મીનુએ પોતાની ફ્લેટની સામેના ફ્લેટના દશમા માળેથી એક સ્ત્રીને છેક નીચે પડતાં અને " બચાવો... બચાવો... " તેમ બૂમો પાડતાં જોઈ. છેક નીચે પડતાંની સાથે જ તે સ્ત્રીનું માથું ફાટી ગયું હતું અને તે લોહી-લુહાણ થઈ જમીન ઉપર પડેલી હતી.
જ્યારથી મીનુએ આ દ્રશ્ય જોયું હતું ત્યારથી તે એટલી બધી તો ડરી ગઈ હતી કે, ન તો તે આ વાત કોઈને કહી શકતી કે ન તો તેના મનમાંથી આ વાતનો ડર ખસતો હતો અને આ દ્રશ્ય મીનુએ જોયું ત્યારથી તેને તાવ ઉતરવાનું નામ જ લેતો ન હતો.
આવું કંઈપણ બની શકે તેવી તો મીનુના ઘરમાં કોઈને કલ્પના માત્ર ન હતી. હવે આગળ..
બીજે દિવસે ન તો આ સ્ત્રીની લાશ કોઈને જોવા મળી કે ન તો આવું કંઈપણ બન્યું હોય તેવું કોઈ જ ચિન્હ રોડ ઉપર કે ક્યાંય કોઈને પણ જોવા મળ્યું નહીં તો પછી મીનુએ જે રાત્રે જોયું તે શું હતું..?? તે એક પ્રશ્ન હતો, જે વિચારીને મીનુએ પોતે જે જોયું હતું તેની રજૂઆત તે કોઈને કરી શકતી ન હતી અને મનમાં ને મનમાં પોતાના પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરી રહી હતી અને તેના શરીરનું ટેમ્પરેચર દિવસે નહીં તેટલું રાત્રે અને રાત્રે નહીં તેટલું દિવસે વધતું જતું હતું.
હવે મીનુના મમ્મી-પપ્પાને ડૉક્ટર સાહેબે એવી સલાહ આપી કે મીનુની કોઈ ક્લોઝ ફ્રેન્ડ હોય અને એને મીનુએ આ બાબતે કોઈ વાત કરી હોય તો પૂછપરછ કરી જુઓ અને તેને તેની ફ્રેન્ડ સાથે એકાદ દિવસ એકલી રહેવા દો કદાચ તે આ વિષય ઉપર કોઈ વાત આપણને ન કરી શકતી હોય પણ પોતાની ફ્રેન્ડને કરે એવું પણ બને.
મીનુને ઘણીબધી ફ્રેન્ડસ હતી અને તેને બધી ફ્રેન્ડસ સાથે બોલવા અને વાતો કરવા પણ ખૂબ જોઈતું હતું પણ આ બધામાંથી એક રુજુતા અને બીજી આર્યા બંને તેની ક્લૉઝ ફ્રેન્ડસ હતી બંનેને બોલાવવામાં આવી અને મીનુની આખીયે પરિસ્થિતિની જાણ તેમને કરવામાં આવી અને મીનુની તબિયત ઉપર વધારે ગહેરી અસર ન થાય તે રીતે મીનુની સાથે કંઈ ખરાબ તો નથી બન્યું ને તે વાત તેની પાસેથી સિફતથી કઢાવી લેવા માટે આ બંને ફ્રેન્ડસને સમજાવવામાં આવ્યું અને બંનેને એક પછી એક મીનુની સાથે એક દિવસ માટે એકલી છોડવી તેવું નક્કી કરવામાં આવ્યું.
પહેલા દિવસે રુજુતા મીનુની સાથે એકલી રોકાઈ, તેણે અવાર-નવાર મીનુને તેને શું તકલીફ છે..?? તેને કોઈ છોકરો હેરાન કરે છે..?? તે કઈ વાતથી ડરે છે..?? વગેરે વગેરે સવાલો પૂછવાનો પ્રયત્ન કર્યો પરંતુ મીનુને આવી કોઈ તકલીફ જ ન હતી તેથી તે દરેક પ્રશ્નનો "ના" માં જવાબ આપતી ગઈ અને મીનુના મમ્મી-પપ્પાની અને ડૉક્ટર સાહેબની મૂંઝવણમાં વધારો થતો ગયો.
એ દિવસે રાત્રે મીનુની મમ્મી મીનુને પોતાની સાથે પોતાના બેડરૂમમાં લઈને સૂઈ ગયા પણ અડધી રાત થતાં જ મીનુ પથારીમાંથી ઊભી થઈ ગઈ અને જાણે તેને કોઈ બોલાવી રહ્યું હોય તેમ બાલ્કનીમાં આવીને ઉભી રહી ગઈ અને આજે તેણે ફરીથી એક ખોફનાક દ્રશ્ય જોયું કે એક સ્ત્રી બે ઘર સામ સામે હતાં તેમાં એક ઘરથી બીજા ઘર જોડે જોરથી અફડાય છે અને ચીસો પાડતી પાડતી નીચે જમીન ઉપર પડે છે અને એ જ પરિસ્થિતિમાં પડે છે જે પેલી ફ્લેટ વાળી સ્ત્રી પડી હોય છે, લોહીલુહાણ હાલતમાં મૃત્યુ પામેલી..!!
મીનુ આ દ્રશ્ય જોઈ પાછી અંદર આવીને પોતાની જગ્યાએ સુઈ ગઈ અને બીજે દિવસે સવારે પાછો તેને સખત તાવ હતો. હવે શું કરવું તે મીનુના મમ્મી-પપ્પા અને ડૉક્ટર સાહેબ વિચારી રહ્યા હતાં.
બીજે દિવસે મીનુની બીજી ફ્રેન્ડ આર્યાને મીનુ સાથે આખો દિવસ એકલી છોડવામાં આવી....
મીનુ આર્યાને કોઈ વાત જણાવે છે કે નહિ...?? વાંચો આગળના પ્રકરણમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
11/7/2021