અંતિમ સંસ્કાર મહેશ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતિમ સંસ્કાર

સાચી શાસ્ત્રીય વિધિ અંતિમસંસ્કારની

અગ્નિદાહ, જલાંજલિ આપ્યા બાદ રુદન કરવું ન જોઈએ અન્યથા મૃતકને સગાંસંબંધીઓનાં આંસુ અને કફનું પાન કરવું પડે છે

લગ્ન, ગૃહપ્રવેશ, નોકરી-ધંધાનો આરંભ મહદંશે શાસ્ત્ર અનુસાર, શુભ મુહૂર્તમાં, વિધિપૂર્વક કરવામાં આવતાં હોય છે, પરંતુ સોળ સંસ્કારોમાં અંતિમસંસ્કાર ભાગ્યે જ વિધિપૂર્વક શાસ્ત્ર સંમત રીતે કરવામાં આવે છે. ભવ્ય સ્મશાનયાત્રા, ભવ્ય પ્રાર્થનાસભા, ભજન સંધ્યાનું ખર્ચાળ આયોજન મૃતક પાછળ કરવામાં આવે છે પણ જે મૃતકની સદ્ગતિ માટે આવશ્યક છે તે શાસ્ત્રીય વિધિ અનુસાર અંતિમસંસ્કાર કરવામાં આવતા નથી. આજે અંતિમસંસ્કારની શાસ્ત્રીય વિધિનો પરિચય મેળવીશું.

અંતિમસંસ્કાર બે પ્રકારે કરવામાં આવે છે, જ્યારે મૃત શરીર હોય અને જ્યારે મૃત શરીર ઉપલબ્ધ ન હોય. આજે મૃત શરીર ઉપલબ્ધ હોય તો તેના વિધિપૂર્વક અંતિમસંસ્કાર કેવી રીતે કરવા જોઈએ તેનો વિચાર કરીશું.

કોઈ પણ વ્યક્તિ મરણ પામે તો મૃતકના પુત્ર કે પૌત્રે કાંધ આપવી જોઈએ એટલે મૃતકની ઠાઠડી ખભે ઊંચકવી જોઈએ. શારીરિક સક્ષમતા ન હોય તો પાંચ ડગલાં પણ ખભે ઠાઠડી ઊંચકીને ચાલવું જોઈએ. મહાનગરોમાં મહદંશે મૃતકને શબવાહિનીમાં લઈ જવામાં આવે છે. ઘરથી સોસાયટીના દરવાજા લગી તો મૃતકને કાંધ આપીને જ લઈ જવો જોઈએ.

વ્યક્તિ મરણ પામે ત્યારે સૌ પ્રથમ ગાયના છાણથી ભૂમિને લીંપવી જોઈએ. પાણીથી લીંપેલા ભાગને રેખાંકિત કરવો જોઈએ. લીંપેલા ભાગ પર તલ, ડાભ - દર્ભ પાથરવા જોઈએ અને તેની પર મૃતકનું શરીર ગોઠવવું જોઈએ. ત્યાર બાદ મૃતકના મુખમાં સુવર્ણ, પંચરત્ન, તુલદીદળ, ગંગાજળ નાખવાં જોઈએ. સુવર્ણ, પંચરત્ન મુખમાં નાખવાની આર્થિક ક્ષમતા ન હોય તો તુલસીદળ - ગંગાજળ તો નાખવાં જ જોઈએ. બાજુમાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ પ્રમાણે શાસ્ત્રીય વિધિ પ્રમાણે મૃતકના શરીરને ગોઠવવામાં આવે તો વ્યક્તિને અન્ય યોનિ-જન્મ લેવામાં સરળતા રહે છે અન્યથા વાયુલોકમાં તેનો આત્મા ભટકતો રહે છે, તેવું શાસ્ત્રનું કથન છે.

મૃતકના બન્ને હાથમાં પણ ડાભ મૂકવા જોઈએ, આવું કરવાથી મૃતકને વૈકુંઠ પ્રાપ્ત થાય છે, તેવું શાસ્ત્રનું કથન છે. વ્યક્તિ મરણ પામે ત્યારે કુટુંબીજનોએ પોતે સ્નાન કરીને મૃતકના શરીરને પણ નવડાવવું જોઈએ, માત્ર ભીના વસ્ત્રથી લૂછવામાં આવે તો ન ચાલે. મૃતકના શરીરને નવાં કોરાં વસ્ત્ર ધારણ કરાવવાં અને અંગ પર ચંદનનો લેપ કરવો જોઈએ.

અંતિમસંસ્કારમાં છ પિંડ આપવામાં આવે છે. પહેલો પિંડ મૃત્યુ સ્થાન પર, બીજો પિંડ ઘરના મુખ્ય દરવાજા પર, ત્રીજો પિંડ ચાર રસ્તા આગળ, ચોથો પિંડ, વિશ્રામસ્થાન પર, પાંચમો પિંડ ચિતા પર અને છઠ્ઠો પિંડ અસ્થિ ભેગી કરવામાં આવે ત્યારે આપવામાં આવે છે.

મૃતકના શરીરને શબવાહિની મારફત સગાં-સંબંધી - મિત્રો સાથે સ્મશાન ઘાટ લઈ જવું જોઈએ. ઘરથી સ્મશાન ઘાટ તરફ પ્રયાણ કરતી વખતે ‘રામ બોલો ભાઈ રામ’ સતત બોલતા રહેવું જોઈએ. સ્મશાનયાત્રા તથા દાહ સંસ્કાર વિધિ દરમિયાન ટોળાં-ટપ્પા-મજાક-મશ્કરી કરવી જોઈએ નહીં, યથા સંભવ ઈષ્ટદેવનું નામસ્મરણ કરતા રહેવું જોઈએ.

મૃતકના શરીરને સ્મશાનભૂમિ પર દક્ષિણ દિશામાં માથું કરીને ગોઠવવું જોઈએ. અગ્નિસંસ્કાર માટે સગાં-સંબંધીઓએ ઘાસ, લાકડા, તલ, ઘી લઈને જવું જોઈએ. મહાનગરોમાં અગ્નિસંસ્કાર માટે લાકડાં મફત મળતા થયાં છે. ઉત્તર પ્રદેશ તથા કેટલાક પ્રાંતોમાં સ્મશાનયાત્રામાં સામેલ ડાઘુઓ પોતાની સાથે લાકડાં, ઘાસ-પૂળા લઈને આજે પણ આવે છે. મહાનગરમાં આ શક્ય નથી, પરંતુ દાહ સંસ્કાર માટેની સામગ્રી લાકડાં, વગેરે કદી પણ મફતમાં લેવાં જોઈએ નહીં. મફત મળતાં હોય તો દાનમાં કિંમત ચૂકવી દેવી જોઈએ.

અગ્નિસંસ્કાર કરતાં પહેલાં મૃતકના શરીરને સ્વચ્છ જમીન પર ગોઠવવું જોઈએ. અન્ય કોઈના દાહ સંસ્કારની રાખ, હાડકાં પડ્યાં હોય તેના પર દાહ સંસ્કાર કરવા જોઈએ નહીં. અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવેલા અગ્નિને પણ સ્વચ્છ ભૂમિ પર સ્થાપિત કરવી જોઈએ.

શબને ચિતા પર મૂકીને આગ ચાંપ્યા બાદ અડધું શરીર બળી જાય ત્યાર બાદ તલ મિશ્રિત ઘીની આહુતિ આપવી જોઈએ. ત્યાર બાદ સગાં-સંબંધીઓએ રુદન કરવું જોઈએ. આમ કરવાથી મૃતકના આત્માને પરમ શાંતિ મળે છે, તેવો શાસ્ત્રનો મત છે.

અગ્નિસંસ્કાર કર્યા બાદ દૂધ-જળથી ચિતા શાંત કરીને અસ્થિ ભેગાં કરવાં જોઈએ. ત્યાર બાદ સંગાં-સંબંધીઓએ વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા બાદ મૃતકના આત્માની શાંતિ અર્થે તલ મિશ્રિત જળથી અંજલિ આપવી જોઈએ.

અગ્નિસંસ્કાર - શબદાહ, જલાંજલિ બાદ કોઈએ પણ રુદન કરવું જોઈએ નહીં. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે રુદન કરવાથી મૃતકને સંગા-સંબંધીઓનાં આંસુ અને કફનું પાન કરવું પડે છે. ઘરે પહોંચીને લીમડાંનાં પાંદડાં ચાવીને કોગળા કરવા જોઈએ.

મરણ પંચક નક્ષત્રો કે જેને મડાપંચક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નક્ષત્રો - ઘનિષ્ઠાનાં અંતિમ બે ચરણ, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતીમાં થયું હોય તો દાહ સંસ્કાર પહેલાં પંચક શાંતિ કરવી જોઈએ. ઘણાં સ્થાને ડાભનાં પાંચ પૂતળાં બનાવીને મૃતકના શરીર સાથે તેનો પણ અગ્નિદાહ દેવામાં આવે છે.

વેદકાળમાં મૃતકનું શરીર બળતું હોય ત્યારે મંત્ર સાથે હવન કરવામાં આવતો હતો. આજે પણ ગાયત્રી પરિવાર કે આર્ય સમાજના કાર્યકરો આ પ્રકારની વિધિ સંપન્ન કરી આપે છે.

જેનું મૃત શરીર જ મળ્યું ન હોય, જંગલી પ્રાણીએ ખાઈ લીધું હોય, હોનારતના કારણે શરીર મળી શક્યું ન હોય તેના પણ અંતિમસંસ્કારની વિધિનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવેલું છે તે અંગે ફરી ક્યારેક ચર્ચા કરીશું.