ઓફિસર શેલ્ડન - 8 Ishan shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓફિસર શેલ્ડન - 8

( ડાર્વિનની હત્યા થઈ હતી અને આગ માત્ર ગુનાને ઢાંકવા લગાવવામાં આવી હતી એ દિશામાં હવે ઑફિસર શેલ્ડન અને તેમની ટીમ તપાસ આગળ વધારે છે ) વધુ હવે આગળ..


શેલ્ડન અને માર્ટીન પોલીસ મથકમાં બેઠા છે. બંને કેસ બાબતે ચર્ચા વિચારણા અને અત્યાર સુધી જે તથ્યો હાથ લાગ્યા છે એનો ગહન અભ્યાસ કરી રહ્યા છે.


માર્ટીન : સર ડાર્વિનના ગેરેજની મેં તપાસ કરી હતી. પોલ કહેતો હતો એમ ત્યાં નાની મોટી મરમ્મત થઈ શકે એવો સામાન તો હાજર છે.અને હા પેલુ ઓઈલ જે લાશના કપડા ઉપરથી ડોક્ટરને મળ્યુ હતુ એવુ ઓઈલ પણ ત્યાં પડેલુ હતુ. શક્ય છે કે ત્યાંથી કોઈએ એ ઓઈલને ઉઠાવી એનો જ ઉપયોગ આગ લગાવવા માટે કર્યો હોય અને પછી એ આગ આકસ્મિક લાગે એટલે આ વાયર સાથે છેડછાડ કરી હોય અને એના લીધે ત્યાં શોર્ટ સર્કિટ થઈ હોય.


શેલ્ડન: એક કામ કર માર્ટીન. ડાર્વિનના ઘરની આસપાસ જેટલી કાર એસેસરિસ અને તેના ઓઈલ વગેરે વેચાણ કરતી દુકાન હોય ત્યાં તપાસ કર. કોઈ આ પ્રકારનુ ઓઈલ લેવા માટે છેલ્લા કેટલાક દિવસમા આવ્યુ હોય તો !! આસપાસના મિકેનિકમાં પણ તપાસ કર કે કોઈ તેમને ત્યાં કાર રીપેર કરાવવા માટે આવ્યુ હોય. ચોક્કસપણે કંઈક તો માહિતી મળશે જ.

હેનરી : સર એડવોકેટ જ્યોર્જ તમને મળવા માટે આવ્યા છે.

શેલ્ડન : મોકલ એમણે અંદર.

જ્યોર્જ : ગુડ મોર્નિગ ઑફિસર.

શેલ્ડન : ગુડ મોર્નિંગ.. તો તમે સ્ટોક્સ બ્રધર્સના ખાનદાની વકીલ છો.

જ્યોર્જ : યસ ઑફિસર. હું તેમના પિતા મિસ્ટર કેવિન સ્ટોક્સના સમયથી તેમનો ખાનદાની વકીલ છુ. નાનામોટા જમીનના કોઈ પણ વિવાદ હોય તે હું જ એમના પિતા વતી કોર્ટમાં લડતો હતો.

શેલ્ડન : તો તેમણે જમીનના ઘણા વિવાદ હતા એમ ?

જ્યોર્જ : ઑફિસર તેમની ખુબ જમીનો હતી અને ઘણી મોટી સંપત્તિના તેઓ માલિક હતા. હવે તેમા નાનામોટા જમીનના વિવાદ થયા કરે એ તો સ્વાભાવિક છે. તમે તે સમજી શકો.

શેલ્ડન : હા એ તો હું સમજી શકુ છુ. તમે ગયા અઠવાડિયે ડાર્વિનને મળવા એની ઘરે ગયા હતા !!

એડવોકેટ જ્યોર્જના ચહેરાના ભાવો બદલાય છે પછી તેઓ સ્થિર થતા બોલે છે : હા એટલે હું ગયો હતો.. ગયા અઠવાડિયે એને મળવા ગયો હતો..

શેલ્ડન : અને કેમ મળવા ગયા હતા ?

જયોર્જ : એટલે આમ ખાસ કંઇ કામ નહોતુ. તેઓ તેમની જમીનો કે જે તેમના પિતા બંને ભાઈઓના નામે લખીને ગયા હતા તેના વિશે પૂછતા હતા .

શેલ્ડન : કેમ એની જાણકરી ડાર્વિનને ન હતી ? કે પિતા શું વહેંચીને ગયા હતા ? મિસ્ટર કેવિન શું લખીને ગયા છે ?

જયોર્જ : સર એમને પોતાની જમીન બંને ભાઈઓને અડધા અડધા ભાગે વહેંચી હતી. જોકે ડાર્વિન એના ઉપર ખેતી કરતો હતો અને તેમાં જે પણ નફો થાય તે તેના નાના ભાઈ સાથે અડધા ભાગે વહેંચી લેતો. વિલ્સનની ઈચ્છા હતી કે એના ભાગની જમીન વેચીને જે કંઈ રકમ આવે તે એણે આપી દેવામાં આવે. તે રકમ એ પોતાના ધંધામાં લગાવવા ઇચ્છતો હતો. બંને ભાઈઓ વચ્ચે આના માટે થોડી ઘણી રકઝક પણ થતી. આના સિવાય તેમના પિતા બન્ને ભાઈઓ માટે એક કરોડ ડોલરની વીમા પોલિસી લઈને ગયા છે. તે મુજબ બંને ભાઈઓને કંઈ પણ થાય તો તેમના પરિવારોને તે રોકડ રકમ મળશે.

શેલ્ડન : બંનેમાંથી કોઈએ લગ્ન કર્યું છે ?

જયોર્જ : ના સર અત્યાર સુધી તો બંનેમાંથી કોઈએ લગ્ન કર્યું નથી અને તે પરિસ્થિતિમાં જો કોઈ ભાઈનું આકસ્મિક મૃત્યુ થાય તો તેની વીમા પોલિસીના રૂપિયા બીજા ભાઈને મળશે , જે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે વિલ્સનને જશે.

શેલ્ડન : ઓહહ... અને આ વિશે બંને ભાઈઓને જાણકારી હતી ?

જયોર્જ : હા આ વિષયે બંને ભાઈઓને માહિતી છે.

શેલ્ડન : તમે ગયા અઠવાડિયે જ્યારે ડાર્વિનને મળવા ગયા ત્યારે જમીન વિશે શું વાત થઈ હતી ?


જયોર્જ : અડધા ભાગની જમીન કે જે વિલ્સનના નામે હતી , તેને ડાર્વિન વેચીને નાના ભાઈને એનો ભાગ આપી દેવા માટે ઇચ્છતો હતો . પણ એ પહેલા જ એનુ મૃત્યુ થઈ ગયુ.


શેલ્ડન : ઠીક છે . આપ અત્યારે જઈ શકો છો. વધુ કંઈ જરૂરિયાત હશે જ્યારે બોલાવીશુ.


માર્ટીન : સર હવે તો મને ચોક્કસપણે એમ લાગે છે કે આ બધા પાછળ મિસ્ટર વિલ્સનનો જ હાથ છે. ડાર્વિનના મોતથી એને સીધો ફાયદો થઈ શકે એમ છે. જમીન એના ભાગની જે એ વેચવા માંગતો હતો એ પણ વેચાઈ જાત અને પૈસા એના હાથમાં આવી જાત જે તે પોતાનુ દેવુ ચુકવવા માટે વાપરી શકતો. સાથે જ એના ભાઈના મૃત્યુના કારણે એમના પિતાએ જે વીમા પોલિસી લીધી હતી તેના રુપિયા પણ હવે એણે જ મળશે .


હેનરી : માર્ટીનની વાત સાચી છે સર. મિસ્ટર વિલ્સન પાસે હત્યાનુ મોટિવ એટલે કે કારણ હતુ. આ તો એક પ્રકારનો ઓપન અને શટ કેસ હવે લાગી રહયો છે. હવે આપણે જરા પણ સમય બગાડ્યા વિના એ વિલ્સનને પકડવો જોઈએ...


( તો શું પૈસાની લાલચમાં મિસ્ટર વિલ્સને એમના મોટા ભાઇ ડાર્વિનની હત્યા કરી હશે ? વધુ આવતા અંકે.... )