Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૨

કાજલ અને કોલેજ

રાજકોટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત મીનાબેન કુંડલીયા મહિલા કોમર્સ કોલેજમાં કાજલે બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ચૌધરી હાઇસ્કુલના વિસ્તારમાં આવેલ કોલેજમાં દાખલ થતાં જ ઘેરા પીળા રંગના ચાર સ્તંભો, અને તેમના ટેકા પર બાંધેલ છતની દીવાલ પર દાતાશ્રીના નામ સાથે કોલેજનું નામ વાદળી અક્ષરોમાં લખેલ હતું. ત્રણ વર્ષનો સ્નાતકનો અભ્યાસક્રમ આ જ કોલેજમાં પૂર્ણ કરેલ હોવાથી કાજલ માટે કોલેજ ઘર સમાન બની ચૂકેલી. કોમર્સના અત્યંત પ્રચલિત વિષયો એટલે નામું, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. કાજલ પણ આ જ વિષયો સાથે અભ્યાસ કરી રહી હતી. કાજલે બી.કોમ.ના અંતિમ વર્ષના પરિણામથી દર્શાવી દીધું હતું કે નામા અને આંકડાશાસ્ત્રમાં તે માહેર હતી. કોલેજમાં આ બંને વિષયોમાં પ્રથમ પદે ઉતીર્ણ થઇ હતી. જો કે તેનો સમય ખાસ કરીને મિત્રો સાથે ગપાટા મારવામાં વીતતો હતો. તેણે કોલેજના અભ્યાસને ગંભીરતાથી લીધો જ નહોતો. ગણતરી બાબતની કુદરતી બક્ષિસ તેની સફળતા માટે જવાબદાર હતી. મિત્રો સાથે મોજમસ્તીમાં જ તેણે ત્રણ વર્ષ પૂરા કરેલા.

વેકેશનના સમયગાળામાં, હજુ અનુસ્નાતકના અભ્યાસક્રમ માટે એડમિશનની પ્રક્રિયા શરૂ થઇ ન હતી; એટલે કાજલની માતા વિનોદને ટિફિન આપવા માટે તેને મોકલતી. વિનોદનું કાર્યાલય, આર.ટી.ઓ. ઓફિસ રહેઠાણની અત્યંત નજીક હતું. આથી પગપાળા જ પહોંચી શકાતું. કાજલ પણ ચાલતા, હાથમાં ટિફિન હલાવતાં હલાવતાં નીકળી પડી. વિનોદનું ટેબલ કાર્યાલયના બીજા માળે હતું. સરકારી નોકરીમાં વ્યક્તિ નામ કરતા કયું ટેબલ સંભાળે છે, તેના દ્વારા વધુ ઓળખાતો હોય છે. તેમજ વિનોદ પાસે જે ટેબલ હતું, તેમાં સરકારી આવક કરતાં પણ વધુ કમાઇ શકાય તેમ હતું. પરંતુ તેણે આજીવન કોઇ ખોટી આવક બાબતે ના તો કોઇ લાલસા દર્શાવી કે ના તો લેવાની આડકતરી રીતે ઇચ્છા દર્શાવી. ભરયુવાનીનો કાળ જીવતી કાજલ માટે બધું ગૌણ હતું. મુખ્ય હતી તેની ઇચ્છાઓ, મસ્તી, સ્ત્રીમિત્રો. અલબત્ત, તે બાળકોને ટ્યુશન કરાવી પિતાને મદદ કરતી. પરંતુ જવાબદારી પ્રત્યે એટલી ગંભીરતા કેળવાઇ નહોતિ. ટિફિન લઇને જ્યારે તે આર.ટી.ઓ.માં દાખલ થઇ, વિનોદ તેની આગળ જ જઇ રહ્યો હતો. કાજલે પિતાને સાદ આપ્યો નહીં. તે પાછળ પાછળ ચાલવા લાગી. જોવા માંગતી હતી કે તેના પિતાનું કામ કઇ બાબતનું હતું. વિનોદ તેના કાર્યાલય તરફ જવા માટેની નિસરણીઓ ચડવા લાગ્યો. વિનોદની ઝડપ સામે કાજલ વધુ તીવ્ર હતી. આથી કાજલે પિતાની પાછળ જ ધીમે ધીમે પગથિયાં ચડવાનું શરૂ કર્યું. વિનોદ કઠેડાના ટેકે પહેલાં માળ સુધી પહોંચ્યો, અને થાકી ગયો. થોડી વાર ઊભો રહ્યો. તેનો શ્વાસ હુંકારા મારવા લાગ્યો. થોડીક ક્ષણો પછી ફરી તેણે ચડવાનું શરૂ કર્યું, અને આખરે તેના ટેબલ સુધી પહોંચ્યો. કાજલ પાછળ પાછળ જ રૂમમાં દાખલ થઇ. હસતા ચહેરા સાથે તેણે ટિફિન ટેબલ પર મૂક્યું. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના ચૂપચાપ કાજલ રૂમમાંથી નીકળી ગઇ. નીચે ઉતરતાં સુધીમાં તો તેની આંખો ભીની થઇ ગઇ. દુપટ્ટાથી આંસુંઓને છુપાવતી તે ઘરે પહોંચી. સીધી જ પહેલા માળે ઓરડામાં જતી રહી. સાંજે જ્યારે વિનોદ આવ્યો ત્યારે તે નીચે ઉતરી. તેણે વિનોદના ચહેરા પર કોઇ પણ પ્રકારનો થાક જોયો નહીં, ઉપરથી હસતા મોંઢે આવેલા પિતાને જોઇ તે અચંબિત હતી. રોજની પ્રક્રિયાનું જ પુનરાવર્તન હતું, પણ આજે કાજલ કંઇક અલગ અવસ્થામાં હતી. માટે જ તે અચરજ પામેલી. તેણે પણ ચહેરાના હાવભાવ પર નિયત્રંણ રાખ્યું, અને વિનોદને ભેટી પડી.

બીજા દિવસનો સૂરજ કાજલના બદલાવ સાથે ઉગવાનો હતો, અને ઉગ્યો પણ. કાજલે પ્રતિદિન એક કલાકના ટ્યુશનના સમયની અવધિ વધારી દીધેલી. તેના આ પ્રયત્ને, તેને વધુ બાળકો મેળવી આપ્યા. અઠવાડિયામાં તો કાજલ પાસે વિદ્યાર્થીઓની સંખ્યા વધી, અને તે દિવસમાં ચાર કલાક ટ્યુશન પાછળ આપવા લાગી. માતા ઘરકામ બાબતે સક્ષમ હોવાને કારણે જ કાજલના ભાગે ઘરકામ આવતું નહીં. તે સંપૂર્ણ સમય તેના પિતાને મદદરૂપ થવા માટે કાર્યરત રહેવા લાગી. ટૂંક સમયમાં જ એમ.કોમ.ના એડમિશનની પ્રક્રિયા ચાલુ થઇ ગઇ. કાજલે સ્નાતકનો અભ્યાસ કર્યો તે જ કોલેજમાં અનુસ્નાતકની પદવી માટે એડમિશન લીધું. સાથે સાથે તેણે તેને મનગમતી ઇતર પ્રવૃત્તિઓ કે જેને તે સમય પસાર કરવાનું માધ્યમ માનતી હતી, તેમાં પણ પરિપક્વતા કેળવવાનું શરૂ કરી દીધેલું.

એમ.કોમ.ના પહેલા દિવસે જ્યારે કાજલ કોલેજ પહોંચી, તેને તેની ટોળકીનો ભેટો થઇ ગયો. બધા એકબીજાને ભેટી પડ્યા. આશરે પચાસેક દિવસના લાંબા વિરામ બાદ પાછા ભેગા થયા હતા. બજારમાં તો ભલે ને રોજ મળતાં હોય, પરંતુ કોલેજમાં મળવાનો આનંદ અલગ હોતો હોય છે. બી.કોમ.ની જેમ જ પાછા ગપાટાઓ, મસ્તીઓ ચાલુ થવાની હતી. પરંતુ આ વખતે મિત્રોને કાજલમાં બદલાવ દેખાયો. તે અભ્યાસ પ્રત્યે વધુ ધ્યાન આપવા લાગી હતી. પ્રોફેસરોમાં પણ તેની છાપ વધુ ને વધુ ઘેરી બનવા લાગી હતી. બી.કોમ. સુધીનો સમય જ પસાર કરી ભણતર પૂર્ણ કરવાને આરે હતી, તે છોકરી આજે ગંભીર હતી. પરિપક્વ હતી. અડગ હતી.

ત્રણેક મહિના પછી જીલ્લા કક્ષાએ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું. મીનાબેન કુંડલીયા કોલેજ તરફ્થી કાજલને પ્રતિયોગી તરીકે મોકલવામાં આવેલી. કાજલ પણ તૈયાર હતી. તેણે મનોમન નક્કી કર્યું હતું કે જીલ્લા કક્ષાએ તેનું નામ આવવું જોઇએ. એકદિવસીય પ્રતિયોગીતાને અંતે કાજલ રાતના સાતેક કલાકે ઘરે પહોંચી. ડેલીમાં દાખલ થતાં જ વિનોદે કાજલને અભિવાદન આપ્યા.

‘તમને કેવી રીતે ખબર પડી કે, મેં જીત મેળવી છે...’, કાજલે વિજેતા તરીકેનું પ્રમાણપત્ર, જે તે પીઠ પાછળ છુપાવી રહી હતી, એ આગળ કર્યું.

‘મને મારા દીકરા પર વિશ્વાસ છે...’, વિનોદ હંમેશા કાજલને દીકરો જ ગણતો હતો. તે દીકરી નહી, વિનોદ માટે દીકરો જ હતી.

‘હું, જીતી તો છું, અને એ પણ પ્રથમ ક્રમાંકે’

વિનોદે પ્રમાણપત્ર વાંચતા વાંચતા કાજલના માથે હાથ ફેરવ્યો. માતાનો રસોડામાંથી જ અવાજ આવ્યો, ‘આ તારી પ્રતિયોગીતા શેની હતી? મને તો એ જ ખબર નથી. મને તો જણાવ.’

કાજલ રસોડા તરફ માતાની નજીક આવી અને મુખમાંથી શબ્દો સરી પડ્યા, ‘મારી મનગમતી પ્રવૃત્તિની’

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏