સવાર કુમળો શિયાળો અને કડકડતી ઠંડીના સમન્વય વચ્ચે ૮૦ વર્ષના નાનુંદાદુ રોડના કિનારે ફૂટપાથ પર બેસીને બુટ સીવવાનું અને બુટ પોલીસનું કામ કરી રહ્યા છે ઠંડો પવન હાડકાં ને અથડાઇને પાછો વરે છે ને કરચલીવાળી કુણી ચામડીને થથરાવી રહ્યો છે, ગરીબાઈ એ રીતે વિંટળાઈ છે આ ડોસાને કે ઠંડી એને ઠુઠવી નાખે.
ગાડીઓની દોડધામ અને ઘોંઘાટ વચ્ચે શહેર ઉઠી રહ્યું છે એવામાં એક બ્લેક કલરની મર્સિડીઝ ઉભી રહી. ઉતાવળે બ્રેક લાગી અને એક સરસ મજાના આકર્ષક બ્લેક કલરના રેમન્ડસૂટ અને વાઇટ કોલર શર્ટ તથા વાદળી ટાઈથી થી સજ ભરાવદાર ને ભરપુર મહેકનો મોંઘાઈ વર્ણવે એવી ખુશ્બુનો પર્ફ્યુમ તથા ઓછામાં ઓછા ૫૦,૦૦૦ની કિંમતના બુટ એ માણસની શાહુકારી ને અમીરાત એના પહેરવેશ પરથી દેખાઈ રહ્યા હતા.એવામા એના મુખ પરનું તેજ અને તેજસ્વી આંખો તથા વાક્છટા આહ્લાદક લાગી.
નાનુદાદુ પાસે આવી જલ્દીથી બુટપોલીસ કરી આપવા કહ્યું. દાદાએ ઝડપથી બુટપોલીસ કરી દીધા. ઠીંગરાતા દેહે ને ધ્રુજતા હાથે કામ કરવામાં સ્હેજ પણ વિલંબ ના કર્યો.
સ્પંદન થી આ દાદા'ની આવી હાલત ના જોવાઇ એટલે ગાડી નો પાછળ નો દરવાજો ખોલ્યો અને ઓવરકોટ દાદાને આપવા લાગ્યો. દાદા હસતાં હસતાં કહે અરે ભાઈ ના... ના.... મને આ જર્સી ન ખપે. સ્પંદનના સ્નેહ અને લાગણીને વશ થઈને નાનુંદાદુએ ઓવરકોટ પહેરી લીધો. સ્પંદન હસીને ત્યાંથી નીકળી ગયો.
દાદા આજે કંઈક અલગ દેખાઈ રહ્યા હતા પોતે આ જર્સી જોઈને ખૂબ ખુશ થયા વળી આ જર્સીમાં પાણી પણ અંદર નો'તુ આવતું એટલે કે બધી સિઝનમાં આ ઓવરકોટ સાથે રાખતા આમનમ વધુ આઠ મહિના વિત્યા. પરંતુ આ સમયમાં એક પણ રાત નાનુદાદુ રડ્યા વગર નથી રહ્યા.
પ્રશ્નોના જવાબ જ ના મળે એટલા અઘરા પ્રશ્ન જ નથી બનતા....
વાત એમ હતી કે જર્સી ના ખિસ્સામાં એક ફોટો પડ્યો હતો જે ઉતાવળમાં સ્પંદન ખિસ્સામાંથી કાઢવાનું ભૂલી ગયો હતો. એ ફોટો એટલે નાનુદાદુની જિંદગી એમનો દીકરો સ્પર્શ અને વહુ નંદિતા. એની વહુને આઠ વર્ષનો દીકરો સ્પંદન. આ ત્રણેનો આ ફોટો હતો.
આજથી પંદર વર્ષ પહેલા આ ત્રણે મૃત્યુ પામ્યા હતા.
એ ફોટો જોઈને દાદા રોજ રડે. એમને રોજ થાય કે આ ફોટો એ જુવાન પાસે કેમ????
મારા સ્પર્શને નંદિતાને કે સ્પંદનને એ ઓળખતો હશે???
સ્પંદન તો ક્યારેય વિચાર્યું નહોતું.
લાડમાં હંમેશ તે સ્પંદનને ગોઢલી કહીને બોલાવતા તોફાન કરે કે કોઈપણ ધમાલ કરે કોઈએ ગોઢલીને વઢવાનું નહીં એવો એ લાડકો...
દિવાળીના દિવસોમાં વેકેશન હોવાથી ત્રણે ફરવા જવાના હતા..નંદિતા નાનુંદાદુને પણ સાથે આવવા દબાણ કરતી હતી કે એકલા કેમ ફાવશે? જમવાનું શું કરશો? નવા લોકો નવી જગ્યા જોવા મળશે પરંતુ નાનુંદાદુ સાથે ના ગયા..
બેસતા વર્ષે વહેલી સવારે સમાચાર મળ્યા કે ટ્રેન અકસ્માતમાં ત્રણેય મૃત્યુ પામ્યા...ત્યારથી દાદા દિવસ અને રાત રડે... સાથે ગયા હોતા એકલી અધૂરી જિંદગી ના જીવી પડી હોત એવો અફસોસ કરે પણ અંતે તો ધાર્યું ધણીનું થાય..જનમ મરણ એનાં હાથમાં છે..
એક દિવસ આંસુ રોકાયા અને પાપી પેટ ના પોકાર શરુ થયાં પછી તો એ માટે કંઈક કરવું રહ્યું એટલે નજીકના રસ્તા પરની ફૂટપાથ પર બેસીને રોજેરોજનું બુટ સીવવાનું અને બુટપોલીસ કરવાનું કામ કરવા લાગ્યા...
ને ત્યાર પછી તો રસ્તા પર નીકળતી દરેક મર્સિડીઝ ધ્યાનથી જોતા કે કોઈ પહેલાં જેવું દેખાય તો ગાડી પાછળ દોટ મુકતા..
આજે વરસાદે જોર પકડ્યું છે વાદળો ઘેરાયા છે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે પણ દાદુ તો આઠ મહિનાથી એક પણ રજા વગર ત્યાં બેસે કે જો પેલો જુવાન ક્યાંયથી આવે તો???
આટલા વરસાદ સાથે એ જર્સી ઓઢીને બેઠા હતા, વાહનોની અવરજવર બંધ હતી ત્યાં લાઈનમાં ગાડીઓ ગોઠવાઈ ગઈ હતી અને પાણી ઉતરે લોકો એની રાહમાં હતા. ફુટપાથ પાણીથી ડૂબેલી હતી દાદા ત્યાંથી થોડા આગળ ઓછા પાણીની વચ્ચે હતા. ને દૂર દાદાને મર્સિડીઝ દેખાય પછી તેમણે તે ભણી દોટ મૂકી .......દરવાજો ખુલ્યો અને એક છટાથી પેલો જુવાન ગાડીમાંથી ઉતર્યો આજે દાદાએ યુવાન સામે જોયું એ જ આંખો વાંકડિયા વાળ હસતો ચહેરો દાદા ના હોઠ વચ્ચેથી શબ્દ સરી પડ્યો 'ગોઢલી'.....
નાનુંદાદુ ગોઠણડૂબ પાણીમાં પણ એ ઘડપણ યુવાનને શરમાવે એમ દોડ્યા... સામે સ્પંદનને પણ આ શબ્દે મંત્રમુગ્ધ કરી દીધો 'નાનુંદાદુ'….... નામની ચીસ ઘોંઘાટમાં પણ ગુંજી ઉઠી...પંદર વર્ષ પછીના મિલન પછી એમની વચ્ચેથી આ તોફાની હવા પણ નીકળી ન શકે એટલા ગાઢ આલિંગનથી બન્ને ભેટી પડ્યા...
હાથમાંથી છૂટેલી જર્સી હસતા હસતા પૂરમાં વહી રહી હતી આજે જર્સી એનું ઋણ ચુકવી ગઈ હતી...ને ઘડપણ ને એની લાકડી મળી ગઈ હતી...
-દયા સાકરીયા (અભણ)