ભૂતનીનું રહસ્ય Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતનીનું રહસ્ય

ભૂતનીનું રહસ્ય

-રાકેશ ઠક્કર

કોલેજમાંથી જ્યારે જયપુરના હવા મહેલના પ્રવાસનું આયોજન થયું ત્યારે કોઇને કલ્પના ન હતી કે ત્યાંની હવામાં કોણ ગૂમ થવાનું છે. કોલેજના પ્રોફેસર હિરેનભાઇની આગેવાનીમાં આ પ્રવાસનું આયોજન થયું હતું. જ્યારે આયોજનની જાહેરાત થઇ ત્યારે અઢાર છોકરા-છોકરીઓએ નામ લખાવ્યા હતા. પરંતુ જ્યારે નક્કી થયું ત્યારે અગિયાર જણ જ રહી ગયા હતા. આ પ્રવાસ હરવા-ફરવા માટે નહીં પરંતુ જ્ઞાનવર્ધન માટે હતો એટલે અગિયાર જણ સાથે જ પ્રવાસ શરૂ થયો. પ્રો.હિરેન સિવાયના દસમાં ચાર છોકરીઓ અને છ છોકરા હતા. એમાંથી બે છોકરા અને બે છોકરીઓ જ્ઞાન વર્ધન નહીં પણ પ્રેમવર્ધન માટે જોડાયા હતા. એ જોડીઓ હતી હેમા-સુનીલ અને જીતેન્દ્ર-સાધનાની. કોઇ ફિલ્મની જોડીઓ જેવા નામ ધરાવતા ચારેય જણ બસમાં બેઠા પછી મસ્તીના જ મૂડમાં હતા. વાતો કરતાં કરતાં ક્યારે જયપુરમાં હવા મહેલની બાજુમાં આવી ગયા એનો ખ્યાલ પણ ના રહ્યો.

પ્રો.હિરેન ઇતિહાસના લેકચરર હતા. હવા મહેલ વિશે એમણે ઘણી જાણકારી મેળવી હતી. તે અગાઉ એક વખત આવી ચૂક્યા હતા. આ વિસ્તારના ભોમિયા હતા. હવા મહેલથી થોડે દૂર એક હોટલમાં બુકિંગ કરાવવામાં આવ્યું હતું. દરેક માટે અલગ રૂમ બુક કરવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીની પ્રાઇવસી સચવાય એ માટે આ નિર્ણય લેવાયો હતો. હોટલના પહેલા માળે બધાંની રૂમ હતી. અને રૂમની લાઇનમાં એક નાનો હોલ હતો. પ્રો.હિરેને બધાને ફ્રેશ થઇને સૂચના આપવાની હોવાથી હોલમાં બોલાવ્યા હતા.

થોડી જ વારમાં વિદ્યાર્થીઓ આવી ગયા એટલે તેમણે કહેવાનું શરૂ કર્યું:"જુઓ, આપ સૌને ખબર છે છતાં ટૂંકમાં ફરી કહીને યાદ અપાવી દઉં કે આપણું આજની રાતનું જ રોકાણ છે. આવતીકાલે સવારે આપણે હવા મહેલની મુલાકાત લેવાની છે. પછી જમીને પરત જવા નીકળી જવાનું છે. હવે તમને હવા મહેલ વિશે કેટલીક માહિતી આપી દઉં. આમ તો તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો એટલે તમને માહિતી મળી જશે. મને ખબર છે કે તમે ચેટીંગમાં અને ગેમિંગમાં જેટલો રસ લો છો અને મોબાઇલનો ઉપયોગ કરો છો એટલો આવું જ્ઞાન વધારવા કરતા નથી. કેમકે તમને એમાં રસ નથી. અહીં આ હવા મહેલની રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ તમને એનો ઇતિહાસ યાદ રહી જાય એ માટે જ કર્યો છે. ઘણા વિદ્યાર્થીઓને આ બધું બોરિંગ લાગે છે એટલે પ્રવાસમાં જોડાયા નથી..."

તિરથને બગાસાં ખાતો જોઇ પ્રો.હિરેન સહેજ અટકીને તેના તરફ નજર રાખી બોલ્યા:"બીજા કેટલાક પણ પ્રવાસમાં જોડાયા પછી બોર થઇ રહ્યા છે..."

"ના-ના સાહેબ, એવું નથી. આ તો પ્રવાસના થાકને લીધે થોડું સુસ્તી જેવું લાગે છે."

"વાંધો નહીં, આજે બરાબર આરામ કરી લેજો...મારી વાતો હવામાં ના જતી રહે એનું ધ્યાન રાખજો. હું ત્યાં જઇને પૂછવાનો છું! હવે આપણે હવામહેલ એટલે કે પવનના મહેલ વિશે જાણી લઇએ. મહારાજા સવાઇ જયસિંહના પૌત્ર સવાઇ પ્રતાપ સિંહે ૧૭૯૯ માં આ મહેલ બનાવ્યો હતો. કહે છે કે એની પાછળનું કારણ શાહી રાજપૂત મહિલાઓ બહાર થતા લોકોના ઉત્સવો જોઇ શકે એ માટે થયું હતું. એ સમય પર મહિલાઓ માટે પડદા પ્રથા હતી. તે સાર્વજનિક રીતે બહાર દેખાતી ન હતી. આ હવા મહેલમાં ૯૫૩ જેટલા ઝરોખા અને બારીઓ છે. વાસ્તુકલા માટે એ જાણીતા છે. તેમાંથી ઠંડો પવન આવી શકે છે. આ ઝરોખા તાપમાં રાજપૂત મહિલાઓના ખાસ ઠેકાણા હતા. મહિલાઓ ત્યાં બેસીને બહારની ગતિવિધિ જોઇ શકતી હતી...'

"સર, એક વાત કહું?" કહી લેખા વચ્ચે જ બોલી અને પ્રો.હિરેનની મંજુરીની રાહ જોયા વગર કહ્યું:"આ ઝરોખામાંથી આવતી ઠંડી હવા એ રાજપૂત મહિલાઓની ખૂબસૂરતીનું કારણ પણ મનાય છે..."

"લેખા, તારી ખૂબસૂરતીનું રહસ્ય શું છે એ પણ કહી દે ને..." જસ્બીન વચ્ચે જ ટીખળ કરતાં હસ્યો.

"જસ્બીન, કમેન્ટ નહીં. હા, લેખાએ બરાબર વાંચ્યું છે... તો તમને હવા મહેલ વિશે જાણકારી મળી ગઇ છે. હવે તમે બધાં આરામ કરો. આપણે રાત્રે જમતી વખતે આ હોલમાં પાછા મળીશું."

બધાં પોતપોતાના રૂમમાં આરામ કરવા જતા રહ્યા. રાત્રે જમવા ભેગા થયા અને જમીને તરત જ છૂટા પડી ગયા. છૂટા પડતી વખતે જીતેન્દ્ર-સાધનાની આંખો મળી અને હોઠ હસ્યા.

જીતેન્દ્ર-સાધનાએ પોતાની રૂમમાં ગયા પછી કલાક સુધી વાતો કરી. બંને એકબીજાને ચાહવા લાગ્યા હતા. જીતેન્દ્રને હતું કે આ પ્રવાસ તેમને એકબીજાની નજીક લાવશે અને ઓળખવામાં મદદ કરશે. બંનેએ અનેક વિષય પર વાત કરી પણ પ્રેમનો એકરાર કરવાની હિંમત કરી નહીં.

***

રાતના બાર વાગ્યા હતા. જીતેન્દ્ર ભર ઉંઘમાં હતો. કોઇ બારણું ખખડાવી રહ્યું હતું. તેણે આંખો ખોલી. મોબાઇલ હાથમાં લીધો. કોઇનો મિસકોલ ન હતો. તેને થયું કે રાત્રે કોણ આવ્યું હશે? તેણે દરવાજો ખોલ્યો અને જોયું તો સાધના ઊભી હતી. તેની સુંદરતા મોહિત કરી દે એવી હતી. જીતેન્દ્ર એના રૂપને તાકી તાકીને જોઇ રહ્યો. પછી અચાનક ખ્યાલ આવતાં બોલ્યો:"સાધના? તું આટલી રાત્રે અચાનક? મોબાઇલથી ફોન કરવો હતો ને? તેં છેલ્લે તો એવું કંઇ કહ્યું ન હતું?"

"તારા સવાલોના જવાબ પછી આપીશ. તું તૈયાર થઇને ઝટપટ હોટલની આગળ એક મોટું ઝાડ છે ત્યાં આવ. હું તારી રાહ જોઉં છું. આપણે હવા મહેલ જોવા જઇએ..."

"આટલી રાત્રે? ત્યાં આપણાને જવા દેશે?"

"તું સવાલો બહુ કરે છે. હું રાહ જોઉં છું." કહી આદેશ કરતી હોય એમ હસીને જતી રહી.

જીતેન્દ્ર વિચાર કરતાં કરતાં તૈયાર થયો. તેને થયું કે સાધના પોતાના પ્રેમનો એકરાર કરવા માગે છે. આજ સુધી કોઇએ ના કર્યો હોય એ રીતે એકરાર કરવા માગે છે.

જીતેન્દ્ર સિક્યુરીટી ગાર્ડને કહેવા ગયો પણ એ મીઠી નીંદરમાં પોઢી ગયો હતો એટલે ખલેલ ના પહોંચાડી. તે ઝાડ પાસે પહોંચ્યો ત્યારે સાધના તેની રાહ જોતી ઊભી હતી. તેની નજીક પહોંચ્યો કે તરત જ હાથ થામી લીધો. જીતેન્દ્રના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ. રોમાંચથી આખું શરીર તરંગિત થવા લાગ્યું. સાધના જીતેન્દ્રનો હાથ પકડીને ચાલવા લાગી. આખો રોડ સૂમસામ હતો. સાધનાએ કહ્યું:"આજે હવા મહેલમાં તને પ્રેમની હવા ખવડાવવી છે!"

જીતેન્દ્ર વધારે રોમાંચિત થઇ ગયો.

થોડી જ વારમાં બંને હવા મહેલના દરવાજે પહોંચી ગયા. દરવાજાનો ગાર્ડ પણ ઉંઘતો હતો. બંને અંદર ગયા. જીતેન્દ્રને થયું કે તે હવા મહેલની કારીગરી જુએ કે પરી જેવી સાધનાની સુંદરતા? તે વારાફરતી બંને પર નજર નાખતો રહ્યો. એક ઝરોખા પાસે જઇને જીતેન્દ્રને પોતાની બાજુમાં બેસાડીને સાધના બોલી:"જીતેન્દ્ર, આપણો પ્રેમ અમર છે. આપણે જન્મોજનમના સાથી છે. તું વચન આપ કે મારો જ રહેશે...."

"સાધના, મેં તને ચાહી છે. હું વચન આપું છું કે તારા સિવાય કોઇની સાથે એક જનમ પણ વીતાવીશ નહીં. બધા જ જનમ તને અર્પણ કરું છું. આપણે ભવભવની પ્રીત કરી છે. એને કોઇપણ રીતે નિભાવીશું..."

અચાનક ખટખટ કરતો દંડો પછાડવાનો અવાજ આવ્યો. બંને ચોંકી ગયા. ગાર્ડ 'કોઇ છે આ બાજુ?' કહેતો આગળ વધી રહ્યો હતો.

સાધના ઊભી થઇ ગઇ અને કહ્યું:"તું પેલા પાછળના દરવાજેથી મુખ્ય રોડ પર નીકળીને રૂમ પર પહોંચી જા. એ આ બાજુ આવીને પાછળની તરફ જશે ત્યારે હું આગળના દરવાજેથી નીકળીને આવી જઇશ. હવે કોઇ દલીલ ના કરતો. સમય નથી." અને તેણે જીતેન્દ્રને પાછળના દરવાજા તરફ જવા જાણે ધક્કો જ માર્યો.

***

જીતેન્દ્રએ પોતાના રૂમ તરફ જતા પહેલાં સાધનાના રૂમ તરફ જોયું. બહારથી કડી ખુલ્લી હતી. સાધના અંદર છે કે નહીં એની ખાતરી કરવા દરવાજો ખખડાવ્યો. સાધનાએ દરવાજો ખોલ્યો. એ જોઇ જીતેન્દ્રને રાહત થઇ. તે કંઇક વિચારીને ઝડપથી અંદર ઘૂસી ગયો અને કડી મારી દીધી.

***

સવારે બધાં તૈયાર થવા લાગ્યા. લેખાને માથાની હેરબેન્ડ લેવાની રહી ગઇ હતી. તે સાધનાની રૂમ પર ગઇ. દરવાજો ખખડાવવા ગઇ અને ખુલી ગયો. અંદર જઇને જોયું તો સાધના કે એની બેગ ન હતી. તેણે બૂમાબૂમ કરી મૂકી. બધાં દોડી આવ્યા. તપાસ કરતાં જાણવા મળ્યું કે જીતેન્દ્ર પણ ગાયબ છે. જસ્બીન કહે:'સાહેબ, પ્રેમી પંખીડા ઉડી ગયા લાગે છે!"

"જસ્બીન, મજાકનો સમય નથી. બંનેને ફોન લગાવો..."

"બંનેના ફોન બંધ આવે છે..." લેખાએ કહ્યું.

બધાં હોલમાં ભેગા થયા અને બંનેને કેવી રીતે શોધવા એના પર વિચાર કરવા લાગ્યા. ત્યાં લેખાનો ફોન રણકી ઉઠ્યો. તે ખુશી વ્યક્ત કરતાં બોલી:"સાધનાનો ફોન છે...હં...હલો સાધના? ક્યાં છે?"

પછી "હા, હા, ઓકે, ઓકે..." કહી ફોન મૂકી દીધો.

"લેખા વાત શું છે? બંને સલામત છે ને?" પ્રો.હિરેને ચિંતાથી પૂછ્યું.

"હા સર, બંને કોઇ ઇમરજન્સી આવી હોવાથી રાત્રે સ્પેશિયલ ટેક્સી કરીને નીકળી ગયા હતા. કાલે રૂબરૂ મળીશું ત્યારે બધી વાત કરીશું એમ કહ્યું છે. ચિંતા કરવા જેવું કંઇ નથી..."

બધાં પોતાના મનથી જાતજાતના તર્ક કરતા રહ્યા.

બીજા દિવસે પ્રો.હિરેન અને વિદ્યાર્થીઓ હવા મહેલની મુલાકાત કરી શહેરમાં પાછા ફર્યા ત્યારે તેમના સ્વાગતમાં જીતેન્દ્ર-સાધના મલકાતા મુખે ઊભા હતા.

જસ્બીને બસમાંથી ઉતરતાની સાથે જ પૂછ્યું:"તમારા ગળામાં વરમાળા દેખાતી નથી!"

"અરે ભાઇ! ગળામાં ફાંસી લાગી ગઇ હોત. સારું છે કે અમે બચીને આવી ગયા!" કહી જીતેન્દ્રએ કહાની સંભળાવી. સાધના તેની રૂમ પર આવી અને હવા મહેલ જોવા ગયા પછી ગાર્ડ જાગી જતાં ગભરાઇને પાછા આવી ગયા ત્યાં સુધીની વાત કર્યા પછી જીતેન્દ્ર અટકયો.

"તમે સલામત પાછા આવી ગયા હતા તો પછી આમ રાત્રે કેમ ભાગી આવ્યા?" જસ્બીનની સાથે બધાના મનમાં આ જ પ્રશ્ન હતો.

જીતેન્દ્રએ રહસ્ય ખોલતાં કહ્યું:"મેં સાધનાના રૂમનો દરવાજો ખખડાવ્યો અને એને જોઇ ત્યારે તે ઉંઘમાંથી ઉઠી હોય એમ લાગ્યું. મને થયું કે અમે સાથે જ હમણાં આવ્યા હતા. હું તરત અંદર ગયો અને કડી મારી એને પૂછ્યું:"સાધના ક્યારની ઉંઘે છે? એણે કહ્યું કે હું તો અગિયાર વાગે સૂઇ ગઇ હતી. મને થયું કે તો પછી મારે ત્યાં આવી હતી એ કોણ હતી? મેં સાધનાને એ મારા રૂમ પર આવી અને અમે હવા મહેલની મુલાકાતે ગયા હતા એની વાત કરી ત્યારે એણે કહ્યું કે એ હું ન હતી! મને ખ્યાલ આવી ગયો કે એ કોઇ ભૂતની જ હતી જે કે સાધનાનું રૂપ લઇને આવી હતી. એ કોઇ ભટકતી આત્મા કદાચ મારી પૂર્વ જન્મની પ્રેમિકા હશે! પણ હું આ જન્મની પ્રેમિકાને ગુમાવવા માગતો ન હતો અને એ પણ મારી સાથે ભવોભવ રહેવા માગતી હતી. તેને થયું કે ભૂતની મને લઇ જશે. તેણે ભૂતનીથી બચવાનો ઉપાય પૂછ્યો. કોઇ પ્રેમી પ્રેમિકાને ભગાડીને લઇ જાય એમ હું સાધનાને લઇ નીકળી આવ્યો. કેમકે એ ભૂતની ફરી પણ આવી શકે એમ હતી...અમે બહુ જલદી જન્મોજનમ માટે એકબીજાના થવા માગીએ છીએ."

લેખાએ સાધનાના હાથ પર ચૂંટણી ખણી કહ્યું:"આ તો અસલી જ સાધના છે. ભૂતની નથી!"

"હા, તમારી શુભેચ્છાઓ આપો..." કહી સાધના પ્રો.હિરેનને પગે લાગી.

આ ઘટનાને વર્ષો વીતી ગયા છે. જીતેન્દ્ર-સાધનાનું સુખી દામ્પત્ય જીવન ચાલી રહ્યું છે. અલબત્ત જીતેન્દ્રએ સાધનાથી એક વાત છુપાવી છે. તેને એ રાત્રે સાધના સાથે એક કલાક વાત કર્યા પછી લાગ્યું હતું કે તે જલદી લગ્ન માટે તૈયાર થવાની નથી. તે મને બહુ ચાહે છે પણ બહુ શરમાય છે. એટલે એક ઘટના પોતાના મનમાં જ ભજવી. જેમાં રાત્રે બાર વાગે જીતેન્દ્ર ઉંઘે છે...થી સાધનાના દરવાજા પાસે જઇ કડી ખખડાવે છે.... ત્યાં સુધીનું દ્રશ્ય મનમાં ભજવી લીધું અને સાધના પાસે જઇ એ આખી કલ્પિત કહાની સંભળાવી દીધી. સાધના તેને વળગી પડી અને પોતાનો પ્રેમ ગુમાવવા માગતી ન હોવાથી તેની સાથે ટેક્સીમાં પાછી શહેરમાં આવી ગઇ. અને લગ્ન કરવા રાજી થઇ ગઇ. જીતેન્દ્રને કલ્પના ન હતી કે હવા મહેલની મુલાકાત માટે જતી વખતે તેને આવી ભૂતનીની કોઇ હવાઇ કલ્પના આવશે અને સાધના એક જ દિવસમાં લગ્ન માટે તૈયાર થઇ જશે! હવા મહેલમાં સાધનાના રૂપમાં રાત્રે મળેલી એ ભૂતનીનું કાલ્પનિક રહસ્ય તે ક્યારેય જાહેર કરવા માગતો નથી.