ઇન્સ્પેક્ટર પ્રતાપ અને ગણેશ તલપડે બપોરે ત્રણ વાગે ધીરજ સીંઘાનીયાના જૂહુ સ્થિત ઘરે પહોંચ્યા હતાં. ધીરજ સીંઘાનીયા એમની રાહ જોઇ રહ્યો હતો. ઇન્સ્પેક્ટર પ્રતાપ અને ગણેશ બંગલામાં પ્રવેશ્યા અને ધીરજના આલીશાન ડ્રોઇંગરૂમના સોફા પર બેસી ગયા હતાં.
"ઇન્સ્પેક્ટર, મારી પત્નીના ખૂન બાબતે કોઇ માહિતી મળી ખરી?" ધીરજ સીંઘાનીયાએ પૂછ્યું હતું.
"માહિતી તો મળી છે પરંતુ હજુ કશું ચોખવટ સાથે કહી શકાય એવું નથી એટલા માટે મારે રહીમ અને આશાતાઇને કેટલાંક સવાલો પૂછવા છે. પરંતુ તમારી પત્ની મીરા રાજપૂત તરીકે કેમ ઓળખાતી હતી? મીરા સીંઘાનીયા તરીકે કેમ એમનું નામ એમના કોઇપણ આઇ.ડી.માં નથી?" ઇન્સ્પેક્ટર પ્રતાપે એના મનમાં ઊભો થયેલો પ્રશ્ન ધીરજ સીંઘાનીયાને પૂછ્યો હતો.
"મારી પત્ની અઢાર વર્ષની હતી ત્યારથી જ સામાજિક કાર્યકર છે અને બધાં એને મીરા રાજપૂત તરીકે જ ઓળખે છે. રાજપૂત એના લગ્ન પહેલાની અટક છે. લગ્ન પહેલા જ મીરાએ એવું કહ્યું હતું કે એ એની અટક નહિ બદલે અને એમાં મને કંઇ ખાસ વાંધો દેખાતો ન હતો એટલે એના વિકિપીડીયામાં, એના આધારકાર્ડમાં બધે જ એનું નામ મીરા રાજપૂત છે." ધીરજે ઇન્સ્પેક્ટર પ્રતાપની શંકાનું સમાધાન કરતા કહ્યું હતું.
ઇન્સ્પેક્ટર પ્રતાપની શંકાનું સમાધાન કર્યા બાદ ધીરજે રહીમ અને આશાતાઇ બંન્નેની ઓળખ ઇન્સ્પેક્ટર પ્રતાપને આપી હતી.
રહીમ અને આશાતાઇ ઇન્સ્પેક્ટર પ્રતાપ જે સોફા ઉપર બેઠાં હતાં ત્યાં નજીક આવી નીચે જમીન પર બેસી ગયા હતાં. ધીરજ ઊભો થઇને ત્યાંથી જઇ રહ્યો હતો પરંતુ ઇન્સ્પેક્ટર પ્રતાપે એને ઇશારાથી ત્યાં જ બેસવા માટે કહ્યું હતું. પ્રતાપને ખબર હતી કે ધીરજ પોતે ત્યાં જ બેસવા ઇચ્છે છે પરંતુ જાણીજોઇ ઊભો થવાનું નાટક કરે છે. માટે પ્રતાપે એનું નાટક સમજી જઇ એને ત્યાં જ બેસવા કહ્યું હતું.
"હા તો રહીમ, તે બે દિવસની રજા કેમ લીધી હતી? તમારી શેઠાણી મીરાનું ખૂન થયું એ દિવસે તમે ક્યાં હતાં?" ઇન્સ્પેક્ટર પ્રતાપે રહીમને પૂછ્યું હતું.
"હું મુમરામાં મારા ઘરે હતો. બે દિવસની રજા દરમ્યાન મેં મારા ભાઇના દીકરાના સગપણમાં ગયો હતો અને જે દિવસે મીરા મેડમનું ખૂન થયું એ દિવસે હું મુમરામાં મારા ઘરે જ હતો. મારા આડોશીપાડોશી આ વાતની ગવાહી આપી શકે એમ છે." ઇન્સ્પેક્ટર પ્રતાપના સવાલો માટે તૈયાર રહીમે જવાબ આપ્યો હતો.
"આશાતાઇ, તમારા અને મીરા મેડમના સંબંધો કેવા હતાં? એ દિવસે તમે અગિયાર વાગે નીકળી ગયા હતાં તો મીરા મેડમ ક્યાં જવાના હતાં એ તમને ખબર છે?" ઇન્સ્પેક્ટર પ્રતાપે આશાતાઇને પૂછ્યું હતું.
"મીરા મેડમ એમની મિત્ર રીમા કપુરને મળવા જવાના હતાં. કેટલા વાગે મળવા જવાના હતાં એ મને ખબર નથી. મીરા મેડમ સાથે મારા બહુ સારા સંબંધો હતાં. એમના મારા પર બહુ ઉપકાર હતાં." આશાતાઇએ આંખમાં આંસુ લૂછતાં લૂછતાં કહ્યું હતું.
"મી. ધીરજ સીંઘાનીયા, તમને કોઇ રમતમાં રસ છે ખરો?" રહીમ અને આશાતાઇને જવાનું કહી ઇન્સ્પેક્ટર પ્રતાપે ધીરજને સવાલ પૂછ્યો હતો.
"હા છેને. ક્રિકેટમાં મને રસ ઘણો છે અને હું મુંબઇ તરફથી રણજી ટ્રોફી પણ રમી ચૂક્યો છું. પરંતુ મારા પિતાના અવસાન બાદ અમારા બધાં ઉદ્યોગોની બધી જ જવાબદારી મારા ઉપર આવી પડી હતી. એટલે મારે ક્રિકેટ છોડવી પડી હતી." ધીરજે હળવાશથી કહ્યું હતું.
"સારું મી. ધીરજ, હવે હું આપની રજા લઉં છું. પરંતુ તમે નિશ્ચિંત રહેજો. તમારા પત્નીનો ખૂન કેસ હું બને એટલો ઝડપથી ઉકેલી દઇશ અને આપની પત્નીના ખૂનીને હું જેલ ભેગો કરી દઇશ." આટલું બોલી ઇન્સ્પેક્ટર પ્રતાપ અને ગણેશ બંગલાની બહાર આવી જીપમાં બેસી ગયા હતાં.
"જીપ તું રીમા કપુરના ઘર તરફ લઇ લે. અહીં નજીકમાં જ એમનો ફ્લેટ છે. આ રહ્યું એના ફ્લેટનું સરનામું. મેં તારા મોબાઇલમાં મેપ મોકલ્યો છે. મને મળવા સવારે એમનો ફોન આવ્યો હતો અને મીરાના કેસ બાબતે કોઇ માહિતી આપણને આપવા માંગે છે." ઇન્સ્પેક્ટર પ્રતાપે રીમાના ઘરનો મેપ ગણેશના મોબાઇલ પર મોકલતા કહ્યું હતું.
ગણેશે દસ મિનિટમાં રીમા કપુરના ફ્લેટના બીલ્ડીંગમાં પોલીસ જીપ લાવીને ઊભી રાખી હતી. બંન્ને જણ સાતમા માળે પહોંચ્યા હતાં અને 701 નંબરના ફ્લેટના દરવાજે બેલ માર્યો હતો.
રીમાએ દરવાજો ખોલ્યો હતો અને પોતાની ઓળખાણ આપી હતી. બંન્ને જણ ઘરમાં દાખલ થયા અને સોફા પર બેસી ગયા હતાં. રીમા કપુર ખુરશી લઇ એમની બરાબર નજીક આવી બેસી ગયા હતાં.
"જુઓ ઇન્સ્પેક્ટર, જે દિવસે મીરાનું ખૂન થયું એ દિવસે હું અને મીરા બપોરે એક વાગે મળવાના હતાં. પરંતુ બે વાગવા આવ્યા હોવા છતાં મીરા આવી ન હતી એટલે મેં એને એના મોબાઇલ ઉપર ફોન કર્યા હતાં. પરંતુ મારો ફોન મીરાએ ઉપાડ્યો ન હતો કે મારા મેસેજનો પણ કોઇ જવાબ આપ્યો ન હતો. મીરાએ જ્યારથી પાવર પ્રોજેક્ટનો વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારથી સતત મારવાની ધમકીઓ એને મળી રહી હતી. પરંતુ ધીરજ સીંઘાનીયા જ્યારથી આ પ્રોજેક્ટમાં જોડાયો ત્યારથી ધમકીઓ મળી ન હતી પરંતુ મીરા ઉપર એકવાર હુમલો થયો હતો. મીરા આ હુમલાથી ખૂબ અપસેટ થઇ ગઇ હતી પરંતુ પાવર પ્રોજેક્ટનો વિરોધ કરવાનું એણે ચાલુ જ રાખ્યું હતું. મારા આ સ્ટેટમેન્ટથી તમને શું મદદ મળશે એ મને ખબર નથી પરંતુ પોલીસને હું મારું બયાન સામેથી એટલે જણાવી દઉં છું કે કદાચ એનાથી આપને કોઇ મદદ મળી શકે." રીમાએ ઇન્સ્પેક્ટર પ્રતાપ સામે જોઇ કહ્યું હતું.
"રીમાજી તમે મીરાને ક્યારથી ઓળખતા હતાં અને એ દિવસે તમે કેમ મળવાના હતાં?" ઇન્સ્પેક્ટર પ્રતાપે રીમાને પૂછ્યું હતું.
"હું અને મીરા વર્ષોથી મિત્ર છીએ અને મીરાએ સ્થાપેલા સામાજિક ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી પણ છું. પર્યાવરણ બચાવ માટેના દરેક કામ અમે જોડે જ કરતા હતાં. એ દિવસે અમે પાવર પ્રોજેક્ટના પર સ્ટે લાવવા માટે વકીલને મળવાના હતાં. મીરાના મૃત્યુથી મીરાના અધૂરા રહેલા બધાં જ મીશનો પૂરા કરવાની જવાબદારી મારા ઉપર આવી પડી છે. મીરાની ખોટ મારા જીવનમાં ક્યારેય પુરાશે નહિ." રીમાએ રૂમાલથી આંસુ લૂછતાં કહ્યું હતું.
"રીમાજી તમે લગ્ન કર્યા છે?" ઇન્સ્પેક્ટર પ્રતાપે પૂછ્યું હતું.
"ના, મેં લગ્ન કર્યા નથી. મારા જીવનનું મીશન એ માનવસેવા છે. માટે મેં મારું આખું જીવન માનવસેવા અને પર્યાવરણને બચાવવા માટે સમર્પિત કરી દીધું છે." રીમાએ જણાવ્યું હતું.
ઇન્સ્પેક્ટર પ્રતાપ અને ગણેશ નીચે આવી પોલીસ જીપમાં બેઠાં હતાં.
"રીમા કપુરની જેમ બધાં જ લોકો પોલીસને ઉપયોગી થાય તો આપણું કામ આસાન થઇ જાય." ગણેશે ગાડી જૂહુ પોલીસ સ્ટેશન તરફ લેતા કહ્યું હતું.
"તું મૂર્ખો છે. રીમા કપુર આપણને દેખાડવા માંગે છે જે રીમાએ આપણને દેખાડવું છે. પરંતુ એ શું છુપાવી રહી છે એ આપણને ખબર પડી જાય તો કેસ ઘણો બધો ઉકેલાઇ જાય. દુનિયામાં કોઇ પોલીસવાળાઓને સામેથી બોલાવે નહિ અને એ પણ એવી વ્યક્તિ કે જે મીરાની આટલી બધી નજીક હતી. તું મને રીમા કપુર વિશેની બધી જ માહિતી આજે રાત સુધીમાં લાવીને આપ અને મને પોલીસ સ્ટેશન નહિ પરંતુ ફોરેન્સીક લેબ ઉપર ઉતારી દે. મારે કેટલાંક સવાલો વિશાખાને આ કેસ બાબતે પૂછવા છે." ઇન્સ્પેક્ટર પ્રતાપે ગણેશને કહ્યું હતું.
ફોરેન્સીક લેબના બીલ્ડીંગ પાસે ઉતરી ઇન્સ્પેક્ટર પ્રતાપ પગથિયાં ચડી બીજા માળે પહોંચ્યો હતો. બીજા આખા માળ ઉપર ફોરેન્સી લેબ બનાવવામાં આવી હતી. ફોરેન્સીક લેબમાં દાખલ થતાં જ વિશાખાની આસીસ્ટન્ટ દીપિકા પ્રતાપને સામે મળી હતી.
"આજે સુપર કોપ ફોરેન્સીક લેબમાં આવ્યા છેને કંઇ. ઘરનો ઝઘડો પતાવવા આવ્યા છો?" દીપિકાએ હસીને કહ્યું હતું.
"મારા અને વિશાખા વચ્ચે ઝઘડો ચાલે છે એની તને ખબર છે?" ઇન્સ્પેક્ટર પ્રતાપે હસીને પૂછ્યું હતું અને દીપિકાની પાછળ પાછળ કેબીન તરફ જઇ રહ્યો હતો.
"તમારા ઘરમાં જે કંઇ પણ થાય એની બધી જ માહિતી મારી પાસે હોય છે." વિશાખાની કેબીનમાં પ્રવેશતા દીપિકાએ કહ્યું હતું.
"તારી આ આસીસ્ટન્ટ એક દિવસ આપણા બેના છૂટાછેડા કરાવી દેશે." પ્રતાપે વિશાખાની સામેની ખુરશીમાં બેસતા કહ્યું હતું.
પ્રતાપની વાત સાંભળી ત્રણે જણ હસી પડ્યા હતાં.
"વિશાખા, મીરા સીંઘાનીયાના ખૂન કેસમાં તું મને થોડી વધુ માહિતી આપી શકે ખરી?" ઇન્સ્પેક્ટર પ્રતાપે વિશાખાને પૂછ્યું હતું.
"મીરાનું ખૂન બપોરે બે થી ચાર દરમિયાન થયું છે. જે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં લખેલું જ છે. મીરાના વાળ જે જગ્યાએ પડ્યા હતાં એવી રીતે આ કાંસકામાંથી પડવા શક્ય નથી. મીરાની લાશ જે સોફા ઉપર પડી હતી એ સોફાચેરની સામે એક બીજો સોફાચેર પણ હશે એવું એ જગ્યાના નિશાન પરથી લાગતું હતું પરંતુ એના બદલે એ સોફાચેરને ખસેડી ત્યાં કોઇ સ્ટેન્ડ અથવા કોઇ મૂર્તિ ઊભી કરી હોય એવા નિશાન હતાં પરંતુ આપણે જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં એ વખતે સાંજના પાંચ વાગી ગયા હતાં. તને યાદ હોય તો એ દિવસે સૂર્યાનું કોચીંગ સાંજે છ થી સાત દરમ્યાન કલાક જ હતું અને આપણે રજા ઉપર હતાં. એ દિવસે મેં ટીવી ઉપર મીરા રાજપૂતના એક ઇન્ટરવ્યુમાં સાંભળ્યું હતું કે એ પોતાની જાન આપી દેશે પરંતુ આદિવાસીઓની જગ્યા ઉપર પાવર પ્રોજેક્ટ નહિ બનવા દે. આ ઇન્ટરવ્યુ મીરાના ખૂનના આગલા દિવસે એણે આજતક ન્યૂઝ ચેનલને આપ્યું હતું. મારું માનવું એવું છે કે કોઇક પુરૂષે પૂરી તાકાતથી મીરાને ચપ્પુના એક જ ઘામાં મારી નાંખી છે." વિશાખાએ કેસ બાબતે જોડાયેલી બધી વાત પ્રતાપને કહી હતી.
"કોઇ પુરૂષે જ આવું કર્યું હોય એવું તું ચોક્કસપણે કઇ રીતે કહી શકે? કોઇ સ્ત્રી પણ આવું કરી જ શકેને?" પ્રતાપે વિશાખાને પૂછ્યું હતું.
"કોઇ સ્ત્રી આટલી તાકાતથી એક જ વારમાં કોઇ બીજી સ્ત્રીને મારી ના શકે. પહેલા મીરા અને મારનાર વચ્ચે ઝપાઝપી થઇ હશે અને મીરા બેભાન થઇ ગઇ હશે. ત્યારબાદ કોઇ પુરૂષે એના પેટમાં જોરથી ચપ્પુ મારી દીધું હશે. પરંતુ મીરા સુતેલી અવસ્થામાં હોય અને કોઇએ બે હાથમાં ચપ્પુ લઇ પ્રહાર કર્યો હોય અને માટે આવો ઘા બન્યો હોય એવું શક્ય નથી. કારણકે ઘા ઉપરથી એવું લાગે છે કે મીરા ઊભી હતી ત્યારે કે બેઠી હતી ત્યારે ચપ્પુ મરાયુ હોય તો જ આવો ઘા પડી શકે છે. મીરાના બંન્ને હાથના બાવડા પર દોરડાથી બાંધવાના નિશાન પણ અમને દેખાયા છે પરંતુ સ્પષ્ટપણે કોઇ દોરડાથી બાંધી હશે અથવા તો એણે હાથના બાવડા ઉપર કશુંક પહેર્યું હશે એ કહેવું મુશ્કેલ છે." વિશાખાએ પોતાની તપાસની સ્પષ્ટતા કરતા કહ્યું હતું.
"થેન્ક યુ વિશાખા, તારી અને તારી ટીમની આ તપાસથી મને ખૂબ મદદ મળી છે. કદાચ હું આજે રાત્રે આ કેસના કારણે ઘરે નહિ આવી શકું." આટલું બોલી પ્રતાપ ફોરેન્સીક લેબના બીલ્ડીંગમાંથી નીચે ઉતરી ટેક્ષીમાં બેસીને જૂહુ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
ક્રમશઃ...
(વાચકમિત્રો, ઇન્સ્પેક્ટર પ્રતાપ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)
- ૐ ગુરુ