સફેદ કોબ્રા - ભાગ 8 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફેદ કોબ્રા - ભાગ 8

સફેદ કોબ્રા

ભાગ-8

અબ આયા ઊંટ પહાડ કે નીચે


રાજવીરે અજાણ્યા નંબર પર ફોન ડાયલ કર્યો ત્યારબાદ થોડી સેકન્ડોમાં સામેથી ફોન ઉપડ્યો હતો.

"હલો... ઇન્સ્પેક્ટર રાજવીર શેખાવત, મને રોક્યા અને ટોક્યા વગર પહેલા સંપૂર્ણપણે મારી વાત સાંભળજો. હું મેજર ધનરાજ પંડિત બોલી રહ્યો છું. અત્યાર સુધી તો તમને ખબર પડી જ ગઇ હશે કે રમ્યા મૂર્તિને નરકમાં મેં જ પહોંચાડ્યો છે. પરંતુ સફેદ કોબ્રાના બધાં સાગરિતોને નરકમાં પહોંચાડવાનું કામ મારું એકલાનું નથી. હવે તમારે એક પોલીસ અધિકારી તરીકે બીજા ડ્રગ માફીયાઓ અને ડ્રગ્સનો વેપાર કરનારાઓને નરકમાં પહોંચાડવાના છે." આટલું બોલી ધનરાજ પંડિત ચૂપ રહ્યો હતો.

"મેજર ધનરાજ પંડિત, મારા બાપ પણ મારી જોડે ધમકી આપીને કામ કરાવી શક્યા ન હતાં. તો પછી તમારી શું ઓકાત છે? તમે મેજર હશો આર્મીમાં, પરંતુ રાજવીર શેખાવત એ પોતાની ઇચ્છાઓનો જનરલ છે. માટે મને આવો ફોન કરીને તમારો સમય બગાડવાનું બંધ કરી તમારી જાતને પોલીસને હવાલે કરી દો." રાજવીર ગુસ્સામાં તપીને બોલી રહ્યો હતો.

રાજવીર જ્યારે ફોનમાં બોલી રહ્યો હતો ત્યારે જય એની પાછળ ઊભો રહી વાત સાંભળી રહ્યો હતો.

"હું ચૂપ એટલા માટે જ રહ્યો હતો કે મારે જાણવું હતું કે તું ભ્રષ્ટાચારી પોલીસ અધિકારી કેટલા અભિમાનમાં છે. જે અભિમાનથી તું બોલી રહ્યો છે એ અભિમાન હું હમણાં તારું બે જ મિનિટમાં ઉતારી દઉં છું. હવે સાંભળ, તારી પત્ની અને તારા સંતાનોને મેં બંધક બનાવ્યા છે. જો એ લોકોને જીવતા જોવાની ઇચ્છા તું રાખતો હોય તો જે પ્રમાણે હું કહું છું એ પ્રમાણે કરવાનું તું આજથી જ ચાલુ કરી દે, નહિતર એમના માથા પર બંદૂક મુકી અને ટ્રીગર દબાવતા મને એક સેકન્ડ પણ નહિ થાય. તને ખબર છે દુનિયામાં સૌથી મોટું દુઃખ શું છે? જો ખબર ના હોય તો સમજાવી દઉં કે આ દુનિયામાં સૌથી મોટું દુઃખ એ પિતાના ખભા ઉપર પુત્રની લાશ હોય અને પિતાએ પુત્રને પોતાના હાથે અગ્નિદાહ આપવો પડે એ આ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે. આનાથી વિશેષ દુનિયામાં બીજું સૌથી મોટું કોઇ દુઃખ નથી. માટે તું ભૂલમાંથી પણ એવું ના વિચારતો કે હું આર્મીનો મેજર છું માટે કોઇ નાગરિકનું ખૂન નહિ કરું. હવે તને હું તારી અભિમાનની હવામાંથી નીચે લાવી રહ્યો છું. મેં તારી પૂનામાં રહેતી પત્ની અને બાળકોને નહિ પરંતુ તારી નાગપુરમાં રહેતી પત્ની જેનીફર અને તારા બે દીકરા ડેવિડ અને રોબીનને કબજામાં લીધા છે. મારી આ વાત સાંભળી તું પરસેવે રેબઝેબ થઇ અને ગભરાઇ ગયો હોઇશ. મને ખબર છે કે તું ફિલ્મ અભિનેતા શહેઝાદ ખાનના ઘરમાં છે. શહેઝાદ ખાને આત્મહત્યા કરી નથી પરંતુ એનું ખૂન થયું છે અને બની શકે કે સફેદ કોબ્રાના ઇશારે એના સાગરિતોએ એને મારી નાંખ્યો હોય. હું અડધો કલાક પછી તને ફરી ફોન કરીશ અને તારે શું કરવાનું છે એ કહીશ. મેં તારા નાગપુરના બંગલાની અંદરની દિવાલોમાં બોમ્બ ફીટ કરી રાખ્યા છે. તું નાગપુરની પોલીસને જાણ કરીશ કે કોઇપણ કાર્યવાહી કરીશ તો હું રીમોટ કંટ્રોલથી આખો બંગલો ઉડાવી દઇશ. હું અને મારી પત્ની તો મરીશું જ પરંતુ તારો પરિવાર પણ ખતમ થઇ જશે. માટે અડધો કલાક પછી હું ફોન કરી તને જે સૂચના આપું એના પર તરત અમલ તું ચાલુ કરી દેજે અને હા, આજથી તારો ફોન ચોવીસ કલાક ચાલુ રહેવો જોઇએ અને મારો ફોન તરત ઉપડવો જોઇએ, નહિતર..." આટલું બોલી ધનરાજ પંડિતે ફોન મુકી દીધો હતો.

રાજવીરને વાત સાંભળીને ચક્કર આવવા લાગ્યા હતાં અને એ પોતાની જાતને સંભાળી શક્યો ન હતો. પરસેવે રેબઝેબ થઇ એ ધડામ દઇને જમીન પર બેસી ગયો હતો. હવે શું કરવું એની સમજ એને પડી રહી ન હતી. જય પણ એની બાજુમાં નીચે બેસી ગયો અને એના કાનમાં એ બોલ્યો હતો.

"સર, નીચે બિલ્ડીંગમાં બસોથી વધારે ટેલીવિઝન અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો આવી ગયા છે. આખા દેશમાં શહેઝાદની આત્મહત્યા ચર્ચાનો વિષય બની ગઇ છે. તમને અત્યારે કમિશ્નર સાહેબે બોલાવ્યા છે. તમે એમને મળવા એમના નિવાસસ્થાને પહોંચી જાઓ. તમને આવેલા ફોન વિશે વાત આપણે પછી કરીએ. અત્યારે તમે તમારી જાતને સંભાળો, કારણકે ફ્લેટમાં રહેલા બધાં જ લોકો તમારા તરફ જોઇ રહ્યા છે." આટલું બોલી જય ઊભો થઇ ગયો હતો.

રાજવીરે ફ્લેટમાં ઉપસ્થિત લોકો પર નજર નાંખી હતી. બધાં એના તરફ જોઇ રહ્યા હતાં. આટલી શરમજનક પરિસ્થિતિમાં એ ક્યારેય મુકાયો ન હતો. એણે તરત પોતાની જાતને સંભાળી અને જમીન ઉપરથી ઊભો થઇ ગયો હતો.

શહેઝાદ ખાનની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલવાની સૂચના જયને આપી અને એ ફ્લેટમાં નીચે ઉતરી એની જીપ પાસે જઇ રહ્યો હતો ત્યારે પત્રકારોએ એને ઘેરી લીધો હતો.

પત્રકારોની ભીડને હટાવી એ જીપમાં બેસી પોલીસ કમિશ્નરના બંગલા તરફ એણે જીપ દોડાવી મુકી હતી. એનું મગજ સુન્ન થઇ ગયું હતું. એ કોઇપણ પરિસ્થિતિ સમજી શકે એવી એની અવસ્થા રહી ન હતી. એના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો હતો કે ધનરાજ પંડિતને એના નાગપુરના બંગલાનું સરનામું તેમજ એની વાઇફ અને દીકરાઓની માહિતી કેવી રીતે મળી? આ સવાલ વારંવાર એના મનમાં ઊભો થઇ રહ્યો હતો.

રાજવીર રસ્તામાં હતો ત્યારે જ ધનરાજ પંડિતનો ફોન આવ્યો હતો. રાજવીરે જીપ સાઇડમાં કરી ફોન તરત ઉપાડી લીધો હતો.

"જુઓ મેજર સાહેબ, મારી પત્ની અને મારા બાળકોને તમે છોડી દો. એમનો કોઇ વાંક નથી. તમે જે કહેશો એ કરવા હું તૈયાર છું." રાજવીરે લગભગ રડતાં રડતાં કહ્યું હતું.

"અબ આયા હૈ ઊંટ પહાડ કે નીચે...પરંતુ જો મેં તારી પૂના વાળી પત્ની અને સંતાનોને મેં બંધક બનાવ્યા હોત તો તું આટલો બધો દુઃખી થયો ના હોત. પણ તારી નાગપુર વાળી પત્ની અને સંતાનોને બંધક બનાવ્યા એટલે તું આટલો બધો ઊંચો નીચો થયો છે. આ રહસ્ય મને સમજાતું નથી કે પૂનાવાળી પત્ની અને સંતાનો કરતા નાગપુર વાળી તારી બીજી પત્ની અને તારા સંતાનો માટે તને પ્રેમ વધારે કેમ છે? પરંતુ અજાણતામાં પણ મેં તારી દુઃખતી નસ પકડી લીધી છે એ વાત તો ચોક્કસ છે. હવે તું મારો પ્લાન સાંભળ, સફેદ કોબ્રા અને એની આખી ગેંગનો તું સફાયો કરીશ અને મુંબઇને ડ્રગ્સમુક્ત બનાવીશ. સૌથી પહેલા તું મંત્રી ગોપીનાથ સાવંતને રમ્યા મૂર્તિ જોડે નરકમાં પહોંચાડીશ. તારે ત્રણ દિવસમાં મંત્રી ગોપીનાથને મારી મને ફોન કરવાનો છે. જેવું પહેલું કામ પતશે એટલે હું તને બીજું કામ સોંપીશ અને મારે તને કશી માહિતી આપવી હશે તો હું તને ફોન કરીશ. પરંતુ તું કોઇપણ જાતની તારી હોંશિયારી વાપરી મને પકડવાનો પ્રયત્ન ભૂલથી પણ કરતો નહિ. લે તારી વાઇફ જોડે વાત કર." આટલું બોલી ધનરાજ પંડિતે જેનીફરને ફોન આપ્યો હતો.

"હલો...જેનીફર, તું કશું બોલતી નહિ અને કશું વિચારતી નહિ. તું એક જ વાત યાદ રાખજે કે તું રાજવીર શેખાવતની પત્ની છે અને કોઇપણ સંજોગોમાં તું આ વાત ભૂલતી નહિ. હું તને અને આપણા દીકરાઓને ખૂબ ઝડપથી છોડાવી દઇશ. તારી કે છોકરાઓ જોડે મારઝૂડ તો થતી નથીને?" રાજવીરે જેનીફરને પૂછ્યું હતું.

"ના, મારી અને છોકરાઓ જોડે એવું કોઇ ખરાબ વર્તન કરવામાં આવતું નથી. ઘરની મુખ્ય ચાર દિવાલો ઉપર બોમ્બ લગાડવામાં આવ્યા છે. અમને આખા ઘરમાં ફરવાની છૂટ છે. તમે મને આપેલી પિસ્તોલ એમણે એમની પાસે લઇ લીધી છે. બધાં માટે જમવાનું...." આટલી લીટી એ પૂરી કરે એ પહેલા ફોન કટ થઇ ગયો હતો.

રાજવીર પોલીસ કમિશ્નરના બંગલે પહોંચ્યો હતો. પોલીસ કમિશ્નર એની રાહ જોઇને બેઠાં હતાં.

"રાજવીર, હોમ મીનીસ્ટર સાહેબે શહેઝાદ ખાનનો કેસ CIDને સોંપવાનું નક્કી કરી નાંખ્યું છે માટે હવે પોસ્ટમોર્ટમથી લઇ આગળની કાર્યવાહી CID કરશે. એ લોકોને કોઇપણ મદદની જરૂર હોય તો તું પોલીસ સ્ટેશનમાં હાજર રહેજે અને એમને જોઇતી બધી જ મદદ તું કરજે. મીડિયામાં કોઇપણ સ્ટેટમેન્ટ તું ભૂલથી પણ આપતો નહિ." કમિશ્નર સાહેબે રાજવીરને ઓર્ડર આપતા કહ્યું હતું.

"સર, મારી તબિયત સારી ન હોવાના કારણે મને થોડા દિવસની રજા જોઇએ છે. આપ આ કેસ સબ-ઇન્સ્પેક્ટર જયને સોંપી દો તો સારું. એ આખો કેસ સમજેલો છે અને આમેય CID એની પદ્ધતિથી જ કામ કરશે. મારું બ્લડપ્રેશર છેલ્લા અઠવાડિયાથી અપ-ડાઉન થઇ રહ્યું છે એટલે ડોક્ટરે મને આરામ કરવાની સલાહ આપી છે." રાજવીરે કમિશ્નર સાહેબને વિનંતી કરતા કહ્યું હતું.

"ઓકે... તું આ કેસ સબ-ઇન્સ્પેક્ટર જયને આપી અઠવાડિયાની રજા લઇ લે. પરંતુ રોજેરોજ ફોનથી આ કેસ બાબતે જય પાસેથી માહિતી લેતો રહેજે અને કોઇપણ જાતની દખલગીરી આપણા તરફથી CIDના કામમાં ના થાય એનું તું ધ્યાન રાખજે." આટલું બોલી કમિશ્નર સાહેબે એને જવાનો આદેશ આપ્યો હતો.

રાજવીર પોલીસ કમિશ્નરના બંગલામાંથી બહાર આવી જીપમાં બેઠો હતો અને એ પોતાના ક્વાર્ટર પર પહોંચી ગયો હતો. રસ્તામાં જ એણે જયને ફોન કરીને કમિશ્નર સાહેબે આપેલી સૂચના એને આપી દીધી હતી. જયને જ્યારે એણે કમિશ્નર સાહેબની સૂચના આપી ત્યારે જયે એને આવતીકાલે સવારે પનવેલમાં મંત્રીજીના ફાર્મહાઉસ પર મીટીંગ રાખવામાં આવી છે અને મંત્રીજીએ ખાસ કહ્યું છે કે તમારે આ મીટીંગમાં આવવાનું છે એવો મેસેજ એમણે મને તમને આપવા કહ્યું છે.

કાલે સવારે મંત્રીજીને એમના ફાર્મહાઉસ પર કેવી રીતે મારવા એનો પ્લાન રાજવીર પોતાના બેડ પર આડો પડી વિચારી રહ્યો હતો. જિંદગીમાં પહેલીવાર એ હારી રહ્યો છે એનો અનુભવ એને થવા લાગ્યો હતો. પરંતુ નાગપુરના બંગલા વિશે અને એની પત્ની વિશે મેજર ધનરાજને ખબર કઇ રીતે પડી એ વાત એને સમજાતી ન હતી.

રાજવીરે ઊભા થઇ પોતાના કબાટમાંથી એક મોબાઇલ બહાર કાઢ્યો અને એ મોબાઇલને ચાલુ કર્યો હતો. મોબાઇલને ચાલુ કરી એણે કોઇને મેસેજ મોકલ્યો અને ફરી મોબાઇલ સ્વીચ ઓફ કરી મોબાઇલ કબાટમાં પાછો મુકી કબાટનો દરવાજો બંધ કરી દીધો હતો.

ક્રમશઃ.....

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ)