ડરનું તાંડવ - ભાગ 9 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડરનું તાંડવ - ભાગ 9

ડરનું તાંડવ

ભાગ-9

ઇંટનો જવાબ પત્થરથી


ઇન્સ્પેક્ટર પટેલ, હરમન, સંજય અને જમાલ ચારેજણા તેજપાલ રાજવંશના સસરા દીપકભાઇના ઘરે પહોંચ્યા. એ વખતે દીપકભાઇ સોફા પર બેઠા હતાં અને એમનો એક પગ સોફા ઉપર હતો અને એમનો લકવાગ્રસ્ત એક પગ ખુરશી ઉપર હતો.

ઇન્સ્પેક્ટર પટેલે પોતાના આવવાનું કારણ એમને જણાવ્યું અને તેજપાલ રાજવંશના ખૂન બાબતે થઇ રહેલી તપાસમાં સહકાર આપવા કહ્યું હતું.

"મારી દીકરીનું જ્યારે ખૂન થયું ત્યારે તો પોલીસે પૂરી તપાસ કર્યા વગર એણે આત્મહત્યા કરી છે એવું કહી દીધું હતું અને હવે એના હત્યારાના ખૂન વિશે તપાસ કરવા પોલીસ આટલી બધી સક્રિય છે એ જાણીને નવાઇ લાગે છે. તેજપાલ જેવા દુષ્ટ માણસના મોતની પણ તપાસ થાય એનો મતલબ કે કળિયુગ ખરેખર આવી ગયો છે." દીપકભાઇએ ગુસ્સામાં ઇન્સ્પેક્ટર પટેલને કહ્યું હતું.

ચારેજણ દીપકભાઇની વાત સાંભળતા-સાંભળતા સોફામાં બેસી ગયા.

"જુઓ વડીલ, તમારી દીકરીએ કરેલી આત્મહત્યા માટે મને દુઃખ છે, પરંતુ અત્યારે તેજપાલ રાજવંશના ખૂનની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસનું કામ સારો અથવા ખરાબ માણસ મર્યો છે એ જોવાનું નથી. પોલીસનું કામ ખૂનની તપાસ કરવાનું છે અને એ કામ હું કરી રહ્યો છું. તમે તમારા જમાઇ તેજપાલ રાજવંશના ખૂન વિશે પોલીસને કશી માહિતી આપી શકો એમ છો?" ઇન્સ્પેક્ટર પટેલે કડક શબ્દોમાં દીપકભાઇને કહ્યું હતું.

"જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ, હું લકવાગ્રસ્ત માણસ છું. તમારી જોડે આવેલા બે ભાઇઓ પણ મારી દીકરીના થયેલા ખૂન વિશે અને તેજપાલ વિશે તપાસ કરવા મારી પાસે આવ્યા હતાં અને હા, તમને એક વાત જણાવી દઉં કે મારી દીકરીએ આત્મહત્યા નથી કરી, પરંતુ એનું ખૂન થયું છે." દીપકભાઇએ પણ આવેશમાં ઇન્સ્પેક્ટર પટેલને જવાબ આપ્યો હતો.

"જુઓ દીપકભાઇ, તમે થોડો સહકાર આપો તો તમારી દીકરીના મૃત્યુનું રહસ્ય પણ આ કેસના માધ્યમથી ઉકલી જશે." હરમને બાજી સંભાળતા કહ્યું હતું.

"જુઓ મિ. હરમન, હું એક કરોડપતિ છું અને અહીંયા સુધી મારી મહેનતથી પહોંચ્યો છું. તમારા જેવા નવરા બેઠેલા યુવાનોને કોઇ કામધંધો ના મળતો હોય એટલે જાસૂસ બની લોકોની જિંદગીમાં ડોકિયા કરતા હોય છે. મને તમારા જેવા જાસૂસો અને પોલીસખાતા ઉપર વિશ્વાસ રહ્યો નથી. માટે મારી જોડે પૂછતાછ કરવા માટે કોર્ટમાંથી સમન્સ લઇને આવજો." દીપકભાઇએ હરમન અને ઇન્સ્પેક્ટર પટેલ બંન્નેનું ખૂબ ઊંચા અવાજે બોલી અપમાન કરી નાંખ્યું હતું.

દીપકભાઇના વર્તનથી હરમનનો પારો આસમાને જતો રહ્યો હતો. એ ઊભો થયો અને જોરથી એણે દીપકભાઇની ખુરશી ખેંચી નાંખી હતી.

ખુરશી ખેંચાવાથી દીપકભાઇ નીચે જમીન પર પડી ગયા. હરમન પણ પગવાળી જમીન ઉપર બેસી ગયો હતો.

"મિ. દીપકભાઇ, તમને લકવા થયો જ નથી. એટલે આ લકવાનું નાટક બંધ કરી દો અને શાંતિથી જમીન ઉપરથી જાતે જ ઊભા થઇ જાઓ. હું એમ.બી.એ. થયેલો વ્યક્તિ છું અને જાસૂસીનો વ્યવસાય સ્વેચ્છાએ મારા રસના કારણે લીધો છે અને મારી જાસૂસીની હોંશિયારીનો એક સબુત તમને હું અત્યારે આપી રહ્યો છું. ગઇ વખતે અમે જ્યારે આવ્યા ત્યારે તમારો લકવાગ્રસ્ત પગ સોફા ઉપર હતો. એ પગના અંગૂઠા ઉપર લોહી જામી ગયું હતું અને આજે જ્યારે તમે ખુરશી ઉપર પગ મુક્યો હતો એ પગ બીજો હતો અને અંગૂઠા ઉપર લોહી જામેલો પગ તમે નીચે વાળીને મુક્યો હતો. ઉતાવળમાં તમારો લકવાગ્રસ્ત પગનું નાટક તમે ખોટું કર્યું અને હું રૂમમાં પ્રવેશ્યો ત્યારે જ મેં તમારું આ નાટક પકડી પાડ્યું. હવે તમે કહો કે હું સાચો જાસૂસ છું કે ખોટો જાસૂસ?" હરમને દીપકભાઇને પોતાનો હાથ આપી ઊભા કર્યા હતાં.

દીપકભાઇ પોતાનો હાથ આપી ઊભા થયા અને સોફા ઉપર બેસી ગયા.

"હા, જાસૂસ તો તમે હોંશિયાર છો. એ તો મારે અત્યારે માનવું જ પડે." દીપકભાઇએ ખિસ્સામાંથી સિગરેટ કાઢી સિગરેટ સળગાવતા કહ્યું હતું.

"દીપકભાઇ, હવે તમારે શું કરવું છે? અમારા સવાલોના જવાબ આપવા છે કે પછી તમારા નાટક બદલ હું તમારા ઉપર FIR કરું?" ઇન્સ્પેક્ટર પટેલે ગુસ્સાથી કહ્યું હતું.

"જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ, તમારે કશું પૂછવાની જરૂર નથી. મારે જે કહેવાનું છે એ હું તમને કહી દઉં છું. મને સંપૂર્ણપણે ખાતરી છે કે મારી દીકરીનું ખૂન થયું હતું અને ખૂન તેજપાલે જ કર્યું હતું અને મેં એને મારવાનો પ્લાન બનાવ્યો હતો. એ પ્લાનના કારણે જ મેં લકવાગ્રસ્ત હોવાનું નાટક કર્યું હતું. પરંતુ હું જે દિવસે એનું ખૂન કરાવવાનો હતો એના આગલા દિવસે જ કોઇએ એનું ખૂન કરી નાંખ્યું. તેજપાલનું ખૂન કરાવવામાં અબ્દુલ મને મદદ કરવાનો હતો. જેના બદલે મેં અબ્દુલને રૂપિયા દસ લાખ આપવાનું કહ્યું હતું અને એ તૈયાર પણ થઇ ગયો હતો. પરંતુ મારો આ મનસુબો પાર પડ્યો નહિ અને એટલે જ હું પરમદિવસે અમેરિકા જવાનો છું. ત્યાંથી પાછા આવ્યા બાદ હું મારું નાટક બંધ કરી દેવાનો હતો અને બધાંને એવું કહેવાનો હતો કે અમેરિકામાં મેં મારા લકવાનો ઇલાજ કરાવ્યો અને મારો લકવા સંપૂર્ણ મટી ગયો. બસ મારી વાત આટલી જ છે. આનાથી વધુ મારે આ બાબતે કશું કહેવાનું રહેતું નથી." દીપકભાઇએ સિગરેટ ઓલવતા કહ્યું હતું.

"દીપકભાઇ, જ્યાં સુધી આ કેસની તપાસ પૂરી ના થાય ત્યાં સુધી તમે કશે જઇ શકશો નહિ. માટે શહેર છોડીને જતા નહિ અને તમે આપેલા બયાનમાં કોઇપણ વાત ખોટી નીકળી છે તો હું તમને તેજપાલ રાજવંશના ખૂનના આરોપમાં ગિરફ્તાર કરી લઇશ." ઇન્સ્પેક્ટર પટેલે ઊભા થતાં કહ્યું હતું.

ચારેય જણા પાછા આવી અને પોલીસ જીપમાં બેઠાં હતાં.

"હવે શું કરીશું?" સંજયે હરમન સામે જોઇ પૂછ્યું હતું.

"હવે એકવાર અબ્દુલને પોલીસ સ્ટેશન બોલાવી એની પૂછતાછ કરવી પડશે. ઇનસ્પેક્ટર પટેલ, મારી વાત બરાબર છેને?" હરમને ઇન્સ્પેક્ટર પટેલ સામે જોઇ પૂછ્યું હતું.

"હા ભાઇ હા, તારી વાત બરાબર જ છે. તારી વાતમાં ના પાડવામાં તો હવે જોખમ છે, સાલું. દીપકભાઇએ તને બેકાર હોવાનો ટોણો માર્યો એમાં તો તે ઇંટનો જવાબ પત્થરથી આપી લકવાગ્રસ્ત દીપકભાઇને તે તારા જાસૂસી ચમત્કારથી સાજા કરી દીધા. હવે હું જો ના પાડું તો તું મારી જોડે શું ચમત્કાર કરે? એવા ડરથી મારે તારી વાતમાં સંમતિ આપવી જ પડે." ઇન્સ્પેક્ટર પટેલે ખડખડાટ હસતા હરમનને કહ્યું હતું.

"બહુ સાચી વાત છે, સાહેબ." જમાલે પણ ઇન્સ્પેક્ટર પટેલની વાતમાં સૂર પુરાવ્યો હતો.

આ વાતચીત ચાલી રહી હતી એ વખતે જ હરમનના મોબાઇલની રીંગ વાગી હતી.

હરમને વાતચીત કરી મોબાઇલ મુકી દીધો.

"સુરેન્દ્ર મજમુદારે મને એમના ઘરે બોલાવ્યો છે. ઇન્સ્પેક્ટર પટેલ તમે અબ્દુલને કાલે સવારે પોલીસ સ્ટેશન બોલાવી લેજો. હું સવારે દસ વાગે પહોંચી જઇશ." હરમને ઇન્સ્પેક્ટર પટેલ સામે જોઇ કહ્યું હતું.

"મને તો લાગે છે કે આ કેસમાં કોઇ દમ રહ્યો નથી. તેજપાલ રાજવંશનો ખૂની મળવો મુશ્કેલ છે." સંજયે નિસાસો નાંખતા કહ્યું હતું.

"તેજપાલ રાજવંશનો ખૂની હાથવગો જ છે. મારા મગજમાં બધી કડીઓ બેસી ગઇ છે. એક ખૂટતી કડી કાલે મળી જાય તો કાલે ખૂનીને હું તમારી સામે હાજર કરી દઇશ." હરમન આંખ બંધ કરી શાંતિથી બોલી રહ્યો હતો અને બધાં આશ્ચર્યચકિત થઇ એની સામે જોઇ રહ્યા હતાં.


ક્રમશઃ....

(વાચકમિત્રો, "ડરનું તાંડવ" આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું. - ૐ ગુરુ)