અષાઢ ઉતરીને શ્રાવણને બેસવું એવે વખતે મંગુને સારા દિ' છે. આમતો એના પેટે ત્રણ છોડિયું ને એક દેવનો દીધેલ છે, પણ બોરા પોયરાં હોય તો જટ કામ થાયને કમાઈ પણ બમણી આવે. આ અબુધ ને અભણ સમાજની આ માન્યતા હતી.
આ વાત આજથી બસો પિસ્તાળીસ વર્ષ જૂની છે. આમ જોઈએ તો બહુ જૂની નહિ પણ બસ શિક્ષણ અને ટેકનોલોજીના આગમન પૂર્વેની છે.
મેરગઢ સૌરાષ્ટ્ર ભોમિની બરોબર મધ્યે આવે. અહીં જોરુભા રાજાનું રાજ છે અને આઠ પાદરનો એ ધણી છે. ગરીબ પ્રજા કાળી મજુરી કરે ને વણિક પ્રજા વેપાર ! આમ જોવો તો દખી ને આમ જોવોતો લેર ! જાણે ભગવાનની મેર છે આ મેરગઢ પર !
દર પખવાડિયે સભા ભરાયને જેને જે વાંધાઅરજ હોય એ આંય આવીને રાજમાં કેવાની. હા ! નિવેડો આવે અચૂક કૈયેક વહેલું તો કૈયેક મોડું.
જીવલી મંગુની મોટી છોડી ગઢમાં ઘોડાનાં તબેલામાં વ્હાયદુ કરવા જાતી. બીજી બે છોડિયું તો હજી નાનીયુ હતી. બીજી સવલી ને તીજી મંજુ ! ઘરે સંજવારી ઠામ કરી લેતી પસે દેવનો દીધેલ ને સાત માનતાનો આ ભીખલો. એ જોકે હવે પાંચ વરહનો તો હયશે.
માવજીએ તો પોયરાનું મોઢું પણ નોતું જોયું. એ પાંચ વરહથી અભેપર એક ગરાસિયા પટેલને ન્યાં સાથી હતો. આટલી વેજા હોય તો એના પેટ તો ભરવા રયા, એટલે એ મેરગઢ પણ પુરા પાંચ વરહે આવીયો'તો.
મંગુ આજેય નવોઢા જેવી જ લાગતી'તી. માંડ પંદરની થય હશે, તંયેજ એને સાસરે વળાવેલી. સોળની થય ત્યારતો જીવલી એના ખોળામાં રમતી થય ગઈ'તી. સાસરે આવી ત્યારે માંડ બેડું ઉપડે એવડી હતી. તોય અદબથી ઈંઢોણી પર ડગમગ આખું બેડું લ્યે ને કાંખમાં બે ગાગર બીજી મેલે. પહોર ચઢે ઈ પેલા તો સીમમાંથી પાણી ભરી આવે. ગામ બારે એનું ખોયડું. કામની જીવરી બાઈ, એની સાસુ કેતી કે મારી મંગુ સાક્ષાત લખમીનો અવતાર સે. ઈ આ ઘરમાં આઈવી તે દી થી " ઘરની ચડતી ડેલી સે ! " વાડીકામ હોય કે ઘરકામ બધુય ઝટપટ નીપટાવી નાખે. નીરણ વાઢવી કે ઘયન્ટલો હાંકવો. ને બાપડીને મોઢામાં જીભનંબરે જેમ કયે ઈમ કરે. આ બાઈએ કોઈ દિ' ઘરકજીયા કે ઘરકંકાસ નહિ કરેલ.
મેલા ઘાઘરામાં કલરવાળી ચાર થીગડી મારેલી ને કામ કરીને પરસેવે રેબ-જેબ થયેલ ઈના દેહમાંથી પરસેવાની ગંધ આવતી'તી. માવજીને જોઇને મંગુ હરખભેર પરણેતરને પાણી દેવા ફળિયે ગઈ. સાસુને ખાટલે માવજી બેઠેલો એટલે ફટ દઇને ઘૂંઘટો તાણી લીધો ને બહાર ફળિયે જઈને સવલીને હાથમાં કળશ્યો દીધો. જટ જા તારા બાપુને પાણી દઈ આય. સવલી ક્યે ; " હેં બાઈ ! આ મારા કાકા સે ? "
"તઇ મુંઈ તને ઇ ભુલાઈ ગ્યું." મંગુએ ઠપકો આપતા કીધું.
એ સમયે મા ને “બાઈ” ને બાપ ને “કાકા” કહેતા.
એટલા માં ત્યાં ભીખો રમતો રમતો આઈવો, ઇને મન થ્યુ. ; " આ ફળિયે બા પાંહે વળી કોણ મે’માન સે ? "
માવજી ભીખલાને જોઇને સવળે બેઠો થયો. ; " હેં બાઈ આ મારો નાનકો ! " કે’તા તો ભિખલાને હરખભેર કાંખમાં તેડી લીધો. ભીખલા એ તો પેલી વાર બાપુ ને જોયો. પગમાં ભાઠા પડી ગયેલા, ધોળો ચોયણો મેલો ને બંડી એ દોરા દેખાતા'તા ! ગળામાં એના જેવું જ માદળિયું પેરેલું. છાતી કસાયેલી ને બાવડા જોરુકા દેખાતા'તા. આંખ અસલ એના જેવી કળાય. હજી જુવાનીનું જોમ એની આંખ્યું માં તરવરાટ લેતું દેખાતું'તું. એ પોયરો તો બેબાકળો બની ગ્યો, કાકા મારા કાકા કરતો'ક ગળે વળગી પડ્યો. આજ આ ફળિયે તહેવાર જેવો આનંદ હતો.
બાજરાના રોટલા ટીપાવાના અવાજ હાયરે પેટ પણ વાળું થવાના એંધાણ દેતુ'તુ. આજ આખું ઘર એક હાયરે બેહીને વાળું કરવાનું હતું. દિ' હજી આયથમો નોતો. સંધ્યા ટાણે ચોરે ઝાલર વાગે એટલે વાળું કરી લેવાની નીમ આખા ગામને હતી. જીવલી ગઢેથી આવીને કાકા ને જોઈને હરખાઈ ;" કાકા કંયે આયવા બાઈ ? "
બાઈ ક્યે; " નમતા પોરે,વળી હજી થોડીક વાર જ થઇ સે. લે જટ તું ચુલો સંભાળ હું ગવરી ને દોહીને વાળું સાટું દૂધ લેતી આવું. "
તાંહળી એક દૂધ ને બે પડ્યો ઉપસેલો બાજરાનો રોટલો, ખાંડેલી લસણની ચટણી ને ગર, એમ વાળુમાં આજ ભયરૂ ભાણું હતું. હજીય માવજી ને મંગુ મયળા જ નહોતા.
એક ઓરડો ને એમાંય કાંધી,ગોખલા, આરિયા મુકેલા. ને ઉંબરો આવે ન્યા ઇને અડીને ઓસરી. ઓસરીને અડોઅડ રસોડુ, ચૂલો બે મોઢાનો ને હાથે લીપીને બનાવેલી ચીમનીય ખરી. જરુરીયાતી જાંગડ જોડેલું આ ઘર ખરેખર એના લીપણને લીધે વધુ સારું દેખાતું.
ઓસરીમાં વાળું થ્યા. બા કયે ; " મંગુ ઈક કામ કર ભામને મારી પાંહે ફળિયે મેલીજા ને તું આજનો દિ' અંદર સુઈ જાજે ! મારો પીટીયો પાસો કે’દી ઘર ભેગો થાય નક્કી નય."
બાનો ખાટલો ને પોયરાની ભોંય પથારી કરી મંગુએ ઓરડે જઈ ભાતી ગોદડી પાથરી, દીવો કયરો ને દીવેલ જાજુ પૂરી દીવડો અભેરાઈ એ મેલ્યો. જ્યાંથી અજવાળું માલીપા આવે.
આજ આ બાઈનો હરખ સમાતો નથી. ભરથાર આવ્યે ટક વયો ગયો ને હજી ભેરો પણ નથ થ્યો. માવજી અંદર ઓરડે આયવો, અંદરથી બાયણાની સાંકળ ભીડી દીધી. મંગુને જોઈ હૈયું ધબકાર ચુયકુ.
પયણીને આયવો ને પેલી વાર જેમ જોઈ તી એમ જોઈ.
પગમાં બીડેલા કડલા, પાનીઢક ઘેર વાળો જરાક ઘસાયેલો ઘાઘરો પહેરછા થોડોક નાંભી હેઠેથી કસીને બાંધેલો ને એની નાભીની બાજુમાં કાળું તલ, છાતીનો ઉભાર એના દેહને કંઈક ઉભરેલું ને મદમોહક બનાવતું'તું. લાંબી ગરદન ને મરુની ઘેરી લાલશના એના હોઠ, ચહેરાને શોભે એવું નમણું નાક, સામે જોવે તો એની આંખમાં ડૂબીને ગરકાવ થઇ જવાય એવી કંઈક છીછરી આંજેલી એની આંખ. નેણની બરોબર ચાંદલો, કાનમાં બીડેલા વેઢલા, પોમ્ચું ઓઢેલું ને કઠણ ગાંઠ અંબોડો,બે કસ બાંધેલી એના કમખામાંથી અંગનો ઉજાસ એટલું પુરતું હતું, એના ધણીને મોહ પમાડવા નવોઢાના શણગાર સમી મંગુ આજ પરણ્યાની પેલી રાત સમી લાગતી'તી.
🌸🌸🌸🌸🌸
માવજી પડખે આવીને બેઠો એ ઢોલીયા પાસે હેઠી બેઠી, માવજી કયે; "અરે! બાઈ બારણું ભીડેલું સે માલીપા કોઈ ની આવે તમતમારે પડખે બેસ ને બે પાંચ મીઠી વાયતું કરી લઈ નહિ તો પહર થતા વળી તું કામે વળગીશ."
મંગુ પરણેતર પડખે બેઠી માગશર મહિનાની ટાઢ સારા સારાના હાડ ગગડાવી મેલે એવી ને ટાઢને સથવારે જ્યારે પરણ્યો એની પડખે હતો ત્યારે એકબીજા સામે એકીટસે જોઈ રહયા. કેટલો વખત આમ ને આમ ચુપકીદી થી વીત્યો. ધીરે ધીરે એકબીજામાં ખોવાવા લાગ્યા. માવજીનો હાથ પોમચું ખેચીને ગાંઠ અંબોડે ગયો ને ધીરેથી મંગુનો અંબોડો છુટ્યો. કાળા સાપની હાંસડી સમા વાળ એની કમરથી નીચે સુધી લંબાતા. માવજી ધીમે ધીમે મંગુના રૂપને પી રહ્યો'તો. એના લાવણ્યને માણવા એની આંખ્યું બંધ થઈ ગઈ'તી. મંગુનાં વાળની લટને ખોલતો એનો હાથ, કમખાની કસ સુધી લઈ ગ્યો. મંગુ શરમથી લાલ થઇ એના માથાને માવજીના ખભે ટેકવી દીધું. કસનો એક છેડો માવજીએ ધીરેથી સેરવ્યો એટલે મંગુના હાથ માવજીને વિંટળાઈ ગયા. પછી બે અંગોની ઉષ્મા ભેગી થયને બેયના પંડ્યમાંથી ધ્રુજારી છૂટી જઇ. હવે બેયના દેહ એકબીજા સામે ખુલ્લા થઈ ગ્યા તા, ને માગશરની ટાઢ્યમાં પણ ડીલે ગરમાવો થૈ ગ્યોતો. પ્રેમ ભૂખ્યા જીવ આજ એકમેકમાં ખોવાઈ ગ્યાતા.
કથ્થઈ મરુંની હોઠને ચુમાતા રોકી વઇચે મંગુ બોલી. ; " જરીક ધ્યાનથી હું માથાબોળ નાઈ એને હજી પાંચ દિ' જ થયા સે. હવે તો ભીખલો મોટો થઇ ગ્યો સે ને જીવલી નાતી થઇ ગઈ સે, ક્યાંક હવે હિચકાવવાનો વારો નો આવે એનો. "
ભાન ભૂલેલા માવજી એ કીધું.; " કાલ હું આંયથી વયો જઈસ, આજ તો ધરાઈ ને તને પીવી સે. જો ચાર ના પાંચ થાય તો ક્યાં વાંધો સે ! ને માગશરે રાખી દવ તો શ્રાવણે તું જલમ દઈસ્ય ને ? મારું સાથીપણું પૂરું થાય સે મનેય જોવા મળે ને તારો કણસ. તે ચાર જણ્યા ઈમા તો કોઈનું મોઢું મે જલમતાવેંત નથી જોયું. આજ તને કવ મને બોવ મન સે તું રોક્યમાં મને..."
આટલું હામ્ભળતા મંગુનું મોઢું મલક્યું, માવજીના મોઢે હવે હાશની લકીર હતી. ને બેઉ એક બીજામાં સમાઈ ગયા. પેલો પહોર થતા તો મંગુએ બેઠી થઇ પહેરછા સરખો કર્યો, વાડામાં જઈ કામ આટોપવા માંડ્યું. એના મોઢાનું તેજ ગઈ રાતની ચાડી ખાતુ'તું.