Paper without address books and stories free download online pdf in Gujarati

સરનામાં વગરનો કાગળ

અમદાવાદ નાં મણીનગર માં આવેલી એક નાનકડી ખોલીમાં રહેતો ભીમો આજ સવારથી જ ઉદાસ હતો, તેણે કામ જ એવું કર્યુ હતા તે જાતી જીંદગીએ તેમને ખૂંચી રહ્યું હતું. ખોલીને આગળિયો મારી તે બહાર આવ્યો, તેને કોઈ સરસામાન કે પૈસા લૂંટાવાનો ભય નહોતો કારણ ખોલીમાં ગાર ઉખડી ગયેલો ચૂલો, બે-પાંચ વાસણ ને ભાંગેલા ખાટલા પર ચાર-પાંચ ગોદડાં ને એક બે ઓશીકા સીવાય કાંઈ નહોતું.

ટાઢ, તડકા ને વરસાદથી બચવા તેની પાસે એક છાપરૂં હતું તેમને છેલ્લી વખત જોઈને નીકળી પડ્યો હાથમાં એક લાકડી ને ખિસ્સામાં થોડું પરચૂરણ લઈને. ક્યાં જવું તે નક્કી નહોતું ચાલતો ચાલતો તે કાંકરિયા પહોંચી ગયો. કાંકરિયાની પાળે બેઠો, પાસે પડેલો એક પત્થર તળાવમાં ફેંક્યો પાણીમાં અવાજ થયો ને પત્થર ડૂબી ગયો પણ તે વમળ ઉભા કરતો ગયો જે રીતે ભીમાના જીવનમાં વિચારોનાં વમળ ઉઠ્યા હતા. એક પછી એક વિચાર આવતા જ જતા હતા બંધ થવાનું નામ જ નહોતા લેતા.

ભીમો નાનો હતો ત્યારે તેનાં મા-બાપ ગુજરી ગયા, સગા એ ને આડોશી-પાડોશી એ ભેગા મળી મોટો કર્યો, દસ વરસ નો થયો ત્યારે બધાએ કીધું કે તું હવે મોટો થઈ ગયો અમારી જેમ મજૂરી કરી પેટિયું રળી લે. અમારા છોકરાં મોટા થયા છે તેનો ખાવા-પીવાનો ને પહેરવા-ઓઢવા નો ખરચો વધી ગયો છે તને હવે મદદ નહીં કરી શકીએ.

બધાની વાત સાંભળી ભીમો મજૂરી કામે લાગી ગયો. એકલો હતો એટલે ઉંમર વધતાં કોઈ છોકરી દેવાં તૈયાર નહોતું. કોક દીવસ રાંધે ને કોક 'દી બહાર ખાઈ લે. આમને આમ કરતાં ચાલિસી વટાવી ગયો પોતાની આવી જીંદગી થી કંટાળી ગયો.

વિધવા થયેલી એક છોકરી વરહ પેલાં ગામમાં આવી‌ હતી તેને પરણવા કોઈ રાજી નહોતું. ભીમાને કોઈ વ્યસન નહોતું ને સ્વભાવે પણ સારો હતો તેથી છોકરીના બાપાએ તેને સમજાવી ને ભીમા સાથે લગ્ન કરવા રાજી કરી. ભીમાને પણ પોતાનું ઘર બાંધવા માટે સમજાવ્યો. આમ ભીમાના લગ્ન ચાલીસ વરસે થઈ ગયા. ભીમાને અને તેની વહુ ને થયું એકાદ છોકરૂ થઈ જાય તો સારું. ભીમો કરમનો ફૂટેલો હતો, તેનાં ઘરે પારણું ન બંધાણુ તે નો જ બંધાણુ.

ભીમો પચાસનો થાવા આવ્યો કોઈકે કહ્યું ,માનતા માનો તેમણે માનતા માની ને તેમની માનેલી માનતા ફળી. ભીમાની વહું ને સારા દિવસો રહ્યા, શરીર સાવ દૂબળુ, આખો દી' મજૂરી કરવાની ત્યારે સાંજે વાળું ભેગા થાય તેમાં તો ડોક્ટરની દવા નાં પૈસા ક્યાંથી કાઢવા.

દિવસે દિવસે ભીમાની વહૂની તબિયત બગડવા માંડી ને છેલ્લે એક રાત્રે ઘરમાં જ દીકરાને જન્મ આપી મૃત્યુ પામી. ભીમો જડ થઈ ગયો આ શું થઈ ગયું. તેનાં મનમાં એક વિચાર આવ્યો, તેણે પહેલાં તાજા જન્મેલા છોકરાને નવડાવી તૈયાર કર્યો તેની વહુ એ સીવી રાખેલાં કપડાં પહેરાવ્યા જેમાં એક ખીસ્સુ હતું. તેને થોડું થોડું લખતાં વાંચતાં આવડતું હતું. તેથી તે એક ડાયરી સાથે પેન ઘરમાં રાખતો હતો તે લઈ આવ્યો. કાગળ ઉપર કંઈક લખી બાળક નાં ખીસ્સામાં તે કાગળ સરખી ઘડી વાળી ને નાખ્યો. બાળક ને તેડી અડધી રાતે એક મંદિનાં ઓટલે મૂકી આવ્યો ને ઘરે આવી હિબકે હિબકે રડ્યો. આ વિચારની સાથે જ ફરી તે હિબકે ચડ્યો. હવે મારે જીવીને શું કરવું મેં એવું કામ કર્યું છે કે ભલે લોકો જાણતા નથી પણ ઉપર બેઠેલા ભગવાનને બધી ખબર છે તે વિચારની સાથે જ તે પાળી પરથી કૂદવા વાંકો વળ્યો,
"એ.. દાદા પડી જશો.. બહુ નીચા નમીને ન જુઓ."
એક કોમળ અવાજ તેમને સંભાળાયો તે પાછો વળી ગયો. જોયું તો ચારેક વર્ષનો એક નાનો છોકરો તેમને બોલાવી રહ્યો હતો. ભીમો તે છોકરા પાસે ગયો, છોકરો ખિલખિલાટ હસવા લાગ્યો. ભિમાને બે ઘડી લાગ્યું કે 'મારો છોકરો પણ આવડો થઈ ગયો હશે! જો જીવતો રહ્યો હશે તો...'

ખિલખિલાટ હસતી રહેલો છોકરો ગંભીર બની ગયો.
"શું થયું કેમ દાંત કાઢતો બંધ થઈ ગયો," દીકરા કહી ભીમાએ તેનાં માથે હાથ ફેરવ્યો.

"કંઈ નહીં દાદા, એ તો હું મંદિરમાં પૂજારી પાસે રહું છું ને રોજ નોખી નોખી જગ્યાએ મારા બાપુને શોધવા જાવ છું. પણ તમે તો દાદા છો," કહેતા તે નાનો બાળક નિરાશ થઈ ગયો.

ભીમાનું હ્દય એક ધબકારો ચૂકી ગયું, તે બોલ્યો "તારી પાસે કોઈ એવી વસ્તુ છે જે તારા બાપુ સુધી તને પહોંચાડી શકે?"

"હા, છે ને‌!" કહી તેમણે એક ચોળાયેલો ફાટી ગયેલો કાગળ ખિસ્સામાંથી કાઢી ભીમાને આપ્યો.

ભીમાએ ધ્રુજતા હાથે તે કાગળ ખોલ્યો, તેમાં ગડબડીયા અક્ષરે લખ્યું હતું ‌'ભીમજીનો લાલો' વાંચતા જ ભીમો તે બાળકને ભેટી "મારા લાલા, મારા લાલા હું જ અભાગીયો તારો બાપ છું ને તું મારો દીકરો!" કહેતાં રડવા લાગ્યો.

બાળકે ભીમાના આંસુ લૂછ્યા ને કહ્યું, 'ચાલો બાપુ આપણાં ઘરે. મારૂં નામ સ્મિત ભલે રહ્યુ પણ તમારો તો લાલો. આ સરનામાં વગરના કાગળે મને મારા બાપુ પાસે પહોંચાડી દીધો."


પલ્લવી ઓઝા
"નવપલ્લવ"


બીજા રસપ્રદ વિકલ્પો