બ્લડ ડાયમંડ Hitesh Patadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લડ ડાયમંડ

દુનિયામાં વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની સામાજિક, રાજકીય, આર્થિક વગેરે તકલીફ હોય તે નવાઇની વાત નથી. કોઈ સમસ્યા હદથી વધુ કાળાશ ધરાવતી હોય તો તેના વિશે વિસ્તૃત, અજાણી અને ઊંડી માહિતી જાણીને સૌને આશ્ચર્ય થાય કે ક્યારેક ઝટકો લાગે તે સ્વાભાવિક છે. ઘણાં સામાજિક કાર્યકર્તાઓ, સંસ્થાઓ, પત્રકારો વગેરે ચોક્કસ પ્રદેશની ચોક્કસ એવી દુનિયાથી અજાણી સમસ્યા અંગે ખાસ માહિતી વિશ્વ સમક્ષ અલગ અલગ માધ્યમથી રજૂ કરતા હોય છે. જેમાં આંતરરાષ્ટ્રીય મેગેઝીન તથા આર્થિક રીતે સંપન્ન વર્તમાનપત્રોનો ખૂબ મોટો ફાળો રહેલો છે.

આવી માહિતીનું સ્વરૂપ મોટાભાગે લેખ, વાર્તા, ફોટોસ્ટોરી, કે નવલકથા જેવું રહેતું હોય છે. પરંતુ ક્યારેક ઓડિયો-વીડિયો માધ્યમના સહારે સરસ ટેલિફિલ્મ (દસ્તાવેજી ફિલ્મ) પણ બનતી રહેતી હોય છે. તો ક્યારેક કોમર્શિયલ પણ ફિલ્મ બને છે અને થિયેટરોમાં રજૂ પણ થતી હોય છે. કોઈ સમસ્યા ઉપરથી ટેલિફિલ્મ બનાવવી સરળ છે પરંતુ ફિલ્મ બનાવવી અને એ પણ આર્થિક રીતે સફળ ફિલ્મ બનાવવી તે ઘણું અઘરું કામ ગણી શકાય. ટેલિફિલ્મને તમે માત્ર માહિતીપ્રદ વીડિયો કે ઓડિયો સ્વરૂપે હોઈ શકે. જ્યારે ફિલ્મના સ્વરૂપે કોઈ મુદ્દો રજૂ કરવાનો થાય ત્યારે તેનો પ્રકાર જો ઇન્ફોટેનમેન્ટ પ્રકારનો હોય તો જ તે ફિલ્મ આર્થિક રીતે સફળ થાય. આ ફિલ્મ પણ આવું રસપ્રદ અને સફળ કલેવર ધરાવે છે

દક્ષિણ આફ્રિકાના સિએરા લિયોન દેશમાં વર્ષ ૧૯૯૧ થી ૨૦૦૨ દરમ્યાન જ્યારે રાજકીય અને સામાજિક સ્થિતિ ડહોળાઈ ગઈ હતી ત્યારે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હતી. એક બાજુ દેશની આર્મી હતી તો બીજી બાજુ કહેવાતા દેશપ્રેમી બળવાખોરો. જે RUF (Revolutionary United Front) નામે સંગઠીત હતાં. આ સંગઠનના સમર્થનમાં બે દેશો હતાં. તો વિરૂદ્ધમાં આઠ દેશો હતાં કે જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો.

આ સંગઠનના કોઈ માનવીય કે એકધારાં નિયમો ન હતાં. તેઓ પોતાની સમજ અને સગવડ મુજબના જલદ અને માત્ર પોતાને ગમે તેવા તર્ક સાથે જીવીને લોકો પર કાળો કહેર મચાવતા હતા. કે જેમાં માલહાનિ, માનહાનિ, જાનહાનિ વગેરે તમામ પ્રકારની નકારાત્મક અને હિંસક બાબતો સામેલ હતી. હજારો લોકો વિસ્થાપિત બનીને રાહત શિબિરોમાં આશ્રય મેળવવા પહોંચ્યાં હતાં.

વધુ એક નોંધપાત્ર બાબત પણ હતી- કુદરતી રીતે મળતી જગતની સૌથી સખત ચીજ - હીરા. સિએરા લિઓનમાંથી મળતા હીરાના નદીકિનારાના પ્રદેશ પર આ આતંકીઓએ કબજો જમાવ્યો હતો. આ હીરાના ગુપ્ત વેપારથી તેઓ હથિયાર મેળવતા હતા. જેનો આતંકી પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતો હતો. જાણે સમાંતર સરકાર ચાલી રહી હતી. તેઓ આર્મી પર પણ હુમલા કરે અને નાગરિકોને પણ છોડે નહીં. હીરા જ્યાંથી મળતા હતાં ત્યાં સામાન્ય લોકોને બંદી બનાવીને મજૂરી કરાવવામાં આવતી. હીરાના વેપાર માટેનું આખું નેટવર્ક પાડોશી દેશના બજારના સહારે અથવા તો લોકોની લાલચના સહારે ગોઠવાયું હતું. આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થાના ડેટા જુઓ તો સિએરા લિયોનમાંથી એક રૂપિયાના પણ હીરાની નિકાસ ના થાય પરંતુ તેના પાડોશી દેશમાંથી દર વર્ષે હીરાનું ઉત્પાદન વધતું જાય. કારણ સૌને ખબર હતું પરંતુ સાબિતીનો અભાવ હતો.

જ્યાં સુધી સરળતાથી અને વિશાળ પ્રમાણમાં હીરા ઉપલબ્ધ હોય ત્યાં સુધી હિંસક પ્રવૃત્તિ ધરાવતા તે દેશના બળવાખોરો કે આતંકીઓ રક્તપાત અને શોષણ અટકાવવાના નહોતા. આ વાતથી વાકેફ ઘણા પત્રકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ છેવટે ગ્રાહકોને જ આ પ્રકારના હીરા ના ખરીદવા માટે અપીલ કરવાનું ઉચિત માન્યું હતું. નિર્દોષ લોકોના શોષણથી પ્રાપ્ત થયેલા હીરાને બ્લડ ડાયમંડ તરીકે ઓળખાવીને દુનિયામાં ગ્રાહકોને તથા વેપારીઓને પણ સાચી સ્થિતિથી વાકેફ કરવા અને આ પ્રકારના હીરા ના ખરીદવા જાગૃતિ ફેલાવવાના ઘણાં પ્રયાસો થયાં. જેમાં વર્ષ ૨૦૦૦માં દક્ષિણ આફ્રિકાના કિમ્બર્લી ખાતે મળેલ ઐતિહાસિક બેઠક માનવ ઇતિહાસ માટે મહત્વની બની રહી હતી. કારણ કે તેમાં આતંકી પ્રવૃત્તિઓને આર્થિકબળ પૂરું પાડતા હોય તેવાં વિવાદિત હીરાનો વેપાર રોકવાના હેતુથી મંથન કરાયું. અને રફ ડાયમન્ડ માટે તેના ઉત્પાદનના મૂળસ્થાન અંગે પ્રમાણપત્રની યોજના લાગુ કરવામાં આવી હતી. જેનો પાછો અલગ ઇતિહાસ છે.


વર્ષ ૨૦૦૨ બાદ ગૃહયુદ્ધ પૂર્ણ થયું સ્થિતિમાં સંપૂર્ણ સુધારો નહોતો થયો. ફિલ્મમાં અંતે જણાવ્યા મુજબ બળવાખોરો પાસે હજુ બે લાખ બાળસૈનિકોનું સંખ્યાબળ હતું. આ ફિલ્મને પણ આપણે જગજાગૃતિ અંગેનો પ્રયાસ ગણી શકીએ. ચોક્કસથી તેમાં નિર્માતાના આર્થિક હિતો રહેલા હોય પરંતુ અતિગંભીર અને સંવેદનશીલ મુદ્દાને આખી દુનિયા સરળતાથી જાણી, સમજી અને સ્વીકારી શકે તથા બદલાવ આવી શકે તે માટેનો પણ પ્રયાસ હોય તો તે સરાહનીય ગણી શકાય.

આ ફિલ્મ વિવિધ માનવોના જીવનના વિવિધ સ્વરૂપો દર્શાવતો એક સરસ દસ્તાવેજ કે નોંધ પણ કહી શકાય. શા માટે? તે જાણવા મુખ્ય માત્ર ચાર પાત્રોનો પરિચય આપતા સળંગ ચાર ફકરા પર નજર નાંખો.

"સોલોમન વેન્ડી" સિએરા લિઓનનો એક શોષિત કે પ્રતાડીત પરિવારનો મુખ્ય પુરુષ છે. જેને પરિવારથી પરાણે વિખૂટો પાડીને હીરાની ખાણમાં મજૂર બનાવી દેવાયો છે.

"ડેની આર્ચર" (લિયોનાર્દો દી કેપ્રિયો) એક સ્મગલર છે જે ભૂતપૂર્વ આર્મીમેન પણ છે. જે ગૃહ યુદ્ધની સ્થિતિમાં પણ પોતાનો વેપાર કરી લેવામાં ઉસ્તાદ અને ઉત્સાહિ છે.

"મેડી બોવન" મહિલા પત્રકાર છે કે જે વિવિધ દેશોમાં પ્રતિકૂળ સ્થિતિઓમાં પણ હાજર રહીને, ફરીને વિવિધ સત્ય ન્યૂઝ સ્ટોરી ફોટોગ્રાફ સાથે મેળવવા માટે ઉત્સાહિ છે.

"કર્નલ કોત્ઝે" પ્રાઇવેટ આર્મી કંપનીનું સંચાલન કરે છે. જેના ઇરાદા સમય અને સંજોગો મુજબ બદલાતાં રહે છે.

અગાઉ જણાવ્યું તેમ ફિલ્મમાં દસ-બાર વર્ષની સ્ફોટક સ્થિતિ રસપ્રદ રીતે દર્શાવવાની છે. આથી ઉક્ત મુખ્ય પાત્રો સહિત અન્ય ઘણાં પાત્રોનું જીવન કે કાર્યો એકબીજા સાથે સાંકળી લેવાયેલ છે.

સોલોમન અને તેના પરિવારને કેન્દ્રમાં રાખીને વાર્તા શરૂ થયા બાદ - પરિવાર વિખૂટો પડે, સોલોમન મજૂર બને, અચાનક એક મોટી સાઇઝનો હીરો "પિન્ક ડાયમન્ડ" હાથ લાગે છે, જેની તે ચોરી કરીને સંતાડે છે, એ જ સમયે તુરંત આર્મીની કાર્યવાહી દરમ્યાન તે વિના વાંકે જેલમાં પહોંચે છે, જેલમાં સ્મગલર ડેનીનો ભેટો થાય, ડેનીનો પાછો પત્રકાર મેડી સાથે ભેટો થાય, ડેની સોલોમનને હીરાના બદલામાં પરિવારની શોધખોળ અને મેળાપની લાલચ આપે, મેડી ડેની પાસે હીરાના ગુપ્ત વ્યવહાર અંગે માહિતી માંગે, ડેની તેને સોલોમનની સ્ટોરી આપે, સોલોમનની પત્ની અને પુત્રીઓ વિસ્થાપિતોની શિબિરમાં પહોંચી જાય તો પુત્ર "દીયા"ને બળવાખોરો ઊઠાવી જાય અને તેનું બ્રેઇનવોશ થાય, દીયા આતંકી બની જાય, સોલોમન અને ડેનીની સાથે મેડી પણ જોડાય અને આ ટીમ દોડાદોડી કરીને લક્ષ્ય તરફ આગળ વધે, વિખૂટી પડે, મદદ મળે, પાછા વિખૂટા પડે, સોલોમન અને ડેની નીતનવી મુસીબતો પાર કરીને સોલોમને સંતાડેલા હીરા નજીક પહોંચે, ત્યાં સોલોમનનો પુત્ર મળે પણ બ્રેઇનવોશ થયેલો....પછી? પછી પણ ઢગલો ચડઊતર સાથે સતત બદલાતાં સમિકરણો પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખે છે.

આટલા ટૂંકા મુદ્દાઓરૂપી વર્ણનથી અંદાજ તો આવી જ ગયો હશે કે ફિલ્મ ઘટનાઓથી ભરપૂર છે. મતલબ ફાસ્ટ સ્ક્રિપ્ટ છે. છતાં પાત્રોનું ઘડતર, કથાનકની પકડ અને દિશા વગેરે કશું જ નબળું નથી. જે આ ફિલ્મને વિશેષ બનાવે છે. યાદ રાખો કે આ ફિલ્મમાં મૂળ સ્થાન, ઘટનાઓ, અનુભવો, સ્થિતિઓ, પરિણામ વગેરે હકીકતલક્ષી છે. જે સઘળું કાલ્પનિક અને સળંગ વાર્તા સ્વરૂપે વિવિધ પાત્રોના સહારે મનોરંજક રીતે દર્શાવાયું છે.

સોલોમન અને ડેની મળે છે, પરસ્પર લાભ માટે સોદો કરે છે, દોડધામ કરે છે, સંતાય છે, દુશ્મનો સાથે લડે છે, અંદરોઅંદર લડે છે, એકબીજા પર ભરોસો રાખે છે, અવિશ્વાસ પણ રાખે છે વગેરે મુજબ બંનેનો સંબંધ છેક સુધી અવનવું નર્તન કરે છે. જે રસપ્રદ છે.

ડેનીનું પાત્ર લિયોનાર્દો દી કેપ્રિયોએ હંમેશની જેમ સહજ અને સચોટ અભિનય દ્વારા જીવંત બનાવી દીધું છે. આમ તો ભારે અવઢવ અને ગળે ન ઊતરે તે પ્રકારનું પાત્ર છે પરંતુ લિયોની પ્રતિભા સામે હોય ત્યારે કોઈ કચાશ આસપાસ પણ ફરકતી નથી. આથી જ તો તેને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ એક્ટરનું ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેશન પણ મળ્યું હતું.

સ્થાનિક પીડિત લોકોના પ્રતિનિધિ તરીકે સોલોમનનું પાત્ર ખૂબ સરસ લખાયું અને ભજવાયું છે. એક જ વ્યક્તિના ચહેરા, શરીર અને ડાયલોગમાં - આશા, મજબૂરી, ડર, વ્યવહારુ નિર્ણય, લડાઈ વગેરે ઢગલો લાગણીઓ દર્શાવવાનો બોજ છે છતાં પડછંદ કલાકાર Djimon Hounsou એ સફળતાપૂર્વક વહન કરી બતાવ્યો છે. આથી આ કલાકારને પણ આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક એક્ટરનું ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું. જો તમે વર્ષ ૨૦૨૧માં રીલીઝ થયેલ "ધ કિંગ્સમેન" ફિલ્મ જોઈ હશે તો આ કલાકારને શોલા નામના પાત્રમાં જોઈને બાહુબલીના કટપ્પાને યાદ કર્યો હશે.

પત્રકાર મેડીના પાત્રમાં જેનિફર કોનેલીએ પણ તેના ભાગે આવેલ જવાબદારી સફળતાપૂર્વક નીભાવેલ છે.

આખી ફિલ્મનું ડિરેક્શન પ્રશંસાપાત્ર છે. તમામ લોકેશન આકર્ષક અને રિયલ લાગશે. સુંદર સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિકમાં સંભળાતા લોકગીત અને લોકસંગીતના પડઘાં પ્રેક્ષકને સતત ત્યાંની ભૂગોળ સાથે સાંકળી રાખે છે.

આ એક વોર-ડ્રામા પ્રકારની ફિલ્મ છે. એટલે સ્વાભાવિક રીતે એક્શન હોવી જોઈએ. જે છે અને ભરપૂર છે. જે ગમે ત્યારે ગમે તે દિશામાંથી પ્રકટતી જ રહે છે. જે હકીકતલક્ષી કથાની જલદતા દર્શાવે છે.

અભિનય, ડિરેક્શન, લોકેશન, એક્શન વગેરે સારું છે છતાં હજુ એક વિશેષ બાબત છે જે છૂપી રીતે આખી સ્ક્રિપ્ટમાં તમારી નજર સામે હોવા છતાં તમે એના વિશે ફિલ્મ જોતી વખતે વિચારવાના નથી. છતાં તે જરાપણ ભાર વિના સહજ રીતે મનમાં જગ્યા બનાવી લે છે. જે બાબત મને ફિલ્મ વર્ષો અગાઉ થિયેટરમાં જોઈ ત્યારે બીજી વખત જોવા મજબૂર કરી ગઈ હતી. લો, તેના વિશે જરા આવડે એવી અંગ્રેજીમાં કહું તો "I liked the flow of the reality throughout the script." હા યાર, ગુજરાતીમાં કહું છું. "સમગ્ર સ્ક્રિપ્ટમાં વણી લીધેલ સત્યતાનો પ્રવાહ." જો ફિલ્મ જોયેલી હોય તો આ વાક્ય વિશે વિચારજો અને ના જોયેલી હોય તો જોયા બાદ આ વાક્ય ચકાસી જોજો. ભરપૂર એક્શન હોવા છતાં આછકલાઈથી અંતર રાખીને ઢગલો માનવીય સંવેદનાઓને ઢગલો સત્ય ઘટનાઓ સાથે વણીને પુષ્કળ સત્ય માહિતી રસપ્રદ રીતે માત્ર ૨.૨૩ કલાકમાં પીરસી હોય ત્યારે આ વાક્ય ખરેખર લાગુ પડે કે નહીં તે વિચારી લેજો. જેના અનુસંધાને યોગ્ય રીતે જ ફિલ્મને બેસ્ટ ફિલ્મ એડિટીંગ માટેનું પણ ઓસ્કાર નોમિનેશન મળ્યું હતું.

હિટ કે પછી...? વર્ષ ૨૦૦૬માં રજૂ થયેલ આ ફિલ્મ બજેટથી વધુ વકરો કરી શકે હતી પણ ડબલથી ઓછો. છતાં ગુણવત્તા અને સત્ય ઘટનાઓ રજૂ કરવાની બિનકંટાળાજનક શૈલીના કારણે સફળ હતી અને વખણાઈ પણ હતી. તેથી જ તો કુલ પાંચ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું.

જોવાય...? હા, જો માનવીઓનાં વિવિધ સ્વરૂપ, ઇતિહાસ, સત્ય અને રસપ્રદ ઘટનાઓ વગેરે જાણવાનો શોખ હોય અને આ બાબતો ફિલ્મના સ્વરૂપે માણવાની ઇચ્છા હોય તો આ રસપ્રદ ફિલ્મ એક વખત ચોક્કસથી જોવી જ જોઈએ.