Love Revenge Spin Off Season - 2 - 11 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-11

લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-11

           

“સિંગર બનવાનું એ સપનું એનું ન’તું.....! એનું ન’તું.....!”  સિદ્ધાર્થના એ શબ્દો પર વિશ્વાસ ન થયો હોય એમ નેહા એ શબ્દો મનમાં દોહરાવી રહી “મારું હતું...મારું હતું.....!”

"મને સમજાયું નઈ ....!" નેહાને વિશ્વાસ ના થયો હોય એમ તેણીને માથું ધુણાવી મૂંઝાઈને પૂછ્યું "સિંગર બનવું તો આરવની પેશન હતી....ઝનૂન હતું.....એટલેજ એ ઘરેથી ભાગીને અમદાવાદ આયો તો ને...!?"

કેટલીક ક્ષણો મૌન રહીને સિદ્ધાર્થે નેહા સામે દયામણી નજરે જોયે રાખ્યું પછી કહેવાં લાગ્યો -

" હું ચાર વર્ષનો હતો....! ટીવી પર આવતાં સિંગિંગ શૉ જોઈને મને સિંગર  બનવાનું ઘેલું લાગેલું ....!"

સિદ્ધાર્થ ખિન્ન સ્વરમાં બોલી રહ્યો હતો, નેહા તેને સાંભળી રહી હતી.

"હાથમાં ટીવીનું રીમોટ લઈને હું પણ જાણે સિંગર હોઉં એ રીતે ગાવાની નકલ કરતો ...!"

"અને આરવ  મને જોઈને મારી નકલ કરતો ....!"

સિદ્ધાર્થનો ચેહરો થોડો વધુ ઉતરી ગયો.

"દસ  ધોરણ સુધી મને સિંગર બનવાનું ઝનૂન હતું ...!" સિદ્ધાર્થ બોલ્યો "હું જેમતેમ કરીને પ્રેક્ટિસ પણ કરતો .....સ્કુલની નજીક એક મ્યુઝીક કલાસમાં હું ગિટાર વગાડતા શીખ્યો ....ઘેર આઈને હું સવારે વે'લાં સ્કુલ જતા પે'લાં ગાવાની પ્રેક્ટિસ કરતો ....આરવ પણ મારી જોડે જોડે પ્રેકટીસ કરતો ....!"

એકાદ બે ક્ષણ મૌન રહી સિદ્ધાર્થ શૂન્યમનસ્ક જોઈ રહ્યો.

"પણ આરવ ખાલી સિંગિંગ માં અને ગિટાર વગાડવામાંની જ પ્રેક્ટિસ કરે જતો ....! દસમાં માં એનાં માર્ક્સ ઓછાં આવતાં રાગિણી મમ્મીએ પપ્પા જોડે ઝઘડો કરી મારું અને સિંગિંગ બંધ કરાયું .....!"

સિદ્ધાર્થની સામે એ દિવસના દ્રશ્યો તરવરી ઉઠ્યા. તેની નજર સામે દ્રશ્ય તરવરી ઉઠ્યું જ્યારે રાગિણીબેને સિંગિંગ બાબતે ઘરે ઝગડો કર્યો હતો.

"મારાં લીધેજ આરવને આ ફાલતું શોખ લાગ્યાં છે એવું એમનું કહેવું હતું ...!" સિદ્ધાર્થ બોલ્યો "એમ પણ પપ્પા તો ક્યારનાં  મને એમની જોડે બિઝનેસમાં જોડવા માંગતાં 'તાં ....! એ દિવસ પછી એમણે મને કડક શબ્દોમાં સિંગિંગ-વિગિંગ ભૂલી જવાનું કઈ દીધું ...!"

"મેં મારું એ સપનું "મારી" નાંખ્યું ....!" સિદ્ધાર્થ સહેજ ગળગળા સ્વરમાં બોલ્યો.

નેહાને હવે સિદ્ધાર્થ પ્રત્યે સહાનુભૂતિ થઈ આવી.

"પણ આરવે એ સપનું ના મરવા દીધું ....!" સિદ્ધાર્થ એવાંજ સ્વરમાં બોલ્યો "પપ્પાએ મને સિંગર બનવાની ના પાડતાં આરવ મને કાયમ કે 'તો....!"

સહેજ અટકીને સિદ્ધાર્થ બોલ્યો "બ્રો ...તું ચિંતા ન કર.....! તારું સિંગર બનવાનું સપનું હવે મારું......હું સિંગર બનીશ....તારાં માટે....! આપડા બેય માટે....!"

 

આરવના એ શબ્દો સિદ્ધાર્થના કાનમા પડઘાવા લાગ્યાં -

“તારું સિંગર બનવાનું સપનું હવે મારું...... મારું......

“હું સિંગર બનીશ બ્રો.... સિંગર બનીશ....!

“...તારાં માટે....! આપડા બેય માટે....! બેય માટે....!"

"પપ્પાની ના પછી મેં એ સિંગર બનવાનું સપનું જોવાનું છોડી પણ દીધું....અને પછી ફાઈટર પાયલેટ બનવાનું સપનું જોયું....!" સિદ્ધાર્થ બોલ્યો "એમાં ઘણી મેહનત કરી...મેં બધી એક્ઝામ પાસ પણ કરી....ફીઝીકલ ટેસ્ટ પણ.....! છેલ્લી ઘડીયે પપ્પાએ ના પાડતાં મેં એ સપનું પણ તૂટવા દીધું....! પણ આરવ.....!"

સિદ્ધાર્થે સહેજ ભીની આંખે નેહા સામે જોયું "પપ્પાએ કેટલીયે વાર આરવને ધમકાવ્યો....બોલ્યાં ....ઝઘડ્યાં ....પણ સિંગર બનવાનાં સપનાને આરવે કોઈ દિવસ તૂટવા પણ ના દીધું....કે મરવા પણ ના દીધું....!"

નેહાને હવે સમજાતા તેણીનું મોઢું પણ ઉતરી ગયું.

“પપ્પા એને કાયમ વઢતા.....હુંય એને પપ્પાની વાત માની લેવાં ઘણીવાર કે’તો....! પણ....એ મને કાયમ કે’તો....!”

“બ્રો....તારું સપનું છે.....મારું સપનું છે....આપડા બેયનું સપનું છે.....! હું એમ નઈ તૂટવા દઉ....! અને એટ્લેજ એ ભાગીને અમદાવાદ આવતો ‘ર્યો...!”

કેટલીક ક્ષણો મૌન રહી સિદ્ધાર્થ ભીની આંખે શૂન્યમનસ્ક તાકી રહ્યો.

“એ કાયમ કે’તો....કે કોઈપણ સપનું પૂરું કરવા માટે કઈંક તો કિમ્મત ચૂકવવી પડે.....!” સિદ્ધાર્થ બોલ્યો “કદાચ....મારામાં એ કિમ્મત ચૂકવવાની હિમ્મત ન’તી....! પણ એનામાં ......એનામાં હતી.....!”

નેહા કશું પણ બોલ્યા વગર ભીની આંખે સ સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“અને એણે એ કિમ્મત એના પગ ગુમાવીને ચૂકવી.....!” સિદ્ધાર્થ સહેજ આક્રોશભર્યા સ્વરમાં બોલ્યો અને ભીની આંખે નેહા સામે જોયું પછી કઠોર સ્વરમાં બોલ્યો “આરવને હું ભાઈ માનું છું કે નઈ....!? એનાં માટે મને શું ફીલિંગ્સ છે.....એનો દેખાડો તારી સામે કે કોઈ બીજાની સામે કરવામાં મને કોઈ રસ નથી...! પણ જો તને એવું લાગતું હોય....કે લાવણ્યાએ આરવના પગ છીનવ્યા છે.....!

“તો તારાં પે’લ્લાં એ છોકરી મારી ગુનેગાર છે....! એને સજા આપવાનો પે’લ્લો હક મારોજ છે...!”

નેહા સિદ્ધાર્થના એ કઠોર ચેહરા સામે જોઈ રહી.

“જો એ જવાબદાર હશે....તો એને હું સજા આપીનેજ રઈશ.....!” સિદ્ધાર્થ એવાજ ભાવવિહીન ચેહરે કઠોર સ્વરમાં બોલ્યો.

“તો પછી વચન આપ....!” નેહા પોતાની હથેળી આગળ ધરીને બોલી “કે બદલો પૂરો ના થાય...ત્યાં સુધી તું અટકીશ નઈ....!?”

નેહાની હથેળી સામે સિદ્ધાર્થ જોઈ રહ્યો. ક્યાંક-ક્યાંક હજી પડી રહેલાં વરસાદનાં છાંટાંમાંથી કોઈ કોઈવાર નેહાની હથેળી પર પણ છાંટાં પડતાં અને અનેક નાનાં વરસાદી કણોમાં વહેંચાઈ જતાં હતાં.

“જો તું તારું વચન નિભાવાનો હોય.... મારો સાથ આપવાનો હોય....!” નેહા હથેળી સિદ્ધાર્થ સામે ધરી રાખી બોલી “તો તું એ દિવસ સુધી નઈ અટકે ....જ્યાં સુધી એ છોકરીનો ઘમંડ ચૂરચૂર નાં થઈ જાય.....!”

નેહાનાં શબ્દોમાં હવે લાવણ્યા માટેની નફરત પણ ભળી

“એ દિવસ સુધી નઈ ...જ્યાં સુધી એને આરવની તકલીફનો ....એની એ તડપનો....! એની ફીલિંગ્સ નો એહસાસ નાં થઈ જાય...!”

સિદ્ધાર્થ હજી પણ નેહાની હથેળી સામે જોઈ રહ્યો. તેણીના શબ્દો તેનાં કાનમાં પડઘાઈ રહ્યા.

“જો તું તારું વચન નિભાવાનો હોય.... નિભાવાનો હોય....

 મારો સાથ આપવાનો હોય....આપવાનો હોય....!”

“તો તું એ દિવસ સુધી નઈ અટકે .... નઈ અટકે ...!

જ્યાં સુધી એ છોકરીનો ઘમંડ ચૂરચૂર નાં થઈ જાય.....!”

જ્યાં સુધી એને આરવની તકલીફનો .... તકલીફનો ....!

એની એ તડપનો....! એની ફીલિંગ્સ નો એહસાસ નાં થઈ જાય... થઈ જાય...!”

“વચન આપ મને....!” નેહા કાંપતા સ્વરમાં બોલી “એ એક દિવસ સુધી તું નહીં અટકે....જ્યાં સુધી હું તને નાં કવ.....!”

નેહાનાં શબ્દો કાન વાટે જાણે સિદ્ધાર્થનાં મનમાં ઉતરી રહ્યાં હોય તેમ પડઘાઈ રહ્યાં. સિદ્ધાર્થ તેણીની હથેળી સામે એજરીતે જોઈ રહ્યો.

“ઘરર......!”

ફરીવાર વાદળોનો ગડગડાટ સંભળાયો અને “ટપ....ટપ....!” ધીમી રાહે વરસાદ શરૂ થયો.

--

“નેહા....નેહા.....!” આગલી રાતે સિદ્ધાર્થ સાથે થયેલી વાતચીતનાં ઊંડા વિચારોમાં ખોવાયેલી નેહાને કેન્ટીનમાં તેણીની જોડે બેઠેલી અંકિતાએ ઢંઢોળતાં નેહા જાણે વિચારોમાંથી જાગી હોય એમ ઝબકી.

“હમ્મ...શું....!?” નેહાએ આજુબાજુ જોઈ પછી અંકિતા સામે જોતાં પૂછ્યું.

“ક્યાં ખોવાઈ ગઈ છે યાર....!?” નેહાની પીઠ પર હળવો ધબ્બો મારી અંકિતાએ પૂછ્યું.

“અમ્મ...એક્ઝામ વિષે વિચારતી ‘તી....!” નેહા શક્ય એટલાં સ્વાભાવિક સ્વરમાં જુઠ્ઠું બોલી.

“અરે તારે હવે શું કામ એક્ઝામની ટેન્શન લેવાની જરૂર છે....!” સામે બેઠેલી ત્રિશા બોલી “તારાં ફિયાન્સનાં મામાની તો કૉલેજ છે...એ હિસાબે તારીજ કૉલેજ થઈ ગઈ...તું તારે એક્ઝામમાં બૂક લઈને બેસી જજેને....!”

“હમ્મ...યા તો સિડને કે’જે....તને પેપરો લઈ આપે....!” અંકિતાએ પણ મજાકમાં સૂર પુરાવ્યો.

“સિદ્ધાર્થ પોતાના માટે એવું કશું નઈ કરે એવો...!” નેહા બોલી “તો પછી મારા કે બીજા કોઈ માટે તો સવાલજ નઈ....!”

“એન્ડ ફોર યોર કાઈન્ડ ઇન્ફોર્મેશન....!” હવે અંકિતા અને ત્રિશાની જોડે બેઠેલો રોનક મોબાઈલ મંતરતાં-મંતરતાં બોલ્યો “એક્ઝામ યુનિવર્સિટી લે છે....એચ એલ નઈ....બધાં પેપર પણ યુનિવર્સિટીજ કાઢે છે....અને જે-તે સબજેક્ટની એક્ઝામનાં દિવસેજ કોલેજોમાં આવે છે....!”

“તો પછી....!” નેહા પણ સહેજ નારાજ સૂરમાં બોલી “શું તમે લોકો પણ...!”

“એ....અંકલી....!” ત્યાંજ ત્રિશાએ કેન્ટીનનાં એંટ્રન્સ તરફ જોઈને એકદમજ કહ્યું.

અંકિતા સહિત બધાએ પહેલાં ત્રિશા તરફ પછી ત્રિશા જે બાજુ જોતી હતી એ બાજુ જોયું.

“જો વિવાન....!” ત્રિશા બોલી.

સહેજ મીડિયમ લાંબા બ્રાઉન હેર, લાંબો સપાટ ગોરો-ચિટ્ટો મોડલ છાપ ચેહરો, એવરેજથી સહેજ કસાયેલું બોડી,  કૉલેજનો સૌથી હેન્ડસમ ગણાતો છોકરો વિવાન કેન્ટીનનાં એંટ્રન્સમાંથી એન્ટર થઈ તેનાં ગ્રૂપનાં ટેબલ તરફ જઈ રહ્યો. અંકિતા સહિત બધાજ તેમજ વિવાન ઉપર જાન છીડકતી હોય એવી કેન્ટીનમાં બેઠેલી કેટલીય છોકરીઓ વિવાનને જોઈ રહી.

 “તારો ક્રશ....!” ત્રિશા આંખો નચાવીને બોલી.

“ફરીવાર ક્રશ બોલીને....!” અંકિતા ચેતવણી આપતી હોય એમ હાથ કરીને બોલી “તો તને ક્રશ કરી નાંખીશ....!”

“હી...હી....હી...” નેહા સહિત બધાંજ હસી પડ્યાં.

“સારું....!” ત્રિશા ખભા ઉછાળીને બેફિકર સ્વરમાં બોલી “તારે નાં જોઈતો હોય....તો હું લઈ લઇશ એને...!”

“હાં...હાં...કેમ નઈ....તારાંથી પટે તો પટાઈલેને....!” અંકિતા ચાળા પાડતા બોલી “આપડી કૉલેજની મિસ બ્યુટી ક્વિને પણ ગયાં વર્ષે ટ્રાય મારેલો....! એનાંથી પણ નાં પટયો...તો પછી તારાં...!”

“કોણ લાવણ્યા....!?” નેહા આશ્ચર્યથી વચ્ચે બોલી “એણે વિવાન ઉપર ટ્રાય મારી લીધો...!?”

“હાસ્તો....!” અંકિતા બોલી “એ બલા કોઈ પણ પૈસાવાળા છોકરાને ક્યાં છોડે એવી છે....!”

“હમ્મ....એટ્લેજ તો એ હવે તારાં ફિયાન્સની પાછળ પડી છે....!” ત્રિશાની જોડે બેઠેલી કામ્યા બોલી.

“હા...પણ એ છે ક્યાં....?” ત્રિશા આજુબાજુ જોઈને બોલી “દેખાતી નઈ...?”

“સિદ્ધાર્થ પણ નઈ દેખાતો....!?” અંકિતાએ પણ આજુબાજુ જોઈને પૂછ્યું.

“મને સિદ્ધાર્થમાં કોઈ ઇન્ટરેસ્ટ નઈ હોં....!” નેહા મોઢું બગાડતી હોય એમ નાટક કરીને બોલી.

“તે ખરેખર ના પાડી દીધી....મેરેજ માટે....!?” કામ્યાએ હવે થોડાં ગંભીર સ્વરમાં પૂછ્યું.

“મારા તરફથી તો ના જ છે....!” નેહા ભેદી વાક્ય બોલી.

બધાં હવે કોઈને કોઈ વાતે સિદ્ધાર્થ-લાવણ્યા-નેહાની સગાઈ વગેરે વિષે ચર્ચા કરી રહ્યાં. બધાં ચર્ચા કરી રહ્યાં હતાં ત્યારે નેહાએ પોતાનો મોબાઈલ મંતરવાને બહાને સિદ્ધાર્થને whatsappમાં મેસેજ કર્યો

“પો’ચી ગ્યો મોઢેરાં....!?”

****

“A Queen belongs to a King only…..!”

“A Queen belongs to a King only…..!”

સિદ્ધાર્થનાં કહેલાં એ શબ્દો હજીપણ લાવણ્યાનાં કાનમાં પડઘાઈ હતાં. તેણીની આંખ ભીની થઈ ગઈ. તેણીની નજર સામે તેનો આખો ભૂતકાળ દેખાઈ ગયો.

શ્વાસ ચઢતો હોય એમ લાવણ્યા ઊંડા-ઊંડા શ્વાસ ભરવાં લાગી, તેણીનાં માથે પરસેવો વળવા લાગ્યો. સુન્ન થઈ ગયેલી લાવણ્યા ત્યાંજ ઊભી રહી ગઈ અને આગળ નીકળી ગયેલો સિદ્ધાર્થ ચાલતો-ચાલતો મંદિરના કમ્પાઉન્ડનાં મુખ્ય દ્વાર તરફ જવાં લાગ્યો.

“બીપ....બીપ....!”

મંદિરનાં કમ્પાઉન્ડનાં મુખ્ય દ્વાર તરફ જઈ રહેલાં સિદ્ધાર્થનાં મોબાઈલમાં મેસેજની નોટિફિકેશન આવતાં સિદ્ધાર્થે ચાલતાં-ચાલતાં પોતાનાં જીન્સનાં ખીસ્સાંમાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને સ્ક્રીનલોક ઉપર દેખાતી whatsapp નોટિફિકેશનમાં જ મેસેજ રીડ કર્યો.   

“પો’ચી ગ્યો મોઢેરાં....!?” નેહાનો મેસેજ વાંચી સિદ્ધાર્થ વિચારી રહ્યો “રિપ્લાય નઈ આપું.... તો એ ફૉન કરશે....!”

માથું ધૂણાવી સિદ્ધાર્થે whatsapp ખોલી નેહાને મેસેજનો રિપ્લાય આપવાં માંડ્યો-

“હાં.....!” કશું નાં સૂઝતાં સિદ્ધાર્થે ઔપચારિક્તા ખાતર જવાબ આપ્યો.

“ઓલી તારી જોડે આજુબાજુ જ છે.....!?” નેહાએ મેસેજમાં પૂછ્યું.

નેહાનો મેસેજ વાંચીને સિદ્ધાર્થે નકારમાં માથું ધૂણાવ્યું અને મેસેજમાં વળતો પ્રશ્ન કર્યો-

“કેમ....!?”

“અરે આખી કૉલેજ એને “મિસ” કરે છે.....!” નેહાએ રિપ્લાય આપ્યો “કૉલેજનાં બોય્ઝ એનાં વગર સૂના પડી ગ્યાં છે....!”

મેસેજ કરી નેહાએ જોડે આંખમાંથી પાણી નીકળી હસતું હોય એવું સ્માઇલી મોકલ્યું.

સિદ્ધાર્થે ફરીવાર એજરીતે મોઢું બગાડી માથું ધૂણાવ્યું.

“ડ્રાઈવ કરું છું....! પછી વાત કરું....!” સિદ્ધાર્થે મેસેજ લખીને નેહાને સેન્ડ કર્યા બાદ ફૉન લોક કરી જીન્સનાં પોકેટમાં મૂક્યો.

“અરે...આ છોકરી કેટલે રઈ....!?” પોતાની આજુબાજુ જોઈ સિદ્ધાર્થે લાવણ્યાને શોધવા પાછું વળીને જોયું.

થોડે દૂર લાવણ્યા એકલી ઉભી હતી.

"આને શું થયું પાછું ...!?" નીચું જોઈને સૂનમૂન ઉભેલી લાવણ્યાને જોઈ સિદ્ધાર્થ તેણી તરફ ચાલતાં-ચાલતાં બબડ્યો.

"શું થયું ....!?" લાવણ્યાની જોડે આવીને સિદ્ધાર્થે ઉભા રહેતાં પૂછ્યું.

"હેં ....!? શું...!?" 

લાવણ્યા ઝબકીને વિચારોમાંથી બહાર આવતાં બોલી અને સિદ્ધાર્થનાં ચેહરા સામે જોઈ રહી.

"અરે શું થયું ...!? કેમ આમ ઉભી છે...!?" સિદ્ધાર્થ કોઈપણ જાતના હાવભાવ વિના બોલ્યો.

લાવણ્યા  કશું પણ બોલ્યાં વગર સિદ્ધાર્થના ચેહરા  સામે જોઈ રહી.

"અરે બોલ....!? હમણાં તો ભૂખ લાગી ભૂખ લાગી એવું કરતી 'તી .....!?" લાવણ્યાને સ્પર્શ કર્યા વગર ઢંઢોળતો હોય એમ સિદ્ધાર્થ સહેજ મોટેથી સ્મિત કરીને બોલ્યો "હવે જમવું નઈ....!? કે પછી અહીંયાજ રે'વું છે...!?"

પોતે શેના લીધે એવી ઢીલી થઇ ગઈ છે એ વિષે સિદ્ધાર્થને કોઈ અંદાજો નહોતો. કેટલીક વધુ ક્ષણો લાવણ્યા સિદ્ધાર્થના ચેહરા સામે જોઈ રહી.

"કોઈ પ્રોબ્લેમ છે....!?" લાવણ્યાના નિસ્તેજ થઇ ગયેલાં ચેહરાને જોઈ સિદ્ધાર્થે હવે સહેજ ગંભીર સ્વરમાં પૂછ્યું.

સિદ્ધાર્થે પણ લાવણ્યાના ચેહરા સામે જોયે રાખ્યું અને તેણીના ચેહરાના એ ભાવો વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો. 

લાવણ્યાનાં ઉતરી ગયેલાં સી ચેહરાને જોઈને સિદ્ધાર્થ મૂંઝાઈ ગયો.

"શું થયું ...!?" સિદ્ધાર્થે ફરીવાર એવાંજ સ્વરમાં પૂછ્યું પછી મનમાં બબડ્યો "ભૂખના લીધે ચક્કર તો નઈ આવતાં હોય ...!?"

"તારી તબિયત તો ઠીક છે ને ....!?" સિદ્ધાર્થે એક ડગલું આગળ વધી ચિંતાતુર સ્વરમાં પૂછ્યું. 

"એણે એમજ એ કહ્યું....!" સિદ્ધાર્થ ચેહરા ઉપર પોતાની માટે ચિંતાતુર ભાવો જોઈને લાવણ્યા તેની સામે જોઈ રહીને મનમાં બબડી "મારી ઈન્સલ્ટ માટે નઈ ....!"

"કઈં  નઈ થ્યું ....!" પોતાનો સ્વર એકદમ  સ્વસ્થ કરતાં લાવણ્યા બોલી "હું તો વિચારતી 'તી ....!"

અચાનક પાછી પોતાનાં એજ મૂડ આવી ગઈ હોય એમ લાવણ્યા હવે ચાલવા લાગી અને સિદ્ધાર્થના હાથમાં હાથ પરોવી તેને ખેંચવાં લાગી. 

"કે આપડે શું જમશું ...!? લાઈક ...અમદાવાદમાં ક્યાં...!? શું સારું મલે ....!? એ તો મને ખબર છે...!" લાવણ્યા બોલી "પણ અહીંયા શું મળતું હોય ?....કોને ખબર...!?"

લાવણ્યાની જોડે ચાલતાં -ચાલતાં સિદ્ધાર્થ આશ્ચર્યપૂર્વક તેણી સામે જોઈ રહ્યો. લાવણ્યા કોઈ વાતે હર્ટ થઈ હતી, પણ પ્રયત્નપૂર્વક તે પોતાનાં ચેહરા ઉપર સ્મિત લાવીને કે ખુશ હોવાનો દેખાવ કરી રહી હતી. સિદ્ધાર્થ જોકે તેણીનાં એ નકલી સ્મિત પાછળની ઉદાસી પહેલાંજ વાંચી ગયો હતો.

 “ફરી પૂછું કે ના પૂછું....!?” મનમાં વિચારતાં-વિચારતાં સિદ્ધાર્થ બબડ્યો અને પોતાનાં હાથમાં હાથ પરોવીને ચાલી રહેલી લાવણ્યાની સામે જોયું “નઈ....નઈ....કદાચ કોઈ પર્સનલ વાત હશે તો...!? એનાથી ના કે’વાય એવી....! પૂછીશ....તો ક્યાંક ખોટું લાગશે....કે નઈ ગમે....!”

સિદ્ધાર્થ જાતેજ મનમાં વિચારી રહ્યો હતો.

“એ.....તને બાજરીનો રોટલો બવ ભાવે ને....!?” લાવણ્યાએ અચાનક ઉસ્તાહપૂર્વક પૂછ્યું.

“તું મને શું ભાવે એ વિચારતી’તી....!?” લાવણ્યાનાં એવાં તદ્દન નોર્મલ બિહેવિયરને જોઈને સિદ્ધાર્થ પાછો મૂંઝાઈ ગયો.

“હાસ્તો .....!” લાવણ્યા સ્વાભાવિક સ્વરમાં બોલી “હું તને ફરવા લઈને આઈ છું....!”

લાવણ્યા નકલી ઘમંડ દેખાડતી હોય એમ મોઢું ઊંચું કરીને બોલી.

“અને તું મારી જોડે આવે...તો કઈં પણ આલતું-ફાલતુ થોડી ખવડાવાય....! તને ભાવતું ખવડાવવું પડે...!”

“આ છોકરી તો જબરી માયા છે....!” સિદ્ધાર્થ વધુને વધુ મૂંઝાયો.

“તને બાજરીનો રોટલો ભાવે છેને...! તો આપડે બાજરીનો રોટલો ખાઈએ....! અને જોડે શું ભાવે...!?” લાવણ્યા બોલે જતી હતી અને સિદ્ધાર્થ આશ્ચર્યથી મૂંઝાઈને તેણી સામે જોઈ રહ્યો હતો.

"બોલ ..બોલ...! તને બાજરીના રોટલાં  જોડે શું ભાવે ..!" લાવણ્યાએ  ફરીવાર પૂછ્યું.

"તને કોણે કીધું કે મને બાજરીનો રોટલો ભાવે છે....!?" સિદ્ધાર્થે પૂછ્યું.

"નેહાએ ....!" લાવણ્યા સ્મિત કરીને બોલી.

"તે નેહાને પૂછ્યું 'તું ...!?" સિદ્ધાર્થને હળવું આશ્ચર્ય થયું.

"હાસ્તો ....! કેમ...!? અમે એકજ ગ્રુપમાં છીએ ....ભૂલી ગ્યો ...!?" લાવણ્યા મજાકિયા સ્વરમાં બોલી.

"અચ્છા ...કદાચ નેહાએ કઈંક આડું-અવળું કીધું લાગે છે...!" સિદ્ધાર્થ મનમાં બબડ્યો "એટલેજ આનું મૂડ ઑફ થઈ ગ્યું છે...!"

"હવે તું ક્યાં ખોવાઈ ગ્યો..!?" લાવણ્યાએ સિદ્ધાર્થની હથેળી દબાવીને કહ્યું.

 "કઈં નઈ ....!" સિદ્ધાર્થે હવે લાવણ્યા સામે જોઈને કહ્યું. તેણીનો ચેહરો એકદમ નોર્મલ દેખાતો હતો.

"હશે...!" સિદ્ધાર્થ મનમાં બબડ્યો પછી લાવણ્યાને કહેવા લાગ્યો "તને શું ભાવે....!?"

"મને તો તું ભાવે.....!" પાછી પોતાનાં અસ્સલ મૂડમાં આઈ ગઈ હોય એમ લાવણ્યાએ પોતાની આઈબ્રો નચાવીને કહ્યું  "બોલ..બોલ....ખાઈ જઉં તને ...!?"

"શું તું પણ....!" સિદ્ધાર્થે હસીને મોઢું ફેરવી લીધું.

"અરે સાચે કવ છું....!" ચાલતાં-ચાલતાં  હવે લાવણ્યા સિદ્ધાર્થ સામે આવી ગઈ અને ઉંધા પગલે ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થ સાથે ફ્લર્ટ કરવાં લાગી "નેહા પાગલ છોકરી છે....! તારી જોડે મેરેજની ના પાડે છે  ....! બાકી હું હોત ....! તો અત્યાર સુધી તો સુહાગરા ..!"

"બ....અ ...સ....બાપા....!" સિદ્ધાર્થ હસતાં-હસતાં તેણીને ટોકતાં બોલ્યો "કઈં બી બોલી નાંખે છે યાર તું તો ...!"

"અરે  એમાં કઈં બી શું....!?" લાવણ્યા પોતાનાં ખભા ઉછાળીને બોલી "તારાં જેવાં છોકરાંને કોણ ના પાડે ....!?"   

"એમ ....!?" સિદ્ધાર્થ ટોન્ટમાં મોઢું કરીને બોલ્યો "તોય હું બે વાર રિજેક્ટ થયો છું ....!"

"ઓહ...! તો નેહા સિવાય પણ કોઈ બીજું મૂર્ખ છે એમને ...!?" લાવણ્યા પણ ટોન્ટમાં બોલી "કોણ હતું એ ...! બોલ....!?"

" હી..હી....!” સિદ્ધાર્થથી હસાઈ ગયું "સંભવી ....!"

"હમ્મ ....જમતાં-જમતાં તારે મને સંભવી વાળી  આખી  વાત કે'વાની છે....ઓકે ...!?" આદેશ કરતી હોય એમ લાવણ્યા બોલી.

પ્રતિભાવમાં પહેલાં સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું પછી બોલ્યો "તો તારે મારી રિજેક્ટ સ્ટોરી સાંભળવી છે એમને ...!?"

"આવું શું બોલે છે યાર....!" લાવણ્યા નારાજ થઇ હોય એમ બાળકની જેમ મોઢું ફુલાવીને ચાલતાં-ચાલતા અટકી ગઈ "જા કઈં .....!"

બાળકની જેમ બિહેવ કરતી લાવણ્યા મોઢું ફુલાવીને સિદ્ધાર્થ તરફ પીઠ કરીને ઉભી થઇ ગઈ.

"તને રિજેક્ટ કરવાની મજાલ છે કોઈની ...!" લાવણ્યા બોલી.

"બાપરે....! આટલો કોન્ફીડેન્સ તો મનેય નથી મારી ઉપર ....!" સિદ્ધાર્થ લાવણ્યાની ખેંચતાં બોલ્યો. 

"જો પાછો તું...!" છંછેડાયેલી લાવણ્યા તેને મારવા જતી હોય એમ તેની પાછળ પડી.

"ઓકે..ઓકે...બસ ...સોરી ...!" થોડું દોડી સિદ્ધાર્થ અટકી ગયો અને "સરેન્ડર" કરી દીધું.

"હમ્મ ....! મારો બવ મજાક નઈ ઉડાવતો હવે ...!" ઠાલી ચેતવણી આપતી હોય એમ લાવણ્યા ધમકી ભર્યા સૂરમાં બોલી "અને તારાં વિષે પણ મારે કોઈ ફાલતુ બકવાસ ના જોઈએ ...!"

"ઓકે..ઓકે...હવે જઈએ ...મારે હવે ભયંકર ભૂખ લાગી છે...!"

"હા.....હા ચાલ....!" સિદ્ધાર્થનો પકડી લાવણ્યા આગળ ચાલતાં-ચાલતા તેને ખેંચવાં લાગી.  

બંને ચાલતાં-ચાલતાં મંદિરના કોમ્પ્લેક્સનાં કમ્પાઉન્ડની બહાર આવી ગયાં.

અને કમ્પાઉન્ડની boundary વોલ આગળ પાર્ક કરેલાં સિદ્ધાર્થનાં રોયલ એનફિલ્ડ તરફ જવાં લાગ્યાં.

મોઢેરા એક ઐતિહાઈસિક સ્થળ હોવાથી અંદરની જેમ બહાર પણ અનેક દેશી -વિદેશી ટુરિસ્ટોની ભીડ લાગેલી હતી.

પાર્ક કરેલાં અનેક બાઈકની આગળથી પસાર થતી વખતે સામેથી આવી રહેલાં બે-ચાર લફંગા જેવાં છોકરાઓ જોઈને સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ પકડી લીધો અને તેણીની સહેજ આગળ તરફ રહી ચાલવા લાગ્યો. બંને હજી પણ થોડાં પલળેલાં જ હતાં. એમાંય લાવણ્યાનો સિલ્કી ડ્રેસ થોડોજ સુકાયો હતો. લાવણ્યાના વાળ પણ હજી ભીનાં હતાં. જેના લીધે તે હજીપણ એટલીજ માદક લાગી રહી હતી.

સિદ્ધાર્થે હાથ પકડતાં લાવણ્યાને પહેલાં સહેજ આશ્ચર્ય થયું. પણ પછી સામેથી આવી રહેલાં છોકરાઓને જોતાંજ લાવણ્યા સમજી ગઈ. ચાલતાં-ચાલતાં તેણે માનપૂર્વક સિદ્ધાર્થ સામે જોયું.

અગાઉ તેઓ લૉ ગાર્ડન ગયાં હતાં, ત્યારે પણ સિદ્ધાર્થે તેણીને પ્રોટેક્ટ કરવાં આવુંજ બિહેવ કર્યું હતું.

ઓંલા બેય લફંગા સહેજ છેટે રહીને પસાર થઇ ગયાં. સિદ્ધાર્થે એક નજર પાછું ફરીને તેમને જોઈ લીધા પછી આગળ જોઈ ચાલવા લાગ્યો. સહેજ આગળ જઈને જ્યારે તેઓ એન્ફિલ્ડ પાસે આવી ગયાં ત્યારે સિદ્ધાર્થે હળવેથી લાવણ્યાનો હાથ છોડી દીધો.

"સંભવી...નેહા ...!" બાઈકની ઇગ્નીશનમાં ચાવી ભરાવી રહેલાં સિદ્ધાર્થને ઉદ્દેશી લાવણ્યા પ્રેમથી બોલી.

સિદ્ધાર્થે તેણી તરફ જોયું.

"ખબર નઈ એ લોકોને શું ઓછું પડ્યું ....!પણ...!" લાવણ્યા ભાવભીના સ્વરમાં બોલી "તારામાં એ બધુજ છે....એક છોકરીને જોઈએ  પોતાનાં લાઈફ પાર્ટનર માટે ...!"

"પણ બધાંને બધું ના જોઈતું હોય તો....!?" સિદ્ધાર્થ સહેજ ટૉન્ટમાં બોલ્યો અને ઘોડા ઉપર બેસતાં હોય એમ પગ ઊંચો કરીને એનફિલ્ડની સીટ ઉપર બેઠો.

 "બધાંને બધું ના જોઈતું હોય તો....!?" સિદ્ધાર્થે ટૉન્ટમાં કહેલું એ વાક્ય લાવણ્યાનાં કાનમાં પડઘાઈ રહ્યું.

સિદ્ધાર્થનાં કહેવાંનો અર્થ તે સમજતી હતી. તમે ગમે તેટલો પ્રયત્ન કરી લો પણ દરેકની એક્સપેકટેશન તો ના જ સંતોષી શકો. ઘણીવાર તમે જેટલું આપો, એ બધુજ ઓછું પડે. કેમકે એ બધું એ વ્યક્તિ તમારાથી એકપેકટ ના જ કરતું હોય.

બાઈક પાછું લઈને સિદ્ધાર્થે લાવણ્યાને પાછળ બેસવાં ઈશારો કર્યો. આસપાસ કેટલાય નાસ્તા-પાણીનાં ઠેલાઓવાળા જેન્ટ્સ તેમજ અન્ય જેન્ટ્સ વરસાદમાં પલળેલી અને ચુસ્ત ડ્રેસમાં અત્યંત ખુબસુરત લાગતી લાવણ્યાને ઘૂરી રહ્યાં હતાં. સિદ્ધાર્થ એ બધું નોટિસ કરી રહ્યો હતો.

"જલ્દી ....!" બાઈક ઉપર પાછલી સીટમાં બેસી રહેલી લાવણ્યાને સિદ્ધાર્થે સહેજ ડોકી પાછળ કરીને કહ્યું પછી લાવણ્યાને ઘુરી રહેલાં સામે દેખાતાં પાનનાં ગલ્લાવાળા તરફ ઘુરકીને જોયું.

ઓલાએ નજર ફેરવી લીધી.

"હા જાન....એક મિનિટ ....!" લાવણ્યા બોલી અને બાઈક ઉપર સરખી બેસવાં લાગી.

"પાનના ગલ્લાઓ જ લફંગાઓ પેદા કરવાનું સ્થળ છે....!" સિદ્ધાર્થ ગુસ્સે થઈને બોલ્યો અને બાઇકનો સેલ મારી સામે જોઈ બાઈક પહેલાં ગિયરમાં નાંખ્યું.

"હેં ....!? શું ...!?" બાઈક ઉપર હજી એડજસ્ટ થઇ રહેલી લાવણ્યા બોલી પછી તરતજ એજ ગલ્લાવાળા તરફ જોયું. સિદ્ધાર્થ પહેલાં તેણીએ એ ગલ્લાવાળાને પોતાને ઘુરતી વખતે નોટિસ કરી લીધો હતો.

"હું પ્રધાનમંત્રી બન્યો …..એ દિવસે આખા દેશમાંથી બધાજ પાનનાં ગલ્લાઓ બંધ કરાઈ દવ જોને ....!" સિદ્ધાર્થ એવાંજ ગુસ્સેલ સ્વરમાં બોલ્યો અને બાઈક ઝડપથી ચલાવી દીધું.

"હાં ...હા....હા....!" લાવણ્યા ખડખડાટ હસી પડી અને સીટમાં સરકીને સિદ્ધાર્થને ચીપકીને બેસી ગઈ.

"તો શું વળી.....!" સિદ્ધાર્થ એવાજ સ્વરમાં બોલે જતો હતો "પાન-મસાલા ખાઈને જ્યાં-ત્યાં થૂંકે ....દેશ પણ ગંદો કરે....અને પાછા આવતી-જતી છોકરીઓની છેડતી પણ કરે કા ગંદી નજર નાંખીને ઘૂર્યા કરે ....! સાલા નીચ લોકો ...!"

"તું બવ ક્યૂટ છે યાર .....!" લાવણ્યા સિદ્ધાર્થને પાછળથી વળગી પડી અને હસતાં-હસતાં તેની પીઠ ઉપર ગલૂડિયાંની જેમ પોતાનું માથું ઘસતાં બોલી.  

*****

"અંકલ....ગુજરાતી મેન્યુમાં શું મલશે ....!?" હાઇવે ઉપર આવતી એક હોટેલનાં રિસેપ્શન ટેબલ પર બેઠેલાં માણસને લાવણ્યાએ પૂછ્યું.

"ગુજરાતી થાળી....કાઠિયાવાડી....!" ઓલો બોલ્યો.

"બાજરીનો રોટલો મલશે ....!?" લાવણ્યાએ પૂછ્યું.

ઓલાએ બે ઘડી લાવણ્યાનાં ચેહરા સામે જોયું પછી બોલ્યો -"ના મેડમ....!"

"આવી વરસાદની સીઝનમાં તમે બાજરીનો રોટલો નઈ રાખતાં ....!?" લાવણ્યાએ સહેજ ચિડાઈને પૂછ્યું.

લાવણ્યાનો ગુસ્સો જોઈને ઓલાએ તેણીની પાછળ ઊભેલાં સિદ્ધાર્થ સામે મૂંઝાઈને જોયું.

"અરે યાર ના હોય તો ક્યાંથી લાવે ....!?" લાવણ્યાની પાછળ ઊભેલાં સિદ્ધાર્થે તેણીનો હાથ પકડીને સહેજ ખેંચતા કહ્યું.

"અંકલ....અહીંયા નજીકમાં કઈ હોટેલમાં બાજરીનો રોટલો મલશે ....!?" રિસેપ્શન વાળા સામે જોઈને લાવણ્યાએ પૂછ્યું.

 "તું ચલને અવે ....! જે મલે એ જમી લઈએ ....! આ પાંચમી હોટેલ છે...જ્યાં તે પૂછ્યું ...! મને હવે ભયંકર ભૂખ લાગી છે...!" સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ ખેંચ્યો અને હોટેલના ડાયનિંગ એરિયા તરફ જવા લાગ્યો.

સિદ્ધાર્થને બાજરીનો રોટલો ખવડાવવાની જિદે ચઢેલી લાવણ્યાએ અત્યાર સુધી સિદ્ધાર્થને લગભગ ચાર-પાંચ હોટેલોમાં ફેરવ્યો હતો. ભૂખને લીધે હવે સિદ્ધાર્થ કંટાળ્યો હતો.

“મારાથી બવ લાંબો ટાઈમ ભૂખ્યું નઈ રે’વાતું....!” ભૂખને લીધે સિદ્ધાર્થ હવે અકળાયો હતો.

“પણ બાજરીનો રોટલો...!?” હાથ ખેંચીને ચાલી રહેલાં સિદ્ધાર્થની પાછળ ચાલતાં-ચાલતાં લાવણ્યા નાના બાળકની જેમ મોઢું બનાવીને બોલી.

“અરે હું તને ઘેર મૂકવા આવું....ત્યારે તું બનાઈને ખવડાઈ દેજે....! બસ...!” સિદ્ધાર્થ અકળાઈને બોલ્યો અને એક ખાલી ટેબલ આગળ અટકીને તેની નીચેથી ચેયર ખેંચી લાવણ્યાને બેસવા ઈશારો કર્યો.

“પણ મને નઈ બનાવતાં આવડતાં....!” લાવણ્યા મોઢું ઢીલું કરીને કાલાં સ્વરમાં બોલી અને સિદ્ધાર્થ મોઢું બનાવીને જોઈ રહી.

સિદ્ધાર્થથી પરાણે હસાઈ ગયું.

“તું અઘરી નોટ છે હોં...!” સિદ્ધાર્થ હસતાં-હસતાં બોલ્યો.

“જો તો પાછો....! નોટ વાળો....!” સિદ્ધાર્થના પેટ ઉપર લાવણ્યા હળવેથી પંચ કરવાં લાગી.

“ઓય....! આહ..! અરે બવ ભૂખ લાગી છે યાર......!”

આજુબાજુ જમવા બેઠેલાં લોકો પણ હવે તેમની તરફ જોવાં લાગ્યાં. બંને છેવટે જમવાં માટે સામ-સામે ચેયરમાં ગોઠવયાં.

“બોલ...શું ખઈશ તું...!?” સિદ્ધાર્થે ચેયરમાં સરખા બેસતા પૂછ્યું.

“તારી પસંદનું કઈંક ખઈએ....!”  લાવણ્યા બોલી.

સિદ્ધાર્થે સ્મિત કર્યું અને હોટલમાં કામ કરી રહેલાં એક વેટર તરફ ઈશારો કર્યો.

****

"સિરિયસલી યાર .....!" કોરિડોરમાં નેહાની જોડે ચાલી રહેલી અંકિતાએ નેહાને કહ્યું "આ બેય જણાં આજે કૉલેજ નઈ આયાં ...!"

અંકિતા સિદ્ધાર્થ અને લાવણ્યાની એકસાથે ગેરહાજરી વિષે બોલી રહી હતી.

"ક્યાંક બેય જોડે જ તો નઈ ને ...!?" અંકિતાએ આશંકા વ્યક્ત કરી આંખ ઝીણી કરી ચાલતાં-ચાલતાં નેહા સામે જોયું.

બધું જાણતી હોવાં છતાંય ચીડાયેલી નેહા કશું પણ બોલ્યાં વગર ચાલતી રહી. બંને કલાસરૂમ તરફ જઈ રહ્યાં હતાં.

"આમેય....એ છોકરી જબરી માયા છે....!" અંકિતા બોલી "ગમે તેવાં છોકરાંને ફસાઈ લે એવી છે...! મને લાગે છે એણે સિદ્ધાર્થને પણ ...!"

"અંકિતા ....!" નેહા અટકી અને ચિડાઈને બોલી "મને સિદ્ધાર્થમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી ...ઓકે...! તો એ લાવણ્યા જોડે જાય...કે બીજી કોઈ પણ જોડે....! આઈ ડોન્ટ કેર....!"

એટલું બોલીને નેહા કલાસરૂમ તરફ જવા જ જતી હતી.

"ક્યાં જાવ છો તમે બેય ...!?" ત્યાંજ સામેથી રોનક આવતાં બોલ્યો.

"લેક્ચર ભરવા કેમ....!?" અંકિતાએ કહ્યું.

"અરે લંચ પછીના બધા લેક્ચર કેન્સલ થઇ ગયા છે...!" રોનક માહિતી આપતા બોલ્યો. 

“કેમ કેન્સલ...!?” નેહાએ હવે આશ્ચર્યથી પૂછ્યું.

“અરે બવ વરસાદ છે...! એટ્લે રાવલ સર....ચોધરી સર....અને પ્રજાપતિ સર આયાજ નઈ....!” રોનક બોલ્યો “એટ્લે એમનાં બધાં લેકચર કેન્સલ થઈ ગ્યાં.....!”

“અરે યાર....!” અંકિતા નિ:સાસો નાંખતાં બોલી પછી કોરિડોરની બહાર જોયું.

લંબચોરસ શેપમાં બનેલાં કૉલેજ બિલ્ડીંગમાં વચ્ચે વિશાળ ખાલી જગ્યામાં મોટો ફૂવારો હતો તેમજ તેની આજુબાજુ બેસવાં માટે બાંકડા ગોઠવેલા હતાં. હાલ પડી રહેલાં ભારે વરસાદને લીધે ફૂવારો બંધ હોવાં છતાં પાણીથી ભરાઈ ગયો હતો.

વરસાદના મોટા ફોરાંનો અવાજ ફુવારામાં ભરેલાં પાણીમાં સંભળાઈ રહ્યો હતો.

“એક તો આવાં વરસાદમાં ઘેર પણ કેમનું જવું....!?”  બહાર પડી રહેલાં ધોધમાર વરસાદ સામે જોઈ રહીને અંકિતા મોઢું મચકોડીને બોલી.

“હાં...તો કોઈ ઘેરજ ક્યાં ગ્યું છે....!” રોનક સ્મિત કરીને  બોલ્યો “લેકચર કેન્સલ થયાનું ખબર પડતાંજ બધાં પાછાં કેન્ટીનમાં ભરાઈ ગ્યાં છે....! ચલ..ચલ....”

રોનકે પાછાં ફરીને કેન્ટીન તરફ જવાનું કહેતાં કહ્યું.

“આપડેય જઈએ...! બે શું માહોલ છે કેન્ટીનનો તો...!” રોનક બોલ્યો અને ચાલવા લાગ્યો.

“ચલ....!” અંકિતાએ પણ સ્મિત કર્યું અને નેહાનો હાથ પકડીને તેણીને ખેંચવાં લાગી “આપડે પણ જઈએ....!”

“મજા આઈ જાય એવો માહોલ છે....!” ચાલતાં-ચાલતાં રોનક પાછું જોઈને બોલ્યો.

થોડીવારમાં તેઓ કેન્ટીનમાં આવી ગયાં.

“બાપરે.....!” કેન્ટીનમાંથી એન્ટર થતાંજ અંકિતા આંખો મોટી કરીને બોલી “આતો કુંભ મેળા જેવી ભીડ છે....!”

“આપડા ગ્રૂપના બધાં ક્યાં છે....!?” અંકિતાની પાછળ આવતી નેહાએ પણ આશ્ચર્યથી ભીડ જોતાં-જોતાં કહ્યું.

આખી કેન્ટીન ઠસોઠસ ભરાઈ ગઈ હતી.  

મસ્ત-મજાના વરસાદી માહોલમાં સ્ટુડન્ટ્સ ચ્હા-નાસ્તાની જ્યાફત ઉડાવી રહ્યાં હતાં. કેટલાંક પ્રોફેસર્સ પણ કેન્ટીનમાં બેઠાં હતાં. આખી કેન્ટીનમાં કોલાહલનો પાર  નહોતો.   

"હાય ....!" રોનક, અંકિતા અને નેહાને જોતાંજ ચેયરમાં બેઠેલી કામ્યા સ્મિત કરીને બોલી "ક્યાં હતાં તમે લોકો ...!?"

"અમને ન'તી ખબર કે....લેક્ચર કેન્સલ થઇ ગ્યા છે...!" કામ્યાની જોડે ખાલી ચેયરમાં બેસતાં અંકિતા બોલી.

"તમારાં લોકો માટેજ અમે ચેયર બચાઈ રાખી છે....!" સામે બેઠેલી ત્રિશા બોલી "બાકી જો તો ખરા...!"

આખો મોટી કરીને ત્રિશાએ આજુબાજુ જોઈને કહ્યું.

"કેવી ભીડ છે...!"

"હમ્મ ....એ તો છેજ...!" વિચારોમાં ખોવાયેલી નેહા બોલી અને અંકિતાની જોડેની ચેયરમાં બેઠી.

રોનક પણ પ્રેમની જોડે બેઠો.

"હજીય આપડા ગ્રુપમાં એક જણ ઓછું છે....!" ત્રિશા મોઢું બનાઈને બોલી.

"કોણ....!?" કામ્યાએ પૂછ્યું.

"લાવણ્યા ....!" પ્રેમ બોલ્યો.

"હા યાર.....એ પણ નઈ આઈ આજે....!" ત્રિશા બોલી "નઈ ...!?"

"એ પણ એટલે...!? તું કોઈ બીજાની વાત કરતી 'તી ....!?" પ્રેમે પૂછ્યું.

"હાસ્તો....!"

"કોની ...!?" કામ્યાએ પૂછ્યું.

"અરે જેને નેહાએ રિજેક્ટ કરી દીધો છે....!" ત્રિશાએ આંખો નચાવી સ્મિત કરતાં નેહા સામે જોયું પછી બોલી "સિદ્ધાર્થ ....! એય નઈ આયો ...!"

નેહાએ ઘુરકીને ત્રિશા સામે જોયું.

"તારે એનું શું કામ છે....!?" અંકિતાએ પૂછ્યું.

"અરે....નેહા ના પાડે છે....! તો હું એને પૂછી લવને...!" ત્રિશા ફરીવાર એજ રીતે બોલી "મને કોઈ વાંધો નઈ ....!"

બધાં હસી પડ્યા. અંકિતાએ હસતાં-હસતાં નેહા સામે જોયું. જે ઘુરકીને હજીપણ ત્રિશા સામે જોઈ રહી હતી.

"તો પછી તારે લાઈનમાં ઉભું રહેવું પડશે....!" અંકિતા પણ હવે મજાકમાં સામેલ થઇ ગઈ.

"કેમ...કેમ...!?" ત્રિશા બોલી.

"કેમકે અત્યારે તો સિદ્ધાર્થ આપડી કૉલેજની મિસ બ્યુટી ક્વિનનો માલ છે....!" અંકિતા પરાણે પોતાનું હસવું દબાવીને બોલી.

નેહાએ ગુસ્સે થઈને તેણી સામે જોયું. અંકિતાએ મોઢું ફેરવીને ત્રિશા સામે જોયું.

"અરે બાપરે....!?" ત્રિશા બોલી "લાવણ્યા પણ આજે નઈ ....સિદ પણ નઈ.....!"

નેહાને વધુ ચીડવતા ત્રિશા તેણી સામે આંખો નચાવતાં-નચાવતાં બોલી.

"બંને એકસાથે ગેરહાજર.....! હમ્મ ..હમ્મ ...નેહા ....! ક્યાંક ઓલી W2 ગ્રુપ વાળી કાંચીની વાત સાચી તો નઈને....!?" ત્રિશાએ નેહાને ચિડાવાતાં પૂછ્યું "અને એમાંય આજે મોસમ તો જો યાર....! આયે હાયે....! મને તો લાગે છે કે બેય ક્યાંક...!"

"સ્ટોપ ઈટ ત્રિશા....! બંધ કરો તમે યાર અવે ...!" નેહા ચિડાઈને બોલી પછી અંકિતા સામે જોઈને ગુસ્સે થઈને બોલી "અને અંકિતા....! આ શું વળી ...!? હેં...! સિદ્ધાર્થ લાવણ્યાનો માલ છે એટલે..!? આવા વર્ડ્સ શું યૂઝ કરે છે..!?" 

 "અરે કેમ....!?" અંકિતા બોલી "છોકરાઓ પણ આપડા માટે આવા જ વર્ડ વાપરે છેને...તને નઈ ખબર....!?"

અંકિતાએ હવે પ્રેમ અને રોનક સામે જોયું.

"શું....!?" પ્રેમ પ્રશ્નભાવે તેણી સામે જોઈને બોલ્યો "અમે નઈ બોલતાં આવું બધું ...!"

"ચલ હવે જુઠ્ઠા ....!" અંકિતા ધમકાવતી હોય એમ બોલી "ગઈકાલે વરસાદમાં પલળીને આવેલી ઓલી મેઘાડી લેડીઝ વૉશરૂમ તરફ જતી 'તી ...! તો કોણ બોલ્યું 'તું ...!"

"બે એ....પ્લૅમ પ્લૅમ ....ઓલી મેઘાડી તો જો...! છું માલ લાદે થે ....!" અંકિતા ચાળા પાડતી હોય એમ બોલી "બોલ....બોલ...રોનકીયા ....!"

રોનક છોભીલો પડી ગયો હોય એમ અંકિતા સામે જોયું પછી પ્રેમ સામે જોયું. ગ્રુપની બધી છોકરીઓ હવે ઘૂરકીને રોનક સામે જોઈ રહી.

"પણ એ બઉ મસ્ત લાગતી 'તી ...!" રોનક ધીરેથી નાના બાળકની જેમ હોંઠ દબાવી રાખીને બોલ્યો.

બધાં પરાણે હસી પડ્યાં.

"સાચે....યાર....એ કૉલેજની સૌથી હોટ છોકારીઓમાંની એક છે....!"  રોનક બોલ્યો.

"જોયું...જોયું....!" અંકિતાએ નેહા અને અન્ય ગર્લ્સ સામે જોયું "હોટ....માલ ....! આવા જ બધાં વર્ડસ વાપરે છે આ લોકો ...!"

"અરે શાંત...શાંત....ગદાધારી ભીમ....! શાંત....!" પ્રેમ બોલ્યો "વાત સિદ્ધાર્થ અને લાવણ્યાની ચાલતી 'તી ....! તું ક્યાંથી ક્યાં પો'ચી ગઈ ....!?" 

"ગદાધારી ભીમ ...હી...હી...!" કામ્યા અંકિતા સામે જોઈને હસી "ક્યાં છે તારી ગદા ...!?"

"હા.હા.હા...." બધા હસી પડ્યા નેહા સિવાય.

"વાત સિદ્ધાર્થ અને લાવણ્યાની ચાલતી 'તી ....! ચાલતી 'તી ....!" નેહા વિચારોમાં ખોવાઈ ગઈ "બપોર પડી ગઈ.....! હજી આયો નઈ આ છોકરો ...!"

નેહા મનમાં વિચારી રહી. પોતાનો મોબાઈલ કાઢી તે સિદ્ધાર્થનો કૉલ કે મેસેજ ચેક કરવા લાગી.

"કોઈજ ફૉન કે મેસેજ પણ નઈ ...!" મોબાઈલની સ્ક્રીન સામે જોઈ રહીને મનમાં બબડી.

કઈંક  વિચારીને નેહા  મોબાઈલ હાથમાં લઈને ઉભી થઈ. 

"અરે ક્યાં જાય છે...!?" અંકિતાએ ગમ્મતભર્યું સ્મિત કરતા પૂછ્યું "સિદને ફૉન કરવાં ....! હમ્મ ..હમ્મ..!?"

અંકિતાએ પોતાની આઈબ્રો નચાવી. બધાં હળવું હસી પડ્યા. 

નેહાએ ફરીવાર ઘુરકીને તેણી સામે જોયું.

"અરે એ બેયને શું કામ ડિસ્ટર્બ કરે છે...!? રે'વા દેને ...!" નેહાનો હાથ પકડી અંકિતાને ખેંચ્યો અને તેણીને ચેયરમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો.

"યુ નો વોટ ...!" ચીડાયેલી નેહાએ નીચા નમીને પોતાનું હેન્ડબેગ લઇ લીધું "તમારી આ ફાલતું બકવાસ સાંભળવાં કરતાં તો ઘેર જઈને એકઝામનું રીડિંગ કરવું સારું ...!"

નારાજ થઈને નેહા ત્યાંથી ઝડપથી ચાલવાં લાગી.

"અરે ...અરે નેહા....!" કામ્યા તેણીને બોલાવવાનો પ્રયત્ન કર્યો પછી જોડે બેઠેલી અંકિતાને ખભે હળવેથી પંચ કરીને કહ્યું "શું યાર તું બી ...! બંધજ નઈ થતી ....!"

"અરે એને જવાદે ....!" અંકિતા બોલી અને શાંતિથી પાછી ફરી પોતાનો મોબાઈલ હાથમાં લઈ મંતરવા લાગી "એમપણ....! એ જો અહિયાં રે'શે...તો યા તો હું...યા તો ત્રિશા ...એને ચિડાય ચિડાય જ કરશું....!"

"બાકી કે 'વું પડે હોં ...!" કામ્યાએ પણ હળવું સ્મિત કર્યું અને પોતાનાં મોબાઈલમાં જોતાં-જોતાં બોલી "મિસ્ટ બ્યુટી ક્વિન તો યુસેન બોલ્ટ કરતાં પણ ફાસ્ટ નીકળી ...!"

કામ્યાના કહેવાનો અર્થ સમજી ગયેલાં  બધાં હળવું હસ્યાં. જોકે પ્રેમનું મોઢું ઉતરી ગયું. 

"હજી તો નેહાએ ના પાડે બે દિવસ પણ નઈ થ્યાં ...!" કામ્યા એજ રીતે ટોન્ટભર્યા સ્વરમાં આગળ બોલી " ને મેડમે એ સીધાં-સાદા છોકરાંને પાડી પણ દીધો ...!"

"હમ્મ ....આપડને તો રેસમાં દોડવાનો ચાન્સ પણ ના મલ્યો ...!" ત્રિશા મોઢું મચકોડીને બોલી.

બધા ફરીવાર હળવું હસ્યાં. પ્રેમ નિરાશ થઈ નીચું મોઢું કરીને શૂન્ય મનસ્ક તાકી રહ્યો.

****

"ફાલતું પંચાત કરવામાં બધાને કેટલી મજા આવે છે....!" કેન્ટીનમાંથી બહાર નીકળીને બબડાટ કરતાં-કરતાં નેહા કોરિડોરમાં ઉતાવળાં પગલે ચાલતાં-ચાલતાં જઈ રહી હતી.

"ઘર્રર્રર ...!" ધોધમાર પડી રહેલાં વરસાદની સાથે-સાથે વાદળોનાં ગરજવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો.

"સિદ્ધાર્થ આપડી કૉલેજની મિસ બ્યુટી ક્વિનનો માલ છે....! માલ છે...!"

"કઈં પણ બોલી નાંખે છે....! ડફોળ જેવી ...!" અંકિતાની વાત યાદ કરી નેહા ચિડાઈને એકલાં-એકલાં બબડી.

કોરીડોરમાં વળીને તે હવે સુરેશસિંઘની કેબીન તરફ ચાલવાં લાગી.

"આ છોકરાએ એકપણ મેસેજ કે ફૉન ના કર્યો ...!" ચાલતાં -ચાલતાં નેહાએ ફરીવાર પોતાનો મોબાઈલ ચેક કરવાં માંડ્યો.

"હુંહ....! કૉલ જ કરી જોવાંદે ને ....!"

સિદ્ધાર્થનો નંબર કાઢી નેહાએ છેવટે તેનો નંબર ડાયલ કર્યો.  

****

  "અરે આરામથી જમ....!"  ઝડપથી કોળિયા ઉપર કોળિયા ખાઈ રહેલાં સિદ્ધાર્થને લાવણ્યાએ હસતાં-હસતાં કહ્યું.

"મ....હું એક્સસાઈઝ કરું છું ...એટલે મારાથી ભૂખ્યું નઈ રે'વાતું ...!" જમતાં-જમતાં સિદ્ધાર્થ બોલ્યો "બાજરીનો રોટલો...બાજરીનો રોટલો કરી કરીને તે બવ લેટ કરાઈ દીધું ...!"

"સોરી જાન ....!" લાવણ્યા વિલુ મોઢું કરીને બોલી "હવે હું ધ્યાન રાખીશ બસ...!"

"હમ્મ ....!" સિદ્ધાર્થ પાછો ઝડપથી મોટાં-મોટાં બાઈટ લઈ જમવા લાગ્યો.

"અરે પણ શાંતિથી....!" લાવણ્યાએ ફરીવાર તેને ટોક્યો "સાવ નાના બેબીની જેમ જમેં છે તું તો....! આજથી તારું નામ બેબી પાડી દેવું છે...હી...હી...!"

"તું જેઠાલાલની સાસુ જેવી  છે....!" સિદ્ધાર્થ કોળિયો ચાવતાં-ચાવતાં બોલ્યો "પે'લા ‘જાન’ નામ પાડ્યું ....! હવે બેબી....! નઈ...!?"

"હાં ....હાં .....હાં .....!" લાવણ્યાથી હસાઈ ગયું "જબરો તું તો....! આખો દિવસ એ જ જોતો લાગે છે....!"

"હમ્મ ....ખાસ કરીને જમતાં-જમતાં મને જોવાનું ગમે જ....!" સિદ્ધાર્થ બોલ્યો અને એક કોળિયો મોઢામાં હોવાં છતાં તરતજ બીજો કોળિયો મોઢામાં મૂકી દીધો.

"જો..જો..પાછો....છોકરા શાંતિથી જમને પણ ...!" મીઠો ગુસ્સો કરતી હોય એમ લાવણ્યા સિદ્ધાર્થને ધમકાવતાં બોલી "આખો દિવસ પડ્યો છે આપડી જોડે....!"

"અરે શું આખો દિવસ....!?" સિદ્ધાર્થ બોલ્યો "આ ટાઈમ તો જો...! બપોરનાં બે વાગ્યાં યાર....! મારે તને ઘેર જલ્દી પો'ચાડવી પડેને ....!"

"મારે ઘેર નઈ જવું પણ...!" લાવણ્યા નાના બાળકની જેમ મોઢું મચકોડીને બોલી.

"અચ્છા....! એટલે તું મને આન્ટી જોડે સંભળાવડાઇશ એમને...!?"

"અરે જાન ...તું શું કામ ટેન્શન લે છે...!" લાવણ્યા વ્હાલથી સિદ્ધાર્થનો ગાલ ખેંચીને બોલી "હું મમ્મીને કઈને જ આઈ છું ...! કે મારે આજે લેટ થશે...!"

"હા પણ હજી કેટલું લેટ...!" સિદ્ધાર્થ બોલ્યો "સવારે વે'લા નીકળ્યાં 'તા આપડે....! આખી બપોર થઇ ગઈ હવે તો...!"

"જો તું ઘેર જવાની પંચાત ના કર....!" લાવણ્યા ખખડાવતી હોય એમ બોલી "આજે આખો દિવસ આપડે જોડેજ સ્પેન્ડ કરવાનો છે....!"

"પણ.....!"

"સિદ...! કીધું તો ખરા....! હું મમ્મીને કઈનેજ આઈ છું જાન.....!" લાવણ્યા આજીજીપૂર્વક બોલી "અને મમ્મી તને ઓળખેજ છે....! ડોન્ટ વરી ....!"

સિદ્ધાર્થ માથું ધૂણાવતા પાછો નીચું જોઈને જમવા લાગ્યો.

"એક કામ કરીએ...!" લાવણ્યા બોલી "અહીંયાથી જતી વખતે આપડે રસ્તામાં મેહસાણા આર વર્લ્ડ જતાં જઈએ...! મુવી જોઈશું ત્યાં....!"

"તો તો કેટલું લેટ..!"

"ટ્રીન ...ટ્રીન...ટ્રીન....!" સિદ્ધાર્થ બોલવાજ જતો હતો ત્યાંજ ટેબલ ઉપર પાણીના જગની બાજુમાં પડેલો સિદ્ધાર્થનાં મોબાઈલની રિંગ વાગી.

મુવીનો પ્લાન બનાવી સ્માઈલ કરેલી લાવણ્યાએ કુતુહલવશ સીટમાં સહેજ ઊંચા થઈને ટેબલ ઉપર પડેલા સિદ્ધાર્થનાં મોબાઈલની સ્ક્રીન ઉપર નંબર જોયો.

"નેહું.....!" પેટ નેમ "નેહું" લખીને સેવ કરેલાં નેહાનો કૉલ જોતાંજ લાવણ્યાના ખુશખુશાલ ચેહરા ઉપરનું સ્મિત તરતજ ઉડી ગયું.

"હું આવું વાત કરીને....!" લાવણ્યાનાં ચેહરા સામે જોયાં વિનાજ સિદ્ધાર્થ પોતાનાં હાથ થાળીમાં સહેજ ખંચેરીને ઉભો થયો અને બીજા હાથમાં મોબાઈલ લઈને ઝડપથી હોટલની બહાર જતો રહ્યો.

લાવણ્યા ઢીલું મોઢું કરીને તેને જતાં જોઈ રહી. થાળીમાં પડેલી રોટલીને તે બેચેનીપૂર્વક નાનાં-નાનાં ટુકડાંમાં તોડતી રહી.

"હાં બોલ....!" હોટલની બહાર નીકળી સિદ્ધાર્થે નેહાનો કૉલ રિસીવ કર્યો.

હોટલના ગ્લાસ ડોર પાસે ઊભાં-ઊભાં સિદ્ધાર્થ નેહા સાથે વાત કરવાં લાગ્યો.

"આટલી બધી વાર ફૉન ઉપાડવામાં ...!?" સામેથી નેહાએ સહેજ ચિડાયેલા સ્વરમાં પૂછ્યું.

“અમ્મ....! જમવા બેઠો ‘તો....!” સિદ્ધાર્થ સહેજ સંકોચપૂર્વક બોલ્યો.

“ઓહ....! મને એમ કે તું ઘેર આઈ ગ્યો હોઈશ....!” નેહા ના સમજાય તેવા ખિન્ન સ્વરમાં બોલી “બવ ભારે વરસાદ ચાલુ છે એટ્લે...!”

સિદ્ધાર્થ મૌન રહ્યો.

“ઘર્રરર.....!” ભારે વરસાદની સાથે સાથે હવે વાદળોના ગરજવાનો અવાજ પણ સંભાળી રહ્યો.

સુરેશસિંઘની કેબિન આગળ કોરિડોરમાં ઊભેલી નેહા કૉલેજ બિલ્ડીંગની બહાર પડતાં ધોધમાર વરસાદને જોઈ રહી.

બંને થોડીવાર સુધી મૌન થઈ ગયાં.

“ઓલી તારી જોડે છે...!?”  થોડીવાર પછી નેહાએ પૂછ્યું.

“અંદર બેઠી છે....!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો અને હોટલનાં દરવાજા આગળ આમતેમ આંટા મારવાં લાગ્યો.

“અંદર એટ્લે....!?” નેહાએ સહેજ ઊંચા સ્વરમાં પૂછ્યું.

“અરે અંદર....હોટલમાં....! એની સામે થોડી તારી જોડે વાત કરવાનો.....!”

“ઓહ...હા....! તો...અ..! શું પ્રોગ્રેસ થયો પછી...!?” શું વાત કરવી એ નાં સૂઝતાં એ નેહાએ જે મનમાં આવ્યું એ પૂછી લીધું.

“શેનો પ્રોગ્રેસ....!?” સિદ્ધાર્થે સહેજ નવાઈપૂર્વક પૂછ્યું.

“ અરે કેમ....!? તું આખો દિવસ એ નાલાયક જોડે ફર્યો....!” નેહા ઘૃણાભર્યા સ્વરમાં બોલી “તો એને તારાં માટે શું છે....! શું નઈ....!? કે પછી એવી કોઈ વાત જે તારે મને કે’વી જોઈએ...!?”

“તું એને આ રીતે કેમ બોલાવે છે....!?” સિદ્ધાર્થે સહેજ ચિડાયેલાં સ્વરમાં પૂછ્યું “નાલાયક....રખડેલ...! આવું બધુ બોલવું જરૂરી છે....!?”

“કેમ તને શું પ્રોબ્લેમ છે....!?” નેહાએ શંકાસ્પદ સ્વરમાં પૂછ્યું “એ એવીજ છે...તો એને એજ રીતે બોલાઉ ને....!?”

“એ જેવી હોય એવી....! પણ હું તો એવો નઈને.....!” સિદ્ધાર્થ કંટાળેલાં સ્વરમાં બોલ્યો.

“પણ હું તને ક્યાં એવું કશું કઉ છું...!” નેહા પોતાનો બચાવ કરવા દલીલ કરતાં બોલી.

“કે’જ છે ને....!” સિદ્ધાર્થ હવે ટોન્ટમાં બોલ્યો “ઓલી રખડેલ જોડે ફરી આયો ....વગેરે...વગેરે....! આ રીતે બોલવું જરૂરી છે....! તું એને નામથી બોલાવા ના માંગતી હોય તો કઈં નઈ.....! પણ બીજું કોઈ નામ આપીદે....!”

“જેમકે....!?” નેહાએ પણ સામે ટોંન્ટમાં પૂછ્યું.

“કઈં પણ....!”

“તો હું ‘કઈંપણ’ જ બોલું છું....!” નેહા બોલી પડી “રખડેલ.....નાલાયક.....! ચિપ....! હમ્મ....!”

સિદ્ધાર્થ કશું પણ બોલ્યાં વગર માથું ધૂણાવી રહ્યો.

“હવે શું પ્લાન છે..... !?” થોડીવાર પછી નેહાએ પૂછ્યું.

“એ જમીને મૂવી જોવા જવાનું કે’તી ‘તી....!”  સિદ્ધાર્થ બોલ્યો.

“ઓહ...! હાં તો જઈ આવ....!” નેહા ધડ દઈને બોલી.

“તને કઈં થતું નઈ....!?” સિદ્ધાર્થે આશ્ચર્ય અને ગુસ્સા સાથે પુછ્યું “હું એની જોડે આ રીતે મૂવી જોવા જવ...! ઓલું શું કે’તી’તી તું...! હાં...! રખડવા જવ....! તને કશુંજ નઈ થતું....!?”

“તને કશુંજ નઈ થતું....!? નઈ થતું....!?” સિદ્ધાર્થના એ શબ્દો નેહાના કાનમાં પડઘાઈ રહ્યાં.

પ્રશ્ન સિદ્ધાર્થે પૂછ્યો હોવાં છતાં નેહાનું મન જ જાણે તેણીને એ પૂછી રહ્યું હોય એવું તેને લાગી રહ્યું.

“લૂક સિદ્ધાર્થ.....!” નેહા શાંતિથી બોલી “એની સાથે બદલો લેવાનું જ્યારે નક્કી થયું....! ત્યારે તું અને હું....બેય જાણતાં જ ‘તા....! કે તારે એ જ્યાં કે.....ત્યાં એની જોડે ફરવા તો જવુંજ પડશે.....! તો પછી હવે આ ક્વેશન શા માટે પૂછે છે...!?”

સિદ્ધાર્થ મૌન રહ્યો. બદલો લેવાનું નક્કી થયું, ત્યારે તે બંને એ વાત જાણતાંજ હતાં. છતાંય સિદ્ધાર્થ એ જાણવા ઈચ્છતો હતો કે તેને અને લાવણ્યાને સાથે જોઈ નેહાને કશું પણ ફીલ થાય છે કે નઈ. નેહાના જવાબથી સિદ્ધાર્થ નિરાશ થયો.

----

“બવ વાર કરી આ છોકરાએ ....!” બ્લેક ફિલ્મ લાગેલાં હોટલના કાંચના દરવાજા સામે ઉચાટપૂર્વક જોઈ રહેલી લાવણ્યા બબડી “શું વાત કરતો હશે આ છોકરો એની જોડે....!?”

સિદ્ધાર્થના મોબાઈલ સ્ક્રીન ઉપર “નેહુ” લખેલું જોતાંજ લાવણ્યાનું મન ઉદાસ થઈ ગયું હતું. “નેહુ” જોડે વાત કરવાં જ્યારનો સિદ્ધાર્થ બહાર ગયો હતો ત્યારથી લાવણ્યાનો જીવ અદ્ધર થઈ ગયો હતો. તેણીનાં મનને સહેજ પણ ચેન ના પડતાં તેણીનાં હ્રદયના ધબકારા વધી ગયા હતાં.

“હજીય ના આયો આ છોકરો તો....!” થોડી વધુ વાર વીતી ગયા પછી પણ જ્યારે સિદ્ધાર્થ પાછો ના આયો તો લાવણ્યા ઉચાટભર્યા જીવે હોટલના દરવાજા તરફ જોઈ રહી.

લાવણ્યા જોઈ રહી હતી ત્યાંજ સિદ્ધાર્થ હોટલનો દરવાજો ખોલીને અંદર એન્ટર થયો.

“હાશ.....!” લાવણ્યાએ હાશકારો અનુભવ્યો હોય ખુશ થઈ ગઈ.

“બવ વાર કરી....!” સિદ્ધાર્થ હજીતો સામેની ચેયરમાં બેસીજ રહ્યો હતો ત્યાંજ લાવણ્યા ઉચાટભર્યા સ્વરમાં બોલી પડી.

“સોરી....!” લાવણ્યા સામે સરખું જોયાં વગરજ પરાણે સ્મિત કરી સિદ્ધાર્થ થાળીમાં બચેલું જમવાનું જમવાં લાગ્યો.

“શ...શું વાત કરી નેહા જોડે....!?” લાવણ્યા એવાજ સ્વરમાં પૂછી બેઠી પછી છોભીલી પડી હોય એમ બોલી “આઈ મીન....! એ ત...તને કશું બોલી....!?”

“ના....! નઈ બોલી....!” લાવણ્યા સામે જોઈ સિદ્ધાર્થે ટૂંકમાં જવાબ આપ્યો અને પાછો નીચું જોઈ જમવા લાગ્યો.

લાવણ્યા સિદ્ધાર્થને ઝડપથી જમતાં જોઈ રહી.

“તે કીધું નઈ....!?” લાવણ્યાએ ફરીવાર પૂછ્યું “શું વાત કરી નેહા જો....!?”

“આપડે મૂવીનું પછી રાખીએ.....તો ના ચાલે....!?” લાવણ્યાની વાત વચ્ચે કાપીને સિદ્ધાર્થ બોલ્યો.

લાવણ્યા સિદ્ધાર્થ સામે ઢીલું મોઢું કરીને કેટલીક ક્ષણો જોઈ રહી.

“તારું મૂડ ના હોય.....તો ચાલશે....! પછી જઈશું....!” સાવ દયામણા સ્વરમાં લાવણ્યા બોલી.

તેણીનાં સ્વરમાં રહેલાં નારાજગીના ભાવ સિદ્ધાર્થ પારખી ના શક્યો.

“ઓકે....!” સિદ્ધાર્થ પાછો બેધ્યાનપણે જમવા લાગ્યો.

 ઢીલું મોઢું કરીને લાવણ્યા સિદ્ધાર્થને જમતો જોઈ રહી. તે જાણતી હતી કે સિદ્ધાર્થે જાણી જોઈને તેની વાત કાપી હતી.  

“એને નઈ કે’વું હોય....!” બેધ્યાનપણે જમી રહેલાં સિદ્ધાર્થ સામે નારાજ ચેહરે જોઈ રહી લાવણ્યા મનમાં બબડી “એટલેજ એણે વાત બદલી નાંખી....! હુંહ....!”

હોટલમાં જમવાનું પતાવીને બંને ત્યાંથી નીકળી ગયાં.

“હવે ક્યાંથી વળાવું....!?” અમદાવાદ પહોંચવાં આવતાં સિદ્ધાર્થે પાછળ બેઠેલી લાવણ્યાને રસ્તો પૂછ્યો.

મૂવી જોવાનો પ્રોગ્રામ કેન્સલ થતાં પાછાં આવતી વખતે તેઓ કોબા સર્કલથી ચાંદખેડા થઈ આરટીઓવાળા રસ્તે પાછાં આવી રહ્યાં હતાં.  આવતી વખતે રસ્તામાં બે-ત્રણ હળવાં વરસાદી ઝાપટાંએ બંનેને ફરીવાર પલાળી દીધાં હતાં.

“અહિયાંથી અંદર વળાઈ લે...!” ઢીલા નિરાશ સ્વરમાં પાછળ બેઠેલી લાવણ્યા હાથ કરીને બોલી.

ગાંધી આશ્રમની સામે આવેલી સિલ્વર ક્લાઉડ હોટેલની સામે રિવરફ્રન્ટ જવા માટેના રસ્તા બાજુ વળવાં માટે લાવણ્યાએ રસ્તો બતાવતાં કહ્યું.

લાવણ્યાએ કહ્યાં પ્રમાણે સિદ્ધાર્થે બાઇક અંદર વળાવ્યું.

“આપડે એસજી હાઇવેથી કેમ ના ગયાં....!?”  બાઇક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે પોતાનું મોઢું સહેજ પાછું કરીને પૂછ્યું “આપડે એજ રસ્તે મોઢેરા ગ્યાં ‘તાને....!?”

બાઇકની પાછલી સીટમાં ચીપકીને સિદ્ધાર્થની પીઠ ઉપર માથું ઢાળીને બેઠેલી લાવણ્યાએ સિદ્ધાર્થની કમર ફરતે વીંટાળેલાં પોતાનાં હાથની પકડ સહેજ વધુ કસી.

“વરસાદને લીધે ત્યાં અત્યારે બવ ટ્રાફિક હોય એટ્લે....!” લાવણ્યા સહેજ ઢીલા સ્વરમાં બોલી.

“હમ્મ....!” સિદ્ધાર્થે હુંકારો ભર્યો અને સામે જોઈને બાઈક ચલાવવાં માંડ્યુ.  

બાઈક હવે રિવરફ્રન્ટના રસ્તા પર ચાલી રહ્યું હતું.

“અહિયાંથી અંદર વળાઈલે....!” રિવરફ્રન્ટના અપર વૉક વે તરફ વળવાં માટે લાવણ્યાએ ડાબી સાઈડ હાથ બતાવીને કહ્યું.

“તારાં ઘેર જવાં માટે તો આશ્રમ રોડ બાટાં શૉ રૂમવાળા રસ્તે જવાં વળવું ના પડે....!?” સિદ્ધાર્થે પૂછ્યું અને બાઈકની સ્પીડ સહેજ ધીમી કરી.

“પણ મારે ઘેર નઈ જવું....! મેં કીધું ‘તું તો ખરા તને....!” બાઈકની સીટમાં સહેજ સીધી થઈ લાવણ્યા નાના બાળકની જેમ નારાજ થઈને બોલી.

“અરે પણ સાંજ પડવા આઈ....!” સિદ્ધાર્થ દલીલ કરતાં બોલ્યો “ચાર વાગી ગ્યાં....! હવે તો....!”

“પણ આપડે મૂવી જોવાં ના ગ્યાં .....તો...તો....એટલો ટાઈમ તો મને મલે ને કઈં....!?” સિદ્ધાર્થની વાત કાપીને લાવણ્યા નાનાં બાળકની જેમ દલીલ કરવા લાગી.

“હાં...હાં..હાં....!” સિદ્ધાર્થ હસી પડ્યો “હું ના પાડું તોય તું નઈજ માને ને....!?”

“ના....નઈ માનું....!” લાવણ્યા છણકો કરીને બોલી “તું છોકરો છે....તોય તારે ઘેર જવાની શું ઉતાવળ છે....!? મારી જોડે રે’ને.....!”

“મારી જોડે રે’ને.....! મારી જોડે રે’ને.....!” અત્યંત ભારપૂર્વક અને ભાવપૂર્વક લાવણ્યાએ બોલેલાં એ શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં.

હળવું હસીને તેણે છેવટે ધીમું કરેલું બાઇક રિવરફ્રન્ટ તરફ વળાવવાં માંડ્યુ. વૉક વે ની પહેલા રિવરફ્રન્ટના ખુલ્લા માટીના મેદાનમાં વરસાદને લીધે ભરાયેલાં પાણીની વચ્ચેથી રસ્તો કરતો સિદ્ધાર્થ સાચવીને બાઇક ચલાવી રહ્યો હતો. અનેક જગ્યાએ કીચડને લીધે કોઈ-કોઈવાર બાઈક થોડું સ્લીપ થતું. જોકે સિદ્ધાર્થ પોતાનાં હાથ વડે બાઈકનું સ્ટિયરિંગ મજબૂત રીતે પકડી રાખી બાઈક કંટ્રોલ કરી રાખતો.

સિટમાં સહેજ દૂર ખસી ગયેલી લાવણ્યા પાછી સિદ્ધાર્થને ચિપકી ગઈ અને હળવેથી પોતાનાં હાથ સિદ્ધાર્થની કમર ફરતે વીંટાળવા માંડી.

“બોલ....! ક્યાં ઊભી રાખું...!?” લાવણ્યાના હાથ તરફ જોઈ સિદ્ધાર્થે પાછું જોઈ સ્મિત કર્યું અને પૂછ્યું.

“બસ ત્યાં....! થોડું આગળ....!” લાવણ્યાએ હાથ કરીને કીધું.

વૉક વેની આગળની પાળી આગળ કોરી જગ્યામાં સિદ્ધાર્થે બાઈક સાચવીને ઊભું રાખ્યું.

બાઈક પાર્ક કરી બંને વૉક વે ની નાની પાળી કૂદીને વૉક વે પર આવ્યાં. વૉક વે ની સહેજ ઊંચી પેરાપેટ પાસે આવીને તેઓ ઊભા રહ્યાં.

સાબરમતી નદીના જોડે નીચે બનેલાં રિવર ફ્રન્ટના લૉઅર વૉક વે (નીચેનાં વૉક વે)નો નજારો ઉપરથી ઊભા-ઊભા બંને જોઈ રહ્યાં.

વરસાદી પાણીની બનેલી પાતળી ચાદર ઓઢી હોય એમ નીચેનાં વૉક વે ઉપર થોડી-થોડી જગાએ પાણી દેખાતું હતું. સાંજ ઢળવા આવી હોવાથી અને કાળાં ઘેરાયેલાં વરસાદી વાદળોને લીધે આછાં સૂર્ય પ્રકાશને લીધે અત્યારથી રિવરફ્રન્ટની બધી લાઇટ્સ ચાલુ કરી દેવાઈ હતી. આથી આખાય રિવરફ્રન્ટનો નજારો અત્યંત રોમેન્ટીક બની ગયો હતો. ઉપર અને નીચે બંને વૉક વે ઉપર કપલ્સ અને અન્ય લોકોની સારી એવી ભીડ જામેલી હતી. એમાંય સિદ્ધાર્થ લાવણ્યાની જેમ પલળેલાં હોય એવાં અનેક કપલ્સ હતાં.  

“નીચે જઈએ ચલ....!” નીચે બનેલાં વૉક વે તરફ જોઈ લાવણ્યા બોલી અને નીચે જવા માટેની સીડીઓ તરફ જવાં લાગી.

સિદ્ધાર્થ પણ સ્મિત કરીને તેણીની પાછળ-પાછળ ચાલવા લાગ્યો.

“હવે ફરીવાર તું પાણીમાં છપાક...છપાક ના કરતી....! મોઢેરાં કર્યું ‘તું એમ....!”  સીડીઓ ઉતરીને બંને હજીતો નીચે જ આવ્યાં હતાં ત્યાંજ અમુક અમુક જગ્યાએ ભરાયેલાં પાણીને જોઈને સિદ્ધાર્થે લાવણ્યાની ખેંચી.

લાવણ્યા પરાણે તેણી સામું જોઈને હળવું હસી પછી ચાલવા લાગી.

“અરે....પાછું શું થયું આને....!?” લાવણ્યાના ચેહરા ઉપર ફરીવાર એજ ઉદાસી જોઈને સિદ્ધાર્થ મનમાં બબડ્યો “પૂછી તો જોઉ....!”

“હું એક વાત પૂછું...!?”  સિદ્ધાર્થ હજીતો લાવણ્યાને પૂછવાજ જતો હતો, ત્યાંજ લાવણ્યાએ પૂછી લીધું.

બોલ્યા વગર સિદ્ધાર્થે હકારમાં માથું ધૂણાવી હાં પાડી.

“તારી અને નેહાની ફર્સ્ટ મુલાકાત કેમની થઈ ‘તી....!?” લાવણ્યાએ પૂછ્યું “તમે ફર્સ્ટ ટાઈમ કેમની વાત કરી ‘તી....!? શું વાત કરી’તી....!? તે પે’લ્લા વાત કરી’તી...કે નેહાએ….!? મેરેજ માટે નેહા તરફથી વાત થઈ’તી...! કે...કે....તારાં કે તારાં ફેમિલી તરફથી.....!? બરોડામાં તમે ક્યાં-ક્યાં ફરવા જતાં’તા....!? શું ખાતાં-પીતા ‘તા....!? તને નેહા કેવા કપડાંમાં ગમે....! નેહાનો કયો બોડી પાર્ટ....!”

“અરે પણ શાંત શાંત....! તું શ્વાસ તો લે....!” એકધારા પ્રશ્નો પૂછવા બોલેજ જતી લાવણ્યાને વચ્ચે ટોકી સિદ્ધાર્થ બોલ્યો “એક સાથે આટલાં બધા પ્રશ્નો પૂછ્યા....મને તો એકેય યાદ ના ‘ર્યો....!”

 લાવણ્યા સિદ્ધાર્થના ચેહરા સામે જોઈ રહી. બાળક જેવો હેલ્પલેસ ચેહરો બનાવી સિદ્ધાર્થ તેણી સામે જોઈ રહ્યો હતો.

“પે’લ્લેથી બધુ કે’ ને....!” લાવણ્યાએ પણ સામે બાળક જેવુ દયામણું મોઢું કરીને પૂછ્યું.

સિદ્ધાર્થ હળવું હસ્યો પછી એક ઊંડો શ્વાસ ભરી કહેવાં લાગ્યો.

“અમે બેય એક મેરેજ ફંકશનમાં મલ્યાં’તાં....! હું પાર્કિંગમાં કાર પાર્ક કરીને ફંકશનમાં જતો ‘તો....ત્યારે રસ્તામાં પેવમેંન્ટના લેમ્પ નીચે એ ઊભી’તી....!”

સિદ્ધાર્થ બોલતા-બોલતા જાણે એ દ્રશ્ય ફરીવાર જોઈ રહ્યો હોય એમ ખોવાઈ ગયો.

“એકદમ મસ્ત ચણિયા ચોલી.....!”

લાવણ્યા સિદ્ધાર્થના એ ચેહરા સામે જોઈ રહી. તે જાણે પાછો એ ભૂતકાળમાં પહોંચી ગયો હતો.

“અંધારામા એનો ચણિયો ફસાઈ ગ્યો ‘તો….!” બોલતાં-બોલતાં સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું.

“ચણિયો કાઢવાં એ મથી રહી હતી...! લેમ્પના અજવાળાનું ફોકસ એના ઉપર પડતું ‘તું.....!”

થોડું અટકીને એ દ્રશ્ય યાદ ફરી યાદ કરીને સિદ્ધાર્થ બોલ્યો

“મને એવું લાગ્યું.....! કે જાણે મેં કોઈ પ્રદેશની ક્વિન જોઈ હોય....!”  

“ક્વિન જોઈ હોય....! ક્વિન જોઈ હોય....!”  

લાવણ્યાના મનમાં એ શબ્દોના પડઘા પડી રહ્યાં.

            નેહા સાથે પોતાની પહેલી મુલાકાત અંગે સિદ્ધાર્થે બધી વાત કહી સંભળાવી. જોકે સિદ્ધાર્થે જરૂરિયાત પૂરતું જ કહ્યું. મોટેભાગે એ સુંદર ક્ષણો વિષે જે આરવ સાથેની સગાઇ પહેલાં સિદ્ધાર્થે નેહા સાથે વિતાવી હતી. જેમાં સિદ્ધાર્થ તરફથી પ્રેમ અને નેહા તરફની મિત્રતા હતી. લાવણ્યા મોટેભાગે ખુશ થઈને બોલી રહેલાં સિદ્ધાર્થ સામે જોતી જ રહેતી. નેહા માટે સિદ્ધાર્થના ચેહરા ઉપરનાં એ મુગ્ધ ભાવો જોઈને લાવણ્યાનું મન ઉદાસ થઇ ગયું. સિદ્ધાર્થ સાથે ફ્રેન્ડશીપ કરવાં માટે કે તેનું અટેંશન ગેઇન કરવાં માટે લાવણ્યાએ અથાક પ્રયત્નો કર્યા હતાં. નેહાએ ના પાડતાંજ સિદ્ધાર્થની સાથે અચાનક જ તેણીની ફ્રેન્ડશીપ થઇ જતાં લાવણ્યા સાતમા આસમાને ઉડવા લાગી હતી. જોકે સિદ્ધાર્થના મનમાં નેહા માટે કેટલીક ગાઢ ફીલિંગ્સ છે એ જોઈને લાવણ્યા સમજી ગઈ કે સિદ્ધાર્થ માટે પોતે પહેલાં મહત્વહીન હતી અને આજે પણ કદાચ એક મિત્ર વિશેષ કઈંજ નઈ.

****

સાંજ ઢળી જતાં સિદ્ધાર્થ તેણીને ઘરે મુકવા આવ્યો.

"આખો દિવસ પૂરો કરાઈ દીધો તે તો ...!" બાઈકની પાછલી સીટ પરથી ઉતરી રહેલી લાવણ્યાને ઉદ્દેશી સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો.

“કેમ....!? તને ના ગમ્યું મારી જોડે....!?” સીટ પરથી ઉતરી લાવણ્યા પેવમેન્ટ ઉપર ઊભા રહેતાં લાવણ્યા ફરિયાદ કરતી હોય એમ બોલી અને નારાજ થઈને મોઢું ફેરવીને સોસાયટીના ગેટ તરફ જોવાં લાગી.

તેણીની નજર અમસ્તા જ ગેટની જોડે કોર્નર ઉપર આવેલાં નેહાના ઘર ઉપર પડી. સોસાયટીના બધાંજ ઘર ડૂપ્લેક્ષ સ્ટાઈલમાં બનેલાં હોવાથી બધાંજ ઘરના ઓટલાની વચ્ચે નાની કોમન પાળી બનેલી હતી. તેમજ લાવણ્યાના ઘરે ઊભા રહીને પણ છેક નેહાના ઘરે ઓટલાં સુધી જોઈ શકાતું હતું.

લાવણ્યાની નજર ઓટલાં ઉપર ઊભેલી નેહા ઉપર પડતાંજ લાવણ્યા ગભરાઈ ગઈ.

“ચલ....! હું તને ચ્હા પીવડાવું...!” બાઇક ઉપર બેઠેલાં સિદ્ધાર્થનું કાંડું પકડીને લાવણ્યા તેણીને ખેંચવા લાગી.

“અરે....! પણ.....!” પડી ના જવાય એટ્લે સિદ્ધાર્થે બેલેન્સ કર્યું “આ તો કઈં ટાઈમ છે યાર....! ચ્હા પીવાનો....!”

“ના...ના....!” લાવણ્યા નાના બાળકની જેમ જીદ્દે ચઢી અને સિદ્ધાર્થ હાથ વધુ જોરથી ખેંચવા લાગી “તું ચલને અંદર આવું શું કરે છે.....!”

બોલતાં-બોલતાં લાવણ્યા કોઈ-કોઈવાર ઓટલાં ઉપર ઊભેલી નેહા સામે જોઈ લેતી.

“અરે પણ હું સાંજે છ વાગ્યા પછી ચ્હા નઈ પીતો....! મને ઊંઘ નઈ આવતી પછી....!” સિદ્ધાર્થ બાઇક ઉપરથી પરાણે ઉતર્યો.

“હાં તો તું ના ઊંઘતો....! પણ અત્યારે તું અંદર ચલ....!” સિદ્ધાર્થનો હાથ ખેંચી લાવણ્યા પોતાનાં ઘરનાં ઓટલાંના પગથિયે ચઢી.

“અરે તું સાવ આવી બાળકો જેવી જિદ્દ કેમ કરે છે યાર....!”  લાવણ્યાની પછીના ઘરના ઓટલે ઉભેલા કોઈ પાડોશી કાકાને જોઈ સિદ્ધાર્થને એમ્બેરેસ ફીલ થયું અને નર્વસ થવાથી તેનાં માથે હળવો પરસેવો વળવા લાગ્યો.

“અરે....!? શું થયું...!?” ત્યાંજ લાવણ્યાના મમ્મી સુભદ્રાબેન ઓટલાં ઉપર ચાલતાં-ચાલતાં આવવાં લાગ્યાં “લાવણ્યા...! અરે...!? સિદ્ધાર્થ....?”

સિદ્ધાર્થને જોતાંજ સુભદ્રાબેન સ્મિત કરીને બોલ્યાં.

“બેટાં આયને અંદર .....!”

“હું ક્યારની કઉ છું તો આવતો જ નઈ...જોને કેવી જીદ કરે છે....!” ફરિયાદ કરતી હોય એમ લાવણ્યા રડમસ સ્વરમાં બોલી.

“ઓહો..હો.....! જોતો જૂઠ્ઠી....! હું જીદ કરું છું કે તું કરે છે....!?” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો.

“મમ્મી કે’ને આને.....! માનતો નઈ....! મેં કીધું કે હું ચ્હા પીવડાવું છું...તોય નઈ માનતો....!”

“બેટાં...! હવે નામ પડ્યું છે.....તો પી ને જા...!” સુભદ્રાબેને સ્મિત કરીને આગ્રહ કર્યો.

“હવે તો પીવીજ પડશે ને....” સિદ્ધાર્થ બોલ્યો અને લાવણ્યા સામે મીઠો ગુસ્સો કરીને જોયું.

સુભદ્રાબેન સ્મિત કરીને પાછાં વળ્યાં અને અંદર જવા લાગ્યાં.

“ચલ અવે અંદર.....!” હાથ લંબાવી લાવણ્યા સિદ્ધાર્થનો હાથ પકડી ખેંચવાં ગઈ.

“અરે ....! પ....પણ.....!” સિદ્ધાર્થે તરતજ પોતાનો હાથ પાછળ ખેંચી લીધો “આન્ટી છે...જો તો ખરાં....!”

"સારું..સારું...બસ....આ તો ભાગી ના જાય એટલે...!" લાવણ્યા બોલી અને સિદ્ધાર્થની જોડે ચાલવા લાગી.

સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું અને લાવણ્યાના ચેહરા સામે જોયું. તેનું સાવ આવું જિદ્દીલું બાળકો જેવું વર્તન તેને સમજાઈ નહોતું રહ્યું. તેણીનાં ચેહરા ઉપર એજ ઊંડી ઉદાસીના ભાવ હજીપણ સિદ્ધાર્થ વાંચી શકતો હતો. જોકે તેનું કારણ તેને નહોતું સમજાતું.

જીદે ચઢેલી લાવણ્યા ચ્હા પીવાનાં બહાને સિદ્ધાર્થને કોઈને કોઈએ વાતે વળગાડી રાખી કલ્લાકેક વધુ સમય રોકી રાખ્યો. છેવટે સુભદ્રાબહેને માંડ સિદ્ધાર્થને લાવણ્યાથી "છોડાવ્યો" અને ઘરે જવાં દીધો.

"હાશ....! આ છોકરી તો જબરી ચીપકે છે....!" એન્ફિલ્ડ ઉપર બેસી લાવણ્યાની સોસાયટીની બહાર નીકળી રહેલો સિદ્ધાર્થ બબડ્યો.

તેણે સાઈડ મિરરમાં જોયું તો લાવણ્યા હજીપણ તેનાં ઘરના ઓટલાંનાં પગથિયેજ ઉભી હતી.

સિદ્ધાર્થે માથું ધુણાવ્યું. સોસાયટીના ગેટની બહાર નીકળતી વખતે તેની નજર કોર્નર ઉપર નેહાના ઘર ઉપર પડી. અત્યારે ત્યાં ઓટલા ઉપર કોઈ નહોતું. જયારે લાવણ્યા તેને ખેંચીને જબરદસ્તી ચ્હા પીવા માટે લઈ જતી હતી ત્યારે સિદ્ધાર્થે નેહાને તેના ઘરના ઓટલા ઉપર ઉભેલી જોઈ હતી.

"કદાચ.....! એ એટલે જ મને જબરદસ્તી ચ્હા પીવા માટે લઇ જતી હતી ....!" લાવણ્યાનું એવું વર્તન સમજવાનો પ્રયત્ન કરતા સિદ્ધાર્થ મનમાં બબડ્યો અને ગેટ આગળના સ્પીડ બ્રેકર ઉપરથી બાઈક નીકળી જતા સહેજ એક્સિલેટર ફેરવી બાઈકની સ્પીડ વધારી અને સેટેલાઇટ જવાં મુખ્ય રોડ ઉપર લઇ ડાબી બાજુ વળાઈ લીધી.

******

"આઈ ગ્યો બેટાં ....!?" ઘરે આવી પહોંચેલાં સિદ્ધાર્થને જોતાંજ મામી સરગુનબેને સસ્મિત આવકાર્યો "તું ફ્રેશ થઇ જા....પછી તારું જમવાનું પીરસી દવ ...!"

"મામી ...! મને ઓછી ભૂખ છે...! હમણાં જ ચ્હા પીધી ...!" સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો  "મામા ક્યાં છે....!?"

"એ હજી આયાં નથી....!"

"તો એ આવે...એટલે એમની જોડેજ જમીશ ....!" એટલું બોલીને સિદ્ધાર્થ પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો.

"ફ્રેશ થવું જ પડશે....!" પોતાનાં શર્ટનાં બટન ખોલતાં-ખોલતાં સિદ્ધાર્થ બાલ્કનીમાં સુકવેલો ટૉવેલ લેવાં આવ્યો.

"અરે યાર આતો ભીનો થઇ ગ્યો છે...!" સવારે તેણે નાહીને બાલ્કનીની પેરાપેટે સુકવેલો ટૉવેલ આખો દિવસ પડેલાં વરસાદમાં પલળીને ભીનો થઇ ગયો હતો.

"ટ્રીન ...ટ્રીન.....!" ત્યાં તેનો મોબાઈલ રણક્યો.

સિદ્ધાર્થે જીન્સનાં પૉકેટ્માંથી મોબાઈલ કાઢી નંબર જોયો.

"ઓહો આ છોકરી ....!" લાવણ્યાનો નંબર જોઈ સિદ્ધાર્થે તરતજ કૉલ રિસીવ કર્યો.

"હાય...શું કરે છે....!? ઘેર પો 'ચી ગયો ...!?" લાવણ્યા ઉતાવળાં સ્વરમાં બોલી.

"હમ્મ આઈ ગ્યો ....! બોલ કેમ કૉલ કર્યો ....!?" સિદ્ધાર્થ સ્મિત કરતાં પૂછ્યું અને બાલ્કનીમાંથી પાછો બેડરૂમમાં આવ્યો "હજી કઈં ખવડાવા પીવડાવાનું બાકી રઈ ગ્યું 'તું .....!? હી...હી...!"

"ના....ખાલી વાત કરવી 'તી ....!" લાવણ્યા સહેજ ઢીલાં સ્વરમાં બોલી.

"બોલને શું વાત હતી ....!?" બેડ ઉપર પડતું મૂકતાં સિદ્ધાર્થે પૂછ્યું.

"તને આજે મારી જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનું ગમ્યું કે નઈ ...!? આઈ મીન ....!"

"ગમ્યુંને.....!" સિદ્ધાર્થ વચ્ચેજ બોલી પડ્યો "એકદમ ફ્રેશ ફીલ થાય છે...અમદવાદ આયા પછી હું બવ દિવસે આટલું  બધું ફર્યો...એમાંય કોઈ હિસ્ટોરિકલ પ્લેસ ઉપર તો પે 'લી વાર ગયો....!"

"તો...તો આપડે કાલે અડાલજ જઈએ....! એ પણ મસ્ત હિસ્ટોરિકલ પ્લેસ છે....!" લાવણ્યા નાના બાળકની જેમ ખુશ થઈને બોલી.

"અમ ....! હું વિચારીને કવ તો....!?" સિદ્ધાર્થ બોલ્યો અને છત ઉપર લાગેલાં પંખા તરફ જોઈ રહ્યો.

વરસાદને લીધે વાતવરણ ઠંડુ હોવાથી પંખો બંધ હતો. સફેદ કલરનાં પંખાનાં પાંખિયાંનાં આગળના ભાગે જામેલી ધૂળ ઉપર સિદ્ધાર્થ અમસ્તુંજ જોઈ રહ્યો અને લાવણ્યા સાથે વાત કરી રહ્યો.

"કેટલાં વાગે કઇશ....!?" લાવણ્યાએ ઉતાવળાં સ્વરમાં પૂછ્યું.

"નક્કી નઈ ....!"  લાવણ્યાને છેડવા સિદ્ધાર્થ જાણી જોઈને બોલ્યો.

"આવું ના ચાલે કઈં ....! જા યાર .....!"

"હી...હી....આજે તને શું થયું છે....!? તું સાવ આવું બાળકો જેવું કેમ બિહેવ કરે છે....!?" લાવણ્યાએ ફોન ઉપર પણ એવુજ બિહેવ કરવાં માંડતા સિદ્ધાર્થે સ્મિત કરીને પૂછ્યું .

લાવણ્યા મૌન રહી અને વિચારી રહી.

"સારું તો....મુકું ચલ.....!" સિદ્ધાર્થ પાછો તેણીને ચિડાવા બોલ્યો.

"ના...ના....વ....વાત કરને પ્લીઝ....!" લાવણ્યાએ કોઈને કોઈ રીતે ફૉન ઉપર પણ સિદ્ધાર્થે જોડે કલ્લાક જેટલું ખેંચ્યું.

            કશું જ વાત ના મળતાં તેણીએ છેવટે આખા દિવસની વાતો વગોળ્યા કરી. લાવણ્યા પોતે જાણી ગઈ હતી કે સિદ્ધાર્થ પાસે કોઈપણ વાત કેવીરીતે મનાવડાવવી. આથી જીદ્દ કરવામાં તે થોડીક પણ પાછી નહોતી પડતી. છેવટે કલ્લાકેક વાત કર્યા પછી જ્યારે સિદ્ધાર્થે અડાલજની વાવ જોવા જવાની હા પાડી ત્યારે લાવણ્યાએ ફોન મુક્યો.

"આ છોકરી બવ જીદ્દલી છે....!" લાવણ્યા સાથે વાત કરી ફૉન મૂકી પોતાનું માથું દબાવતાં –દબાવતાં સિદ્ધાર્થ બબડ્યો.

“ટ્રીન…ટ્રીન…..!” ફરીવાર સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો.

“હવે શું રઈ ગ્યું પાછું ….!” લાવણ્યાનો ફૉન હશે એમ માની સિદ્ધાર્થે સ્ક્રીન ઉપર જોયું.

જોકે કૉલ નેહાનો હતો.

“બોલ…!” કૉલ રિસીવ કરી સિદ્ધાર્થ બોલ્યો.

“આઈ ગ્યો ઘેર ….!?” સામેથી નેહાએ વેધક સ્વરમાં પૂછ્યું.

“હમ્મ ….!” સિદ્ધાર્થે હુંકારો ભર્યો.

“કોઈ નવાજૂની ….!?” નેહાએ પૂછ્યું.

“કઈં નઈ …..!” સિદ્ધાર્થ સહેજ કંટાળેલાં સ્વરમાં બોલ્યો.

“હોય જ નઈ …..!” નેહા ભારપૂર્વક બોલી “એ છોકરીને હું ઓળખું છું ….! એ સખણી રે  એવી છે જ નઈ ….!”

“તો પછી પૂછે છે શું કામ…..!?” સિદ્ધાર્થ સહેજ ચિડાયો.

“તું મને કઇશ નઈ ….તો મને કેમની ખબર પડશે….! કે તમારી બેય વચ્ચે શું ચાલે છે….!?”

સિદ્ધાર્થે એક ઊંડો નિઃશ્વાસ ભર્યો અને બોલ્યો –“એ અડાલજ જવાનું કે ‘ છે….!?"

"કેમ.....!?" નેહાએ સહેજ આશ્ચર્યથી પૂછ્યું.

"વાવમાં પડવા ...!" સિદ્ધાર્થે ચિડાઈને ઊંધો જવાબ આપ્યો "શું યાર તું પણ....!?"   

            "એકજ દિવસમાં જબરો બદલી નાંખ્યો ઓલીએ તને તો....!" નેહાએ ટોણો માર્યો "આખું બિહેવિયર ચેન્જ થઇ ગ્યું તારું તો ....!"

            "આખું બિહેવિયર ચેન્જ થઇ ગ્યું તારું તો ....!" નેહાના એ શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં અને સિદ્ધાર્થ વિચારે ચઢી ગયો.

****

"ક્યાં છે તું...!? મારે વાત કરવી છે અર્જન્ટ ....!" સિદ્ધાર્થ સાથે વાતચીત કર્યા પછી લાવણ્યાએ વિશાલને ફૉન કર્યો.

"બે યાર ....! હું જસ્ટ નીકળ્યો ખેતલાપાથી ....!" વિશાલ બોલ્યો.

"લે સરસ......! તો પાછો વળ અને ખેતલાપા બેસ....! હું આવું છું ....!" પોતાની આદત મુજબ ઓર્ડર કરતી હોય એમ લાવણ્યા બોલી.

સુભદ્રાબેનને કહીને લાવણ્યા એક્ટિવા લઈ ખેતલાપા જવા નીકળી ગઈ.

નેહાને જોતા જ પોતે શા માટે સિદ્ધાર્થને તેણીની નજરથી દૂર રાખવાં  ચ્હા પીવાનાં બહાને પોતનાં ઘરમાં "ઢસડી" ગઈ એ વાતનું આશ્ચર્ય એક્ટિવ ચલાવી રહેલી લાવણ્યાને અત્યારે પોતાને પણ થઇ રહ્યું હતું.

“આજે તને શું થયું છે....!? તું સાવ આવું બાળકો જેવું કેમ બિહેવ કરે છે....!?" લાવણ્યાને સિદ્ધાર્થની વાત યાદ આવી ગઈ.

"સિદ સાચું કે'છે...! મેં સાવ બાળકો જેવું બિહેવ કર્યું ...!" લાવણ્યા મનમાં બબડી.

            રાત પડી ગઈ હોવાથી એક્ટિવાની હેડ લાઈટના પ્રકાશમાં લાવણ્યાને ડામરના રૉડ ઉપર પડેલાં વરસાદી પાણીનાં ખાબોચિયાં થોડાં-થોડાં અંતરે દેખાતાં હતાં. ખાબોચિયામાં ભરાયેલાં પાણીને જોતાં-જોતાં લાવણ્યાને ગોઝારો દિવસ યાદ આવી ગયો જયારે તે યશના ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં બોપલ ગઈ હતી. એ વખતે પણ વરસાદની સીઝન હતી અને પાછા ભાગતી વખતે લાવણ્યા એ કાચાં કીચડવાળાં રસ્તામાં ભરાયેલાં પાણીનાં અનેક ખાબોચિયામાં ભાગતી-પડતી દોડતી હતી. એવો જ વરસાદી માહોલ, એવીજ ઠંડી. એ દિવસ અને એ ઘટના યાદ આવી જતાં લાવણ્યા એક્ટિવા ચલાવતાં-ચલાવતાં ધ્રુજી ઉઠી. વિચારોમાંને વિચારોમાં તે ક્યારે ખેતલાપા પહોંચી ગઈ તેણીને ખબરજ ના રહી.

"બીપ..બીપ....!"

ખેતલાપા ટી -સ્ટૉલની સામે સર્વિસ રોડની એક સાઇડે બાઈક ડબલ સ્ટેન્ડ કરી સીટ ઉપર બેઠલાં વિશાલને જોતાં જ લાવણ્યાએ પોતાનાં એક્ટિવાનો હોર્ન માર્યો.

વિશાલના બાઈકની સમાંતર લઇ જઈને લાવણ્યાએ પોતાનું એક્ટિવા ઉભું રાખ્યું.

----

“A Queen belongs to a king only….!”

લાવણ્યાએ આખાં દિવસની બધી વાત કહી સંભળાવતાં ચ્હાની પ્યાલીમાંથી ચૂસકી લેતાં-લેતાં વિશાલ બબડ્યો.

"હમ્મ ....વાત તો સાચી છે...! એક ક્વીન ક્યારેય બધાં માટે અવેલેબલ ના હોય....!" વિશાલ ટોન્ટ મારતો હોય એમ લાવણ્યા સામે ગંદુ સ્મિત કરીને બોલ્યો "અને જે અવેલેબલ હોય....! એ ક્વીન ના હોય....!"

લાવણ્યા રડુંરડું થઇ ગઈ અને ભીની આંખે ઘુરકીને વિશાલ સામે જોઈ રહી. પોતાનાં રડવું રોકી રાખવાના પ્રયત્નમાં તેણીનાં હોંઠ ધ્રુજી રહ્યાં.

"એક ક્વીન ક્યારેય બધાં માટે અવેલેબલ ના હોય....! ના હોય....!"

"અને જે અવેલેબલ હોય....! એ ક્વીન ના હોય....!"

વિશાલનાં એ શબ્દો સાંભળી લાવણ્યાને સામે કશું પણ કહી શકાય એવાં શબ્દો ના મળતાં છેવટે તેણીએ હાઇવે તરફ મોઢું ફેરવી લીધું.

હાઇવે ઉપર પસાર થઇ રહેલાં વાહનો પાણીની વાંછટો ઉડાડતાં જઈ રહ્યાં હતાં. વરસાદી પાણીનાં છાંટાં જાણે પોતાનાં ભૂતકાળના છાંટાં હોય અને અત્યારે લાવણ્યાના વર્તમાનમાં ઉડી તેનાં વર્તમાનને બગાડી રહ્યાં હોય એવું તેણીને લાગ્યું.

"એને નેહા બ...બવ ગમે છે....!" હાઇવે ઉપર પસાર થઇ રહેલા વાહનો સામે જોઈ રહી લાવણ્યા બોલી "એને...એ...એ..બવ ગમે છે...!"

"કેમકે એ ક્વીન જેવી છે....! એટલે...! નઈ ...!?" વિશાલે ફરીવાર ટોન્ટ માર્યો.

વિશાલના ટૉન્ટનો ઈશારો સમજતી લાવણ્યાએ ફરીવાર ભીની આંખે ઘુરકીને તેની સામે જોયું. તે હાંફી રહી હોય એમ ઝડપથી શ્વાસ લઈ રહી.

"હું શું કરું...!? એને જીતવા માટે...!? એનું દિલ જીતવા માટે....!?" લાવણ્યા આજીજીપૂર્વક બોલી.

"એ તને કદાચ ખાલી ફ્રેન્ડ જ ગણે છે....!" વિશાલ લાવણ્યાને રીયલાઈઝ કરાવતો હોય એમ બોલ્યો "એનાથી વધારે કઈં નઈ ....! બાકી એને તો નેહા જ ગમે છે...! એ વાત ફાઇનલ છે....!"

કમને લાવણ્યા મનમાં જ વિશાલની વાત સાથે સહમત થઈ.

"તારે એનાથી વધારે કઈં એક્સ્પેકટ ના કરવું જોઈએ...!"  

હાઇવે ઉપર વરસાદી પાણીનાં છાંટાં વાંછટો ઉડાડતાં જઈ રહેલાં વાહનો સામે લાવણ્યાએ ફરીવાર જોયું. વરસાદી પાણીનાં છાંટાં જાણે પોતાનાં ભૂતકાળના છાંટાં હોય અને અત્યારે લાવણ્યાના વર્તમાનમાં ઉડી તેનાં વર્તમાનને બગાડી રહ્યાં હોય એવું તેણીને લાગ્યું.

"મેં ભૂતકાળમાં જે કઈં ભૂલ કરી હોય.....!" વિશાલ સામે જોઈ લાવણ્યા બાળકની જેમ રડમસ સ્વરમાં બોલી "એને અત્યારે પ્રેઝન્ટમાં શું લેવાં-દેવાં ....!?"

"એ નક્કી કરવાવાળો હું કોણ ....!?" વિશાલ શાંતિથી બોલ્યો  "તારો જે કઈં પાસ્ટ છે...! એનાથી જો કોઈને તકલીફ થવાની હોય....તો એ સિદ્ધાર્થ છે....એણે નક્કી કરવાનું છે...!"

"તું કે 'વા શું માંગે છે....!?" લાવણ્યાએ એવાજ સ્વરમાં પૂછ્યું.

"લૂક લાવણ્યા ....! હું બવ ફ્રેન્કલી ક્વ છું ...!" હળવેથી કૂદકો ભરી બાઈકની સીટ પરથી ઉતરી વિશાલ બોલ્યો "કોઈ છોકરો પોતે ભલે દસ છોકરીઓ જોડે સૂઈ આયો હોય....પણ એને પોતાની વાઈફ તો વર્જિન જ જોઈએ....!"

લાવણ્યા આંખ હવે વધારે ભીની થઇ ગઈ. વિશાલે ભલે ડાયરેકટલી ના કીધું હોય, પણ લાવણ્યાને એ પોતાનાં માટે હળહળતું અપમાનજનક લાગ્યું.

"તો જે છોકરીઓ સાથે તમે સૂતા હોવ....! એ છોકરીઓ પત્ની બનવા લાયક ના ગણાય…..! નઈ ...!?" લાવણ્યાએ ગળગળા સ્વરમાં ટોન્ટ માર્યો.

તેણીની આંખમાંથી આંસુ સરકીને નીચે પડવા લાગ્યાં. વિશાલે સૂચક મૌન જાળવ્યું.

"તું સીધે સીધું એમ કે 'ને....!" લાવણ્યા આગળ બોલી "હું સિદ્ધાર્થના લાયક નથી ...!"

"I'm sorry લવ .....! પણ આજ અમારાં છોકરાઓની મેન્ટાલીટી છે....!" વિશાલ સહાનુભૂતિભર્યા સ્વરમાં બોલ્યો.

"મને લવ ના કઇશ....! ફરીવાર કદી કે'તો નઈ....!" લાવણ્યા કઠોર સ્વરમાં બોલી "એ હક ફક્ત સીડનો છે....! અને હા.....! રઈ વાત તમારી આ સડેલી મેન્ટાલિટીની ....!તો...તો સિદ એવો નઈ ...!"

"તો પછી એણે એવું કેમ કીધું ....!?" વિશાલે વેધક સ્વરમાં પૂછ્યું "એને પણ ફક્ત એકજ કિંગની હોય એવી "queen" જ જોઈ છે ને.....!? એણે તારી તારી ઈન્સલ્ટ કેમ કરી....!? બોલ....!?"   

"એણે મારી કોઈ ઈન્સલ્ટ નઈ કરી .....!" લાવણ્યા વિશ્વાસપૂર્વક બોલી "એને તો ખબર પણ નઈ .....કે હું કઈ વાતને લીધે ઉદાસ થઈ ગઈ 'તી ....! એ તો હજી એટલો મૂંઝાયેલો છે...કે હું ઉદાસ કઈ વાતે છું ...એવું પૂછવાની પણ હિમ્મત નઈ કરી શક્યો .....!"

"તો પછી એણે એવું કે ...!"

 "જો તારાં જેવાં છોકરાઓ પણ વર્જિન છોકરીઓ એકપેકટ કરતાં હોય....!" વિશાલને ટૉન્ટ મારતાં લાવણ્યા વચ્ચે બોલી પડી "તો પછી સિડ તો કરેજને....! એ પોતે પણ વન વુમન મેન ટાઈપનો છે....!"

"હું એને કોઈની સાથે કમ્પેર નઈ કરતો ....!"

"કરીશ પણ નઈ .....!" લાવણ્યા ફરીવાર વાત કાપતા બોલી "એ તમારા જેવો નથી....!"

 "ઓકે ઓકે.....છોડ....!" વિશાલ હાર માનતો હોય એમ બોલ્યો "મારી શું હેલ્પ જોઈતી 'તી એમ કે....!?"

લાવણ્યા વિશાલ સામે બે ઘડી ગુસ્સે થઈને ભીની આંખે જોઈ રહી પછી બોલી -

"કીધું તો ખરા.....! એને નેહા ગમે છે...! અને નેહાને કોઈ બીજું...!”

“ નેહાએ મેરેજની ના પાડી દીધી છે....! સિદને મુવ ઓન થવું છે પણ ...! પણ એને ….! એને હજી નેહા જ ગમે છે....!"

"તો એમાં હું શું કરું ...!?" વિશાલ ખભા ઉછાળીને બોલ્યો.

"હું એને કઈ રીતે મારી તરફ ખેંચું ....!?" લાવણ્યા વિહવળ સ્વરમાં બોલી "હું એનાં માટે નેહાનો કે નેહા કરતાં બેટર ઓપ્શન કઈ રીતે બનું....!? મારે એનાં ફ્રેન્ડ ઝોનમાંથી કેમનું બા'ર નીકળવું ....!? એની ફ્રેન્ડમાંથી એની ...!"

"કેવું કે 'વાય નઈ ...!" વિશાલને મસ્તી સૂઝતાં લાવણ્યાની વાત કાપી વચ્ચે બોલ્યો "કૉલેજની હોટેસ્ટ ગર્લ જેની પાછળ લગભગ આખી કૉલેજ ગાંડી છે....અને એના ઉપર ક્રશ હોય એવા કેટલાય છોકરાઓને જેણે ફ્રેન્ડઝોનમાં રાખ્યાં હોય....એવી “ઘી લાવણ્યા”ને કોઈએ ફ્રેન્ડઝોનમાં રાખી દીધી....! આ છોકરાંને (સિદ્ધાર્થને) તો ઍવોર્ડ મલવો જોઈએ......!હી...હી...!"

લાવણ્યા હાંફતી હોય એમ ગુસ્સે થઈને વિશાલ સામે જોઈ રહી.

વિશાલે પોતાનાં કાન પકડી બોલ્યાં વગર માફી માંગી. લાવણ્યાએ આડુ જોઈ લીધું. થોડીવાર પછી તેનો ગુસ્સો ઓછો થયો.

"જેને તમે લોકો કૉલેજની હોટેસ્ટ ગર્લ ઘી લાવણ્યા કો'છો .....! એ મરી ગઈ.....!" લાવણ્યા બોલી “ક્યારની ...!”

"આવું શું બોલે છે યાર....!" વિશાલ લાવણ્યા સામે દયામણું જોઈને બોલ્યો.

"સાચે કવ છું ...!" લાવણ્યા બોલી "સિદ્ધાર્થે મારો ઘમંડ ક્યારનો તોડી નાંખ્યો...! હું ક્યારની એને સરેન્ડર થઈ ગઈ છું ....!"

"પણ શા માટે....!? એનાં કરતાં હેન્ડસમ છોકરાઓ તારી પાછળ પડ્યા છે...!"

"If you love someone…..surrender your ego first….!" લાવણ્યા બોલી "સિદ્ધાર્થ પણ પોતાનો ઈગો છોડી નેહાને મનાવવા છેક અમદાવાદ આયોને....!? એ છોકરો છે...! તોય....! નેહાએ એને રિજેક્ટ કર્યો ...! છતાંય એણે પોતાનો ટ્રાય ના છોડ્યો....! એનાં ઈગોની વિરુદ્ધ હોવા છતાંય ....!"

થોડું અટકીને લાવણ્યા આગળ બોલી -

"આ બધું હું સિદ્ધાર્થ પાસેથી જ શીખી....! પ્રેમમાં હું પણું ના ચાલે....! કોઈને પ્રેમ કરો ....! તો એને સમર્પિત થઈ જવાનું હોય....! સામેવાળું તમને સમર્પિત થાય એની રાહ ના જોવાની હોય....!" 

"ખરેખર....! તું બવ બદલાઈ ગઈ ....!" વિશાલ લાવણ્યા સામે જોઈ રહીને બોલ્યો.

લાવણ્યાએ પરાણે હળવું સ્મિત કર્યું અને હાઇવે તરફ જોવાં માંડ્યું. ઘીમાં ઠંડા પવનની સાથે હવે હળવાં વરસાદી છાંટાં પડવા શરુ થયાં હતાં.

"મારે હવે શું કરવું....!? એને મારી તરફ ખેંચવાં ...!? મારામાં એનું મન લગાડવાં ...!?" લાવણ્યાએ ફરીવાર પૂછ્યું.

"એનું મન તારામાં લાગે એનાં માટે પે'લા તારે એનું મન જાણવું પડે....!" વિશાલ બોલ્યો.

"તુંય જબરા ડાયલોગો મારતો થઇ ગ્યો ..!" લાવણ્યાથી પરાણે હસાઈ ગયું.

"મજાક નઈ કરતો બકા....!" વિશાલ તેણીને ચિડાવાતો હોય એમ બોલ્યો "ખરેખર એનું મન જાણવું પડે....! ખાસ કરીને એ તારાં વિષે શું વિચારે છે ....!?"

"એ કેવી રીતે ખબર પડે....!?" લાવણ્યાએ પૂછ્યું "કે એ મારાં વિષે શું વિચારે છે..!?"

"બવ સિમ્પલ છે....! તારી ઉપર એ કેટલો ટ્રસ્ટ કરે છે એનાં ઉપરથી ....!"

"અને એ કેવી રીતે ખબર પડે...!? કે એ મારી ઉપર  કેટલો ટ્રસ્ટ કરે છે....!?" વિશાલની ગોળ-ગોળ વાત ના સમજાતા લાવણ્યા તેનાં ચાળા પાડતી હોય એમ બોલી.

"એ તારી જોડે કઈં શેયર કરે છે...!?" વિશાલે પૂછ્યું "લાઈક એની પર્સનલ વાતો....!? એકદમ પર્સનલ હોય એવી...! જેમકે એ નેહા સાથે શું વાત કરે છે..!? ફેમલી વિષે....! એના પાસ્ટ અફેયર વિષે....કે એને પાસ્ટમાં કોઈ ગમતી હોય...કે પછી એ કોઈ પ્રોબ્લેમ ફેસ કરતો હોય ....તો તારી હેલ્પ માંગે.. કે....!?

"કઈં નઈ કે'તો એ....!" નાના બાળક જેવુ મોઢું કરી લાવણ્યા રડમસ આંખે અને ગળગળા સ્વરમાં વચ્ચે જ બોલી પડી " હું પૂછું...તોય નઈ કે’તો....! ગમે તેમ કરીને વાત ઉંડાઇ દેશે....! બવ જબરો છે એ....!"

સાવ નાના બાળક જેવુ થઈ ગયેલું લાવણ્યાનું મોઢું જોઈને વિશાલને પહેલાં તેણી ઉપર દયા આવી ગઈ પછી તેનાથી હસાઈ ગયું. જોકે તેણે તરતજ પોતના હોંઠ દબાવી પોતાનું હસવું કંટ્રોલ કરી લીધું.

લાવણ્યાને યાદ આવ્યું કે સિદ્ધાર્થે સંભવી વિષે પણ કશું કીધું નઈ, કે નેહા વિષે પણ માપનું જ કીધું. આ સિવાય પોતાની ફેમિલી અને અન્ય વાતો પણ સિદ્ધાર્થ કહેવાનું અવોઇડ કરતો.

સિદ્ધાર્થના એવાં બિહેવિયર વિષે વિચારી રહેલી લાવણ્યા હાઇવે સામે જોઈ રહી. ધીમાં વરસાદના છાંટાં હવે વધવા લાગ્યાં હતાં. અને હવે સિદ્ધાર્થને પામવા આગળ શું કરવું એ અંગે લાવણ્યાના મનમાં વિચારો પણ.

"હું શું કરું....!?” વિશાલ સામે જોઈ લાવણ્યા રડમસ આંખે બોલી “જેથી એ મારી ઉપર પુરેપુરો ટ્રસ્ટ કરે....!?”

દયામણું મોઢું કરીને વિશાલે પહેલાં લાવણ્યા સામે જોયું પછી તે પણ હાઈવે સામે જોઈ લાવણ્યાના સવાલનો જવાબ વિચારી રહ્યો.

લાવણ્યા પોતે પણ મૌન થઈને આડું જોઈ રહીને વિચારી રહી.

કેટલીક વાર સુધી બંને વચ્ચે મૌન પથરાઈ ગયું. વરસાદના છાંટાંની સ્પીડ વધવા છતાંય બંને હજીપણ ત્યાંજ ઊભાં હતાં.

“એને તારો બધો પાસ્ટ કઈ દે.....!” થોડીવાર પછી વિશાલ લાવણ્યા સામે જોઈને બોલ્યો.

“ઘરરર....!” આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળોમાં થયેલો ગડગડાટ લાવણ્યાના મનમાં પણ થયો.

“એને તારો બધો પાસ્ટ કઈ દે.....! કઈ દે.....!”

કાનમાં પડઘાતા વિશાલના એ શબ્દોથી તે રીતસરની  ધ્રુજી ઉઠી. એક ક્ષણમાં તેણીને પોતાનો આખો પાસ્ટ યાદ આવી ગયો અને એ પાસ્ટ સિદ્ધાર્થને કહી દીધા પછી શું થાય એ કાલ્પનિક દ્રશ્ય તેણીની નજર સામે આવી જતાં તે આખી હચમચી ઉઠી.

“નઈ..... નઈ..... નઈ.....! મ્મ મારો પાસ્ટ......! હું એને ના કઉ....! ન...ના કઉ....!” ગભરાયેલી નાના બાળકની જેમ માથું ધૂણાવવા લાગી “એ...એને એ બધુ ખબર પડે....તો...તો....! એ મારી જોડે બોલે પણ નઈ....! મ્મ...મારી જોડે વાત પણ ના કરે....ને...ને....મને છોડી દે.....! નઈ નઈ....પાસ્ટ નઈ....પાસ્ટ નઈ....!”

“પણ તું ઇચ્છતી હોય....કે એ તારી ઉપર ટ્રસ્ટ કરે તો તારે...!”

“તું સમજતો કેમ નઈ...!?” લાવણ્યાએ એજરીતે રડતી આંખે બોલી “એ મને છોડી દેશે....મારી જોડે વ...વાત પણ નઈ કરે....! મારી સ..સામું પણ નઈ જોવે....! હું એને ખોઈ બેસીસ....!”

“પણ તારે જો એનાં જો એનાં ફ્રેન્ડથી આગળ વધવું હોય તો તારે એને  ....!”

“ચાલશે....ચાલશે....!” લાવણ્યા ફરીવાર એજરીતે વચ્ચે બોલી પડી “સિદ્ધાર્થ મારી લાઈફમાં હોયજ નઈ....એના એનાં કરતાં...એ એ...ફ્રેન્ડ તરીકે પણ ચાલશે.....! હું...હું એની ફ્રેન્ડ બનીને પણ ખુશ છું.....! એની..એની...લાઈફમાં મારું થોડું તો થોડું....કઈંક તો ઇમ્પોર્ટન્સ તો  છે....! મારે એટલું પણ ચ...ચાલશે....!”

“તો તું કાયમ આજ રીતે ચલાવીશ.....!? એ નેહા જોડે મેરેજ કરી લેશે ત્યારે પણ....!?” વિશાલે સહાનુભૂતિપૂર્વક પૂછ્યું.

“હ....!” એકાદ ક્ષણ લાવણ્યા ખોવાઈ ગઈ પછી બોલી “હા..હા....ચ...ચાલશે....કીધું તો ખરા....! એની લાઈફમાં મારું થોડું તો થોડું....કઈંક તો મહત્વ છેને....!? તને કોઈ આઇડિયા નઈ .....! જ....જેને..જેને...તમે લવ કરતાં હોવ....એની લાઈફમાં તમારું કોઈજ મહત્વ ના હોય....ત્યારે કેવું ફીલ થાય....! તું તું...નઈ જાણતો હજી....! જ...જ્યારે સિડ મારી સામું પણ ન’તો ....જ્યારે એની લાઈફમાં મારું કોઈજ મહત્વ ન’તું....! મને કઈં ન’તું ગમતું....! ઊંઘ પણ ન’તી આવતી....! બધુંજ નીરસ લાગતું ‘તું....! અહિયાં સુધી....કે મારું પોતાનું શરીર....મારું પોતાનું આ રૂપ....બધુજ મહત્વહીન...બેકાર લાગતું ‘તું....! નઈ...નઈ....મારે એ બધું ફરીવાર ફીલ નઈ કરવું.....! હું એને ખોવા નઈ માંગતી....!”

લાવણ્યા નાના બાળકની જેમ માથું ધૂણાવતી રહી અને એકની એક વાત ક્યાંય સુધી બબડતી રહી. વિશાલ પણ તેણીને સમજવવાનો પ્રયત્ન કરતો રહ્યો.

“જો તારો પાસ્ટ જાણ્યા પછી પણ એણે તને એકસેપ્ટ કરી લીધી તો.....!?” વિશાલે શાંત સ્વરમાં પૂછ્યું અને લાવણ્યા વિચારે ચઢી ગઈ.

“તો એને તારાથી કોઈ છીનવી નઈ શકે....!” વિશાલ અધૂરું વાક્ય પૂરું કરતાં બોલ્યો.

લાવણ્યા શૂન્યમનસ્ક તાકી રહી અને વિચારી રહી.

“જો તુંજ એને બધું કઈ દઇશ....!” વિશાલ શાંતિથી તેણીને સમજાવતાં બોલ્યો “તો કોઈ બીજું એ બધું એને કહે....! એનાથી એને કોઈ ફરક નઈ પડે.....!”

“પ...પણ એ મને છોડી દેશે તો....!!?” લાવણ્યા ફરીવાર ધ્રુજી ઉઠી હોય એમ બોલી.

લાવણ્યાના એ પ્રશ્નનો વિશાલ પાસે કોઈ જવાબ ન હોવાથી તે દયામણું મોઢું કરીને તેણી સામે જોઈ રહ્યો. 

 લાવણ્યાની આંખમાંથી આંસુઓની ધાર વહી સાથે-સાથે અત્યાર સુધી છાંટાં રૂપે પડતાં વરસાદની પણ.

“ઘર્રરર.....!”

વાદળોના ગરજવાની સાથે સાથે લાવણ્યાના મનમાં પણ વિચારો ગરજી રહ્યાં. પોતાનો પાસ્ટ સિદ્ધાર્થને કહેવો કે નહીં, એ બાબતે તે પોતાની સાથે જ “લડી પડી”. સિદ્ધાર્થને ખોવાનો ડર તેણીનાં મનનો ભરડો લેવા માંડ્યો.

“તારે એનો  ટ્રસ્ટ જીતવા માટે એને બધુ કે’વુંજ જોઈએ....!” વિશાલના એ શબ્દોને લાવણ્યા મનમાં યાદ કરી રહી.

ઘરે આવીને પણ લાવણ્યા એકનાં એક વિચારોમાં ખોવાયેલી રહી અને આખી રાત આમતેમ પડખાં બદલતી રહી. પોતાનો બધો પાસ્ટ તે સિદ્ધાર્થને કહી દેવાં પોતાને તૈયાર કરતી, પણ સિદ્ધાર્થ તેણી સાથે વાત નહીં કરે, કે પછી તેણીને છોડીએ દેશે એ વાતનો વિચાર આવતાંજ તે ધ્રુજી ઉઠતી અને બધુ કહેવાનો વિચાર માંડી વાળતી. આખી રાત તેણીને ઊંઘ્યા વિનાજ ગુજારી દીધી. આખી રાત એકની એક વાત તેણીનાં મનમાં પડઘાયા કરતી.

“એને તારો બધો પાસ્ટ કઈ દે.....! કઈ દે.....!”

*******

“S I D D H A R T H”

Jignesh

instagram@siddharth_01082014

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED