અનાથાશ્રમ - ભાગ 6 - છેલ્લો ભાગ Trupti Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

શ્રેણી
શેયર કરો

અનાથાશ્રમ - ભાગ 6 - છેલ્લો ભાગ

રુચિકાની વાત સાંભળી મેનેજર સાહેબ અને આશિષ તેને એકીટશે જોઈ રહ્યા. પછી શાંતિપૂર્વક તેને સમજાવતા કહ્યું," ત્યાં જ તારી ભૂલ થાય છે રુચિકા.... એવું કોઈ કારણ હતું જ નહીં કે જેના લીધે જગદીશ ભાઈ અને ગાયત્રી બેનને આશિષને - એક અનાથ બાળકને દત્તક લેવો પડે. પરંતુ હકીકતમાં તેઓ પોતાના બાળકને જન્મ આપવા માટે સક્ષમ જ હતા.પરંતુ તારા પતિને - આશિષને કંઈ ઓછું ન આવે કે તેનો પ્રેમ વહેંચાય ન જાય એટલા માટે જ પોતાના સંતાનને જન્મ આપવાનું માંડી વાળ્યું અને પોતાની સંપત્તિ તો ઠીક પણ પોતાની પુરી જિંદગી આશિષને નામે કરી દીધી...."

ત્યાં હજુ પણ પોતાની વાત પર કાયમ રહેવા માંગતી રુચિકા બોલી," આનું કોઈ પ્રુફ છે તમારી પાસે......"

અત્યાર સુધી જાણે કંઈ સમજાતું જ ન હોય એમ ચૂપચાપ બેસી રહેલ આશિષ જોરથી રુચિકા પર તાડુકી ઉઠ્યો," શટ અપ, રુચિકા, બસ હવે બહુ થઈ ગયું.તારા લીધે જ , તારા પ્રેમ અને ખોટા આંસુંઓમાં વહીને જ મેં મારા માતા - પિતા સાથે આવું વર્તન કર્યું. અરે, જેમણે મને રહેવા માટે ઘર, સહારો એક આશરો આપ્યો. પોતાનું નામ આપ્યું, સમાજમાં એક મોભો એક ઈજ્જત આપી.જેમણે મને પોતાની દુનિયા અને જિંદગી સમજી...... અરે, જેમને મારે ભગવાન સમાન દરજ્જો અને સન્માન આપવું જોઈએ તે માતા - પિતાને મેં આજે બેઇજ્જત કરીને તેમના ઘડપણમાં નિઃસહાય હાલતમાં બેઘર કરી દીધા..." આટલું બોલતા બોલતા તો આશિષ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. થોડી વાર એમ જ રડ્યા પછી ફરી ગુસ્સામાં રુચિકા તરફ ઘસી જઈને આક્રમક રીતે બોલ્યો,"....અને આ બધું માત્ર અને માત્ર તારા લીધે જ થયું છે..."પછી થોડો ધીમા અવાજે બોલ્યો," આમ જોઈએ તો તારી એકલીનો વાંક પણ કેમ ગણી શકાય! ગુનો તો મારા હાથે પણ થયો છે. હું જ મારા ભગવાન સમાન માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા ગયો હતો ને ! તે ભલે જે કંઈ પણ મારા માતા- પિતા વિરુદ્ધ કહ્યું પણ મેં તારી વાત માની એ જ મારી ભૂલ છે- મારો ગુનો છે....."
મેનેજર સાહેબ તરફ ફરીને બે હાથ જોડીને આશિષે કહ્યું, " તમારો ખૂબ ખૂબ આભાર,સાહેબ કે તમે મને અરીસો દેખાડ્યો. મને મારા જીવનનું સત્ય સમજાવ્યું. મેં જે ગુનો કર્યો છે એ માટે હું કદી મારી જાતને માફ નહિ કરી શકું. પણ પહેલા મારા માતા - પિતાને ,મારા ભગવાનને તેમના ઘરમાં - મંદિરમાં સ્થાપિત કરીને પછી તમે જ કહેજો કે મારા જેવા દીકરાને શું સજા મળવી જોઈએ." રુચિકા તો સાવ બાઘાની જેમ આશિષ સામે જોઈ રહી.
આશિષ રુચિકા સામે ફરીને બોલ્યો," જો રુચિકા તને કોઈ તકલીફ હોય કે તારો પતિ કોઈ અનાથ છે અને તે માટે સમાજમાં તને નીચા જોવા જેવું લાગતું હોય તો તું મારી જિંદગીમાંથી જઇ શકે છે.પણ જો તારે મારી સાથે રહેવું હોય તો મારા માતા- પિતાની પૂરેપૂરી સેવા કરવી પડશે અને તેમનું માન સન્માન તારે જાળવવું પડશે અને હા હવે એમના વિરુદ્ધ એક પણ શબ્દ હું સાંભળી નહિ શકું. હવે આવું કઈ થશે તો હું તને છોડી દઈશ પણ મારા માતા - પિતાને ક્યારેય નહીં છોડું....આમ તો આ બધું મારે પહેલા જ કરવાની જરૂર હતી, જેથી મારા મમ્મી પપ્પાને એના જ ઘરમાંથી નીકળવું જ ન પડત. પણ એક રીતે એ સારું પણ થયું કે મારા જેવા નાલાયકને મારી પોતાની સચ્ચાઈની તો ખબર પડી."

આટલું બોલી આશિષ આંસુ લૂછતાં લગભગ દોડતો હોય એ રીતે પોતાના માતા- પિતા પાસે માફી માંગવા માટે દોડ્યો....તેને જતા જોઈને મેનેજરની આંખમાં પણ કંઈક સારું કર્યાના સંતોષ સાથેના હર્ષાશ્રુરૂપે વહેવા લાગ્યા. રુચિકા તો આ બધું જોઈ - સાંભળીને સાવ થીજી જ ગઈ.

* * * * *

આશિષ તેના માતા - પિતાને ફરી પોતાના ઘરે લઈ જવા માટે તેમજ તેમની માફી માંગવા માટે વૃદ્ધાશ્રમ પહોંચી ગયો.ત્યાં જઈને તે જગદીશ ભાઈ અને ગાયત્રી બેનના પગે પડીને બે હાથ જોડી રડતાં રડતાં કહ્યું," મમ્મી....પપ્પા....પ્લીઝ મને માફ કરી દો..મેં....મેં....બહુ જ મોટી ભૂલ...ભૂલ નહિ પણ ગુનો કર્યો છે. મારા ભગવાનને મેં ઘરમાંથી - તેના જ મંદિરમાંથી બહાર કાઢ્યા...આજે મને મારી હકીકતની ખબર પડી....તમે તો મારા જેવા અનાથને એટલો પ્રેમ આપી મારા માતા - પિતા બની શક્યા...પણ હું ...હું....તમારો દીકરો ન બની શક્યો..મમ્મી ...પપ્પા...ચાલો...ચાલો આપણા ઘરે....તમે જે સજા દેશો એ મને મંજુર છે...બસ હવે તમે ઘરે ચાલો....પ્લીઝ......"

આશિષના પશ્ચાતાપના આંસુ જોઈને ગાયત્રીબેનનું માતૃહ્ર્દય પીગળી ગયું.પરંતુ જગદીશ ભાઈએ મક્કમ શબ્દોમાં જણાવી દીધું, "બેટા, મા બાપ તો કદી પોતાના સંતાનોથી નારાજ થતા જ નથી. એટલે તને માફ કરવાનો કે સજા દેવાનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.અમે તને ભણાવ્યો, ગણાવ્યો ,પરણાવ્યો એ અમારી ફરજના ભાગરૂપ હતું. તને સગવડભરી અને સુખરૂપ જિંદગી મળી રહે એ જ અમારા માટે મહત્ત્વનું હતું અને હજુ પણ છે. પરંતુ દીકરા, હવે અમે એ ઘરમાં પાછા રહેવા નહિ આવી શકીએ. અમે અમારું બાકીનું જીવન અહીં અમારા જેવા જ લોકો સાથે વિતાવવા માંગીએ છીએ..તું અમને મળવા આવતો રહેજે...બાકી તું અને રુચિકા શાંતિથી રહો એ અમારા માટે બહુ છે..."

આશિષ તેમને મનાવતો રહ્યો પણ જગદીશ ભાઈ એકના બે ન થયા. આજે વૃદ્ધાશ્રમમાં દરેકની આંખો પહેલીવાર એક નવાઈ જોઈ રહી હતી કે દીકરો તેના માતા- પિતાને લઈ જવા માટે જીદ કરતો હતો અને એ જ માતા- પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા માટેના તેના નિર્ણય પર મક્કમ હતા.



( સંપૂર્ણ )