ડરનું તાંડવ - ભાગ 1 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડરનું તાંડવ - ભાગ 1

ડરનું તાંડવ

ભાગ-1

વિચિત્ર કેસ


હરમન એની ઓફિસમાં દાખલ થયો ત્યારે વેઇટીંગ એરિયામાં 50 વર્ષની આસપાસના લાગતા એક સન્નારી સોફા પર બેસીને જમાલ સાથે વાત કરી રહ્યા હતા.

હરમને તેમના પર એક નજર નાંખી અને પોતાની કેબીનમાં દાખલ થઇ ગયો અને ચેર પર બેસી ગયો હતો.

જમાલ થોડીવારમાં અંદર દાખલ થયો અને હરમનની સામેની ખુરશીમાં ગોઠવાયો હતો.

“બોસ, એક વિચિત્ર પ્રકારનો કેસ આવ્યો છે. બહાર પુષ્પાબેન મજમુદાર નામના એક બહેન તમને મળવા આવ્યા છે અને તેમનો કેસ તમને સોંપવા માંગે છે. તમે રજા આપો તો હું એમને તમારી કેબિનમાં બોલાવી લઉં.” જમાલે વાત પૂરી કરી હરમન સામે જોયું હતું.

હરમને ઈશારાથી એ બહેનને અંદર બોલાવવા માટે કહ્યું હતું.

પુષ્પાબેન મજમુદાર હરમનની કેબીનમાં દાખલ થયા અને હરમનની સામેની ખુરશી પર બેસી ગયા હતાં. 50 વર્ષની આસપાસની ઉંમર ધરાવતા પુષ્પાબેને થોડું વિચારીને પોતે જે બાબત માટે હરમનને મળવા આવ્યા હતા એ વાત કહેવાની શરૂ કરી હતી.

"હરમનભાઈ, મારા પતિનું નામ સુરેન્દ્ર મજમુદાર છે. લોખંડના પાઈપ બનાવવાની અમારી ફેક્ટરી રખિયાલમાં આવેલી છે. ફેક્ટરી ખૂબ મોટી છે અને ખૂબ સારી ચાલે છે. મારા પતિએ તેજપાલ રાજવંશ નામના એક વેપારીને પાંચ કરોડનો માલ આપ્યો હતો. પરંતુ છેલ્લા છ મહિનાથી એ પૈસા આપી રહ્યો ન હતો. એટલે મહિના પહેલા મારા પતિએ ગુસ્સામાં તેજપાલને ખખડાવ્યો હતો અને કડક ઉઘરાણી કરી હતી. એના જવાબમાં તેજપાલે એમને મારી નાંખવાની ધમકી આપી હતી. તેજપાલે આપેલી ધમકીના કારણે મારા પતિ ખૂબ ડરી ગયા છે અને મહિનાથી ઘરમાંથી બહાર નીકળતા નથી. ફેક્ટરીનો બધો ધંધો મેનેજરોના ભરોસે છોડી અને અમારા બંગલાની આસપાસ સિક્યોરીટી ગોઠવી એ આખો દિવસ ઘરમાં ડરતા-ડરતા જીવી રહ્યા છે. અમે આ બાબતે પોલીસને કમ્પ્લેન પણ કરી અને અમારા એરીયાના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે તેજપાલને બોલાવ્યો હતો. ત્યારબાદ અમને બોલાવી એમણે અમને એવું કહ્યું કે તમારા પતિ અને તેજપાલની ગરમાગરમીમાં તેજપાલ ભૂલથી આવું બોલી ગયો હતો એવું એણે પોલીસ સ્ટેશનમાં આવીને લેખિતમાં બયાન આપ્યું છે અને માટે હવે તમારે લોકોએ ડરવાની જરૂર નથી. પોલીસ ઇન્સ્પેક્ટરે મારા પતિને ધમકી આપવા બદલ તેજપાલને ખૂબ ધમકાવ્યો પણ હતો અને ફરી આવું ન કરવા સલાહ આપી હતી. આ બધી વાત પોલીસ ઇન્સ્પેક્ટર સાથે થયા છતાં પણ મારા પતિનો ડર ઓછો થયો નથી અને એ ઘરમાંથી બહાર નીકળવા તૈયાર થતા નથી. હવે તમે જ કોઇ ઉપાય કરી શકો છો. હું તમારી પાસે ખૂબ આશા સાથે આવી છું." હરમન પુષ્પાબેનની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

પુષ્પાબેનની વાત પૂરી થયા બાદ હરમને એમની સામે જોઇ કહ્યું હતું.

"જુઓ પુષ્પાબેન, તમે મારી પર વિશ્વાસ રાખીને અહીં મારી ઓફિસે આવ્યા એનો મને આનંદ છે. પરંતુ આ કેસમાં આમ જોવા જાઓ તો એક જાસૂસ તરીકે મારો કોઇ રોલ મને દેખાઇ રહ્યો નથી. તમારા જ કહેવા પ્રમાણે તેજપાલ રાજવંશે તમારા પતિને ધમકી આપવા બદલ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં માફી માંગી લીધી છે અને છતાંય તમારા પતિ એના ડરના કારણે ઘરમાંથી બહાર નીકળતા નથી. આ આખી ઘટનામાં હું તમને કઇ રીતે મદદરૂપ બની શકું એ મને પણ સમજાતું નથી." હરમને પુષ્પાબેનનો કેસ લેવાનો ઇનકાર કરતા કહ્યું હતું.

હરમનની વાત સાંભળી પુષ્પાબેન નિરાશ થયા હતાં.

"હરમનભાઇ, તમે એકવાર અમારા ઘરે આવીને મારા પતિને મળી લો અને એમને સમજાવો કે એમની જોડે કંઇપણ અજૂગતું કે ખોટું નહિ થાય. તમે તમારી રીતે અને તમારી ભાષામાં આ વાત એમને સમજાવશો તો એ વાત સમજી જશે અને કદાચ કાલથી નિયમિત રીતે ફેક્ટરી જતા પણ થઇ જાય એવું બની શકે. તમારી જે ફી થતી હશે એ ચૂકવવાની મારી તૈયારી છે, પરંતુ આ કેસમાં તમે મને મદદરૂપ થાઓ એવી મારી ઇચ્છા છે." પુષ્પાબેને આગ્રહ કરતા કહ્યું હતું.

"પુષ્પાબેન, તમે કહો છો તો એકવાર તમારા પતિને હું મળી લઇશ અને આખી વાત સમજાવવાનો પ્રયત્ન કરીશ. આપ આપનું સરનામું અને મોબાઇલ નંબર જમાલને લખાવી દો. હું સાંજે આપના ઘરે આવી જઇશ." હરમનની વાત સાંભળી પુષ્પાબેન એમનો આભાર માનતા ઊભા થયા અને જમાલને સરનામું અને મોબાઇલ નંબર લખાવી હરમનની કેબીનમાંથી બહાર નીકળી ગયા હતાં.

હરમન સાંજના છ વાગે પુષ્પાબેને આપેલા સરનામા પર જમાલ સાથે પહોંચ્યો હતો. સિંધુભવન રોડ ઉપર આવેલા વિશાળ બંગલાના મુખ્ય ઝાંપા પાસે ગાડી મુકી હરમન અને જમાલ ઝાંપાની અંદર પ્રવેશ્યા હતાં. વરંડામાં બે સિક્યોરીટી ગાર્ડ ઊભા હતાં. હજી હરમન અને સિક્યોરીટી ગાર્ડ વચ્ચે કંઇ વાતચીત થાય એ પહેલા જ પુષ્પાબેન મુખ્ય દરવાજા ઉપર આવી ગયા હતાં.

"હરમનભાઇ, અંદર આવો. મેં તમને અંદર ટી.વી. સ્ક્રીન ઉપર ઝાંપામાં પ્રવેશતા જોઇ લીધા હતાં. હું અને મારા પતિ તમારી જ રાહ જોતાં હતાં." પુષ્પાબેન બોલતા-બોલતા આગળ ચાલી રહ્યા હતાં અને હરમન અને જમાલ એમની પાછળ ચાલતા એક મોટા શયનખંડમાં પ્રવેશ્યા હતાં.

શયનખંડમાં સોફાચેર ઉપર પુષ્પાબેનના પતિ સુરેન્દ્ર મજમુદાર બેઠા હતાં. હરમનને અંદર આવેલો જોઇ એ સોફાચેર પરથી ઊભા થઇ ગયા અને હરમન સાથે હાથ મીલાવ્યો હતો.

"હરમનભાઇ, પુષ્પાએ તમારા ખૂબ વખાણ કર્યા છે. પુષ્પાની બહેનપણીના પતિનો એક કેસ તમે ઉકેલ્યો હતો અને એમના દ્વારા જ પુષ્પાને તમારા વિશે માહિતી મળી હતી. પુષ્પાએ લગભગ આખો કેસ તમને કહી દીધો છે. છતાં મારા તરફથી એક-બે વાત મારે તમને જણાવવી છે. તેજપાલ રાજવંશ દ્વારા આપવામાં આવેલી ધમકીથી મારા મનમાં ડર એમનેમ જ બેઠો નથી. એની પાછળ એક મોટું રહસ્ય છે." હરમન અને જમાલને સોફા ઉપર બેસવા માટેનું કહી સુરેન્દ્રભાઇ પણ સોફાચેર પર બેસીને ગયા હતાં અને આ વાત કરી હતી.

પુષ્પાબેન બધાં માટે ચા-નાસ્તો લેવા રૂમની બહાર ગયા હતાં.

"હરમનભાઇ, વાત એવી છે કે તેજપાલ રાજવંશ છ વર્ષ પહેલા મારા જેવો જ ધંધો કરનાર રમણીકભાઇ સાથે એનો ધંધો કરતો હતો. એણે રમણીકભાઇના છ કરોડ રૂપિયા ચૂકવવાના હતાં. પરંતુ એ જ અરસામાં રમણીકભાઇ અચાનક ગાયબ થઇ ગયા અને હજી સુધી એમનો પત્તો મળ્યો નથી. મેં જ્યારે તેજપાલ રાજવંશ જોડે ધંધો શરૂ કર્યો ત્યારે આ વાતની મને ખબર ન હતી અને મારી સાથે એ ધંધો પણ વ્યવસ્થિત રીતે કરતો હતો. જે છેલ્લી વારના પાંચ કરોડ રૂપિયા બાકી છે એ સિવાય એણે ભૂતકાળમાં અમારે પેમેન્ટ માટે ક્યારેય પણ ફોન સુધ્ધા એને કરવો પડે એવી ફરજ પાડી ન હતી. પરંતુ છેલ્લા આ વ્યવહારમાં એની પાસે પૈસા હોવા છતાં દાનત બગડી ગઇ છે. રમણીકભાઇના ગાયબ થવા પાછળ એનો જ હાથ છે એવી પાકી શંકા રમણીકભાઇના પુત્ર દિનેશને છે. આ બાબત માટે દિનેશે પોલીસ ફરિયાદ પણ કરી હતી. પરંતુ તે છતાં પોલીસ તેજપાલ રાજવંશનો વાળ પણ વાંકો કરી શકી નથી. એ ખૂબ જ શાતિર અને ઘડાયેલો માણસ છે. મારા પાંચ કરોડ રૂપિયા ના આપવા પડે એ માટે એ રમણીકભાઇની જેમ મને પણ પૂરો કરી નાંખતા વાર નહીં લગાડે એવી વાત પાકા પાયે મારા મગજમાં ગોઠવાઇ ગઇ છે." સુરેન્દ્રભાઇએ હરમનને પોતાના ડરનું કારણ સમજાવ્યું હતું.

ક્રમશઃ ....

(વાચકમિત્રો, ડરનો તાંડવ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું. - ૐ ગુરુ)