવારમાં આવી હોત તો વધુ દર્શકો નમ્બિની જીવન યાત્રામાં જોડાઇ શક્યા હોત. સારું નિર્દેશન હોવા છતાં ફિલ્મમાં રાષ્ટ્રભક્તિનો મુદ્દો હતો એને ઉભારી શક્યા નથી. જ્યાં જરૂર હતી ત્યાં ઇમોશન પણ બહાર આવતા નથી. નમ્બી પર થયેલો કેસ ખોટો હતો એ મહત્વના સમાચાર આવે છે ત્યારે જે પ્રતિભાવ હોવો જોઇતો હતો એ દ્રશ્યમાં દેખાતો નથી. ફિલ્મને પ્રામાણિક્તાથી બનાવવા જ્યાં અંગ્રેજીમાં શબ્દો છે ત્યાં હિન્દી સબટાઇટલ્સ રાખવાની જરૂર હતી. આવી અનેક ખામીઓ દેખાતી હોવા છતાં દરેક સમીક્ષકે દેશના મહાન વૈજ્ઞાનિક પર ઇમાનદારીથી ફિલ્મ બનાવવામાં આવી હોવાથી અને આર. માધવના અભિનયને કારણે પરિવાર સાથે જોવાની ભલામણ કરી છે. આવી ફિલ્મો સ્કૂલ – કોલેજના વિદ્યાર્થીઓને પણ બતાવવી જોઇએ. કેમકે દેશભક્તિની વાત આવે એટલે એ પોલીસ કે સૈનિક જ ના હોય શકે વૈજ્ઞાનિક પણ હોય શકે છે. જે પણ ક્ષેત્રમાં વ્યક્તિ દેશ માટે પ્રામાણિક્તાથી કામ કરે છે એ દેશભક્ત છે.