Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૦

શાર્ક ટેન્કમાં રજૂઆત કર્યાના ત્રણ દિવસ પછી

કાજલ, નિશા અને વૃંદાની યોજના શાર્ક ટેન્કમાં સ્વીકારાઇ નહોતી. ત્રણેવ ઉદાસ હતી. ફરી રોજીંદા કાર્યોમાં વ્યસ્ત બની હતી. ત્રણેવના ઘરે તેઓની યોજના મજાક બની ચૂકેલી. શાર્કના પ્રતિભાવ કરતા નીકટના આત્મજનીઓના મેણાં-ટોળાં વધુ ધારદાર બનવા લાગ્યા હતા. ઘરના કાર્યોમાં અને બાળકો સાથે સમય તો પસાર થતો હતો. પરંતુ ત્રણ દિવસ પહેલાં મળેલી નામંજૂરી મનમાં ઘર કરી ગયેલી. વૃંદાને વારેઘડિયે શાર્કે આપેલા પ્રતિભાવ યાદ આવતા હતા. તેના મતે વૃંદાની યોજના અર્થવિહીન હતી. કોઇ ફાયદો થાય તેમ ન હતો. તેણે એવું પણ જણાવેલું, ‘ગરબા દસ રાત્રિઓનો ખેલ છે. પ્રજા તે દસ દિવસ પૂરતા જ ગરબાનો આનંદ ઉઠાવતા હોય છે. રોજબરોજ સવાર સવારમાં જો ગરબા રમવાના થાય, તો વેઢે ગણાય તેટલા માણસો પણ માંડ ગરબા રમાડતી સંસ્થાના સભ્ય બનવા તૈયાર થાય. વળી, ઍરોબિક્સના ભૂતને દૂર કરી લોકોનું ધ્યાન ગરબા તરફ ખેંચવું મુશ્કેલ બની જાય તેમ છે. માટે જ કોઇ શાર્ક આપની રજૂઆતમાં રોકાણ કરવા માંગતું નથી.’, વૃંદાના વિચારોમાં શાર્કે સંભળાવેલી વાત પથ્થર પર ખેંચેલી રેખાની માફક સજ્જડ બનતી જઇ રહી હતી. તેના વિચારોમાં ફોનના રણકારે વિક્ષેપ ઊભો કર્યો. ફોન ઉપાડતાંની સાથે જ સામેથી એક સ્ત્રીનો અવાજ સંભળાયો, ‘હેલો...!વૃંદા....આપની શાર્ક ટેન્કમાં કરેલી રજૂઆત, અમારા મેડમને બહુ જ પસંદ પડી છે...તમારી સાથે મુલાકાત કરવા માંગે છે. જો આપ તૈયાર હોવ તો હું જગા અને સમય મેડમ પાસે નક્કી કરવા માટે રજૂઆત મૂકું.’ વૃંદાને કંઇ સમજાતું નહોતું. આખરે તેણે હા પાડી. સામેના છેડેથી ફોન કપાઇ ગયો.

રસોડામાં ભીંડાનું શાક વઘારતી નિશાના હાથમાં રહેલો તાવેતો શાકના જંગલમાં જેસીબીની માફક ફરવાની જગાએ અટકી ગયેલો. બધો મસાલો ઉમેર્યા બાદ મિશ્ર કરવા માટે જરૂરી હતું શાકને પાત્રમાં તાવેતાની મદદથી ફેરવવું. પરંતુ શાર્કના શબ્દોના ગુંજને નિશાને સ્થિર કરી નાંખી હતી. તેની આંખો બારીની બહાર કંઇક શોધી રહેલી, શાર્કના શબ્દો તેની આસપાસ જ ઘુમવા લાગેલા, ‘તમારી રજૂઆત મહ્દઅંશે સફળ થાય તેમ છે. આપનો વિચાર પણ કાબીલેદાદ છે, પરંતુ ખાદ્ય પદાર્થ બનાવી વહેંચવા માટે આપે ફૂડ યોગ્ય છે, તે બાબતનું સર્ટીફિકેટ મેળવવું પડે છે. આપના બનાવેલા ફૂડથી શરીરને કોઇ પણ પ્રકારનું નુકસાન થવું જોઇએ નહીં. વધુમાં, આપના બનાવેલા ખાદ્યની વાતાવરણ સામે ટકવાની ક્ષમતા કેટલી? તે અત્યંત મહત્વનું છે. જો આપે આ બધો વિચાર કર્યો હોય તો વેરી ગુડ... અથરવાઇઝ યુ વીલ પુટ યોરસેલ્ફ ઇન ટ્રબલ... તંદુરસ્તી અર્થે ખાદ્ય પદાર્થના બજારમાં અસંખ્ય વિક્રેતાઓ છે, તો આપની રજૂઆતમાં તેવું તું શું નવું છે? મને સમજાયું નહીં. આઇ ડોન્ટ થીંક ધેટ યોર પ્રપોઝલ ઇઝ રેડી ટુ એક્સેપ્ટ…’, શાર્ક દ્વારા બોલાયેલા વાક્યો, નિશાના કાનને ગરમ કરી નાંખતા હતા. શાર્કના મત મુજબ નિશા કોલેજ સ્તરે જીતી હતી, તે જ કળા તેને વ્યાપારીક ર્દષ્ટિએ સફળતા અપાવી શકે તેમ નહોતી. તે જ વિચારોમાં નિશા ખોવાયેલી રહેતી હતી. તેના વિચારોની ગતિને ફોનના રણકારે અવરોધી. ફોન ઉપાડતાંની સાથે જ સામેથી એક સ્ત્રીનો અવાજ સંભળાયો, ‘હેલો...!નિશા....શાર્ક ટેન્કમાં કરેલી આપની રજૂઆત, અમારા મેડમને બહુ જ પસંદ પડી છે...તમારી સાથે મુલાકાત કરવા માંગે છે. જો આપ તૈયાર હોવ તો હું જગા અને સમય મેડમ પાસે નક્કી કરવા માટે રજૂઆત મૂકું.’ નિશાએ જરાક પર સમય બગાડ્યા વિના હા પાડી. સામેના છેડેથી ફોન કપાઇ ગયો.

મકાનના ચોગાનમાં સાવરણી ફેરવતી કાજલની આંખો પણ વિચારોમાં ગરકાવ હતી. કચરો ન હોવા છતાં પણ તે સાવરણી ફેરવે રાખતી હતી. તેની રજૂઆત પર શાર્કનો પ્રતિભાવ અને સલાહ તેના મગજમાં ચીપકી ગયા હતા. શાર્કે કહેલું, ‘અમે બધા આપની યોજનાથી ખૂબ પ્રભાવિત છીએ, પરંતુ યોગના આસનો કોઇ પણ જાતની તકલીફ વિના કરવા માટેની આકૃતિઓ તૈયાર કરી, એવું ભવન રચવું કે સારો એવો પ્રતિભાવ મળે, પૈસા મળે, પ્રશંસા મળે... મને અશક્ય લાગે છે. હા...! થોડા દિવસો કંઇક નવું છે, એમ માનીને - માનીલો સભ્યો મળી પણ ગયા... કદાચ તેમાંથી આશરે વીસેક ટકા જેવા ટકી પણ ગયા... પરંતુ નફો મેળવી શકાય ત્યાં સુધી આ યોજના પહોંચી શકે તેમ મને નથી લાગતું. યોગ તો અત્યારે લોકો ઓનલાઇન માધ્યમમાં જોઇને પણ કરવા લાગ્યા છે, દરરોજ વહેલી સવારે પણ ચોક્કસ ચેનલો પર યોગનું જ પ્રસારણ થતું હોય છે. તો આપના યોગ માટે તૈયાર કરેલ સ્થળ પર કેમ આવે? તેનો જવાબ આપવો તમારા માટે અઘરો છે, અને વળી, કેટલા બધા હરીફો છે. સ્પર્ધકો છે, યોગગુરૂઓ છે. તેમાં એક નવી ઓળખ પેદા કરવી... આઇ થીંક... નોટ પોસીબલ... સો... થેન્ક યુ...!’, શાર્કે આડકતરી રીતે કાજલની રજૂઆત માટે નનૈયો ભણી દીધો હતો. આ જ વિચારોની માયાજાળમાંથી ફોનના રણકારે કાજલને બહાર ખેંચી. ફોન ઉપાડતાંની સાથે જ સામેથી એક સ્ત્રીનો અવાજ સંભળાયો, ‘હેલો...!કાજલ....આપની શાર્ક ટેન્કમાં કરેલી રજૂઆત, અમારા મેડમને બહુ જ પસંદ પડી છે...તમારી સાથે મુલાકાત કરવા માંગે છે. જો આપ તૈયાર હોવ તો હું જગા અને સમય મેડમ પાસે નક્કી કરવા માટે રજૂઆત મૂકું.’ કાજલે હા પાડી. સામેના છેડેથી ફોન કપાઇ ગયો.

ત્રણેવને ફોન પર સાંભળેલ અવાજે એક નવી આશા દેખાડી, સપનાને પૂરી કરવા માટે એક નવી તક દેખાડી. ત્રણેવ ફોનને હાથમાં રમાડી રહી હતી. વિચારોથી ઘેરાયેલી હતી. કોણ હશે મેડમ? કોને ત્રણેવની રજૂઆતમાં સાત શાર્કને ન દેખાયું, તે દેખાયું? કોણ ત્રણેવની સાથે મુલાકાત કરવા માંગતું હતું? મેડમને ત્રણેવની રજૂઆત પસંદ પડી, તે જણાવનાર સ્ત્રી કોણ હતી? ક્યારે મળવાનું થશે? મળતાંની સાથે શું વાતચીત થશે? શું રજૂ કરીશું?...બસ પ્રશ્નોની વણઝાર ચાલી. આ જ વણઝારમાં ઉડતા તણખલા માફક ત્રણેવના મોબાઇલ પર એક મેસેજ આવ્યો. જે ફોન પર થોડી ક્ષણો પહેલાં જ વાત થઇ હતી, તે નંબરથી મોકલવામાં આવ્યો હતો. ત્રણેવ સમજી ગઇ કે મુલાકાત માટેની જગા જણાવતો મેસેજ આવી ગયેલો. ઉદાસ બનેલા ચહેરા પર ફરી એક વાર આત્મવિશ્વાસમાં વધારો થતો દેખાવા લાગ્યો. ત્રણેવએ ફોન નજર સમક્ષ લાવ્યો, અને આંગળીના ટેરવાથી સ્પર્શ આપી મેસેજ ખોલ્યો. મેસેજમાં ખરેખર... મળવાની તારીખ, સમય અને સ્થળ જણાવેલ હતું. ત્રણેવે આંખો બંધ કરી અને બંધ આંખોના કાળા પડદા પર શ્વેત અક્ષરોમાં મળવાની જગાનું નામ આવ્યું. તે હતું “નોવોટેલ હોટલ".

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏