Triveni - 16 books and stories free download online pdf in Gujarati

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૬

શાર્ક ટેન્કમાં રજૂઆત

ચમકાવેલા લાકડાઓથી બનેલા સેટ પર મજબૂત પારદર્શક ભોંયતળિયા પર ગોઠવેલ પાંચ કાળા ડિબાંગ વાદળો જેવી ખુરશીઓ ગોઠવેલી હતી. જેના પર શાર્ક બિરાજતા હતા. પાંચેય ખુરશીઓ સામે રજૂઆત કરનાર વ્યક્તિ રહેતી. પ્રત્યેક શાર્કને પોર્ટફોલીઓ આપવામાં આવતો. તેમાં તેઓ નોંધ કરતા કે રજૂઆત પર રોકાણ કરી શકાય તેમ હતું કે કેમ? ત્યાર પછી સ્પર્ધક સાથે ચર્ચા થતી, અને અંતે રોકાણ બાબતે શાર્ક વચ્ચે પણ ઘર્ષણ થતું. કોઇ સ્પર્ધકની રજૂઆત ત્રણેક શાર્કને પસંદ આવે તો સ્પર્ધકની યોજનામાં રોકાણ બાબતે રસાકસી પણ જોવા મળતી. આ બધું ભારતમાં ચાલનાર શાર્ક ટેન્ક કાર્યક્રમમાં પણ જોવા મળવાનું હતું.

ઓનલાઇન શોધખોળ દ્વારા ઘણી ખરી માહિતી એકઠી કરીને વૃંદાએ મનોમન નક્કી તો કરી જ લીધું કે શાર્ક ટેન્કમાં ભાગ લેવો જ, તેમજ મનગમતી પ્રવૃત્તિને કામકાજનો વિષય બનાવવો, અને તે વિષયને કેવી રીતે શાર્કના મગજમાં ઉતારવો, તે મુખ્ય ચિંતાનો વિષય હતો. વિચારોમાં, વિચારોને ક્રમબદ્ધ ગોઠવવામાં, સાત શાર્ક સામે વિચાર પ્રસ્તુત કરવા અર્થે વાક્યોની રચના કરવામાં, એ રચનાને મનમાં બેસાડવા માટે શબ્દોની માયાજાળ બનાવવામાં વૃંદાનો સમય પસાર થવા લાગ્યો. તેણે ઓનલાઇન ભાગ લેવા માટેનું ફોર્મ તો ભરી જ દીધેલું, પણ તેની જાણ ઘરમાં કોઇને કરી નહોતી. આથી, જ ઘર સભયોને તેના આ પગલાંમાં સાથ આપવા માટે પણ તૈયાર કરવાના હતા. આવી જ કંઇક પરિસ્થિતિ નિશાની પણ હતી. તેણે અમદાવાદમાં આવ્યા પછી તકનીકી શૈક્ષણિક ક્ષેત્રે વ્યાખ્યાતા તરીકે કામ તો કર્યું, પરંતુ મનમાં કંઇક તેને મનગમતું ન કરી શકવાનો વસવસો તો હતો જ. આથી જ તેણે પણ શાર્ક ટેન્ક માટે અરજી કરી તો દીધેલી જ. સુરક્ષિત નોકરીના ભોગે પોતાના વિચારને પાંખો આપી, ઉદ્યોગસાહસિક બનવાની ઇચ્છાને કુંટુંબના સભ્યોની કેટલા અંશે મહોર વાગી શકશે કે કેમ, તે નિશા માટે મુંઝવણ બની ચૂકેલી પરિસ્થિતિ હતી. સમાંતર અવસ્થામાં કાજલના વિચારો પણ અટક્યા હતા. ઘણાં બધા નાના નાના સમયગાળાના કોર્સ કરવાને કારણે તે નાણાકીય ઉપાર્જન કરતી હતી. તે ઉપાર્જન મનને શાંતિ નહોતું બક્ષતું. કોઇ ઉદ્યોગમાં જોડાઇ ઉપાર્જન વધારવા બાબતે કાજલ હંમેશા વિચારતી રહેતી. શાર્ક ટેન્કમાં ભાગ લઇ તે વિચારોને વાસ્તવિકતામાં ફેરવવાની તક કાજલને દેખાતી હતી. માટે જ તેણે પણ ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો વિચાર અમલમાં મૂકી દીધેલો. પહેલા પડાવમાં સ્પર્ધકે તેમના દ્વારા રચવામાં આવેલી યોજના, ઉત્પાદન, શૃંખલા આધારિત કાર્ય, વગેરે બાબતે કાર્યક્રમને ઓનલાઇન ફોર્મ ભરી જાણ કરવાની રહેતી હતી.

કાર્યક્રમના આયોજકો દ્વારા તકનીકી, વ્યવસાયીક, આર્થિક ઉપાર્જન, જેવા ઉદ્યોગને લગતા વિવિધ વિષયોના નિષણાંત નિમવામાં આવતા હતા. જેઓ પ્રથમ પડાવમાં આવેલ ઓનલાઇન અરજીમાંથી કાર્યક્રમની ગોઠવણને અનુરૂપ અરજીઓ પસંદ કરતા અને તેઓની સાથે વિડિઓ કોલ દ્વારા ચર્ચા કરતા, અને આખરે તેમાંથી પસંદગી પામેલા સ્પર્ધકોને શાર્કની સામે રજૂઆત કરવાની તક મળતી હતી. જેના માટે પ્રત્યેક સ્પર્ધકને પહેલાથી જાણ કરવામાં આવતી હતી. આમ જ, વૃંદા, નિશા અને કાજલ, ત્રણેવના વિચારોએ પ્રથમ પડાવ તો પાસ કરી નાંખ્યો હતો. હવે, વારો હતો વિડિઓ કોલનો, જે અર્થે તેઓના મોબાઇલ પર મેસેજ દ્વારા જાણ થઇ ચૂકી હતી. ત્રણેવ પાસે નહિવત કહી શકાય તેટલો જ સમય હતો, આત્મવિશ્વાસથી ભરેલ રજૂઆત તૈયાર કરવા માટે.

વિડિઓ કોલ દરમ્યાન ફક્ત રજૂઆત મહત્વની નહોતી, તેની સાથે સાથે રજૂઆત કરવાની પદ્ધતિ, આત્મવિશ્વાસ, રજૂઆત પર સ્પર્ધકનું પોતાનું નિયત્રંણ, તેના દ્વારા ભવિષ્યમાં થનાર ફાયદાઓની ગણતરી – સામાજીક અને આર્થિક બન્ને, તેમજ નિષણાંતો દ્વારા નક્કી કરેલા અન્ય પરીબળોમાંથી પણ પસાર થવાનું રહેતું. કોઇ પણ શાર્ક કોઇ મજબૂત રજૂઆતને જ રોકાણ માટે પસંદ કરે તે સ્વાભાવિક હતું, અને માટે જ પૂર્વ ચકાસણી જરૂરી હતી. ત્રણેવ ઓનલાઇન રજૂઆત માટે તૈયાર હતી. રજૂઆત પણ સફળતાપૂર્વક પાર પાડી, અને શાર્કની સામે રજૂઆત માટે પસંદ પણ થઇ ગયા. ખરાખરીનો ખેલ તો હવે થવાનો હતો. શાર્કની સામે પ્રસ્તાવના તૈયાર કરવી, અને તેમના મનમાં તેને વિના વિઘ્ને ઉતારવી, ત્રણેવ માટે એક કસોટી હતી. સામાન્ય રીતે, ઘરમાં, સંબંધીઓમાં કે કોઇ સામાજીક પ્રસંગોમાં ચાર ઓળખીતાઓ સામે સલાહ આપવી, સમજણ આપવી કે કોઇ યોજના રજૂ કરવી અત્યંત સહેલું છે. પણ જે તે વિષયોના જાણકાર, માણનાર, તજજ્ઞો સામે સલાહ, સમજણ, કે યોજના દર્શાવવું, અઘરૂ બની જાય છે. તેમ જ ત્રણેવ માટે પણ સાત શાર્કની સામે શબ્દોના નિયત્રંણ સાથે યોજના મૂકવી, તેને કેવી રીતે પાર પાડવી, અને ભવિષ્યમાં તેને મળવાની સફળતા બાબતે જણાવવું, અઘરૂ હતું. ત્રણેવને શાર્ક સમક્ષ રજૂઆતનો સમય અને તારીખ મળી ચૂકેલા. ત્રણેવની રજૂઆતનો દિવસ એક જ હતો.

રજૂઆતના દિવસે, ત્રણેવ એકબીજા માટે તો અજાણ જ હતા. પરંતુ પ્રતીક્ષાકક્ષમાં પોતાના ક્રમની રાહ જોનાર સ્પર્ધકો વચ્ચે ત્રણેવ જણાં પર બિરાજમાન હતા. દરેકના ચહેરા પર ચિંતા સ્પષ્ટ પણે દેખાઇ રહી હતી, સાથે સાથે આંશિક ગભરાહટ પણ ડોકીયું કરી જતી. વારેઘડિયે ચિંતામાં માથામાં હાથ ફેરવતી, દાંત વડે નખ પર જોર બતાવતી, આંખો બંદ કરી વિચારોમાં ગોતા મારતી, સોફા પર હાથ અકળામણમાં પછાડતી, પાણીના ઘૂંટડાઓ ભરતી, ચહેરા પર હાથ ફેરવતી, પગ ધ્રુજાવતી, પોષાકને સરખા કરતી વ્યક્તિઓ પ્રતીક્ષાકક્ષમાં બિરાજેલી. તેવું જ કંઇક વૃંદા, નિશા અને કાજલના ચહેરા પર પણ પ્રતીત થતું હતું. પરંતુ મનોમન તેઓ મક્કમ હતા. વિશ્વાસથી ખચોખચ ભરેલા હતા. તૈયાર હતા, એક વખત પોતાની જાતને તક આપવા માટે, એક વખત પોતાની જાતને ઓળખ આપવા માટે, એક વખત પોતાની જાતને વિશ્વ સમક્ષ મૂકવા માટે, એક વખત પોતાની જાતને પરીક્ષાની આગમાં હોમવા માટે, એક વખત... એક વખત...

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED