Featured Books
શ્રેણી
શેયર કરો

આગે ભી જાને ના તુ - 55 - છેલ્લો ભાગ

ગતાંકમાં વાંચ્યું....

આઝમગઢથી પાછા ફર્યા બાદ અનંતરાય કમરપટ્ટો પોતાના રૂમમાં સાચવીને મૂકી દે છે. રાજીવ અને અનન્યાની સગાઈ નિર્વિઘ્ને અને સુપેરે સંપન્ન થાય છે. શારીરિક શ્રમ અને માનસિક થકાવટને લીધે બધા આરામ ફરમાવી રહ્યા છે, બસ જાગે છે તો એકલતાના શૂન્યવકાશમાં પોતાની યાદોની ખારાશ ઉલેચતી અને આંખોમાં આંસુઓનો સાગર ઘૂઘવતી રોશની....

હવે આગળ.....

રોશની પણ હજી જાગતી બેડ પર બેઠી હતી. એને ખબર હતી કે આવનારી સવાર સૂરજની સાથે સેંકડો સવાલ લઈને આવનારી હતી. કાલે રાજીવ અને અનંતરાય પાસેથી જ્યારે સુજાતાને વાસ્તવિકતાની જાણ થશે તો કેવો ધરતીકંપ સર્જાશે અને પોતે શું કહેવું એની અવઢવમાં આળોટતી રોશનીની આંખોમાં ઊંઘ ક્યારે અડ્ડો જમાવી બેઠી અને એની અસરથકી રોશની ક્યારે સુઈ ગઈ એની ખબર જ ન પડી....

સમય થતાં જ સૂર્યનારાયણ પોતાના રથપર સવાર થઈ આવી રહ્યા હતા. પંખીઓના મીઠા કલરવ અને પ્રભાતપુષ્પોના પમરાટથી સવારનું પવિત્ર વાતાવરણ સૌને નિંદ્રાદેવીનું શરણ ત્યાગી, આળસ ખંખેરી નવી સવારની નવી શરૂઆત કરવા જગાડી રહ્યા હતા.

અનંતરાય અને સુજાતા બ્રેકફાસ્ટ માટે રાજીવ અને રોશનીની રાહ જોઇને બેઠા હતા. અનંતરાયે હજી સુજાતાને મનીષ અને માયાનું પ્રકરણ સંભળાવ્યું નહોતું.

"રોજ વહેલી ઉઠનારી રોશની હજી નીચે નથી આવી? પહેલા તો ક્યારેય એવું નથી બન્યું." મા સહજ ચિંતાના આવરણથી ઓઝપાયેલી સુજાતાએ પોતાનો બળાપો કાઢ્યો.

"થાકી ગઈ હશે એ, આંખ લાગી ગઈ હશે. આપણે પણ આજે સ્ટાફને રજા આપી જ છે ને, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બધાએ સગાઈમાં મદદ કરી જ છે. રોશની પણ થાકીને સુઈ ગઈ હશે. આવી જશે, તું નાહક ચિંતા કરે છે." પોતાના મનમાં સળગી રહેલી ચિંતાની ચિતાનો ધુમાડો ક્યાંક સુજાતાને ભરખી ન જાય એની તકેદારી રાખી, ચહેરા પર નિશ્ચિંતતાના ભાવ લાવી અનંતરાય સુજાતાના ચહેરા પર લપેટાયલી આશંકાની લકીરોને હટાવવા મથી રહ્યા હતા.

મનોમંથનના મહાસાગરમાં ગોથાં ખાઈને મોડેથી સુતેલી રોશનીની આંખ ખુલી ત્યારે થોડું મોડું થઈ ચૂક્યું હતું. નિત્યક્રમ પતાવી, તૈયાર થઈ એ નીચે આવી ત્યારે અનંતરાય, સુજાતા અને રાજીવ એની જ રાહ જોઇને હજી ડાઇનિંગ ટેબલ પર જ બેઠા હતા.

"મમ્મી, તેં મને જગાડી કેમ નહિ, કેટલું મોડું થઈ ગયું છે આજે." રાજીવની બાજુની ચેર પર રોશની ગોઠવાઈ, "આશાબેન નાસ્તો લાવો, ભૂખ લાગી છે." હળવાશના ભાવનો મુખવટો ઓઢી જાણે કાંઈ બન્યું જ ન હોય એમ રોશની નોર્મલ રહેવાનો અભિનય કરી રહી હતી.

આશા બધા માટે નાસ્તો લઈ આવી એટલે ચારેય એને ન્યાય આપતા ખાવા લાગ્યા પણ સુજાતાની આંખોએ નોંધ્યું કે એના સિવાય એ ત્રણે જણ એનાથી કાંઈક છુપાવી રહ્યા હોય એમ ચૂપચાપ, નીચે જોઈ થોડુંથોડું ખાઈને ઉઠી ગયા. ત્રણેની આંખોમાં વંચાતો ઉચાટ સુજાતાના મનમાં અનેક પ્રશ્નો ઉભા કરી ગયો.

"અનંત, શું થયું છે. મને કેમ એવું લાગે છે કે તમે કાંઈક કહેવા માંગો છો પણ કહી નથી શકતા." સુજાતા આવીને અનંતરાયની બાજુમાં બેઠી, "તમે એકલા જ નહીં પણ આ બેઉ પણ..."

રાજીવ અને રોશનીની નજર આપસમાં ટકરાઈ.

"સુજાતા.....વા...ત... જા....ણે.. એમ છે કે....." એક નવા પ્રકરણ અને એક નવા સંબંધના સાક્ષી બનેલા અનંતરાયે આખો ઘટનાક્રમ ટૂંકમાં કહી સંભળાવ્યો.

"શું......" સુજાતાના મોઢેથી તીણી ચીસ નીકળી ગઈ.

"હા મમ્મી, પપ્પાએ જે કીધું છે એ સો ટકા સાચી વાત છે."

"રોશની.... તને આ વાત ખબર છે?" ત્રણેની નજર રોશની પર સ્થિર થઈ ગઈ.

"હા...પપ્પા, વહેલું-મોડું આ થવાનું જ હતું. પરણ્યાની પહેલી રાતથી જ જે સ્ત્રીનો પતિ એને સ્પર્શ્યા વગર, અધૂરાં સપના અને અધૂરાં ઓરતાની અર્થીનો ભાર ખભે નાખીને ફક્ત દંભી સમાજમાં પોતાની એબ ઢાંકવા અને લોકો સામે શુરો બનવા અભિનયનો અંચળો ઓઢી, પરિવાર સામે સારો પતિ સાબિત થવા માટે પત્ની સાથે આ ખોટું બંધન નિભાવવાનો સાચો અભિનય કરતો રહ્યો. એક સાઈન કરેલા કોન્ટ્રેક્ટ પેપરપર પ્રિન્ટ કરેલા પોઇન્ટ પ્રમાણે પતિ-પત્નીનું કેરેકટર નિભાવતા હું પણ થાકી ગઈ હતી મમ્મી, બસ..., મને એટલી ખબર નથી કે એ સ્ત્રી કોણ છે?"

"રોશની... બેટા આટઆટલું વીતી ગયું એમ છતાંય તેં એક હરફ સુધ્ધાં ન ઉચ્ચાર્યો. આટલો વખત એક ભભૂકતા જ્વાળામુખીનો જલદ ભાર પોતાના હૈયામાં દબાવી તેં અમને પણ અંધારામાં રાખ્યા?"

"સાસુ-સસરાને આપેલું વચન નિભાવવાની અને બંને પરિવારની આબરુ ને આમન્યા જાળવવાની સો-સો મણની જવાબદારી હેઠળ દબાઈને હું કયા મોઢે તમને આ વાત કરું અને... જમનામાસીએ મોકલેલા ફોટા જોયા પછી પણ એ સ્ત્રીના ચહેરામાં હું મારું પ્રતિબિંબ શોધવા મથતી રહી પણ ઝાંઝવાનું નીર મને ક્યાંથી હાથ લાગે. મેં ઘણી વખત મનીષ સાથે આ વાતનો તંતુ જોડવાની કોશિશ કરી પણ ત્યારે એ પોતે પણ નહોતો જાણતો કે એના જીવનમાં પહેલું પગથિયું બની ઉભેલી એ સ્ત્રી એ સમયે ક્યાં હતી. સમય અને નસીબના ચકરડા જ એવા ફર્યા કે જમનામાસી દ્વારા એ બંનેનો ભેટો થઈ ગયો અને પહેલી પ્રીતની યાદ મનીષ પર હાવી ગઈ." પરસેવે રેબઝેબ રોશનીની છાતી ધમણની જેમ ચાલી રહી હતી.

"તને જાણવું છે એ સ્ત્રી કોણ છે? તો સાંભળ, એ છે મારા જીગરી મિત્ર રતનની પત્ની માયા...." રાજીવના શબ્દો સાંભળી સુજાતા અને રોશનીની આંખો પહોળી થઈ ગઈ. રાજીવે અત થી ઇતિ સુધીની હકીકત બયાન કરી.

"મેં અને મનિષે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું અને વકીલ પાસે પેપર્સ પણ તૈયાર કરાવી લીધા હતા. મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડીંગથી ડિવોર્સ પેપર્સ સાઈન કરી વકીલ દ્વારા કોર્ટમાં એપ્લિકેશન પણ ફાઈલ કરી દીધી હતી અને અમારા ડિવોર્સ પર જજે પોતાના ચુકાદાની મહોર પણ મારી દીધી હતી. રાજીવની સગાઈ પછી આ વાત અમે જાહેર કરવાના જ હતા પણ એ વચગાળાના સમયમાં આ બધું બની ગયું અને...." આગળના શબ્દો રોશનીના ડૂસકાંમાં સમાઈ ગયા પણ ફરી પોતાની જાતને સંભાળી રોશનીએ વાતનો દોર ચાલુ રાખ્યો, "પપ્પા, મમ્મી, જે થઈ ગયું એ થઈ ગયું. હવે હું આગળ વધવા માંગુ છું. સૂરજની જેમ ઢળી જવા કરતાં હું ઝળહળતો દિપક બનવા માંગુ છું. પપ્પા, શું હું ઓફીસ જોઈન કરી શકું છું? હું જીવવા માંગુ છું. પિંજરામાં પુરાયેલ પક્ષી બનીને નથી રહેવું હવે. કહેવાય છે ને સમયથી મોટો કોઈ મલમ નથી. હું પણ બધું ભૂલીને નવી શરૂઆત કરવા માગું છું. તમે મને સાથ આપશો ને?" સુજાતાએ રોશનીને ગળે વળગાડી અને મોકળા મને એને રડવા દીધી. આંસુઓની ખારાશમાં રોશનીનું દુઃખ, એનો આક્રોશ, એની યાદો બધું જ વહી ગયું.

*** *** ***

સમયની રેત સરતી ગઈ અને વખત વીતતો ગયો. રાજીવ અને અનન્યાની સગાઈને પણ છ મહિના જેટલો સમય વીતી ગયો. એ સુવર્ણકાળમાં મહાલતા અને સપનાઓ સજાવી પોતાના સુખદ લગ્નજીવનની કલ્પનામાં રાચતા રાજીવ અને અનન્યા વચ્ચે વચ્ચે ચાર-પાંચ વખત એકબીજાને મળી પોતાના લગ્નજીવનનો પાયો મજબૂત બનાવી રહ્યા હતા.

"રાજીવ, મને એક વિચાર આવે છે પણ કહું કે નહીં એની અવઢવ છે," અનન્યા અને રાજીવ એક સાંજે હોટેલમાં બેઠા હતા.

"આપણા સંબંધમાં અવઢવ, શંકા, વહેમ, અવિશ્વાસ જેવા શબ્દો માટે કોઈ સ્થાન જ નથી. તું તારા મનની વાત મને જણાવી શકે છે."

અનન્યાએ જે પ્રસ્તાવ રાજીવ સમક્ષ રજુ કર્યો એ સાંભળી રાજીવનો ચહેરો ખીલી ઉઠ્યો.

"આ વાત મને કેમ ન સૂઝી, આ તો સોને પે સુહાગા જેવી વાત છે. આપણે ઘરે જઈને મમ્મી-પપ્પા સાથે વાત કરીએ."

"ના રાજીવ, એ પહેલાં તારે રાજપરા જવું પડશે, ત્યાં જઈ રતનના મનનો તાગ મેળવવો પડશે."

"યસ, યુ આર રાઈટ, હું એક-બે દિવસમાં રાજપરા જઈ આવું પછી આગળ વાત."

રતનને સરપ્રાઈઝ આપવાના હેતુથી એને જણાવ્યા વગર જ રાજીવ રાજપરા પહોંચી ગયો. એનું આગમન જોરુભા અને કનકબા માટે વાસંતી વાયરા જેવું શીતળ પુરવાર થયું. રાજીવે જ્યારે એમને ત્યાં આવવાનો પોતાનો ઉદ્દેશ્ય જણાવ્યો ત્યારે એમને કાળજામાં ભોંકાતી શૂળ કાઢી કોઈએ મલમ લગાડ્યા જેવી ઠંડક અનુભવતા બંને રતનની જીવનમાં આવેલી પાનખરમાં નવી કૂંપળ ફૂટવાની આશ દેખાઈ.

"રાજીવ દીકરા, તું જ રતનને સમજાવ. એની આ હાલત જોઈને અમારા ગળા નીચે અન્નનો દાણોય નથી ઉતરતો." જોરુભાના જોડાયેલા હાથે રાજીવની આંખમાં ઝળઝળિયાં લાવી દીધા.

માયાના ગયા પછી તેજીલા તોખાર જેવા રતનનું જીવન એક એકાંત અને અંતર્મુખી કોચલામાં કેદ થઈ ગયું હતું. એના સુખદુઃખની એકમાત્ર સાથી એવી રાની પણ એની વેદનાને જાણી ગઈ હોય એમ ગુમસુમ બની ગઈ હતી. ક્યારેક ક્યારેક રાની પર સવાર થઈ રતન અરવલ્લીની પર્વતમાળા પાસે જઈ પહોંચતો અને મૃગજળ જેવી માયાના અસ્તિત્વને એકાંતમાં આંસુઓ વડે વહાવી દેતો.

"મારા ભાઈ જેવા ભેરુની આ હાલત, રતન, હજી તો લાઈફની લાંબી મજલ કાપવાની બાકી છે. મને મારો પહેલા જેવો રતન પાછો જોઈએ છે." બે દિવસ રતન સાથે રાજપરામાં વિતાવી એના જીવનમાં હકારાત્મકતાનું હળ ચલાવી એની વેરાન જિંદગીમાં ખુશીઓની ફસલ લહેરાવવાના નિર્ણય સાથે રાજીવ વડોદરા પાછો ફર્યો.

ઘરે આવ્યા પછી રાજીવે સુજાતા, અનંતરાય અને રોશની સામે અનન્યાનો પ્રસ્તાવ રજૂ કર્યો.

"રોશની, હવે તો તું પણ લાઈફમાં સેટ થઈ ગઈ છે અને અનન્યાની વાત પણ ખોટી તો નથી જ. તારે પણ સાથીની જરૂર છે અને રતનથી યોગ્ય પાત્ર તો શોધતાં પણ નહીં મળે. અત્યાર સુધી રતન મારી સમ-વિષમ દરેક સ્થિતિમાં મારી પડખે ઉભો રહ્યો છે અને હવે મારે એની પડખે ઉભું રહેવાનો સમય આવ્યો છે."

"હું ના નથી પાડી રહી પણ હા પણ નથી પાડી રહી.... અને...પહેલાં રતનનો અભિપ્રાય જાણવો પણ જરૂરી છે."

"કાલે જ બાપજી સાથે મારે વાત થઈ હતી. એમના કહેવા પ્રમાણે રતનની પ્રતિકૂળ પરિસ્થિતિના પરિઘમાંથી બહાર આવી રહ્યો છે અને જો તું હા પાડે તો બંને પરિવાર માટે આનાથી વધુ ખુશી કઈ હોઈ શકે,"

બંને પરિવારોની સમજાવટને અંતે રતન અને રોશનીએ એકમેકને મળી, સમજીને આ સંબંધને આગળ વધારવા હામી ભણી ત્યારે બંને પરિવારોમાં રાજીપાની હેલી વરસી રહી અને એક જ મંડપમાં બંને મિત્રોએ ફેરા ફરવાનું નક્કી કર્યું.

*** *** ***

"રાજીવ..... આપણે ચારેય હનીમૂન પર પણ સાથે જ જઈશું, પણ... ક્યાં જવું એ વિચારીએ." એક સાંજે ચારેય જણ પારેખવિલાની લૉનમાં બેસી ભવિષ્યના સુખદ સોનેરી શમણાં ગૂંથતા બેઠા હતા.

"આ.....ઝમગઢ જઈએ....." રોશનીએ કહ્યું અને ચારેય ખડખડાટ હસી પડ્યા. રાજીવ-અનન્યા અને રતન-રોશનીની જોડી જોઈ રહેલા અનંતરાય અને સુજાતાની આંખોની કોર ભીની થઈ ગઈ.....

'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.

(સમાપ્ત)