એક ઘૂંટડો છાસ Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ઘૂંટડો છાસ

(બાલ મિત્રો. હું જ્યારે નાનો હતો. ત્યારે મારા દાદીમા.મને વાર્તાઓ કહેતા.એમાની એક વાર્તા રજૂ કરું છું. કદાચ ગમશે.)
એક નાનકડા ગામમાં. વાઘજી. એની પત્નિ મણિ સાથે ખુશ હાલ જીંદગી જીવતો હતો.એની પાસે બહુ મોટું ખેતર તો ન હતું. ફક્ત અઢી વીઘા જમીન હતી. એમાં. પતિ પત્ની બેવ મહેનત કરતા અને ખુશીથી જીવન વ્યતીત કરતા.બન્ને દરેક રીતે ખુશ હતા. પણ એકજ વાતની એમને ખોટ હતી. અને એ હતી શેર માટીની. અને ઈશ્વરે એમની એ ખોટ વીસ વર્ષે પુરી કરી.કલેયા કુંવર જેવો એમના ઘરે દિકરો અવતર્યો. એનુ નામ મણિએ ઘણા હોશથી ગાંગજી રાખ્યુ.
વાઘજીની ઈચ્છા હતી કે ગાંગજીને ખુબ ભણાવવો. જેથી એને મારી જેમ ખેતર માં હળ નો હાંકવા પડે. સારી એવી સરકારી નોકરી મળી જાય તો ભયો ભયો. ખેતીના કામમાં મહેનત બોવ. અને સામે મહેનત જેટલું વળતર નોતું મળતુ. એટલે એણે નક્કી કર્યું હતું કે મારે ભલે તનતોડ મજૂરી કરવી પડે પણ મારા ગંગલા ને તો ભણાવે પાર.
પણ માણસની બધી જ ઈચ્છાઓ પૂરી થવા મંડે તો તો જોઈએ જ શુ? ગાંગજી બાર વર્ષ નો થયો. સાતમા ધોરણમાં દાખલ થયો. અને વિધિના કદાચ આવા લેખ લખાયા હશે. વાઘજી એક દિવસ ખેતરમાં રોંઢો કરીને બે ઘડી આરામ કરતો હતો. અને ક્યાંકથી એક કાળોતરો આવ્યો અને પગે એવો દંશ દીધો કે વાઘજી ના રામ રમી ગયા. ઘરનો બધો ભાર હવે મણિ પર આવ્યો. અને એણે એ ખુશી ખુશી ઉપાડી લીધો. ગાંગજીને ભણાવવાનું જે સપનું પોતાના પતિએ જોયું હતું એ સાકાર કરવા એ પારકા કામ કરીને ગાંગજીને ભણાવવા લાગી. ગાંગજીએ બારમું પૂરું કર્યું. પણ હવે ઉંમર મણિને વર્તાવા લાગી હતી.એટલે ગાંગજીએ પોતાની માને કહ્યું કે.
'બા. હવે હું આગળ ભણવાનું પડતું મુકીને ક્યાંક કામે લાગી જાવ.' પણ મણિમા તરત બોલ્યા.
' ના હો. ભણવાનું તો તારે પુરુ કરવાનુ જ છે.'
'બા. તારી ઉંમર તો જો.તું આમ ઢસરડા કરે અને હું ઢાંઢો ભણતો રવ. બસ બોવ ભણી લીધું હવે.'
' તારા બાપાની ઈચ્છા હતી ને તને પંદરમી સુધી ભણાવવાની?શુ તુ તારા બાપની ઈચ્છા પૂરી નય કરે?.
'પણ મારાથી હવે નથી જોવાતું બા. કે તુ આ ઉંમરે મજૂરી કરે.'
' બેટા. ત્રણ વર્ષની તો વાત છે. તને મારી દયા આવતી હોય. તો કોલેજે થી આવીને તારાથી થાય એવી મદદ કરજે ને.' મણિમાં એ ગાંગજી ને સમજાવતા કહ્યું. ગાંગજીને પણ આ વાત ગળે ઉતરી ગઈ. અને એણે પણ પોતાના જોગુ કામ ગોતી લીધું.
ગાંગજી પંદરમી પાસ થઈ ગયો. પણ ભણતા ભણતા એને બાજુના પરબતયા ગામના સરપંચની છોકરી નીલમ સાથે પ્રેમ થઈ ગયો નીલમ પણ એને પસંદ કરતી હતી. સરપંચને જ્યારે આ વાતની ખબર પડી તો એણે ગાંગજી વિશે માહિતી મેળવી. છોકરો એમને સારો લાગ્યો. એટલે એ સામે થી માગુ લઈને મણિમા પાસે આવ્યા.
' મણિબેન.હું પરબતિયા ગામનો સરપંચ છુ. ગાંગજી અને મારી દિકરી નીલમ સાથે જ કોલેજમાં ભણતા તા. અને બેવ એક બીજાને પસંદ કરે છે.મને પણ ગાંગજી ગમે છે. જો તમને વાંધો ન હોય તો.તમેય એક વાર મારી દીકરીને જોઈ લ્યો. જો તમને ગમે તો આગળ વાત વધારીશું.' સરપંચની વાત સાંભળીને મણિમાં તો રાજી રાજી થઈ ગયા. એ બોલ્યા.
" જો ગાંગજી ને તમારી છોડી ગમતી હોય તો એનાથી રુડું શુ?હું આઘડિયે ગંગલા ને પુછી જોવ. જો એ હા પડે તો ખાઈ લઈએ ગોળ ધાણા.' આમ કહી મણિમાં એ હાંક મારી.
" ગાંગજી.એય ગાંગજી આય આયતો.' ગાંગજી આવીને હાથ બાંધીને ઉભો રહ્યો.
'શુ છે બા?'
'આ સરપંચ બાપા કે છે ઈ હાચુ છે?તને એમની છોડી ગમે છે.?' જવાબ માં ગાંગજીએ સમંતિમા માથુ હલાવ્યું. એ જોઈને મણિમાંએ હાશકારો કર્યો.
' તે તો મારા માથેથી મણ એકનો ભાર હળવો કર્યો. તારા હાટુ કન્યા જોવાની કાશ ટળી.'
ગાંગજી અને નિલમના લગ્ન થઈ ગયા. સરપંચની ઓળખાણથી ગાંગજીને નોકરી પણ મળી ગઈ. મણિમાં નો નાનો એવો પરિવાર સુખેથી જીવન વ્યતીત કરવા લાગ્યું. લગ્નના દોઢ વર્ષે નિલમનો ખોળો ભરાણો.ઈન્દ્રદેવ જેવો.રુપરુપના અંબાર સરીખો પુત્ર જન્મ્યો. મણિમાએ આખા ગામને પેંડા ખવરાવ્યાં.
મણિમાએ પોતાના પૌત્રનું નામ મેઘજી રાખ્યું. દાદીને પૌત્ર વગર ઘડીકે નો હાલે અને પૌત્રને દાદી વગર. મણિમાં જાણે સ્વર્ગમાં જીવતા હોય એમ પોતાના ઘરમાં સુખ ભોગવવા લાગ્યા.
મેઘજી પાંચ વર્ષનો થયો ત્યારે. નિલમે એક કન્યાને જન્મ આપ્યો. કન્યા જાણે. સ્વર્ગમાં થી ઉતરેલી અપ્સરા જોઈ લ્યો. એવી રુપાળી જાણે માં અંબા સાક્ષાત પ્રગટ થયા.શરીરે કોમળ એવી જાણે માખણ નો લોંદો. નામ રાખ્યુ રૂપા.
દીકરીના જન્મ્યા પછી ગાંગજીની જવાબદારી વધી ગઈ. મેઘજીને પણ હવે નિશાળમાં નાખ્યો હતો. એટલે એ આવક વધારવાના વિચારો કરવા લાગ્યો. એના જ ગામનો એનો ભાઈબંધ રમેશ શહેરમા નોકરી કરતો અને સારુ એવુ કમાતો. ગાંગજીએ એને પોતાના લાયક કોઈ સારી નોકરી હોય તો ગોતવા માટે લખ્યુ. અને રમેશે વળતી ટપાલે એને શહેર મા આવી જવા લખ્યુ.
ગાંગજીએ શહેર જાવાની તૈયારી શરૂ કરી. મણિમાની રજા લીધી. અને નીલમને પોતાની માની સારી રીતે સેવા ચાકરી કરવાની ભલામણ કરીને શહેરમા નોકરી કરવા રવાના થયો.
ગાંગજીના જતાજ નીલમે પોતાનુ પોત પ્રકાશ્યું. એને ખબર હતી કે ગાંગજી હવે વર્ષ પહેલા નથી આવવાનો. સહુથી પહેલાં એણે એમની જે જગ્યા હતી. એના ઠેઠ છેવાડે એક ઝુપડી બાંધી. મણિમાએ જ્યારે પુછ્યુ કે.
" કેમ બેટા આ ઝૂપડુ કા બાંધ્યું?." તો સાવ નફ્ફટાઈ થી એ બોલી.
"આજથી તમારે ત્યાજ રેવાનું છે. સમજ્યા?."
" કા વોવ મારો કંઇ વાંકગુનો?" દયામણા અવાજે મણિમાએ પુછ્યુ.
" હા. તમે ઘરડા થયા ઈ જ તમારો વાંક. છોકરા નુ મારે ઘ્યાન રાખવું કે તમારું?. મારાથી બધે નહી પુગાય. તમે તમારું કરો. હુ મારું કરીશ." નીલમે તડ ને ફડ કહી દીધું.
" પણ છોકરાવ નું ઘ્યાન તો હુ રાખુ છુ ને?" માએ દલીલ કરી જોઈ. પણ નીલમે કરડાકીથી કહ્યુ.
" સો વાત ની એક વાત. તમારે ત્યાજ ઝૂપડામાં રેવાનુ છે.હવે મારું માથું ન ખાશો. હુ બે ટંકનું ખાવાનું મોકલી દઈશ. હવે વાત થઈ પુરી."
મણિમાંએ ના છુટકે ઝૂંપડીમાં રહેવા જવું પડ્યું. પાસઠ વરસના માં સવારે ઉઠીને દુધ વગરની ચા હાથે બનાવીને પી લેતા પોતાના કપડાં હાથે ધોઈ લેતા. નીલમ મેઘજી સ્કૂલે થી આવે ત્યારે એના હાથે માં માટે જમવાનું મોકલી આપે. જાણી જોઈને માનું શાક કે દાળ એવુ તીખું બનાવે કે માં થી સિસકારા નીકળી જતા. રોટલા ને શાક સાથે મા ને રોજ છાસ પીવા જોતી.પણ માં ઝૂંપડીમાં રહેવા ગયા પછી મા ની છાસ સાવ બંધ થઈ ગઈ. અઠવાડીયા સુધી તો મા કંઈ બોલ્યાં નહી. પણ જ્યારે પેટમાં છાસ વગર બળતરા થવા લાગી ત્યારે એમણે પોતાનાં પૌત્રને દયામણા સ્વરે કહ્યું.
"દિકરા. મારાં હાટુ થોડી છાસ લય આય ને. બોવ પેટમાં બળે છે." મેઘજી દોડતો ક ને ઘરે ગયો. અને એની મા ને બોલ્યો.
"બા. બા. દાદી માટે થોડી છાસ આપને. દાદીને પેટમાં બળે છે."
"એમ? ડોસીને પેટમાં બળે છે કાં? એને કે છાસ જોતી હોય તો આય આવીને પીય જાય. જા કે એને."
"મને આપને. હુ દયાવું છુ."
"હવે તને કીધુ એટલુ કરને."મેઘજી ને વડચકુ ભરતા નીલમ બોલી." મેઘજી પાછો દાદી પાસે આવ્યો.
"દાદી. દાદી. બા કે છે. કે છાસ પીવી હોય તો ન્યા આવો."
"બટા. કેટલી આઘી મારી ઝુપડી બાંધી સે. ન્યાં સુઘી હાલવા ની તેવડ મારા ટાંટીયામા ક્યાસે સે?. પણ પેટમાં એવી બળતરા ઉપડી સે કે છાસ પીધા વના સુટકો નથ. હાલ ગગા. તુ મોર થા. હુ હળુ હળુ આવુ સુ." મેઘજી દાદીનો હાથ પકડતા બોલ્યો.
"મારો હાથ ઝાલો દાદી. નકર પડી જાહો." મણિમા મેઘજીનો હાથ પકડીને ગાંગજીના ઘર તરફ ચાલવા લાગ્યા. આઘે થી નીલમે જોયુ કે મેઘજી દાદીનો હાથ પકડી ને આવી રહ્યો છે તો. એ ગુસ્સા થી તાડુકી.
"એલા દોઢડાહ્યા. હાથ મેલી દે ડોહિનો."
"તો દાદી પડી જાહે." મેઘજીએ દલીલ કરી.
"કંઈ નઈ પડે. તુ મેલી દે હાથ અને દોડીને અંય આવતો રે." જવાબમાં મેઘજીએ નકારમા ફ્કત ડોકુ ધુણાવ્યું.
"આવસ કે નઈ?" ધમકી ભર્યા સુરે નીલમે કરડાકીથી કહ્યુ.
"જાને ભઈ. હવે પુગવા આવ્યા. હુ આવુ સુ હળુ હળુ." દાદીમાએ આજ્ઞા કરી તો મેઘજી દોડીને એની મા પાસે આવ્યો. નીલમે મેઘજી ને કહ્યુ.
"જૉ જો. દકકા. ડોશી કેવી ડગુ મગુ કરતી હાલે સે. કેવી મજજા આવે સે જોવાની કાં."
"તને દાદી ઉપર દયા નથ આવતી.?" મેઘજી નો સવાલ સાંભળીને નીલમે એને તતડાવી નાખ્યો.
" હવે વેવલો થામા." ત્યા મણીમા ઉંબરે પુગ્યા. ને હાફતા હાફતા બોલ્યા.
"લાવ વોવ. તારા ક યા પ્રમાણે હુ આય લગણ આવી. હવે તો છાસ પા. પેટમા આગ ઉપડી સે."
"દવ સુ. ડોહી. પણ હજી ય બેત્રણ કામ કરવાના સે હો. એ કર્યા પસી જ હુ છાસ દઈશ."નેણા નચાવતા નીલમ બોલી.
"હવે હુ કરવાનું સે ઝટ કઈદે. તે એય કરી નાખું. બવ બળે સે પેટમા." મણિમાં કરગરતા બોલ્યા.
"આ તમારા ઝટિયા બોવ વધી ગ્યા સે બા.માથે તોલો કરાવવો પડશે." હવે ડોશીમા શુ જવાબ દે છે એ જાણવા મણીમાં ના મોઢા સામે નીલમ કમરે હાથ દઈને તાકી રહી.
"તે મારે તોલો કરાવવો પડશે?"
"હુ બળજબરી નથ કરતી. આતો તમારે છાસ પીવી હોય તો."
" પેટમા અગન ઉપડી સે છાસ પીધા વિના છુટકો નથી. ભલે તોલો કરાવવો પડે. બોલાય વાળંદ ને."મણિમાએ ટકો કરાવવાની રજા આપી કે તરત નીલમે મેઘજી ને કહ્યુ.
"જા તો મેઘજી. બાબુકાકાને બોલાય આવતો."
"મા. દઈદેને માને છાસ." મેઘજીએ બીતા બીતા કહ્યુ.
"હવે જાસ કે લવ ખાહડુ.?"નીલમે મેઘજી ને ધમકાવ્યો. માર ની બીકે મેઘજી દોડીને બાબુ વાળંદને બોલાવવા ગયો. પાંચ. મિનિટમાં વાળંદ આવ્યો.
"બોલો. બેન કોના વાળ કાપવાના છે."
"આ મારી હાહુ ને માથે તોલો કરાવવો સે" મણિમાં તરફ ઈશારો કરતા નીલમ બોલી.
"લે. હુ કામ મા. આ ઉમરે કા ટકો કરાવો સો?" મણિમાં કંઈ જવાબ દે એ પેહલા નીલમ બોલી.
"એમના માથામાં ખુબ ટોલા પડ્યા સે હવે એ ટોલાને કાઢવા તોલો કરાવવો સે. હાલો હવે ઝટ કરો." વાળંદ તો ફટાફટ માડીને માથે ટકો કરીને જતો રહ્યો. એટલે મણિમાએ કહ્યુ.
"હવે તો તારા કીધા પરમાણે માથે તોલોય કરાવી નાખ્યો. હવે થોડી છાસ દયોને. બોવ બળે સે પેટમા."માએ કાકલુદી કરતા કહ્યુ.
"બસ હવે તમારે એકજ કામ કરવાનું સે. એ પતાવો તો દોણી ભરીને છાસ દવ."
"પેટમા કાળી બળતરા હાલી સે બટા. હવે હુ કરવાનું બાકી સે?" માએ દયામણા સ્વરે પુછ્યુ. નીલમે મણિમાને ઝાંઝરા અંબાવતા કહ્યુ.
"આને પગે બાંધો. અને જરીક નાચીને દેખાડો બસ."
"હવે મારે આ ઉમરે બે ઘૂંટડા છાસ હાટુ નાચવું પડશે વોવ?"મણિમાની આંખોમાં ઝળળિયા આવી ગયા.
"નો નાચવું હોય તો તમારી મરજી. જેમ આવ્યાતા તેમ તમારી ઝૂંપડીએ વેતા પડો."નીલમ કડવાશ ભર્યા સુરે બોલી.
"પેટમા અગન ઉપડી સે વોવ. લાવો ત્યારે ઝાંઝરા. પણ એટલું યાદ રાખજો કે પરભુ હંધુય જુવે સે."
"એ ભલે જુવે." નીલમે છણકો કર્યો. મણિમાએ પગમા ઝાંઝરા પેર્યા. ત્યા નીલમે ખાલી દોણી એમના માથે મુકી અને બોલી.
"લ્યો. હવે નાચો." બિચારા મણિમા બે હાથે દોણી પકડીને હળુ હળુ નાચવા લાગ્યા. આંખમાંથી આંસુ પાડતા જાય. અને મુખેથી પોતાના ગાંગજીને યાદ કરતા આ ગીત ગાતા જાય.
"જોજે પૂતર ગાંગા.
જોજે પૂતર ગાંગા
નાચે સે ડોસી
ને
ધ્રૂજે સે ટાંગા
ઘૂટડો છાસ દેવા
તારી વોવ
કરે સે ત્રાગા
નાચે સે ડોસી
ને
ધ્રૂજે સે ટાંગા
નાચતા નાચતા અને ગીત ગાતા ગાતા મણિમા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.
"લ્યો હવે બવ થયુ." તાસળીમા છાસ આપતા નીલમ બોલી.
"આ છાસ પી લ્યો. અને હવે જ્યારે છાસ પીવાની ઈચ્છા થાય ત્યારે આ રીતે થોડોક મુજરો કરીને દેખાડજો." મણિમાએ છાસ પી ને આશીર્વાદ આપતા કહ્યું.
,"મારો રામ.મારો પરભુ તારું ભલુ કરે."
હવે આ નિત્યક્રમ થઈ ગયો. માને છાસ પીવી હોય તો માએ પહેલા પગમા ઘુંઘરું બાંધવા પડે ને પછી થોડુક નાચવું પડે ત્યાર પછી જ મા છાસ ભેગા થતા.
ગાંગજી નો ભાઈબંધ રમેશ વરસે ત્રણ ચાર વાર ગામમા આવતો બે દિવસ રોકાઇને પાછો શહેરમા ચાલ્યો જતો. આ વખતે એણે ગામ જવાની તૈયારી કરી તો ગાંગજી એ પોતાનાં બાળકો માટે થોડીક મીઠાઈ એની સાથે મોકલી. રમેશ મીઠાઈ દેવા ગાંગજીના ઘરે ગયો. પણ એ ડેલા પાસે પુગ્યો અને એણે જે દ્ર્શ્ય જોયુ એ જોઈને એ હેબતાઈ જ ગયો. માથે દોણી મુકીને. પગે ઘૂંઘરું બાંધીને. મા નાચતા હતા ને ધ્રુજતા સ્વરે ગાતા હતા.
જોજે પૂતર ગાંગા
જોજે પૂતર ગાંગા
નાચે સે ડોસી
ને
ધ્રૂજે સે ટાંગા
રમેશ આ જોઈને સ્તબ્ધ થઈ ગયો. એ ડેલેથી જ પાછો વળ્યો. રસ્તામાં એને સ્કુલેથી આવતો મેઘજી મળ્યો. એણે મેઘજી ને મીઠાઈ આપતા કહ્યું.
"આ તારા બાપાએ તમારા માટે મોકલી છે." મેઘજીએ ખુશ થતા રમેશના હાથમાથી મીઠાઈ લઈ લીધી. મીઠાઈ મેઘજી ને આપીને રમેશે પ્રેમથી પુછ્યુ.
"બેટા. હુ હમણા તારા ઘરે ગયો હતો. પણ મે ડેલા માથી જૉયું તો મા પગમા ઝાંઝરા બાંધીને નાચતા હતા. શુ વાત છે દિકરા. સાચેસાચું કેજે. માને કંઇ વળગાડ તો નથીને?" રમેશનો પ્રશ્ન સાંભળીને મેઘજી રમેશને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. રમેશે એને છાનો રાખતા કહ્યુ.
"શુ વાત છે? જે હોય તે કયદે. બી મા"
"મારી બા છે ને ચાયને મા માટે શાક તીખું બનાવે. પછી માને પેટમાં બળતરા થાય એટલે મા છાસ માંગે તો મા જ્યા સુધી પગમા ઝાંઝરા બાંધીને. અને માથે દોણી લઈને નો નાચે ત્યા સુધી બા માને છાસ નથી આપતી. હુ માનુ ઘ્યાન રાખુ તો મનેય દબડાવે છે. હુ તમને હાથ જોડીને વિનવું છુ કે તમે ઝટ બાપુને આ બધુ જઈને ક્યો.બાપુ આવીને માની કાળજી લે."
"જરુર બેટા. મારે બે ત્રણ દાડા રોકાવું તુ. પણ હુ સવારે જ જઈને ગાંગજી ને વાત કરું છુ."
રમેશ બીજે દિવસે સવારે શહેર જવા રવાના થયો.. ગાંગજી ને મળીને એણે જ્યારે નીલમના કરતુતો ની જાણ કરી. તો એને માનવામાં જ નોતુ આવતુ કે એક ભણેલી ગણેલી છોકરી આટલી હદે જઈ શકે. પણ એનો દોસ્ત શા માટે ખોટુ બોલે? એણે તરત નોકરીમાંથી રજા લીધી અને પોતાને ગામ જવા રવાના થયો.
રમેશની વાતમાં કેટલી સચ્ચાઈ છે એ જાણવા એણે રમેશે કહેલી વાત નજરો નજર જોવાનો નિર્ણય કર્યો. એ એના ડેલા પાસે આવીને સંતાઈ ને ઉભો રહ્યો. માએ જમી લીધા પછી. રોજની જેમ છાસ પીવા માટે ઘર તરફ ડગુમગુ કરતા ચાલવા લાગ્યા. ઓસરીમાં ખીંટીએ ટિંગાતા ઝાંઝરા પોતાના પગે બાંધ્યા. ખાટલા પાસે મુકેલી છાસની દોણી માંથે મુકી ને પછી હાંક મારી.
"નીલુ વોવ બારા આવો. મારો મુજરો જોવો ને પછી રાજી થઈ ને થોડીક છાસ આપજો." નીલમ રૂપાને લઈને ઘરમાંથી બાર આવી ને ખાટલે બેઠી.ને રૂપાને બોલી.
"જોજે હો રૂપા. હમણા ડોહિ નાચશે.આપણે તાળી પાડવાની છે હો." પછી મણિમાને હુકમ કરતા કહ્યુ.
"મંડો નાચવા." ને મણિમા ગીત ગાતા ગાતા નાચવા લાગ્યા.
"જોજે પૂતર ગાંગા
જોજે પૂતર ગાંગા
નાચે સે ડોસી
ને
ધ્રૂજે સે ટાંગા
ઘુટડો છાસ દેવા
તારી વોવ
કરે સે ત્રાગા
નાચે સે ડોસી
. ને
. ધ્રૂજે સે ટાંગા
મા નાચતા હતા ને નાનકડી અબોધ રૂપા અને વિકૃત માનસિકતાની નીલમ તાળીઓ પાડતી હતી. આ બધુ નજરો નજર જોઈને. ગાંગજી ની આંખોમા લોહી ઉતરી આવ્યુ. જઈને નીલમની ગળચી દબાવી દેવાની એને ઈચ્છા થઈ આવી. પણ એણે એ ઈચ્છા ને દબાવી અને પોતાની મા સાથે કરેલા જુલમ નો બદલો. નીલમ પાસેથી નીલમની જ રીતે લેવાનો એણે મનસુબો ઘડ્યો.
ગાંગજી વાળંદ બાબુકાકા પાસે આવ્યો અને એ બન્નેએ મળીને એક યોજના બનાવી.
એ ઓશિયાળું મોઢુ કરીને પોતાને સાસરે ગયો. એનો ઉતરેલો ચેહરો જોઈને એના સાસુ અને સસરા બન્ને ને પેટમાં ફાળ પડી.
"શુ થયુ જમાઈ રાજ. તમારું મોઢું કેમ ઉતરેલું છે." જવાબમાં ગાંગજીએ એક પોસ્ટ કાર્ડ એના સાસરા ને અંબાવ્યું. એના સસરા પોસ્ટકાર્ડ લઈને વાંચવા લાગ્યા.
"ભાઈ ગાંગજી ને માલુમ થાય કે. આ કાગળ મળ્યે તુરત ગામ આવી જા. નીલમવોવ બે દિ પેલા તળાવે કપડા ધોવા ગ્યાતા. તો ન્યા ગયે મહિને જે ઈલાબેન ડૂબીને મરી ગ્યાતા. એ ડાકણ થઈને વોવ ને વળગી સે. મે એક ભુવા હારે વાત કરી સે. તુ આવ એટલે એને બોલાવીએ. પસી જે વિધિ કરવી પડે એ કરશું. બસ તુ ઝટ ને ઝટ આવીજા.
લખીતંગ=બાબુ વાળંદ
"હવે મારી દિકરીને કેમ સે?. ભુવાને બોલાવ્યો તો? હુ કીધું ભુવાએ.?"નીલમની માએ એક સાથે ત્રણ સવાલ પુછી નાખ્યા.
"બાબુકાકાનો કાગળ મળતા જ હુ તરત ઘરે આવ્યો. નીલમ તો જાણે નીલમ જ નોતી. એવી એવી વિચિત્ર હરકતો કરવા મંડી કે ના પૂછો વાત. અમે તરત ભુવાને બોલાવ્યો...."
"... શુ કીધું ભુવાએ.?"ગાંગજી ને અધવચ્ચે રોકીને એની સાસુએ પુછ્યુ.
"એના શરીરમાંથી ડાકણ કાઢવી એ હવે તમારા હાથમા છે." ગાંગજી એ પોતાનાં પાસા નાખતા કહ્યુ.
"અમારા હાથમા એટલે.?". ગાંગજીના સસરાએ પુછ્યુ.
"જુવો બાપુ.હુ તમને લોકોને હેરાન કરવા નોતો માંગતો. મારી રીતે હુ નીલુનો ઈલાજ કરાવી લેત પણ..."
"પણ શુ જમાઈરાજ?"
"ઈલા ડાકણે નીલુ ને છોડવાની એવી શરત મુકી કે મારે ના છુટકે તમારી પાસે આવવું પડ્યું."કહીને ગાંગજી પોક મૂકીને રડવા લાગ્યો.
"જમાઈ. તમે રોવો નહી. જેટલા રૂપિયાનો ખર્ચ કીધો હોય એ આપણે કરીશુ. તમે જરાય નો મૂંઝાતા." નીલમના બાપાએ ગાંગજી ને ધરપત આપતા કહ્યું.
"પૈસાની વાત હોતને તો પૈસા તો મે ગમે તેમ કરીને ઉભા કરી લીધા હોત. કંઈ નહિ તો ઘર ને જમીનેય વેંચી દીધા હોત. નીલુ થી વધુ શુ હોય? પણ ઈલા ડાકણ ની શરત એવી વિચિત્ર છે કે મારે નોય હોય તમારે આશરે આવવુ પડ્યુ."ગાંગજી હીબકા ભરતા બોલ્યો.
"જે શરત હોય ઈ ક્યો તમતમારે. નીલુ તમારી ઘરવાળી છે તો અમારીય દિકરી છે.?" હવે ગાંગજી એ પોતાનો દાવ નાખ્યો.
"ઈલા ડાકણે એવી શરત મુકી કે. નીલુના પિયરીયામા જેટલા હાજર છે એ બધા ગામના તળાવે જ્યા હુ ડૂબીને મરીતી ન્યા હાજર થાય.મારા જીવ ની સદગતિ માટે બધા ન્યાન્યા જ ટકો કરાવે. પછી પગમા ઘૂંઘરું બાંધે. અને બધાય હાથમા અલગ અલગ વાંજિત્રો લઈ એ વગાડતા વગાડતા એક ગીત ગાતા ગાતા અને જેવો આવડે એવો નાચ કરતા કરતા. ઘરે આવે. જેવા નીલમના પિયરીયા ડેલામાં પગ દેહે હુ એક મિનિટ પણ નીલમના શરીર મા નય રવ." ઈલા ડાકણ ની શરત સાંભળીને ગાંગજી ના સાસુ સસરા બેવ વિચારમા પડી ગયા. મુઝવણમાં પણ મુકાઈ ગયા. માથે ટકો કરીને. પગમા ઘૂંઘરું બાંધીને નાચતા નાચતા ને ગીત ગાતા ગાતા દીકરીના ઘરે જવાનુ અજુગતુ લાગતુ હતુ એ બન્નેને. એમને વિચારમા પડેલા જોઈને. ગાંગજી રીતસર એમના પગમા શાષ્ટાંગ દંડવત કરતો પડ્યો.
"મારા ને મારા નાના બાળકો ઉપર દયા કરજો. જો જો ના ન પાડતા." ગાંગજી ને ખભે થી પકડી ને ઉભો કરતા સરપંચે કહ્યું.
"આ શુ કરો છો જમાઈ.? તમતમારે નિરાંતે ઘરે જાવ. અમે કાલ સવારે તમારા ગામના તળાવે પુગી જાસુ. તમે વાળંદને ન્યા બોલાવી રાખજો. બાકી ઘૂંઘરું ને બીજાં જે વાજિંત્રો છે એ અમે લેતા આવશુ."
ગાંગજી પોતાને ગામ આવ્યો. બાબુકાકાને મળ્યો. પોતાને સાસરે જે બન્યુ એ બધુ એમને કીધુ ને સવારે તળાવે પોતાના સાસરિયા ના સગાવના ટકો કરવા પુગી જવા કીધુ. અને પછી પોતાને ઘેર આવ્યો. નીલમ ત્યારે બજારમાં ગઈ હતી.પોતાની માને વળગીને ગાંગજી નાના બચ્ચાની જેમ રોવા લાગ્યો.ગાંગજી ને અચાનક આવેલો જોઈને.અને આમ પોતાને વળગીને રોતા જોઈને.મણિમાને ફાળ પડી કે શુ થયુ હશે? એમણે ગાંગજી ના માથે હાથ ફેરવતા પુછ્યુ.
"શુ થયુ દિકરા? આમ અચાનક તારું આવવુ અને આમ રોવાનું કારણ?"
"બા. તારા ઉપર જે જુલમ નીલમે કર્યો છે. એના માટે તુ મને માફ કરજે. મે એની સાથે લગ્ન કરી ને બોવ મોટી ભુલ કરી છે."ગાંગજીના હીબકા ભરતા બોલ્યો.
"વોવે કોઈ મારા પર જુલમ નથી કર્યો ગગા. કોઈએ તારા કાન ભમભેર્યા લાગે છે." આટઆટલું વીત્યા છતાં વોવનો બચાવ કરતા માં બોલ્યા.
"હવે તુ એનુ ઉપરાણું નો લેતી બા.મે મારી સગી આંખે એક છાલીયા છાસ માટે તને માથે દોણી લઈને નાચતા જોઈ છે.હવે એના આખા પરિવારનો ટકો કરાવીને આપણા ગામમા એ લોકોનુ સરઘસ નો કઢાવુને તો મારુ નામ ગાંગજી નય. એને તો હુ એવો પાઠ ભણાવીશ કે એ જીંદગીભર યાદ રાખશે."
ગાંગજીને આમ અચાનક આવેલો જોઈને નીલમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.
"તમે..આમ.. અચાનક?"
"હા અચાનક આવવુ પડ્યુ."
"કેમ?"નીલમના સવાલના જવાબમાં ગાંગજી એ એક પોસ્ટ કાર્ડ નીલમને આપ્યુ. નીલમ એને ધ્યાનપૂર્વક વાંચવા લાગી.
" જમાઈ ગાંગજી કુમારને માલુમ થાય કે અમારા ઉપર અચાનક આફત આવી પડી છે. જેમાથી ફ્કત તમેજ અમને ઉગારી શકો એમ છો. ટપાલ મળે કે તરત સીધા પરબતિયા આવજો. બાકી વાતુ રૂબરૂમાં કરીશું... લિખિતંગ તમારા સસરા મોહન ના રામ રામ.". પોસ્ટકાર્ડ વાંચીને નીલમ તો પોક મૂકીને રડવા લાગી.
"હાય હાય શુ થ્યું હશે. શેની આફત આવી હશે. મને હમણા ને હમણા પરબતિયા જવુ છે."ગાંગજીએ શાંતિથી કહ્યુ.
"જો. હુ કાગળ મળતા જ સીધો પરબતિયા ગયો હતો. અને હવે ઘ્યાન થી સાંભળ.તમારા ગામની કોઈ મંછા નામની બાઈ ત્રણેક મહિના પહેલા ગુજરી ગઈ તી તને ખબર છે?"
"હા. એ તો મારે દુરના માસી થાય.તે એનુ શુ."ધડકતા હૃદયે નીલમે પુછ્યુ.
"તે એ મરીને ભુત થઈ છે ને તારી માને વળગી છે."
"હે! શુ ક્યો છો?"
"સાવ સાચું કવ છુ."
"મારે અત્યારે ને અત્યારે માની ખબર કાઢવા જવુ છે." નીલમે રોતા રોતા કહ્યુ.
"હમણા આપડાથી જવાય એમ નથી."
"કાં?"
"બપોરે બાપાએ ભુવાને બોલાવ્યો તો. અને ભુવાએ મંત્રો ફૂકીને મંછામાસીને માને છોડવા નુ કહ્યુ તો એણે એક શરત મુકી."
"શુ શરત મુકી? ઝટ ક્યો."
"એણે કીધુ કે તમારી જે દિકરી પરણેલી હોય એ માથે ટકો કરાવીને ધુણતી ધુણતી એના ગામના તળાવે જાય. અને તળાવ પાસેના ઝાડને અડીને તરત સીધી ઘરે આવે આડુ અવળુ જોયા વગર તો હુ મારી બેનને મુકુ."આટલુ બોલીને એની શુ અસર થઈ છે નીલમ ઉપર એ જોવા ગાંગજી નીલમના ચેહરાને નિરખવા લાગ્યો. થોડીક વાર વિચાર કરીને નીલમ નિઃસાસો નાખતા બોલી.
"મારી માને પરણેલી તો હુ એક્જ દિકરી છુ. તો શુ મારે ટકો કરાવવો પડશે.?"
"હવે તારી માને તુ પ્રેમ કરતી હો તો કરાવ. મને તારા બાપાએ પૂછ્યું કે જમાઈ નીલુ ટકો કરાવે તો તમને કંઈ વાંધો? તો. મે કીધુ કે સાસુમાને સારુ થતુ હોય તો હુંય ટકો કરાવવા તૈયાર છુ. પણ ભૂવો તરત બોલ્યો. તમેતો ભૂલથી ય ટકો નો કરાવતા નકર બધુ બગડશે. ખાલી આમના દિકરી કરાવે તો બસ છે. હવે બધુ તારી ઉપર છે નીલુ."ગાંગજી ઠાવકાઈ થી બોલ્યો.
"હવે મારી માથી વધારે શુ છે? બોલાવો બાબુકાકાને." નીલુએ ટકલો કરાવવાની પરમિશન આપતા જ ગાંગજીએ મેઘજી ને કહ્યુ.
"જાતો બટા. બોલાવી લાવ તો વાળંદકાકાને." ગાંગજીની આજ્ઞાની જાણે વાટ જ જોતો હોય એમ મેઘજી તરત દોડ્યો બાબુ વાળંદને બોલાવવા. અને બાબુ વાળંદે દાંત ભીંસીને એવો અસ્ત્રો ફેરવ્યો કે બે મિનિટમાં નીલુને ટકલી કરી નાખી. બાબુકાકાના ગયા પછી ગાંગજીએ નીલુને સવારના કાર્યક્રમની રૂપરેખા સમજાવી.
"જૉ નીલુ. સવારે હુ તને કવ ત્યારે તારે એકલીએ તળાવે જવાનુ છે. અને થોડીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનુ છે."ટકલી નીલમે પ્રશ્નાર્થ ભરી નજરે જોતા પુછ્યુ
"કઈ કઈ બાબતોનું?"
"તારે મુંગા મોઢે.કંઈ પણ બોલ્યા વગર આગળ પાછળ જોયા વગર.તળાવે જવાનુ છે.તુ જ્યારે તળાવે જઈશ ત્યારે.મંછા પોતાની માયા તને દેખાડશે."
"હે પ્રભુ. કેવી માયા."
"તારુ ધ્યાન ભટકાવવા એ તને જાત જાતના દ્રશ્યો દેખાડશે."
"એટલે કેવા.?" નીલમના બીકના માર્યા અત્યારથી જ ગાત્રો ઢીલા પડવા લાગ્યા.
" જેમકે. તળાવને કાંઠે તારા દાદા દાદી. કે બા બાપુજી. કે કાકા કાકી. એમ કોઈ પણ તારા સગા સંબધી. જીવતા કે મરેલા તને પ્રત્યક્ષ દેખાશે. અને જાણે તારુ નામ લઈને તને બોલાવતા હોય એવુ તને લાગશે."
"હે ભગવાન. મારા તો અત્યારથી છાતીના ધબકારા વધી ગયા. મને તો બીક લાગવા માંડી છે." નીલમ થરથરતા અવાજે બોલી. ત્યારે ગાંગજી મનોમન બોલ્યો.
"મારી માને છાસ માટે તે નચાવિતીને? હવે લેતી જા." પછી પરોક્ષ રીતે નીલમને કહ્યુ.
"બીક તો લાગશે. પણ હિંમત રાખીશ તો જરાય વાંધો નહિ આવે. બસ તારે એટલુ જ ઘ્યાન રાખવાનુ છે કે ગમે તેમ થાય. તારે આડુ અવળુ જોયા વગર ઘરે થી નીકળીને સીધુ તળાવે જવાનુ. ઝાડને અડીને સીધુ ઘરે આવવાનુ. મંછા ગમે તેટલી માયા દેખાડે. તારે એની માયામા નથી આવવાનુ. સમજી?" જાણે બધુ સમજી ગઈ હોય એમ નીલમે હકારમા ડોકુ હલાવ્યું.
સવારે વહેલા ઊઠીને ગાંગજી અને બાબુ વાળંદ તળાવે પોહચી ગયા. થોડીવાર વાટ જોઈ ત્યા નીલમના પિયરીયા માથી અગિયાર જણ આવ્યા કોકના હાથમા ઢોલ તો કોઇની પાસે કરતાલ કોઇની પાસે મંજીરા એમ પ્રકાર પ્રકારના વાજિંત્રો હતા. વાળંદે મોડી રાત સુધી આ બધા ને મુંડવા અસ્ત્રા ને ધાર કાઢી હતી. સરપંચના મુંડન થી બાબુએ મુરત કર્યુ. પછી કાકા. કાકી. સાળો. ગાંગજી ની સાસુ. સાળી. આમ બાબુ બધાને ટકો કરતો જતો હતો.હવે ગાંગજીને ત્યાથી નીકળવું હતુ એટલે એણે એના સસરાને એક ચબરખી આપતા કહ્યુ.
"બાપુ. હુ ઘરે જાવ છુ અને હમણા ભુવના કેહવા પ્રમાણે નીલમ આ ઝાડને અડવા આવશે.પણ એ ઈલા ડાકણ ની માયા ના કારણે તમને કોઈને જોઈ નહી શકે.એ અડીને પાછી ઘર તરફ જાય ત્યારે તમે બધા એની પાછળ પાછળ આ ચીઠ્ઠીમાં લખ્યુ છે એ ગીત ગાતા ગાતા અને નાચતા નાચતા અને ઢોલ નગારા વગાડતા વગાડતા. તમે બધાય ઘરે આવજો." આમ કહીને ગાંગજી પોતાને ઘેર આવ્યો. અને એણે નીલમને તૈયાર કરી.
"હવે તુ જા નીલુ. તળાવ પાસેના ઝાડને અડીને સીધી પાછી આવ. અને મે જે કીધુ તુ એ વાત ધ્યાનમાં રાખજે. મંછા ની માયા મા ફસાતી નહી નકર કર્યું કારવ્યું ધુળમાં મળી જાશે." નીલમ ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં તળાવે ચાલી.
નીલુ તળાવે પોહચી તો એને જોઈને એનીમા હરખથી બોલી પડી.
"મારી નીલુડી."નીલમે એની માને જોઈ માથે સાવ ટકલી. એને થયુ આ ખરેખર મંછાની માયા છે. એ ઝાડને અડીને ઝડપભેર પોતાના ઘર તરફ ચાલવા માંડી. અને એની પાછળ પાછળ એના પિયરીયા ઢોલ. મંજીરા. કરતાલ. વગાડતા નાચતા અને ગીત ગાતા ચાલવા લાગ્યા.
જોને પૂતરી નીલુ
પાછળ
જોને પુતરી નીલુ
તને
ક્યાંથી વળગી ઈલુ
ઈલુને બારી કાઢવા
અમે માથે કર્યો તોલો
ને
કપાળે કર્યું ટીલુ
જોને પુતરી નીલુ
સવાર સવારમાં ઢોલ નગારા કરતાલ અને જાતજાતના વાજિંત્રોના.અને ગીત ગાવાનો શોર બકોર સાંભળીને ગામના લોકો પોતપોતાના ઘરની બહાર નીકળી આવ્યા. અને આ તમાશો જોઈને એક બીજાને પુછવા લાગ્યા કે આ બધુ શુ છે.? બધા ટકલા છે. બધા નાચે છે. ગીત ગાય છે. આ કોઈ નવો ઉત્સવ તો આ લોકો નય ઉજવતા હોય.? બધા આ શુ થય રહ્યું છે એ જાણવાની ઉત્સુકતા મા ગામના લોકો પણ ટકલાઓના સરઘસ ની પાછળ પાછળ ચાલવા લાગ્યા.
નીલમ ઝપાટા ભેર પરસેવે રેબઝેબ પોતાના ડેલા આગળ પુગી. તો ગાંગજી એની રાહ જોતો ડેલા પાસે જ ઉભો હતો. એ જેવી ડેલામાં દાખલ થવા ગઈ. ગાંગજીએ એનુ બાવડુ પકડીને એને ઉભી રાખી અને કીધુ.
"આય જ ઉભી રે." નીલમ બીતા બીતા બોલી.
"મંછા...માસી..ની..આખી..માયા...જુવો... મારી પાછળ... પાછળ આવી છે. મને ઝટ..અંદર જવાદો."ગાંગજી દાંત ભીંસીને બોલ્યો.
"એ કોઈ માયા બાયા નય પણ તારા પિયરીયા જ છે." ત્યાંતો એ બધાય પણ ડેલા પાસે પોહચી ગયા. નીલમ આંખ્યું ફાડીને એની માને બાપુને અને એના બીજા પિયરીયાઓને જોઈ રહી. બધા ટકલા. ડેલા પાસે પોહચ્યાં તોય હજી એ બધા નાચતા અને ગાતા હતા. ગાંગજીએ હાથ ઉંચો કરીને બધાને શાંત રેહવાનો ઈશારો કર્યો. એટલે બધા શાંત થઈ ગયા.પછી પોતાના સસરા સરપંચ મોહનલાલની સામે હાથ જોડીને બોલ્યો.
"મને માફ કરશો બાપુ. તમારી દિકરીને વળગાડ છે એવુ જુઠ્ઠું બોલીને મે તમને બધાને ટકો કરાવવા મજબુર કર્યા."
"ખોટુ બોલીને એટલે?" સરપંચની કમાન છટકી.
"હુ શેરમા ગ્યો પછી આ તમારી ભણેલી ગણેલી દીકરીએ મારી જનેતાની સાથે શુ કર્યું પુછો એને."ત્યા મણિમા આ બધો ઘોંઘાટ સાંભળીને પોતાની ઝૂંપડીમાંથી બાર આવ્યા. આટલા બધા ટકલાઓ જોઈને એમણે પુછ્યુ.
"આ ટકલાઓ કોણ છે.?"
"બા.તને નીલમે ટકલી કરીતીને જો મે એના આખા પરિવારને ટકલા કરીને સાટુ વાળી દીધુ છે."
"અરર. મારા રોયા. આ તે શુ કર્યું?" મણિમાએ ગાંગજી નો કાંઠલો ઝાલીને હલબલાવતા કહ્યુ.
"મે તને આ સંસ્કાર દીધા સે. આ બદલો લેવાની મતી તારામાં આવી ક્યાંથી."
નીલમ સમજી ગઈ કે પોતાની કરતુત ની જાણ ગાંગજીને થઈ ગઈ છે. એ માથુ જુકાવીને અપરાધીની જેમ ઉભી રહી. ગાંગજી ના સસરાને કંઇ સમજાતું નોતુ. એટલે એમણે પુછ્યુ.
"શુ વાત છે.? કંઇક અમને પણ સમજાવો." પછી ગાંગજીએ બધી ખુલાસા વાર વાત કરી. તો એના સાસુ નીલમ ઉપર ખારા થયા.
"તને આ સારુ આટલી ભણાવી. કે તુ સાસરે જઈને તારી સાસુ ઉપર જુલમ કરે.? અમે તને આવી નોતી ધારી."
નીલમ પણ પસ્તાવા થી રોવા લાગી. ને મણિમાને પગે પડીને માફી માંગવા લાગી.
"મારી બહુ મોટી ભુલ થઈ ગઈ. મને માફ કરો."
"માફી આપવાનો તો સવાલ જ નથી. તારો સામાન બાંધ અને વેતી પડ." ગાંગજી કડવાશ ભર્યા સ્વરે બોલ્યો.
"આ તુ શુ બોલે છે દિકરા. નીલુ વોવ આ ઘરની લખમી છે. એને ઘરની બાર નો કઢાય."માએ નીલુ નો પક્ષ લેતા કહ્યું. અને આ વેળા નીલુ ના બાપા પણ ઢીલા સ્વરે બોલ્યા.
"જમાઈરાજ. હુ જાણુ છુ કે અમારી દીકરીનો અપરાધ માફ કરી શકાય એવો નથી. પણ હુ તમારી આગળ પાઘડી પાથરુ છુ મારી દિકરીને માફ કરી દયો."માથે થી પોતાની પાઘડી ઉતારીને ગાંગજીના પગમા સરપંચે મુકી. તો ગાંગજી.
"હં. હં. હં આ શુ કરો છો બાપુ."કહીને એના સસરાને ભેટી પડ્યો.
"મે માફ કરી દીધી નીલમને. હવે તમેય મને માફ કરો."ગાંગજી હાથ જોડીને બોલ્યો.
"તમેતો તમારી માના અપમાન નો બદલો લેવા આ બધુ કર્યું જમાઈ. અમને તો ઉલટાનો તમારાં ઉપર ગર્વ છે." અને પછી ગાંગજી.મણિમા.નીલમ.મેઘજી અને રૂપાએ ખાધુ પિધુ ને રાજ કર્યુ.