રનવે ૩૪ Hitesh Patadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રનવે ૩૪

હવામાં ઊડતા વિમાનમાં કૉકપીટ એક ખાસ જગ્યા હોય છે. જ્યાં પાઇલટ અને સહાયક પાઇલટ પ્રવેશે પછી દરવાજો અંદરથી લૉક કરી દેવાય છે. વિમાનમાં ફરજ પર હાજર સ્ટાફને પણ કૉકપીટમાં કોઈ ચીજ આપવા જવું હોય તો પાઇલટને વિનંતી કરવી પડે. કૉકપીટનો દરવાજો બહારથી પાઇલટની મંજૂરી વિના ખુલી ના શકે. શા માટે આવી વ્યવસ્થા? કારણ કે, પાઇલટ અને કો-પાઇલટ કોઈપણ જાતની ખલેલ વિના સંપૂર્ણ ધ્યાન વિમાનના ભરચક સંચાલનમાં આપી શકે. જેમાં ઢગલો નાનાં-મોટાં નિર્ણયો લેવાના હોય છે. જેમાંથી ઘણાં નિર્ણયો વિમાનની ટેકનિકલ પરિસ્થિતિ, હવામાનની સ્થિતિ વગેરે ધ્યાને લઈને લેવાના રહે છે. તથા ક્યારેક તેમાં અચાનક આવતા પરિવર્તનને આધિન પણ ત્વરિત નિર્ણયો લેવા પડે કે બદલવા પડે. આમ, ઓટોપાઇલટની સુવિધાનો લાભ દરેક પરિસ્થિતિમાં મળે નહીં. ટૂંકમાં પાઇલટનું કામ સતત એલર્ટ રહીને સંચાલન કરવાનું છે.

ફિલ્મનો એક ડાયલોગ છે, "જબ મૌસમ ઔર ઇન્સાન - દોનોં સાથ મીલકે ગલતી કરતે હૈ તબ..."

ફિલ્મ ઉક્ત ડાયલોગની આસપાસ વીંટળાયેલી છે. એક ફ્લાઇટ કે જે દોહાથી કોચીનનું ૨૭૦૦ કિ.મી.થી વધુનું અંતર ચારેક કલાકમાં કાપવાની હતી. ખાસું અંતર સફળતાપૂર્વક કપાય છે, પણ અચાનક કોચીનમાં હવામાન બગડે છે. રાતનો સમય, વરસાદ, પવન, ઓછી વિઝિબિલિટિ (રનવે જોવા માટે (હા, ભાઇ રાતે તો રનવેની લાઇટ્સ) વિમાને ઘણું જ નીચા લેવલ સુધી આવવું પડે) વગેરે પ્રતિકૂળ બાબતો લાગુ પડે છે.

આવી પરિસ્થિતિમાં દરેક ફ્લાઇટ માટે એક વૈકલ્પિક પ્લાન તરીકે કોઈ અલગ શહેરનું એરપોર્ટ નક્કી કરેલું હોય છે. અહીં વિકલ્પ તરીકે બેંગલુરુ હતું, પણ પાઇલટે તે મુજબ પ્લેન ડાઇવર્ટ ના કર્યું. શા માટે? પલેન બેંગલુરુ નહીં તો બીજે ક્યાં લઈ જવાયું? અથવા ડાઇવર્ટ કરતાં અગાઉ શું લેન્ડિંગ માટે કોઈ પ્રયત્નો કરવામાં આવ્યા? વગેરે અંગે હું નહીં કહું. ફિલ્મમાં જ જોઈ લેજો.

ફ્લાઇટની કઠણાઈ તો તમે વાંચી. વધુમાં શરૂઆતથી જ વિમાનમાં કેપેસિટિ કરતાં થોડું ઓછું બળતણ (ફ્યૂઅલ) ભરેલું હોય છે.
હવે ફરીથી પાછો અગાઉ લખેલો પેલો "જબ મૌસમ ઔર ઇન્સાન દોનોં મીલકે ગલતી..." ડાયલોગ યાદ કરો. આ ડાયલોગ પાઇલટને તથા કોચીન એ.ટી.સી (એર ટ્રાફિક કંટ્રોલ)ના કર્મચારી-બંનેને લાગુ પડે છે. કઈ રીતે? તે ફિલ્મમાં જોઈ લેજો. અર્થાત્ ગરીબીમેં આટા ગીલા જેવી સ્થિતિ સર્જાઈ અને પછી....!
પછી રસપ્રદ થ્રિલિંગ ઘટના ઘટે છે અને પછી તુરંત ફિલ્મ પૂર્ણ? ના. તો ઇન્ટરવલ? ના.

આ ફિલ્મને ત્રણ ભાગમાં વહેંચી શકો. પ્રથમ ભાગમાં પાઇલટ એટલે કે અજય દેવગનનું પાત્ર પ્રેક્ષકોના મનમાં ખાસ સ્થાન પામવા રજૂ થાય છે. બીજા ભાગમાં પેલો વિમાનના લેન્ડિંગવાળો ઘટનાક્રમ અને પછી ત્રીજો ભાગ, કે જે ઇન્ટરવલથી સહેજ વહેલાં શરૂ થાય છે. જેમાં એન્ટ્રિ થાય છે "બિગ-બી"ની, મતલબ અમિતાભ બચ્ચનની. જેઓ વિમાન અકસ્માત તપાસ સંસ્થાના ખાસ અધિકારી તરીકે અત્યંત આકર્ષક અને ઇન્ટેલિજન્ટ વ્યક્તિ તરીકે દર્શન આપે છે.

આપને અંદાજો આવી ગયો હશે કે હવે ફિલ્મ કોર્ટરૂમ ડ્રામાનું કલેવર ધારણ કરી રહી છે. કોર્ટરૂમમાં અજય દેવગન અને અમિતાભ બચ્ચનની ટક્કર ફિલ્મને અંત સુધી લઈ જાય છે. જેમાં સળંગ ૬ દિવસથી ફ્લાઇટની ડ્યૂટીથી થાકેલા અને અમુક ભૂલો કરીને સાતમા દિવસે જરા હળવાશથી ડ્યૂટી કરનાર પાઇલટ વિક્રમ ખન્ના (અજય દેવગન) એ પોતાનો અને કંપનીનો બચાવ કરવાનો છે. તો સામે તપાસમાં એક્કો ગણાતા નારાયણ વેદાંત (બિગ બી) એ ઝીણામાં ઝીણી વિગત બહાર લાવવાની છે. શરૂઆતમાં જણાવ્યું તેમ પ્લેનમાં કો-પાઇલટ પણ હોય છે. અહીં ફિલ્મમાં અજય દેવગનની કો-પાઇલટ તરીકે તાન્યા અલ્બુકર્કી નામ ધારણ કરેલી રકુલપ્રિત જોવા મળશે. સ્વાભાવિક છે કે કોર્ટરૂમમાં અજયની સાથેસાથે તેની પણ પૂછપરછ થાય.

આમ ફિલ્મ હવામાં રચાતી એક થ્રિલર ઇવેન્ટ તથા કોર્ટરૂમ ડ્રામાનો સરવાળો છે.

ફિલ્મમાં અજય દેવગન અને અમિતાભ બચ્ચને સરસ અભિનય આપ્યો છે. અજય દેવગન ઉત્તમ કલાકાર હોવા છતાં "એક્ટિંગમેં બાપ કોન હૈ?" નો જવાબ અમિતાભ બચ્ચન સહજ રીતે આપશે. રકુલનો અભિનય સ્ક્રિપ્ટ મુજબ ઠીક જણાશે. તો એરલાઇન કંપનીના માલિક તરીકે બોમન ઇરાનીએ પોતાના ભાગમાં આવેલ વાજબી રીતે ઓછા અભિનયને ન્યાય આપ્યો છે. પ્રખ્યાત યુ-ટ્યૂબર "કેરી મિનાટી" (અજય નાગર)ને પણ ફિલ્મમાં તેના જ સ્વરૂપમાં જોઈ શકશો. જોકે અલ્પ સમય માટે અને બિનમહત્વના જરા કોમેડી રોલમાં.

ફિલ્મ થ્રિલર તરીકે રજૂ કરાઈ છે પણ સંપૂર્ણપણે થ્રિલર નથી તે તમે જાણ્યું. એ પણ જાણો કે ફિલ્મની લંબાઈ સ્ક્રિપ્ટની ગુણવત્તાની સામે લાંબી છે. ૨.૨૭ કલાકની લંબાઈ આ પ્રકારની સ્ક્રિપ્ટ માટે જરા લાંબી જણાઈ. બે કલાક ઉચિત ગણાત. બોલીવૂડમાં ફિલ્મનો પ્રકાર ગમે તે હોય પણ હીરો પાસે હીરોગીરીનો ઓવરડોઝ કરાવવાની જાણે જૂની બીમારી છે. આથી જ અજય દેવગનનું પાત્ર કેવું છે, એનો સ્વભાવ કેવો છે વગેરે દર્શાવવા પાછળ થ્રિલર ફિલ્મની શરૂઆત બિનથ્રિલર રીતે થાય છે. જેમાં ઘણો સમય વેડફ્યો છે.

ફિલ્મનો વિષય રસપ્રદ છે, પણ ઘટનાક્રમને ખેંચીને જરા બિનરસપ્રદ બનાવી નાંખ્યો. કોર્ટરૂમ ડ્રામાથી મજા તો આવશે પણ તમામ સવાલોના સંતોષજનક જવાબ નથી મળતા. પાઇલટે પસંદ કરેલ રનવે પાછળનો તર્ક જેતે સમયે કો-પાઇલટને ના આપે તે ગળે નથી ઊતરતું. એક સત્યઘટના પર આધારિત ફિલ્મ છે, પણ માત્ર જરા આધાર જ લીધો છે. સંપૂર્ણ ઘટના જેમની તેમ નથી દર્શાવી. ઘટનાના અંતે પાઇલટનો વિમાન હેન્ડલ કરવાનો અંદાજ અને ઘટનાનો અંત પણ પાછો ફિલ્મી સ્ટાઇલમાં દર્શાવીને બોલીવૂડપણું ઠાંસી દીધું છે.

એક ઝીણું અવલોકન કહું. ફિલ્મની શરૂઆતમાં આશરે અડધો કલાક સુધીમાં અને પછીના ભાગમાં અજય દેવગનના અવાજમાં જરા ફરક જણાય છે. શરૂઆતમાં અજયનો અવાજ જાણે ખરાબ ગળાના કારણે ખોખરો જણાશે.

શું ગમ્યું?
(૧) અજય દેવગનનો લૂક અને અભિનય.
(૨) અમિતાભ બચ્ચનના ડાયલોગ અને પ્રેક્ષકોને બાંધી રાખવાની ક્ષમતા.
(૩) એવિએશનની દુનિયાની અમુક રસપ્રદ માહિતી.

શું ના ગમ્યું?
(૧) ફિલ્મની લંબાઈ.
(૨) સાંકેતિક રીતે ફ્લાઇટમાં અજય દેવગનને લગભગ દારૂ પીતો દર્શાવ્યા બાદ છેલ્લે તેણે ફ્લાઇટ દરમ્યાન દારૂ નહોતો પીધો તેવો ખુલાસો એટલો ભંગાર રીતે પ્રેક્ષકો સમક્ષ રજૂ કરાયેલ છે કે ડિરેક્ટર અને રાઇટરે જાણે પ્રેક્ષકોની મજાક કરી હોય તેમ જણાશે.

હીટ કે પછી...?
બોક્સ ઓફિસ પર તો સેમીહીટ રહી છે, પણ અલગ વિષય અને બે મુખ્યપાત્રોના કારણે હીટ ગણી શકાય. એનાથી વધુ નહીં. મતલબ સુપરહીટ નહીં.

જોવાય કે નહીં...?
બોલીવૂડમાં ઓછો વપરાયેલો એવિએશન ડિઝાસ્ટરનો માહિતીપ્રદ વિષય, થ્રિલર ઇવેન્ટ અને બે સરસ કલાકારોના અભિનયના કારણે કંટાળો તો નથી જ ઉપજતો. એટલે એક વખત તો ચોક્કસથી જોવાય, પણ ના જુઓ તો ઘણું ગુમાવો તેવી મહાન ફિલ્મ પણ નથી.