આજે રવિવારે છે, સુમિતને ઓફિસમાં રાજા હોવાને કારણે આરામથી ઉઠયો. ઉઠીને જાતે ચા બનાવા ગયો. સુમિત મુબઈ નગરીમાં એકલો રહે છે એટલે સ્વાભાવિક રીતે બધું કામ જાતે જ કરવું પડે છે. સવારમાં સુમિત ચા બનાવીને પોતાની ફેવરેટ ખુરશીમાં આવીને બેઠો અને બાજુમાં પડેલા ટેબલ પર ચા મૂકી. ત્યારબાદ સૌથી પહેલા ફલેટનો દરવાજો ખોલીને બહાર આવીને પડેલું છાપું લેવા જાય છે. છાપું લઈને જેવો પાછો અંદર જવા જાય છે. ત્યાં બાજુના ફ્લેટમાં રહેતો છોકરો આવે છે અને એને એક કવર આપે છે અને કહે છે “સુમિતભાઈ આ તમારું કવર ગઈ કાલે આવેલું હતું. અમે ગઈ કાલે રાત્રે બહાર ગયા હતા એટલે આવવામાં મોડું થઇ ગયું એટલે આપવાનું રહી ગયું” ‘કોઈ વાંધો નહીં અને થેંક્યું” “વેલકમ સુમિત ભાઈ” આટલું કહીને પેલો છોકારો જતો રહે છે અને સુમિત દરવાજો બંધ કરીને પાછો ફ્લેટમાં આવી જાય છે. અંદર આવીને પોતાની ફેવરેટ ખુરશીમાં બેસે છે છાપું બાજુમાં મુકે છે. ચાની એક ચૂસકી લે છે અને આવેલા કવર ખોલે છે. કવરમાં એક ચિઠ્ઠી હોય છે. સુમિત ચિઠ્ઠી ખોલે છે. આ ચિઠ્ઠી સુમિતની બહેન શ્રદ્ધાની હતો. ચિઠ્ઠી પર પોતાની બહેનનું નામ વાંચીને એ આશ્ચર્યમાં પડે છે અને વિચારમાં પડી જાય છે “શ્રદ્ધાને અહીનું એડ્રસ કોણે આપ્યું!?” પછી એ પત્ર ખોલીને વાંચવા માંડે છે. પત્રમાં લખ્યું હોય છે. કેમ છે સુમિત? મારો આમ પત્ર જોઇને આશ્ચયમાં ન પડતો. કારણકે તારા ગયા પછી તે નંબર બદલી નાખ્યો અને અમને આપ્યો પણ નહોતો. તારા મિત્ર પાસેથી બહુ વિનંતી કરીને તારો નવો નંબર લોધો અને તને ઘણા ફોન કર્યા પણ તે એક પણ ફોનનો જવાબ ન આપ્યો. આખરે મેં તારા મિત્ર નિખીલના ઘરે જઈને એની પાસેથી તારું સરનામું લીધું અને આ પત્ર લખ્યો.
તારા કરીયરને લઈને, તારા અને પપ્પા વચ્ચે બોલા ચાલી થઇ અને એ વાતે ક્યારે ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું એ ખબર જ ન પડી. ગુસ્સામાં પપ્પાએ તને ઝાપટ મારીને કહી દીધું કે “મારી વાત ન માનવી હોય તો મારા ઘરની બહાર નીકળી જા”, તે તારા જીવનમાં પપ્પાની કોઈ વાત સરળતાથી ન માની અને આ વાત માનીને ઘરની છોડીને જતો રહ્યો! મને એ સમયે નહોતું સમજાતું કે હું કોને સમજાવું. મને તો એ વાતનો આશ્ચર્ય હતો કે પહેલી વાર પપ્પાના એકવાર કહેવાથી જ તે એમની વાત માની લીધી અને ઘર છોડીને જતો રહ્યો. હવે હું એ અસમંજસમાં હતી કે તે પહેલવાર પપ્પાના એકવાર કહેવાથી વાત માની લીધી એના માટે ખુશ થાઉં! કે તું ઘર છોડીને જઈ રહ્યો છે એનું દુખ માનવું! પપ્પાના કહેવાની સાથે બેગ પેક કરીને તું તરત જ નીકળી ગયો! હું તને સમજાવી શકું એટલો સમય પણ તે તારી બેહેનને નહોતો આપ્યો. ઝઘડા ક્યાં ઘરમાં નથી થતા! મને એમ હતું કે તું ગુસ્સામાં હતો એટલે ઘરની બહાર નીકળી ગયો, જેવો તારો ગુસ્સો શાંત થશે એટલે પાછો આવી જઈશ. પણ તારો ગુસ્સો શાંત થયો જ નહી! કે પછી તું ભૂલી જ ગયો કે તારો કોઈ પરિવાર પણ છે! તારા ગુસ્સો અને તારી હઠ તને તારા પરિવાર એટલી દૂર લઇ ગઈ, કે આજ સુધી પાછું ફરીને જોયું પણ નહી. તને ક્યારેય એવો વિચાર ન આવ્યો કે તારી બહેન કેવી છે? જીવે છે કે નહી! તારી માં જીવે કે મરી ગઈ! અને તારો બાપ....!
તને કહેતા કહી દીધું પપ્પાએ પણ તારા ગયા પછી રોજ ઘરના બારણે બેસીને તારી વાટ જોતા, જો કોઈ બાઈકનો આવાજ સાંભળતો કે તરત ઉભા થઈને બહાર જોવા જતા, એ આશા સેવીને કે કદાચ એમનો સુમિત આવ્યો હશે. પણ એમના હાથમાં નિરાશા જ આવતી. જયારે સુમિત નાનો હતો ને ત્યારે પપ્પા એને મારતા હતા અને લાડ પણ કરતા, એ નાનો સુમિત ક્યારેય કોઈ વાતનું ખોટું ન લાગડતો. પપ્પા માટે તું હમેશા નાનો સુમિત જ હતો. કદાચ પપ્પા ત્યાંજ થાપ ખાઈ ગયા ભાઈ. પપ્પા ને એ ખબર જ ન પાડી કે ક્યારે એ નાનો સુમિત મોટો થઇ ગયો અને બદલાઈ ગયો. હવે આ સુમિતને બાપએ મરેલો માર જ યાદ રહે છે, બાપે કરેલો વહાલ યાદ નથી રહેતો! અને આ વાત જયારે એમને સમજમાં આવી ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. તું અમારાથી ઘણો દૂર નીકળી ગયો હતો અને એટલો કે તું જે વર્ષે ગયો ત્યારે રક્ષાબંધના દિવસે પણ ફોન ઉપર વાત ન કરી અને એ પછી તો તે તારો નંબર જ બદલી કાઢ્યો. એ પછી પપ્પા પોતાને ગુનેગાર સમજવા માંડ્યા હતા, એક બહેનથી એનો ભાઈ અને એક માંથી પોતાના દીકરાને દૂર કરનાર ગુનેગાર. ભાઈ એ ગુનેગાર ન હતા, દરેક માં-બાપનો પૂરો હક હોય છે પોતાના દીકરાને વઢવાનો અને જરૂર પડેતો માર મારવાનો. તે આ અધિકારો પપ્પા પાસેથી ક્યારે છીનવી લીધા, એ એમને ખબર જ ન પડી એટલે તારા પર હાથ ઉપાડ્યો ભાઈ.
તને યાદ છે આપણે તારા ૧૭ માં બર્થ ડે પર મોલમાં ફરવા ગયા હતા. ત્યારે તેને એક મોબાઈલ ખુબ ગમી ગયો, તે એ મોબાઈલ બર્થ ડે ગીફ્ટમાં પપ્પા પાસે માંગ્યો અને પપ્પાએ કોઈ ફોન પર વાત કરતા હતા એટલે તારી વાત પર ધ્યાન ન આપ્યું. તે એમને બે – ચાર વાર કહ્યું તો કંટાળીને એમણે તને ના પાડી દીધી. ત્યારે તારું મૂડ ઓફ થઇ ગયો હતો. ત્યાર પછી મોલમાંથી ઘર આવ્યા ત્યાં સુધી તું કાઈ જ ન બોલ્યો અને ઘરે આવીને તું સીધો આગાસીમા એકલો ચુપચાપ જઈને બેસી ગયો. અને તારી પાછળ હું આવી ત્યારે તું બબળતો હતો “કોઈ મને પ્રેમ નથી કરતુ, મારો બર્થ ડે છે અને મારો મૂડ બગડી નાખ્યો પપ્પાએ” પછી એજ રાતે જ્યારે તું તારા રૂમમાં ગયો ત્યારે ત્યાં એક ફોન પડ્યો હતો, એ પપ્પા તારા માટે લાવ્યા હતા. ત્યારે તું કેટલો ખુશ થઇ ગયો હતો. પપ્પાએ તને કીધું હતું “બેટા સોરી હું થોડો ટેન્શનમાં હતો એટલે તને મોલમાં ના પાડી હતી” એ સમયે પપ્પાએ તારી સાથે એવું વર્તન કેમ કર્યું એ કહેવાનો મોકો મળ્યો હતો એ આ વખતે ન મળ્યો અને તે પણ જાણવાનો પ્રયત્ન ન કર્યો.
તારા રૂમમાં રોજ રાતે પપ્પા જાય અને તારી ટ્રોફીઓને જોઇને ખુબ ખુશ થાય. તારા જુના રમકડાઓ માળિયા ઉપરથી નીચે ઉતારીને, મને બાજુમાં બેસાડીને દરેક રમકડા પાછળની વાર્તા કહેતા. જ્યારે એ વાર્તા કહેતા ત્યારે એમની વાતોમાં અને આંખોમાં તારા પ્રત્યેનો અનહદ પ્રેમ ઉભરી આવતો, જે કયારે એમને તારી સામે વ્યક્ત નહોતો કર્યો અથવા ન કરી શક્યા.
તારે મોટી કોલેજમાં ભણવું હતું એટલે તને મોટી કોલેજમાં ભણાવ્યો, તને સ્કુટી પર કોલેજમાં જતા શરમ આવતી તો તને નવું બાઈક અપાવ્યું હતું. તારી બધી ઈચ્છા પૂરી કરી કરનારો બાપ રોજ તને મારા મોબાઈલ પરથી ફોન કરતો રહ્યો, એ આશાએ કે ફોન ઉપાડ અને એ તને કહે “સોરી બેટા” અને સમજાવે કે એ દિવસે ટેન્શનમાં હતા.તને ભણવા માટે લોન લીધી હતી, જેની તને ખબર ન હતી એનું ટેન્શન હતું. એ દિવસે પપ્પા એના ટેન્શનમાં હતા અને ઝધડો થયો. તારા ગયા પછી પપ્પાની હાર્ટ અટેક આવ્યો, જેથી તબિયત લથડી પડી અને ડોકટરે આરામ કરવાનું કહ્યું. તબિયતને ધ્યાનમાં રાખીને જોબ છોડવી પડી. મેં જોબ કરવાનું શરુ કર્યું. પણ તને ભણાવા ઘર ઉપર લોન લીધી હતી, લોન ન ભરી શકવાના કારણે બેન્કે ઘર પર સીલ મારી દીધું. એના કારણે પપ્પાને ફરી હાર્ટ અટેક આવ્યો અને એમને તાત્કાલિક દવાખાનામ દાખલ કરવા પડ્યા.
જેમ કોઈ ખેડૂત વરસાદ આવવાની વાટ જોવે એનાથી વધારે આતુરતાથી પપ્પાએ તારી રાહ જોઈ. પોતાના છેલ્લા દિવસોમાં એ બાપ બધા એની આજુ બાજુ હોવા છતા, પોતાની જાતને એકલો અનુભવતો કારણકે એનો છોકરો એની સાથે નહતો. એમના તરફળતા જીવની છેલ્લી ક્ષણો સુધી એ તારું મોઢું જોવા ઈચ્છતા હતા.એમને છેલ્લા દિવસોમાં એ તારા ફોટાને પોતાની છાતીએ લગાવીને રાખતા અને એકાંતમાં રુદન કરતા, પપ્પાને પહેલી વાર રડતા જોયા! એટલે મેં તને સો ફોન કર્યા હતા, કહેવા માટે કે ભાઈ તારો બાપ એના જીવનના છેલ્લા શ્વાસ લઇ રહ્યો છે બસ એકવાર આવી જા અને એમને મળીલે. પણ તારી હઠે આપણા આખા પરિવારને બરબાદ કરી નાખ્યા.આ પત્ર તને લખી રહી છું, કારણકે પપ્પાની છેલ્લી ઈચ્છા હતી કે એમની વાત તને કહેવા. એમને મને મારતા પહેલા તને કહેવાના થોડા શબ્દો કીધા હતા “ સોરી બેટા, મને માફ કરજે. એ દિવસે ખબર નહીં શું થયું હતું. આવેશમાં આવીને તારા ઉપર હાથ ઉપાડ્યો હતો. તારી સાથે ખરાબ વર્તન કર્યું અને ઘર છોડીને જવાનું કીધું અને તું જતો રહ્યો. છેલ્લે એટલું જ કહીશ મને માફ કરી દેજે. આઈ લવ યુ બેટા” આટલું કહીને એમને આંખો બંધ કરી દીધી.
લિ. શ્રદ્ધા
સુમિતની આંખો ભીની થઇ ગઈ હતી. એના મનમાં ભાવનાઓનું વમળ ચાલુ થઇ ગયું હતું. સુમિત ખુરશી પર બેઠો બેઠો રડવા માંડે છે. સુમિતને કંઈ સમજાતું નથી કે હવે એ શું કરે. સુમિત ઉભો થઇ બાલ્કનીમાં જાય છે. પોતાના ફોનમાંથી ફોન કરે છે.
“ hello, શ્રદ્ધા”
આટલું બોલીને પાછો રડવા માંડે છે અને સામેથી આવાજ આવે છે
“ભાઈ”
આટલું બોલીને શ્રદ્ધા પણ રડવા માંડી.
“હું આવું છું ત્યાં”
બસ આટલું કહીને સુમિતે ફોન કાપી નાખ્યો.
The end