મંત્રીજી સફેદ કોબ્રાના ખંડેર થઇ ગયેલા મકાનની અંદર જ્યારે પ્રવેશ્યા ત્યારે અંદરની સજાવટ જોઇ એ વિચારમાં પડી ગયા હતાં. બહારથી ખંડેર દેખાતું મકાન અંદરથી ખૂબ જ વૈભવશાળી હતું. બેઠકખંડમાં સોફા પર બેસવા માટે એક સુંદર સ્ત્રીએ આવીને એમને કહ્યું હતું.
"મંત્રીજી, આપ શું લેશો? સફેદ કોબ્રા તમને થોડી જ વારમાં અંદર બોલાવે છે." સુંદર સ્ત્રી બોલી હતી.
"ના, કશું જ નહિ." મંત્રીજીએ જવાબ આપ્યો હતો.
સફેદ કોબ્રાએ મને અહીંયા કેમ બોલાવ્યો હશે? કોઇ પોલીટીકલ કામ માટે તો નહિ બોલાવ્યો હોયને? મારી સામે પોતાની અસલીયત જાહેર કરવાથી ભવિષ્યમાં એમને નુકસાન થઇ શકે એવો વિચાર નહિ આવ્યો હોય? આવા બધાં વિચારો મંત્રીજીના મસ્તિષ્કમાં ઘુમવા લાગ્યા હતાં. લગભગ અડધો કલાક થયો હશે ત્યારે ફરી પાછી પેલી સુંદર સ્ત્રી મંત્રીજી પાસે આવી હતી અને અંદર રૂમમાં જવાનો મંત્રીજીને ઇશારો કર્યો હતો.
મંત્રીજી જે સોફા પર બેઠાં હતાં ત્યાં સામે એક મોટો દરવાજો હતો. મંત્રીજી દરવાજો ખખડાવી અંદર દાખલ થયા હતાં. રૂમમાં થોડો જ પ્રકાશ આવી રહ્યો હતો. સફેદ મોટી આલીશાન ચેર ઉપર સફેદ કોબ્રા બેઠો હતો. એના જમણા હાથમાં એક હથેળી જેટલો નાનો સફેદ સાપ હતો. સાપને એ હથેળીમાં રમાડી રહ્યો હતો. મંત્રીજીએ આ દૃશ્ય જોયું અને એમને અંદર ગભરામણ થઇ ગઇ અને ધીરે-ધીરે આવીને સફેદ કોબ્રાની સામે પડેલી ખુરશીમાં આવીને બેઠાં હતાં. ખુરશીમાં બેસતા જ મંત્રીજીની આંખો અને સફેદ કોબ્રાની આંખો એકબીજા સાથે ટકરાઇ હતી.
સફેદ કોબ્રાને જોઇ મંત્રીજીની આંખો પહોળી થઇ ગઇ હતી. મંત્રીજી કશું બોલવા જાય તે પહેલા જ સફેદ કોબ્રાએ મોઢા પર આંગળી મુકી અને મંત્રીજીને ચૂપ રહેવા કહ્યું હતું અને હથેળીમાં રહેલા નાનકડા સફેદ સાપને રમાડતા રમાડતા એ બોલી રહ્યો હતો.
"મંત્રી ગોપીનાથ, હું જે કહું એ બરાબર સાંભળો. એક પણ અક્ષર તમે બોલતા નહિ કારણકે દિવાલોને પણ કાન હોય છે. તમે મારા ઓર્ગેનાઇઝેશનના ખૂબ જ વફાદાર વ્યક્તિ છો. માટે હું તમને મહારાષ્ટ્રમાં વધુ મજબૂત કરવા માંગુ છું. આવતી વિધાનસભા ચૂંટણીમાં તમને મુખ્યમંત્રીનું પદ મળે એવી મેં ગોઠવણ કરી છે. મારો ડ્રગ્સનો ધંધો મહારાષ્ટ્રમાં અનેકગણો વધતો રહે એના માટે તમને હું મુખ્યમંત્રી બનાવી રહ્યો છું." સફેદ કોબ્રાએ હથેળીમાં રહેલા સફેદ સાપને રમાડતા મંત્રીજીને કહ્યું હતું.
"તમારો ખૂબ ખૂબ આભાર... મુખ્યમંત્રી બનવાનું મારું સ્વપ્ન જે તમારાથી પૂરું થઇ જશે. પરંતુ તમે..." મંત્રીજી હજી કંઇ બોલે એ પહેલા સફેદ કોબ્રાએ ફરીવાર એના મોઢા પર આંગળી મુકી મંત્રીજીને ચૂપ કરી દીધા હતાં.
"મંત્રી, મેં કહ્યુંને કે દિવાલને પણ કાન હોય છે. માટે ચૂપચાપ હવે તમે ગાડીમાં બેસી પાછા તમારા ફાર્મહાઉસ પર પહોંચી જાઓ અને આપણી મીટીંગમાં થયેલી વાતચીત તેમજ મારા વિશેની વાતચીત કોઇને કરતા નહિ." આટલું બોલી સફેદ કોબ્રા ઊભો થઇ એની સફેદ ચેરની પાછળ આવેલો દરવાજો ખોલી અને રૂમમાં દાખલ થઇ ગયો હતો.
મંત્રીજી ખુશ થતાં આનંદમાં બંગલાની બહાર આવ્યા હતાં. એમના માટે આજે લોટરી લાગી ગઇ હતી. મંત્રીજીએ પોતાની પત્નીને ફોન કરી આ ખુશખબર આપી હતી અને ત્યારબાદ એ ગાડીમાં બેસી ગયા હતાં.
રાજવીર શેખાવત જીપમાં બેસી પાછો જઇ રહ્યો હતો અને ધનરાજ પંડિતના ફોનની રાહ જોઇ રહ્યો હતો. પરંતુ ધનરાજનો ફોન ન આવતા એણે ફોન સામે જોડ્યો હતો.
"હલો... મારાથી આજે મંત્રીજીનું ખૂન થઇ શક્યું નહિ. મંત્રીજી મીટીંગ અધૂરી છોડી અને ક્યાંક બહાર નીકળી ગયા હતાં. હું તમારા ફોનની રાહ જોઇ રહ્યો હતો. પરંતુ આપનો ફોન ન આવતા હું ફોન કરી તમને માહિતી આપી રહ્યો છું. પરંતુ તમે ચિંતા ના કરતા હું બે દિવસમાં તમારું કામ પતાવી દઇશ." રાજવીરે પરસેવો લૂછતા કહ્યું હતું.
"રાજવીર તારી પાસે બે દિવસ જ છે. મને બે દિવસમાં મંત્રીનું નરકનું બુકીંગ પાકું જોઇએ નહિતર હું શું કરીશ એ કહેવાની મારે જરૂર નથી." આટલું બોલી ધનરાજ પંડિતે ફોન મુકી દીધો હતો.
રાજવીર પોતાના ક્વાર્ટરમાં પહોંચી પથારીમાં આડો પડી ગયો હતો.
સૂરજ શેખાવત હોટલ સનરાઇઝમાં પહોંચ્યો હતો અને મેનેજર રામા રાવ અને હોટલના કર્મચારીઓ સાથે પૂછપરછ કરી અને એ બાંદ્રા પોલીસ સ્ટેશન પાછો આવ્યો હતો. એ પોલીસ સ્ટેશન પાછો આવ્યો ત્યારે જય પોલીસ સ્ટેશને આવી ગયો હતો. સૂરજ જ્યારે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો ત્યારે ઘડિયાળમાં બપોરના ચાર વાગ્યા હતાં.
"હું હોટલ સનરાઇઝમાં પૂછપરછ માટે ગયો હતો. ત્યાંના મેનેજર રામા રાવે મને કહ્યું હતું કે હોટલના માલિક રમ્યા મૂર્તિનું ખૂન થયું એના આગલા દિવસે પણ ધનરાજ પંડિત એમને મળવા આવ્યો હતો અને એ શહીદ સૈનિકો માટે ફંડ ભેગું કરી રહ્યો છે એવી વાત રમ્યા મૂર્તિને કરી હતી. એટલે અમારા માલિકે એમને પચ્ચીસ લાખ રૂપિયાના ડોનેશનનો ચેક આપવા માટે બોલાવ્યા હતાં. એ બંન્નેની મીટીંગ અડધો કલાક ચાલી હતી. એ વખતે એ નીચે કાઉન્ટર પર હતો. ધનરાજ પંડિતે જ ખૂન કર્યું છે એવું રામા રાવનું કહેવું છે કારણકે રમ્યા મૂર્તિને છેલ્લે ધનરાજ પંડિત જ મળ્યો હતો અને ધનરાજ પંડિતને રમ્યા મૂર્તિની કેબીનમાં મેનેજર રામા રાવ પોતે જ લઇ ગયો હતો એવું એનું કહેવું છે. મેં મેજર ધનરાજ પંડિતના ઘર પર તપાસ કરાવી હતી તો ઘર બંધ હતું. પાડોશીએ કહ્યું કે છેલ્લા અઠવાડિયાથી પતિ-પત્ની બંન્ને સામાન લઇ બહારગામ ગયા છે. પંદર દિવસમાં આવી જશે એવું પાડોશીને જણાવીને ગયા છે." સૂરજે પોતાની વાત જયને કહી હતી.
જય સૂરજની વાતનો હજી કંઇ જવાબ આપે એ પહેલા કેબીનમાં લગાડેલા TV ઉપર ચાલી રહેલા ન્યૂઝમાં મંત્રી ગોપીનાથ સાવંત દેખાયા હતાં. જયે તરત TVનો વોલ્યુમ વધાર્યો હતો.
"આજે બપોરે ત્રણ વાગે પનવેલ ચાર રસ્તા ઉપર મંત્રી ગોપીનાથ સાવંતની લાશ મળી છે. કોઇએ મંત્રી ગોપીનાથ સાવંતની બંદૂકની ગોળીઓ મારી હત્યા કરી છે." ન્યૂઝ રીડર આ બોલી રહી હતી.
જય પરસેવે રેબઝેબ થઇ એની ખુરશીમાં ફસડાઇ પડ્યો હતો.
જયને એનું મોત નજીક દેખાઇ રહ્યું હતું. આ ધનરાજ પંડિતનું કારસ્તાન હશે એવું એ મનમાં વિચારવા લાગ્યો હતો. સૂરજે પણ ન્યૂઝ સાંભળ્યા હતાં. પરંતુ સૂરજને ગોપીનાથ સાવંતની હત્યાથી મનમાં રાહત થઇ હતી. એણે મનમાં વિચાર્યું કે ચાલો એક ભ્રષ્ટાચારી નેતા તો આ દેશમાંથી ઓછો થયો, પરંતુ જયને પરસેવે રેબઝેબ થયેલો જોઇ ઊભા થઇ એણે જયને પાણી આપ્યું હતું.
જય હજી પાણી પીવે એ પહેલા એની મોબાઇલ સ્ક્રીન ઉપર સિયાનો ફોન આવી રહ્યો હતો.
જય ફોન લઇને તરત જ કેબીનમાંથી બહાર નીકળ્યો હતો.
"જય, તે ન્યૂઝ જોયા?"
"હા જોયા... પરંતુ આ નંબર ઉપર ફોન ના કર."
"કોણે આ ખૂન કર્યું હશે?"
"કદાચ મેજર ધનરાજ પંડિત." આટલું બોલી જયે ફોન મુકી દીધો હતો.
મંત્રી ગોપીનાથ સાવંતના ખૂનના કારણે ચારે તરફ હાહાકાર મચી ગયો હતો. ન્યૂઝ ચેનલો ઉપર વારંવાર આ જ ખબર પ્રસારિત થઇ રહી હતી. ન્યૂઝ ચેનલવાળા અને વિરોધપક્ષ બંન્ને સરકારની બેદરકારી અને કાનૂન વ્યવસ્થા ઉપર આંગળી ચીંધી રહ્યા હતાં. પનવેલ ચાર રસ્તા ઉપર પોલીસ કર્મીઓ અને ફોરેન્સીક લેબવાળા પહોંચી ગયા હતાં. પોલીસે પોતાનું રૂટીન તપાસ પતાવી મંત્રીજીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
રાજવીર આ ખબરથી અજાણ પોતાની પથારીમાં ઘસઘસાટ ઊંઘી ગયો હતો, કારણકે કાલ રાતથી એ જાગી રહ્યો હતો.
રાજવીરનો ફોન સતત વાગી રહ્યો હતો. વારંવાર વાગતી ફોનની રીંગોના કારણે રાજવીરની ઊંઘ ઉડી ગઇ હતી અને એણે ફોન હાથમાં લીધો હતો. ફોન સ્ક્રીન ઉપર ધનરાજ પંડિતનું નામ સાંભળી એણે તરત ફોન ઉપાડ્યો હતો.
"રાજવીર, તે સમાચાર જોયા?"
"ના, હું સુઇ ગયો હતો."
"તારી પત્ની અને તારા દીકરાઓ મોતના મુખમાં છે અને તને ઊંઘ આવે છે??? TV ચાલુ કરી ન્યૂઝ જોઇ લે પછી તને ફોન કરું છું." આટલું બોલી ધનરાજ પંડિતે ફોન મુકી દીધો હતો.
રાજવીરે તરત ઊભા થઇ TV ચાલુ કર્યું હતું. જેમાં મંત્રી ગોપીનાથ સાવંતની હત્યાના ન્યૂઝ ચાલી રહ્યા હતાં. સમાચાર સાંભળી રાજવીરે ખુશ થવું કે દુઃખી થવું એ પોતે નક્કી કરી શક્યો નહિ.
રાજવીરે જયને ફોન લગાડ્યો હતો.
"જય, આ કેવી રીતે થયું?"
"સર, મને ખબર નથી. મીટીંગ પતાવી આપણે બંન્ને જોડે તો નીકળ્યા હતાં!!!"
"સફેદ કોબ્રાએ તો એમને નથી માર્યાને???"
"એવું ના બની શકે, સર. સફેદ કોબ્રા મંત્રી જેવા કામના માણસની હત્યા કરાવી પોતાનું નુકસાન ના કરે. મંત્રીજીની પત્નીએ મને ફોન કરી કહ્યું હતું કે સફેદ કોબ્રાએ એમને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે. મંત્રીજીની પત્ની પણ સફેદ કોબ્રા અને એમના ધંધાની વાત જાણે છે. મંત્રીજીનું ખૂન થવાના કારણે ફોનમાં એ ખૂબ રડી રહ્યા હતાં."
"સાલા, મંત્રીનું બૈરું એના વરની હત્યા થઇ તો તને શું કરવા ફોન કરે છે??? સાલા, તારા ખભે માથું મુકીને એ રડે છે અને તું સહાનુભૂતિ આપે છે???"
જય મંત્રીની પત્નીના ફોનની વાત રાજવીરને કરી ભૂલ કરી બેઠો હતો એ એને સમજાઇ ગયું હતું.
"સાલા જય, કેમ કંઇ બોલતો નથી?"
"સર, અત્યારે વાત થાય એવી નથી." આટલું બોલી જયે ફોન મુકી દીધો હતો.
"સાલો જય, એક નંબરનો હરામખોર છે. લાગે છે પોલીસ કમિશ્નર બનીને રીટાયર્ડ થશે." આટલું બોલી રાજવીર બેડ ઉપર બેસી ગયો હતો.
રાજવીરે ફોનમાં ધનરાજ પંડિતના મીસકોલ જોયા હતાં. મીસકોલ જોયા બાદ એણે તરત ધનરાજ પંડિતને ફોન લગાવ્યો હતો.
"હલો રાજવીર, હવે તારું મિશન છે, સિયા ચક્રવર્તી અને હા, મને ત્રણ દિવસમાં એ પણ નરકમાં મંત્રીજી જોડે જોઇએ છે." આટલું બોલી ધનરાજ પંડિતે ફોન મુકી દીધો હતો.
"મેં આખી જિંદગી દુનિયાને નચાવી છે અને આ સાલો મને નચાવી રહ્યો છે." રાજવીરે આવું બોલતા બોલતા જોરથી ફોન પથારીમાં પછાડ્યો હતો.
ક્રમશઃ.....
(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું...- ૐ ગુરુ)