નમસ્કાર. મારી આગળની વાર્તાઓને સારો એવો પ્રતિભાવ આપના તરફથી મળેલ તે બદલ આપનો ખૂબ-ખૂબ આભાર. આથી જ હું આપના માટે એક નવી વાર્તા લઇને આવી છું. લાંબી છે પણ આપ સૌને બહુ જ ગમશે એવી મને આશા છે. વાર્તાના દરેક ભાગ સાથે આપની પ્રતિક્રિયા મને મોકલતા રહેશો. આથી મને મારા કોઇ લખાણમાં સુધારો લાવવાનો હોય તો સમજ પડે.
પસંદગીનો કળશ ભાગ-૧
પલક એક મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવતી હતી. તે પોતે, તેના માતા-પિતા અને તેનો નાનો ભાઇ એમ ચાર વ્યકિતઓનું તેનું કુટુંબ. પલકના પિતા કલાર્કની નોકરી કરતા અને તેની માતા ગૃહિણી. પલક ભણવામાં બહુ હોશિયાર. આથી તેણે માસ્ટર ડિગ્રીની સાથે સરકારી નોકરીના કલાસીસ પણ ચાલુ કરી દીધા. તે અને તેનો ભાઇ સાથે જ કલાસીસ કરતાં. દિવસો જતાં, બધી સરકારી પરીક્ષાઓ આવવા લાગી. તેણે અને તેના ભાઇ બંનેએ ફોર્મ ભર્યુ અને લાગી ગયા બંને પરીક્ષાની તૈયારીમાં. પલકના માતા-પિતાને વિશ્વાસ હતો કે, તેમની દીકરીને સરકારી જ નોકરી આવશે અને એમની આશાથી પલક અજાણ પણ ન હતી. તેને હંમેશા ડર સતાવતો કે, તેને સરકારી નોકરી નહી મળે તો? તે આ બધું સહન કરી શકશે કે કેમ? તેનું બીજું કારણ એ પણ હતું કે, તેની ૨૧ વર્ષની ઉંમર થઇ હતી. તો સ્વાભાવિક છે કે તેના માતા-પિતા તેના માટે છોકરો જોવા જ લાગે, પરંતુ અહીં પરિસ્થિતિ જ કંઇક અલગ હતી. તેના પિતાનું સપનું હતું કે, તેમણે ભલે પ્રાઇવેટમાં નોકરી કરી જીવન ચલાવ્યું પણ તેમની દીકરી તો સરકારી જ નોકરી કરશે. કદાચ ભવિષ્યમાં જમાઇ સારો ન મળે તો મારી દીકરી તેના પગ પર ઉભી હોય તો તેની ચિંતા નહી અને મને જે તકલીફ પડી હતી તે તકલીફ મારી દીકરીને ન પડે અને છોકરાને તો સરકારી નોકરી કરાવવાની જ છે પણ તે આખી જીંદગી મારી પાસે રહેશે એટલે તેની ચિંતા નથી. ચિંતા ફરક મારી દીકરીની છે. આથી જ પલક ઘણી વાર મૂંઝાઇ જતી કે, તે તેના પિતાની આશા પર ખરી ઉતરશે કે નહી?
પલક જયાં કલાસીસ કરતી ત્યાં તે અને તેનો ભાઇ સાથે જ જતા. ત્યાં તેમના જેવા ઘણા બધા લોકો આવતા. આથી સ્વાભાવિક હતું કે તેમને તે નવા લોકો સાથે પરિચય તો થવાનો જ. કલાસીસમાં તેના ગુરુજી હમેશા કહેતા કે, પલકને તો સરકારી નોકરી આવશે જ. તેની મહેનત બધા કરતા સારી છે. આખરે પરીક્ષાની તારીખ આવી જ ગઇ અને પલક ને તેનો ભાઇ તડામાર તૈયારીમાં લાગી ગયા. જોતજોતમાં પરીક્ષા નજીક આવી ગઇ. તે બંનેએ પરીક્ષા આપી. પરીક્ષા બાદ બંને સાંજે કલાસીસમાં ગયા અને ત્યાં બધા જ પરીક્ષાના પેપર વિશે જ ચર્ચા કરવા લાગ્યા. પલક પણ બહુ જ ખુશ હતી કે તેનું પેપર તો સારું ગયું છે. પણ મનમાં ડર પણ હતો કે, કદાચ કંઇક ભૂલ થઇ હશે ને તે પરીક્ષામાં પાસ નહી થાય તો? એ કલાસીસમાં કઇ રીતે આવશે? બધાને પોતાનું મોઢું કઇ રીતે બતાવશે? વિચારમાં ને વિચારમાં એ તો ભૂલી જ ગઇ કે તે કલાસીસમાં છે. તેના કલાસમેટે તેને બોલાવી કે, તું કયાં ખોવાઇ ગઇ છે.? ચાલો, આજે પરીક્ષા પૂરી થઇ છે તો આજે બધા બહાર જમવા જઇએ. તે અને તેનો ભાઇ બધા સાથે પાર્ટી કરવા ગયા. બધાએ ત્યાં બહુ જ મસ્તી કરી. રાત્રે ઘરે આવીને તે સૂઇ ગઇ પણ મગજમાં એ જ વિચાર આવતા હતા કે, તે પરીક્ષામાં પાસ થશે કે નહી? વિચારતા-વિચારતા તે કયારે સુઇ ગઇ તેનો તેને ખ્યાલ જ ન આવ્યો.
જોતજોતામાં વર્ષ પૂરું થવા આવ્યું. ને જે પરીક્ષા તેઓએ આપી હતી તેનું પરિણામ આવી ગયું જેની તેઓ બંને ભાઇ-બહેન આતુરતાથી રાહ જોતા હતા.
શું પરીક્ષામાં પલક અને તેનો ભાઇ પાસ થઇ જશે?
શું પલકના પિતાનું સપનું સાકાર થશે?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૨માં )
- પાયલ ચાવડા પાલોદરા