Tari chahma... Aek anokhi premkatha - 1 books and stories free download online pdf in Gujarati

તારી ચાહમાં... એક અનોખી પ્રેમકથા - 1

ખેડા જિલ્લાનું છેક છેવાડાનું ગામ, ગામનું નામ રામપુરા હતું. અહીં આવવા-જવા માટે વાહન વ્યવહારની પણ ખૂબજ જૂજ સગવડ આખા દિવસમાં ફક્ત સવારે સાત વાગ્યે એક જ ટ્રેઈન અહીં આવતી, જેણે જવું હોય કે આવવું હોય તેણે આ જ ટ્રેઈનનો ઉપયોગ કરવો પડે. ગામની વસ્તી પણ ખૂબ ઓછી. પૈસે ટકે પણ બહુ સુખી ગામ નહીં પ્રણવ અહીંનો રહેવાસી હતો આજે તેનો કાકાનો દીકરો કમલેશ ગુજરી ગયો હતો અને તેનું બેસણું હતું, જે તેનો મિત્ર પણ થતો હતો તેથી તેને અહીં આવવું પડ્યું હતું.

ઘણાં વર્ષો પછી પ્રણવે આ ગામમાં પગ મૂક્યો હતો લગભગ ચાલીસેક વર્ષ પછી પણ, એનું એ જ સ્ટેશન... એ જ ટ્રેઈન....એ જ વાતાવરણ કંઈ જ બદલાયું ન હતું...!! બસ, બદલાયો તો ફક્ત સમય હતો...!!
જ્યારે તેણે ગામ છોડ્યું ત્યારે તે એકવીશ વર્ષનો હતો અત્યારે તે એકસઠનો થઈ ગયો હતો...!!
અત્યાર સુધીમાં ઘણાંબધા પ્રસંગો અને કારણો આવીને ગયા પણ પ્રણવ આ ગામમાં આવવાનું ટાળતો જ રહ્યો.આજે નાછૂટકે તેને આવવું પડ્યું હતું માટે તે આવ્યો હતો.

ઘણી બધી જૂની યાદો સંકળાયેલી હતી આ ગામ સાથે તેની જે યાદ કરતાં તે દુઃખમાં ડૂબી જતો હતો.

આજે આ ખરાબ પ્રસંગ આવ્યો હતો તેથી તે પોતાની બેગમાં બે જોડી કપડાં લઈને આવ્યો હતો કે કદાચ, એક-બે દિવસ રોકાવું પડે તો..!!

ગામડામાં તો કોઈ માણસ ગુજરી જાય તેનો ખૂબ શોખ રાખવો પડે, પણ કમલેશભાઈ તો ઉંમરલાયક હતા અને તેમની પાછળ લીલીવાડી મૂકીને ગયા હતા, એટલે આખાય ગામને લાડવા જમાડવા પડે તેવો રિવાજ એટલે સવારે બેસણું રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ દાળ, ભાત, શાક લાડુનું જમણ હતું.

કમલેશભાઈ નું ઘર નાનું અમથું હતું, તેમાં પણ બે દીકરાઓ, બે વહુઓ અને બે ત્રણ બાળકો એટલે આખું ઘર ભરેલું ભરેલું લાગે. બધા એક જ ઘરમાં રહેતા તેથી પ્રણવને થયું કે મને રાત્રે અહીં સુઈ જવાની તકલીફ પડશે.

ઘરની બહાર બધાને જમવા માટે બેસાડ્યા હતા.પહેલા જેન્ટસને જમવા બેસાડ્યા, પ્રણવ પણ જમવા બેઠો હતો. એક પછી એક બધા પીરસવા આવતા હતા.મિનલનો વારો આવ્યો, તે પ્રણવને પીરસી રહી હતી. એક લાડુ ખાધા પછી તેણે બીજો લેવાની ના પાડી એટલે તરત જ અવાજ આવ્યો કે તમને તો લાડુ બહુ ભાવે છે. તો લોને (આવું બોલનાર બીજું કોઈ નહિ પણ મિનલ હતી, જે પ્રણવને રગેરગ ઓળખતી હતી.) મિનલનો અવાજ સાંભળી પ્રણવ ચોંકી ઉઠ્યો.

આટલા વર્ષો પછી પણ તે મિનલનો અવાજ ઓળખી ગયો.એટલો જ મીઠો અને પ્રેમાળ અવાજ હતો એ. તેણે માથું ઉંચુ કરીને જોયું તો મિનલ સામે ઉભી હતી.બધાની હાજરીમાં તે મિનલ સાથે કંઇ વાત કરી શક્યો નહિ.

મિનલ એટલે રમણભાઇ અને રધિકાબેનની દીકરી, તેમને બે દીકરીઓ હતી એક અર્ચના જેને ઘરમાં બધા અર્ચુ કહેતા અને બીજી મિનલ,જેને ઘરમાં બધા મીનુ કહેતા. રમણભાઇની આર્થિક પરિસ્થિતિ સાવ સામાન્ય હતી. ગામની કરિયાણાની દુકાનમાં નોકરી કરતા એટલે ખાવા જેટલું સીધું-સામાન અને થોડાઘણાં પૈસા મળી રહે. બંને દીકરીઓ દેખાવમાં ખૂબ રૂપાળી હતી. અર્ચુ ભણવામાં સારી હતી પણ સાત ધોરણ સુધી ભણાવીને તેને સ્કૂલમાંથી ઉઠાવી લીધી હતી અને નજીકના ગામમાંથી સારું માંગું આવ્યું એટલે સોળ વર્ષની નાની ઉંમરે તેને પરણાવી દીધી હતી.

બીજી દીકરી મિનલ ભણવામાં ખૂબજ હોંશિયાર હતી. રૂપાળી તો
એટલી હતી કે આખા ગામમાં તેનો પહેલો નંબર આવે. બોલવામાં પણ એકદમ ચાલાક, હિરણી જેવી તેનામાં ચંચળતા, નાની એટલે ઘરમાં બધાને ખૂબ વ્હાલી, પપ્પાની તો તે ખૂબજ લાડકવાયી.

મિનલ અને પ્રણવ એક જ ક્લાસમાં ભણતાં હતાં. બંને નાના હતા ત્યારથી મિત્ર હતા. પ્રણવને ભણવાનું બિલકુલ ગમતું નહિ તેથી તેનું સ્કૂલનું લેસન પણ મિનલ જ કરી દેતી. જેથી તેને મુકેશભાઈ સાહેબની સોટી હાથમાં ખાવી ન પડે. મિનલનો આખા ક્લાસમાં પહેલો નંબર આવે. પોતે તો ભણે પણ આજુબાજુના બધા છોકરાઓને ભેગા કરી પોતાના ઘરે ભણાવે.

પ્રણવ અને મિનલની મિત્રતા, મોટાં થતાં ગાઢ બની. હવે બંને દશમાં ધોરણમાં આવી ગયા હતા. એક વખત મિનલ ખૂબ બીમાર પડી ગઈ તેથી ચાર-પાંચ દિવસ સ્કૂલમાં આવી શકી નહિ. પ્રણવ દરરોજ તેની રાહ જોતો સ્કૂલની બહાર બેસી રહેતો.ચાર-પાંચ દિવસ સ્કૂલમાં આવી શકી નહિ.

એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ થયા પણ મિનલ સ્કૂલમાં આવી શકી નહિ. પછી તેણે મિનલની ફ્રેન્ડ કેતલને પૂછ્યું કે મિનલ કેમ સ્કૂલમાં નથી આવતી તો ખબર પડી કે તે ખૂબ બીમાર પડી ગઈ છે. પ્રણવ સ્કૂલમાં જવાને બદલે મંદિર જતો અને કલાકો સુધી ત્યાં બેસી રહેતો અને ભગવાનને પ્રાર્થના કર્યા કરતો કે મિનલ જલ્દીથી સાજી થઈ જાય અને સ્કૂલમાં આવે.

પાંચ દિવસ પછી જ્યારે મિનલ સ્કૂલમાં આવી ત્યારે પ્રણવને શાંતિ થઇ,જાણે તેના જીવમાં જીવ આવ્યો. તે દિવસે તેને એવો અહેસાસ થયો કે હું મિનલને ચાહવા લાગ્યો છું અને મારે તેને આ વાત કરવી જોઈએ.

એક દિવસ સ્કૂલેથી છૂટીને બંને જણ ચાલતા ચાલતા ઘરે જઇ રહ્યા હતા, ત્યારે પ્રણવે મિનલને કહ્યું કે, "મિનલ, હું તને ખૂબજ પ્રેમ કરું છું અને તારા વગર રહી શકતો નથી. તું આટલા દિવસ સ્કૂલે ન હતી આવી તો હું સ્કૂલમાં પણ ગયો ન હતો."

મિનલ એકદમ જોરથી હસવા લાગી....!
શું મિનલના દિલમાં પ્રણવ માટે પ્રેમ હતો? પ્રણવ અને મિનલ વચ્ચે આગળ શું વાત થશે? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
21/7/2021


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED