એક હરિયાળો પ્રવાસ - 3 Divya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હરિયાળો પ્રવાસ - 3

જમ્યા પછી અમને રાતસુધી સાપુતારા સાઇટસીન નો સમય આપ્યો હતો જેને જવું હોય તે જાય બાકી આરામ કરે પણ અમે તો યેહ જવાની હૈ દીવાની ની અદિતિની જેમ નક્કી કરીને ગયેલા કે સાપુતારા કા ચપ્પા ચ્પ્પા છાન મારેંગે એટલે વહેલા માં વહેલી તકે કેમ્પસાઇટ પરથી સાત-આઠ જણા ભેગા નીકળી પડ્યા નીકળતા પહેલા એકવાર ઇન્સ્ટ્રક્ટર ને પૂછી લીધું હતું કે કયા રસ્તેથી ક્યાં જવાય છે અને કઈ કઈ જગ્યા જોવા જેવી છે કારણ કે સાપુતારામાં મોબાઈલ નેટવર્ક તો છે જ નહીં એટલે ગૂગલબાબા ત્યાં મદદરૂપ નહોતા થવાના જો ભૂલા પડ્યા તો હરી હરી...

અમે સાપુતારા દર્શનની શરૂઆત સાપુતારા લેકથી કરી. ત્યાં ખૂબ જ ભીડ હતી કેટલાક લોકો બોટિંગ કરી રહ્યા હતા, કેટલાક બોટિંગ કરવા ટિકિટ ની લાઇનમાં ઊભા ધક્કા-મુક્કી કરી રહ્યા હતા, નવદંપતિઓ ત્યાં ફૂલોથી સજાવેલી સાઇકલ માં બેસીને ફોટોશૂટ કરાવી રહ્યા હતા, નાના બાળકો તળાવની બહાર આવેલા ગાર્ડનમાં હીંચકા લપસણી ખાઈ રહ્યા હતા તો તળાવ ની એક તરફ કોઈ લોકકલાકાર નો લાઈવ કોન્સર્ટ કહી શકાય તેવો પ્રોગ્રામ ચાલી રહયો હતો ત્યાં પણ ઘણા લોકો જઇ રહ્યા હતા પ્રોગ્રામમાં લોકો સંગીત ના તાલે મનમૂકીને ઝૂમી રહ્યા હતા આ નજારો તળાવની બીજી બાજુ અમને ચાલતા દેખાતો હતો જેની અમે મફતમાં મજા માણી રહયા હતા. સાપુતારા લેક પછી અમે રોઝ ગાર્ડન ની મુલાકાત લેવા ગયા પણ ત્યાં રોઝ ગાર્ડનના નામ માં જ રોઝ છે બાકી ગાર્ડન માં ગુલાબ કરતાં બીજા ફૂલો ના જ છોડ વધુ છે તે જગ્યાએ જઈને થોડી અસંતોષની લાગણી ઊભી થઈ ત્યાં પણ અન્ય પ્રવાસીઓ ફોટા પાડીને યાદો ને કેદ કરી રહ્યા હતા. રોઝ ગાર્ડન થી પાછા ફરતી વેળાએ અમે સાપુતારાની બજાર માથી પસાર થયા ત્યાનાં લોકલ ફૂડને ચાખ્યું અને પાછા તળાવના કિનારેથી જ કેમ્પસાઇટ જવા નીકળ્યા તે સમયે થોડું અંધારું થવા લાગ્યું હતું ખીલેલી સંધ્યા ઢળી રહી હતી તેથી રંગબેરંગી લાઇટની રોશની કરવામાં આવી હતી જેનું પ્રતિબિંબ તળાવના પાણીમાં પડી રહયુ હતું આ દ્રશ્ય આપડા કાંકરીયા અને રિવરફ્રન્ટ ની યાદ અપાવતું હતું.

આ સમયે જ અમારા ગ્રૂપમાંથી બે સહેલીઓ વિખૂટી પડી ગઈ પછી તો અમે શોધખોળ ચાલુ કરી કે આ બે જણા સાથે જ હતા ને ક્યાં જતાં રહ્યા એમાં થયું તું એમ કે તે બે જણા તળાવની બીજી સાઈડના રસ્તે વળી ગયા હતા જેની અમને જાણ નહોતી એટલે અમે શોધવા લાગ્યા પણ તે ક્યાંય મળ્યા નહીં પાછું ત્યાં નેટવેર્ક પણ નહીં એટલે સંપર્ક પણ ન થઈ શકે ઉપરથી તે બંને જોડે રોકડા રૂપિયા પણ નહોતા કેસલેસ ઓનલાઇન પેમેન્ટના ભરોસે તે બેઉ આવી ગયેલા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે સાપુતારામાં નેટવર્ક જ નથી ઓનલાઇન પેમેન્ટ તો બહુ દૂરની વાત છે અમે બધા તેમના માટે બહુ ચિંતિત હતા અમે લગભગ અડધો કલાક સુધી તેમની રાહ જોઈને ઊભા રહ્યા કે કદાચ તે બંને પાછા આવશે પણ તેમ ના થયું એટલે અમે તે બે જણા કોઈ બીજે રસ્તે ગયા હશે તો કેમ્પસાઇટ આવી જશે અને જો ત્યાં નહીં પહોંચ્યા હોય તો કઇંક કરીશું આમ વિચારીને કેમ્પસાઇટ જવા ચાલતી પકડી. રસ્તામાં અમે કુદરતી મધ ઉછેર કેન્દ્રો જોયા ત્યાં દર 50-60 મીટર ના અંતરે નાના-મોટા કુદરતી મધ ઉછેર વેચાણ કેન્દ્રો જોવા મળ્યા. એક-બે જણાએ ત્યાંથી મધ ખરીદયું પણ ખરા. પછી અમે સાંજના 6:30 વાગ્યા જેવા કેમ્પ પહોચ્યા ત્યાં જઈને ખબર પડી કે પેલા બે જણા હજુ કેમ્પસાઇટ આવ્યા જ નહોતા એટલે અમે દસ પંદર મિનિટ રાહ જોયા બાદ ઇન્સ્ટ્રક્ટરને વાતની જાણ કરી અને તેઓ ટોર્ચ લઈને શોધવા નીકળ્યા સાપુતારામાં મોટાભાગનાં રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટ ની સુવિધા નથી તેથી ટોર્ચ અને મોબાઈલની ફ્લેશના સહારે તેમને શોધવા ગયા ત્યાં તો થોડેક દૂર પેલી બેઉ સહેલીઓ હાથમાં હાથ નાખી હસતી હસતી વાતો કરતી સામે આવતી દેખાઈ ત્યારે અમારા બધાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો કારણ કે તેમની ચિંતામાં અમે ઝડપથી વધુ સ્થળો જોયા વિના અને લેકસાઈડ ઢળતી સંધ્યાની મજા છોડીને આવ્યા હતા અને તેમને કઈ પડી જ નહોતી. તેમણે પૂછતા ખબર પડી કે તેઓ કઇંક વસ્તુ લેવા વચ્ચે ઊભા રહી ગયા હતા તેમાં છૂટાં પડી ગયા.

ત્યારબાદ ગુસ્સો છોડીને આપડે કુદરતને માણવા આવ્યા છીએ તે યાદ કરી બધુ ભૂલીને સૌએ સાથે રાતનું ભોજન લીધું પછી બધાની ફરમાઇશ પર આયોજકોને વિનંતી કરીને ગરબાનો કાર્યક્રમ ગોઠવાયો કારણકે વરસાદના પગલે કેમ્પફાયર તો શક્ય જ નહોતું અને બીજે દિવસે તો બધાને પાછું ઘર ભેગું થવાનું હતું. સૌ કોઈએ ચાલુ વરસાદે અતિશય ઠંડીમાં ગારા કિચ્ચડ વચ્ચે ગાંડાતૂર બનીને ગરબા રમ્યા પછી વરસાદ વધી જતાં કમને ટેન્ટમાં જઈને સૂતાં. પરંતુ ઊંઘ તો આવી જ નહીં એટલે જેવો વરસાદ બંધ થયો કે અડધી રાતે હું ટેન્ટમાંથી બહાર નીકળી ઠંડી તો કે મારૂ કામ પણ નજારો ઠંડી, વરસાદ બધાને પાછળ છોડી દે તેવો હતો. વાદળોની વચ્ચે જ જાણે ટેન્ટ ગોઠવ્યા ન હોય તેવું લાગતું હતું તેમાં પણ વચોવચ ઊંચાં થાંભલા પર લાગેલી એક માત્ર મોટી લાઇટ ના પ્રકાશ માં પડતો ટેન્ટ નો પડછાયો અને સુસવાટા મારતો પવન કોઈ હોરર મૂવી ના સીન જેવું લાગતું હતું. ઠંડી એટલી વધી ગઈ હતી કે થોડી જ વાર માં હું થીજી ગઈ, નાકમાંથી પાણી વહેવા લાગ્યું તેથી પાછી અંદર ચાલી ગઈ.

તે પછી ના દિવસે એટલે કે કેમ્પના ત્રીજા દિવસે સવારે હજુ એક ટ્રેક પર જવાનું હતું અને તે દિવસે 15 ઓગસ્ટ, સ્વાતંત્ર દિન હતો તેના ઉપક્રમે ટ્રેક પર ટોચ પર પહોંચીને ધ્વજવંદન કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. સવારના 5 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો ટેન્ટ માં પણ થોડું થોડું પાણી ભરાઈ ગયું હતું એટલે બધાને મનમાં એમ જ હતું કે ટ્રેકિંગ કેન્સલ જ થશે પણ પછી વરસાદ થોડીવાર બંધ થતાં જ ઇન્સ્ટ્રકટર દ્વારા જાણ કરવામાં આવી કે અમેતો ધ્વજવંદન માટે જઈશું જ જેની ઈચ્છા હોય તે આવે ઈચ્છા ના હોય તે ના આવે કોઈને માટે બંધન નથી કેટલાક લોકો ના ગયા બાકીના બધાએ વરસાદમાં ટ્રેકિંગ પણ કર્યું અને ઉપર પહોંચીને ધ્વજવંદન પણ કર્યું. પર્વતના શિખર પર ધ્વજવંદન કરવાનો એક અલગ જ અનુભવ હતો. ધ્વજવંદન બાદ સ્પીકરમાં દેશભક્તિ ના ગીતો વગાડ્યા પછી અનોખો દેશપ્રેમનો ભાવ બધામાં જાગૃત થયો હતો. બધાનો જોશ વધી ગયો હતો તેથી ઝડપથી નીચે ઉતરી ગયા અને બપોરના દોઢ વાગ્યા જેવું કેમ્પસાઇટ પરત ફર્યા. ત્યાં જમીને બધાને પેકિંગ કરી તૈયાર રહેવાનુ કહેવામા આવ્યું હતું. એટલે બધાએ પોત-પોતાના ટેન્ટ માં જઈને વેર-વિખેર વસ્તુઓ એકઠી કરી ભીનાં સૂકા કપડાં ઠેકાણે પાડ્યા અને બીસ્તરાં પોટલાં બાંધીને તૈયાર થઈ ગયાં. ત્યારપછી આજુબાજુના ટેન્ટના થોડા સમય માટેના પડોસીઓ સાથે જેમ વરસો પછી હોસ્ટેલ કે સોસાયટી માંથી વિદાય લેતા હોય તેમ ટ્રીપ પછી પણ સાથે રહેવાના અને મળવાના વાયદા કર્યા, એકબીજાના કોંટેક્ટ નંબર તથા સોશિયલ મીડિયાના પ્રોફાઇલ શેર કર્યા અને થોડીવાર માં ખૂબ બધી વાતો કરી જાણે પછી જીવનમાં ક્યારેય મળવાના જ ન હોઈએ તેમ. ત્યારબાદ સૌ પોત-પોતાની બસમાં ગોઠવાઈ ગયા ને પોતાને ઠામ ઠેકાણે જવા નીકળી પડ્યા.

બસમાં બેસ્યા પછી ઇન્સ્ટ્રક્ટરે જેમ સ્કૂલના પ્રવાસમાં હાજરી પૂરે તેમ અમારી હાજરી પૂરી પછી માતાજીની જય બોલાવીને બસ ઉપાડી. સાપુતારા જવા જયારે અમદાવાદથી નીકળ્યા ત્યારે પોતાના ગ્રૂપ સિવાય કોઈને ઓળખતા નહોતાં અને હવે જ્યારે સાપુતારા થી નીકળ્યા ત્યારે બધાને ઓળખતા થઈ ગયા હતા એટલે જેમ-જેમ બસે વેગ પકડ્યો તેમ-તેમ વાતો, મજાક-મસ્તી અને અંતાક્ષરી એ પણ વેગ પકડ્યો બધાએ ખૂબ હસી મજાક કરી, ફોટોસ પણ શેર કર્યા. થોડીવાર પછી વારાફરથી બધાએ પોતાનો સારો નરસો ટ્રીપ નો અનુભવ જણાવ્યો અને શું નવું શીખ્યા? તેના વિષે પણ વાતો કરી. એવામાં લગભગ બે કલાક જેટલો સમય વિતાવ્યા પછી અમારી બસના ટાયરને પંચર પડ્યું, એક નહીં પાછું બે-બે ટાયર માં સાથે પંચર પડ્યું એટલે અમારી સાથે આવેલી બીજી બસો પણ અમારી મદદ કરવા ઊભી રહી. બધી બસોમાંથી સ્પેર વ્હીલ ભેગા કરીને જેમ-તેમ કરીને બસ ચાલતી થાય તેવા પ્રયત્નો કર્યા આ કામ કરતાં કરતાં એક કલાક જેટલો સમય વીતી ગયો. આ દરમિયાન અમે નીચે ઉતરીને એક વાર ફરી ડાંગની હરિયાળીને મન ભરીને આંખોમાં સમાવવાનો પ્રયત્ન કર્યો. બસને પંચર પડ્યું ત્યારે અમે દુ:ખી થવાને બદલે ખુશ થતાં હતા કારણકે ટાયર બદલે તેટલી વાર અમને બીજી બસમાં રહેલા અમારા ટૂંક સમયનાં પડોસીઓ સાથે ફરી થોડો સમય વિતાવવાનો મોકો જે મળ્યો હતો.

થોડીવાર પછી ટાયર બદલાઈ જતાં બધાએ પોત-પોતાની બસમાં સ્થાન ગ્રહણ કર્યું અને માદરે વતન અમદાવાદ જવા પ્રસ્થાન કર્યું. કલાક જેટલો સમય બરબાદ થયો હોવાથી અમારા ડ્રાઈવર કાકાએ સમયસર અમદાવાદ પહોંચાડવાના કોલ ને પૂરો કરવા બસ ભગાવી વચ્ચે ચા-પાણી ના બે બ્રેક અને એક જમવાના બ્રેક સિવાય ક્યાંય ઊભી રાખ્યા વિના અમદાવાદ તરફ બસ દોડાવી. અમદાવાદ પહોંચતાં સુધી બધાએ એક-એક ઊંઘ લઈ લીધી હતી કેમકે બીજા દિવસે સોમવાર હતો એટલે બધાને કામે જવાનું હોય સ્કૂલ-કોલેજ વાળા ને તો કદાચ રજા પડે તો ચાલે પણ નોકરિયાતને તો બીજો કોઈ ઉપાય જ નહોતો આગળના દિવસોની રજા ની ભરપાઈ જે કરવાની હતી એટલે આરામ કરવો જરૂરી હતો.

આશરે રાત્રિના અઢી વાગે અમે અમદાવાદ પહોંચ્યા બધાના ઘરેથી લેવા આવી ગયા હતા જેને લેવા નહોતાં આવ્યા તેઓ ઉબર ઓલા ના સહારે ઘરે જવા લાગ્યા. મને અને મારી બહેન ને લેવા ભાઈ-ભાભી આવેલા, ગાડીમાં બેસ્યા પછી જેવું ભાઈ એ પૂછ્યું કે કેવું રહ્યું? અમારું મોઢું બંધ જ નહોતું રહેતું અમદાવાદથી નીકળ્યા ત્યાંથી લઈને પાછા ફર્યા ત્યાં સુધી બધુંજ અમારે એક સાથે જ કહી દેવું હતું હરખ અંદર સમાતો જ નહોતો. અમારા ચહેરા પર થાક હતો છતાં પણ પ્રવાસની ખુશી છલકાતી દેખાતી હતી. એ ખુશી પાછળ પ્રવાસની મજા તો ચોક્કસપણે હતી જ પરંતુ પહેલીવાર એકલા ફરવા ગયાનો આનંદ વધુ જણાતો હતો.

મારા મતે, માત્ર દરેક ગુજરાતીએ નહીં પરંતુ દરેક દેશવાસીએ ફોરેન ટ્રીપ કરવા પહેલા પોતાના દેશ ની સફર કરવી જોઈએ. કુદરતે ભારતને પોતાના લાડકા દીકરાની જેમ થોડું વિશેષ જ આપ્યું છે તેનો અહેસાસ થશે. પછી માત્ર અમિતાભ બચ્ચન નહીં, તમે પણ ગર્વથી કહેશો “કુછ દિન તો ગુજારો ગુજરાત મેં...”

-દિવ્યા ‘વિચારો ને વાચા’