Featured Books
શ્રેણી
શેયર કરો

તારી ચાહમાં... એક અનોખી પ્રેમકથા - 4

પ્રણવ અને મિનલની ટેકરી ઉપરની આ મુલાકાત મિનલને અને પ્રણવને જિંદગીભર યાદ રહી ગઈ. મિનલની ખરી વિદાય આ હતી. જે તે જિંદગીમાં ક્યારેય ભૂલી શકી નહિ.

લગ્નની બધી જ તૈયારી થઈ ચૂકી હતી. અર્ચુ તેના નાના દિકરાને લઇને રમણકાકાના ઘરે આવી ગઇ હતી. મિનલના હાથમાં લગ્નની મહેંદી મુકાઈ ગઈ હતી,પીઠી ચોળાઇ ગઇ હતી. બસ,હવે જાન આવવાની જ વાર હતી.

લગ્નના આગલા દિવસે રાત્રે મિનલ આખી રાત જાગતી બારી પાસે પ્રણવની રાહ જોતી બેઠી હતી. બીજે દિવસે સવારે જાન આવવાની હતી, તેને મિહિર સાથે લગ્ન કરવા જ ન હતા.

પણ આખી રાત વીતી ગઇ, સવાર પડી, સૂર્યનું પહેલું કિરણ બારીમાંથી અંદર ડોકિયું કરવા લાગ્યું મિનલની આંખમાં ક્ષણવાર માટે પણ નીંદર આવી ન હતી નજર પ્રણવને જોવા તડપી રહી હતી પણ પ્રણવ ન આવ્યો તે ન જ આવ્યો. મિનલના લગ્ન મિહિર સાથે થઇ ગયા. ગાડી-વાડી બધું જ મિનલ પાસે હતું બસ,ફક્ત પ્રણવ તેને ન મળ્યો તેનો વસવસો તેને આખી જિંદગી રહી ગયો. મિહિરને મિનલ ખૂબજ ગમતી હતી, તેની મિનલ સાથે લગ્ન કરવાની ઇચ્છા પૂર્ણ થઈ હતી તેથી તે ખૂબજ ખુશ હતો.તે મિનલને ખૂબજ પ્રેમ કરતો હતો.

તેનાથી મિનલને બે દિકરા હતા. મિનલે પ્રણવની યાદમાં મોટા દિકરાનું નામ "પ્રેમ" પાડ્યું હતું અને નાના દિકરાનું નામ પરાગ પાડ્યું હતું.બંને ભણવામાં ખૂબજ, મિનલ જેવા હોંશિયાર હતા. બંને મોટા થઇ ગયા હતા અને બંનેને પરણાવી દીધા હતા. પણ આખાય ઘરમાં રાજ મિનલનું જ ચાલે એટલો તેનો બંને વહુઓ ઉપર દાબ, મિહિરનું હાર્ટએટેક આવવથી મૃત્યુ થઇ ગયું હતું.

ગામડે પણ મમ્મી-પપ્પાની ઉંમર થવાથી વારાફરથી બંનેનું મૃત્યુ થઇ ગયું હતું.એટલે ઘર હવે ખાલી હતુ. મિનલ ક્યારેક ક્યારેક આવતી અને સાફ-સફાઇ કરતી, નીચે એક રૂમ-રસોડું અને મેડા ઉપર એક રૂમ અને તેની ઉપર પતરા, રમણકાકાનું નાનું પણ સુંદર ઘર હતું.

મિનલના દિકરાઓ બંને પોતપોતાનું ઘર અને કારોબાર સાથે શહેરમાં જ રહેતા હતા. એટલે મિનલ અહીં આવીને થોડા દિવસ શાંતિથી રહેતી અને મન ભરાઈ જાય એટલે પાછી દિકરાઓને ત્યાં ચાલી જતી.

આજે કમલેશભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને,બાજુનું જ ઘર થાય એટલે બેસવા આવવું પડે વિચારીને થોડા દિવસ રહેવાનું કરીને જ આવી હતી.

આટલા બધા વર્ષોના વાણાં વીતી ગયા પછી આમ અચાનક પ્રણવ તેને મળશે તેવું તો તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.

કમલેશના ઘરમાં સૂઇ જવાની સગવડ નહતી એટલે પ્રણવ પોતાની બેગ લઇને મિનલના ઘરે આવ્યો.બારણું ખુલ્લું હતું, તેણે બારણે ટકોરા માર્યા, એટલે અંદરથી અવાજ આવ્યો, જે હોય તે અંદર આવી જાવ,હું અહીં ટેબલ ઉપર ચઢીને સફાઇ કરું છું. એજ બોલવાની સ્ટાઇલ એજ રૂઆબ કશું જ બદલાયુ ન હતુ તેમ પ્રણવ વિચારી રહ્યો હતો.

"મીનુ, હું પ્રણવ છું." પ્રણવે શાંતિથી કહ્યું, પ્રણવનો અવાજ સાંભળતાં જ મિનલને ખૂબ ગુસ્સો આવ્યો, આટલા વર્ષોથી દબાવી રાખેલો ગુસ્સો જાણે આજે એકસાથે બહાર આવી ગયો. તે ટેબલ ઉપરથી નીચે ઉતરી, તેના હાથમાં સાવરણી હતી, સાડીનો છેડો ઉંચે ખોસી દીધેલો હતો.અને રસોડામાંથી બહારના રૂમમાં આવી, ગુસ્સા સાથે બોલી, "કોણ પ્રણવ, હું કોઈ પ્રણવ, બ્રણવને ઓળખતી નથી અને અહીં શું કામ આવ્યા છો કોને મળવા આવ્યા છો ?રમણકાકાને મળવા આવ્યા હોય તો જાવ ઉપર રમણકાકા ઉપર પહોંચી ગયા છે." એક જ શ્વાસે બધું બોલીને ચૂપ થઈ ગઇ.

તેનું મોં જાણે ગુસ્સાથી ફુલી ગયું હતું. તે જાણે પ્રણવ સાથે વાત કરવા પણ માંગતી ન હતી. પણ પ્રણવ આજે તેને મનાવ્યા વગર જવાનો ન હતો.

તેણે મિનલને આજીજી કરતો હોય તેમ પૂછ્યું, " આજની રાત હું અહીં રહી શકું છું ? અને પછી બહારના રૂમમાં ખાટલો ઢાળેલો હતો, ઉપર ગાદલુ પણ પાથરેલુ હતું. પ્રણવે મિનલને ખાટલા સામે હાથ બતાવીને પૂછ્યું, " હું બેસુ અહીં ? " " બેસો" શબ્દ બોલી મિનલ અટકી ગઈ. પ્રણવે વાતની શરૂઆત કરી, " કેમ છે તું ? મજામાં તો છેને ? અને તારા ઘરવાળા મિહિર, એ શું કરે છે ?

મિનલ: મારે તમારી સાથે કોઈ વાત કરવી નથી. તમે શું કામ અહીં આવ્યા. હું બેકાર માણસો સાથે વાત કરતી નથી. મહેરબાની કરીને તમે ચાલ્યા જાવ અહીંથી...અને મિનલે પ્રણવની સામે બે હાથ જોડ્યા....🙏

શું પ્રણવ મિનલ સાથે વાત કરવા માટે રોકાઈ જશે કે નિરાશ થઈને ચાલ્યો જશે?

જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
11/8/2021