Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંના ઝરૂખેથી - 4 - શમણાંને છે ઇન્તજાર..!

૪. શમણાંને છે ઇન્તજાર..!


ફોનમાં મેસેજનો ટોન વાગ્યો. "અત્યારે એ ફોન તો નહીં જ કરે..! કરેય, કાંઈ કહેવાય નહીં." વિચારોનાં તુક્કા ચાલતા રહ્યા અને પલંગ પર જઈને ફોન ચેક કર્યો. મેસેજ હતો, "સાંજે મોડા ફોન કરીશ. હજુ ઘરમાં મહેમાન રોકાયા છે." વાંચીને નમ્રતાએ 'સારું' નો જવાબ મોકલી દીધો.

"આમેય અત્યારે વાત કરવાનું મનતો થાય છે. પણ, કામ પણ ઘણું છે. મમ્મીને મદદ કરવાની છે" એમ વિચારતી વિચારતી મમ્મી પાસે પહોંચી ગઈ. નાના-મોટા કામ પણ પતાવી દીધા. રસોઈ તો બનાવવાની નહોતી.

"હવે એ લોકો ઘરે પણ પહોંચી ગયા હશે..!" મમ્મીની જાણી જોઈને બોલાયેલા વાક્યનાં જવાબમાં નમ્રતાએ કહ્યું, "પહોંચ્યા જ હશે. એમનું ઘર બહુ દૂર પણ ક્યાં છે? આતો અમદાવાદ શહેરનો ટ્રાફિક થોડો નડે તોય કલાકમાં તો પહોંચી જ જાય - બસ એક ઘર આ છેડે ને બીજું ઘર પેલા છેડે ને વચ્ચે આખું અમદાવાદ."

"ઓહો...! મારી ચકુને બે ઘર થઈ ગયા, નહીં કે? મને ખબર જ ના રહી? સરયુબેનનાં શબ્દોએ નમ્રતાને થોડી શરમાવી દીધી. " ..એટલે મમ્મી એમ કે એક ઉત્તરે અને બીજું દક્ષિણે..એમ કહું છું!"

"બેટા, સાવ ઉત્તર-દક્ષિણ જેવું નથી હો..! પપ્પાનો અવાજ બેઠકરૂમમાંથી આવ્યો તો બે ક્ષણ માં-દીકરી અચંબિત થઈ ને પછી હસી પડ્યા.

બસ, વાતોમાં ને વાતોમાં રાતનું ભોજન ને બીજા પરચુરણ કામ પણ પતિ ગયા. આ દરમિયાન પણ નમ્રતાના મસ્તિષ્કમાં સુહાસનો ચહેરો તરવારીયા કર્યો. રાતે લગભગ દશ વાગ્યે, પથારીમાં બેઠા બેઠા એને પોતાની સગાઈના વિચારથી આખા શરીરમાં કંઈક સળવાળીને જતું રહ્યું હોય એમ ઝણઝણાટી થઈ આવી.

હાથમાં રહેલો ફોન આંગળીઓથી અને મન વિચારીથી બસ એમજ રમતાં રહ્યા- અમુક ક્ષણો સુધી. "જીવન પણ કેવા રંગોથી ભરેલું હોય છે. બસ, ફિલ્મનાં દ્રશ્યોની જેમ એક પછી એક બદલાતા દ્રશ્યો, બદલાતા પાત્રો ને બદલાતી જવાબદારીઓ..ને એમ કેટલું બધું...!" થોડી વાર આંખોની પાંપણને એકદમ ભીંસી દીધી..ને લાગણીઓ બીજી દિશાએ પાછી ફંટાઈ.."પપ્પા-મમ્મી વગર જીવન કેવું લાગે? એક શહેરમાં હોય તોય સાથે તો નહીં જ ને..! આ સાવ કેવી વ્યવસ્થા છે...? બસ, દીકરીએ લગ્ન કરીને સાસરે જવાનું, જુદા ઘરમાં, બીજા લોકોની સાથેના અલગ જ માહોલમાં...., કેટકેટલુંય બદલવાનું...! કેટલું બદલાવાનું...!" વળી પાછું પોતાના મનને જ મનાવવા લાગી, "ના, ના.. સાવ એવું ક્યાં છે..પારકું પોતાનું થતાં ક્યાં વાર લાગે છે...! મમ્મીતો આ ઘરમાં આવ્યા જ ને લગ્ન કરીને...! આમ જ હોય.. એમ ના હોત તો મને હું સુહાસને ક્યાં મળી જ હોત..!

સુહાસ શબ્દએ બધી જ ગૂંચવાળોને એકદમ જાણે ઉકેલી દીધી હોય તેમ, એક હળવી મુસ્કાનની છાપ પાડવા ઓશિકાને મોં સુધી ખેંચી લીધું અને પીઠને પાછળ પડેલા લંબગોળ તકિયા પર ટેકવી ડોકને પાછળ દીવાલ તરફ ખેંચી, ઊંડો શ્વાસ ભર્યો. બસ, થોડી પળ કોઈ પણ હલનચલન જ નહીં. બસ, એમજ પડી રહી. આંટી મારેલ પગ, માથાનાં પાછળના ભાગે ખેંચેલો એક હાથ, અને હાથની હથેળી પર દિવાલ તરફ લંબાવેલી ડોક, ચહેરા પરથી ગળા સુધી સરકાવી દીધેલું ઓશીકું, ને આકાશ તરફ મીટ માંડીને જોતી એની ચોખ્ખી-ચણક ને રળિયામણી આંખો..! બસ, એમજ એકદમ શાંત. જાણે જીવનમાં કોઈ ભાર જ ન હોય, એવું એનું મન - સંપૂર્ણ શાંત સરોવરમાં તરતી ને છૂટી પડેલી નાવની જેમ - બસ એમજ ભાવમુક્ત, વિચારમુક્ત થઈ શૂન્યમાં ઓગળતું રહ્યું.

ગહન શાંતિનાં ઊંડાણમાં એને સુહાસ નામની માત્ર હવા ની હળવી લહેરનો જ અનુભવ થતો રહ્યો. કોઈ વિચાર નહીં, કોઈ વમળ નહીં, આરમાનોની કાંઈ ચંચળતા જેવુંય નહી, ને કોઈનાં માટેની ઇન્તેજારી પણ નહીં - કાંઈ જ નહીં. ધ્યાનમાં મગ્ન થયેલા સાધકનાં જેવી સ્થતિમાં ને છતદર્શન મુદ્રામાં આંખ ક્યારે મીંચાઈ ગઈ એની એને જાણ પણ ન રહી.

પણ, અર્ધજાગૃત મનમાં હવાની લહેરખી માફક સ્પર્શ કરી જતો સુહાસ એને ગાઢ નિંદ્રામાંથી પછી લઈ આવ્યો. આંખ ઉઘાડી,એક હાથમાંથી પલંગ પર અડધો સરકી ગયેલો ફોન ચેક કરવા ડોક ઊંચીતો કરી પણ ગરદન થોડી જકડાઈ હોય, એક હળવી ચીંસ નીકળી ગઈ. માથા પાછળ રાખેલા હાથ વડે તરત જ ગરદનના સ્નાયુને મજબૂત રીતે પકડી-દબાવીને, પછી બેઠી થઈ. ફોન ચેક કર્યો.

મેસેજ હતો..'આજે ફોન નહીં થાય. ગુડ નાઈટ. સ્વીટ ડ્રીમ...**" રાતના બાર વાગી ગયા હતા. હવે ફોન પણ ન થાય કે મેસેજ પણ નહીં. "આ શું કરી નાખ્યું? હું કેમ ઊંઘી ગઈ..?" બબળતા બબળતા ફરી ફોન ચેક કર્યો....બે મિસકોલ પણ... ને પછી મેસેજ... 'સ્વીટ ડ્રીમ..?' અરે, કેવી રીતે સ્વીટ ડ્રીમ? પોતાનાં પર જ ગુસ્સો ઢોળતી રહી.

આટલી શાંત અને સરળ સ્વાભાવની નમ્રતાને ગુસ્સો પણ આવી જતો હશે..એવું માની ન શકાય. જે ઓશિકા પર બે કલાક પેલા મીઠી મુસ્કાનની છાપ છોડીતી, એજ ઓશિકાને કસકીને વાળ્યું અને પોતાનાં ચહેરા પર અથડાવ્યું. બે હથેળી વચ્ચે એમ પકડ્યું કે જો કોઈ જીવ હોત તો મસળાઈને જ ગૂંગળાઈ જાત. ...પણ, ઉકેલ નહોતો.

"શું વિચારતો હશે સુહાસ? એનેય વાત કરવી હશે.. "
આવો વિચાર તો આવી ગયો, પણ પછી મનને તરત વાળી લીધું. "કાંઈ નહીં. સારું જ થયું. એનેય ઊંઘ નહીં આવે આજે તો. કાલે જ સાચી ખબર પડશે. એનો પ્રતિભાવનો અનુભવ ખબર તો પડશે..!" મનને મનાવી તો લીધું, પણ અંદરથી બેચેની છૂટતી નહોતી. દિશા બદલવામાં પલંગનો કોઈ ખૂણો બાકી ન રાખ્યો, ને સાથે સાથે ઓશીકુય બિચારું ઘડિયાળના કાંટાની જેમ ફરતું રહ્યું.

"આ તો એક શરૂઆત છે. આટલી બધી વ્યાકુળતા શું કરવાની.. ? પોતાની જાત સાથેની મથામણ ચાલતી રહી. "કાલે ફોન પર વાત થશે પછી જ ખબર પડશે કે એની રાત કેવી ગઈ? ફોન પર વાત ના થઇ તો એ શું વિચારતો હશે.."

બસ, 'આવતીકાલ..!'ના વિચારોમાં ખોવાયેલી પડી રહી, ક્યાંય સુધી...કદાચ નવા દિવસનાં ઇન્તજારમાં...!