સફેદ કોબ્રા - ભાગ 7 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફેદ કોબ્રા - ભાગ 7

સફેદ કોબ્રા

ભાગ-7

વન મેન આર્મી


"હોટલ સનરાઇઝના માલિક રમ્યા મૂર્તિના ખૂનીએ 'આ ડ્રગ્સનો ધંધો બંધ કરો નહિ તો તમારો સફાયો કરી દઇશ' ના પેમ્ફલેટ રમ્યા મૂર્તિની ઓફિસમાં અલગ-અલગ ખૂણામાં મુકી ડ્રગ્સ માફીયા જોડે દુશ્મની શું કરવા વ્હોરી રહ્યો છે? અને જો કોઇએ રમ્યા મૂર્તિ સાથેની ખાનગી અદાવતને લઇને એનું ખૂન કર્યું છે તો પછી આ પેમ્ફલેટ મુકવાનું કોઇ કારણ બનતું નથી." રાજવીર શેખાવત આવા વિચારોના વમળોના માધ્યમથી રમ્યા મૂર્તિના ખૂનીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

"સર, આપ શું વિચારી રહ્યા છો?" જયનો સવાલ સાંભળી રાજવીર એના વિચારોમાંથી બહાર આવ્યો હતો.

"હું રમ્યા મૂર્તિના ખૂનીની સાઇકોલોજી સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું. રમ્યા મૂર્તિને કોઇની સાથે દુશ્મની હોય એવું તને ખબર છે ખરું અને તારી ગેંગમાંથી તો કોઇએ એનું ખૂન કર્યું નથીને?" રાજવીરનો બીજો સવાલ જયને તીરની જેમ ખૂંપી ગયો હતો.

"મારી ગેંગ? સર, હું પોલીસ અધિકારી છું અને મારી કોઇ ગેંગ નથી. હું મંત્રીજી માટે પૈસા લઇને એમનું કામ પતાવું છું. જેવી રીતે તમે પણ પૈસા લઇને બીજાનું કામ કરો છો અને રહી વાત રમ્યા મૂર્તિના દુશ્મનોની તો સફેદ કોબ્રાના રાઇટ હેન્ડ જેવા આ માણસનું ખૂન ઘણાં બધાં કરી શકે એટલા એના દુશ્મનો હોય. પરંતુ કોઇ દુશ્મને ખૂન કર્યું હોય તો એમની કેબીનમાં આવા પેમ્ફલેટ મુકીને ના જાય. મને વિચારતી એવું લાગે છે કે તમે પહેલા કીધી હતી એ વાત સાચી હતી કે આ ખૂન પાછળ કોઇ ડ્રગ્સના ધંધાનો સફાયો કરવાની ઇચ્છા રાખનારો કોઇ વ્યક્તિ કરી રહ્યો છે." જયે પોતાનો ગુસ્સો દબાવી રાજવીરને કહ્યું હતું.

જય અને રાજવીર આ બધી વાતચીત કરી રહ્યા હતાં એ જ સમયે હવાલદાર રઘુ અંદર કેબીનમાં આવ્યો હતો.

"સર, નાર્કોટીક ડિપાર્ટમેન્ટમાંથી ઇન્સ્પેક્ટર સૂરજ આપને મળવા માંગે છે." રઘુએ રાજવીર સામે જોઇ કહ્યું હતું.

"ઇન્સ્પેક્ટર સૂરજને અંદર મોકલો." રાજવીરે રઘુ સામે જોઇ કહ્યું હતું.

"સર, ઇન્સ્પેક્ટર સૂરજ શેખાવત આપના સગા નાના ભાઇ છે, એ વાત બરાબર?" જયે રાજવીર સામે જોઇ પૂછ્યું હતું.

"હા, વાત બરાબર છે. પરંતુ અમારે હવે કોઇ સંબંધ નથી, કારણકે એ જરૂર કરતા વધારે ઇમાનદાર છે અને મારી એની સાથે જરાય બનતું નથી." રાજવીરે થોડી અકળામણ સાથે જયને કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર સૂરજ અંદર કેબીનમાં દાખલ થયો હતો. સૂરજ અને રાજવીરની આંખો એકબીજા સામે મળી હતી.

"હા ઇન્સ્પેક્ટર સૂરજ, બેસો. નાર્કોટીક ડિપાર્ટમેન્ટને અમારું શું કામ પડ્યું?"

"અત્યારે હું અમારા કામ માટે નહિ પરંતુ તમારા કામ માટે આવ્યો છું. તમે આ જે ફોટોગ્રાફ દરેક પોલીસ સ્ટેશનમાં મોકલાવ્યો છે એની એક કોપી અમારા ડિપાર્ટમેન્ટને પણ મળી હતી. એ ફોટોમાં જે માણસ છે એનું નામ ધનરાજ પંડિત છે. થોડા દિવસ પહેલા એમનો એકનો એક દીકરો સોહમ પંડિત કોલેજમાં ભણી રહ્યો હતો, એનું ડ્રગ્સ લેવાના કારણે મોત થયું હતું. સોહમને હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે હું ત્યાં હોસ્પિટલમાંથી ફોન આવવાના કારણે ગયો હતો અને એ વખતે એમનું બયાન લીધું હતું. મારી એમની સાથે એ પહેલી અને છેલ્લી મુલાકાત હતી. આપની પાસે આવતા પહેલા મેં ધનરાજ પંડિત વિશે તપાસ કરી. તપાસ કરતા મને ખબર પડી કે ધનરાજ પંડિત ઇન્ડિયન આર્મીમાં મેજર છે અને અત્યારે એમનું પોસ્ટીંગ કાશ્મીર થયેલું છે. પરંતુ છેલ્લા બે મહિનાથી તે રજા ઉપર છે." સૂરજે ફોટોવાળા વ્યક્તિની માહિતી આપતા કહ્યું હતું.

સૂરજની વાત સાંભળી રાજવીર અને જય બંન્ને ચોંકી ગયા હતાં.

"એક આર્મીનો મેજર કાયદો હાથમાં લઇ આવું કૃત્ય કરે એ સમજણમાં આવતું નથી. આપણે એમને ઝડપથી શોધી અને ગીરફ્તાર કરવા પડશે." જયે રાજવીર સામે જોઇ કહ્યું હતું.

"મને એવું લાગે છે કે તીર કમાનમાંથી છૂટી ગયું છે. મેજર ધનરાજ પંડિતનો તમે પ્રોફાઇલ જોશો તો તમને ખબર પડશે કે એ વન મેન આર્મી છે. એમને ગીરફ્તાર કરવા એ સહેલા નથી, કારણકે એની પાસે ફોજની સક્ષમ ટ્રેનીંગ અને કાશ્મીર જેવા આતંકવાદી વિસ્તારમાં કામ કરવાનો અનુભવ છે. 1999માં એ માત્ર 30 વર્ષના હતા ત્યારે એમણે કારગીલની લડાઇ પણ લડેલી છે. જ્યાં સુધી એ સામેથી પોતાની જાતને સરંડર નહિ કરે ત્યાં સુધી એમને પકડવા મુશ્કેલ છે એવું મને લાગે છે." સૂરજે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું.

"સૂરજ, આજથી તું અમારી જોડે આ મીશનમાં જોડાઇ જા. તારા ડિપાર્ટમેન્ટમાંથી તું પરમીશન લઇ લે અને હું કમિશ્નર સાહેબને કાલે સવારે મળી કેસની ગંભીરતા એમને સમજાવું છું. કાલે જ હું કમિશ્નર ઓફિસમાં જઇ વિગતવાર આ કેસ બાબતે ચર્ચા કરીશ." આટલું બોલી મુંબઇથી બહાર જવાના બધાં રસ્તાઓ ઉપર નાકાબંધી કરાવવાનો જયને ઓર્ડર આપ્યો હતો.

સૂરજે પોતાનું માથું હામાં હલાવી કાલે સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જશે એવું કહી રાજવીરની કેબીનમાંથી બહાર નીકળી ગયો હતો. જય મુંબઇ બહાર જવાના રસ્તા પર નાકાબંધીનો બંદોબસ્ત ગોઠવવા માટે કન્ટ્રોલ રૂમને જાણ કરવા કેબીનમાંથી બહાર નીકળી ગયો હતો અને રાજવીર મેજર ધનરાજ પંડિત વિશે સૂરજ આપીને ગયેલો ફાઇલ વાંચવા લાગ્યો હતો.

ફાઇલ વાંચતા-વાંચતા રાત્રિના ત્રણ વાગે એને ઝોકું આવ્યું હતું અને એ સુઇ ગયો હતો. સવારે સાત વાગે જય એની કેબીનમાં દોડતો આવ્યો હતો અને રાજવીરને ઉઠાડ્યો હતો.

"સર, ખૂબ ખરાબ સમાચાર છે. ફિલ્મ અભિનેતા શહેઝાદ ખાને એના જ ફ્લેટમાં ફાંસી લગાડી આત્મહત્યા કરી છે. એના મિત્ર પંકજ ત્રિપાઠીનો ફોન પોલીસ સ્ટેશને હમણાં જ આવ્યો છે. પંકજ પોતે પણ એક અભિનેતા છે અને શહેઝાદ ખાનનો ખાસ મિત્ર છે." આટલું બોલી જય રાજવીરના ઊભા થવાની રાહ જોઇ રહ્યો હતો.

"સાલું જ્યારથી આ પોલીસ સ્ટેશનમાં બદલી થઇ છે ત્યારથી પનોતી બેઠી છે. રોજ મોટા સળગતા લાકડા મારી ખુરશી નીચે આવીને પડે છે. સાલાને આત્મહત્યા જ કરવી હતી તો મહિના પછી જ કરી હોત તો... અત્યારે મેજર ધનરાજ પંડિતની લટકતી તલવાર છે અને એમાં આ પણ કસમયે લટકી ગયો." રાજવીરે પોતાની ખુરશીમાંથી ઊભા થતાં કહ્યું હતું.

જય અને રાજવીર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. શહેઝાદ ખાનના બેડરૂમમાં એની લાશ છત ઉપર લગાડેલા હૂક ઉપર લટકી રહી હતી.

ફોરેન્સીક લેબની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફ્લેટના અલગ-અલગ હિસ્સામાંથી પુરાવા એકઠા કરી અલગ-અલગ પ્લાસ્ટિકની બેગમાં મુકી રહી હતી. સિયા એક ખૂણામાં બેસી એના ભાઇના ખભે માથું મુકી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. રાજવીર સિયા પાસે આવી ઊભો રહ્યો હતો અને પોતાના હાથમાં રહેલી નાની સ્ટીકથી શહેઝાદની લાશ તરફ ઇશારો કરી સિયાને સવાલ પૂછવા લાગ્યો હતો.

"અભિનેતા શહેઝાદ ખાન અને તમે રીલેશનશીપમાં હતાં, આ વાત સાચી છે?"

"સિયાએ માથું હલાવી હા પાડી હતી."

"તમને શું લાગે છે? શહેઝાદ ખાને આત્મહત્યા કેમ કરી?"

"મને કશું જ ખબર નથી પરંતુ છેલ્લા કેટલાંય સમયથી એ ખૂબ જ ડિપ્રેશનમાં હતો અને ડિપ્રેશનની દવાઓ પણ ડોક્ટરે વારંવાર સમજાવ્યા પછી પણ લેતો ન હતો." સિયા રડતાં રડતાં બોલી રહી હતી.

રાજવીર સિયા પાસેથી પંકજ ત્રિપાઠી પાસે આવ્યો હતો.

"મી. પંકજ ત્રિપાઠી, તમે પોલીસને ફોન કર્યો હતો? આખી ઘટના શું થઇ હતી તે મને વિગતવાર જણાવશો?" રાજવીરે પંકજ તરફ જોઇ પૂછ્યું હતું.

"જુઓ ઇન્સ્પેક્ટર, કાલે રાત્રે શહેઝાદનો મને ફોન આવ્યો હતો અને એણે મને જણાવ્યું હતું કે સવારે સાડાઆઠે વાગે આપણે પોલીસ કમિશ્નરના બંગલે જવાનું છે. એ પોલીસ કમિશ્નરને મળીને કોઇ માહિતી આપવા માંગતો હતો. પરંતુ એ વાત અને માહિતી શું હતી એ ચર્ચા એણે મને ફોન ઉપર કરી ન હતી અને હું એક પાર્ટીમાં હતો એટલે મેં આ બાબત વિશે વધારે પૂછ્યું પણ ન હતું અને સવારે છ વાગે અહીંયા આવી જઇશ એવું કહી ફોન મુકી દીધો હતો. સવારે બરાબર છ વાગે મેં મુખ્ય દરવાજા પર આવી ડોરબેલ વગાડ્યો હતો પરંતુ કોઇ જવાબ મને મળ્યો ન હતો. મારી પાસે એના ફ્લેટની એક ડુપ્લીકેટ ચાવી હતી જે શહેઝાદે જ મને આપી રાખી હતી. એ ચાવીથી મેં એનો ફ્લેટ ખોલ્યો હતો અને હું ડ્રોઇંગરૂમમાં દાખલ થયો હતો. ડ્રોઇંગરૂમમાં દાખલ થયા બાદ મેં શહેઝાદના નામની બૂમો પાડી હતી પરંતુ મને કોઇ પ્રત્યુત્તર મળ્યો નહિ. ત્યારબાદ હું એના બેડરૂમ પાસે ગયો અને બેડરૂમનો દરવાજો ખખડાવ્યો હતો. લગભગ પંદર મિનિટ સુધી આ કવાયત કર્યા બાદ પણ બેડરૂમમાંથી કોઇ જવાબ ના આવતા મને એવું લાગ્યું કે સિયા પણ અંદર હશે એટલે મેં સિયાના મોબાઇલ ઉપર ફોન કર્યો, કારણકે શહેઝાદ એનો ફોન ઉઠાવી રહ્યો ન હતો. સિયાએ મારો ફોન ઉપાડી કહ્યું કે એ તો એના ઘરે છે. એટલે મને કશુંક અમંગળ થયું છે એવો ભાસ થતાં મેં નીચેથી બંન્ને સિક્યોરીટી ગાર્ડ અને શહેઝાદની બાજુમાં જ રહેતા એમના પાડોશી મી. ફર્નાન્ડીઝને અહીં ફ્લેટમાં બોલાવ્યા હતાં અને બધાંની હાજરીમાં બંન્ને સિક્યોરીટી ગાર્ડે ભેગા મળીને એના બેડરૂમનો દરવાજો તોડી નાંખ્યો હતો. દરવાજો ખુલતા જ બેડરૂમમાં શહેઝાદની લાશને અમે બધાંએ લટકતી જોઇ હતી. દરવાજો ઓટોમેટીક લોક થયો હોય અથવા તો શહેઝાદે અંદરથી લોક કર્યો હોય એવું લાગતું હતું. શહેઝાદની લાશ જોઇને હું ચક્કર ખાઇને જમીન પર બેસી પડ્યો હતો અને મેં પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો. મેં આપને જે વાત કહી એના સાક્ષી બે સિક્યોરીટી ગાર્ડ અને મી. ફર્નાન્ડીઝ છે અને એ લોકો અહીં ઉપસ્થિત છે જ." આટલું બોલી પંકજ ત્રિપાઠી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો.

પંકજ ત્રિપાઠીનું બયાન પૂરું થતાં રાજવીરે તરત કમિશ્નર સાહેબને ફોન કર્યો હતો અને કમિશ્નર સાહેબને શહેઝાદ ખાન આત્મહત્યાની પૂરી માહિતી આપી હતી.

"શહેઝાદ મને કેમ મળવા માંગતો હતો એ વાતની માહિતી મળી ખરી?" કમિશ્નર સાહેબે રાજવીરને પૂછ્યું હતું.

"ના સર, ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠી પાસેથી એવી માહિતી મળી કે એ અને શહેઝાદ તમને આજે જ આપના નિવાસ્થાન ઉપર મળવાના હતાં. પરંતુ શહેઝાદ આપને કેમ મળવા માંગતો હતો એ વિશે કોઇ માહિતી એમની પાસે નથી." આટલું બોલી રાજવીરે ફોન મુકી દીધો હતો.

રાજવીરના મોબાઇલમાં કોઇ અજાણ્યા નંબરના દસ મીસકોલ પડ્યા હતાં. આટલા બધાં મીસકોલ જોઇ રાજવીરે એ નંબર ડાયલ કર્યો હતો.

ક્રમશઃ....

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું. - ૐ ગુરુ)