એ જ વખતે સબ ઈન્સ્પેક્ટર આવ્યા. પોતાની ચેમ્બરમાં જતી વખતે એ અહીંથી પસાર થયા. પચાસ વર્ષના એ પ્રભાવશાળી અધિકારીને જોઈને ધ્વનિત બાંકડા માંથી ઊભો થઈ ગયો. ''સર, મારે ફરિયાદ નોંધાવવાની છે.''
ઈન્સ્પેક્ટરની સામે જોઈને ધ્વનિતે પોતાની કેફિયતનું પુનરાવર્તન કર્યું. એ બોલતો હતો ત્યારે સબ ઈન્સ્પેક્ટરની આંખો ધ્વનિતનું નિરીક્ષણ કરતી હતી.
''જો ભાઈ, કોઈ બાળક ખોવાઈ ગયું હોય તો શોધવામાં તકલીફ ના પડે પણ ત્રીસ વર્ષની મહિલા પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હોય,એને શોધવાનું કામ અઘરું છે. મોટા ભાગે તો આવા કિસ્સામાં એ પોતાના પિયર અથવા કાકા-મામાના ઘરની દિશા જ પકડે.'' ધ્વનિતની સામે જોઈને સબ ઈન્સ્પેક્ટરે સમજાવ્યું. ''ત્યાં કોઈ સમજદાર વડીલ હોય તો એને મનાવીને પાછી મોકલે અથવા તમને ત્યાં બોલાવીને સમાધાન કરાવે. ફરિયાદ નોંધાવવાને બદલે સંબંધીઓને ત્યાં તપાસ કરો એ સાચો રસ્તો છે.''
''મારે ફરિયાદ નોંધાવવી જ છે.'' ધ્વનિત ગુસ્સે થઈને બોલ્યો.
''આ સાહેબની ફરિયાદ લઈ લો.'' હેડ કોન્સ્ટેબલને સૂચના આપીને સબ ઈન્સ્પેક્ટર એમની ચેમ્બરમાં ગયા.
''હવે બોલો.'' કોન્સ્ટેબલે ધ્વનિત સામે જોયું. ''આપનું આખું નામ, સરનામું, ઉંમર અને વ્યવસાય લખાવો અને એ પછી આપના મિસિસની વિગત લખાવો. ઘરમાંથી રૂપિયા-પૈસા કે દાગીના લઈ ગયા હોય તો એ પણ લખાવો.''
''એવું કંઈ નથી.'' બધી માહિતી લખાવીને ધ્વનિત એ ઉમેર્યું. ''અમરેલી એના પિયરમાં એના બે ભાઈઓ ખતરનાક છે.એ મને જોઈ લેશે એવી ધમકી આપીને ગઈ છે.''
''ધારા બહેનનો કોઈ ફોટો લાવ્યા છો?'' હાવલદારે પૂછયું.
''ફોટાની પ્રિન્ટ નથી, પણ મોબાઈલમાં છે.''
''એક કામ કરો.'' એણે રસ્તો બતાવ્યો. ''ફોટા માટે ઘેર ધક્કો ના ખાવો હોય તો સામેના ચાર રસ્તે ફોટો સ્ટુડિયા ની દુકાન છે. ત્યાં મોબાઈલમાંથી ફોટાની કલર પ્રિન્ટ ઊભા ઊભા કાઢી આપશે. રાજકોટ ના એકે એક પોલીસ સ્ટેશનમાં ફોટો પહોંચી જશે પછી અમારા માણસો એસ.ટી.સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને બધી હોસ્પિટલોમાં પણ તપાસ કરશે. રિક્ષાવાળાઓ ઉપરાંત, અમરેલીની બસના કંડક્ટરને પણ પૂછશે.''
'થેંક્યુ.'' ધ્વનિત ઊભો થયો. ''હમણાંજ પ્રિન્ટ કઢાવીને આવું છું.''
દોઢ કલાક પછી પોલીસની જીપ ફ્લેટમાં પહોંચી એટલે પાડોશી રતિલાલકાકા જિજ્ઞાસાથી ત્યાં આવી ગયા. ''ધ્વનિતભાઈનું ઘર?'' જીપમાંથી ઊતરીને પોલીસે પૂછયું એટલે એમણે ઘર બતાવ્યું. બીજા પાડોશીઓ પણ ત્યાં આવી ગયા.
આખું ટોળું જોઈને હંસા બહેન ઓટલે આવી ગયા. ''ધ્વનિત ભાઈનો અકસ્માત થયો છે. તમે તૈયાર થઈ જાવ.અમારી સાથે આવવું પડશે.'' હંસા બહેનને આટલી માહિતી આપીને કોન્સ્ટેબલે કહ્યું. ''એક ગ્લાસ પાણી આપશો, પ્લીઝ?'' ગભરાયેલા હંસાબહેન પાણી લેવા ગયા.
એમને અંદર મોકલીને કોન્સ્ટેબલે પાડોશીઓને ઝડપથી સૂચના આપી. ''ધ્વનિત ભાઈનું ખૂન થઈ ગયું છે એટલે તમારામાંથી બે-ચાર પાડોશીઓએ માજીની સાથે આવવું પડશે. એમને સંભાળવા માટે બે લેડિઝ જોડે રહેજો .''
પાડોશીઓ ડઘાઈ ગયા. સ્વસ્થતા કેળવીને રતિલાલ કાકા ઘરમાં ગયા અને પોતાની પત્ની અને પુત્રવધૂને ફટાફટ સમજાવીને સાથે લીધા. જીપમાં એ બંને હંસા બહેનની સાથે બેઠા. રતિલાલ કાકાની રીક્ષામાં બીજા ત્રણેક પાડોશીઓ ગોઠવાઈ ગયા.
ફોટો સ્ટુડિયોની દુકાન પાસે રોડ ઉપર લોહીથી લથબથ ધ્વનિતની લાશ જોઈને હંસા બહેન ડઘાઈ ગયા . ઈન્સ્પેક્ટરે બધા પાડોશીઓને ઘટનાક્રમ સમજાવ્યો. ''આ ભાઈ ફરિયાદ નોંધાવવા આવ્યા ત્યારે અમારા રાઈટરે એમની મિસિસનો ફોટો માગ્યો. એ નહોતો એટલે રોડ ક્રોસ કરીને એ અહીં આવ્યા ત્યારે સફેદ વેનમાં આવેલા ત્રણ માણસો એ હુમલો કર્યો. એકે ધ્વનિતને પકડી રાખ્યો અને બીજો છરો લઈને ખચાખચ મંડી પડયો. ગણતરીની સેકંડમાં કામ પતાવીને એ ત્રણે ભાગી ગયા. મોઢામાં માસ્કને લીધે ત્રણ માંથી એકેયનો ચહેરો દેખાતો નહોતો. અલબત્ત, નંબર પ્લેટ અને સીસીટીવીના આધારે તપાસ ચાલુ થઈ જશે.''