Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૫ - છેલ્લો ભાગ

૩ વર્ષ પસાર થઇ ગયા, અમદાવાદ

વૃનિકા ફિટનૅસ ક્લબની એક સભ્યથી શરૂ થયેલ યાત્રા આજે હજારોની સંખ્યામાં રૂપાંતરીત થઇ ચૂકેલી. અમદાવાદની પ્રતિષ્ઠિત વ્યક્તિ શિલ્પા દ્વારા મળેલ નાણાકીય સહાયને ખરા અર્થમાં સાકાર કરી હતી. વૃંદા, નિશા અને કાજલ, ત્રણેવે પ્રહલાદનગર ચાર રસ્તા, અમદાવાદ પાસે જ બનતી નવી ઇમારતના પહેલા માળને જ નોંધાવી લીધેલો. તે માળને તેમણે ત્રણ વિભાગોમાં વિભાજીત કર્યો હતો. પ્રથમ વિભાગને યોગા કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવેલો. તેમાં વિવિધ આકારની ખુરશીઓ, સોફા, પ્લાસ્ટર ઑફ પૅરીસથી બનેલા વિવિધ આકારો ગોઠવવામાં આવ્યા હતા. પ્રત્યેક આકારને એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે તે આકારના બીબામાં તનને ગોઠવો એટલે કોઇ એક યોગની મુદ્રા બનતી. આ જ તો કાજલની રજૂઆતની કમાલ હતી. જરાક પણ લચકતા ન ધરાવતા હોય તેવા તન પણ આસાનીથી યોગ કરી શકે. દરેક આકાર પર રૂના પોચા આવરણ ચડાવેલા હતા. જેથી કોઇ પણ વ્યક્તિને તે વાગે નહી. આખરે કાજલની યોજના સાકાર થઇ હતી. યોગના વિશ્વમાં કંઇક નવું જ સાકાર થઇ ચૂક્યું હતું.

યોગ કેન્દ્રમાંથી જ એક દ્વાર બીજા વિભાગમાં લઇ જતું. તે ભાગ હતો નાસ્તા માટેનો, કારણ કે યોગ કર્યા પછી જઠરાગ્નિ વધે, અને માટે જ ખોરાકરૂપી ટાઢક મેળવવી જરૂરી થઇ જતી હોય છે. માટે જ ત્રણેવે બીજા વિભાગમાં હળવા નાસ્તાની વ્યવસ્થા કરી હતી. પ્રત્યેક વ્યક્તિ યોગના અભ્યાસ બાદ આ વિભાગમાં આવતો, અને તેને તેના શરીરને અનુકૂળ હોય તેવો નાસ્તો આપવામાં આવતો. દરેકની શારીરીક તપાસ ક્લબમાં જોડાયા પહેલા ત્રણેવ ક્લબના ખર્ચે કરાવતી. જેથી જે તે વ્યક્તિને જરૂરી માર્ગદર્શન અને પોષ્ટિક આહાર આપી શકાય. નિશા આ વિભાગનું સંચાલન કરતી. તેણે વિવિધ પ્રકારના મસાલા, કુદરતી ઔષધિઓ, અને અભ્યાસના અંતે એવા વ્યંજનો બનાવ્યા હતા કે જે સામાન્ય વ્યક્તિને પણ જરૂરી માત્રામાં પોષણ આપી શકે. વ્યક્તિદીઠ તે જરૂરી માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ગોળ, વિવિધ લીલા પોષકતત્વો, મિશ્ર કરી નાસ્તો તૈયાર કરતી. જેનું અત્યંત સુંદર પરિણામ પણ મળ્યું હતું. આ બે વિભાગોમાં સવારે વહેલા કાર્ય રહેતું. વૃંદા બંને વિભાગોમાં મદદે રહેતી. આશરે સવારે દોઢેક કલાકના કાર્ય બાદ સભ્યોને રજા મળતી. પ્રત્યેક સભ્યો તેમના નિવાસે જતા, અને રોજીંદા કાર્યોમાં વ્યસ્ત બની જતા.

ત્રીજો વિભાગ લાકડાના ભોંયતળીયાથી સજાવેલો હતો. જે રાત્રે આઠ વાગે ખૂલતો. આધુનિક સાઉન્ડ સીસ્ટમથી સજ્જ વિભાગમાં છત પર ચોતરફ વિવિધ પ્રકારના રંગ ધરાવતા બલ્બો ગોઠવેલા હતા. એક ડીસ્કો સ્ટેજની જેમ જ આ વિભાગને શણગારેલ હતું. વિભાગની એક તરફની દીવાલ સંપૂર્ણરીતે કાચથી આવરીત હતી. જેથી ત્યાં ઉપસ્થિત પ્રત્યેક તેમનું પ્રતિબિંબ નિહાળી શકે. આ વિભાગ હતો ગરબા રમવા માટે. આખા દિવસના થાકને કારણે કંટાળેલ વ્યક્તિ, રાતે આઠેક કલાકે અહીં આવતો, વૃંદાએ પસંદ કરેલા ગરબા વાગતા, અને પ્રત્યેક તાલના ઠૂમકે ક્લબના સભ્યોમાં રંગત જામતી. વિવિધ પ્રકારના ગરબા રમાડવામાં આવતા. જેના કારણે થાકેલ, હતાશ થયેલ મન પાછું ઉત્સાહી, પ્રસન્ન થઇ જતું. લગભગ કલાકના સેશન બાદ ફિટનૅસ ક્લબ દરેકને રજા આપતું. નિશા અને કાજલ પણ વૃંદાના આ સેશનમાં જોડાતા.

શરૂઆતના છ મહિના સુધી ત્રણેવને સભ્યો મેળવવામાં ખૂબ જ તકલીફ થઇ. એક સમય એવો પણ આવી ગયો જ્યારે, તેમની પાસે ફક્ત એક જ સભ્ય હતો. આ પરિસ્થિતિમાં શિલ્પા ત્રણેવનો જુસ્સો વધારતી. કોઇ પણ યોજનાને વ્યવસાયરૂપે સાકાર થવા માટે એક હજાર દિવસ લોખંડની માફક ભઠ્ઠીમાં શેકાવું પડતું હોય છે. તેમજ વૃનિકા ફિટનૅસ ક્લબને પણ શેકાવાનું હતું. શેકાવાનું હતું ત્રણેવને, જેમની યોજનાનું એકત્રીકરણ હતું આ ક્લબ. ત્રણેવ તૈયાર પણ હતા શેકાવા માટે, કારણ કે તેમના સપનાઓને બીજી તક મળી હતી. સાથે સાથે તે છેલ્લી તક પણ હતી. જો સફળતા ન મળે તો... તેમના રોજીંદા કાર્યોમાં વ્યસ્ત થવાનું હતું. તે પૂર્વરીતે નક્કી જ હતું. આથી જ તેઓ મક્કમ હતા. સજ્જડ હતા. તૈયાર હતા.

છ મહિના પછી તેમની મહેનતને ફળ મળવાનું શરૂ થયું. ક્લબના એક સભ્યમાંથી સંખ્યા ત્રણ, ચાર આંકડાઓમાં વધવા માંડી હતી. તેમને અમદાવાદના અન્ય વિસ્તારમાંથી ક્લબની શાખા માટે પ્રસ્તાવ આવવા લાગ્યા. પ્રત્યેક પ્રસ્તાવ સફળતાની માણામાં માણેક જેમ જોડાતા ગયો, અને આજે એટલે કે ત્રણ વર્ષે આખા ગુજરાતમાં તેમની શાખાઓ હતી, અને સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ વિસ્તરીત થવા તૈયાર હતા.

ત્રણેવ તેમની શરૂઆતની કર્મભૂમિ, એટલે કે પ્રહલાદનગર સ્થિત ઑફિસમાં ગોળ ટેબલની ફરતે ગોઠવાયેલ ત્રણ સોફા પર બિરાજેલી હતી. યાદ કરી રહી હતી, તેમની નોવોટેલ હોટલની મુલાકાત. પહેલી મુલાકાતને જીવંત રાખવા માટે જ તેમણે ઑફિસમાં હોટલની માફક જ એક ગોળ ટેબલ અને તેની પ્રદક્ષિણાના માર્ગ પર ત્રણ સોફા મુકાવડાવ્યા હતા. ત્રણેવ ચર્ચા કરી રહ્યા હતા. મુદ્દો હતો આમત્રંણનો... જે શાર્ક ટેન્કની પ્રથમ શ્રેણીમાં તેમની રજૂઆત માટે નનૈયો ભણવામાં આવેલો, તે જ શાર્ક ટેન્કની દ્વિત્તિય શ્રેણી માટે શાર્ક તરીકેનું આમત્રંણ ત્રણેવની ફિટનૅસ ક્લબને મળ્યું હતું. ત્રણેવે નક્કી કર્યું હતું કે કાર્યક્રમમાં કોઇ પણ જશે નહી, પરંતુ તેમની પ્રવક્તા તરીકે તેમની આસીસ્ટંટ શાર્કનું સ્થાન શોભાવશે. આથી જ પ્રવક્તાનું નામ અને સંપર્કની માહિતી આપતા કાગળ પર ત્રણેવે હસ્તાક્ષર કરી, શાર્ક ટેન્કને મોકલવા કવર તૈયાર કરી દીધેલું. ત્રણેવ તેમના સ્થાન છોડી તેમની ઑફિસમાંથી બરોબર સામેથી સરખેજ ગાંધીનગર હાઇવે પસાર થતો હતો તે તરફની કાચની બનેલી દીવાલ પાસે આવી. કાજલ મધ્યમાં, વૃંદા તેની જમણી તરફ અને ડાબી તરફ નિશા હતી. કાજલના ડાબા હાથમાં નિશાનો જમણો હાથ અને કાજલના જમણા હાથમાં વૃંદાનો ડાબો હાથ હતો. કાચની બીજી તરફ ઊભી થયેલી ઇમારતો દેખાઇ રહી હતી. ત્રણેવની આંખો તેમના સપના સાકાર કરી ચૂક્યાનો ગર્વ દર્શાવી રહી હતી. ત્રણેવના ચહેરા પર ભવિષ્યની ગોઠવણ કરી ચૂક્યાની નિશાની દેખાઇ રહી હતી. કાજલે પહેલા નિશા તરફ અને તુરત જ વૃંદા તરફ જોયું. ત્રણેવની આંખો એકબીજા તરફ મલકાઇ. કાજલે બન્ને હાથ આકાશ તરફ ઊંચા કર્યા, સાથે સાથે તેના હાથમાં રહેલા વૃંદા અને નિશાના હાથ પણ ઊંચકાયા. ત્રણેવના મુખમાંથી શબ્દો સરી પડ્યા. ‘વૃનિકા ફિટનૅસ ક્લબ પરિણામ છે... અમારા સંગાથનું અને અમારો સંગાથ જ છે...“ત્રિવેણી”... નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ...’

*****

સમાપ્ત
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏