2.
સહુ પોર્ટ બ્લેરની મૂળ ભૂમિ પર આવી પહોંચ્યા.
દત્ત મહાશય એક ક્ષણ અટકી ગયા. એક અધિકારી બહેનને થયું કે તેમનો પગ અટક્યો. તેઓ દત્ત મહાશયનો હાથ પકડવા ગયાં. દત્ત મહાશય કહે "આઈ એમ ઓકે. હું તો જેટીના અંતે જે પાળ છે તેના ખીલાઓ અને ખાડાઓ જોઉં છું."
એ અધિકારી અને અન્યો દત્ત મહાશય સામે જોઈ રહ્યાં.
દત્ત મહાશય એક પથ્થર પર તેમનો હાથ મૂકી કહે "આ જે પથ્થરો છે તે મેં ખભે અને માથે ઊંચકી ગોઠવેલા. હું મારો ખાસ નિશાની વાળો ખીલો ગોતતો હતો. આ રહ્યો. થોડી લીલ સાફ કરી. હજી એમ જ છે. C D કોતર્યું છે તે ચારુ દત્ત. હું પોતે."
"શું વાત કરો છો દાદા, તમે આખી પાળ બનાવેલી? આટલા વજનદાર પથ્થરો ખભે કેવી રીતે ઊંચકયા?" મારાથી પૂછાઈ ગયું.
"સજા. સજામાં આવું બધું કાંઈ ને કાંઈ કરવું પડતું. માથે પટ્ટો બાંધી પથ્થરો ઊંચકયા છે. હું એકલો નહીં, એમ તો ત્રિલોકનાથ બેનર્જી અને આ વિઠ્ઠલરાવ.. એમનો ભાઈ પણ હતો. ત્રિલોકનાથ એકવાર ચોમાસાંની ભીનાશમાં સહેજ પગ ચુક્યો. સીધો કાદવ ના ઢગલા સાથે વેગથી લપસી દરિયામાં." દત્ત દાદાને ડૂમો ભરાઈ આવ્યો.
"તો તમે આ પથ્થરો એક એક મૂકી.." એમનાં પત્ની પૂછી રહ્યાં.
"હા. યાદ કરાવ્યું. કડીયા પણ અમે, મજૂર પણ અમે. આવા મોટા પથ્થરો પીઠ પર ખાલી એક ગોદડું મૂકી ઊંચકવાના અને સો મીટર જેવું લઈ જવાના. પરસેવે રેબઝેબ થઈ જવાય, હાંફી જવાય. પણ બ્રિટિશ સિપાહીઓ જે બળદ માંડ કરી શકે એ કામ માણસ પાસે કરાવતા હતા". વિઠ્ઠલ રાવે કહ્યું.
"ખબર છે, પથ્થરો શિપમાંથી ઉતરે એટલે અમારે લઈને કિનારે ઢગલો કરવાનો, પછી ચણવાનું. સારું, એ વખતે ચણ્યું તો આજે કામ આવે છે." દત્ત દાદાએ કહ્યું.
અમે સહુ અમને લઈ જતી બસમાં ગોઠવાયા.
"એ લોકોને સત્તા ચલાવવા જે મકાનો, બંદર, રસ્તા કે જે સ્ટ્રક્ચર જોઈએ એ અમે વેઠે આવેલા એટલે અમારી પાસે કરાવ્યું. રોસ આઇલેન્ડ પરનું ભૂકંપમાં નાશ પામ્યું બાકીનું આજે ભારત દેશની જનતાના ઉપયોગમાં આવે છે એનો ગર્વ છે." દેશભક્ત વિઠ્ઠલરાવે કહ્યું.
રસ્તો પોર્ટ બ્લેર શહેરની બહારથી જતો હતો. એકાએક દાદાએ મારૂં ધ્યાન ખેંચ્યું - "સ્વતંત્ર, જો. આ હાથીઓ ટીમ્બર રોડવે છે. અમે એની સાથે કામ કરેલું. હાથી ઢાળ પરથી કપાયેલાં વૃક્ષોનાં ગોળ થડને ધક્કો મારે અને આગળ જઈ સૂંઢમાં ઊંચકી બાજુમાં મૂકે. અમારે મોટી તલવારની પટ્ટી જેવી કરવતથી એ બીમ વહેરવાનાં. એના ટુકડા કરવાના. એ ટ્રકોમાં ભરી બીજા આઇલેન્ડ પર લઈ જાય. ખાસ તો બાજુનો રોસ આઇલેન્ડ, જ્યાં એ લોકોનો નિવાસ હતો. ત્યાં એમની ઓફિસો પણ હતી તે એક મોટા ભૂકંપમાં નાશ પામેલી. એની મરામત અમારે આ લાકડાં વહેરી ત્યાં મોકલી કરવાની હતી. મજૂરી અમારી. સુથાર લુહાર ટ્રક ડ્રાઇવરો એના."
"તો સિપાહીઓ અને હાથીના મહાવતો કોણ હતા? એ બ્રિટિશરોને ન ફાવે." મેં કહ્યું.
"એ મહાવતો પણ ગુલામ જેવા. મોટે ભાગે બર્માથી કે મદ્રાસથી પકડી લાવેલા.
અંદર તો ગાઢ જંગલો જેમાં ટીમ્બર મળે તેવાં વૃક્ષો ખાસ વાવવામાં આવતાં. મોટી નદી જેવાં ઝરણાંનાં વહેણ સાથે એ થડો એક સાથે વહે અને જ્યાં રોકવા ધાર્યું હોય ત્યાં આડશ બનાવેલી તેની સાથે જોરથી અથડાય. ઝરણું વહેણ બદલે ત્યારે એટલી વારમાં જ એ રોકાય અને ગમે તે થાય, એને ઉપાડી લેવાં પડે. એ વખતે અમારે ચાર પાંચ જણે મળીને, અમાનુષી જોર વાપરી એને ઊંચકી બહાર મુકવાનાં. પછી જ હાથીઓ એને સૂંઢમાં ઉપાડી દૂર લઈ જાય જ્યાં તેનો ઢગલો થાય. થડો એક સાથે આડશ પર અથડાતાં પાણી પણ ઉડે અને સાથે પથ્થરોના ટુકડા અને કાદવ પણ. ભૂલથી પણ એકદમ વેગથી આવતું થડ રોકવા અમારું એકાદ અંગ અડી જાય તો હાથ પગ છુટા પડી જાય. દવાને નામે કાદવ અને અમારું જ સ્વમૂત્ર એ પેઇનકિલર.
વેગથી આવતાં લાકડાનાં થડ રોકવાનું કામ હાથીનું નહીં. એ રોકવા અમે કેદી ગુલામો. શીખવ્યું તો હોય અમારા જ કોઈ ભાઈએ પણ એટલું તો જોખમી કે ટીમ્બર નીચે દટાઈને કે કાદવમાં ફસાઈને મરી જઈએ તો એમને તો જે એક ઓછો." વિઠ્ઠલરાવે કહ્યું.
"આ બધાં કષ્ટ તો પાશેરામાં પહેલી પુણી. ખરો ત્રાસ તો જેલવાસમાં હતો." નૌતમ દાદાએ કહેવું શરૂ કર્યું. ત્યાં તો અમારો ઉતારો આવી પહોંચ્યો.
અમને કહેવાયું કે તમારા સહુ માટે લંચ આવશે પછી થોડો આરામ લઈને જેલની મુલાકાતે જવાનું છે.
જમવા બેઠા ત્યારે નૌતમ દાદા કહે "આ જમીએ છીએ ત્યારે મને તે દિવસોની યાદ આવી જ્યારે આપણને કામ ખુબ કરવું પડતું અને જમવાનું સાવ ઓછું. કેદી દીઠ માપીને ઘઉં, તેલ, ભાત વગેરે પાણીઆધાર થી પણ ઓછું. કેમ શ્રીપ્રસાદ?"
"અરે કોણ જાણે કયા દેશના હશે, ગળે નહીં તેવા કાચા ભાત અને સાથે જંગલી ઘાસનો સૂપ દળને બદલે. ક્યારેક તો મોં માં ખરજ ઉપડી મોં સૂઝી જાય. દેશી મીઠું અને તમાકુ ચોરી છુપીથી મોં માં ભરી પીડા શાંત કરવી પડતી." દાદાએ કહ્યું.
આ તો બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને જૂની યાદો મળતાં ઉત્તેજિત થઈ ગયેલા. કોઈ સુતું નહીં. અમે બસમાં જેલની મુલાકાતે જવા નીકળ્યા.
"તમાકુથી પીડા શમાવવાની વાત નીકળી તો.કહું. હું તો તમાકુનો ચુસ્ત વિરોધી. પણ ન છૂટકે આ શ્રીપ્રસાદ કોઈક રીતે લઈ આવેલો તે અમે કામ કરતા એ ખેતરમાં જ ઉગાડી. એનો ઉપયોગ હમણાં કહ્યું તેમ કાદવમાં કે કાંકરા વાળી જમીન પર કામ કરતાં પગને છાલાં પડી જાય કે કોરડાનો માર ખાઈ સોળ ઉઠી જાય ત્યારે ત્યાં ચીંથરૂં ફાડી તેની ઉપર મૂકી લગાવતા. એનાથી પીડા શમી જતી. પરુ થઈ ગંધાય તો એના ઉપર એ કાદવ લગાવી દેતા." વિઠ્ઠલરાવે કહ્યું.
"આવું લગાવવું પડે ને મટી જાય તો સારું. બાકી ક્યારેક એવી રીતે પીઠમાં નીચે મારે કે બીજા દિવસો સુધી સંડાસ જવા બેસી ન શકાય.
એક સુગ ચડે એવી વાત કહું? અમુક વખત તો અમારે હાજત પણ એક માટલામાં જવાની, એને બંધ કરી અમારી ખોલીમાં જ રાખવાનું. અમુક દિવસો પછી જેલના ચોકીદારની મહેરબાની થાય એટલે એ માટલું દાટી દેવાનું." દાદાએ કહ્યું. મને કલ્પના કરતાં પણ ઉબકો આવવા જેવું થયું.
"અમારે કામ શું કરવાનાં, કહું? સાચે જ, બળદની જેમ તેલ કાઢવા ઘાણીએ ગોળગોળ ફરવાનું, એમનો મદ્રાસી સિપાહી શીંગ કે તલ વચ્ચે ઓરતો જાય, મોટા પથ્થરનાં પૈડાંથી એ દળાઈ તેલ નીકળતું જાય. એ પૈડું ખેંચવા લાંબા દાંડા સાથે બાંધેલો કેદી ગોળ ફરે. દિવસનું તેલ બળદ ફરે તોયે બે લીટર નીકળે એમાં અમને ત્રણ લીટર કાઢવાનું ફરમાન થયું. એક કેદી ઉલ્લાસ્કર દત્તાએ વિરોધ કર્યો તો એના હાથ ઊંચા લઈ એને બાંધી, કપડાં કાઢી મીઠામાં બોળેલા ચાબખાથી માર્યો. એની ચામડી ફાટી ગઈ." વિઠ્ઠલરાવે એમનાં પત્ની, પુત્ર સામે જોતાં કહ્યું. પત્ની જીભ બહાર કાઢી મોં આડો હાથ રાખી રહી.
"દિવસો હતા કાંઈ? સુવા કોઈ ચાદર નહીં, પૂરતું ખાવાનું નહીં અને પોતાનાં કપડાં પોતે સાવ ઓછાં, દરિયાનાં ખારાં પાણીમાં ધોવાનાં. સહેજ વિરોધ કરો તો ખરાબમાં ખરાબ સજા. એક જેલર ડેવિડ બેરી આવ્યો એ તો કહેતો કે હું જ તમારો ભગવાન છું. એ એટલો ક્રૂર હતો કે ખાનગીમાં એને ડેવિડ બેરી ને બદલે ડેવિલ વેરી કહેતા. કેટલાયે રાજકેદીઓ એના સમયમાં ટપોટપ મરી ગયા. બાકી હતું તો એમને જેલનાં કમ્પાઉન્ડમાં અમારી સામે જ બાળતા. એ તો માંદગીથી મરે એને. જેને ફાંસીની સજા જેલર ઉપરના સત્તાવાળાઓનો હુકમ લઈ કરે એને એક ખોલીમાં ફાંસી આપવામાં આવતી. મડદું ખોલી નીચેનું પાટિયું ખસેડો એટલે સીધું નીચે દરિયામાં જ વહી જતું." દાદાએ કહ્યું.
કંપારી છૂટી જાય એવી આ સજા, એમાં કરાવેલાં અમાનુષી કામો અને યાતનાઓની વાતોએ મારૂં મગજ સુન્ન કરી મુક્યું ત્યાં તો જેલનો ગેઈટ આવી પહોંચ્યો
ક્રમશ: