રેડ વાઇન - ભાગ ૧ સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેડ વાઇન - ભાગ ૧

રેડ વાઇન :- ભાગ ૧



સવારના ૧૧ વાગ્યે રિયાની આંખ ખુલી. હજુપણ રેડ વાઈન ભરેલા બે અધૂરા ગ્લાસ એના ટેબલ પર પડ્યા હતા.


એક તરફ તો રિયાને સપનું પૂર્ણ કરી શક્યાની ખુશી હતી તો બીજી તરફ ભગવાનથી ફરિયાદ હતી કે આ પળ માત્ર એકદિવસ માટે જ કેમ!


આંખો તો ખુલી ગઈ હતી પણ રિયાને આજે સહેજપણ ઉતાવળ નહોતી. રિયા એ બધુંજ યાદ કરી ખુશ થવા માંગતી હતી જે કાલ રાત્રે થયું હતું. રિયાને એક પળ પણ વિચાર નહોતો આવ્યો કે જે કાલ રાત્રે થયું એ યોગ્ય હતું કે અયોગ્ય. બસ એવુંજ હતું કે આવા પળો જીવવા છે. અને એ એવા જ પળો જીવી.


વડોદરાના પોશ વિસ્તાર રેસ કોર્સ માં મોટી થયેલી રિયા માટે કહેવા જઈએ તો સપનાઓ પૂરા કરવા મોટી વાત હોવી ના જોઈએ. પરંતુ હંમેશા ઓછું બોલનારી રિયાને પરિવારે સમજદારની કેટેગરીમાં મૂકી હતી. આથી જ્યારે પણ કોઈ વાત આવે પહેલા તો રિયા કહી ના શકે અને કહે તો તેને સમજાવી મર્યાદિત કરી દેવામાં આવતી. એટલેજ દિવસે ને દિવસે રિયા એકાંકી થઈ રહી હતી.


એમાં પણ એના કોલેજના પ્રેમીએ અચાનક વાત કરવાનું બંધ કરી દેતા મન પણ અશાંત થઈ ગયું હતું. એકદમ શાંત દેખાતી રિયાના મનમાં તોફાનો જ તોફાનો ફાટી નીકળ્યા હતા. એને જ ખબર નહોતી કે મારી જિંદગી જીવવાનો ઉદ્દેશ શું છે.


સમય સાથે રિયા બધુંજ સમજી રહી હતી કે દરેક વ્યક્તિ માટે પોતાનો સ્વાર્થ, પોતાના સપના, પોતાનું હિત મહત્વનું છે. રિયા પણ આ જેલ જેવી દુનિયામાંથી બહાર નીકળી મુક્ત વિહરવા ઈચ્છતી હતી, ઉડવા ઈચ્છતી હતી, સપના પણ પૂરા કરવા હતા. સતત મનમાં સપનાં અને ઓરતા પૂરા કરવાની જીજીવિષા હતી.


રિયા ને એની ખાસ મિત્ર પ્રિયા સમજી શકતી હતી અને એટલેજ એ જ્યારે પણ ક્યાંય બહાર કે કોઈ પાર્ટી માં જતી રિયા ને અચૂક લઈ જતી. આમતો રિયાને કેફે, ભીડભાડ બહુ પસંદ નહોતા છતાં પ્રિયા ને સાથ આપવા એ હંમેશા તૈયાર રહેતી કારણ કે એ એક જ એવી બેસ્ટી હતી જે બધું સમજતી હતી. એટલેજ પ્રિયા કહે ત્યાં અને ત્યારે રિયા તૈયાર રહેતી.


આજેપણ પ્રિયા રિયાને એક પાર્ટી માં લઈને આવી હતી. જ્યાં ફૂડ, ડાંસ, ફન બધું જ હતું. પ્રિયા દોસ્તો સાથે ડાન્સ કરવામાં વ્યસ્ત હતી ત્યારે નિયા ડાન્સ જોતા જોતા પોતાનું ફેવરિટ મોકટેલ મોજીતો પીવામાં વ્યસ્ત થઈ હતી.


એ વ્યસ્તતા માં એને ધ્યાન જ ના રહ્યું કે એની બાજુમાં કોઈ આવી ઉભું રહ્યું છે. પાર્ટી માં બેસવાની જગ્યા ઓછી હતી એટલે એ વ્યક્તિએ રિયાને પૂછ્યું "મેડમ હું અહી બેસી શકું."


રિયા આમપણ પહેલેથી કોઈને પણ ના કહેતી નહીં તો અહી ના કહેવાનો સવાલ જ નહોતો. નીયાએ પણ કહ્યું "હા પ્લીઝ." પછી એ વ્યક્તિ પણ મોકટેલ ની મજા માણતો પાર્ટી જોવામાં વ્યસ્ત થઈ ગયો.


રિયાને આમપણ પાર્ટીમાં બહુ રસ નહોતો પણ ખબર નહિ કેમ હમણાં આવી બેસેલા એ યુવાન પણ રિયાની આંખો ઠરી હતી. એ યુવાન પાર્ટીની મજા માણવામાં વ્યસ્ત હતો જ્યારે આ તરફ રિયા જાણે એ યુવાન માણવામાં વ્યસ્ત હતી. એક અનોખું આકર્ષણ એ યુવાન તરફ લાગ્યું હતું.


પ્રિયા ડાંસ કરતા કરતાં આવી અને એ યુવાનને પણ ડાંસ કરવા લઈ ગઈ ત્યારે રિયાને સમજાયું કે આ તો પ્રિયાનો કોઈ પરિચિત લાગે છે. ના ગમતો ડાંસ રિયાને હવે ગમવા લાગ્યો હતો.


રિયા અપલક એ યુવાન તરફ જોઈ રહી હતી. જાણે એની આંખો માટે ડાંસ કરતાં પણ વિશેષ પેલા યુવાનને જોવું ગમ્યું હતું. રિયા બોલી ઉઠી એ યુવાન એ જ તો હતો જે સપનામાં આવી રિયાને એની સાથે જીવવાની તમન્ના જગાડી ચૂક્યો હતો. આ એ જ તો છે જે મારી સાથે મારી ઈચ્છા પૂરી કરશે. ત્યાંજ રિયા તંદ્રામાંથી જાગી હોય એમ સ્વસ્થ થઈ.


*****


આવતા ભાગમાં મળીએ ફરી આગળની સ્ટોરી સાથે. તમે પણ આવું ક્યાંક અનુભવ્યું હશે. વ્યક્તિ, સંબંધ કોઈપણ હોય લાગણીઓ સ્થિર છે. તોય અવિરત વહેવું, વરસવું લાગણીઓને ગમે છે. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો.

જય ભોળાનાથ...

Feelings Academy...