તેજાબ - 3 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તેજાબ - 3

૩ નાગપાલની ચિંતા...

 મુંબઈ સ્થિત સી.આઈ.ડી. હેડકવાર્ટરની ચેમ્બરમાં નાગપાલ ગંભીર ચહેરે પાઈપના કસ ખેંચતો બેઠો હતો

 ચેમ્બરમાં પ્રિન્સ હેનરી તમાકુની કડવી-મીઠી મહેક પથરાયેલી હતી.

 નાગપાલના કપાળ પર ચિંતાને કારણે ત્રણ-ચાર કરચલીઓ ઊપસી આવી હતી.

 એની સામે દિલીપ ગંભીર ચહેરે બેઠો હતો.

 ‘દિલીપ...!’ ખુરશીની બેક સાથે પીઠ ટેકવીને પાઈપમાંથી કસ ખેંચ્યા બાદ એ ગંભીર અને વ્યાકુળ અવાજે બોલ્યો, ‘સંજોગો ખૂબ જ વિકટ થતાં જાય છે. અત્યાર સુધી તો ત્રાસવાદીઓને તાલીમ આપવા માટે માત્ર પાકિસ્તાનની સરહદમાં જ તાલીમકેમ્પો ખુલ્યા હતા અને ત્યાં જ ત્રાસવાદીઓને તાલીમ અપાતી હતી. ત્યાં જ તેમણે ભારતમાં હિંસા ફેલાવવા માટે તૈયાર કરવામાં આવતાં હતા.પરંતુ પાકિસ્તાન ભારતની જ ધરતી પર તાલીકેમ્પો શરૂ કરવાની યોજના બનાવતું હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. જો પાકિસ્તાનની આ યોજના પાર પડશે તો ગજબ થઈ જશે. પછી તો મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ ઉત્પન્ન થશે અને આ ત્રાસવાદીઓ તાલીમ પામેલા હોવાને કારણે લશ્કરની આખેઆખી બટાલિયનને પણ પહોંચી વળવા માટે સક્ષમ હશે. આપણે તાબડતોબ આ ષડયંત્રને નિષ્ફળ બનાવવાનો કોઈક ઉપાય વિચારવો પડશે.’

 ‘પરંતુ મોટી ઉપાધી એ છે કે આપણે કરી પણ શું શકીએ તેમ છીએ...?’

 ‘આપણે કોઈ પણ સંજોગોમાં આ તાલીમકેમ્પો ઉઘડતા અટકાવવાના છે.’ નાગપાલ એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે બોલ્યો, ‘એટલું જ નહીં, પાકિસ્તાનથી અહીં ત્રાસવાદીઓને તાલીમ આપવા માટે જે કમાન્ડોઝ આવવાના છે, તેમની ઘૂસણખોરી પણ અટકાવવાની છે.’

 ‘પરંતુ એ કમાન્ડોઝની ઘૂસણખોરી કેવી રીતે અટકાવવી અંકલ...? તેઓ ક્યારે ઘૂસણખોરી કરવાના છે એની પણ હજુ આપણને કંઈ ખબર નથી.’

 ‘એ સમગ્ર ષડ્યંત્રને નિષ્ફળ બનાવવાનો એક જ ઉપાય છે.’ નાગપાલ બોલ્યો.

 ‘શું..?’

 ‘તું તાબડતોબ કાશ્મીર જવા માટે રવાના થઈ જા.’ નાગપાલે પાઈપમાંથી કસ ખેંચતા કહ્યું.

 એ ખૂબ જ વ્યાકુળ અને ચિંતાતુર દેખાતો હતો.

 ‘અને સલીમ રઝાનું શું થશે...?’

 ‘એને પણ તું તારી સાથે જ કાશ્મીર લઈ જા. દિલીપ, જો કમાન્ડોઝની ઘૂસણખોરી અટકાવવી હોય તો આ કામ અહીં મુંબઈ બેઠાં બેઠાં થઈ શકે તેમ નથી. એને માટે તારે કાશ્મીર જવું જ પડશે.’

 ‘તમે સાચું કહો છો અંકલ...!’ દિલીપ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં બોલ્યો, ‘મને પણ એવું લાગે છે કે કાશ્મીર ગયા વગર છૂટકો નથી. પણ...’

 ‘પણ, શું...?’

 ‘એમાં એક મુશ્કેલી છે.’

 ‘કેવી મુશ્કેલી...?’

 ‘સલીમ રઝાને લઈને મારે અહીંથી કાશ્મીર કેવી રીતે જવું ?’

 ‘એ કોઈ મુશ્કેલ કામ નથી.’ નાગપાલ બોલ્યો, ‘હું તારા જવા માટે આજે જ એક ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી આપું છું. આ ઉપરાંત ત્યાં બ્રિગેડીયર જશપાલસિંઘ તથા કર્નલ સુરેન્દ્ર ત્યાગી જેવા ઓફિસરો પણ આ મિશનમાં તને ખૂબ જ મદદરૂપ થશે.’

 ‘તેઓ બોર્ડરલાઈન (સરહદ) વિશે પણ કંઈ જાણે છે?’

 ‘માત્ર જાણે છે એટલું જ નહીં, તેઓ ત્યાંના ખૂણેખૂણાથી વાકેફ છે. ખાસ કરીને બ્રિગેડીયર જશપાલસિંઘ તને બધું જ સમજાવી દેશે કે પાકિસ્તાની જાસૂસ તથા કાશ્મીરી ત્રાસવાદીઓ સરહદના કયા કયા ભાગમાંથી ઘૂસણખોરી કરે છે.’

 ‘ઓ.કે., અંકલ!’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘તો પછી તમે જેમ બને તેમ જલદી મારા કાશ્મીર જવાની વ્યવસ્થા કરો. આ મામલામાં હવે વધુ ઢીલ કરવાનું મને યોગ્ય નથી લાગતું.’

 ‘તારી વાત સાચી છે. તું કાલે નીકળી શકીશ.’

 ‘હું ગમે ત્યારે નીકળવા માટે તૈયાર જ છું.’

 ‘ઓ. કે. તો હું હમણાં જ બધી વ્યવસ્થા કરાવું છું.’

 ‘થેન્ક યૂ.’ દિલીપ ઊભો થતાં બોલ્યો.

 ‘વિશ યૂ ઓલ ધ બેસ્ટ માય સન...!’ નાગપાલે આગળ વધીને દિલીપને પોતાના આલિંગનમાં જકડતાં લાગણીથી ગળગળા અવાજે કહ્યું, ‘દર વખતની જેમ આ વખતે પણ તું સફળ થઈને પાછો ફરીશ એવી મને આશા છે.’

 ‘ચોક્કસ અંકલ...!’ દિલીપના અવાજમાંથી ભારોભાર આત્મવિશ્વાસ છલકાતો હતો.

 ત્યાર બાદ નાગપાલનો ચરણસ્પર્શ કરીને એ ઓફિસમાંથી બહાર નીકળી ગયો.

 તે ફરીથી એક વાર ખતરનાક મિશન પર જવા માટે તૈયાર હતો.

 આ વખતે એનો મુકાબલો ખોફનાક ત્રાસવાદીઓ તથા પાકિસ્તાની જાસૂસો સાથે થવાનો હતો.

 એણે ભારતની ધરતી પર ત્રાસવાદી તાલીમકેમ્પ ખુલતા અટકાવવાના હતા.

 આ એક ખૂબ જ જવાબદારીભર્યો અને રૂંવાડાં ઊભાં કરી મૂકનારો જંગ હતો.

 બીજા દિવસથી એક રોમાંચભરી યાત્રા શરૂ થઈ.

 ભારતીય વાયુદળના એક જમ્બો જેટ વિમાનમાં દિલીપ કાશ્મીર જવા માટે રવાના થયો.

 પાકિસ્તાની જાસૂસ સલીમ રઝા પણ એ જ વિમાનમાં દિલીપની સાથે હતો.

 એના હાથ-પગમાં હજુ પણ બેડીઓ હતી અને તેને કડક બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ સુધી લાવવામાં આવ્યો હતો. એક એક પગલું પૂરી સજાગતા ને સાવચેતીથી ભરવામાં આવતું હતું.

 જેલમાં જ સલીમની તલાશી પણ લેવામાં આવી હતી. તલાશી દરમિયાન એની પાસેથી એક ખૂબ જ શક્તિશાળી ટ્રાન્સમીટર મળી આવ્યું હતું.

 ટ્રાન્સમીટર એટલું આધુનિક હતું કે તેના પર હજારો કિલોમીટર દૂર પણ વાત કરી શકાતી હતી.

 સલીમ ચોક્કસ ટ્રાન્સમીટર દ્વારા જ પોતાના સાથીદારો સાથે વાત કરતો હતો. તેમના સુધી પોતાના આદેશ તથા સંદેશાઓ પહોંચાડતો હતો.

 ખેર, અત્યારે એ ટ્રાન્સમીટર દિલીપના કબજામાં હતું.

 આ ઉપરાંત જ્યારે મુંબઈ પોલીસે સલીમને વી.ટી.સ્ટેશન પર પકડ્યો હતો, ત્યારે તેના ગળામાં પહેરેલું એક ફોલ્ડીંગ લોકેટ પણ કબજે કર્યું હતું. આ લોકેટમાં પોટેશિયમ સાયનાઈડની એક કેપ્સ્યુલ છુપાવેલી હતી.

 બધું મળીને સલીમ હવે કશુંય કરી શકવા માટે લાચાર અને અસમર્થ હતો.

 બરાબર અગિયાર વાગ્યે જમ્બો જેટ વિમાને શ્રીનગર એરપોર્ટ પર ઉતરાણ કર્યું.

 આકાશ બિલકુલ સ્વચ્છ હતું, પરંતુ તેમ છતાંય કડકડતી ઠંડી પડતી હતી.

 કાશ્મીર તથા દેશના અન્ય ભાગોમાં હવામાન વચ્ચે ખૂબ જ ફરક છે. કાશ્મીરમાં પ્રવેશતા જ ઠંડીથી રૂવાડાં ઊભાં થઈ જાય અને દાંત કચકચવા લાગે છે. ઠંડીની આવી જ અનુભૂતિ દિલીપને પણ કાશ્મીરમાં પગ મૂકતાં જ થઈ હતી.

 એરપોર્ટ પર વિમાન ઊતર્યું ત્યારે ત્યાં પણ કડક બંદોબસ્ત હતો.

 થોડી વાર માટે બધી ફ્લાઈટોનાં ઉડ્ડયન અટકાવી દેવામાં આવ્યાં હતાં.

 મુસાફરોને વેઈટીંગરૂમમાં જ રોકી રાખવામાં દેવામાં આવ્યાં હતાં.

 એ વખતે રનવે પર પોલીસ તથા લશ્કર સિવાય કોઈ નહોંતુ દેખાતું.

 આ બધો બંદોબસ્ત સલીમ રઝાને કારણે જ કરવામાં આવ્યો હતો.

 ત્રાસવાદીઓ કાશ્મીર પહોંચતાં જ સલીમને છોડાવવાનો પ્રયાસ કરશે એવો ભય કાશ્મીરની પોલીસ તથા લશ્કરના ઓફિસરને લાગતો હતો.

 લશ્કરની ગાડીઓ રનવે પાસે જ ઉભી હતી. આ ગાડીમાં બેસીને જ દિલીપ તથા સલીમે લશ્કરી મથક સુધી પહોંચવાનું હતું.

 ‘વેલકમ મિસ્ટર દિલીપ....!’

 દિલીપ વિમાનમાંથી બહાર નીકળ્યો કે તરત જ બ્રિગેડિયર જશપાલસિંઘે ઉષ્માભેર તેનું સ્વાગત કર્યું.

 જશપાલસિંઘે આશરે આડત્રીસ વર્ષની વય, મજબૂત શારીરિક બાંધો ધરાવતો ફોજી હતો. પહેલી જ નજરે તે કોઈક ફોજી અફસર તરીકે ઓળખાઈ આવતો હતો.

 ‘મારું અનુમાન ખોટું ન હોય તો તમે જ બ્રિગેડિયર જશપાલસિંઘ છો, ખરું ને...?’ દિલીપે સ્મિત ફરકાવતાં પૂછ્યું.

 ‘તમારું અનુમાન બિલકુલ સાચું છે. હું જશપાલસિંઘ જ છું.’

 બંનેએ હસ્તધૂનન કર્યું.

 દિલીપ જેવો આંતરરાષ્ટ્રીય જાસૂસ પોતાને ઓળખે છે એ વાતની અનુભૂતિથી જશપાલસિંઘની છાતી ગજ ગજ ફૂલવા લાગી.

 એ જ વખતે થોડા ફોજીઓ સલીમ રઝાને પોતાના ઘેરામાં લઈને વિમાનમાંથી નીચે ઉતર્યા.

 ત્યાં જ એક પેટી જેવી, ચારે તરફથી બંધ ગાડી ઉભી હતી.

 સલીમને એ ગાડીમાં પૂરી દેવાયો અને બહારથી જશપાલસિંઘે એને તાળું મારી દીધું.

 ત્યાં જેટલા ફોજીઓ હતા એ બધા આધુનિક શસ્ત્રોથી સજ્જ હતા.

 ‘ચાલો મિસ્ટર દિલીપ ! આપણે પણ બેસીએ.’

 વાત પૂરી કર્યા બાદ જશપાલસિંઘ દિલીપને લઈને એક વાયરલેસ વેગન તરફ આગળ વધી ગયો.

 થોડી જ પળોમાં લશ્કરની એ ગાડીઓનો કાફલો પોતાના ગંતવ્ય સ્થળ તરફ આગળ ધપતો હતો.

 એ કાફલામાં કુલ દસ ગાડીઓ હતી.

 સલીમ રઝા તથા દીલીપવાળી ગાડીઓ બરાબર વચ્ચે ચાલતી હતી, જ્યારે ચાર ગાડીઓ તેમની આગળ-પાછળ હતી.

 વાયરલેસ વેગનમાં અત્યારે દિલીપ તથા બ્રિગેડિયર જશપાલસિંઘ સામસામે બેઠા હતા. ઠંડી ઉડાડવા તથા થોડી ગરમી મેળવવાના હેતુથી દિલીપ એક સિગારેટ પેટાવીને ધીમે ધીમે તેના કસ ખેંચતો હતો.

 ‘આ કાશ્મીરનો ખૂબ જ ઠંડો વિસ્તાર છે, મિસ્ટર દિલીપ...!’

દિલીપની હાલત પારખીને જશપાલસિંઘ બોલ્યો, ‘ખાસ કરીને જેમ જેમ આપણો કાફલો કારગીલ,દ્રાસ, કૂપવાડા, કાકસર અથવા તો ડોડા સેક્ટરો તરફ આગળ વધશે ત્યારે ઠંડી વધતી જશે. એ વિસ્તારોમાં તો ચોવીસેય કલાક બરફવર્ષા થતી હોય છે.’

 ‘તો અહીં ચોકી કરી રહેલા સૈનિકોને પણ ખૂબ જ તાકલીફ પડતી હશે.’ દિલીપે સીગારેટનો કસ ખેંચ્યા બાદ ઓવરકોટનું ઉપરનું બટન પણ બંધ કરતા કહ્યું.

 ‘જરૂર તકલીફ પડે છે, મિસ્ટર દિલીપ. પરંતુ સરહદનો મામલો હોવાથી સૈનિકોને ખૂબ જ સજાગ રહેવું પડે છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે સરહદનો આ વિસ્તાર પાકિસ્તાન જેવા દેશ સાથે સંકળાયેલો છે. આજે ભારતનું સૌથી મોટું દુશ્મન કોઈ હોય તો તે પાકિસ્તાન જ છે.’

 ‘બરાબર છે.’ દિલીપે ધીમેથી માથું હલાવ્યું.

 ‘મિસ્ટર દિલીપ...!’ જશપાલસિંઘ બોલ્યો, ‘જ્યારથી અમને તમારા તરફથી એવી માહિતી મળી છે કે પાકિસ્તાન અહીં ત્રાસવાદી તાલીમકેમ્પો ખોલવાની તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે અમે સ્તબ્ધ બની ગયા છીએ. ખરેખર આ બહુ ખતરનાક વાત છે.પાકિસ્તાનની હિંમત દિવસે દિવસે વધતી જાય છે તેનું અનુમાન એ વાતથી જ થઈ શકે છે કે તેઓ હવે આપણી ધરતી પર જ ત્રાસવાદીઓને તાલીમ આપવા માગે છે. કાશ્મીરની ધરતી પર જ પોતાની લડાઈ લડવા માગે છે.’

 ‘આ વાત પાકિસ્તાનની હિંમતનો પુરાવો નથી, મિસ્ટર સિંઘ,’ દિલીપે કઠોર અવાજે કહ્યું, ‘આ પાકિસ્તાનની મુર્ખાઈનો પુરાવો છે. હવે તેના માઠા દિવસો શરૂ થઈ ગયા છે એ વાતનો પુરાવો છે.’

 જશપાલસિંઘ ચૂપ થઈ ગયો.

 તે ટગર ટગર દિલીપના કઠોર ચહેરા સામે તાકી રહ્યો હતો.

 ‘એક બીજા સનસનાટીભર્યા સમાચાર છે, મિસ્ટર દિલીપ...!’ સહસા યાદ આવ્યું હોય એમ એણે કહ્યું, ‘જો કે આ વાતની તમને ખબર છે કે નહીં એ હું નથી જાણતો.’

 ‘કયા સમાચાર ?’ દિલીપે પ્રશ્નાર્થ નજરે એની સામે જોતાં પૂછ્યું.

 ‘ત્રાસવાદીઓને તાલીમ આપવા માટેનો એક કેમ્પ અહીં શરૂ પણ થઈ ગયો છે.’

 ‘શું..?’ જશપાલસિંઘની વાતથી દિલીપ એટલો બધો ચમક્યો કે તેના હાથમાંથી સિગારેટ છટકતાં છટકતાં રહી ગઈ, ‘તાલીમકેમ્પ શરૂ પણ થઈ ગયો છે?’

 ‘હા...’ જશપાલસિંઘ ધીમેથી બોલ્યો, ‘આજે સવારે જ અમને આ વાતની બાતમી મળી છે.’ 

 ‘બાતમી ક્યાંથી ને કેવી રીતે મળી ?’

 ‘વાત એમ છે કે મિસ્ટર દિલીપ કે બાતમી મળવાનું અમારું જે મધ્યમ છે તે પણ ખૂબ જ રહસ્યમય છે. ત્રાસવાદીઓની વચ્ચે જ કોઈક દગાબાજ છે. તે ‘બ્લેક ટાઈગર’ના નામથી લશ્કરને આવી અગત્યની બાતમીઓ આપતો રહે છે. જોકે ભારતીય લશ્કરે તેનું અસલી નામ જાણવા માટે અગર તો સીધા હેડક્વાર્ટરે આવીને મળવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. પરંતુ ‘બ્લેક ટાઈગર’ નામનો એ રહસ્યમય માનવી નથી પોતાનું અસલી નામ જણાવતો કે નથી ક્યારેય રૂબરૂ આવીને મળતો.’

 ‘ઓહ...તો તે જાહેરમાં આવ્યા વગર જ દેશની સેવા કરે છે, એમ ને ?’

 ‘હા..’

 ‘કમાલ કહેવાય.’ દિલીપ આશ્ચર્યથી બબડ્યો.

 ‘હા..કમાલ તો છે !’ જશપાલસિંઘે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું. ‘દેશભક્તિની ભાવના ઠાંસી ઠાંસીને એણે હૃદયમાં ભરી છે. ત્રાસવાદીઓ એવા જાલીમ માણસોની વચ્ચે રહીને તે આ રીતે બાતમીઓ પહોંચાડવાનું જોખમી કામ કરે છે.’

 ‘તમે સાચું કહો છો.’ દિલીપે સિગારેટનો એક વધુ કસ ખેંચ્યો, ‘ખેર, પાકિસ્તાને કાશ્મીરમાં કયા સ્થળે તાલીમકેન્દ્ર શરૂ કર્યું છે, એ બાબતમાં કશુંય જાણવા મળ્યું છે ?’

 ‘ના એ તો હજુ જાણવા નથી મળ્યું.’

 ‘કેમ ?’

 ‘મિસ્ટર દિલીપ !’ જશપાલસિંઘ બોલ્યો, ‘અમે ‘બ્લેક ટાઈગર’ને આ સવાલ પૂછવાની તૈયારીમાં હતા ત્યાં જ અચાનક એણે સંપર્ક કાપી નાખ્યો હતો. કાં તો એની આજુબાજુમાં કોઈક આવી ચડ્યું હશે અથવા તો એણે કંઈક જોખમ અનુભવ્યું હશે.’

 ‘હં...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો.

 એ સમગ્ર પરિસ્થિતિ પર વિચાર કરવા લાગ્યો.

 કાશ્મીરમાં પ્રવેશતાં જ તેને પાકિસ્તાન દ્વારા શરૂ થઈ ચૂકેલા તાલીમકેન્દ્રના જે સમાચાર મળ્યા હતા તે ખરેખર હચમચાવી મૂકે તેવા હતા.

 અલબત્ત, પોતાની જાતને ‘બ્લેક ટાઈગર’ તરીકે ઓળખાવતો શખ્સ તેને ખૂબ જ કામનો માણસ લાગતો હતો. ભવિષ્યમાં તે ખૂબ જ ઉપયોગી નીવડશે એવું તેની અત્યાર સુધીની કાર્યવાહી પરથી સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું.

 લશ્કરની ગાડીઓનો કાફલો પૂરપાટ વેગે આગળ વધતો હતો.

 શ્રીનગર પાછળ રહી ગયું અને બટાલિકનો લશ્કરી વિસ્તાર શરૂ થઈ ગયો હતો. એનાથી આગળ કારગિલ સેક્ટર હતું.

 સહસા એ જ વખતે એક બનાવ બન્યો.

 ગાડીઓનો કાફલો અચાનક જ એક નિર્જન સ્થળે ઊભો રહી ગયો.

 દિલીપ તથા જશપાલસિંઘ બંને એકદમ ચમકી ગયા.

 તેઓ ચમકી જાય એ સ્વાભાવિક હતું.

 ‘આ ગાડીઓ શા માટે ઊભી રહી ગઈ ?’ દિલીપે સહેજ વ્યાકુળ અવાજે પૂછ્યું.

 ‘કંઈક ગડબડ લાગે છે.’ જશપાલસિંઘ બ્પ્લ્યો, ‘તમે અહીં જ બેસો, મિસ્ટર દિલીપ. હું તપાસ કરું છું.’

 વાત પૂરી કરીને એ વાયરલેસ વેગનમાંથી નીચે ઊતર્યો.

 દિલીપ પણ એકદમ સાવચેત અને સજાગ બની ગયો.

 એણે ઓવરકોટના ગજવામાંથી રિવોલ્વર કાઢીને હાથમાં લઈ લીધી.

 થોડી વાર સુધી એમ ને એમ બેસી રહ્યા બાદ છેવટે તે પણ વેગનમાંથી નીચે ઊતરી આવ્યો.

 એના હાથમાં પૂર્વવત રીતે રિવોલ્વર જકડાયેલી હતી.

 ‘શું થયું..?’

 ‘કોઈ ખાસ વાત નથી.’ જશપાલસિંઘ બોલ્યો, ‘કાફલાની આગળ બકરીઓનું એક ઝુંડ આવી ગયું છે.’

 દિલીપે જોયું તો ખરેખર જ ઘણી બધી બકરીઓનું ઝુંડ કાફલાની સામેથી સડક ક્રોસ કરતુ હતું અને સૌથી વધુ નવાઈ પમાડે એવી વાત એ હતી કે બકરીઓના આ ઝુંડને એક અત્યંત ખૂબસૂરત કાશ્મીરી યુવતી હાંકતી હતી. બકરીનું એક બચ્ચું સડક ક્રોસ કરવામાં મુશ્કેલી ઊભી કરતુ હતું અને તેને કારણે જ આટલું મોડું થતું હતું.

 ‘ખેરુ....તું નહિ જ માને.’ યુવતી એ બચ્ચાની પાછળ સડક પર દોડતી દોડતી ઊંચા અવાજે બોલી, ‘આજે તું મારા હાથનો માર ખાઇશ એવું મને લાગે છે’

 પરંતુ બચ્ચું એટલું સ્ફૂર્તિલું હતું કે યુવતી હજી સુધી તેને પોતાના હાથમાં રહેલી સોટી એક વખત પણ નહોતી મારી શકી. એ જાણે કે યુવતી સાથે રમત કરતુ હતું.

 ‘એ છોકરી..’ જશપાલસિંઘ જોરથી બરાડ્યો, ‘જલદી આ બધાંને સામેથી ખસેડ. જોતી નથી ? આ મિલિટરી એરિયા છે.’

 ‘ઓહ..!’ યુવતી પોતાના લમણા પર હાથ પછાડતાં બોલી, ‘આપ પણ કમાલ કરો છો ફોજીબાબુ ! મને તો દેખાય છે કે આ માઈલિટરી એરિયા છે, પણ આ કમબખ્ત ખેરુને તે નથી દેખાતું.’

 ‘ઠીક છે ઠીક છે.’ જશપાલસિંઘ પૂર્વવત અવાજે બોલ્યો, ‘હવે જલદી રસ્તો સાફ કર.’

 એ જ વખતે યુવતીના હાથમાં બચ્ચાના ગળામાં ભરાવેલો પટ્ટો આવી ગયો. 

 એણે તરત જ બચ્ચાની પીઠ પર સોટી ફટકારી દીધી.

 બચ્ચું બેં..બેં.. કરતું ચીસ પાડી ઊઠ્યું.

 ‘આજે તારી ખેર નથી.’

 યુવતી બચ્ચાને બળજબરીથી ઘસડીને સડકની બીજી તરફ કાચા માર્ગ પર લઈ ગઈ.

 અ દરમિયાન બકરીઓનું ઝુંડ પણ સડક ક્રોસ કરી ચૂક્યું હતું.

 સડક સાફ થઈ ગઈ.

 ‘ચાલો..’ જશપાલસિંઘ વાયરલેસ વેગન તરફ ચાલતાં ઊંચા અવાજે બોલ્યો, ‘આગળ વધો.’

 કાફલો ફરીથી રવાના થયો.

 કોઈ ગંભીર બનાવ નહોતો બન્યો એટલું વળી સારું હતું. બાકી કાશ્મીરના આવા નિર્જન વિસ્તારોમાં લશ્કરની ગાડીઓ થોભવાથી કંઈક ને કંઈક જરૂર અજુગતું બને છે.

 દિલીપે પોતાની રિવોલ્વર પુનઃ ઓવરકોટના ગજવામાં મૂકી દીધી.

 બટાલિક સેક્ટર હવે પાછળ રહી ગયું હતું અને કારગિલ સેક્ટર શરૂ થઈ ગયું હતું.

 ઠંડી પણ ખૂબ જ વધી ગઈ હતી.

 ચારે તરફ બરફથી ઢંકાયેલી પહાડીઓ દેખાતી હતી. આ પહાડીઓની ઊંચાઈ સોળથી અઢાર હજાર ફૂટ સુધીની હતી. 

 એકાદ કલાક પછી કાફલો પોતાના ગંતવ્ય સ્થળે પહોંચીને અટક્યો.

 તે કારગીલની ‘એલ્યોર પહાડી’ અને કાક્સાર કસ્બાની નજીક આવેલી લશ્કરની મોટી ચોકી હતી.ત્યાં ૧૮ ગ્રેનેડીયર્સની આખી બટાલિયન મોજુદ હતી. ચારે તરફ ફોજીઓના નાના નાના ટેન્ટ હતા. જેના પર શાનથી ભારતનો તિરંગો ધ્વજ લહેરાતો હતો. ત્યાં જ એક બે માળની પાકી ઈમારતમાં લશ્કરની ચોકી હતી.

 ચોકીની પાછળ હજારો ફૂટ ઉંચી ‘એલ્યોર પહાડી ‘હતી.

 એ પહાડી પર પણ તિરંગો ધ્વજ લહેરાતો હતો.

 દસ ગાડીઓનો કાફલો ફોજીચોકી સામે પહોંચ્યો કે તરત જ કેટલાય સૈનિકોની રાઈફલો તેમની સામે તકાઈ. આવું માત્ર સલામતીના દ્રષ્ટિકોણથી જ કરવામાં આવ્યું હતું.

 સૌથી પહેલાં વાયરલેસ વેગનમાંથી બ્રિગેડિયર જશપાલસિંઘ તથા દિલીપ નીચે ઊતર્યા.

 ત્યાર બાદ બાકીના ફોજીઓ પણ નીચે ઊતરી આવ્યા.

 ‘જયહિન્દ, મિસ્ટર દિલીપ..!’

 ફોજી ચોકી પર ખૂબ જ રુઆબદાર તથા પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા એક માણસે દિલીપનું સ્વાગત કર્યું. દિલીપે જોયું તો તે એક કર્નલ દરજ્જાનો ઓફિસર હતો અને તેના જમણા ગજવા પર લટકતી પ્લાસ્ટિકની નેઈમપ્લેટ પર ‘સુરેન્દ્ર ત્યાગી’ લખેલું હતું.

 કર્નલ સુરેન્દ્ર ત્યાગી.

 નાગપાલે આ માણસનો પણ ઉલ્લેખ કર્યો હતો તે દિલીપને યાદ આવી ગયું.

 કર્નલ સુરેન્દ્ર ત્યાગી આશરે બેતાળીસ વર્ષનો, બ્રિગેડિયર જશપાલસિંઘ જેવો જ શારીરિક બાંધો ધરાવતો માનવી હતો. અલબત્ત, ચહેરા પરથી તે જશપાલસિંઘ કરતાં વધુ બુદ્ધિશાળી લાગતો હતો.

 ‘તમને અહીં આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને, મિસ્ટર દિલીપ ?’ દિલીપ સાથે ઉમળકાભેર હાથ મિલાવતાં પૂછ્યું.

 ‘ના, બિલકુલ નહીં.’ દિલીપે પણ એટલા જ ઉમળકાથી તેની સાથે હાથ મિલાવ્યા.

 ‘ગુડ !’ સુરેન્દ્ર ત્યાગી બોલ્યો, ‘તમારા જેવા ધુરંધર જાસૂસ સાથે થોડા દિવસ રહેવાની તક મળશે એનો મને ખૂબ જ આણંદ છે.’

 એ જ વખતે થોડા ફોજીઓએ રીફલ્ના ઘેરા વચ્ચ્ચે બંધ વાન ઉઘાડીને તેમાંથી પાકિસ્તાની જાસૂસ સલીમ રઝાને બહાર કાઢ્યો.

 અત્યારે એ થોડો ભયભીત લાગતો હતો.

 ‘આને ક્યાં લઈ જવાનો છે, કર્નલ સાહેબ...?’ એક ફોજીએ સુરેન્દ્ર ત્યાગીને ઉદ્દેશીને પૂછ્યું.

 ‘આને ચોકીના કેદખાનામાં લઈ જઈને પૂરી દો.’

 ‘ઓ.કે.’

 ચાર સૈનિકો સલીમને ઘસડીને ફોજીચોકીની ઈમારત તરફ લઈ ગયા.

 ‘શું આ પાકિસ્તાની છે, મિસ્ટર દિલીપ ?’ કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ પૂછ્યું.

 ‘હા...’ દિલીપે હકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો, ‘આ એ જ પાકિસ્તાની જાસૂસ છે.’

 ‘શું આની પાસેથી કંઈ જાણવા મળ્યું છે?’

 ‘હા....પાકિસ્તાન સરકાર હવે ભારતની ધરતી પર જ ત્રાસવાદીઓ માટે તાલીમકેમ્પ ખોલવા માગે છે તથા મોટી સંખ્યામાં પાકિસ્તાની કમાન્ડોઝ ઘૂસણખોરી કરવા માટે તૈયાર છે એ બધું સલીમ પાસેથી જ જાણવા મળ્યું છે. અલબત્ત, એક વાતનો મને જરૂર અફસોસ છે.’

 ‘કઈ વાતનો...?’

  ‘મુંબઈમાં સલીમના બીજાં બે સાથીદારો હતા. તેઓ બોમ્બવિસ્ફોટથી મુંબઈના વી.ટી. સ્ટેશનને ઉડાવી મૂકવા માગતા હતા. પરંતુ તેઓ મારા હાથમાં નથી આવી શક્યા.એ બંને સફળતાપૂર્વક નાસી છુટ્યા છે.’

 ‘ઓહ...’ કર્નલ ત્યાગી અફસોસથી માથું ધુણાવતાં બબડ્યો.

 કારગિલ સેક્ટરની આ ચોકી પર હંમેશાં ધમાચકડીનું વાતાવરણ રહેતું હતું. આનું કારણ એ હતું કે ત્યાં આખી બટાલિયન મોજુદ હતી. આ ઉપરાંત ચોકીમાં હથિયારોનો પણ જંગી સ્ટોક હતો, કાર્બાઈન, એસ.એલ. આર. થી માંડીને એન્ટી ટેંક ગન, લાઈટ વિયેરી પિસ્તોલ તથા રોકેટ લોન્ચર જેવાં અતિ આધુનિક શસ્ત્રો ત્યાં પડ્યાં હતાં.

 અડધા કલાક પછી બધા ફોજીઓનો દિલીપ સાથે પરિચય કરાવવામાં આવ્યો.

 દિલીપનાં નામ અને કામથી સૌ વાકેફ હતા.

 હવે દિલીપ ઘણા દિવસો સુધી તેમની સાથે રહેવાનો છે, એ વાતથી તેઓ ખૂબ જ પ્રભાવિત અને ખુશ હતા.દિલીપ તેમનો આદર્શ હતો. દિલીપ માટે સૌનાં હૃદયમાં સન્માનભર્યું અનોખું જ સ્થાન હતું.

 રાત્રે ફોજીચોકીના એક વિશાળ હોલમાં એક મિટિંગ યોજાઈ.

 આ મિટિંગમાં ફોજના મોટા મોટા ઓફિસરો મોજુદ હતા.

 હોલની સામેની દીવાલ પર એક નકશો લટકતો હતો.

 નકશો ખૂબ જ મોટો હતો અને તે ભારત-પાકિસ્તાનની સરહદ સ્પષ્ટ રીતે દર્શાવતો હતો. તેમાં કારગિલ, દ્રાસ અને કૂપવાડા જેવા સેક્ટર, મશ્કોહ ઘાટી, ડોડા સેકટરનું જૈસાબેલી ક્ષેત્ર, ટાઈગર હિલ અને મશ્કોહ ઘાટીની સૌથી મહત્વની તથા અંતિમ ૫૦૪૧ શિખર વગેરે સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું.

 હોલમાં દિલીપનો ઉત્સાહભર્યો પરંતુ ગંભીર અવાજ ગુંજતો હતો.

 ‘આપનું મિશન દીવા જેવું સ્પષ્ટ છે. આપણે કોઈ પણ સંજોગોમાં ગમે તે રીતે તાલીમકેન્દ્રો ખૂલતાં અટકાવવાનાં છે. જો કાશ્મીરની ધરતી પર જ તાલીમકેન્દ્રો ખુલશે અને અહીં જ ત્રાસવાદીઓને તાલીમ આપવામાં આવશે, તો તે આપણી બહુ મોટી હાર ગણાશે. આવું ન થાય એટલા માટે આપનો મુખ્ય ધ્યેય કોઈ પણ રીતે પાકિસ્તાનથી આવનારા કમાન્ડોઝની ઘૂસણખોરી અટકાવવાનો છે.’

 ‘મિસ્ટર દિલીપ, પાકિસ્તાનથી કુલ કેટલા કમાન્ડોઝ ઘૂસણખોરી કરવાના છે?’ એક ઓફિસરે પૂછ્યું.

 ‘તેમની સંખ્યા હજુ સુધી સલીમ રઝા પાસેથી જાણવા નથી મળી.’ દિલીપ બોલ્યો, ‘એને પોતાને પણ કદાચ આ વાતની ખબર નથી. આ મિશન વિશે બધી જ અગત્યની વાતો તેમનો મુખ્ય સૂત્રધાર પરવેઝ સિકંદર જાણે છે’

 ‘પરવેઝ સિકંદર..?’

 ‘હા, આ મિશનનો એ જ મુખ્ય સૂત્રધાર છે. પાકિસ્તાન સરકારે ઘૂસણખોરીનું આ કામ પાર પાડવા માટે પરવેઝ સિકંદર તથા તેના ચાર સાથીદારોને અગાઉથી જ ભારત મોકલી આપ્યા છે. પરવેઝના ચાર સાથીદારોમાં સલીમનો સમાવેશ પણ થઈ જાય છે. અને હવે અહીં પરવેઝ ત્રાસવાદીઓના સંપર્કમાં છે.’

 ‘આનો અર્થ એ થયો કે પરવેઝ મિશનની તમામ હકીકતોથી વાકેફ છે, ખરુંને...?’

 ‘હા.’

 ‘હવે આપનું આગામી પગલું કયું હશે, મિસ્ટર દિલીપ...?’કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ પૂછ્યું.

 ‘સૌથી પહેલાં તો ઘૂસણખોરી કઈ તારીખે થવાની છે અને ઘુસણખોરોની સંખ્યા કેટલી છે એ વાતનો પત્તો આપણે લગાવવો પડશે.’

 ‘આ વાતનો પત્તો લગાવવાનું કામ સહેલું નથી, મિસ્ટર દિલીપ...!’ જશપાલસિંઘે કહ્યું.

 ‘મને ખબર છે.’ દિલીપ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં બોલ્યો, ‘પરંતુ આ વાતનો પત્તો લાગાવવા માટે મે એક યોજના બનાવી છે.’

 ‘કેવી યોજના....?’

 દિલીપે તેમણે પોતાની યોજના કહી સંભળાવી.

 એની યોજના સંભાળીને બધા પ્રભાવિત થયા.

 દિલીપની યોજના ખરેખર અદભુત હતી.

 ‘મિસ્ટર ત્યાગી.’ દિલીપ એક સિગારેટ પેટાવ્યા બાદ કર્નલ સુરેન્દ્ર ત્યાગીસામે જોતાં બોલ્યો, ‘મારે તમારી પાસેથી એક વાતની માહિતી જોઈએ છે.’

 ‘બોલો’

 ‘પાકિસ્તાનના જાસૂસો અથવા તો ત્રાસવાદીઓને સરહદ પાર કરીને ચોરીછૂપીથી ભારતમાં ઘૂસવું હોય તો કયાં કયાં સ્થળેથી સીમારેખા ઓળંગે છે એ બાબતમાં કંઈ જાણો છો...?’

 ‘જરૂર જાણું છું.’ કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ કહ્યું, ‘ઘૂસણખોરી થઈ હોય એવી તો ઘણી જગ્યાઓ છે.’

 ‘મને એ બધી જગ્યાઓ વુશે વિસ્તારથી જણાવો.’

 ‘ચોક્કસ.’

 કર્નલ સુરેન્દ્ર ત્યાગી ખુરશી પરથી ઊભો થયો અને ત્યાં પડેલી સીસમની એક અણીદાર, લાંબી રુલ ઊંચકીને દીવાલ પર લટકતા નકશા પાસે પહોંચ્યો.

 ‘મિસ્ટર દિલીપ..’ તે નકશામાં દેખાતાં સ્થળો પર વારાફરતી રૂલની અણી અડકાડતાં ગમ્ભી અવાજે બોલ્યો,’કાગીલ, દ્રાસ અને કુપવાડા સેક્ટરોમાં એવાં ઘણાં સ્થળો છે કે જ્યાંથી અગાઉ અવારનવાર ઘૂસણખોરી થતી હતી. આ સેક્ટરોમાં આવેલ હજારો ફૂટ ઊંચી પહાડીઓની વચ્ચ્ચે ઘુસંખોરોએ સરહદ પાર કરવા માટે ગુપ્ત માર્ગ બનાવેલા છે.’

 ‘ભારત –પાકિસ્તાનની સરહદ પર લોખંડના તારની જે વાડ બાંધવામાં આવી હતી એનાથી શું કોઈ ફાયદો નથી થયો...?’ દિલીપે પૂછ્યું.

 હોલમાં મોજૂદ બધા ઓફિસરો પૂરી તલ્લીનતાથી તેમની વાતચીત સાંભળતા હતા.

 ‘ઘણો ફાયદો થયો છે.’ સુરેન્દ્ર ત્યાગીએ કહ્યું, ‘લોખંડની વાડને કારણે જ તો મોટા પાયે જે ઘૂસણખોરી થતી હતી તે અટકી છે. હવે ઘૂસણખોરો અહીંથી ત્યાં આવ-જા નથી કરી શકતા. પરંતુ તેમ છતાંય કૂપવાડા સેક્ટરની ગુલામ રીઝ પહાડી તથા ડોડા સેક્ટરની આસપાસનો વિસ્તાર કળણવાળો તથા ખાઇઓવાળો છે. આવી જ ખાઈઓ મશ્કોહ ઘાટી તથા ટાઈગર હિલની આજુબાજુમાં પણ છે. હવે જો કોઈ નાની-મોટી ઘૂસણખોરી થતી હોય તો તે આ ખાઈમાંથી જ થાય છે. કારણકે આ ખાઈઓ ભારતની આ પારથી લોખંડના તારની વાડ વટાવીને બીજી તરફ પાકિસ્તાન સુધી ફેલાયેલી છે.જેમકે મશ્કોહ ઘાટીનું આ સૌથી છેલ્લું અને અગત્યનું પોઈન્ટ ૫૦૪૧ શિખર છે.’ એણે નકશા પર એક શિખર પર રૂલની અણી અડકાડી, ‘થોડા દિવસો પહેલાં બે પાકિસ્તાની ઘૂસણખોરોએ આ શિખરની બાજુમાં આવેલી એક મોટી ખાઈમાંથી કાશ્મીરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.’

 ‘પછી શું થયું ?’ દિલીપે સિગારેટનો કસ ખેંચતાં ઉત્સુક અવાજે પૂછ્યું.

 ‘કઈ ન થયું ?’ સુરેન્દ્ર ત્યાગી બોલ્યો, ‘બંને ઘૂસણખોરો ભારતીય લશ્કરની નજરે ચડી ગયા અને એ ખાઈમાં જ તેમની કબર બની ગઈ.’

 ‘ઓહ..તો હવે ઘૂસણખોરો અંદર પ્રવેશવા માટે ખાઈઓનો ઉપયોગ કરે છે, એમ ને ?’

 ‘હા..પરંતુ હમણાં જ મેં કહ્યું તેમ એ નાની-નાની ઘૂસણખોરી હોય છે. ખાઈઓના માર્ગેથી હજુ સુધી કોઈ મોટી ઘૂસણખોરી નથી થઈ.’

 ‘શું મોટી ઘૂસણખોરી થઈ શકે તેમ પણ નથી ?’

 ‘આ બાબતમાં હાલતુરત તો સ્પષ્ટ રીતે કશુંય કહી શકાય તેમ નથી. મોટા પાયે ઘૂસણખોરી કરવી એ નહીં એનો બધો આધાર ઘૂસણખોરોની હિંમત પર છે.’ કહી રૂલ યથાસ્થાને મૂકીને સુરેન્દ્ર ત્યાગી પોતાની ખુરશી પર બેઠો.

 ‘મિસ્ટર ત્યાગી, ઘૂસણખોરી થવાની છે એની તમને જો અગાઉથી જ બાતમી મળી જાય તો એ સંજોગોમાં તમે શું કરો છો ?’

 ‘એ સંજોગોમાં જે જે સ્થળેથી ઘૂસણખોરી થવાની શક્યતા હોય એ તમામ સ્થળે અમે ચેકિંગ વધારી દઈએ છીએ. ઉપરાંત આવાં તમામ સ્થળે વાયુદળનાં હેલીકોપ્ટરો દ્વારા પણ સતત નજર રાખવામાં આવે છે.’

 ‘આ વખતે પણ એ જ પગલું તમે ભરશો ?’

 ‘હા...’

 ‘ના...’ દિલીપ સિગારેટનો કસ ખેંચતાં મક્કમ અવાજે બોલ્યો, ‘આ વખતે એવું કોઈ પગલું ભરશો નહીં. ત્રાસવાદીઓ અથવા તો પાકિસ્તાની કમાન્ડોઝ ઘૂસણખોરી કરવાના છે, તેની આપણને ખબર પડી ગઈ છે એ વાતની તેમણે ગંધ સુધ્ધાં નથી આવવા દેવાની. બધું જેમ ચાલે છે તેમ રાબેતા મુજબ સાધારણ રીતે જ ચાલવા દેવાનું છે.’

 ‘ઓ.કે. મિસ્ટર દિલીપ...! તમે જેમ કહો છો એમ જ થશે.’

 ‘હું ફરીથી મારી વાતનું પુનરાવર્તન કરું છું.’ દિલીપ જોશભેર બોલ્યો, ‘અત્યારે આપણા માત્ર બે જ ટારગેટ છે. ઘૂસણખોરી કઈ તારીખે અને કેવી રીતે તથા કેટલા કમાન્ડોઝની થવાની છે એનો પત્તો લગાવવાનું. આ સિવાય કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકે છે.’

 સૌ ચૂપ રહ્યા.

 કોઈએ કંઈ પૂછ્યું નહીં.

 છેવટે ત્યાં જ મિટિંગ પૂરી થઈ ગઈ.

***************