પોતાના માતા- પિતા જગદીશ ભાઈ અને ગાયત્રી બહેનને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો નિર્ણય કરીને આશિષ તો શાંતિથી સુઈ ગયો. પોતાની યોજના સફળ થઈ તેના આનંદમાં રુચિકા પણ મીઠી નીંદર માણવા લાગી.. પણ ન સુઈ શક્યા તેમના માતા પિતા ગાયત્રી બહેન અને જગદીશ ભાઈ અને એ માતા પિતાને નીંદર આવે પણ કેમ જેના એકના એક દીકરાએ એમને ઘર છોડવાનું એટલી સરળતાથી કહી દીધું. ગાયત્રી બહેન તો સાવ ઢગલો થઈને બેસી ગયા અને રડવા લાગ્યા.જગદીશ ભાઈને પણ કદાચ રડવું જ હતું પણ એ એવાં વિચાર સાથે ન રડી શક્યા કે જો એ પણ તૂટી જશે તો પોતાની પત્નીને કોણ સંભાળશે?તેમણે ગાયત્રી બહેનને ઉભા કર્યા અને પલંગ પર બેસાડ્યા પછી એક બીજાના ટેકે બેઠા બેઠા જૂની સ્મૃતિઓમાં ખોવાય ગયા.
જ્યારેે તેમણે પહેલી વાર આશિષ સાથે આ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે તે બંનેની ખુશીની કોઈ સીમા ન હતી. આશિષની બાળપણની એક એક યાદો તેની ખુશી દરેક વસ્તુ આ ઘર સાથે સંકળાયેલી છે. તેની દરેક ઈચ્છાને પુરી કરવા તેના તેમણે કદી પણ વિચાર્યું ન હતું. આશિષે જે પણ માગ્યું તેને પળનોય વિલંબ કર્યા વિના જગદીશ ભાઈ અને ગાયત્રી બહેને એ આપ્યું છે.પછી તે રમકડાંની ગાડીથી માંડીને ડિઝાયર ગાડી સુધી અને પોતાના ખાસ મિત્રની દીકરી સાથે લગ્નના વચનથી બંધાયેલ છતાં આશિષની ખુશી માટે તેને ગમતી લાડી સુધી.અંતે આશિષ અને રુચિકાની ઈચ્છા તથા ખુશીને માન આપીને પુરા વિશ્વાસ સાથે ઘર અને વેપાર પણ તેના નામે કરી દીધો.
બીજા દિવસે સવારે જ ગાયત્રી બહેનને દુઃખી જોયા એટલે તેમણે આશિષ સાથે ફરી એકવાર વાત કરવાનું વિચાર્યું, કદાચ આશિષને તેની ભૂલ સમજાય અથવા ગઈ કાલે રાત્રે તેને થાક અમે ગુસ્સામાં જ તેઓને વૃદ્ધાશ્રમમાં જવા કહ્યું હોય.આશિષ પાસે જઈને જગદીશ ભાઈએ કહ્યું : " બેટા, તારી મા આખી રાત રડ્યા જ કરી છે. એનો તો વિચાર કર. રુચિકા બેટાને કદાચ મારુ કંઈ બોલવાનું ખરાબ લાગ્યું હોય તો મારી ભૂલની સજા તારી માને તો ન આપ?"
" પપ્પા, હું ક્યાં કોઈને સજા આપું છું. સજા હું શું કામ આપું? પપ્પા, તમને ત્યાં તમારી ઉંમરના મિત્રો મળી રહેશે. ગમશે તમને ત્યાં."આશિષે જગદીશ ભાઈ સામે જોયા વિના જ ધીરેથી કહી દીધું...
"સમજાય ગયું બેટા, બધું જ સમજાય ગયું...(જગદીશ ભાઈ જાણે ગળે ડૂમો ભરાય ગયો હોય એમ બોલ્યા) વાંધો નહિ. પણ બેટા એક ઉપકાર કરી શકીશ???" જગદીશ ભાઈ.
" શું પપ્પા..." આશિષ.
ઉપકારની વાત સાંભળી રુચિકા પણ રૂમમાં દોડી આવી..
" બેટા, તું અમને આજે જ વૃદ્ધાશ્રમમાં મૂકી જઈશ?? કેમ કે આવતી કાલ સુધી તારી માને કદાચ એવી ખોટી આશા રહ્યા કરશે કે મારા દીકરાનો નિર્ણય બદલે.અને અમને વૃદ્ધાશ્રમમાં ન મોકલે...પણ બેટા હું એવું નથી ઈચ્છતો કે હવે તારી મા તારી પાસે કોઈ પણ આશા રાખે..."
જગદીશ ભાઈના આ શબ્દો સાંભળી આશિષ શરમનો માર્યો નીચું જોઈ ગયો.પણ રુચિકા બોલી, :હા, આશિષ, પપ્પા સાચું કહે છે. મમ્મી પપ્પાને આજે જ જવું હોય તો મૂકી આવો. જેટલા જલ્દી એ લોકો ત્યાં જશે એટલા જ જલ્દી તેઓ ત્યાંના વાતાવરણ સાથે સેટ થઈ જશે...જે એમના માટે પણ સારું જ કહેવાય ને??
રુચિકાની વાત સાંભળી જગદીશભાઈ ની વાતને સમર્થન આપતા આશિષે કહ્યું : " સારું પપ્પા, જેવી તમારી મરજી."
આશિષ અને રુચિકાએ તો સવારે પેટ ભરીને નાસ્તો કર્યો પણ જગદીશભાઈ અને ગાયત્રીબેનના ગળા નીચેથી અન્નનો એક દાણો પણ ઉતર્યો નહિ. પણ એ વાતની દરકાર ક્યાં કોઈને હતી? આશિષ અને રુચિકા તો મમ્મી - પપ્પાનો સામાન ગાડીમાં મુકવા લાગ્યા. અને આશીષે કહ્યું, :" મમ્મી , પપ્પા જરા ઝડપ કરજો. મારે આજે કારખાને જરા વહેલું જવાનું છે તો અત્યારે જ તમને બંન્ને વૃદ્ધાશ્રમમાં મુકતો જઈશ એટલે મારે પાછો ધક્કો ન ખાવો." આ સાંભળીને ગાયત્રી બેન તો સાવ ભાંગી જ ગયા, પણ જગદીશભાઈ એ તેમને હિંમત બંધાવી.
ગાડીની પાછળની સીટ પર જગદીશભાઇ અને ગાયત્રી બેન બેસ્યા અને ગાડી સીધી જઈને ઉભી રહી ' આપણું ઘર' વૃદ્ધાશ્રમના ગેટ પાસે. આ દરમિયાન રસ્તામાં ન તો આશિષ એક શબ્દ બોલ્યો કે ન તેના માતા પિતા બોલી શક્યા.ત્યાંના વહીવટકર્તા સાથે વાતચીત કરો ફોર્મની બધી જ ફોર્મલિટી પુરી કરી આશિષ તરત જ ત્યાંથી નીકળી ગયો. એકવાર પણ તે પાછું વળીને તેના માં બાપનું મોં જોવા પણ ન રોકાયો કે ન બે શબ્દો બોલવા પણ રોકાયો. દીકરાના ગયા પછી ગાયત્રીબેન અને જગદીશ ભાઈ છુટ્ટા મોંએ રડી પડ્યા. જે દીકરાને તેમણે આટલો પ્રેમ આપ્યો, ભણાવ્યો, ગણાવ્યો, સમાજમાં એક ઓળખાણ આપી તે પોતાનો દીકરો આટલો બધો બદલાય ગયો.
" ગાયત્રી, રડ નહિ. નક્કી આપણા સંસ્કારોમાં જ કંઈ ખોટ રહી ગઈ હશે, નહિતર આવું કદી ન થાય." આમ કહી જગદીશ ભાઈ ગાયત્રી બેનને સાંત્વના આપતા આપતા જાણે પોતાના મનને પણ મનાવી રહ્યા હતા. ધીમે ધીમે તેઓ વૃધ્ધશ્રમમાં જ પોતાની બાકીની જિંદગી ગોઠવવા લાગ્યા.
જગદીશ ભાઈ અને ગાયત્રી બેનના ગયા પછી એકાદ મહિના બાદ આશિષના ઘરે એક વ્યક્તિ આવીને પૂછે છે,":"શું આ શેઠ શ્રી જગદીશભાઈનું ઘર છે??"
(ક્રમશઃ)