Anathashram - 5 books and stories free download online pdf in Gujarati

અનાથાશ્રમ - ભાગ 5

' આનંદ' અનાથાશ્રમના મેનેજર સાહેબ દ્વારા જ્યારે જગદીશ ભાઈ અને ગાયત્રી બેનનું નામ બોલી તેમને મંચ પર આવકારવામાં આવ્યા, અને તેઓનું સન્માન કરવામાં આવ્યું. આ બધું જોઈને આશિષ તો મુંઝાવા લાગ્યો, કે મેનેજર સાહેબ તેના માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે એ વાત અહીં જાહેરમાં ન બોલે તો સારું. રુચિકા પણ આ બધું જોતા ગુસ્સાથી ધુંઆપુઆ થઈ રહી હતી. ખાસ કરીને પોતાના સસરા દ્વારા કોઈને દત્તક લીધાની વાત જાણી તે થોડી વધુ અકળાઈ રહી હતી.

સમારંભ પૂરો થયા બાદ આશિષે તો જગદીશ ભાઈ અને ગાયત્રી બેેેન પર પ્રશ્નોનો
મારો ચલાવ્યો,"તમે બંને અહીં આવ્યા શું કામ? અને આ વળી અમે શું સાંભળી રહ્યા છીએ ! તમે ...તમે કોઈ બાળક દત્તક લીધેલ છે?? કોણ છે એ ? ક્યાં છે ? ક્યારે આ બધું કર્યું હતું તમે??આટલી ....આટલી મોટી વાત તમે મારાથી છુપાવી!!તમારું એક સંતાન એટલે કે મારા હોવા છતાં તમે કોઈ બાળકને દત્તક લીધું હતું?? અને અત્યાર સુધી એ વાત મારાથી છુપી રાખી??આશિષ આવેશમાં આવી બોલવા લાગ્યો.

આશિષને બોલતા જોઈ રુચિકા પણ કેમ પાછળ રહે તે પણ બોલી," તમને બંનેને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા બાદ અમે આ સમારંભમાં આવ્યા ન હોત તો આટલી મોટી વાતની તો અમને ખબર જ ન પડત ને?? આશિષ તો તમારું કેટલું વિચારે છે અને તમે....તમે તો કોઈને દત્તક લીધેલ છે.. આવું કંઈ કરતા તમને આ સમાજનો તો ઠીક પણ આશિષનો પણ વિચાર ન આવ્યો..લોકો શું વિચારશે આશિષ માટે..!!

આશિષ," જુઓ , પપ્પા,મમ્મી, તમે જે તે સમયે જે પણ વિચારીને જે કોઈ બાળકને દત્તક લીધેલ હોય...પણ હું એ અનાથ બાળકને ક્યારેય પણ મારા ભાઈ તરીકે અપનાવવાનો નથી એ તમે સમજી લેજો...અને હા, બીજી વાત મારી આ મિલકતમાંથી તેને હું એક રૂપિયો પણ આપવાનો નથી..."

આશિષના આ શબ્દો બોલતા જ જગદીશ ભાઈએ તેના ખભા પર હાથ રાખી સ્મિત સાથે એટલું જ બોલ્યા,"બેટા, એ બધી મિલકત તારી જ છે. ચાલ ગાયત્રી." અને જગદીશ ભાઈ અને ગાયત્રી બેન ત્યાંથી નીકળી ગયા.
આ બધું ચૂપચાપ જોતા મેનેજર સાહેબે આશિષ અને રુચિકાને પોતાની ઓફિસમાં બોલાવ્યા. એટલે આશિષે પૂછ્યું," સર, શું હું જાણી શકું છું કે મારા પિતાએ કોને દત્તક લીધેલ છે??ક્યાં રહે છે?? શું કરે છે??..."

આશિષની વાત વચ્ચે જ અટકાવતા રુચિકા બોલી," જેને લીધું હોય તેને આપણે શું?? જવા દે ને આશિષ. એટલે જ તેઓ ઘરમાંથી નીકળવા તૈયાર થઈ ગયા હશે.. મને લાગે છે તેઓ વૃદ્ધાશ્રમના નામે તેમના એ અનાથ બાળકના ઘરે જ રહેતા હશે...હવે એમના વિશે વિચારવાનો કે એમની સાથે સંબંધ રાખવાની કોઈ જરૂર નથી. રહેવા દે તેને એમના એ અનાથ દીકરા સાથે....."

રુચિકાની વાત સાંભળી મેનેજર સાહેબે કહ્યું," માફ કરજો આશિષ ભાઈ, રુચિકા બેન, મારે તમારા ઘરની વાતોમાં માથું ન મારવું જોઈએ...પણ રુચિકા બેન, તમારે તમારા સાસુ- સસરા માટે આવું ન બોલવું જોઈએ. તેમના લીધે જ તો તમને આ તમારો પ્રેમ - તમારો પતિ એવો આશિષ મળ્યો છે."

રુચિકા," તો એમાં શું થઈ ગયું?? બધા મા- બાપ પોતાના બાળક માટે એ બધું કરતા જ હોય છે."
મેનેજર સાહેબ," પોતાના બાળક માટે.....હમ્મ...પણ કોઈ અનાથ માટે નહિ !"
મેનેજર સાહેબની આ વાત સાંભળીને રુચિકા અને આશિષની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. આ સાંભળતા આશિષ તો જાણે સાવ શૂન્યમનસ્ક થઈ ગયો, અને રુચિકાને તો જાણે કાપો તો લોહી ન નીકળે તેવી દશા થઈ ગઈ. જે અનાથ બાળકોને તે ધિક્કારે છે એવા જ એક અનાથને તેણે આટલો પ્રેમ કર્યો અને તેની સાથે લગ્ન પણ કર્યા. તેને હજુ આ વાત પર જાણે કે વિશ્વાસ જ બેસતો ન હતો.

મેનેજર સાહેબે પોતાની વાત આગળ વધારતા કહ્યું," જગદીશ ભાઈએ જ્યારથી પોતાનો ધંધો શરૂ કર્યો, ત્યારથી જ અમારા અનાથાશ્રમમાં અવાર નવાર આવતા રહેતા અને અહીંના બાળકો માટે પોતાની આવકમાંથી કંઈ ને કંઈ લઈ આવતા. અમારા આશ્રમના બાળકો સાથે તેઓ એક અતૂટ લાગણીના બંધને બંધાયેલા હતા. તેમના લગ્ન બાદ પણ તેઓ બંને જણા આ આશ્રમની અચૂક મુલાકાત લેતા. એક દિવસ તેઓ બાળકો માટે નાસ્તો અને રમકડાં લઈને આવ્યા ત્યારે અમે બધા આ અનાથાશ્રમમાં નવા આવેલ બાળકના સ્વાસ્થ્ય માટે દોડાદોડી કરતા હતા. એ બાળક ખૂબ જ બીમાર હતું, સાથે સાવ નાનું પણ માંડ બે મહિનાનું લગભગ. ગાયત્રી બેન અને જગદીશ ભાઈને જાણ થતાં તેઓ પણ તે બાળકની સારવારમાં જોડાય ગયા. લગભગ ત્રણ દિવસની દોડધામ અને મહેનતથી તે બાળક સાજું થયું. ત્રણ દિવસ સતત તે બાળકની સાથે રહેવાથી ગાયત્રી બેનને તે બાળક સાથે મમતા બંધાઈ ગઈ. અને તેમણે તે બાળકને દત્તક લેવાનો નિર્ણય કર્યો. તે બાળક બીજું કોઈ નહિ પણ આ આશિષ જ છે."

આ વાત સાંભળીને આશિષની તો આંખો ભરાય આવી.પણ રુચિકા તો હજુ નમતું મુકવા માંગતી ન હતી. કરોડોની મિલકત પર અને આશિષ પર તે કોઈનો હક કોઈ સંજોગોમાં સ્વીકારવા માંગતી ન હતી. તે તો આક્રમક મુડમાં હોય એમ બોલવા લાગી,"અરે ,તો એમાં શું નવાઈ કરી!! તેમણે એમાં આશિષ પર શું ઉપકાર કર્યો? આશિષના લીધે તો એમને સંતાન મળ્યું.એવું કોઈ કારણ હશે તો જ તેમણે આશિષને દત્તક લેવાનો નિર્ણય કર્યો હશે ને?? બાકી કોઈ પોતાના સ્વાર્થ વગર થોડી કોઈ અનાથ બાળકને દત્તક લે."
રુચિકાની આ વાત સાંભળીને મેનેજર સાહેબ અને આશિષ બંને તેની સામે એકીટશે જોવા લાગ્યા...


(ક્રમશઃ....)



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED