( આપણે અગાઉ જોયું તે પ્રમાણે ઓફિસર શેલ્ડન અને તેમની ટીમ મિસ્ટર ડાર્વિનને શોધી કાઢે છે અને તે ગુનેગાર છે એ સાબિત કરવા મથી રહ્યા છે હવે વધુ આગળ...)
માર્ટીન : સર બીજા કોને આનો સાથ આપ્યો હતો અને આપણને કેવી રીતે એ ખબર પડશે ?
શેલ્ડન : હવે એની જાણકારી તારા મિસ્ટર ડાર્વિન જ આપશે. કારણકે અમુક રૂપિયા એ વ્યક્તિના ખાતામાં પણ ટ્રાન્સફર થયા હતા.. પ્લાન તો ખરેખર સરસ બનાવ્યો હતો પણ મિસ્ટર ડાર્વિન તમને આશા નહોતી કે પોલીસ અંત સુધી તમારો પીછો કરશે અને સત્ય શોધી કાઢશે !! બોલો હવે એ વ્યક્તિનુ નામ આ બધાને કહો.
ડાર્વિન : એડવોકેટ જ્યોર્જ....
હેનરી : એ વળી આ ગુનામાં કેવી રીતે સંડોવાઈ ગયો ? સર એના ઉપર તો આપણ ક્યારેય શંકા કરી જ નથી. જ્યારે મિસ્ટર વિલ્સને નોકર ઉપર હુમલો કર્યો ત્યારે આ એડવોકેટ જ્યોજે જ સૌથી પહેલા આપણને જાણ કરી હતી.
ડાર્વિન: વિલ્સનને ફસાવવામાં એનો જ હાથ હતો. ખરેખર તો નોકરની હત્યા મારા નાના ભાઈ એ કરી જ નથી. જ્યારે તેઓ ઝપાઝપી કરી રહ્યા હતા ત્યારે એડવોકેટે ઝેર ભરેલી સોઇ નોકરને ચુભાવી દીધી હતી અને તેના કારણે નોકરનુ મૃત્યુ થયુ હતુ. કારણ કે બંને વચ્ચે ઝપાઝપી ચાલી રહી હતી તેથી ત્યાં ઉભેલા સૌને એમ જ લાગ્યુ કે મારા નાના ભાઈએ જ નોકરને માર્યો હતો. પરંતુ અમને એમ હતું કે એટલી નાનકડી સોઇ કોઈના ધ્યાનમાં આવે નહીં અને વિલ્સન ફસાઈ જશે.
માર્ટીન : પરંતુ તુ તારા નાના ભાઈને કેમ ફસાવવા માટે ઈચ્છતો હતો ?
શેલ્ડન : પૈસાને માટે માર્ટિન. વ્યક્તિ પૈસા માટે કઈ હદ સુધી નીચે જઇ શકે છે તેનો જીવતુ જાગતુ ઉદાહરણ તુ તારી આંખ સામે જોઇ રહ્યો છે. પોતાના સગા ભાઈને પણ આ વ્યક્તિએ ગુનેગાર બનાવી દીધો હતો. પૈસાની લાલચ આપસી સંબંધો પણ ભૂલાવી દે છે .
ડાર્વિન : મારા ઉપર દેવુ ખૂબ જ વધી ગયુ હતુ અને હું તે કોઈપણ હિસાબે ચૂકવી શકુ તેમ હતું નહી. જેમના પાસેથી દેવુ લીધુ હતુ તેઓ સતત મને ધમકીઓ આપી રહ્યા હતા.વળી વિલ્સન એના ભાગની જમીન વેચીને પૈસા માગી રહ્યો હતો. સાથે જ અમારા પિતાશ્રીએ બન્ને ભાઈઓના નામે વીમો લીધો હતો જેની રકમ ખૂબ મોટી હતી અને જો કોઈક રીતે મારો નાનો ભાઈ આ બધામાં ફસાઈને જેલ ભેગો થઈ જાત તો આ બધા જ પૈસા મને મળી જાય તેમ હતા. કારણ કે દુનિયાની નજરમાં હું પહેલેથી જ મૃત્યુ પામ્યો હતો તેથી આરામથી આ બધા જ પૈસા લઇને હું કોઇ દૂરના પ્રદેશમાં જઈ શાંતિથી મારું જીવન વ્યતિત કરતો.
શેલ્ડન : ગુનાનો રસ્તો હંમેશા જેલમાં જ પૂરો થાય છે મિસ્ટર ડાર્વિન સ્ટોક્સ. આરોપી પોતાને ગમે તેટલો ચકોર માનતો હોય. તમારા ગુના માટે તમને સૌથી કડક સજા થાય એ માટે હું પૂરતો પ્રયત્ન કરીશ. માર્ટીન આને લઈ જા અહીંથી અને જેલમાં બંધ કરી દો. એડવોકેટને પણ પકડી લાવો હવે...
( આ રીતે મિસ્ટર ડાર્વિન સ્ટોક્સ પોતાના બનાવેલા ષડયંત્રમાં જ ફસાઈ જાય છે અને ઓફિસર શેલ્ડન તથા તેમની ટીમ સફળતાપૂર્વક આ કેસનો ઉકેલ લાવે છે. વાચકમિત્રો મારી સાથે આપ સૌએ આ ક્રાઇમ સ્ટોરીને ઉત્સાહપૂર્વક માણી હશે તેની મને ખાતરી છે . આવનાર સમયમાં આવી જ કોઈ રોમાંચક કથા સાથે આપ સમક્ષ હાજર થઈશ. આપણા પ્રતિભાવ જરુરથી આપશો. આપ સૌના સારા સ્વાસ્થ્યની કામના સાથે અલવિદા...)
-- ઇશાન શાહ