Triveni - 18 books and stories free download online pdf in Gujarati

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૮

શાર્ક ટેન્કમાં નિશાની રજૂઆત

શાર્ક ટેન્કના મંચ પર ઉપસ્થિત થવા માટે નિશા તૈયાર હતી. મંચ સુધી જતા માર્ગનો દરવાજો બંધ હતો. ઘેરા કથ્થાઇ રંગના દરવાજાની બીજી તરફ નિશા દ્વાર ખુલવાની પ્રતીક્ષામાં હતી. મંચ પરથી તેના નામની ઘોષણા થઇ, દરવાજો ખૂલ્યો. મંચ તરફ ડગલા ભરતી નિશાની ચાલમાં આત્મવિશ્વાસ પ્રતીત થઇ રહેલો. તે બરોબર સાત શાર્કની સામે આવી. સાતેવ શાર્ક તરફ નિશાએ નજર ફેરવી. સાતેવની આંખો નિશા પર કેન્દ્રિત હતી. ના સંપૂર્ણ ગોળ ના તો સંપૂર્ણ લંબગોળ, એટલે કે થોડાક અંશે લંબગોળ ચમકતા ચહેરા સાથે નિશા તેના નામની માફક જ શ્યામ નેત્રોની માલકણ હતી. આંખો તરફ સહેજ ઉપસેલા ગાલ, હંમેશા હસતી રહેતી હોવાને કારણે વધુ ઉપસતા હતા. નિશાએ શ્યામ રંગનું પેન્ટ અને સફેદ દુધ જેવો શર્ટ, અને તે શર્ટ પર શ્યામ રંગનો કોટ ધારણ કરેલ હતો. તેની આંખો પૂર્ણ રીતે ગોળ કાચ ધરાવતા ચશ્મા વડે રક્ષાયેલી હતી. બન્ને આંખો પર આવરિત કાચની જોડીને નાક પરથી પસાર થતી પાતળી કાળા રંગની દાંડી જોડતી હતી. જેને વારેઘડિયે નિશા આંગળીના ટેરવાની મદદથી કપાળ તરફ સરકાવતી રહેતી. સહેજ ડાબી તરફ પાંથી પાડી ઓળેલા વાળને ખભા પર વિરામ મળતો હતો. નિશાનો પહેરવેશ તેને તદ્દન કાયદાકીય, નાણાકીય કોઇ પેઢી સાથે સંકળાયેલ વ્યક્તિ જેવો દેખાવ બક્ષતો હતો. તે સાતેવ શાર્કની સામે રજૂઆત માટે હાજર હતી.

‘ટેલ મી સમથીંગ અબાઉટ યુ...’, નિશાની બરોબર સામે સાતેવ શાર્કના કેન્દ્રસ્થાને બિરાજેલ શાર્કે શરૂઆત કરી. નિશા પોતાના વિષેની માહિતી ટૂંકમાં પતાવી.

નિશાની જમણી તરફ બિરાજેલ શાર્કે પેનને આંગળીઓમાં રમાડી, ‘તમારા પહેરવેશ પરથી જો હું અંદાજ લગાવું તો હાલમાં આપ નાણાકીયક્ષેત્રમાં કાર્યરત હશો, કેમ?’

‘ના... સર...! હું કોલેજમાં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવું છું.’, નિશાએ ફરીથી ટૂંકમાં પતાવ્યું. કોલેજમાં ફરજ બજાવતી હોવાને કારણે મંચ પર વ્યાખ્યાન આપવું કે કોઇ વાત સમજાવવી નિશા માટે અઘરી બાબત હતી જ નહીં.

‘સારૂં, પહેલાં આપણે તમારી યોજના સાંભળીએ’, નિશાની સામે ડાબી તરફ ખૂણામાં છેલ્લા સ્થાને બિરાજેલ શાર્કનો અવાજ આવ્યો.

નિશાએ થોડીક ક્ષણો માટે આંખો બંધ કરી. બંધ આંખોના પડદા પર નિશાને વિસાવદરની શાળા દેખાઇ. શિક્ષિકાનો સ્મિત કરતો ચહેરો દેખાયો, અને તેનો પ્રશ્ન, ‘સરસ... હવે મને એમ કહે કે તને શું ગમે?’, અનુભવ્યો, તેના માથા પર શિક્ષિકાનો હાથ અને સંભળાયા બોલાયેલા શબ્દો, ‘મને પણ...’. રાજકોટ આત્મિય એન્જીયરીંગ કોલેજમાં વિજેતા બનેલ ર્દશ્ય દેખાયું, અને યાદ આવ્યો કિશોરને આપેલ જવાબ પણ, ‘મારી મનગમતી પ્રવૃત્તિની’. કોલેજમાં જીતેલી સ્પર્ધા પણ યાદ આવી. નિશા બોલી ઉઠી ‘ફૂડ...’, આંખો ધીમેથી ખોલી, અને ફક્ત, ‘મારી યોજના ફૂડને લગતી છે.’, શબ્દો મુખમાંથી સરી પડ્યા.

બરોબર મધ્યમાં બિરાજેલ શાર્કની પાસે જમણી તરફ બેઠેલ શાર્કે આંખો ઝીણી કરી, ‘ફૂડ...એટલે તમે એક ફૂડ આઇટમ બનાવી વેચવાની વાત કરવાના છો, અહીં ઘણા બધા આ વિષયને લગતી યોજનાઓ રજૂ કરી ચૂક્યા છે. ચાલો સાંભળીએ કે તમારી વાતમાં નવું શું છે...’

નિશાએ રજૂઆત સાતેવ શાર્ક સમક્ષ મૂકી, ‘મારી યોજના કોઇ ખાદ્ય પદાર્થ બનાવી વેચવાની નથી. મારી યોજના છે, ખોરાકની પદ્ધતિ બદલી તંદુરસ્ત બનવાની.’, નિશાએ ચશ્માની દાંડીને ડાબા હાથની પહેલી આંગળીથી સહેજ કપાળ તરફ ધકેલી, અને વાત આગળ વધારી, ‘હાલની પરિસ્થિતિ જોઇએ, તો પ્રત્યેક વ્યક્તિ તંદુરસ્તીની વાત કરે છે. તનની સુંદરતાની સાથે સાથે મજબૂતાઇની વાત કરે છે. આકર્ષક તન કોને મેળવવું ન ગમે? અને માટે જ પ્રજા ડાઇટીંગ તરફ વળી છે. પરેજી પાળવા લાગી છે. પાતળા થવાની હોડ, સુંદર બનવાની હોડ, મજબૂત બાંધો મેળવવાની હોડ, અને ખોરાકના ભોગે હોડમાં જીતવા માટે, ખાવાનું ખાતા નથી. ડાઇટેશિયને સૂચવેલ ખોરાક લેવામાં આંતરીક શક્તિઓ ગુમાવી રહ્યા છે. વિવિધ મતો બજારમાં ફેલાઇ રહ્યા છે. કોઇ કહે છે કે સવારે ભરપેટ જમો, કોઇ કહે છે કે રાતે ભરપેટ જમો, કોઇ કહે છે કે ચોક્કસ ખોરાક જ ગ્રહણ કરો...તે પણ ચોક્કસ સમયે જ... જેથી ભૂખ પૂરી સંતોષાતી નથી, જેની અસર મન પર અને ત્યાર બાદ તન પર જોવા મળે છે. મારી યોજના મુજબ ખોરાક તો ભરપેટ જ લેવો જોઇએ, અને તે પણ બન્ને સમયનો... બપોરે અને રાત્રે...’, નિશાની રજૂઆતે સાતેવ શાર્કને અચંબિત કર્યા, પરંતુ નિશાએ શાર્ક કંઇ પણ પૂછે તે પહેલા તેની રજૂઆત ચાલુ જ રાખી, ‘મને ખબર છે કે તમને પણ એમ થશે કે ડાઇટીંગ અને યોગ્ય વ્યાયામ વિના કેવી રીતે તનને ફીટ બનાવાય? શરીરને શ્રમ આપવો જ જોઇએ, અને તે શ્રમને પહોંચી વળવા માટે યોગ્ય આહાર જરૂરી છે. હું એવું સ્થળ તૈયાર કરવા માંગું છું, જ્યાં આવનાર દરેક સભ્ય પ્રતિદિન મારા દ્વારા તૈયાર કરવામાં આવેલ ચોક્કસ પ્રકારનું સાત્વિક ભોજન ગ્રહણ કરે, અને તેની રોજીંદી ગતિવિધિઓ ચાલુ રાખે. મારા સ્થળ પર મળતો ખોરાક કોઇ પણ પ્રકારની વધુ માત્રા ધરાવતો નહી હોય, એટલે કે સંતુલિત હશે, તે મારી બાંહેધરી છે.’ નિશા અટકી.

બરોબર મધ્યમાં બિરાજેલ શાર્કે નિશા સામે થોડી વાર જોયું, ‘તો તમે એમ કહેવા માંગો છો કે બધું જ ખાઓ અને ફીટ પણ રહો, એમ જ ને?’

‘હા...! જુઓ સર... હું પોતે ખાવાની શોખીન છું, અને વિવિધ પ્રકારના વ્યંજનો બનાવવાની પણ શોખીન છું. મારૂ માનવું છે કે કુદરતે દરેક પ્રકારની ખાવાની ચીજવસ્તુઓ એટલે જ બનાવી છે કે તેના દ્વારા નિર્માણ પામેલ સજીવો તેનો આનંદ ઉઠાવી શકે. પરંતુ આપણે તેનો લુપ્ત ઉઠાવતા જ નથી, ઉપરથી ઘણું બધું ત્યજી દઇએ છીએ. માટે જ હું આ નવા વિચાર સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઇ છું, મારો તો મંત્ર જ છે... “બનાવો...આરોગો...મસ્ત રહો”, હું નથી કહેતી કે બહારનું ભોજન લો, ઘરે જ બનાવો અને ઘરના સભ્યો સાથે તેનો આનંદ માળો.’, નિશાએ તેની રજૂઆત પૂર્ણ થઇ, તેવું કિનાયથી દર્શાવ્યું.

શાર્કે રજૂઆતને તાળીઓથી વધાવી લીધી. હવે વારો હતો આર્થિક રોકાણ બાબતે ચર્ચા કરવાનો. યોજના કેટલા અંશે સફળ થશે તે બાબતે વિચારવાનો. માટે જ શાર્કે નિશાને થોડો સમય પ્રતીક્ષા કરવાનું જણાવ્યું. નિશાએ મંચ છોડી પ્રતીક્ષાકક્ષ તરફ પગ માંડ્યા.

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED