Featured Books
શ્રેણી
શેયર કરો

ડરનું તાંડવ - ભાગ 10 - છેલ્લો ભાગ

ડરનું તાંડવ

ભાગ-10

ખૂનીનો પર્દાફાશ


હરમન અને જમાલ પોલીસ સ્ટેશનેથી પોતાની ગાડી લઇ સુરેન્દ્ર મજમુદારના ઘરે પહોંચ્યા. સુરેન્દ્ર મજમુદાર અને એમની પત્ની પુષ્પા મજમુદાર બંન્ને હરમનની રાહ જોઇ રહ્યા હતાં.

"આવો હરમનભાઇ, બેસો, તમારા કારણે મારા મનનો ડર નીકળી ગયો. જોકે તેજપાલ રાજવંશનું ખૂન થયું એ દુઃખદ વાત કહેવાય, પરંતુ સાચું કહું તો એ ના મર્યો હોત તો એ ચોક્કસ મને મારી નાંખત." સુરેન્દ્ર મજમુદારે હરમન અને જમાલને આવકાર આપતા કહ્યું હતું.

હરમન અને જમાલ સોફા ઉપર બેઠાં.

"જો સુરેન્દ્રભાઇ, તેજપાલ રાજવંશનું ખૂન થયું અને તમે એના ડરમાંથી નીકળ્યા, આ બધું એક યોગાનુયોગ છે. આ કેસમાં મેં કશું કર્યું નથી. તમે મને અહીંયા આજે કેમ બોલાવ્યો છે એ મને જણાવો." હરમને સુરેન્દ્રભાઇની વાતનો જવાબ આપતા કહ્યું હતું.

સુરેન્દ્રભાઇએ પચાસ હજાર રૂપિયાનો ચેક હરમનને આપ્યો. પરંતુ હરમને એ ચેક હાથમાં તો લીધો અને પછી તરત એમને પાછો આપ્યો હતો.

"જુઓ સુરેન્દ્રભાઇ, મેં આપનું કોઇ કાર્ય કર્યું નથી અને માટે હું આપના તરફથી મળેલી ફીની રકમ લઇ ના શકું. પરંતુ તમે આટલું યાદ રાખી અને મને યોગ્ય ગણી મારી ફી આપવા માટે આ ચેક આપ્યો એ જ મારા માટે તો સાચી ફી છે. હું આપનો ચેક ના લઇ શકું." હરમન હજી વાત પૂરી કરે એ પહેલા જ પાછળથી અવાજ આવ્યો.

એ અવાજ સંદીપ મજમુદારનો હતો.

"મિ. હરમન, તમે આ કેસ હાથમાં લીધો ત્યારબાદ જ તેજપાલ રાજવંશનું ખૂન થયું અને મારા પપ્પા આ ડરમાંથી નીકળી શક્યા, માટે મારી દૃષ્ટિએ તો તમે અમારા માટે નસીબદાર છો અને માટે તમારે આ ફી ચોક્કસ લઇ લેવી જોઇએ."

પુષ્પાબેને હરમનની ઓળખાણ એમના દીકરા સંદીપ સાથે કરાવી.

"મિ. સંદીપ, હું કામ કર્યા વગર ફી લેતો નથી અને આ મારો નિયમ છે." હરમન આટલું બોલી ઊભો થયો અને સુરેન્દ્ર મજમુદાર અને પુષ્પા મજમુદારનો આભાર માની બંગલાની બહાર નીકળ્યો.

બંગલાની બહાર એની નજર અબ્દુલ મોટર ગેરેજ પર પડી. મનમાં થોડોક વિચાર કરી એ ગાડીમાં બેઠો અને એણે અબ્દુલ મોટર ગેરેજ પાસે ગાડી ઊભી રાખી. જમાલ અને હરમન બંન્ને ગાડીમાંથી નીચે ઉતર્યા. અબ્દુલ ત્યાં ખુરશી પર જ બેઠો હતો.

"સાહેબ, તમે તો મને કહ્યું હતું કે પોલીસ મને હેરાન નહીં કરે, પરંતુ કાલે મને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો છે. એ લોકો ચોક્કસ હું બાંગ્લાદેશી છું માટે મને ખૂની ગણી જેલમાં પૂરી દેશે અને ભાગી જઇશ તોય ખૂની નહીં હોવા છતાં ખૂનીનો થપ્પો લાગી જશે. હું શું કરું મને સમજાતું નથી." હરમન કશું બોલે એ પહેલા અબ્દુલે પોતાની વ્યથા ચાલુ કરી.

"અબ્દુલ, મને ખબર છે કે આ ખૂન તે કર્યું નથી. હું તને ચોક્કસ આ ખૂન કેસમાંથી બચાવી લઇશ. પરંતુ તેજપાલ રાજવંશના ખૂન વિશે તું એવું કશુંક જાણતો હોય જે તે કોઇને કીધું ના હોય એવી વાત તું મને કહે. જેથી મારું પણ કામ થઇ જાય અને હું તને બચાવી પણ શકું." હરમને અબ્દુલની સામે જોઇ કહ્યું હતું.

હરમનની વાત સાંભળી અબ્દુલ વિચારમાં પડી ગયો.

"સાહેબ, ભૂતકાળમાં મને બે-ત્રણ વખત અલગ-અલગ નંબરથી તેજપાલ રાજવંશને મારવા માટે કોઇએ ફોન કર્યા હતાં. એ માણસનો અવાજ થોડો પતલો હતો અને તેજપાલ રાજવંશના ખૂન કરવાના બદલામાં મને વીસ લાખ રૂપિયાની રકમની ઓફર કરી રહ્યો હતો. આ વાત લગભગ ચાર-છ મહિના જૂની છે. પરંતુ દરેક વખતે મેં ઓફર ઠુકરાવી દીધી હતી અને હું ખૂની નથી એવું પણ મેં સ્પષ્ટપણે કહી દીધું હતું. આ ફોન અલગ-અલગ જગ્યાએથી કરવામાં આવ્યા હતાં. એમાંથી એક ફોન આજથી બે મહિના પહેલા મુંબઇના નંબર પરથી આવ્યો હતો. પરંતુ મેં એ નંબર લખીને રાખ્યા નથી, નહિતર તમને આપી દેત." અબ્દુલે હરમનના સવાલનો જવાબ આપતા કહ્યું હતું.

"સારું અબ્દુલ, તું કાલે સવારે પોલીસ સ્ટેશન આવી જજે અને ઇન્સ્પેક્ટર પટેલ તને જે કંઇપણ સવાલ પૂછે એના જવાબ તું સાચા આપી દેજે." હરમને અબ્દુલને કહ્યું હતું.

હરમન બીજા દિવસે સવારે દસ વાગે પોલીસ સ્ટેશન નહિ આવી શકે એવું ઇન્સ્પેક્ટર પટેલને ફોનથી કહ્યું હતું અને અબ્દુલ જોડે સવાલ જવાબ કરી પોતે પોલીસ સ્ટેશન ના આવે ત્યાં સુધી એને કસ્ટડીમાં રાખવા કહ્યું હતું.

બપોરે ત્રણ વાગે ફોન કરી હરમને આ ખૂન બાબતે જોડાયેલા દરેક લોકોને પોલીસ સ્ટેશનમાં હાજર રાખવા ઇન્સ્પેક્ટર પટેલને કહ્યું હતું. એ સાંજે પાંચ વાગે જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તેજપાલ રાજવંશના ખૂન સાથે જોડાયેલ દરેક જણ પોલીસ સ્ટેશનમાં હાજર હતાં.

હરમન ઇન્સ્પેક્ટર પટેલની કેબીનમાં પ્રવેશ્યો.

"હરમન, આ બધાંને ભેગાં કરીને જે ખેલ તું કરી રહ્યો છેને એમાં કંઇક પણ લોચો પડશેને તો હું સસ્પેન્ડ થઇ જઇશ." ઇન્સ્પેક્ટર પટેલે અકળાઇને હરમનને કહ્યું હતું.

"પટેલ સાહેબ, તમે ચિંતા ના કરો. કોઇપણ સંજોગોમાં આજે હું આ કેસ ઉકેલી નાંખીશ." હરમને કહ્યું હતું.

"વાહ હરમન, તું એવી તો કેવી શોધ કરીને લાવ્યો છે કે આ કેસને તું આજે જ ઉકેલી નાંખીશ. મને તો લાગે છે કે અબ્દુલને તે એટલે જ કસ્ટડીમાં પુરાવ્યો છે." સંજય સુતરીયાએ હરમન સામે જોઇ કહ્યું હતું.

"બસ સંજય, તું ખેલ જોતો જા. ખૂની પોતે જ કહી દેશે કે એ ખૂની છે." હરમને હસતા હસતા કહ્યું હતું.

"ઇન્સ્પેક્ટર પટેલ, પહેલા તમે જગદીશ પટેલ અને દિનેશ પટેલને કેબીનમાં બોલાવો. મારે એમની પૂછપરછ કરવી છે." હરમન બોલ્યો હતો.

ઇન્સ્પેક્ટર પટેલે જગદીશ અને દિનેશ પટેલ બંન્ને ભાઇઓને સાથે કેબીનમાં બોલાવ્યા હતાં.

"મિ. દિનેશ પટેલ, તમારા પિતા રમણીક પટેલ ક્યાં છે?" હરમને દિનેશ પટેલ સામે જોઇ પૂછ્યું હતું.

"મેં હજાર વાર કહ્યું છે કે મારા પિતાજીને તેજપાલ રાજવંશે ગુમ કર્યા છે અને કદાચ એમનું ખૂન પણ કરી નાંખ્યું હોય તો નવાઇ નથી અને તેજપાલના મર્યા બાદ તો હવે એ વાતનું રહસ્ય પણ ખુલી શકે એમ નથી કે એ જીવતા પણ છે કે મરી ગયા છે." દિનેશ પટેલે હરમન સામે જોઇ ગુસ્સાથી કહ્યું હતું.

હરમને જમાલને ઇશારો કર્યો.

જમાલ, ગાડીમાંથી એક વ્યક્તિને કેબીનમાં લેતો આવ્યો જેના માથા ઉપર કાળું કપડું પહેરાવ્યું હતું. જમાલે એ માણસના મોઢા ઉપરથી કાળું કપડું હટાવી લીધું.

"બાપુજી!!!" જગદીશ પટેલના મોઢામાંથી બૂમ નીકળી ગઇ.

જમાલે રમણીકભાઇને એક ખુરશી ઉપર બેસાડ્યા.

હરમને એમની સામે જોઇ બોલવાનો ઇશારો કર્યો.

"ઇન્સ્પેક્ટર સાહેબ, દિનેશ સાથે મળીને મેં અને દિનેશે એક પ્લાન બનાવ્યો હતો. એ પ્લાન મુજબ હું એક ભાડે રાખેલા ફાર્મ હાઉસમાં છુપાઇને રહેતો હતો. દિનેશ તેજપાલને મારા અપહરણમાં ફસાવી અમારી રકમ એની પાસેથી કઢાવવા માંગતો હતો, પરંતુ અમે કરેલું આ નાટક કામયાબ ના રહ્યું અને તેજપાલ અમારા રૂપિયા આપવામાંથી બચતો રહ્યો. પરંતુ આ નાટક કરવાથી અમને બીજો એક ફાયદો થયો અને એ ફાયદો એ હતો કે અમે માર્કેટમાંથી પચાસ કરોડ રૂપિયા વ્યાજે લીધા હતાં, જે મેં અને દિનેશે ધંધામાં નાંખ્યા હતાં. મારા અપહરણની વાત સાંભળી લેણદારો ઉઘરાણી કરતા બંધ થઇ ગયા હતાં અને પચાસ કરોડ પાછા ના આપવા પડે એ માટે હું છુપાયેલો જ રહ્યો હતો. પરંતુ આજે હરમને મને ફાર્મ હાઉસ ઉપરથી શોધી કાઢ્યો હતો." રમણીકભાઇએ પોતાનું બયાન આપતા કહ્યું હતું.

"હું કહેતો હતોને કે આની પાછળ દિનેશ જ જવાબદાર છે. તેજપાલનું ખૂન પણ એણે જ કર્યું છે." જગદીશ પટેલે હરમન સામે જોઇ કહ્યું હતું.

"ના, મેં કોઇનું ખૂન કર્યું નથી. મેં ફક્ત મારા પિતાને સંતાડ્યા હતાં અને એ પણ એમની મરજીથી, માટે મેં કે મારા પિતાજીએ કોઇ ગુનો કર્યો નથી." દિનેશ પટેલે નરમાશથી કહ્યું હતું.

હરમને ઇન્સ્પેક્ટર પટેલને કશુંક કાનમાં કહ્યું.

ઇન્સ્પેક્ટર પટેલે ત્રણ ખુરશીઓ કેબીનમાં મંગાવી અને મજમુદાર પરિવારને કેબીનમાં બોલાવ્યા.

"હા તો મિ. સંદીપ, કાલે રાત્રે તમે ક્યાં હતાં?" હરમનને સંદીપ મજમુદાર સામે જોઇ પૂછ્યું હતું.

"હું કાલે મારા મિત્રના ત્યાં પાર્ટીમાં ગયો હતો." સંદીપે અકળાઇને જવાબ આપતા કહ્યું હતું.

"તમારા મિત્રનું નામ શું?"

"રોહન"

"તમે જૂઠ્ઠું બોલો છો, મિ. સંદીપ મજમુદાર. તમારા મિત્રનું નામ જગદીશ પટેલ છે. તમે અને જગદીશે સાથે મળીને તેજપાલ રાજવંશનું ખૂન કર્યું છે. હું બરાબર કહી રહ્યો છુંને?" હરમનની વાત સાંભળીને કેબીનમાં સોંપો પડી ગયો.

સુરેન્દ્રભાઇ અને પુષ્પાબેન રડારડ કરવા લાગ્યા.

"ના, સદંતર ખોટી વાત છે." સંદીપે જવાબ આપ્યો.

"જે દિવસે તેજપાલનું ખૂન થયું એ દિવસે હું અને જગદીશભાઇ સાથે જ હતાં. તમે જગદીશભાઇને પૂછી શકો છો." સંદીપ સાવધાનીથી જવાબ આપી રહ્યો હતો.

"જગદીશભાઇ, જે હોય એ તમે સાચું કહી દો, નહિતર ખૂની તો પકડાઇ ગયો છે પણ તમે પણ એ ખૂની સાથે ફાંસીના માંચડે ચઢી જશો." હરમનની વાત સાંભળી જગદીશ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

"જુઓ મિ. હરમન, મેં કે સંદીપે તેજપાલ રાજવંશનું ખૂન કર્યું નથી. અમે બંન્ને તો એનું ખૂન કરવાના વિરોધમાં હતાં. પરંતુ એક જણે અમારી પાસેથી રૂપિયા પચાસ લાખ લઇ તેજપાલનું ખૂન કર્યું હતું. તેજપાલ મારી જોડે ધંધો કરી રહ્યો હતો અને લગભગ વીસ કરોડ જેટલા રૂપિયા એણે મને આપવાના બાકી હતાં, જે એ આપી રહ્યો ન હતો, પરંતુ તેજપાલની એક એંશી કરોડની જમીન મારા નામે હતી. એ ખેડૂત ન હતો માટે ખેતીની જમીનનો દસ્તાવેજ એ પોતાના નામે કરાવી શકે એમ હતો નહિ અને એટલે એ જમીનનો દસ્તાવેજ એણે મારા નામે કર્યો હતો. તેજપાલનું ખૂન કરાવી આ રકમ હું અને સંદીપ અડધી અડધી વહેંચી લેવાના હતાં. પરંતુ અમે એનું ખૂન કર્યું નથી." જગદીશે રડતા રડતા પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો.

જગદીશની વાત સાંભળી સંદીપ અવાક થઇ ગયો. એના ચહેરા પરનું બધું નુર ઉડી ગયું.

"તો પછી ખૂન કોણે કર્યું?" ઇન્સ્પેક્ટર પટેલે જગદીશને જોરથી પૂછ્યું હતું.

"ખૂન જાસૂસ સંજય સુતરીયાએ કર્યું છે. બરાબરને સંજય?" હરમને તીક્ષ્ણ નજરે સંજય સામે જોઇ કહ્યું હતું.

"સંજય, તે ખૂન કર્યું છે???!!!" ઇન્સ્પેક્ટર પટેલે લગભગ બૂમ પાડીને કહ્યું.

"હા ઇન્સ્પેક્ટર પટેલ, હરમન સાચું કહે છે. તેજપાલ રાજવંશનું ખૂન મેં કર્યું હતું. મારી પ્રેમિકા એટલેકે તેજપાલની પત્ની ઘર છોડીને જઇ રહી હતી એ એનાથી સહન ના થયું અને એણે એને ગળે ફાંસો આપી મારી નાંખી. આ વાત અબ્દુલે મને કરી, કારણકે અબ્દુલ પણ તેજપાલ રાજવંશની પત્ની એટલેકે મારી પ્રેમિકાના ખૂનમાં સામેલ હતો. મેં અબ્દુલને ભારતીય નાગરિકતા અપાવવાનું વચન આપ્યું ત્યારે એ સાચું બોલ્યો હતો અને એ પછી મેં તેજપાલને મારવા માટે જગદીશ અને સંદીપ જોડે મળી આ પ્લાન ઘડ્યો હતો. પરંતુ આ પ્લાનમાં કચાશ ના રહી જાય માટે અમે પુષ્પાબેનને તારી ઓફિસે મોકલ્યા, જેથી તું આ કેસમાં જોડાઇ જાય અને પોલીસ સ્ટેશનમાં મજમુદાર ફેમિલીને તેજપાલના ખૂન સાથે કોઇ લેવાદેવા નથી એવું બયાન પણ આપી દે. પરંતુ સુરેન્દ્ર મજમુદાર અને પુષ્પા મજમુદાર આ પ્લાનમાં સામેલ ન હતાં. એમને તો ખબર પણ ન હતી કે એમની જોડે શું થઇ રહ્યું છે. અમારા પ્લાન પ્રમાણે બધું બરાબર ચાલી રહ્યું હતું. હરમનને વિશ્વાસ અપાવવા કે તેજપાલ રાજવંશ સુરેન્દ્ર મજમુદારને મારી શકે એમ છે એટલે મેં એના ઉપર બંદૂકથી ફાયરીંગ કર્યું. જેથી તેજપાલ ઉપર એ વધુ શંકાશીલ બને અને થયું પણ એવું જ કે એને તેજપાલ ઉપર શંકા ઊભી થઇ ગઇ. પરંતુ એણે મને સામેથી ફોન કરી મને એની ઓફિસે બોલાવ્યો અને એટલે હું આ કેસમાં જોડાઇ ગયો. બાકી હું તેજપાલનું ખૂન કરી ઇન્ડિયા છોડીને જતો રહેવાનો હતો. મને મારી પ્રેમિકાના થયેલા ખૂનના કારણે લાગેલો આઘાત તેજપાલ રાજવંશના ખૂનથી જ દૂર થઇ શકે એમ હતો અને એટલે મેં એનું ખૂન કર્યું. હવે મને આજીવન કારાવાસ મળે કે પછી ફાંસીના સજા મળે તો પણ મને અફ્સોસ નથી." સંજય સુતરીયાએ પોતાનો જુલ્મ કબુલ કરતા કહ્યું હતું.

"હરમન, હવે તું એ કહે કે તને આ બધી વાતની કઇ રીતે ખબર પડી?" ઇન્સ્પેક્ટર પટેલે આશ્ચર્યચકિત થઇ હરમનને પૂછ્યું.

"ઇન્સ્પેક્ટર પટેલ, જે દિવસે મારા ઉપર હુમલો થયો અને એ જ વખતે મેં સંજયને ફોન કર્યો. સંજય જ્યારે મારી ઓફિસમાં આવ્યો ત્યારે એણે હાથમાં પહેરેલું ડાયમંડનું ચમકદાર બ્રેસલેટ જોઇ હું ચમક્યો હતો, કારણકે એણે જે વખતે મારા ઉપર હુમલો કર્યો એ વખતે એના હાથનું આ લોકેટ હું જોઇ ગયો હતો. પરંતુ મને સવાલ થયો કે સંજય મારા ઉપર હુમલો શું કરવા કરે? એને મારા ઉપર હુમલો કરવામાં શું ફાયદો હશે? એ વાત જાણવા કાલે મેં એનો પીછો કર્યો હતો અને એ જગદીશ પટેલના ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યો હતો. જ્યાં સંદીપ પણ હાજર હતો. હું પણ ફાર્મહાઉસની દિવાલ કૂદીને ગાર્ડનમાંથી એ લોકો જે રૂમમાં બેઠાં હતાં એ રૂમની બારી પાસે લપાતો છુપાતો પહોંચી ગયો હતો.

કાલે મોડી રાત્રે જગદીશ પટેલના ફાર્મ હાઉસ ઉપર આ ત્રણે જણની બધી વાતો મેં બહાર ઊભા રહી સાંભળી હતી. એ લોકો અબ્દુલ ઉપર કાલે તેજપાલના ખૂનનો આરોપ નાંખવો એનું પ્લાનીંગ કરી રહ્યા હતાં. અબ્દુલને કોઇ ફોન કરીને તેજપાલ રાજવંશનું ખૂન કરવા માટેની ઓફર આપતું હતું. પરંતુ તેજપાલ અને અબ્દુલ તો એક હતા માટે અબ્દુલે આ ઓફર લીધી નહિ અને તેજપાલને સતર્ક પણ કરી દીધો હતો. છતાં તેજપાલ અતિ આત્મવિશ્વાસમાં રહ્યો અને સંજયના હાથે એનું ખૂન થયું. કાલે ફાર્મ હાઉસ ઉપર આ ત્રણે જણનું પ્લાનીંગ સાંભળી હું એમના ફાર્મ હાઉસની દિવાલ કૂદીને બહાર નીકળી ગયો હતો. એ જે રૂમમાં બેસીને વાત કરી રહ્યા હતાં એ રૂમની બારી ખુલ્લી હોવાના કારણે મને વાત સ્પષ્ટ સંભળાતી હતી. બીજું, તપાસ કરતા મને ખબર પડી કે ત્રણે જણ મુંબઇ એકસાથે જતા હતાં અને પાછા આવતા હતાં. તેમજ દર શનિવાર અને રવિવારે જગદીશ પટેલના ફાર્મ હાઉસ ઉપર ત્રણે ભેગાં મળી પાર્ટી કરતા હતાં. મને આ કેસમાં હાજર રાખી સંજય પોલીસને તેજપાલ રાજવંશનું ખૂન કરી તપાસ ખોટી દિશામાં લઇ જવા માંગતો હતો. પરંતુ એ એક વાત ભૂલી ગયો કે જાસૂસીનો સૌથી પહેલો નિયમ છે કે વિરૂદ્ધમાં હોય એ લોકોની સાથે સાથે આપણી તરફેણમાં હોય એ લોકો ઉપર પણ શંકા કરવી જોઇએ. અબ્દુલને તમે તેજપાલની પત્નીના ખૂનના આરોપમાં ગિરફ્તાર કરી શકો છો." હરમને પોતાની વાત પૂરી કરી હતી.

ઇન્સ્પેક્ટર પટેલે જગદીશ પટેલ, સંદીપ મજમુદાર અને સંજય સુતરીયાને ગિરફ્તાર કરી એમના ઉપર તેજપાલ રાજવંશના ખૂનનો મામલો દર્જ કર્યો હતો અને અબ્દુલ ઉપર તેજપાલની પત્નીના ખૂન તેમજ ગેરકાયદેસર રીતે દેશમાં દાખલ થવાનો ગુનો દાખલ કર્યો હતો.

સંપૂર્ણ....

( વાચકમિત્રો, "ડરનું તાંડવ" આ ધારાવાહિક આપને કેવી લાગી એ વિશે આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો. - ૐગુરુ)