યાદ કરો કુરબાની - 1 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યાદ કરો કુરબાની - 1


દૂર ક્ષિતિજમાં જમીન દેખાઈ. હજી આસપાસ અફાટ સમુદ્ર ઘૂઘવતો હતો. અમારૂં જહાજ વેગપૂર્વક પાણી કાપતું એ જમીન જેવી દેખાતી પટ્ટી તરફ જઈ રહ્યું હતું. મારી બાજુમાં ઉભેલા મારા દાદા એકદમ રોમાંચિત થઈ ગયા. મારે ખભે હાથ મૂકી બીજે હાથે એ જમીન બતાવતાં બોલ્યા- "સ્વતંત્ર બેટા, આ દેખાય એ જમીન, આંદામાન ટાપુ જ્યાં તારા આ દાદાએ કાળાં પાણીની સજા કાપેલી. દેશને ખાતર, મા ભારતીને ખાતર."

દાદા ક્ષિતિજમાં દેખાતાં એ કાળાં બિંદુ સામે મીટ માંડી રહ્યા. એ બિંદુ હવે ધીમેધીમે લીલી ભુરી પટ્ટીનું રૂપ ધારણ કરી રહ્યું હતું.

તૂતક પર ઉભેલા એમની જેવા વયસ્ક સહ યાત્રીઓ એકી સાથે બોલી ઉઠ્યા, "વંદે માતરમ. ભારત માતાની…"

અમે સહુ એમનાં કુટુંબીઓએ એકી અવાજે ઘોષ કર્યો- "જય…".

એ નાદ ફરી ફરી કરવામાં આવ્યો. ફરી અમે ભારતમાતાની જય બોલાવી. જહાજના પ્રોપેલરના પાણી કાપવાના અવાજ સિવાય સંપૂર્ણ શાંત સમુદ્ર પર દૂર સુધી અમારો અવાજ રેલાઈ રહ્યો - "વંદે માતરમ. ભારત માતાની.. જય."

"શ્રીપ્રસાદ, આપણે લગભગ આવી પહોંચ્યા. એક વખત જ્યાં મૃત્યુને ખોળે બેસી આવેલા તે જ જગ્યાએ. નવું જીવન પામીને. ચાલો. સ્વતંત્ર ભારતના એક ભાગ એવાં આંદામાન પર જ, જ્યાં આપણી સજા.." એટલું બોલતાં એ સાથી ગળગળા થઈ ગયા.

"વિઠ્ઠલરાવ, જીવનને સંભારો અત્યારે. આપણે ત્યાંથી જીવતા પાછા આવેલા જ્યાં યમલોકનાં નરકથી પણ વધુ ત્રાસ હતો. ભલું થજો ભારત સરકારનું જેણે આપણને મુક્ત માનવીઓ તરીકે આ જગ્યાની ફરી મુલાકાત લેવાની તક આપી. જીવનનાં પાછલાં વર્ષોમાં. જો, એ ટાપુ નજીક ને નજીક આવી રહ્યો છે."

સ્વસ્થ રહેવાનો દેખાવ કરતા પણ આંખ ભીની થઇ ચુકેલી એવા નૌતમ દાદાએ પોતાની ભીની આંખો છુપાવવા આંખો પર બાઈનોક્યુલર મૂકી દીધું. એ દાદાને પુરા સમજતી એમની અર્ધાંગિનીએ "લાવો તો દૂરબીન, હું પણ એ જમીન જોઈ લઉં!" કહેતાં બાઈનોક્યુલર નૌતમ દાદા પાસેથી લઈ લીધું અને એમના ખભે હાથ મૂકી એ દાદી ઉભી રહી. એના શ્વેત વાળ સમુદ્રની હળવે હળવે ફૂંકાતી હવા સાથે ફરફરી રહ્યા.

"દાદા, આ તો એકદમ ભૂરું પાણી છે. અને એકદમ પારદર્શક. જુઓ, નીચે દરિયાનું તળિયું પણ દેખાવા લાગ્યું. નીચે તરતી મોટી પટ્ટા વાળી, કાંટા વાળી ને રંગબેરંગી માછલીઓ અને ઉગેલી વનસ્પતિ પણ દેખાય છે. આ તમે કહેતા હતા, જે ઇતિહાસમાં કહેવાતું હતું એ કાલા પાની? આ ક્યાં કાળું છે?" મેં દાદાને પૂછ્યું. માત્ર તેમને મૂડમાં લાવવા. બાકી હું પણ જાણતો હતો, દાદાએ જ વર્ણવેલું કે એ કાલા પાની કેમ કહેવાતું અને એની બ્રિટિશરોએ દાદા અને આ જહાજ પર એમના સાથીઓને આપેલી સજા કેવી હતી.

"11ઓગસ્ટ 1979. બપોરે સાડા બાર. થોડી વારમાં અહીં બપોર ઢળી સાંજ પડશે." વિઠ્ઠલરાવ દાદા પોતાની ઘડિયાળમાં જોઈ કહી રહ્યા.

"કેટલા દૂર છીએ મૂળ જમીનથી, ટાઈમ ઝોન મુજબ આપણા અલ્હાબાદ ટાઇમથી તો દોઢ કલાક ને આપણા કચ્છ, ગુજરાતના લોકલ ટાઈમથી તો અઢી પોણા ત્રણ કલાક. તો પણ - યે ભારત દેશ હૈ મેરા.. " મારા દાદા બોલી ઉઠ્યા.

મને કહે "બેટા સ્વતંત્ર, આ ખૂબ દુરની જમીન છે. અહીંથી ઇન્ડોનેશિયા અર્ધો કલાક પણ ન થાય સ્ટીમરમાં, જ્યારે આપણે ચેન્નાઇ થી ક્રુઝ સ્ટીમરમાં પણ ચૌદ કલાકે આવ્યા. એ પણ શાંત દરિયે. ભારતની મૂળ ભૂમિથી આ ખૂબ જ દૂર હતું."

"અને અહીં લાવેલા અમે કેદીઓ કાળનો કોળિયો બનાવવા જ મોકલેલા. મૂળ ભારતીય ભૂમિથી ખૂબ દૂર અને ક્રુરમાં ક્રૂર સજાઓ વેઠવા. એટલે જ આ કાળાં પાણીની સજા કહેવાતી." દત્ત મહાશય બંગાળી હિન્દીમાં મને સમજાવી રહ્યા.

દાદાએ કહ્યું "સ્વતંત્ર, પાણી ચોખ્ખું પારદર્શક દેખાય છે કારણ કે મધ્યાહ્ન તપી રહ્યો છે. આજુબાજુ નજીકમાં જે ગાઢ જંગલો સાથે ઊંચા ડુંગરો છે એનો પડછાયો પડવા દે. કલાકેકમાં તો દરિયો સાચે જ કાળો દેખાશે. એક તો ડુંગરો ઊંચા, પાછા જંગલોથી ભરેલા. એટલે એનો લાંબો પડછાયો દરિયામાં દૂર સુધી ફેલાય એટલે પાણી સાચે જ કાળું હોવાનો ભાસ થાય. ઉપરથી અહીં શિયાળુ અને ઉનાળુ બેય ચોમાસાં ભારે. આવું ઉત્તરે બર્માની સરહદ સુધી ને નીચે મલયેશિયા સુધી રહે છે.

અમને તો માનવ જાતે જોયેલી ખરાબમાં ખરાબ સજા અપાયેલી, એ પણ ચારે તરફ પાણી વચ્ચેના આ એકાંત ટાપુ ઉપર. એટલે જ આ કાળા પાણીની સજા કહેવાતી.

"તો બધા સ્વાતંત્ર્ય સેનાનીઓને કેમ આ સજા નહોતી થઈ? તમારી સહુની ઉપર એવા તે કયા આરોપો હતા?" મેં પૂછ્યું.

દત્ત મહાશયે મારી તરફ ડોક ફેરવી કહ્યું "કેટલાક તો ખતરનાક આરોપો. મારી ઉપર તો બૉમ્બ બનાવી બંગાળના બ્રિટિશ ગવર્નરની સવારી પર ફેંકવાનો આરોપ હતો. તારા દાદા ઉપર ગુજરાતમાં બ્રિટિશ રાજ વિશે ભડકાઉ ભાષણો અને લેખ લખી પ્રજાને ઉશ્કેરવાનો આરોપ હતો. સાથે એક વાર તેમણે 'એક વાર મચી પડો. કાં તો ગોરાઓ નહીં કાં તો આપણે નહીં. આમેય મરેલા છીએ તો મારનારને મારીને મરીએ, આવનારી પેઢીને જીવાડીએ' એમ કહ્યુ અને લોકો બ્રિટિશરો પર તૂટી પડ્યા. બસ, આરોપ સામુહિક હત્યા માટે ઉશ્કેરવાનો."

દાદાજી મૂછમાં હસ્યા. "અનેક વાર મરીને જીવવા કરતાં એક વાર ખરાખરીનો ખેલ ખેલી મરવું કે જીવવું જ પસંદ કરવું એમ હું આજેય માનું છું."

"એક પણ અપવાદ સિવાય અમે બધા રાજકીય કેદીઓ હતા, દેશની સ્વતંત્રતા માટે લડનારા. અમે કોઈનું ખૂન કર્યું નહોતું કે નહોતા નિર્દોષોને લૂંટયા. મારી ઉપર રાજકીય ખજાનો લઈ જતી ટ્રેન લૂંટવાનો આરોપ હતો. એ સરકારી ટ્રેઝરીના પૈસા નહીં, કોંકણ ના ગરીબ ખેડૂતોની શેરડી, ચોખા વગેરે પેદાશો પડાવી લઈ બ્રિટન અને બીજા દેશોમાં વેંચી એના પૈસા આવ્યા એ લઈ જતી ટ્રેન હતી. લૂંટારા એ હતા, હું નહીં. છતાં મારી પર સરકારી ખજાનો ભરેલી ટ્રેન લૂંટવાનો આરોપ મૂકી મને અહીં લવાયો." વિઠ્ઠલરાવ બોલ્યા.

"ટૂંકમાં બધાએ આઝાદી માટે કોઈ પ્રયત્ન કરેલા પણ આજના નક્સલવાદી જેવા એક પણ નહીં. બ્રિટિશ રાજને એ ખતરનાક લાગ્યા એટલે અમને 'શોધી ચડાવો શૂળીએ બહાદુર નરને જોઈ' એમ કરેલું." નૌતમદાદાએ કહ્યું. હવે તેઓ સ્વસ્થ દેખાતા હતા.

"જુઓ, આ આવ્યું તમારું સહુનું કાળા પાણીની સજાનું ધામ આંદામાન." એમનાં અર્ધાંગિની બોલી ઊઠ્યાં.

હવે કાંઠા પરનાં જંગલો બાજુએ મૂકી જહાજે સુકાન પોર્ટ બ્લેર તરફ ફેરવ્યું. એક સરખા સફેદ ચમકતા રંગે રંગેલાં નાનાં મોટાં મકાનોની હારમાળા દેખાઈ.

જહાજ પોર્ટ બ્લેર લાંગર્યું. કેન્દ્ર સરકારના અધિકારીઓ સ્વાગત કરવા ઉભેલા. મારા દાદા સહિત સહુ સ્વાતંત્ર્ય સેનાનીઓ એક પણ અપવાદ વિના, ગળગળા થઈ ગયા, ભાવુક બની રડી ઉઠ્યા. સહુએ જમીનને મસ્તક નમાવ્યું અને ઊંડો શ્વાસ લઈ ડૂમો અટકાવી દાદા બોલી ઉઠ્યા "વંદે.. માતરમ..". સહુએ પ્રચંડ અવાજે ઘોષ કર્યો "વંદે માતરમ. ભારત માતા કી જય."

અમે સહુએ એ કાંઠાનાં હળવાં મોજાંઓ પર પુષ્પાંજલિ આપી દૂર સુદુરની એ ભારતભૂમિને વધાવી અને જ્યાં અમારા આ અને મૃત પૂર્વજોએ દેશ ખાતર કુરબાની આપેલી તેમને અંજલિ આપી.

ક્રમશ: