Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંના ઝરૂખેથી - 5 - શમણાં કરે સરવાળા..

૫. શમણાં કરે સરવાળા..


નમ્રતા... એય, નમ્રતા...! ચકુ, ઉઠી જા, બેટા.. માથે સુરજ ચડી આવ્યો છે. ચાલ ઉઠી જા. નમ્રતાને જગાડવા માટે, મમ્મીને શબ્દો હજુય ઓછા પડ્યા હોય તેમ, " બેટા, ત્રણ મહિનામાં સાસરે જતી રહીશ. ત્યાં આમ મોડે સુધી સુવા નહીં મળે. એટલે તારે વહેલા ઉઠવાની હવે ટેવ પાડવી પડશે...!"

બે હાથ ફેલાવીને આળસ મરડતા મરડતાં, તેણે મમ્મીનો હાથ પકડી ને ધીમેથી પલંગ પર પોતાની બાજુમાં બેસાડી દીધી. "શું મમ્મી તમેય..? તમારી દીકરીને ટેવ પાડવા માટે આટલો બધો સમય થોડો જોઈએ..!" એમ કહી, મમ્મીના ખોળામાં માથું મૂકી, બેઉં પગને ઉપરની બાજુએ પેટ તરફ અડધે સુધી ખેંચી, આડા પડખે ગોઠવાઈ ગઈ...

"શું કરસ બેટા? હજુ બચપણ જતું નથી તારું..? ગઈકાલે જ જે યુવાન દીકરીની સગાઈ થઈ એ આમ નાનાં છોકરાની માફક આજે માંના ખોળામાં આળોટે... કેવું લાગે..? ચાલ ઉભી થા.. બહુ કામ પડ્યા છે, તારા માટે..!

"મમ્મી...એટલે તો આવું સારું લાગે છે. લગન પછી તમેં જોડે થોડાં આવવાનાં..?" ખોળામાં ઊંધું ને થોડું ત્રાંસું ગોઠવેલું માથું એમ જ રાખીને, " અને મમ્મી..., આમ ખોળામાં માથું રાખીને સુવાનો આનંદ લેવા ઉમર ને કે સગાઈને - એ બધી વાતોને શું લેવા દેવા..? આપણને કેવું લાગે છે..આપણને શું ગમે છે, કેવું ગમેં છે.., બસ, એ ભૂલી નહીં જવાનું? એટલું બધું સિસ્ટમેટિક થઈ જઈએ તો આપણી લાગણીનું શું..? બોલતાં બોલતા, અચાનક કંઈક તુક્કો સૂઝી આવતા, પોતાનાં માથા પર ટેકવાયેલ મમ્મીની હથેળીને બાજુમાં હટાવી; ફટાક કરતી નમ્રતા બેઠી થઈ ગઈ.. મમ્મી કાંઈ વિચારે કે સમજે એ પહેલાં જ મમ્મીને, ખંભાએથી પકડી, પોતાનાં તરફ ઝુકાવી દીધા. "ચકુ.., ચકુ..." આટલું બોલે ત્યાં તો મમ્મીનું માથું નમ્રતાના ખોળામાં હતું..

"બસ, મમ્મી.., હવે કાંઈ ન બોલશો...જુવો કેવું લાગે છે...? એમ બોલી નમ્રતાએ મમ્મીના માથામાં પોતાનો હાથ ફેરવ્યો. સુઈ જાવ થોડી વાર.. જુઓ કેવું લાગે છે...? ગમ્યુને તમને..?

"બસ... બસ.., " બોલતાં, મમ્મી ઉભા થઇ ગયા.. " તો પછી હવે તું મારી સાથે જ રહેજે. લગન કરવાની જરૂર જ નથી. તું જતી રહીશ પછી આમ હાથ કોણ ફેરવશે..?

"હા, એ વાત તો સાચી હોં..! તો તમે કહેશો તો મારુ સાસરે જવાનું .. એટલે લગ્નનું... માંડીવાળીએ...! અટકી અટકી ને સરતા શબ્દો સરયુબેન તો કળી જ ગયા એટલે બોલી ઉઠ્યાં, "બેટા, રાતે હાથમાંથી ફોન નહીં છૂટ્યો, ને સાસરે જવાનો મોહ છૂટી જશે ખરો..?

"શું મમ્મી તમેય..? નમ્રતાની મસ્તી ને કાપતા, સરયુબહેને વાતને વાળી, "સારું ચાલ, છોડ એ બધું. ફટાફટ તૈયાર થઈ જા. આજે મારી બહેનપણી આવવાની છે.

"કોણ, નીતા આંટી?

"હા, કાલે નહોતું અવાયું એમનાથી..! આજે તને મળવા જ આવે છે. એટલે ફટાફટ ચા-નાસ્તો પતાવી દે અને તૈયાર થઈ જા. જવાબમાં 'હમમ..' કહી નમ્રતા બાથરૂમમાં ગઈ.
* * * * * *

લગબગ દશેક વાગ્યે, નીતાઆંટી પણ આવી ગયા. ચા પીધી ને વાતોય ચાલી. આંટીએ પોતાની વાતો કરી અને સગાઈની વાતોય સાંભળી. મોબાઈલમાં પ્રસંગના ફોટા જોયા. લગ્ન માટેનાં સલાહ-સુચનોય કર્યા. આંટી સાથે નમ્રતાને ખૂબ લાગણીના વ્યવહારો - વિશ્વાસ પણ ખરો. એટલે નમ્રતાએ પોતાની નારાજગી પણ બતાવી. પણ, આંટીની પરિસ્થિતિને લઈને નારાજગી ખાલી બોલવા પૂરતી જ હતી. વૃદ્ધ અને બીમાર સસરાની સાર-સંભાળને લીધે એમનાંથી બહાર નીકળવું ઘણીવાર મુશ્કેલ હોય છે, એ વાત બધા જ જાણે એટલે કોઈ ધોખો ના કરે.

વાતોમાં ને વાતોમાં, આંટીએ સુલેખાની વાત પણ ઉખેળી. સુલેખા ને એ લોકો પેલા આંટીનાં પાડોશી હતા. એમાં જ તો નમ્રતાની ઓળખાણ ને પછી મિત્રતા બંધાઈ ગયા હતા. પછી એ લોકોએ બાજુની સોસાયટીમાં મકાન લીધું અને ત્યાં રહેવા જતા રહ્યા. પણ, આંટીને ત્યાં એમનો આવરો-જાવરો તો અકબંધ જ રહેલો.

સુલેખા ઘરે આવી ગઈ છે ને છૂટાછેડા સુધી વાત પહોંચી છે, એ બધી વાતોમાં એક-બે વાત નમ્રતા માટે નવી હતી. આંટીનું માનવું હતું કે સુલેખાએ કોઈ નિર્ણયમાં આવી ઉતાવળ ન કરવી જોઈએ. ઘર-સંસાર હોય તો થોડું ઉપર-નીચે થતું જ હોય; થોડું જતુંય કરવું પડે. બધાનાં મન સરખા થોડાં હોય. બીજું એ કે સુલેખાની અમુક બાબતોમાં બાંધછોડ નહીં કરવાની જીદ્દ એને નુકશાન પહોંચાડતી હશે.

આંટીએ નમ્રતાને કહ્યુ પણ ખરું, " બેટા, તું એને સમજાવજે. આમતો, એનાં મમ્મીને મેં કહ્યું કે દીકરીને થોડું સમજાવો. નાનીનાની વાતોને મોટું રૂપ આપીને જિંદગી ખરાબ કરવાની શી જરૂર..? મારી તને પણ સલાહ છે કે સુખ-દુઃખ તો ક્યાં નથી હોતા. તું પણ ઉતાવળે ક્યારેય નિર્ણય ના લેતી. સમય આવે બધું સારું થઈ જતું હોય છે. મને પણ એક સમય અલગ રહેવાના અરમાનો હતાં જેવું અત્યારે સુલેખાને થાય છે. પણ, અમે આખું કુટુંબ સુખે દુખે સાથે જ રહ્યા. ને બધું બરાબર ચાલે છે - વર્ષોથી..."

નમ્રતાએ બધી વાતોને ધ્યાનથી સાંભળી. સુલેખા સાથે વાત કરી જોશે એવું પણ કહ્યું. આમ, નમ્રતા, મમ્મી અને આંટી ની ચર્ચાઓમાં બે કલાક નીકળી ગયા. નમ્રતાએ આગ્રહ કર્યો એટલે બપોરે જમીને જવાનું નક્કી થયું. નમ્રતાએ બેઉ બહેનપણીઓને વાતો કરવા એકલા છોડ્યા અને એણે રસોડામાં જઈ ઘડીનાં છઠ્ઠા ભાગમાં રસોઈ પણ બનાવી દીધી.

જમતાં જમતાં આંટીએ કહયુંય ખરું, "તારા હાથમાં તો જાદુ છે, અને ઝડપ પણ સારી. તારા સાસુ-સસરા ને ખાવા-પીવાની તો ચિંતા નહીં જ રહે.!"

"શું આંટી..? મમ્મીને જોઈને તો શીખી છું આ બધું. અને તમારા ઘરે ક્યારેક આવતી તો તમેય શીખવતા જ ને મને..?" નમ્રતાને આવી વાતમાં કાંઈ ખાસ ન હોય તેમ સ્વાભાવિક રીતે કામનો શ્રેય બેઉં ઉપર ઠાલવી દીધો.

જમવાનું પત્યું પછી વધારે રોકાવું શક્ય નહોતું એટલે દીકરીને આશીર્વાદ આપીને એમણે વિદાય લીધી.
* * * * * *

આંટીનું જીવન, તેમનો સંઘર્ષ, ઉત્સાહ અને જીવનને જોવાની દ્રષ્ટિ, ને સાથોસાથ સુલેખાની વાતો ને લઈને નમ્રતાના મનમાં ઘણા સરવાળા-બાદબાકી ચાલતા રહ્યા. સુહાસ સાથેનું જીવન કેવી રીતે ચલાવવું, શું તકેદારી રાખવી, સાસુ-સસરાના સ્વાભાવને અનુકૂળ થવું કે પછી સુલેખાની 'અલગતાવાદ'ની નીતિ સારી...! વિવિધ ભાતનાં વિચારો મનમાં ચાલ્યા તો ખરા, પણ એની સામે સંસ્કારોથી ભરેલું મન 'આખા કુટુંબને સાથે રાખીને જીવવું જોઈએ', એવા વિચાર તરફ ઢળતું રહ્યું.

"સુહાસને એનાં માં-બાપ માટે એટલો જ લગાવ હોય જેટલો મને મારા માં-બાપ માટે છે. ઘરમાં દરેક વ્યક્તિનાં મન-મત-અભિપ્રાયો જુદાં જ રહેવાનાં. એમાં, હું તો સાવ અલગ મહોલમાંથી એમનાં માહોલમાં જઈશ. તકલીફ તો દરેકને પડતી જ હશે. .. હા, આ બધા તફાવતોમાં મારે જ મારી જાતને ગોઠવવી પડશે... હા, પરિસ્થિતિને અનુકૂળ થવા વધારે ઝહેમત સ્ત્રીએ જ ઉઠાવવી પડતી હોય છે. લગ્નની વ્યવસ્થા એટલે કન્યા પરણીને સાસરે જાય, જેમ નદી વહેતી વહેતી સાગરમાં જઈને ભળી જાય અને પુરેપરા સાગરનું થઈ જવાનું, બસ કાંઈક તેવું જ, આપણે ભળી જવાનું...! ને પાછું, ખારુંય થવાનું...! પોતાનાં મીઠા પાણીની બધી મીઠાસ છોડી સંપૂર્ણ સાગરમય થઈ જાય એ નદી; અને
પોતાનું સર્વસ્વ છોડી, સાસરીમાં ઓળઘોળ થઈ ક્યાંક વિલીન થઈ જાય એ સ્ત્રી...! " આમ નમ્રતાનાં મસ્તીસ્કમાં એક પછી એક સંભાવનાઓ અને સમાધાન ઉદભવતા રહ્યા.

"એ તો બધું ઠીક છે.. પણ, મારે અત્યારથી જ સુહાસને, તેનાં કુટુંબને, તે લોકોની રિતભાતને સમજવા પ્રયત્ન કરવો જોઈએ.." આવા વિચારથી એણે મનમાં એક વિચારને થોડો મજબૂત પણ કર્યો, "સુહાસની સાથે વાતચીતમાં હું ભાવનાઓમાં વહી ન જાવ એનું ધ્યાન રાખવું પડશે - તેની સાથે ફોન પર કે રૂબરૂ... "

....ક્રમશ: