રોજની જેમ મારા રૂમમાં હું અને રૂદ્ર રમતા હતા મસ્તી કરતા હતા હવે રાત્રીના અગિયાર વાગ્યા હતા એટલે મે રુદ્રને કીધું ચાલો હવે આજથી વેલા સૂઈ જવાનું છે એટલે એના સહજ સ્વભાવે મને પૂછ્યું : કેમ પપ્પા?
હું બોલ્યો : બસ, બેટા હવે કાલથી સ્કૂલ શરૂ, કાલથી રોજ રાત્રે દસ વાગે એટલે સૂઈ જવાનું અને સવારે સાત વાગે જાગવાનું અને તૈયાર થઈ સ્કૂલે જવાનું.
રુદ્ર એ એક મસ્ત સ્માઈલ આપી અને ઓકે પપ્પા કીધું પછી મારા ગાલ પર એક મીઠી કિસ કરી એની મમ્મી પાસે જતો રહ્યો અને એની સાથે વાતો કરવા લાગ્યો,
લગભગ દસેક મિનિટ માં એનો અવાજ આવતો બંધ થયો મે એ બાજુ જોયું તો એ સૂઈ ગયો હતો,કદાચ આખા દિવસના થાક અને સવારે વેલું જાગવાને કારણે રુદ્રને સુવડાવતા એની મમ્મીને પણ ઊંઘ આવી ગઈ હતી,
હું મારો મોબાઇલ અને હેન્ડ્સફ્રી લઈ ને સૂતો.
આમ તો રુદ્રને સ્કૂલ ખૂબ ગમે છે અનુભવ નથી પણ સ્કૂલમાં એડમિશન લેતા પહેલા ઘરની બાજુમાં આવેલા બાળકોના ખેલાઘરમાં એને બેસાડેલો ત્યાં તેને ખૂબ જ મજા આવતી ત્યાં જવા માટે એ તૈયાર થઈ જાય પછી એના દાદા કે દાદી સાથે જવાનું હોય તો એની આંગળી પકડીને ચાલવા માંડે ત્યાં પહોચીને બધા સાથે રમે એક પણ દિવસ એ જવા માટે કે ત્યાં રડ્યો નથી રુદ્ર તો જવા માટે રડે કે મને મૂકી જાવ,
રુદ્રને બાળકો સાથે રમવું ખૂબ ગમે એટલે મને સ્કૂલની ચિંતા જરાય નથી કે એ સવારે નહી જાગે કે જાગીને રડશે કે સ્કૂલે પહોંચી ને હેરાન કરશે એ બધી ચિંતા નથી.
સવારે મારી ઊંઘ ઊડી મોબાઇલ માં જોયું તો છ અને ચાલીસ મિનિટ થઈ હતી મે બાજુમાં જોયું તો પ્રિયંકા નહોતી કદાચ એ વહેલા જાગી ગઈ હશે મને પાછી ઊંઘ આવી ગઈ, પછી અચાનક રૂમની લાઈટ ચાલુ થઈ અને એસી બંધ થયું પછી ધીમે થી પ્રેમથી અવાજ આવ્યો : રુદ્ર બેટા ચાલો જાગી જાવ સ્કૂલે જવાનું છે,મારી આંખ ખુલી હતી ઘડિયાળમાં સાત વાગ્યા હતા રુદ્ર પ્રિયંકા ના અવાજે એક જ અવાજે બેઠો થઈ ગયો અને મને કેવા લાગ્યો ચાલો પપ્પા ઊભા થાવ જલ્દી મને કારમાં સ્કૂલે મૂકી જાવ હજી ઊંઘ નથી ઊભા થતાં તરત જ આ બોલ્યો એ સાંભળીને હું અને પ્રિયંકા હસવા લાગ્યા પછી એ બહાર ગયો ચા તૈયાર હતી રુદ્ર એના દાદી સાથે બેસીને ચા પીવા લાગ્યો હવે તો અમારી કરતા રુદ્રને સ્કૂલે જવાની ઉતાવળ હતી એટલે તરત બ્રશ કરીને નાહી ને એના દાદી પાસે આવી ગયો પછી દાદીએ યુનિફોર્મ પહેરાવી સૂઝ પહેરાવી તૈયાર કરી દિધો,તૈયાર કરતા કરતા મારા મમ્મીને મારા દિવસો યાદ આવી ગયા જ્યારે એ મને તૈયાર કરીને મારી સ્કૂલની રિક્ષામાં બેસાડતા એ વાતો મને કહેવા લાગ્યા સાથે રુદ્રના દાદા પણ તૈયાર થઈ ગયા હતા એ કહેતા કે મારે પણ સ્કૂલે મૂકવા આવવું છે,
મારા મમ્મી પપ્પા ના ચહેરા પર ખુશીનું સ્મિત જોઈને મને ખૂબ આનંદ થયો કદાચ દાદા - દાદી ને એના દીકરા ના દીકરા ને સ્કૂલ માટે તૈયાર કરવો અને મૂકવા જાવું એ ખૂબ મોટો આનંદ છે.
રુદ્ર સહિત બધા તૈયાર હતા ઘરમાં મંદિર પાસે જઈ રુદ્ર પગે લાગ્યો પછી એટલો ખુશ હતો કે મંદિર પાસે સૂઈ દંડવત પગે લાગ્યો પછી દાદા દાદી મને અને પ્રિયંકાને પગે લાગ્યો,ખરેખર રુદ્ર ની ખુશી જોવા જેવી હતી,પછી અમે બધા કારમાં રુદ્રને સ્કૂલે મૂકવા જવા માટે નીકળ્યા.
ભાવનગર માં આવેલ સરદારનગર પાસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં નર્સરી અંગ્રેજી મીડીયમ માં રુદ્ર નું એડમિશન લીધેલું આ સ્કૂલ જૂની અને ખ્યાતિ પ્રાપ્ત છે ભાવનગર માં આવતી સારાં માં સારી પાચ સ્કૂલો માં એનું નામ આવે છે બીજું કે મારા ઘર અને ઓફિસની વચ્ચે રસ્તા માં છે એટલે એ પણ ઘણી સરળતા રહે.
અમે સ્કૂલે પહોંચી ગયા રુદ્ર તો કર માંથી ઉતરતા સીધો જ સ્કૂલના મેઈન ગેટ બાજુ દોડવા લાગ્યો મે અંદર જઈ ને જોયું તો એ માહોલ ખૂબ જ સરસ હતો ઘણા વાલીઓ બાળકો સાથે આવી ગયા હતા અને બીજા આવતા હતા અમુક બાળકોએ યુનિફોર્મ પહેર્યો હતો તો અમુક રંગબેરંગી કપડાં માં આવ્યા હતા અમુક જોરજોરથી રડવા હતા તો અમુક સૂમસામ બસ બધું જોતા હતા,ઘણા બાળકો તો એના મમ્મીને મૂકવા તૈયાર જ નહોતા
બાળકોને સ્કૂલના પહેલા દિવસને યાદગાર બનાવવા ત્યાં ફોટા પાડવા માટે ખૂબ સરસ પ્રોપ શણગારીને મૂકેલું હતું ત્યાં પણ બાળકો રોતા હતા જ્યારે રુદ્ર તો શાંતિથી હસતા હસતા ત્યાં ઊભો રહી ગયો અને મેં એના ફોટા પાડી લીધા એ યાદો મોબાઇલ સાથે દિલમાં છપાઈ ગઈ
આ બધું ચિત્ર પ્રેમાળ અને લાગણીશીલ હતું,
પછી ત્યાં ઉભેલા ઘણા બધા ટીચરના હાથ માં તમામ બાળકોના આઇડી કાર્ડ હતા એમાં થી મે રુદ્ર નું કાર્ડ લીધું અને એના ગળા માં પહેરાવ્યું પછી એક ટીચર હાથમાં કંકુ ચોખા લઈને ઊભા હતા જે ત્યાં આવનાર તમામ બાળકનું સ્વાગત કરતા હતા મને આ ખૂબ ગમ્યું રુદ્ર ને કપાળમાં ચાંદલો કર્યો અને ચોખા ચોળી બીજા ટીચરે એને ગુડ મોર્નિંગ કહી આંગળી પકડી સામે રુદ્ર એ પણ એમને ગુડ મોર્નિંગ કહ્યું તો એ ટીચર ખૂબ રાજી થઈ ગયા અને કહ્યું "અરે વાહ ગુડ બોય" પછી રૂદ્ર ની આંગળી પકડી અંદર ચાલવા લાગ્યા,
હું પ્રિયંકા મારા મમ્મી પપ્પા બધા એક સાથે કહેવા લાગ્યા બાય બેટા રુદ્ર બાય પણ આ તો રુદ્ર છે એણે પાછું વાળીને પણ ના જોયું, ખેર મે એને અંદર જતા જોયો એ સાથે મારી આંખમાં ખુશીના ઝળઝળિયા આવી ગયા કે મારો દીકરો સ્કૂલે જવા લાગ્યો.
આજથી ત્રણ દિવસ સ્કૂલ નો સમય એક કલાક નો છે પછી સોમવારથી સમય બે કલાક નો થશે.
અંદરથી ગીતો નો અવાજ આવતો હતો અને બહાર વાલીઓનો અવાજ આવતો હતો જે બેઠા હતા એ બધા અંદરો અંદર સ્કૂલની અને એના બાળકોની વાતો કરી સમય પસાર કરતા હતા પણ એ એક કલાક કેમ પૂરી થઈ ગઈ ખ્યાલ જ ના આવ્યો અને દરવાજો ખૂલ્યો બધા ટીચર થોડા થોડા બાળકો ને બહાર મોકલતા હતા હજી પણ ઘણા બાળકો રડતા હતા ઘણા દોડીને આવતા હતા ઘણા ટીચર ની આંગળી મૂકતા નહોતા એમાં મે રુદ્ર ને જોયો મારા થી જોરથી બુમ પડાઈ ગઈ : રુદ્ર અહીંયા છું બેટા અહીંયા આવ ત્યાં તો એ દોડીને મારી સામે આવ્યો અને મે તેડી લીધો એનો હસતો ચહેરો જોઈ મારી આંખમાં આવેલ ઝળઝળીયાં નું એક ટીપું આંખ માંથી નીકળી ગયું.
સ્કૂલના પ્રાંગણ માં આવેલા નાના બગીચા માં બાળકો માટે હીંચકા અને લસરપટ્ટી જેવા સાધનો હતા એ રુદ્ર ને ખબર હતી બસ પછી તો એ હાથ માં રહે? એ સીધો દોડીને ત્યાં પહોંચી રમવા લાગ્યો.
થોડીવાર રમી લીધું પછી મારા પપ્પાની આંગળી પકડી એ કાર માં આવી ગયો રસ્તા માં મમ્મી અને પ્રિયંકા એને સ્કૂલમાં શું કરાવ્યું? અને શું કીધું? એવા સવાલો પૂછતા હતા રુદ્રને જવાબ આપવો હોય તો આપે બાકી મારે નથી બોલવું એમ કહી દે સાથે સાથે એની પાણી ની બોટલ માંથી પાણી પીતો હતો ત્યાં ઘર આવી ગયું મારે અને પ્રિયંકા ને ઓફિસ જવાનું હતું એટલે અમે બેઠા રહ્યા ને રુદ્ર એના દાદા દાદી સાથે ઉતરીને ઘરમાં જવા લાગ્યો એક ક્ષણ મે જોયું પછી રુદ્રને બાય કહી અમે ઓફિસ જવા નીકળ્યા,
આમ રુદ્ર માટે આ સ્કુલનો પહેલો દિવસ આવો રહ્યો,હસતો રમતો રુદ્ર એના શિક્ષણ માં ખુબ આગળ વધે અને ખૂબ ખુશ અને સુખી થાય એવી ભગવાન પાસે પ્રાથના.