Featured Books
શ્રેણી
શેયર કરો

દેજાવુ - આંખોનો ગુન્હો - પ્રકરણ ૧

તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈ ઈચ્છા કરી હોય અને એ પૂરી ન થઈ શકી હોય? અથવા ક્યારેક કોઈ એવી ઘટના ઘટી છે જાણે કે એ પહેલાં પણ હુબહુ એમ જ ઘટી ગઈ હોય? અથવા કોઈ એવી વસ્તુ ઘરમાં આવી હોય જેનાં આવતા જ તમને લાભ કે નુકસાન થવાનું ચાલુ થયું હોય? જો હા તો આ વાર્તા કદાચ તમારી જ છે... જરા વાંચી જુઓ...


શરુ થાય છે...

અને પહેલી જ નજરે તમે એ અરીસાના પ્રેમમાં પડી ગયા. તમને પણ ખબર ન રહી કે ક્યારે તમે એ ભંગારવાળાને એનાં મોં માંગ્યા દામ આપીને એ અરીસો તમારાં સ્કૂટીની આગળ સાચવીને મૂકાવ્યો. આ પહેલાં ક્યારેય તમારી સાથે આવું બન્યું નહોતું.

તમે એક કંપનીમાં રિસેપ્શનીસ્ટની જોબ કરતાં હતાં નવ્યા. તમારાં માટે એ જોબ ખૂબ જ અગત્યની હતી. અને એનાથી પણ અગત્યનું હતું ઘરનાં તમામ માણસોને સાચવવાનું. તમારી જિંદગીમાં ફક્ત એક જ મહત્વનું ધ્યેય હતું. તમારી જિંદગીને બને એટલી સરળ રાખવી અને પરેશાનીઓથી પરે રાખવી. કાચની બંગડીઓ, કાચનો ડિનરસેટ, કાચનાં વિવિધ આકારનાં પ્યાલાઓ અને આવી તો કંઈ કેટલીયે વસ્તુઓ લેવાની તમારી ઈચ્છા મનમાં જ રહી જતી.

"નવ્યા, હું સમજું છું કે તારી પણ ઈચ્છાઓ હોય. પણ આપણે મધ્યમવર્ગીય માણસો છે. આપણી ઈચ્છાઓ કરતાં આપણી જવાબદારીમાં વધુ બોજ હોય છે." અશેષ તમને હંમેશાં દિલાસો આપતાં.

"અરે, અશેષ.... ફક્ત થોડાં જ સમયનો ખેલ છે ને? પછી જવાબદારીઓ પૂરી થઈ જશે અને આપણે ફક્ત આપણી જ ઈચ્છાઓ પૂરી કરીશું. બરાબર ને?"તમે હસીને અશેષના ખભે માથું ઢાળી દેતા.

પણ આજે તમારી આ બધી જ મહાન વાતો એક અવાવરું ડબ્બામાં જઈને અવાવરુ બની ગઈ હતી. તમે આજે તમારાં આઠ હજારનાં ગણતરીના પગારમાંથી લગભગ બે હજાર રૂપિયા અરીસો ખરીદવામાં અને ભંગારવાળાને બક્ષિસ આપવામાં ખર્ચી નાંખ્યા હતાં.

નાનપણથી જ તમે મહત્વાકાંક્ષી હતાં. તમને સફળતા અને સમૃદ્ધિ ફટાફટ જોઈતાં હતાં. પરંતુ તમારા માટે એ શક્ય બન્યું નહોતું. એક તો દેખાવમાં સાધારણ રંગરૂપ ધરાવનાર તમે કોઈ આમીર નવયુવાન તમારા પ્રેમમાં પડે એ સ્વપ્નને સાકાર કરી શક્યા નહોતાં. બીજું તમારાં મધ્યમવર્ગીય માતા-પિતાએ તમને એમનાં જેવાં જ મધ્યમવર્ગીય પરિવારનાં યુવાન સાથે સમય થયે પરણાવી દીધાં હતાં. એમની એક ફરજ પૂરી થઈ હતી.

મધુ..... તમારી વ્હાલી દીકરીનાં જન્મ પછી મુશ્કેલીથી તમે અશેષને તમારી નોકરી કરવાની ઈચ્છા માટે મનાવવામાં સફળ થયા હતાં. છતાં આ વાતનો સ્વીકાર અશેષ અને તેનો પરિવાર દિલથી કરી શક્યા નહોતાં. તમે એ લોકોને ખુશ રાખવા અને તમારી નોકરી કરવા બહાર નીકળી પોતાની સૃષ્ટિમાં એ આઠ કલાક જીવવાની એષ્ણાને તમે વળગી રહ્યા હતાં. તમે તમારી મધુની ઈચ્છાઓ પૂરી કરવા કોઈ સમજાવટ ન કરવી પડે એ જ હેતુથી તમારો સાચો પગાર પણ કોઈને કહ્યો ન હતો.

તમે આ અરીસાના મોહમાં એવાં જકડાયા હતાં કે તમે પૈસા આપી છૂટાં પૈસા લેવાનું પણ ભૂલી ગયા હતા. એ તો પેલાં માણસે બૂમ પાડી ત્યારે તમને યાદ આવ્યું.

"અરે ભાભી..! તમારાં પૈસા... "

"હા... સોરી હું તો ભૂલી જ ગયેલી." અવારનવાર આ જ દુકાન પર પસ્તી વેચતા હોવાનાં કારણે એ તમને જાણતો હતો.
પોતાની સ્કૂટીને ચાલુ કરી તમે નીકળી ગયાં ત્યારે તમને એ પસ્તીવાળાનો હાશકારો સંભળાયો હતો અને કદાચ એનો બબડાટ પણ.
"હાશ..! હું તો છૂટ્યો. પ્રભુ આને બચાવજે."
ધીરાં અવાજે થયેલો ગણગણાટ તમારાં સુધી સ્પષ્ટ તો નહોતો પહોંચ્યો પણ હાશકારો તમને પીઠ પર અથડાયો જરૂર હતો.

તમે વર્તમાનમાં પાછાં ફર્યાં અન થોડાં સમય માટે જાણે કે અરીસાના મોહપાશમાંથી જાણે કે મુક્ત થયા.

'અરે, આજે તો મધુની ફી પણ ભરવાની હતી. પણ હવે... ઘણું એડજસ્ટમેન્ટ કરવું પડશે..... આ અરીસો ના લીધો હોત તો સારું થાત.' તમે મનોમન ગણગણ્યા.

બે હજાર રૂપિયાની તમારી જિંદગીમાં શું કિંમત હતી એ ફક્ત એ જ માણસ સમજી શકે તેમ હતું જેણે કંઈ કેટલીયે વખત પોતાની ઈચ્છાઓને ફક્ત પૈસાની તંગીના લીધે મારી હોય.

અચાનક તમારાં વિચારોમાં ખોવાયેલાં તમને એક ઝાટકો લાગ્યો અને તમે અરીસા અને સ્કૂટી સાથે જોરથી રસ્તા પર પડ્યા. અરીસો તૂટીને કરચોમાં વહેચાયો અને એમાંથી બે ત્રણ કરચો તમને પણ હાથમાં લાગી.

"અરે... અરે.... બેન... પણ જોઈને તો ચલાવો.. ? આમ શું અચાનક વળાંક લો છો. હમણાં મરી ગયાં હોત..! અને મરવું જ હોય તો યે તમને મારી જ ગાડી મળી?" ધુઆપુઆ થયેલ ગાડીનો માલિક તમારી મનોસ્થિતિ જાણ્યા વગર જ તમારાં પર વરસી પડ્યો હતો.
ચારેતરફ લોકો ભેગાં થઈ ગયાં હતાં.

પણ તમારી પરિસ્થિતિ કપરી હતી. તમે તમારી જરૂરિયાતનાં પૈસા તમે તમારાં શોખ ખાતર ખર્ચી નાંખ
હતાં. અને એ શોખ પૂરો થાય એ પહેલાં જ ચૂરચૂર થઈ ગયો હતો.
તમે ક્યાંય સુધી તમારી આંખો બંધ રાખી હતી. તમને હાથમાં વાગેલી કરચોની પીડા કરતાં પણ વધુ એ અરીસો તૂટી ગયાની પીડા થતી હતી.

તમે આંખો હળવેથી ખોલી અને આજુબાજુ ફેલાયેલી કરચોને જોઈ તમે નિસાસો નાખ્યો. અને બરાબર એ જ સમયે તમને પેલાં પસ્તીવાળા વેપારીનો હાશકારો યાદ આવ્યો.

અચાનક તમારી આજુબાજુનો માહોલ બદલાઈ ગયો. તમે પેલાં વેપારી પાસેથી સોળસો રૂપિયા અરીસાના અને ત્રણસો રૂપિયા બક્ષિસના આપી સો રૂપિયા પાછા લઈ રહ્યા હતા. તમને નવાઈ લાગી. આ શું થઈ રહ્યું હતું એ તમને ના સમજાયું. તમે સોની નોટ પકડી ઊભાં હતાં. તમે નોટ લઈ તમારાં પર્સમાં મૂકી અને સ્કૂટી ચાલુ કરી. હવે તમારું ધ્યાન રસ્તા પર જ હતું. તમને બીક એ હતી કે હમણાં થોડીવાર પહેલાં જ જ્યાં અકસ્માત થયો હતો ત્યાં પહોંચતા જ તમે સ્કૂટી જરા ધીરે કર્યું અને પાછળથી આવનારી ગાડી કટ મારી આગળ નીકળી ગઈ. અને આગળવાળા બાઇકવાળાને અથડાઈ.

અથડામણમાં બાઈકવાળો બેભાન થઈ પડી ગયો અને લોકોએ એ ગાડીવાળા ને પકડી ખૂબ માર્યો. તમે સાજા અરીસા સાથે ધીરે ધીરે તમારાં ઘરે પહોંચ્યા. તમને એક ગભરાવનારી અકળામણ થઈ રહી હતી.

તમારાં આશ્ચર્ય વચ્ચે એ અરીસાને તમારાં પરિવારમાં બધાંએ આવકાર્યો.

"અરે, તને કેવી રીતે ખબર પડી બેટા કે મારે તમારાં રૂમમાં એક અરીસો લાવવાનો હતો. તારાં પપ્પાએ કહ્યું હતું. હું તો શાક લેવાં ગઈ ત્યારે ભૂલી જ ગયેલી. સવારે તારાં પપ્પ નાહીને નીકળ્યા તો એમનો પગ લપસ્યો અને હાથ લાગતાં તમારાં રૂમનો અરીસો તૂટી ગયો. ચાલ જે થયું તે સારાં માટે. લે આ પચ્ચીસસો ... અરીસો લાવવા આપેલાં તારાં પપ્પાએ. તું રાખ... બાકીના તું ભોગવી લે છે... આમ પણ તું કમાય છે ને?"

તમે સ્તબ્ધ હતાં.. તમારાં સાસુ અટક્યા વગર બોલ્યે જતાં હતાં. આને તમને તમારા ખર્ચાયેલા પૈસા કરતાં વધુ મળી ગયાં હતાં. તમે ખુશ થઈ ગયા. અરીસો તમારા રૂમમાં મૂક્યો અને મધુને લેવાં ઉપડ્યા.