Sachu Kon books and stories free download online pdf in Gujarati

સાચુ કોણ ?

ડીલક્સ પાનનાં ગલ્લે આવીને મેં પાનમાવો લીધો. ઘણીવાર સુધી આમતેમ આંટા માર્યા. સમય ન જતા બાજુની દુકાને નાસ્તો પણ કર્યો. હજુ પણ આકાશ આવ્યો ન હતો. આકાશને બે વખત મોબાઇલ કર્યા પણ એ ઉપાડતો જ ન હતો. હવે હું ખરેખર કંટાળ્યો હતો. મારે આકાશ પાસેથી પાર્ટી લેવાની હતી. આકાશ પાસે મેં કાંઇ સામેથી પાર્ટી માગી ન હતી. એણે જ પત્રકાર તરીકેની નવી નોકરી મળ્યાની ખુશીમાં પાર્ટીની વાત કહી હતી, અને આજે આમ એ ગુલ્લી મારી જાય તે કેમ ચાલે ? મનોમન બે ગાળ પણ ચોપડાવી દીધી.

હવે મેં મારા મોબાઇલમાંથી આકાશને સતત કોલ કરવાનું શરૂ કર્યુ. આખરે આકાશે ફોન ઉપાડ્યો ખરો.

‘હલ્લો ક્યા છો ? (ગાળ), કેમ નાં આવ્યો ? આયા તારો બાપ એક કલાકથી તારી રાહ જોઇ રહ્યો છે. હવે આવીશ કે નહિ ?’

‘હું આવવાનો જ હતો … પણ થોડા કામસર અટવાઇ ગયો છું!’

‘તો પાર્ટીનું શું ?’

‘પાર્ટી તો તને આપવાની જ છે, પણ અચાનક જ કામ આવી પડ્યું છે. હવે સાંજે રૂબરૂ મળીશું ત્યારે ચોક્કસ પાર્ટી કરીશું.’

મેં ફોનમાં જ એને ગાળ દઇને ફોન મૂકી દીધો. સાલો લબાડ,… બોલતા હવે સમય ક્યાં પસાર કરવો તે વિચારતો હું ત્યાં ગલ્લે જ ઊભો રહ્યો.

‘ભાઇ, એક બીજી સિગારેટ કે માવો આપી દઉં કે ?’, પાનવાળાએ કહ્યું.

હું સમજી ગયો કે આડકતરી રીતે એ બીજા ઘરાક માટે જગ્યા કરવાનું કહે છે. હું ત્યાંથી મારૂ બાઇક લઇને નીકળી ગયો. હાઇવે ઉપર બાઇક લઇને ઘીરે ઘીરે જવું મને ગમે છે. બાઇક લઇને હું હાઇવે ઉપર ચડી ગયો. રસ્તા ઉપર ખાસ વાહનો દેખાતા ન હતાં. પાણી થોડું વધારે પીવાથી શહેરથી દુર પાંચેક કિલોમીટર નીકળીને રસ્તાની સાઇડમાં હું હળવો થવા માટે ઊભો રહ્યો.

ત્યાં જ અચાનક જ એક પુરૂષ મારી પાસે દોડતો હાંફતો આવી પહોંચ્યો. એનાં કપડા લઘરવઘર હતાં. એ મને કહેવા લાગ્યો, ‘ભાઇ, તમે મારી એક મદદ કરશો ?’

મને તરત જ એને ધુત્કારીને ના કહેવાનું મન થઇ ગયું, પણ એની ભાષામાં સભ્યતા હોવાથી મેં કહ્યું, ‘બોલો, શી મદદ જોઇએ છીએ. ૧૦૦ રૂપિયા આપું?’

‘ના, … કેટલાક લોકો મારો પીછો કરી રહ્યાં છે. મને અહીંથી જલ્દી સલામત સ્થળે લઇ જશો ? … ભાઇ, જલ્દી જવાબ આપો. નહિતર હું મારો રસ્તો કરી લઉં.’

મેં અનિચ્છાએ કહ્યું, ‘બેસ ત્યારે.’

થોડે દૂર જતા મને લાગ્યું કે એ હવે થોડો નચિંત થયો છે. હું કોઇ જોઇ ના શકે કે પકડી ના શકે એવા રસ્તા ઉપર બાઇક લઇ ગયો અને ત્યાં બાઇક ઊભું રાખ્યું.

‘હવે બોલ, તું કોઇ ગુનેગાર કે હત્યારો તો નથી ને ?’

‘ભાઇ, હું જેલમાંથી ભાગી છુટ્યો છું.’

આ સાભળીને હું અસ્વસ્થ થઇ ગયો. મારી મૂંઝવણ જોઇને એ બોલ્યો, ‘પણ હું કોઇ હત્યારો કે ગુનેગાર નથી.’

મેં ગુસ્સામાં કહ્યું, ‘બધા ગુનેગારો આમ જ કહેતા હોય છે.’

‘તો સાંભળો મારી વાત.’, એણે કહ્યું.

…..

‘હું, મારી પત્ની અને અમારી નાનકડી પુત્રી! અમે ત્રણેય ખુશ હતાં. હું પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. સાંજે આવીને અમે ત્રણે નિયમિત ચાલવા જતા. ધીરેધીરે એવું બનવા લાગ્યું કે એકબાજુ મારી ટુંકી આવક અને બીજી બાજુ મારી પત્નીનાં સપનાઓ વધારે પડતાં મોટા હતાં. પત્નીની વાતોથી હું ઘણીવાર અકળાઇ જતો. હું વધારેને વધારે કમાવા ખુબ જ ઓવરટાઇમ કરતો. સાંજે થાકીને આવીને જ્યારે અમે સાથે  ટીવી જોવા બેસતા અને એ બકવાસ સીરીયલોમાં વિશાળ ઘરમાં જે રીતે સ્ત્રીઓ ઠાઠમાઠથી ફરતી રહેતી ત્યારે મને થતુ કે આ મનોરંજન નથી, પણ મધ્યમવર્ગીય ઘર અને સપના તોડવાનું માધ્યમ છે. મારી પત્નીને બાહ્ય આડંબર પણ ગમતાં, પણ તે એ જાણતી ન હતી કે એ બાહ્ય આડંબરથી અન્ય કોઈને લાભ નથી, પણ પોતાને જ નુકશાન છે. કોઇપણ ભોગે સુખ મેળવવા માંગતા લોકોથી હું દૂર રહેતો, પણ અહી મારી પત્ની જ એમાંની એક હતી. માત્ર મારી નાનકડી દીકરી ખાતર હું ચુપ રહેતો.

માત્ર ઘન આપણને સુખી ન રાખી શકે તો ગરીબી કે અભાવ પણ તમને ખુશ રાખી ન શકે, અને એટલે જ વધુ ને વધુ પૈસા કમાવા તરફ હું દોડતો, કેમ કે મને ખબર પડી ગઇ હતી કે મારા કુટુંબને હવે આ રસ્તો જ બચાવી શકશે. આમ છતાં પૈસા કમાવામાં મારી એક મર્યાદા આવી ગઇ હતી.

સ્ત્રી માત્ર પ્રેમ કરી શકે છે અથવા તો નફરત કરી શકે છે. વચ્ચેનો રસ્તો એને ખબર નથી. મારી પત્નીને જો એ રસ્તાની ખબર હોતને તો પણ મારૂ કુટુંબ તૂટતું બચી જાત, પણ કમનશીબે હું એ કરી ન શક્યો.

મારી પત્ની મારી જ બાજુની સોસાયટીમાં રહેતા એક ધનિક પણ યુવાન પોલીસ એવા વિધુરનાં પ્રેમમાં પડી. એક દિવસ હું જ્યારે ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે એ ત્યાં ચાલી ગઇ છે. સાથે સાથે મારી નાનકડી દીકરીને પણ એ લઇ ગઇ હતી.

પત્નીને તો હું પહેલેથી જ મનથી ખોઇ ચુક્યો હતો. તેનાં જવાનો મને કોઇ અફસોસ ન હતો. ત્યાં જઇને મેં ખુબ જ ઝઘડો કર્યો.

પોતાનો નવો પતિ પોલીસમાં હોવાથી યેનકેન પ્રકારે મને જેલની પાછળ ધકેલી દીધો.

થોડા જ સમયમાં મહામુશ્કેલીએ જેલમાંથી નાસીને ફરી વખત હું તેને ત્યાં હું મારી દીકરીને લેવા ગયો. મારી પત્નીએ જ બારણું ખોલ્યું. અત્યાર સુધી હું મારી પત્ની સમક્ષ એક લાચારની જેમ જ વ્યક્ત થયો હતો એટલે એ પણ મારી સાથે એવો જ વ્યવહાર કરતી હતી, પણ હવે હું કોઇપણ ભોગે મારી દીકરીનો કબજો લેવા માંગતો હતો. દીકરી બાબતે અમારી વચ્ચે ફરીથી ત્યાં જ ખુબ ઝઘડો થયો. એણે પોલીસ બોલાવવાની તૈયારી કરતાં હું ત્યાંથી પણ ભાગ્યો. અત્યારે તો હું ચાલ્યો જઇશ પણ મારૂ ધાર્યુ તો હું કરવાનો જ છું.

એમ કહીને રસ્તામાં નીકળેલી એક બસને રોકીને તેમાં જ એ દૂર દૂર ચાલ્યો ગયો.

…..

સાંજે હું અને આકાશ ભેગા થયા. આકાશે મને કહ્યું, ‘ લે જો, તારા આ દોસ્તારે તૈયાર કરેલો આ પહેલો જ અહેવાલ.’

અહેવાલ લઇને હું વાંચવા લાગ્યો. અહેવાલમાં લખ્યું હતું, ‘જેલમાંથી એક ખુખાર કેદી ફરાર. નિર્દોષ પત્નીને તરછોડયા બાદ તેનાં બીજા ઘરે જઇને તેનાં પર હુમલો કરીને ભાગી છુટેલો ખુખાર કેદી. તે પકડાઇ પણ જાત પણ કોઇ મુર્ખએ તેને ભાગવામાં મદદ કરી હતી તેનું વર્ણન પણ એ અહેવાલમાં હતું.’

મારી નજર સમક્ષ થોડા કલાકો પહેલાનાં દ્રશ્યો આવી ગયા. પેલાની સભ્ય ભાષા ઉપરથી તો મને એ નિર્દોષ જ લાગી રહ્યો હતો. મેં ઘા કરતો હોય એમ આકાશને તેનો અહેવાલ પાછો આપ્યો.

‘એક નાનકડી પાર્ટી માટે આટલો બધો ગુસ્સો વ્યાજબી ન કહેવાય.’ કહીને એણે પાર્ટી માણવા માટે મને ધબ્બો મારીને ઊભો કર્યો.

હું કતરાઇને ગુસ્સાથી મારા મિત્ર આકાશ સામે જોઇ જ રહ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો