શરાબી: એક ક્રાઇમ સ્ટોરી - 3 Vijay R Vaghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શરાબી: એક ક્રાઇમ સ્ટોરી - 3


''એના બંને સાળાઓએ જ મારા દીકરાને મારી નાખ્યો, સાહેબ! એ કાળમુખાઓએ મારો એકનો એક દીકરો ઝૂંટવી લીધો!''માથું પટકીને આક્રંદ કરતા હંસાબહેને ઈન્સ્પેક્ટરને કહ્યું. ''એ બંનેને પકડીને ફાંસીએ લટકાવો, સાહેબ! જરાયે દયા રાખ્યા વગર એમણે મારા ધ્વનિત ને વેતરી નાખ્યો! ''પાડોશીઓ હંસા બહેનને સાંત્વના આપવા મથતી હતી પણ પુત્રની લાશ પાસે બેઠેલી જનેતાએ હૈયાફાટ રૂદન સાથે ફરિયાદ ચાલુ રાખી. ''એ કાળમુખી ગઈ ત્યારે ધ્વનિતને ધમકી આપતી ગયેલી કે મારા ભાઈઓ તને નહીં છોડે. એ રાક્ષસોએ ધાર્યું કર્યું અને મને નિરાધાર કરી દીધી!''

ઈન્સ્પેક્ટરે એમની પાસેથી ધ્વનિતના સાળાઓના નામ અને સરનામું લઈ લીધું. હંસાબહેનને ધરપત આપવા માટે એમણે એ જ વખતે અમરેલીના પોતાના ઈન્સ્પેક્ટર મિત્રને ફોન કરીને આ માહિતી આપીને એ બંને હાલ ક્યાં છે એની તાત્કાલિક માહિતી આપવા તાકીદ કરી. ધ્વનિત ના ખિસ્સામાંથી મળેલી તમામ વસ્તુઓ ઈન્સ્પેક્ટરના ટેબલ પર એક કવર માં પેક કરીને મૂકવામાં આવી હતી.

કાયદેસરની બધી વિધિ પતાવીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી ત્યારે પાડોશીઓએ એ જવાબદારી સંભાળી લીધી. અમરેલી થી શું જવાબ આવે છે એ જાણવા માટે બે પાડોશીઓ સાથે હંસાબહેન ઈન્સ્પેક્ટરની સામે જ બેસી રહ્યા. પોસ્ટમોર્ટમ પછી લાશનો કબજો મળે ત્યારે પાડોશીઓ એમને અહીંથી લઈ જવાના હતા.

ફોનની રિંગ વાગી ત્યારે વાત પતાવીને ઈન્સ્પેક્ટરે હંસા બહેન સામે જોયું. ''એ બંને ભાઈઓ કાલે રાત્રે જ અમરેલી થી રાજકોટ આવવા નીકળી ગયા હતા. એ લોકો રાજકોટ માં ક્યાં રોકાયા હશે એનો કંઈ ખ્યાલ છે તમને?''

''માનવજ્યોત મંદિર પાસે અંટેલા ફ્લેટમાં રાજદીપ ભાઈ માસ્તરના ઘેર એ કાયમ જતા હોય છે.''પીડાથી વલોવાતા હંસાબહેને તરત માહિતી આપી. ''ત્યાં જીપ મોકલીને એમને પકડી લાવો, સાહેબ! એ બંનેને જેલમાં નાખશો તો મારા ધ્વનિતના આત્માને શાંતિ મળશે'' ભીની આંખે એમણે બે હાથ જોડયા. ''મારો દીકરો તો જીવતો નથી થવાનો પણ એ કસાઈઓને પૂરી દો,સાહેબ!''

એ જ વખતે એક પાડોશીએ આવીને હંસાબહેનને કહ્યું કે હવે તમે ઘેર આવો, પેલા લોકો થોડી વારમાં જ લાશ લઈને આવી રહ્યા છે.

''સાહેબ, એ ત્રણેને પકડીને ફાંસીએ ચડાવજો.'' જતી વખતે જનેતા ફરી વાર કરગરી.

સબ ઈન્સ્પેક્ટર પોતાની ખુરસીમાં બેઠા એ જ વખતે ટેબલ પર પડેલો ધ્વનિત નો મોબાઈલ રણક્યો. ઈન્સ્પેક્ટરે ફોન ઉઠાવ્યો. કાનમાંથી કીડા ખરી પડે એવી ચાર-પાંચ ગાળ પછી સામેવાળાએ કહ્યું. ''ધ્વનિત્યા ,મારા પાંચ લાખ માટે આજનો વાયદો હતો,એટલે રાહ જોઈને બેઠો છું. સાંજ સુધીમાં નહીં આવે તો ટાંટિયા ભાંગી નાખીશ એ તો ખબર છે ને?પરમ દિવસે રામો રોટી મળેલો. પચીસ લાખ માટે પાંચ મહિનાથી તું એને ગોળ ગોળ ફેરવે છે એટલે એ ગળે આવી ગયો છે. એણે મને કહ્યું કે બાબુ, આ ધ્વનિત્યાને હું ખતમ કરી નાખીશ. એણે તને મારવાનું નક્કી કર્યું છે.એને પગે પડીને માફી માગી લે, નહીં તો એ તો બોલેલું પાળે એવો ખતરનાક ખેલાડી છે. સાવધ રહેજે. સાંજ સુધીમાં મારા પાંચ લાખ પહોંચાડી દે.''

આ સાંભળતી વખતે ઈન્સ્પેક્ટરનું મગજ સક્રિય બની ચૂક્યું હતું. છેડો મેળવવા માટે એમણે શબ્દો ગોઠવ્યા. ''જુઓ બાબુ ભાઈ, હું ધ્વનિતના મામા બોલું છું. એની ઉધારીથી કંટાળીને મારી બહેને હવે એનો હવાલો મને સોંપી દીધો છે. ધ્વનિતને અમે ઘરમાં જ પૂરી રાખ્યો છે. એના લેણદારોનું લિસ્ટ એણે આપ્યું તો છે પણ એક સાથે બધાને પહોંચી વળવાનું શક્ય નથી. તમારા પાંચ લાખમાંથી અત્યારે બે લાખ તમે કહો ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરું. બોલો, ક્યાં છો તમે? તમને ઓળખવા કઈ રીતે?''

''જ્યુબેલી સર્કલ છ રસ્તા પાસે જલેબી - ગાંઠિયા ની લારી પાસે પાનના ગલ્લે હું બુલેટ લઈને ઊભો છું. પર્પલ કલર નું ટિશર્ટ અને બ્લેક કલરનું જીન્સ પહેર્યું છે. જમણા હાથમાં ચાંદીની લકી અને ગળામાં સોનાની જાડી ચેઈન છે. એકાદ કલાકમાં આવી જશોને?''

''સો ટકા.'' પેલાને ખાતરી થાય એ માટે ઈન્સ્પેક્ટરે ઉમેર્યું. ''પણ એ પછી પ્લીઝ, ધ્વનિત્યાને હેરાન ના કરતા. હપ્તે હપ્તે કરીને પૈસા ચૂકવી દઈશું .''

''પૈસામાં ધતિંગ કરે એટલે ધમકાવવો પડે પણ તમે મામલો હાથમાં લીધો છે એટલે કંઈ નહીં કરું. જલ્દી આવી જાવ.''

પાંત્રીસ મિનિટ પછી ચાર કોન્સ્ટેબલ બાબુને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા ત્યારે કંઈજ ખબર નહોતી એટલે એ ઈન્સ્પેક્ટરની સામે ઊભો રહીને કરગરતો હતો. ''સાહેબ, મને કેમ પકડી લાવ્યા?''

''સાંભળ. રામા રોટીનું આખું નામ-સરનામું અને અત્યારે એ ક્યાં હોય એટલી માહિતી આપી દે.

એ અમારા કબજામાં આવી જાય એટલે તું છુટ્ટો!''ઈન્સ્પેક્ટરે એને કહ્યું. ''એ રામાએ તને કહેલું એમ ધ્વનિતને પતાવી દેવો છે. એ પછી તારો ફોન આવ્યો એટલે મારે મામા બનીને વાત કરવી પડી. રામો પકડાય નહીં ત્યાં સુધી અમે તો તને જ આરોપી માનીશું. સમજણ પડી?''

''આમાં મારું નામ વચ્ચે ના આવે એટલી મહેરબાની કરજો, સાહેબ!'' આટલી વિનંતિ કરીને ફફડી ઉઠેલા બાબુએ તમામ માહિતી આપી દીધી. એણે જે ચાર ઠેકાણાં કહેલા ત્યાં પોલીસ પહોંચી ગઈ. છેલ્લે પોસ્ટ ઓફિસ પાસેના એક તબેલામાંથી રામો ઝડપાઈ ગયો.

પોલીસની આકરી પૂછપરછ સામે ટકી રહેવાની રામાની તાકાત નહોતી. રાત્રે સાડા દસ વાગ્યા સુધી ઝીંક ઝીલ્યા પછી એણે ગુનો કબૂલી લીધો અને પોતાના બીજા બે સાથીનું નામ પણ આપી દીધું.

''બાબુ, તારા ફોને તો જાદૂકી છડી જેવું જોરદાર કામ કર્યું. થેંક્યુ.'' બાબુને વિદાય આપતી વખતે સબઈન્સ્પેક્ટરે હસીને ઉમેર્યું. ''હવે પછી કોઈને ફોન કરે તો સામા છેડે કોણ છે એની ખાતરી કર્યા પછી જ મોઢું ખોલજે. સમજ્યો?''

સવારે હંસાબહેનને મળીને સાંત્વના આપીને ઈન્સ્પેક્ટરે સમજાવ્યું. ''જે બન્યું એમાં તમારી વહુ કે એના ભાઈઓનો કોઈ હાથ નથી. એમના માટે મનમાં કડવાશ ના રાખતા. જુગાર ની લતમાં તમારો દીકરો વ્યાજખોરોના હાથમાં સપડાઈ ગયો હતો એમાં જીવ ગૂમાવી બેઠો. એને મારનારા ઝડપાઈ ગયા છે અને એમને સજા થાય એ માટે અમારા પ્રયત્નમાં કોઈ કચાશ નહીં રહે એ મારી ગેરંટી.''

આટલું કહી સબઇન્સ્પેક્ટર જીપ માં બેઠા.ધૂળ ચહેરા ઉપર હતી અને અરિસો સાફ કરતા રહ્યા.. જીપ પોલીસ સ્ટેશન તરફ આગળ વધતી હતી ત્યારે ઈન્સ્પેક્ટરને અનાયાસે જ એક હિન્દી ફિલ્મની શાયરી યાદ આવી ગઈ.