Karmo no Hisaab - 4 books and stories free download online pdf in Gujarati

કર્મોનો હિસાબ (ભાગ ૪)

કર્મોનો હિસાબ (ભાગ :- ૪)


નવરાત્રીની મોસમ પૂરબહારમાં ખીલી હતી. મન હંમેશાની જેમ એકતરફ ઊભો રહી ગરબા જોઈ રહ્યો હતો. એટલામાં જ એનું ધ્યાન એક છોકરી તરફ ગયું. મનમાંથી અચાનક જ સરી પડ્યું વાહ...


પહેલા ક્યારેય એણે કોઈને આ નજરથી જોઈ જ નહોંતી. સુડોળ શરીરને નીખારતી એની ડાર્ક બ્લું કલરની ચોલી, કમરને સ્પર્શ કરતાં એના લાંબા લાંબા સિલ્કી વાળ, ગાલને ચુંબન કરતી લટ, ખભાને સ્પર્શતી મેચિંગ ઇયરિંગ, સુડોળ ડોકમાં પહેરેલો નેકલેસ, કમનીય કમરમાં લાગેલો કંદોરો. બધુંજ મન ને મોહી રહ્યું હતું. પહેલીવાર ઉપરથી લઈ નીચે સુધી મન એને નિહાળી રહ્યો હતો, આંખોમાં કંડારી રહ્યો હતો.


એના ગરબા રમવાની સ્ટાઇલ, એનું એ ગરબાને એન્જોય કરી ખોવાઈ જવું, ચહેરા પર સ્મિત આવવું, એકદમ જ જાણે ગરબાનાં પ્રેમમાં ખોવાઈ હોય એવું ખોવાઈ ગરબા રમવા. મનથી રહેવાયું જ નહીં બોલાઈ જ ગયું વાહ મજા આવી ગઈ. બાજુમાં એના મિત્રો વાતોમાં વ્યસ્ત હતા અને આ તરફ મન આ પળને માણી રહ્યો હતો.


અપલક બસ જોઈ જ રહ્યો હતો. ક્યારેક અનુભવ્યું નહોતું એવો અનુભવ કરી રહ્યો હતો. હંમેશા ગરબા માણવામાં નિરુત્સાહ રહેતો મન આજે ઉત્સાહિત થઈ રહ્યો હતો. મનને ગમ્યું હતું આમ એ વ્યક્તિમાં ખોવાવું. મનમાં વિચારી રહ્યો હતો આ જ કહેવાય પહેલો પ્રેમ કે પછી વિજાતીય આકર્ષણ! જે પણ હોય મનને મજા આવી રહી હતી.


એટલામાં જ એના મિત્રોનું ધ્યાન અપલક ગરબા નિહાળી રહેલા મન પર ગયું. "ઓએ... શું કરી રહ્યો છે? હેં... હેં... હેં..."


"અરે કંઈ નહીં બસ, ગરબાની મોજ." મન બોલ્યો.


"હા... દેખાઈ રહી છે તારી મોજ, પણ ભાઈ અમારી નજર પણ ત્યાજ છે. જોરદાર લાગે છે."


"હા, મને પણ બહું ગમી. ને લાગે છે પણ મસ્ત. પણ હા કહી દઉં કોઈએ ત્યાં નજર લગાવવી નહીં." જાણે પોતાની પ્રેમિકા હોય એવા ભાવ સાથે મન બોલ્યો.


"અરે વાહ, વાહ, થોડી વારમાં પાર્ટી બદલી. નશો ચડી ગયો કે શું?"


"જે હોય એ, બસ મને ગમી છે પહેલી નજરમાં. તો મિત્ર તો બનાવીશ જ પહેલા." મન બોલ્યો.


બસ આ ઘટના પછી તો મનને ગરબા જોવા ખુબ ગમતા. એટલે કે ગરબા રમતી એને જોવી! પછી જવલ્લે ને થોડીવાર માટે ગરબે જતો મન ગરબાને પ્રેમ કરવા લાગ્યો હતો અને સાચું કહો તો એ વ્યક્તિમાં પ્રેમ શોધવા લાગ્યો હતો. કહેવાય છે ને માણસને માત્ર ને માત્ર કોઈ સ્પેશિયલ સ્થિતિ જ બદલી શકે. બસ મન ને બદલવા આ સ્થિતિ સ્પેશિયલ હતી.


પછી તો મને માહિતી ભેગી કરવાની ચાલુ કરી. જાણવા મળ્યું આનું નામ ક્રિશ્વી છે. પોતાના કાકાના ત્યાં નવરાત્રી કરવા આવી છે. બસ આટલું પૂરતું હતું મન માટે. બસ એક નિશ્ચય કરી લીધો કે નવરાત્રી પુરી થાય એ પહેલા આની સાથે વાત કરવી છે કારણ કે કદાચ પછી એ નહીં હોય અને ક્યારેય વાત નહીં થાય.


પછી તો મન માટે આ નિત્યક્રમ બની ગયો હતો. બસ એ જતો અને અપલક નિહાળતો. ક્રિશ્વી પણ હવે સમજી રહી હતી કે કોઈ તેને ફોલો કરી રહ્યું છે. કોઈની નજર સતત તેને નિહાળી રહી છે. એ પણ ક્યારેક નજર ઊંચી કરી એની સામે જોઈ લેતી. મનને એકચિત્તે જોતા માણી લેતી. એને પણ ગમતું હતું આ બધું જ.


આજે નવરાત્રીનો છેલ્લો દિવસ હતો. મન આજે દ્રઢ નિશ્ચય કરી નીકળ્યો હતો. આજે તો વાત કરી જ લેવી છે મનના ભાવ કહી જ દેવા છે. એણે એક કાગળમાં માત્ર એટલું લખ્યું તું મને ગમે છે. મારી મિત્ર બનીશ? આ વાત ૨૦૦૦ ના વર્ષની છે એ જમાનામાં મોબાઈલ તો હતા નહીં એટલે ઘરનો લેન્ડલાઇન નંબર પણ સાથે આપ્યો.


કોઈક રીતે આ કાગળ ક્રિશ્વીને પહોંચાડ્યો અને એના પ્રતિભાવની રાહમાં મન બેચેન બની રાહ જોવા લાગ્યો. હજું પણ યાદ છે ક્રિશ્વી એ આ વાંચી માત્ર હળવું સ્મિત કર્યું હતું. મન વિહવળ હતો શું કહેશે એ જાણવા.


*****


મન અને ક્રિશ્વી કયા સંબંધમાં આગળ વધશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...


Feelings Academy...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED